પ્રિય વાચકબંધુઓ,

પ્રશ્નો, મુશ્કેલીઓ, વિડંબણાઓ અને પીડામાંથી પસાર ન થયા હોય એવા કેટલા લોકો ? ચાર રસ્તાના ખૂણે મોચી કામ કરીને પેટીયું રળતો છગન હોય કે પછી અબજોનો વેપાર કરતાં મુકેશ અંબાણી કે રતન ટાટા હોય, કે પછી બીલ ગેટ્સ કે બેઝોસ જેફરી હોય. દરેકના જીવનમાં ચડાવ ઉતાર અને મુશ્કેલીઓ આવતી જ હોય છે. જે મુશ્કેલીમાં મુશ્કરાય અને ગમગીનીમાં પણ આનંદથી ગીત ગાય એ જીવનને માણી શકે છે. સવલતોને સુખ સમજવા કરતાં અંતરમનની ચેતનાઓનો ફૂવારો જ સાચાં સુખનો પ્રદેશ છે એ સચ્ચાઇને સમજવી પડે. જીવનમાં જ્યારે સમસ્યા આવે ત્યારે એના ઉકેલ માટે ફાંફા મારવા કરતાં આનંદ આપતાં પ્રસંગોને યાદ કરી હસતાં ખેલતાં આગળ વધવાની કોશિષ જ કામયાબ બનાવે છે. જેમ જીવનમાં કશું મુશ્કેલ નથી એમ જીવનમાં કશું આસાનીથી પણ મળતું નથી. પ્રશ્નો, મુશ્કેલીઓ, તકલીફોને અતિક્રમીને જીવનમાં આનંદનો આફતાબ ખીલવવા માટેના વિવિધ માર્ગોને શબ્દ દેહ આપીને બ્લોગ સ્વરૂપે પ્રસ્તુત કરવાનો નમ્ર પ્રયાસ કર્યો છે. મે ‘આત્મનાદ’ સ્વરૂપે પ્રતિ સપ્તાહ આવતી મારી નિયમિત કોલમમાં જીવનના વિવિધ રંગોને શબ્દ પિંછી વડે કલ્પનાના આકાશને વધુ રંગીન બનાવવાની કોશિશ કરી છે. આશા છે કે, મારી નિયમિત કોલમ ‘આત્મનાદ’નું આ બ્લોગ અવતરણ વાચક મિત્રોને ગમશે.

- પુલક ત્રિવેદી

Friday, 14 July 2017

જન્મની સાથે મૃત્યુ નક્કી છે પણ મરતાં પહેલાં ખુલ્લા આકાશમાં મનભરીને ઉડવાનું છે

જન્મની સાથે મૃત્યુ નક્કી છે પણ મરતાં પહેલાં ખુલ્લા આકાશમાં મનભરીને ઉડવાનું છે
-     પુલક ત્રિવેદી

ઘણાં સમય પછી બે મિત્રો મળ્યા. ઉત્સાહપૂર્વક ભેટીને એકબીજાના હાલચાલ પૂછ્યાં. કલાકો બેસીને મનભરીને વાતો કરી. વર્ષો પછી મળેલા મિત્રની બૌદ્ધિક પ્રગતિ અને વાંચન જોઈને એક મિત્રએ બીજા મિત્રને કહ્યું કે, ‘ યાર, તું તારા આ અનુભવ અને વાંચનને આધારે એક સરસ પ્રોજેક્ટ પ્રોફાઈલ તૈયાર કરી શકે એમ છે અને એ પ્રોજેક્ટ જો તું તારી કંપનીના ચીફને પ્રસ્તુત કરી શકે તો કંપનીને ખૂબ ફાયદો થશે. સ્વાભાવિક રીતે જ કંપની તને રાઈઝ આપશે. મને લાગે છે કે, તારી પ્રગતિ એક ઝાટકે થાય એમ છે.’



પેલા મિત્રએ કહ્યું ‘ ભઈલા, હું જે જગ્યા પર છું ત્યાં ખુશ છું. મારું સ્થાન અને મારું વેતન બંન્ને મને યોગ્ય લાગે છે. જીવનમાં શું લઈને આવ્યા છીએ અને શું લઈને જવાના છીએ ? જે કાંઈ પણ મળ્યું છે એ મારી ક્ષમતા કરતાં પણ ઘણું વધારે છે. હું તો ઈશ્વરનો પાડ માનું છું કે, મને આ સ્થાન પર પહોંચાડ્યો છે.’
મિત્રએ ફરી આગ્રહપૂર્વક જણાવ્યું ‘દોસ્ત, તારામાં ક્ષમતા છે. તારી પાસે આ દિશામાં કામ કરવાની શક્તિ છે. સંજોગો પણ સાનુકૂળ જણાય છે. પછી શા માટે તું તારી જાતને બાંધીને બેસી રહ્યો છે ?’
પેલા મિત્રએ  ફરી પાછો ખોખારીને દ્રઢતાપૂર્વક જવાબ આપ્યો, ‘આ ધન-દોલત કે સત્તા ક્યાં સાથે આવવાની છે. જે મળ્યું છે એનો જ આનંદ છે...’ આવા લોકો એક વાયરસ જેવા છે. જંગલની ભયાનક આગ જેવા છે. બને ત્યાં સુધી આવા લોકોથી હંમેશા છેટા રહેવું સારું. પ્રત્યેક વસ્તુની અને ઘટનાનો એક ચોક્કસ સમય હોય છે. તમામ શક્તિને કામમાં ઓતપ્રોત કરીને આનંદ મેળવવાનો હોય છે. શ્રેષ્ઠતમ સ્થિતિ સુધી પહોંચવાનું હોય. માત્ર કામ જ શું કામ, પરિવારમાં પણ શ્રેષ્ઠ પતિ, શ્રેષ્ઠ પત્ની, શ્રેષ્ઠ પુત્ર કે પુત્રી બનીને રહે એ જ મસ્તીના મહાસાગરમાં મહાલી શકે.  
સામાન્ય રીતે ઘણાં લોકો એમ કહેતા હોય છે કે, હું ‘ગમે એટલી મહેનત કરીશ, મને આનું પરિણામ તો નહીં જ મળે. હું જેની માટે આટલી બધી કુરબાની આપી રહ્યો છું પણ એ મને સાચી રીતે નહીં જ સમજે...’ આવા ડાયલોગ મારીને આગળ વધવાનો પ્રયાસ ન કરીને પલાયનવાદને પ્રોત્સાહન આપવાની જરૂર નથી. મરતી વખતે નેપોલિયન બોનાપાટ જેવા મહારથીનો જનાજો બે હાથ ખુલ્લા રાખીને નિકળ્યો હતો. આવું કહેવાવાળા કામચોર, આળસુ અને થર્ડ કેટેગરીના લોકો હોય છે. એક વાત સમજી લેવી પડે કે, પતંગનો જન્મ જ આસમાનમાં ઉડવા માટે થયો છે. પતંગનું ડેસ્ટીનેશન આકાશમાં ઉડવાનું હોય. એનો અંત તો કપાઈને કે ફાટીને કચરાના ઢગલામાં જ છે, પણ કપાવાની કે કચરામાં પડવાની ચિંતા સાથે પતંગનો જન્મ થતો નથી.
જે કોઈ પણ ક્ષેત્ર પસંદ કરીએ એ ક્ષેત્રમાં સૌથી ઉપર બેસવાની તમન્ના રાખવી જોઈએ. ક્ષેત્રના શ્રેષ્ઠ માણસો સાથે રહેવાનો પ્રયાસ કરવો જોઈએ. શિખર પર બેઠેલા લોકો સાથે બેસવાથી મન અને હૃદય કેળવાય છે. મારે પણ આજે નહીં તો કાલે એક દિવસ આ શિખર પર બેસવાનું છે એવા નક્કર વિચારોના મૂળીયા નંખાવા જોઇએ.. મારે પણ ખતમ થવાનું છે અને બીજાએ પણ એક દિવસ ખતમ થવાનું છે. શા માટે ખોટી હાય-વોય કરવી ? એવી માનસિકતાવાળા લોકોથી હંમેશા બચતા રહેવું જોઈએ. આવા લોકો, કેન્સર જેવા છે. ન પોતે આગળ વધે, ન બીજાને આગળ વધવાની પ્રેરણા આપી શકે. વેપાર કરો તો સંબંધિત ક્ષેત્રના શ્રેષ્ઠ વેપારી સાથે બેસવાનું રાખો. વ્યવસાય કરો કે નોકરી કરો કે પછી અભ્યાસ કરો, શિખર પર બેસેલા વ્યક્તિ સાથે સંપર્ક રાખવાની દ્રષ્ટિ કેળવવી જરૂરી છે.



જે લોકો એમ કહે કે, વધુ ધનદોલત લઈને શું કરવું છે ? આખરે તો એક દિવસ ખાખમાં જ મળવાનું છે ને ? આવા લોકો અત્યંત ખતનાક આડાસર પેદા કરતાં હોય છે. આવા લોકો આખા સમાજમાં નકારાત્મકતાનું નરક ફેલાવે છે. આવા લોકોને કહેવુ પડે કે ભાઇ, તું મહેનત કરવાનુ ચાલુ રાખ. તુ જે વાધારે સમજે છે એવા તારા વધારાના રૂપિયા દાનમાં આપવાનો વિકલ્પ છે તારી પાસે. માઈક્રોસોફ્ટ કંપનીના બીલ ગેટ્સે તેની સંપત્તિ દાનમાં આપી પણ પુરુષાર્થ, મહેનત અને શ્રેષ્ઠતા સાઈડ પર ન મૂકી. વોરેન બફેટ, હિન્દુસ્તાનના અજીમ પ્રેમજી, ફેસબુકવાળો તરવરીયો યુવાન માર્ક ઝુકરબર્ગ કેટ કેટલા મજબૂત દાખલાઓ છે કે, જેમણે કામની ગતિને ઓછી ન કરી અને જરૂરતથી વધારે સંપત્તિ સમાજના ઉત્કર્ષ માટે દાનમાં આપી અલગ તારવી છે.
વિચાર એ કરવાનો રહે કે, જેટલી  યોગ્યતા અને ક્ષમતા છે અને જેટલી સફળતા મળવી જોઇએ, તેટલી સફળતા મળી છે ખરી  ? જો આ પ્રશ્નનો જવાબ ‘હા’માં મળે છે, તો એ વ્યક્તિ માનસિક રીતે બિમાર છે. સફળતા માટે તો આકાશ પણ ઓછું પડે. આ તો એવી વાત થઈ કે, ૧૦ કિલોમીટર દોડવાની તાકાત છે પણ ૨ કિલોમીટર દોડીને ઊભા રહી જવાય. પાછળ જોઈએ તો અડધા કિલોમીટર દોડીને હાંફી ગયેલો અને ઊભો રહી ગયેલો વ્યક્તિ પણ છે. એના કરતાં તો બે કિલોમીટર દોડેલો વ્યક્તિ આગળ છે જ. પાછળ ઉભેલા વ્યક્તિને જોઈને એનાથી તો આગળ છું એમ વિચારવુ જ હોનારત સર્જનારી અને એલાર્મિંગ પરિસ્થિતિ છે.  આ પછાડનારી માનસિકતા છે. એમાંથી બહાર આવવું પડે. જે જન્મ્યો છે તેણે મરવાનું છે એ નક્કી છે પણ મરતાં પહેલાં આસમાનમાં ઊડવાનુ છે. પોતાની જાતને પ્રશ્ન પૂછવો પડે કે, જે ક્ષેત્રમાં છીએ એ ક્ષેત્રમાં શ્રેષ્ઠ બની શક્યા છીએ કે નહીં ? પૃથ્વી પર જન્મ શા માટે લીધો છે ? ધરતી પર બોજ બનવા માટે જન્મ લીધો છે કે પછી ટાઈમ પાસ કરવા માટે સમયના વહેણની ઉપર હલેસા મારીને વર્ષો પસાર કરી રહ્યાં છીએ...!
ત્રણ કક્ષાના લોકો હોય. એક માત્ર ટકી રહેવા જેટલું જ કામ કરતાં હોય. જેને ‘સર્વાઈવલ ગ્રેડ’ના એટલે કે, સાચવીને ચાલવાવાળા લોકો કહેવાય. બીજા એવા લોકો હોય કે, જે જરૂર જેટલી જ મહેનત કરે. થોડી પણ વધારે કે ઓછી મહેનત ન કરે. આવા લોકો ‘પોઝીશન મેઈન્ટેઈનીંગ ગ્રેડ’ના એટલેકે પોતાનુ સ્થાન જાળવી રાખવાની કક્ષાના હોય છે. અને ત્રીજા એવા લોકો હોય છે કે, જે આવશ્યકતા કરતાં અને સરેરાશ કામ કરવાવાળા કરતાં ઘણાં આગળ હોય અને ઘણું વધારે કામ કરતાં હોય આવા લોકો ‘ટોપ ગ્રેડ’માં એટલે કે અવ્વલ કક્ષામાં આવતા હોય છે.



મહાન બનેલા પાંચ-સાત વ્યક્તિઓની આત્મકથા વાંચો તો દરેક આત્મકથાનું સારતત્વ એક સરખુ જ લાગશે. શ્રેષ્ઠતા ભણી પહોચવાની દોડના માર્ગમાં આવતી મુશ્કેલીઓ લગભગ એક સરખી જણાશે. પારિવારિક તકલીફો, મિત્રોની મજાક, સાથીઓની ખેંચતાણ વગેરે વગેરે પ્રશ્નો એક સમાન જ હોય. પણ સ્વરૂપ કદાચ જૂદા હોય. વ્યક્તિની ઉંચાઈ આસપાસના લોકોની કક્ષા ઉપરથી નક્કી થતી હોય છે. પ્રત્યેક ઉંમરની એક અલગ મોજ હોય છે. દરેક અવસ્થામાં અનુભવના નીચોડનો આનંદ અને કાર્ય કરવાનો તરવરાટ હોય છે. પ્રત્યેક ઉમર અનુભવની અબજ રૂપિયાની ગલીમાંથી પસાર થતી હોય છે. મુસીબતો જીવનની સચ્ચાઈ છે. અમેરિકાના સૌથી લોકપ્રિય રાષ્ટ્રપતિ અબ્રાહમ લિંકનનું બાળપણ ખૂબ જ ગરીબીમાં વિત્યું. એવી જ રીતે ભારતના જાણીતા ગણિતજ્ઞ શ્રીનિવાસ રામાનુજની આર્થિક સ્થિતિ પણ અત્યંત નબળી હતી. નેલ્સન મંડેલા, કર્નલ એન્ડર્સ, વોલ્ટ ડિઝની જેવા ઘણા સફળ લોકોએ પોતાના જીવનમાં પારાવાર મુશ્કેલીઓનો સામનો કર્યો છે. ગરમ ચાની ઉપર જામેલી તોર જોઇ છે ને ! તોરને ફૂંક મારો અને પછી મોજથી ચાનો ઘુંટડો ગળા નીચે ઉતારો. મુસીબતોનું પણ એવું જ છે ચા પર જામેલી તોરને મારવામાં આવતી ફૂંકની જેમ મુસીબતોને ફૂંક મારો, એને દૂર હડસેલો અને પછી સફળતાની ગરમા ગરમ ચાની ચૂસકી મારો...

ધબકાર :

લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે જરૂર છે, દમદાર સંકલ્પની. ઉડવા માટે પાંખો કરતાં વધુ જરૂર હોય છે દ્રઢ સંકલ્પની.



કેટલીક દાદુ એપલિકેશન્સથી વિન્ડોઝ ઓએસનો વધુ સ્માર્ટલી ઉપયોગ થઇ શકે છે

કેટલીક દાદુ એપલિકેશન્સથી વિન્ડોઝ ઓએસનો વધુ સ્માર્ટલી ઉપયોગ થઇ શકે છે
-      પુલક ત્રિવેદી 
આજના આધુનિક યુગમાં મેન, મશીન અને મિશન આ ત્રણનું ગજબનું કોમ્બિનેશન હોવુ જોઇએ. માત્ર અઢી-ત્રણ દાયકા પહેલાં કોઈપણ કાર્ય માટે જે ગાણિતિક પ્રક્રિયાઓ માટે કલાકો, દિવસો અને વર્ષો પસાર થતાં તે આજે ઘડીના છઠ્ઠા ભાગમાં સેકંડો અને મિનિટોમાં પુરું થઈ જાય છે. જેમ જેમ ટેકનોલોજીકલ આવિષ્કારો વધતાં જાય એમ  કામની સરળતા અને સફળતાના ઈક્વેશનો પલટાતાં ગયા.  બીલ ગેટ્સ અને પોલ એલેન નામના બે તરવરીયા યુવાનોએ ૧૯૭૫માં માઈક્રોસોફ્ટ કંપનીની સ્થાપના કરી. માઈક્રોસોફ્ટની ટીમે ત્રણ દાયકા પહેલાં ૧૯૮૮માં આઈબીએમના સહયોગથી ‘NTOS/2’ નામથી ઓળખાતી ઓપરેટીંગ સીસ્ટમ-૨નો આવિષ્કાર કર્યો. ત્યારે બીલના મગજમાં દુનિયાની ઓપરેટીંગ સીસ્ટમમાં આમૂલ પરિવર્તનનો મજબૂત કોન્સેપ્ટ આકાર લઈ ચૂક્યો હતો. અત્યારે માઈક્રોસોફ્ટ કંપનીના કી પર્સન એટલે કે ચેરમેન જ્હોન થોમસન અને પ્રેસિડેન્ટપદે બ્રાડ સ્મિથ છે. માઈક્રોસોફોટના સીઈઓ હિન્દુસ્તાનના ભડવીર સત્ય નડેલા છે.



માઈક્રોસોફ્ટ કંપનીની વાર્ષિક નેટ ઈન્કમ ૧૬.૭૬ બિલિયન ડોલર છે. કંપનીની કુલ અસ્ક્યામત ૧૯૩.૬૯ બિલિયન ડોલર છે. માઈક્રોસોફોટ કંપનીમાં કુલ ૧,૧૪,૦૦૦ માણસો કામ કરી રહ્યા છે. કંપનીનું કુલ ઈકવિટી ભંડોળ ૭૧.૯૯ બિલિયન ડોલર છે. માઈક્રોસોફ્ટની સોફ્ટવેર, હાર્ડવેર, કન્ઝયુમર ઈલેક્ટ્રોનિક અને ડિઝિટલ ડીસ્ટ્રીબ્યુશનમાં દહાડ છે. માઈક્રોસોફ્ટ કંપનીની કમાણી, કામગીરી, ઉપયોગિતા, કર્મચારીઓ વિશે ઘણું લખાયું છે. પણ આજે વાત કરવી છે, માઈક્રોસોફ્ટની વિન્ડોઝ ઓપરેટીંગ સીસ્ટમને વધુ બહેતર કરતી ઉપયોગી એપ્લિકેશન અને સીસ્ટમની.
ઓકટોબર ૨૫, ૨૦૦૧માં માઈક્રોસોફ્ટે વિન્ડોઝ-XP ઓપરેટીંગ સીસ્ટમ દુનિયા સમક્ષ મુકી. વિન્ડોઝની XP હોમ એડિશન અને પ્રોફેશનલ એડિશન બન્નેએ જબરું કાઠું કાઢ્યું અને પછી એપ્રિલ-૧૪, ૨૦૦૯માં ટેબલેટ પીસીમાં પણ એક્ષપી વર્ઝને ધુમ મચાવી.  ત્યારબાદ ૨૦૦૭માં વિસ્ટા લોન્ચ થયું. જોકે કોઇ કારણસર વીસ્ટા માર્કેટમાં એટલું સ્થાન ન જમાવી શક્યું. ત્યાર પછી ૨૦૦૯માં વિન્ડોઝ-૭, અને ૨૦૧૨માં વિન્ડોઝ-૮ અને ૮.૧ માઈક્રોસોફ્ટે લોન્ચ કર્યા. અને છેલ્લે ૨૦૧૪ની ૩૦મી સપ્ટેમ્બરે માઈક્રોસોફ્ટે વિન્ડોઝ-૧૦ માર્કેટમાં મૂક્યું. ૨૦૧૫માં વિન્ડોઝ-૧૦ને વર્ઝન ૧૫-૧૧થી અપડેટ પણ કર્યું.
માઈક્રોસોફ્ટના ઓપરેટિંગ સિસ્ટમ વિન્ડોઝનો આટલો ટૂંકો ઇતિહાસ સમજવો જરૂરી છે. હવે મહત્વપૂર્ણ વાત એ છે કે, પીસી, લેપટોપ, ટેબલેટ કે પછી મોબાઈલમાં વિન્ડોઝ ઓપરેટિંગ સીસ્ટમનો આજે જે ઉપયોગ થઈ રહ્યો છે, એને વધારે ઉપયોગી અને પરિણામલક્ષી બનાવવા માટે શું કરી શકાય ? એમાં કયા નવા વધારાની એપ્લિકેશન કે પ્રોગ્રામને જોડીને વધુ ઉપયોગી બનાવી શકાય.



‘વર્ડ વેબ’ નામની એક એવી મજેદાર ફેસેલિટી છે કે, જે કોઈપણ શબ્દના અર્થને સરસ રીતે સમજાવી શકે છે. આ શાનદાર એપ્લિકેશનમાં શબ્દનો અર્થ તો જાણવા મળે જ છે પણ સાથે સાથે એના સમાનાર્થી શબ્દો પણ આ સોફ્ટવેર એપ્લીકેશન પુરા પાડે છે. સાહિત્યકારો અને શબ્દથી જોડાયેલા મિત્રો માટે આ યુટિલિટી ખૂબ ઉપકારક પૂરવાર થાય છે. આનો ઉપયોગ કરવા માટે hptt//www.wordweb.info/free/ ઉપર જઈને આનંદથી શબ્દોના સાથિયા સજાવી શકાય. પણ એટલુ યાદ રાખવુ જોઇએ કે કોમ્પ્યુટર આખરે તો મશીન છે. માણસની મર્યાદાઓ હોય તો મશીનની પણ મર્યાદાઓ હોય જ. ક્યારેક અપેક્ષા મુજબના શબ્દો ન પણ સાંપડે પણ બાય એન્ડ લાર્જ મઝાની એપ્લીકેશન છે.
‘સુમો’ એક એવું અપડેટ મોનીટર છે કે જે પીસીમાં ઈન્સ્ટોલ કરવામાં આવેલા તમામ પ્રોગ્રામને એની નજર હેઠળ રાખે છે. જ્યારે પણ એ પ્રોગ્રામનું અપડેશન ઉપલબ્ધ હોય ત્યારે એની જાણકારી આપે છે. જ્યારે પણ પીસી ઓન કરો ત્યારે સોફટ્વેર અપડેશન માટે વારંવાર જે સૂચનાઓ આવતી હોય છે અને સમય બગડે તથા મગજ પણ છટકે. આમાંથી આ સોફ્ટવેર દ્વારા મુક્તિ મળે છે. વારંવાર આવતી અપડેશનની સૂચનાઓ કામ કરતી વખતે ઈરિટેશન પેદા કરતી હોય છે. આ માટે hptt//www.kcsoftwares.com/?sumo ઉપરથી ‘સુમો’ની વિગતો ઉપલબ્ધ થઈ શકે છે અને અપડેશન ઇન્ડીકેશનના હથોડામાંથી મુક્તિ પ્રાપ્ત થઇ શકે છે.  
ઘણીવાર પીસી ઉપર ઈન્સ્ટોલ કરવામાં આવેલા પ્રોગ્રામ જ્યારે અનઈન્સ્ટોલ કરવામાં આવે ત્યારે તે સંપૂર્ણ રીતે પીસીની જગ્યા ખાલી કરતાં નથી. તેનો અમુક એરિયા પીસીમાં જગ્યા રોકીને પડ્યો પાથર્યો રહેતો હોય છે. આવા સંજોગોમાં કોઈ એવી એપ્લિકેશન હોય કે જે ન જોઈતા પ્રોગ્રામને માથાના વાળથી પગના નખ સુધી ઉખાડીને દુર કરી દે. આવી મજબૂત એપ્લિકેશન સીસ્ટમ કારગત નીવડે તો કામ થાય. ‘ રેવો અનઈન્ટોલર ‘ પેલી અનચાહે બાલોકો મનચાહે તરીકે સે નીકાલો... એડવર્ટાઈઝની જેમ ‘ અનચાહે પ્રોગ્રામ્સ કો મનચાહે તરીકે સે નીકાલ દેગા...’ રજીસ્ટ્રીમાં કરેલા બદલાવ અને બનાવાયેલા ફોલ્ડર્સને પણ રેવો અનઈન્ટોલર ઘડીના છઠ્ઠા ભાગમાં સંપૂર્ણ રીતે ઉડાડી દે છે. hptt//www.revouninstoller. com/revo_uninstoller_free_download.html ઉપર જઈને આ એપ્લિકેશનનો બિન્દાસ ઉપયોગ કરી શકાય.
‘ વિસ્ટા સ્વીચર’ ની મદદથી ઓલ્ટર+ટેબનો વિકલ્પ વધુ મજેદાર અને સરળતાથી થઈ શકે છે. ‘ વિસ્ટા સ્વીચર’ના મલ્ટીટાસ્કીંગ પેન ખોલેલા તમામ પ્રોગ્રામ્સ અને ફોલ્ડર્સનું સ્માર્ટ લીસ્ટ બનાવી દે છે. જેને પરિણામે એક સાથે જેટલાં પણ કામ ચાલતા હોય એ તમામની કામગીરી ખૂબ આસાન બની જાય છે. hptt//www.ntwind.com/software/vistawitcher.html ઉપરથી ‘ વિસ્ટા સ્વીચર ’ એપ ડાઉન લોડ કરી સમયનો સ્માર્ટ ઉપયોગ થઈ શકે છે.
પીસી પર – ડેસ્કસ્ટોપ પર અવ્યવસ્થિત ફાઈલ અને ફોલ્ડરોના આઈકોન્સને ‘ ફેન્સ ‘ એપ્લિકેશનથી સુવ્યવસ્થિત રીતે રાખીને સ્પેસનો બચાવ કરી શકાય. ‘ ફેન્સ ‘ આઈકોન્સમાં ગ્રુપ બનાવીને વધારે વરચ્યુઅલ સ્ક્રીન સ્પેસ આપવા માટે ઉપયોગી બની શકે છે. ‘ ફેન્સ ‘ની મદદ લેવા માટે hptt//www.stardock.com/ product/fences/ ઉપર જવાનુ રહે.
‘ ઈરફાનવ્યૂ ‘ એપ્લિકેશન પીસીના ફોટોઝને ખૂબ સરસ રીતે મેનેજ કરે છે. ફોટોના સ્લાઈડ શો, તસવીરોનું ક્રોપીંગ, રીસાઈઝીંગ વગેરે ‘ ઈરફાનવ્યૂ ‘ એપ્લિકેશન સાથે સરળતાથી અને ઝડપથી થઈ શકે છે. પરિણામે સ્ટોરીઝ સાથે એને અનુરૂપ તસવીરોની સાઈઝ અને વ્યૂ અનુકૂળતા મુજબ ગોઠવી શકાય છે. hptt//www.irfanview.com/main_download_engl.htm ઉપર જઈને ઈનફાનવ્યૂ દ્વારા મજેદાર તસવીરોનો રોમાંચ મેળવી શકાય.
એક સાથે અનેક વિષયો ઉપર જ્યારે કામ કરવાનું હોય ત્યારે જુદી જુદી ફાઈલો ખોલવાની આવશ્યકતા રહે છે. આ માટે ‘ ફાઈલ ઓપનર ‘ એપ્લિકેશન ઉપયોગી થઈ પડે. આ સોફ્ટવેર ૮૦થી વધારે પ્રચલિત ફાઈલ ટાઈપ્સને સપોર્ટ કરે છે. ‘ ફાઈલ ઓપનર ‘ની મદદથી ઓફિસ ફાઈલ, ઈમેજ ફાઈલ, વિડીયો ફાઈલ, પીડીએફ ફાઈલ, કોડ ફાઈલ, વેબ પેજીસ વગેરે આસાનીથી ખોલી શકાય છે. ફાઈલ ઓપનર માટે hptt//www.free_opener.en.softonic.com/ ઉપરથી વિગતો મેળવી શકાય.
‘ એવરીથીંગ ‘ નામની સુપરચાર્જ સર્ચ યુટિલીટી પીસીના બેકગ્રાઉન્ડમાં ચાલતી હાર્ડડ્રાઈવ પર ઉપલબ્ધ તમામ ફાઈલનું ઈન્ડેક્ષિંગ તૈયાર કરે છે. માત્ર ફાઈલનું નામ ટાઈપ કરીએ એટલે ફટાફટ એના રીઝલ્ટ આ એપ્લિકેશન આપવા માંડે છે. આ એપ્લિકેશનના કારણે સર્ચિંગ પ્રોસેસ ખૂબ આસાન થઈ જતી હોય છે. આનો ઉપયોગ કરવા માટે hptt//www.voidtools.com/download.htm ઉપરથી ડાઉનલોડ કરી શકાય.
ડાઉનલોડ કેપેસીટી જેટલી ઝડપી એટલો કામનો આનંદ વધુ. ‘ ઈગલ ગેટ ‘ એક એવી એપ્લિકેશન છે કે જે ડાઉનલોડ મેનેજર તરીકે અદભુત ભૂમિકા ભજવે છે. ઈગલ ગેટ ડાઉનલોડ કરાતી તમામ ફાઈલ્સની સ્પીડ વધારી શકે છે. સામાન્ય રીતે ‘ ઈગલગેડ ‘ બ્રાઉઝર્સની સાથે ઈન્ટિગ્રેટ થઈ જતું હોય છે. પરિણામે ઓનલાઈન ટ્રીમીંગ વિડિયોઝ ડાઉનલોડ થઈ શકે છે. ઈગલગેટનો ઉપયોગ કરવા માટે hptt//www. eagleget.com/download/ ઉપર જવાનું રહે.
આખો દિવસ સતત કોમ્પ્યુટર પર બેસીને જે મિત્રો કામ કરતાં હોય છે તેમની આંખોનું તેમણે ધ્યાન રાખવું જોઈએ. ‘ ફ્લ્ક્સ ‘ એક એવી એપ્લિકેશન છે કે જે થોડા થોડા સમયને અંતરે આંખોની અનુકૂળતા મુજબ સ્ક્રીનનો કલર બદલવાનું કામ કરે છે. જેને પરિણામે આંખો પર થતી નકારાત્મક અસર અટકે છે. ‘ ફ્લક્સ ‘ની મદદ લેવા માટે વેબ એડ્રેસ છે, hptt//www.justgetflux.com/.


ધબકાર – ટેકનોલોજી અને વિજ્ઞાન પ્રકૃતિમાં જ વ્યાપ્ત છે, એ કોઇ બહારથી આવેલો પદાર્થ નથી, એટલે જ એ પૃથ્વીને વધુ બહેતર બનાવી શકવાની ક્ષમતા ધરાવે છે.



હજારો હાર પછી પણ મજબૂત આત્મબળનો નોખો થનગનાટ હોવો જોઇએ...

હજારો હાર પછી પણ મજબૂત આત્મબળનો નોખો થનગનાટ હોવો જોઇએ...
-     પુલક ત્રિવેદી
૭૦ના દાયકાની હોલીવુડની બ્લોક બસ્ટર ફિલ્મ રૉકી. આ ફિલ્મ આજે પણ આધેડવયના લોકો અને ૨૦-૨૫ વર્ષના યુવાનો બંને વર્ગને આકર્ષિત અને રોમાંચીત કરે છે. ૧૯૭૦ના દાયકામાં રીલીઝ થયેલી હોલીવુડની આ બ્લોક બસ્ટર ફિલ્મે હોલીવુડની ફિલ્મ ઇન્ડસ્ટ્રીમા ટ્રેન્ડ સેટર માઈલ સ્ટોન છે. વેસ્ટર્ન અને એશિયન દર્શકોમાં ટ્રેન્ડ સેટર માઇકલ સિલ્વેસ્ટર ગાર્ડેન્ઝીઓ સ્ટેલોનની રોકીએ એક ફિલ્મ તરીકે અદભુત કાઠુ કાઢ્યું. આ ફિલ્મનો રોમાંચક ઇતિહાસ રુવાંડા ઊભા કરી દે તેવો છે.



સિલ્વસ્ટર સ્ટેલોન એ જમાનામાં સ્ટ્રગલર તરીકે હોલીવુડના એક સ્ટુડિયોમાંથી બીજા સ્ટુડિયોમાં કામ કરવા માટે રખડપટ્ટી કરતાં. સ્ટેલોન જે પણ સ્ટુડિયોમાં જાય અને જે પણ નિર્દેશકને મળે ત્યારે નિર્દેશકો એને કહેતાં કે, તે ખૂબ વિચિત્ર લાગે છે અને  તેની વાતચીત કરવાની શૈલી અને હાવભાવ પણ ખૂબ કઢંગા છે. લગભગ રોજેરોજ સ્ટેલોનનું કોઈને કોઈ સ્ટુડિયોમાં અપમાન થતું. જેવી રીતે હિન્દુસ્તાનના મિલેનિયમ સુપર સ્ટાર અમિતાભ બચ્ચનને શરૂઆતના સમયમાં એક નિર્દેશકે એનો અવાજ ખૂબ ગહેરો છે એમ કહીને અપમાનિત કરીને ફીલ્મમાં નહોતા લીધા. સ્વર્ગસ્થ સુનિલ દત્તે પણ આ જ કારણસર મિલેનિયમ સુપર સ્ટારને એમની ફિલ્મ રેશમા ઔર શેરામાં મુંગા કેરેકટરનો રોલ આપ્યો હતો.
સ્ટેલોન એમના જવાનીના દિવસોમાં એક પેરેડાઈઝ વેલી નામની ફિલ્મ બનાવેલી આ ફિલ્મ ખરીદવા કોઈ ખરીદાર જ નહોતો. થાકીને સિલ્વેસ્ટરે આ ફિલ્મ માત્ર ૧૦૦ ડોલરમાં વેચી. સિલ્વેસ્ટર સવારે ખાય તો સાંજે શું ? એવી કંગાળ આર્થિક સ્થિતિ હતી. પણ એના હૃદયમાં કંઈક કરી છૂટવાની જબરજસ્ત તમન્ના હતી. એક તબક્કે તો સ્ટેલોને એની પત્નીના ઘરેણાં પણ ગીરવે મૂક્યા. પણ એના લક્ષ્યમાંથી એ પાછો ન ફર્યો. કારમી આર્થિક તંગીને કારણે સિલ્વેસ્ટર એના પ્રિય કૂતરાને પણ ખવડાવી શકે તેટલાં પૈસા નહોતાં. પરિણામે હૃદય પર પત્થર મૂકીને સ્ટેલોને કૂતરાને વેચવાનો નિર્ણય કર્યો. માત્ર ૨૫ ડોલરમાં એણે એનું પ્રિય ડોગી વેચી નાખ્યું. ડોગી વેચ્યા પછી પહાડ જેવો સ્ટેલોન ઘરે આવીને પોક મૂકીને ખુબ રડ્યો. દિવસો સુધી એ એના કૂતરાની યાદમાં રડતો રહ્યો.
એક દિવસ સમી સાંજે કોઈપણ કારણ વગર ફૂટપાથ પર સ્ટેલોન ટહેલતો હતો. ઠંડી કહે મારું કામ. કડકડતી શિયાળાની એ મોસમ. એ ફૂટપાથના કિનારે આવેલી એક લાયબ્રેરીમાં ગયો ત્યાં તેણે ‘પો’ નામનું પુસ્તક જોયું એક જ બેઠકે તે પુસ્તક સ્ટેલોને વાંચી કાઢ્યું. પુસ્તકની સ્ટેલનના દિમાગ પર એવી તો જબસજસ્ત અસર થઈ કે, એણે વિચાર્યું મારે મારી આર્થિક પરિસ્થિતિ ઉપર તરસ ખાવાનું છોડી દઈને આગળ વધવું જોઈએ. પુસ્તક વાંચીને એક નવો આઈડીયા આવ્યો. આ નવા વિચારથી સ્ટેલોનના જીવનમાં ૩૬૦ ડિગ્રીએ પરિવર્તન આવ્યું. પૈસા તો નહતા પણ પુરુષાર્થમાં જોમ આવ્યું. નાણાંની તંગી ચોક્કસ હતી પણ મન અને હૃદયની અમીરાતના દરવાજા નવી રીતે ખૂલ્યાં હતાં. બીજા દિવસે કોઈક કામે સ્ટેલોન જઈ રહ્યો હતો ત્યારે એણે સડકના કિનારે મહંમદ અલીની બોક્ષીંગની મેચ ચાલતી હતી ત્યાં લોકોની ભીડ જોઈ. કાંઈ પણ વિચાર્યા વગર સ્ટેલોન મહંમદ અલીની બોક્ષીંગની મેચ જોવા બેસી ગયો. આ બોક્ષીંગની મેચ જોતાં જોતાં સ્ટેલોનના મગજમાં ‘રોકી’ ફિલ્મ બનાવવાનો આઈડિયા આવ્યો.



        આખી રાત બેસીને સ્ટેલોને રૉકી ફિલ્મની સ્ક્રીપ્ટના મુદ્દા અને આઇડીયા લખી નાખ્યા. એને વિશ્વાસ હતો કે આ ફિલ્મ બનવી જ જોઈએ. સ્ટેલોનને એવો ગજબનો વિશ્વાસ બેસી ગયો હતો કે, આ ફિલ્મ એક અદભુત સફળ ફિલ્મ બનશે. ફિલ્મની સ્કીપ્ટ લઈને સ્ટેલોન એક સ્ટુડિયોથી બીજા સ્ટુડિયોના ચક્કર મારવા લાગ્યો. લગભગ એકાદ હજારવાર જુદા જુદા સ્ટુડિયોમાં એણે અનેકવાર ચક્કરો માર્યા પણ તેને એક જ જવાબ મળતો કે, આ વાર્તા ઉપરથી અમે ફિલ્મ બનાવવા માંગતા નથી. છેલ્લે એક સ્ટુડિયોને સ્ટેલોનની રૉકીની સ્ટોરી ખૂબ ગમી. આ સ્ટુડિયો સ્ટેલોનની રૉકી વારતા ઉપરથી ફિલ્મ બનાવવા માટે સ્ટેલોનને ૧.૨૫ લાખ ડોલર આપવાની ઓફર કરી પણ ફિલ્મમાં હીરો તરીકે સ્ટેલોનને નહીં બીજાને હીરો તરીકે લેવાનું કહ્યું. સ્ટેલોને વાર્તા વેચવાની સ્પષ્ટ ના પાડી અને કહ્યં કે, આ વાર્તાની ફિલ્મમાં હીરો તો હું જ રહીશ. સ્ટુડિયોએ ૨.૫ લાખ સુધી ઓફર કરી પણ સ્ટેલોન એકનો બે ન થયો. અંતે સ્ટુડિયોએ સ્ટેલોનને કહ્યું કે, અમે તને હીરો લઈને જોખમ તો ખેડીએ પણ તને ૩૦૦૦૦ ડોલર આપીશું. સ્ટેલોને તરત સંમતિ આપી દીધી.
ફિલ્મ સાઈન કરીને જે સાઈનીંગ એમાઉન્ટ આવી તે લઈને સ્ટેલોન મુઠ્ઠીઓ વાળીને દોડ્યો ડોગી જેને વેચ્યો હતો એની પાસે.  સ્ટેલોને એ વ્યક્તિને ૨૫ ડોલરના કૂતરાની સામે ૧૦૦ ડોલર આપવાનું કહ્યું પણ પેલો વ્યક્તિ સ્ટેલોનની મજબૂરીનો સંપૂર્ણ લાભ ઉઠાવવા માગતો હતો. તે ન માન્યો. સ્ટેલોને ૨૦૦, ૫૦૦, ૧૦૦૦ ડોલર સુધી ઓફર કરી પણ એ વ્યક્તિ ન માની. ફાઈનલી ૭૦૦૦ ડોલરમાં એણે એનો કૂતરો પાછો આપ્યો અને શરત પણ રાખી કે રોકી ફિલ્મમાં એને એક કિરદાર આપવું પડશે. સંભવતઃ રૉકી ફિલ્મમાં રેફરીનું જે કેરેકટર છે. એ જ આ કુતરો ખરીદનાર વ્યક્તિ છે.
આખરે રૉકી ફિલ્મ બની અને આ ફિલ્મે એક મિલિયન ડોલરથી પણ વધુ કમાણી કરી. ઓસ્કર એવોર્ડ માટે પણ નોમિનેટ થઈ. સમગ્ર વિશ્વમાં રૉકી ફિલ્મનો ડંકો વાગ્યો. ચારે બાજુ સિલ્વેસ્ટેર સ્ટેલોનની અદાકારી, શરીર સૌષ્ઠવ, ફિલ્મની વાર્તા, સંગીત, અભિનય તમામ પાસાના ખૂબ વખાણ થયા. અને પછી રોકી-૨, રોકી-૩ એમ એની સિરીઝ બનવા લાગી.




સ્ટેલોનના સંઘર્ષની આ કથા કહે છે કે, હાર અને જીત સિક્કાની બે બાજુ છે. એક હાર એ જીવનની સમાપ્તિ નથી. કે પછી એક જીત એ જીવનની ચોટી નથી. હજારો હાર સામે પણ મજબૂત પ્રયાસોનું આત્મબળ રંગ લાવતું હોય છે. કંઈપણ થાય પછડાટ નહીં અનુભવનાર એક દિવસ આગળ આવે છે. પછડાટનો સ્વીકાર  ન કરવાની વાત વિજયનો માર્ગ ખોલતી હોય છે.
એક વાર નિષ્ફળતા પછી એકના એક માર્ગે ચાલવું એ મોટી મુર્ખામી છે. એક શસ્ત્ર કારગત ન નીવડે પછી એના એ જ શસ્ત્રથી ફરી યુદ્ધના મેદાનમાં ઉતરવું એ નર્યું ગાંડપણ છે. હંમેશા નવા માર્ગો, નવા શસ્ત્રો અને નવા આઈડિયા સાથે નવા જોમ અને નવા જુસ્સાથી ફરી પાછા રણમેદાનમાં ઉતરવું એ જ સાચા યોદ્ધાની નિશાની છે. મનમાં લક્ષ્યની સ્પષ્ટતા અને અંતરમાં પુરુષાર્થની દ્રઢતા આ બેનું સામંજસ્યજ હારને જીતમાં પલટાવી નાખે છે. કોઈપણ હાર કાયમી નથી. જેમ પ્રત્યેક કાળી ડિબાંગ રાત્રી પછી સૂરજના સોનેરી કિરણો રેલાતાં હોય છે, એમ દરેક હારને છેડે હસતી ખેલતી એક જીત ઊભી જ હોય છે.

ધબકાર –

માત્ર મોટા મોટા સપના જોઇને બેસી રહેવાથી માત્ર બરબાદીને નિમંત્રણ આપવામા આવે છે. સોણલા સાકાર કરવા આયોજનબધ્ધ પરિશ્રમની નક્કર પુષ્ટભૂમિ હોવી જોઇએ. 



અફસોસના બીજ વટવૃક્ષ બને એ પહેલા ચેતી જવુ પડે...

અફસોસના બીજ વટવૃક્ષ બને
એ પહેલા ચેતી જવુ પડે...
-          પુલક ત્રિવેદી
બ્રાઉની વેર. એક નિષ્ઠાવાન નર્સ કે જેણે વર્ષો સુધી પેલીએટીવ કેર યુનિટમાં સેવા આપી. પેલીએટીવ કેર યુનિટ એટલે એવી જગ્યા કે જ્યાં દર્દી ‘લાસ્ટ સ્ટેજ’માં હોય ત્યારે જ આવે. આ જ્ગ્યાએથી સામાન્ય રીતે બચવાનો કોઈ ચાન્સ જ ન હોય. અહી જીવનના જે છેલ્લા થોડા ઘણાં દિવસો બાકી રહ્યાં હોય તે પસાર કરવાના હોય છે. બ્રાઉનીએ જીવનના છેલ્લાં સ્ટેજમાં હોય એવા અસંખ્ય લોકોની સેવા કરી છે. બ્રાઉની વેરને મોતની નજીક પહોંચેલા અને છેલ્લા શ્વાસો ગણી રહેલાં લોકોના જીવનમાંથી જે જાણવા મળ્યું તે એણે ‘ધ ટોપ ફાઈવ રિગ્રેટ્સ ઓફ ડાઈંગ’ પુસ્તકમાં અદભૂત રીતે વર્ણવ્યું.



મોતની નજીક હોય ત્યારે માણસની નજર સામે જીવન દરમિયાન કરેલા તમામ કાર્યો એક ફિલ્મની જેમ ફટાફટ પસાર થતાં હોય છે. એવા તબક્કે એને ઘણી બાબતોનો અફસોસ થતો હોય છે. મેં કદાચ આમ જિંદગી જીવી હોત તો ? અથવા મેં આમ વર્તણૂંક કરી એને બદલે તેમ વર્તણૂંક કરી હોત તો વધુ સારુ થાત. એવા ઘણાં બધાં વિચારો જીવનના આખરી પડાવ ઉપર આવતાં હોય છે. ઘણા બધા અફસોસ પૈકી મહત્વપૂર્ણ પાંચ અફસોસ બ્રાઉનીએ કોમન તારવ્યા.
બ્રાઉનીના મતે મહદંશે લોકોને સૌથી મોટો અફસોસ એવો થતો હોય છે કે, જિંદગી આખી બીજાના કહેવા પ્રમાણે જીવ્યા એના કરતાં હૃદયના અવાજ મુજબ જીવ્યા હોત તો સારું થાત. એ વ્યવસાય ન કર્યો કે, જે કરવા માંગતા હતા. એ અભ્યાસ ન કર્યો કે જે ગમતો હતો. મમ્મી-પપ્પા મોટા ભાઈ-બહેન કે અન્ય કોઈએ કીધું એ પ્રમાણે અભ્યાસ કર્યો અને એમના કહેવા મુજબનો જ વ્યવસાય કરીને નિવૃત્ત પણ થયા. પણ એ ન કર્યું કે જેના માટે એ જન્મ્યો છે.
લોકો પોતાના હૃદયની વાત નથી સ્વીકારી શકતાં કારણ કે, મન એમ કહે છે કે, સોસાયટી શું વિચારશે ? લોકો શું સમજશે? મોટાભાગે એવું જ બનતું હોય છે કે, મોટા ભાઈ-બહેનો ડોકટર, સ્પેસ સાયન્ટીસ્ટ, એન્જિનિયર બન્યા છે એટલે પરિવારની પરંપરા મુજબ મારે પણ એ જ દિશામાં ચાલવું. મનમાં મ્યુઝીશિયન બનવાના અરમાન હોય, ચિત્તમાં ચિત્રકાર બનવાની તમન્ના હોય, પણ એ બધું જ નેવે મૂકીને ડોકટર કે એન્જિયર બનવાનું. અને પછી રોજ સવારે ઊઠીને જ્યારે કામ ઉપર જાવ ત્યારે કામ કરવાનો મનમાં રાજીપો ન હોય. મજબૂરીથી પૈસા કમાવા માટે એ કામ કરવા જવાનું કે જે મનમાં બિલકુલ ન રૂચતુ હોય !
એક મિત્રના દીકરાને વહીવટી સેવાઓમાં સર્વોચ્ચપદે બેસવાની અને મેનેજમેન્ટ સાઈડમાં કામ કરવાની તમન્ના. મેડિકલમાં એડમિશન મળતું હતું એટલે પરિવારે લેવડાવી દીધું. દીકરો ડોકટર થઈ પણ ગયો. પણ પછી તબીબી ક્ષેત્રનાઅનુસ્નાતક કક્ષાનો અભ્યાસ છોડીને સનદી સેવાની પરીક્ષાની તૈયારી કરવા લાગ્યો. આ એક પ્રેરણાદાયી કિસ્સો કહી શકાય. દીકરાને જેમાં રસ હતો એ ક્ષેત્રમાં સવેળા વળી ગયો.
બાળક જ્યારે ઉમરલાયક થાય, જીવનના સાત-આઠ દાયકા પસાર કરે અને એના અંતિમ પડાવ પર હોય ત્યારે સ્વાભાવિક છે કે, તમે પૃથ્વી પર ન જ હોવ, ત્યારે એના વ્યવસાય અને અભ્યાસ માટે એ અફસોસ ન કરે અને મા-બાપને એના જીવન માટે ભરપુર દુઆઓ આપે, એવું ત્યારે જ શક્ય બને કે જ્યારે એને મનગમતા વિષયને લઇને એ ભરપુર જીવન જીવ્યો હોય. મા-બાપે એ માટે પ્રેરણા પૂરી પાડી, સહાયકની ભુમિકા ભજવી હોય.
બ્રાઉની બીજો એક મહત્ત્વનો અફસોસ એવો નોંધે છે કે, માણસ અંતિમ તબક્કે એવું વિચારતો હોય છે કે, મેં જીવન દરમિયાન આટલી બધી મહેનત પૈસા કમાવા માટે કેમ કરી. મેં મારા પરિવારને સમય જ ન આપ્યો. લોકોની વાહ વાહ મેળવવામાં પરિવારની ખુશીને મેં શા માટે અવગણી.



એક ભાઈ શહેરના નાનામાં નાના કાર્યક્રમથી માંડીને મોટામાં મોટા આયોજનમાં પણ પહોંચી જાય. એમને શહેરમાં બધા જ લોકો ઓળખે. એ વાતનું એમને ખાસ્સું ગૌરવ પણ ખરું. વહેલી સવાર હોય કે મોડી રાત, બળબળતી બપોર હોય કે કડકડતી ઠંડી. જ્યાં ચાર-પાંચ લોકો ભેગા થયા હોય ત્યાં પણ આ ભાઈ અવશ્ય પહોંચી જાય. પરિણામે સ્વાભાવિક રીતે જ પરિવારમાં પૂરતો સમય ન આપી શક્તા. બાળક સાથે બગીચામાં રમવાનો કે પત્ની સાથે ફળિયામાં હિંચકા પર બેસીને વાતો કરવાનો ક્વોલિટી ટાઈમ એ ભાઇ લોકોની વચ્ચે જઇને ખોટી વાહવાહી લૂંટવામાં ખર્ચી નાખતા. કામ એટલું જ થવું જોઈએ કે જેટલી જરૂરિયાત હોય. એનો અર્થ એવો પણ નથી કે, મહેનત ન કરવી જોઈએ. પુરુષાર્થની અને પરિવારનું સામંજસ્ય પણ જળવાય તો જીવનના અંતિમ તબક્કે અફસોસને અવસર ન આવે.
બ્રાઉની નોંધે છે કે, અભિવ્યક્ત ન કરવાનો અફસોસ પણ માણસને બહુ મોટો હોય છે. સમાજથી કે લોકોથી ડરીને પોતાની લાગણી જીવનભર પ્રદર્શિત થતી નથી અને પરિણામે તેનો બહુ મોટો અફસોસ રહી જતો હોય છે. લાગણીની અભિવ્યક્તિ એટલે કોઈ છોકરી કે છોકરા સામે પ્રેમનો એકરાર માત્ર નથી. ‘મા’ને હૃદયના ઊંડાણથી કહેવું કે, ‘ મમ્મી હું તને પ્રેમ કરું છું ’ કે, પપ્પાને ભેટીને એકરાર કરવો કે, ‘ હું જે કાંઈ પણ છું એ તમારી બદોલત છું. યુઆર થ બેસ્ટ ફાધર... ‘ બહેનને કે ભાઈને હાથ પકડીને કહેવું કે, ‘ ચિંતા ન કર હું તારી સાથે જ છું ‘ કે પછી લગ્નજીવનના વીસ-પચીસ વર્ષ પછી પણ પત્નીને પ્રેમથી કહેવું કે, ‘ તું જ મારા જીવનમાં સર્વસ્વ છે. ‘ આ બધી અભિવ્યક્તિ જીવનનો અંતિમ તબક્કો ભર્યો ભર્યો બનાવે છે.
અંતિમ તબક્કે અભિવ્યક્તિની ખામી ન લાગે એ જ સૌથી અગત્યની બાબત છે. બ્રાઉની મિત્રતાના સંદર્ભમાં નોંધે છે કે, પૈસા કમાવાની લ્હાયમાં માણસો એટલા બધા વ્યસ્ત થઈ જતાં હોય છે કે, જીવનના સૌથી ‘ પ્રાઈમ ટાઈમ ‘માં પડખે ઊભા રહેલાં દોસ્તોની મસ્તીને ભૂલી જતાં હોય છે. એવાં મિત્ર કે જે સદાય પડખે ઊભા રહ્યા છે. સત્તા, પૈસા અને પ્રતિષ્ઠા આ ત્રણ માટેના જંગમાં દોસ્તી અને દોસ્ત બહુ પાછળ છુટી જાય છે. પરિણામે જ્યારે ગણતરીના શ્વાસો જ જીવનમાં બચ્યા હોય ત્યારે આ અફસોસ બહુ મોટું સ્વરૂપ ધારણ કરીને આંખ સામે તરવરતો હોય છે.
છેલ્લે બ્રાઉની ખૂબ સરસ લખે છે કે, મહદઅંશે અંતિમ સમયે માણસો સૌથી વધુ અફસોસ એવો કરતાં હોય છે કે, જો મેં મારી જાતને ખુશ રહેવા દીધી હોત અને ખોટા દુઃખના ખ્યાલોમાં ન રાચ્યો હોત તો સારું થાત. અને આમ પણ આપણી ખુશી આપણે સ્વયં શોધવાની હોય છે.  કોઇ વ્યક્તિ બહારથી ખુશી આપી ન શકે. ક્યારેય એવું સાંભળ્યું છે કે કોઈ એક વ્યક્તિ બીજી વ્યક્તિને સરસ મજાનું પેકેટ આપે અને કહે કે, ‘ લો સાહેબ, આ બે કિલોગ્રામ ખુશી... મોજ કરો... ‘ ખુશી તો હૃદયના ઉંડાણમાંથી આવે. કલ્પના કરો કે તમે એક પર્વતારોહક છો અને એક પર્વત ચઢતાં તમને ૮થી ૧૦ કલાક લાગે છે પણ તળેટી ઉપરથી તમને હેલિકોપ્ટરમાં બેસાડીને પાંચ જ મિનિટમાં પહાડની ચોટી પર પહોંચાડી દેવામાં આવે તો ખુશી મળશે ?  ખુશી પહાડની ટોચ ઉપર કે તળેટીમાં કોઈ લક્ષ્ય વગર ફરવામાં નથી. સાચી ખુશી તો પર્વતારોહકને તળેટીથી ટોચ સુધી પહોંચવાના અનુભવમાં મળતી હોય છે. સપનુ પુરૂ કરવાના પ્રયત્નોની ક્ષણોમાં ખુશી સમાયેલી છે. સપનું સાકાર થાય એ પહેલાં સપના તરફ લઇ જતી ક્ષણોમાં સાચો આનંદ હોય છે. કોઈ સપનું ના હોય તો સપનું જુઓ. સપનું જોઈ સપનું સાકાર થાય એ ક્ષણ સુધી દોડતાં દોડતાં જે આનંદ મળે એને પકડી લો. સોણલુ સાચુ પડે એ માટે કરાતા પ્રયત્નોની પળોને પામવાનો પ્રયાસ કરવો જોઈએ.
આસમાનમાં સપનાઓ ન શોધાય. સપનાઓ જોવા માટે જમીન જોઈએ. બધું જ મળી જાય તો જીવનમાંથી ખુશી ગાયબ થઈ જાય. જીવવા માટે કોઇને કોઇ અધુરપ જોઈએ, જીવનમા કોઇ કમી જોઈએ, કોઇ ખોટ હોવી જોઈએ. અધુરપને પુરી કરવામા જ જીવનની મધુરપ સમાયેલી છે. ભારે જહેમતથી એક એક પાંખડીઓ ખુલે... અને એક ફૂલ ખીલે... પછી પવનની પીઠ ઉપર સવાર થઇને સુવાસ પ્રસરે... આ કુદરતની અદભૂત મુસ્કાન નથી તો બીજુ શુ છે ? જમીન સાથે ભારે સંઘર્ષ કરીને, જમીન ચીરીને એક નાનકડા બીજનુ છોડ બનીને ઊગવું એ ઈશ્વરની ખુશી છે.

ધબકાર : ખુશ થવાના ઇરાદાથી કામ કરવામાં આવે તો ક્યારેય ખુશ નહીં થવાય. ખુશ થઈને કામ કરવામાં આવે તો ખુશી અને સફળતા બન્ને મળશે.