પ્રિય વાચકબંધુઓ,

પ્રશ્નો, મુશ્કેલીઓ, વિડંબણાઓ અને પીડામાંથી પસાર ન થયા હોય એવા કેટલા લોકો ? ચાર રસ્તાના ખૂણે મોચી કામ કરીને પેટીયું રળતો છગન હોય કે પછી અબજોનો વેપાર કરતાં મુકેશ અંબાણી કે રતન ટાટા હોય, કે પછી બીલ ગેટ્સ કે બેઝોસ જેફરી હોય. દરેકના જીવનમાં ચડાવ ઉતાર અને મુશ્કેલીઓ આવતી જ હોય છે. જે મુશ્કેલીમાં મુશ્કરાય અને ગમગીનીમાં પણ આનંદથી ગીત ગાય એ જીવનને માણી શકે છે. સવલતોને સુખ સમજવા કરતાં અંતરમનની ચેતનાઓનો ફૂવારો જ સાચાં સુખનો પ્રદેશ છે એ સચ્ચાઇને સમજવી પડે. જીવનમાં જ્યારે સમસ્યા આવે ત્યારે એના ઉકેલ માટે ફાંફા મારવા કરતાં આનંદ આપતાં પ્રસંગોને યાદ કરી હસતાં ખેલતાં આગળ વધવાની કોશિષ જ કામયાબ બનાવે છે. જેમ જીવનમાં કશું મુશ્કેલ નથી એમ જીવનમાં કશું આસાનીથી પણ મળતું નથી. પ્રશ્નો, મુશ્કેલીઓ, તકલીફોને અતિક્રમીને જીવનમાં આનંદનો આફતાબ ખીલવવા માટેના વિવિધ માર્ગોને શબ્દ દેહ આપીને બ્લોગ સ્વરૂપે પ્રસ્તુત કરવાનો નમ્ર પ્રયાસ કર્યો છે. મે ‘આત્મનાદ’ સ્વરૂપે પ્રતિ સપ્તાહ આવતી મારી નિયમિત કોલમમાં જીવનના વિવિધ રંગોને શબ્દ પિંછી વડે કલ્પનાના આકાશને વધુ રંગીન બનાવવાની કોશિશ કરી છે. આશા છે કે, મારી નિયમિત કોલમ ‘આત્મનાદ’નું આ બ્લોગ અવતરણ વાચક મિત્રોને ગમશે.

- પુલક ત્રિવેદી

Tuesday, 1 December 2020

જાયંટ ઝોહો કોર્પોરેશનના સર્વેસર્વા શ્રીધરની કહાની છે જરા હટકે...

 


અમેરિકા, કેનેડા, યુરોપના દેશોમાં જઈને રૂપિયા રળીને ત્યાં જ સેટલ થઈ જવાનો મોહ ચરમ ઉપર છે ત્યારે શ્રીધર વેંબુ જેવા ટેકનોક્રેટ્સ સમાજને સાદગી અને માતૃભૂમિ માટે પ્રેમના કટોરા પીવડાવતો હોય એમ લાગે છે. દક્ષિણ ભારતના તામિલનાડુના થાંજાવુર જિલ્લાના એક નાનકડા ગામમાં સામાન્ય ખેડૂત પરિવારમાં વર્ષ ૧૯૬૭માં શ્રીધરનો જન્મ થયો હતો. પિતા ચેન્નઇની કોર્ટમાં સ્ટેનોગ્રાફરની સરકારી નોકરી કરતા હતા. અભ્યાસમાં તેજસ્વી શ્રીધર આઈઆઈટી, મદ્રાસમાંથી ગ્રેજ્યુએટ થઈને માસ્ટર્સ કરવા ન્યુ જર્સીની પ્રિસ્ટન યુનિવર્સિટીમાં ગયો. ત્યાં એણે માસ્ટર્સ પછી પીએચડી પણ કર્યું. દક્ષિણ ભારતના આ તેજોતર્રાર નવજુવાને કૉલેજ અભ્યાસ પછી બે વર્ષ જેટલો સમય કેલિફોર્નિયાના સાન ડિયેગોમાં વાયરલેસ ઈજનેર તરીકે જોબ કરી. પણ આ યુવાનને તો પોતાના દમખમ ઉપર દુનિયા જીતીને પોતાના ઇરાદાઓ પાર પાડવાની જીદ હતી. એ જીદ એણે પુરી પણ કરી. વર્ષ ૧૯૯૬માં એણે તેના બે ભાઈઓ સાથે નેટવર્ક ટુલ્સની સોફ્ટવેર ડેવલપમેન્ટ હાઉસની સ્થાપના કરી. શ્રીધરની આ કંપનીનું નામ વર્ષ ૨૦૦૯માં ઝોહો કોર્પોરેશન આપવામાં આવ્યું. તાજેતરમાં ફોર્બ્સે ઝોહોને ૨.૪૪ બિલિયન નેટ વર્થ ધરાવતી કંપની તરીકે જાહેર કરી છે.





સાદુ જીવન અને ઉચ્ચ વિચારો સુખની શાન છે. આ સરળ સિદ્ધાંતને શાસ્ત્રો અને મહાપુરુષોએ અનેકવાર સમજાવવાનો પ્રયાસ કર્યો છે. શ્રીધર વેંબુ એક એવું નામ છે કે જે પબ્લિસીટી વર્લ્ડમાં હજુ સુધી બહુ ગાજ્યુ નથી. કોઈ મલ્ટી નેશનલ કંપનીના મેનેજર રેનોલ્ટની ડસ્ટર કે મારુતી સીઆઝ ખરીદવાની શક્તિ હોય એમ શ્રીધર માટે ત્રણસો સાડા ત્રણસો કરોડનું પ્રાઈવેર જેટ ખરીદવાની સહજ ક્ષમતા છે. ચેન્નઈથી છસો સાડા છસો કિલોમીટર દૂર તામિલનાડુ રાજ્યના ટેંકાસી જિલ્લામાં સફેદ લુંગી અને અડધી બાંયનું શર્ટ પહેરેલા સાઈકલ ઉપર ફરતા શ્રીધરને જોઈને કોઈને કલ્પના પણ ન આવે કે, આ માણસ રૂ. ૧૮૦૦૦ કરોડની માર્કેટ વેલ્યુ ધરાવતા ઝોહો કોર્પોરેશનનો માલિક છે. ૫૩ વર્ષીય શ્રીધરની આંખોમાં ભારતના ગામડાઓમાં સિલિકોન વેલી ઉતારી ગામડાના નવયુવાનોને ટેકનોક્રેટ્સ બનાવવાના સપના છે. સાદગી અને સૌમ્યતાએ શ્રીધરને અલગ પહેચાન આપી છે. લાઓત્સે કહે છે કે, વિડંબણા એ છે કે, બધાને દુનિયા બદલી નાખવી છે પણ કોઇને પોતાને બદલાવુ નથી. શ્રીધર જેવા લોકો સ્વયં બદલાઇને દુનિયામાં બદલાવ લાવે છે.





ઝોહો કોર્પોરેશનના સર્વેસર્વા શ્રીધર ઉપર લક્ષ્મીની સાથે સાથે મા સરસ્વતીની પણ અસીમ કૃપા રહી છે. શ્રીધરના સપના અને ઇરાદાઓ બીજા ધનિકો કરતા જરા હટકે છે. યુએસ સોફ્ટવેર માર્કેટમાં અલગ પહેચાન ધરાવતી ઝોહોની બોર્ડ મિટીંગમાં ચારેક વર્ષ પહેલાં શ્રીધરે જ્યારે જાહેર કર્યું કે, એ ઝોહોનું વડુ મથક કેલિફોર્નિયાથી બદલીને બીજે લઈ જવા માંગે છે ત્યારે બોર્ડ મેમ્બર્સ તો શ્રીધરનો આ વિચાર સાંભળીને હચમચી ગયા. એમણે પૂછ્યું કે, ‘આપણે કેલિફોર્નિયાથી સીએટલ કે હ્યુસ્ટન શીફ્ટ થવા માંગીએ છીએ ?શ્રીધરે સ્માઇલ સાથે બોર્ડના સભ્યોને કહ્યું, ‘ના, આપણે યુએસથી ૧૩૦૦૦ કિ.મી. દૂર ભારતના ચેન્નઈ પાસેના એક નાના ગામમાં ઝોહોને લઈ જવી છે. ડેલ, એપલ, સિસ્કો, માઈક્રોસોફ્ટ જેવી કંપનીઓ પોતાના મથકો ભારતમાં ખોલી રહ્યા હોય તો આપણે કેમ નહીં ?





ઝોહોના ટોપ ઓફિશીયલ્સ વિચાર કરતા એટલા માટે થઈ ગયા કે, કેલિફોર્નિયાના બે નામના વિસ્તારમાં ગુગલ, એપલ, ફેસબુક, ટ્વીટર અને સિસ્કો જેવા સોફ્ટવેરના જાયંટ પ્લેયર્સની ઓફિસો આવેલી છે. શ્રીધર કેલિફોર્નીયા બે જેવા વિસ્તારને છોડવાનું વિચારે છે. પ્રશ્ન એ થાય કે, શ્રીધર ઉપર બેંક કે સ્ટોક એક્સચેન્જનું ભારણ હતું ? પ્રતિસ્પર્ધીઓનો એને ડર હતો ? કોઈ નવું ક્ષેત્ર એ વિકસાવવા માંગતા હતા ? ના. આમાના કોઈ કારણ ન હતા. શ્રીધરે નકારાત્મકતાના કોઈ કારણથી નહીં પરંતુ સકારાત્મક વિચાર સાથે સ્વદેશ પરત આવવાનું વિચાર્યું હતું. વર્ષો પહેલા શ્રીધરે મનોમન સંકલ્પ કર્યો હતો કે જો એ કામિયાબ થશે તો કામિયાબીનો મોટો હિસ્સો એ ભારતમાં રોકાણ કરશે. કંપનીમાં નફાનો સિંહફાળો એ ગામડાઓમાં શિક્ષણ, પીવાનું પાણી, આરોગ્ય જેવા ક્ષેત્રો માટે ખર્ચ કરશે.





ફોર્બ્સ મેગેઝીનના એક ઈન્ટરવ્યૂમાં શ્રીધરે કહ્યું કે, ‘ટેકનોલોજીને જો ગામડા સાથે જોડવામાં આવે તો ગામડામાંથી શહેરો તરફથી દોટ રોકી શકાશે. ગામોમાં કુશળ પ્રતિભાઓ છે. ગામમાં પડેલી યુવાશક્તિને ટેકનોલોજી સાથે સાંકળી ટેલેન્ટપુલ શક્ય છે. શ્રીધરને ભારતના તમામ ગામોને સેટેલાઈટ કનેક્ટીવીટી સાથે સાંકળવાની ઈચ્છા છે. હજી હમણાંની વાત છે. લોકડાઉનના સમયમાં શ્રીધરે ગરીબ બાળકોને ભણાવવાની શરુઆત કરી. પહેલા ત્રણ-ચાર બાળકો આવતા. પછી સંખ્યા વધતી ગઈ. ગરીબ બાળકોને નિઃશુલ્ક શિક્ષણ સાથે ભોજન આપીને કૌશલ્ય નિર્માણ કરવા માટે આધુનિક સવલતો સાથે શાળા ખોલવામાં આવી. શ્રીધરની શાળાઓમાં માર્કસ, નંબર કે ગ્રેડને નહીં પણ કૌશલ્ય નિર્માણ ઉપર વધુ ભાર મૂકવામાં આવે છે. તામિલનાડુના આઠ-દસ ગામો અને કસબાઓમાં ઝોહોની ઓફિસ ખોલી શ્રીધર સ્થાનિક સોફ્ટવેર ઈજનેરોને જોબ ઓફર કરી રહ્યા છે. આની પાછળનું સિંપલ લોજીક એટલું છે કે, ગ્રામ્ય સંસ્કૃતિ અને પરિવારિક સંસ્કારોની જડ સાથે યુવાનો જોડાયેલા રહે.

આગામી સમયમાં શ્રીધર તામીલનાડુના ટેંકાસ જિલ્લામાં ટેકનિકલ યુનિવર્સિટી સ્થાપવાનું વિચારી રહ્યા છે. એનો આ પ્રોજેક્ટ પોબારો પડશે તો વધુ ૮૦૦૦ જેટલા ગ્રામ્ય યુવકોને નોકરીએ રાખવાનું નક્કર આયોજન એમણે કરી લીધું છે. દોમ દોમ સાહ્યબી અને મબલખ રૂપિયા હોવા છતાં સાદગીપૂર્ણ જિંદગી સાથે સ્વદેશી હિત માટે ક્રાંતિકારી નિર્ણય લેનારાં ઝોહો કોર્પોરેશનનાં ઝાંબાઝ ચીફ શ્રીધરની રાહ ઉપર દેશના બીજા ઉદ્યોગગૃહોના પગલાં મંડાય તો ભારતને વિશ્વની મહાસત્તા બનતા વાર નથી લાગવાની.





માણસે કોઈ ખાસ સમયની રાહમાં બેસી રહેવા કરતાં શ્રીધરની માફક ઉપલબ્ધ સમયને ખાસ બનાવી દેવાની દિશામાં વિચારવા જેવું છે. ગેસ ઉપર પાણીને ગમે એટલું ઉકાળો થોડા સમય બાદ એ એના મૂળ શીતળ સ્વભાવ ઉપર આવી જ જતું હોય છે. એવી જ રીતે માનવી ગમે એટલો આગળ વધે, દેશ વિદેશમાં સફળતાના ઝંડા ગાડી આવે આખરે તો દેશની માટીની સોડમ એને ન આકર્ષે તો જ આશ્ચર્ય ! ભૌતિક સુખ અને ભોગવાદ સામે સાદગી અને સૌમ્યતાનો સૌહાર્દ વધુ સોહામણો લાગે.

ઇંગ્લેન્ડના પૂર્વ પ્રધાનમંત્રી ગ્લેડસ્ટોનની વાત છે. એકવાર સાંજે એ વોકમાં નીકળ્યા હતા ત્યારે રસ્તામાં એક ઘોડાગાડીવાળા સાથે એમની મુલાકાત થઈ. ઘોડાગાડીવાળાએ એના ટાંગામાં લોખંડનો સામાન ભર્યો હતો. ગ્લેડસ્ટોન ઘોડાગાડીવાળાની સાથે એના જીવન નિર્વાહ અને દૈનિક રોજી વગેરે વિશે વાતો કરતા ચાલતા હતા. એવામાં એક ઢાળ આવ્યો. ઘોડા ઢાળ ઉપર ચડી શકતા ન હતા. ગ્લેડસ્ટોને પૂછ્યું, ‘મિત્ર, હવે તું શું કરીશ.’ તો એણે કહ્યું, ‘કંઈ નહીં, પાછળથી ધક્કો મારી ઘોડાગાડીને ઉપર ચડવામાં મદદ કરીશ.’ ગ્લેડસ્ટોને કહ્યું, ‘હું પણ તને ધક્કો મારવામાં મદદ કરું છું.’ બન્ને સાથે ઘોડાગાડીને ધક્કો મારવા લાગ્યા. પછી ગ્લેડસ્ટોન ઘોડાગાડીવાળાને ગુડબાય કહીને ચાલતા થયા. એવામાં બાજુમાંથી પસાર થતા એક ભાઈએ ઘોડાગાડીવાળાને પૂછ્યું, ‘તું જાણે છે જે તારી સાથે ધક્કો મારનારા કોણ હતા ?’ એણે કહ્યું, ‘ના, એ ભાઇ તો ચાલતા હતા અને મારી સાથે વાતો કરતા હતા.’ ત્યારે પેલા વટેમાર્ગુએ કહ્યું કે, ‘એ ઇંગ્લેન્ડના પ્રધાનમંત્રી ગ્લેડસ્ટોન હતા.’ આવી સાદગીપૂર્ણ વ્યવહાર અને સરળતાના કારણે ગ્લેડસ્ટોનની વિશ્વના સૌથી ફેમસ પોલિટીશીયનમાં ગણના થતી. જેણે પણ અહમ છોડી સાદગીને અપનાવી લીધી છે એણે ધર્મ પુસ્તકો કે મોટા મોટા એનસાયક્લોપિડીયા ફેંદવાની ક્યારેય જરૂર નથી રહેતી.

અમેરિકાથી દક્ષિણ ભારતના નાનકડા ગામડામાં આવી દેશવાસી યુવાનો માટે કંઈક કરી બતાવવાના સપના સાકાર કરી રહેલાં શ્રીધરની વાત દક્ષિણ ભારતની કોઈ સુપર હિટ ફિલ્મી કહાનીના નાયક જેવી લાગે. શ્રીધર જેવા લોકોની વાતમાં એક બાબત તો સ્પષ્ટ ઉભરી આવે છે કે, સમજની તાકાત જ્ઞાનથી વધુ ઊંડી હોય છે. સાદગીપૂર્ણ જીવન ચોક્કસ જીવવા જેવું છે, પરંતુ શરત એટલી કે વિચારોનું આકાશ રંગીન હોવું જ જોઈએ.


ધબકાર :

મોટા માણસ બનવુ સારી વાત છે પણ સારા માણસ બનવુ બહુ મોટી વાત છે.





https://gnr.betanetcdn.com/gnrsmc/epaper/dec2020/01122020-4.pdf