માય ડેડ ઈઝ માય હીરો, માય લવ એન્ડ માય આઈડોલ...
- પુલક ત્રિવેદી
- પુલક ત્રિવેદી
પડોશી મિત્રની દીકરીના લગનના ઢોલ અને શરણાઇ
વાગતા હતાં.
25-30 વર્ષ પહેલાંની બે ધટનાઓ આજે ફરી એક વાર પલાશના
મનમાં તરવરવા લાગી.
એ દિવસે અચાનક નાનકડી પાંચ વર્ષની ઝંખનાને
પાડોશમાં રહેતા જીતુ અંકલે પૂછ્યું ‘ઝંખુ તું લગન કરવાની?’
રૂઆબથી બકુડી ઝંખનાએ કાલી ભાષામાં કહ્યું ‘હાસ્તો...’
અંકલે પૂછ્યું ‘કોની સાથે કરવાની ?’
ઝંખના એક સેકંડ પણ વિચાર્યા વગર સડસડાટ બોલી ગઈ
‘‘મારા
પપ્પા સાથે જ સ્તો...’’
મિત્ર જિતેન્દ્રએ સાંજે ફરવા જતી વેળા હસતાં
હસતાં વાત કરી ત્યારે પલાશ આનંદથી બોલી ઉઠ્યા હતાં ‘ મારી લાડો છે. ’
અને આ ઘટનાના પંદર સત્તર વર્ષ પછી કોલેજમાં આવી
ગયેલી ઝંખના કોલેજની સૌથી સુંદર અને ચપળ વિદ્યાર્થિની તરીકે ‘બ્યુટી એન્ડ બ્રેઈન’ કોન્ટેસ્ટમાં પ્રથમ આવી ત્યારે સ્થાનિક
પત્રકારોના ‘તમારાં જીવનનો ‘આઈડોલ’ કોણ?‘ના જવાબ આપતી વેળા ઝંખનાની આંખોમાં ચમક અને તેજ
આવી ગયું. અને
બડા ફક્રથી બોલી ‘
ઓબ્વિયસલી માય ડેડ... હી
ઈઝ માય હીરો... માય
લવ એન્ડ માય આઈડોલ...’
જ્યારે ટી.વી. ઉપર આ સમાચાર વહેતા હતા ત્યારે
ડ્રોઈંગરૂમમાં સોફા ઉપર બેસીને પાણી પીતા પીતા દીકરીના સમાચાર જોતાં પલાશના
હાથમાંથી પાણીનો ગ્લાસ ભોંય ઉપર પડી ગયો. અને ફર્શ ઉપર પાણી હતું કે આંખમાં પાણી પાણી
હતું તે એ સમજી ન શક્યો.
છાતી ઉપર વળગીને કાલુ કાલુ બોલતા
નિરાંતે ઉંઘવું, આંગળી
પકડીને સાંજે અલક-મલકની
વાતો કરવા ફરવા જવું, મમ્મી ટોકે ત્યારે રૂઆબથી પિતાનું નામ લઈને માની સામે ઊભા રહેવું, ક્યાંય કોઈપણ વ્યક્તિ આગળ પિતાના નામના
સન્માન માટે સદાય તત્પર રહેવું, બાપના મોઢામાંથી સિગરેટ કાઢીને ફેંકીને ‘મા’ની જેમ વઢતી, મોલમાં જ્યારે ચાર ડ્રેસ અપાવવાના હોય
ત્યારે બે ડ્રેસ લઈ પિતાના બજેટને સાચવતી... વગેરે વગેરે. આવી અનેક ઘટનાઓ પલાશના માનસપટ ઉપર
ચિત્રપટની ફ્રેમની જેમ એક પછી એક વહેવા લાગી... આજે તો ઝંખનાને ત્યાં પણ ઝીલ પારણામાં
ઝુલે છે. પણ પલાશ 30 વર્ષના આ મેઘા મુવીની એક-એક ફ્રેમની જેમ જોયા કરે છે. પાચાસી
વટાવી ગયેલા પલાશ જ્યારે જ્યારે કોઇના પણ લગનના ગીતો ગવાતા સાંભળે ત્યારે ત્યારે
અચૂક તેની આંખોના ખૂણા ભીના થઇ જાય.
પ્રતિવર્ષ લગનસરા આવે ત્યારે પરણાવવાની
ઉંમરે આવીને ઉભેલી કે પરણાવેલી દીકરી હોય... બાપ ફરીથી હૃદયના ટૂકડા સંજોરીને બેઠો
થવાની કોશિષ કરે. ‘દીકરી’,
‘પિતા’ અને ‘લાગણી’. આ ત્રણ શબ્દો વચ્ચે ગજબના ‘કોસ્મિક’ અર્થનું સામંજસ્ય છે. ભગવદગોમંડલ અનુસાર ‘દીકરી’નો શબ્દાર્થ ‘બાપનું મન ફાડવાવાળી’. ‘દ્રુ’ એટલે ફાડવુ, ધાતુ ઉપરથી ‘દીકરી’ શબ્દ વ્યુત્પન્ન
થયો. દીકરીનું
રક્ષણ અને પરણાવી અન્ય પુરુષના હાથમાં સોંપતા પિતાનુ હૃદય તાર તાર થાય... ફાટી જાય... જેના મન અને હદયમાં એક માત્ર હિરો હતો
એવા બાપના સંપૂર્ણ પ્યારના બે ટૂકડા થતાં બાપનું મન-હદય ફાટે અને એના ઉપરથી શબ્દ
આવ્યો ‘દીકરી’. પિતા શબ્દનો અર્થ ‘રક્ષણ’ કરનાર. અને આ બે શબ્દ વચ્ચેનો સૌથી ધારદાર અને
મજેદાર શબ્દ ‘લાગણી’ છે.
અંતરમાં થતી સારી-માઠી અસર, મનોવૃત્તિ, ભાવના, ડંખ, દાઝ, પ્રેમ, વાત્સલ્ય, દયા, સમભાવ વગેરે અંગે અસર જન્માવતા વિચારો
એટલે ‘લાગણી’. લાગણી
શબ્દ સૌથી પહેલાં કોણે ઉપયોગમાં લીધો એ કોઈની જાણમાં નથી. પરંતુ ગુજરાતના મુર્ધન્ય
સાહિત્યકાર નર્મદાશંકરે એક રિવાજ રાખ્યો હતો. જે વિચારણા માગી લે તેવી મોટી બાબતો
હોય ત્યારે તે ભીંત ઉપર એ વાત લખતા. મિત્રો એકઠા થાય એ વાતની ચર્ચા ઉપાડતા. એક વાર ‘લાગણી’ માટે યોગ્ય ગુજરાતી શબ્દની ચર્ચા ચાલી, અને ખૂબ મઝાના વિચાર-વિમર્શ બાદ ‘લાગણી’ શબ્દ નક્કી થયો. આ શબ્દ પિતા અને દીકરીના સંબંધનો સૌથી
બંધ બેસતો અર્થ અભિવ્યક્ત કરે છે.
પાનના ગલ્લે દસ-બાર પુરુષો ઊભા હોય અને એક નાની દીકરી
ત્યાંથી પસાર થાય ‘ને તો ય અપશબ્દો અને ઉતરતી કક્ષાની વાતો આપોઆપ બંધ થઈ જાય, આ છે દીકરીની લાગણીની તાકાત અને
ભારતવર્ષની સંસ્કારિતા.
આ લગ્નસરામાં એક મિત્રની દીકરીના
લગ્નપ્રસંગમાં ભેગા થયેલા મિત્રો પૈકી એક મિત્રએ ભીની આંખે કહ્યું કે, ‘કીતની અજીબસી બાત હૈ, દુરીયાં સિખાતી હૈ કી નઝદીકીયા ક્યા
હોતી હૈ...’ મિત્રએ ભાવાર્થ સ્પષ્ટ કરતાં કહ્યું કે, દીકરીઓનું મૂલ્ય શ્વાસ જેવું અને જેટલું
છે. શ્વાસ
ચાલતો હોય તો ખબર જ ન પડે પણ જ્યારે શ્વાસની થોડી તકલીફ પડે થોડો દૂર જાય કે
પરસેવો વળે, દુનિયા
વિરાન થવા લાગે...
દીકરીનુ અણ એવું જ છે. નાનપણથી યુવાન થાય ત્યાં સુધી સાથે જ હોય, કલ્પના પણ કરવી
નગમે કે એક દિવસ એ મહેંદી મુકી બીજે ઘરે અજવાળુ કરવા ચાલી નિકળશે. જ્યારે લગનની
ઘડીઓ ગણાય ત્યારે બાપનુ મન ગુચાય, ચૂંથાય, વલવલાય... પ...ણ... ચહેરા ઉપર સ્મિતનુ
આડંબર....
બાપ હયાત હોય ત્યાં સુધી દીકરીના
બાળપણથી માંડીને દીકરીના ઘરે દીકરી આવે એટલી મોટી દીકરી થઇ જાય તો પણ, પિયર આવેલી ઉંઘતી
દીકરીને બાપ ક્યારેય ન જગાડે. પિતાને તો એમ જ થાય બેટીને જેટલો વધુ આરામ મળે એટલુ
સારું, એના સોણલા ક્યારેય ન તુટે. દીકરીને જ્યારે વળાવે ત્યારે પિતા એના કલેજાના
ટૂકડાને સોંપતી વખતે અંદરથી તૂટી જાય, એના રૂવેરૂવા રોવા લાગે. હસતા ચહેરા પાછળ લાગણીના મહાસાગરમાં
હિલોળે ચઢેલુ મન એક સટાકામાં બાપને ઉંમરલાયક બનાવી દે. દીકરો પરણે ત્યારે એક દીકરી લાવવાના
ઉત્સાહમાં પિતા હોય એના કરતાં વયમાં નાના ‘યુવાન’ થઈ જાય. લગન કોઇની પણ દીકરીનું હોય એકે એક
બાપનુ મન ડૂસકે ચડ્યા વગર ન રહે.
‘હસ્ત
મેળાપ’ વખતે
દીકરી બીજાને સોપવાના સંતાપ, વ્યથા, દર્દ, પીડા પાછળ દીકરીના ભાવિ, સુરક્ષા, સલામતી અને લાગણીના બંધનની સોનેરી
છાંટનો સંતોષ પણ બાપને હોય છે. દીકરીના સપ્તપદીના પગલાં વેળા બાપની સ્થિતિ
ચોક્કસ અકલ્પ્ય અને એકથ્ય હોય... પારણું ઝૂલાવનાર હાથની મહાનતા સામે ક્યારેય, કોઈપણ સંદેહ ન હોય, પણ સાથે સાથે ‘હસ્ત મેળાપ’ વેળા પકડેલો હાથ પણ એટલો જ મહત્વનો અને
આદરપાત્ર છે. બની
શકે કે, દીકરીના
છેલ્લા શ્વાસ વખતે એના હાથમાં ‘હસ્ત મેળાપવાળો’ હાથ હોય અને છેલ્લા છેલ્લા કોળીયા
પણ દીકરીને એ ‘હસ્તમેળાપ’ના હાથ જ ભરાવે એવું પણ બને.
લગ્ન કરવાની ઉંમરે પહોંચેલી દીકરીના
પિતાના મનની વ્યથાના વમળો સમજી શકાય એવા છે. પરંતુ એથી વધુ જે મિત્રોએ દિલનો ટૂકડો પરણાવી
કન્યાદાન કરી દીધું છે એની મનઃસ્થિતિનું છે. દરેક લગ્નસરામાં એ ભડકે, થડકે, લથડે અને માંડ માંડ જાતને સંભાળે... અને હસતે મોંએ શુભેચ્છાઓ પણ પાઠવે. પરણાવવાની ઉંમરે પહોંચેલી દીકરીના પિતા
અને મારા મિત્રએ મને એક પિતાની મનઃસ્થિતિની વિષેની સરસ હદયદ્રાવક વાત લખીને
વોટ્સ-એપ ઉપર મોકલી, દીકરીનું લગ્ન એટલે નદીને પાનેતર પહેરાવવાની ક્ષણ... માત્ર એક લીલા પાનની આશ હોય અને આખે
આખી વસંત દીકરી સ્વરૂપે ઘરે આવે. દીકરી એટલે માત્ર ઘરમાં જ નહીં, હૈયામાં અને શ્વાસોશ્વાસમાં વસતી
સદાકાળની વસંત... દીકરી
એટલે હાથમાં અને બાથમાં રાખેલું આખે આખું ચોમાસુ... દીકરી એટલે પ્રભુનો પ્રસાદ નહીં પણ
પ્રસાદરૂપે પ્રાપ્ત થયેલા સ્વયં પ્રભુ...
ધબકાર :
“ જિંદગી ઉસીકો આજમાતી હૈ, જો હર મોડ પર ચલના
જાનતા હૈ, કુછ પાકર તો હર કોઈ મુશ્કુરાતા હૈ, જિંદગી તો ઉસીકી પે ફીદા હૈ, જો સબ
કુછ ખો કર મુશ્કુરાના જાનતા હૈ...”


