હું
ગુજરાતી તું ગુજરાતી, આપણ સહુનું તળ ગુજરાતી...
મે મહિનાના પહેલા દિવસ સાથે વિશ્વભરની અનેક ઘટનાઓની યાદો જોડાયેલી
છે. ૧લી મે, ૧૮૯૭માં સ્વામી વિવેકાનંદજીએ કલકત્તા નજીક બારાનગરમાં રામકૃષ્ણ મિશનની
સ્થાપના કરી હતી. ૧લી મે, ૧૯૦૮માં પ્રફુલ્લચંદ ચાકીએ મુઝ્ઝફરપુર બોમ્બ કાંડને
અંજામ આપી પોતાની જાત ઉપર ગોળી મારી હતી. જેણે એના જીવન કાળ દરમિયાન ૩૫૦૦થી વધુ
ગીતો ગાયા છે એવા પાશ્વગાયક મન્નાડેનો જન્મ ૧લી મે, ૧૯૨૦ના રોજ થયો હતો. ૧લી મે,
૨૦૧૧ના રોજ વિશ્વ સમસ્તને આતંકવાદના ભરડામાં લેનારા ઓસામા બિન લાદેનને અમેરિકન સી
ઇગલના જવાનોના હાથે માર્યો ગયો હોવાના સમાચાર અમેરિકાના પ્રમુખ બરાક ઓબામાએ વિશ્વને
આપ્યા. ૧લી મે, ૧૯૯૯ના રોજ નેપાળ દેશે મૃત્યુદંડની સજા સમાપ્ત કરવાનો ઐતિહાસિક
નિર્ણય લીધો હતો. ૧લી મે, ૧૮૪૦માં બ્રિટનમાં પહેલ વહેલી ડાક ટિકિટ રીલીઝ થઇ હતી.
પણ ગુજરાતી બાંધવો માટે ૧લી મે સાથે જોડાયેલી અનેક જાણી અજાણી ઘટનાઓમા શીરમોર ઘટના
એટલે ગરવા ગુજરાત રાજ્યનો સ્થાપના દિવસ.
અલગ ગુજરાત રાજ્યની સ્થાપનાને આ વર્ષે ૫૯ વર્ષ પૂર્ણ થયાં. ભવ્ય
ઇતિહાસ સાથે પ્રગતિની છડી પોકારતું ઉન્નત મસ્તકે ઉભેલું ગુજરાત અડિખમ રાજ્ય છે. છેક ચૌલુક્ય વંશથી ગુજરાતનો ઇતિહાસ છે. ૧૯૪૭માં હિન્દુસ્તાન આઝાદ થયું. આ સમયે પશ્ચિમ વિસ્તારમાં આવતાં રજવાડાઓ એકત્રિત કરી સૌરાષ્ટ્ર, કચ્છ અને મુંબઈ ત્રણ રાજ્યો બનાવાયા. ૧૯૫૬માં મુંબઈ રાજ્યનો વિસ્તાર વધારી કચ્છ, સૌરાષ્ટ્ર, હૈદરાબાદ અને મધ્ય પ્રદેશનો કેટલોક
ભુભાગ તેમાં જોડવામાં આવ્યો. આ નવા મુંબઈ રાજ્યના ઉત્તરનાં
વિસ્તારમાં ગુજરાતી બોલતા અને દક્ષિણમાં મરાઠી બોલતા લોકો રહેતા હતા. ઈન્દુલાલ યાજ્ઞિક, રવિશંકર મહારાજ, વિદ્યાગૌરી નીલકંઠ જેવા આગેવાનોએ ઓગસ્ટ તા. ૮, ૧૯૫૬થી મહાગુજરાત આંદોલન છેડીને ચાર-ચાર વર્ષ સંઘર્ષમય અહિંસક લડત આપ્યા બાદ ૧લી મે, ૧૯૬૦ના રોજ સ્વતંત્ર ગુજરાત રાજ્યનો પરચમ લહેરાયો.
ગુજરાત એટલે
ગરબા. ગુજરાત એટલે વેપાર. ગુજરાત એટલે સ્વાદ. ગુજરાત એટલે સાહસ. ગુજરાત એટલે સંસ્કાર. ગુજરાત એટલે સૌજન્ય. સંતો, શૂરવીરો અને સાહિત્યકારોની ભોમકા એટલે
ગરવું ગુજરાત. ગુજરાત રાજ્યની યશગાથા કાવ્યમાં
વર્ણવવા બેસીએ તો હજારો પાનાનું મહાકાવ્ય બને અને ગદ્યમાં લખવા બેસીએ તો મહાનવલના
૧થી ૧૦૧ ભાગ રચાય. ગુજરાતના સારસ્વતોએ ગુજરતનો મહિમા એમના
શબ્દોમાં ગાયો છે એની થોડી ઝલક માણવા જેવી છે.
ગુજરાતી જણ અને ગુજરાતી ભાષાને બે લીટીમાં ખબરદારે અદભુત રીતે
અભિવ્યક્ત કર્યા છે.
જ્યાં જ્યાં વસે
એક ગુજરાતી,
ત્યાં ત્યાં સદા કાળ ગુજરાત,
જ્યાં જ્યાં
બોલાતી ગુજરાતી,
ત્યાં ત્યાં ગુર્જરી મહોલાત.
કવિવર ઉમાશંકર જોષી નોંધે છે કે,
તૈયાર થઈ જજો, તૈયાર થઈ જજો,
નાત-જાત-ભાત તારી કોઈપણ હજો.
રમેશ ગુપ્તા ગુજરાતની યશગાથા આલેખતા કહે છે...
જય સોમનાથ, જય દ્વારકેશ,
જય બોલો વિશ્વના
નાથની,
સ્વર્ણ અક્ષરે
લખશે કવિઓ
યશગાથા ગુજરાતની...
રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીએ ગુજરાતના જોમ અને જુસ્સાને અભિવ્યક્ત
કરતાં લખ્યું છે કે,
નથી જાણ્યું
અમારે પંથ શી આફત પડી છે,
ખબર છે એટલી કે, માતની હાકલ પડી છે.
શૂન્ય પાલનપુરી ગુજરાતની ગરીમા માટે લખે છે કે,
વિશ્વને રોશન
કરી ગઈ દીપિકા ગુજરાતની
સૂર્ય પણ જો તો
રહ્યો જયોતિકલા ગુજરાતની
કવિ ન્હાનાલાલ લખે છે કે,
ધન્ય હો ! ધન્ય હો પુણ્યપ્રદેશ,
અમારો ગુણિયલ ગુર્જર-દેશ.
કવિ મનિષ ભટ્ટની કલમે ગુજરાતનું ખમીર ટપક્યું કંઇક આ રીતે.
ઝૂક્યા પહાડો, ને ઝૂકી આ નદીયું,
પણ ઝૂક્યું ના કોઈ દી‘ ગુજરાત,
હો રાજ મારું જીત્યું હંમેશ ગુજરાત
પ્રત્યેક ગુજરાતીની જીભે રમતી રહે છે, નર્મદની લાડકવાયી મશહુર રચના,
જય જય ગરવી
ગુજરાત, દીપે અરુણ પ્રભાત,
ઊંચી તુજ સુંદર
જાત, જય જય ગરવી ગુજરાત.
પદ્મશ્રી રઘુવીર ચૌધરીએ લખ્યું છે કે,
તું આવકારનો ભાવ
સદા ગુજરાત,
વિભુની કૃપારૂપે
લહેરાય નર્મદા માત.
ગઝલકાર રાજેશ વ્યાસ મિસ્કીન ગુજરાતની ગાથા વર્ણવતા લખે છે કે,
ઝીલતી પડકાર
સઘળા વીરતા ગુજરાતની,
છે લખાઈ આમ
સોનેરી કથા ગુજરાતની.
વિનોદભાઈ જોષીના શબ્દોમાં બળુકા ગુજરાતીની વાત ગૌરવપૂર્ણ રીતે છલકે
છે.
હું એવો ગુજરાતી, જેની
‘હું ગુજરાતી’ એ જ વાતથી ગજ ગજ ફુલે છાતી
હરિકૃષ્ણભાઈ પાઠક ગુજરાતીઓ માટે લખે છે કે,
ગરવી ગૂર્જરની
ધરા, ગરવા નર ને નાર,
સાગર કાંઠે
સહેલતી, છલતી અપરંપાર.
કવિ હર્ષ બ્રહ્મભટ્ટ ‘અમે ગુજરાતી’માં ગુજરાતીઓની તાકાતને અભિવ્યક્ત કરતાં લખે છે કે,
ભલે જળ ન સીંચો
તમે તે છતાંયે,
અમે ભીંત ફાડીને
ઊગી જવાના
યુવા કવિ હરદ્વાર ગોસ્વામી ગુજરાતીના સ્વભાવને ઉજાગર કરતાં લખે છે કે,
આખુ ય જગ લાગે
પ્યારું ગુજરાતી છું,
ઈશ્વર પાસેનું ઘર મારું ગુજરાતી છું.
જ્યારે કવિ કૃષ્ણ દવેએ એમના દમદાર શબ્દોમાં ગુજરાતને કંઈક આમ
પ્રસ્તુત કર્યું છે...
નવી સવારે નવું કિરણ લઈ આવ્યું નવલી વાત,
અમારું નવું નવું ગુજરાત...
ગુજરાતના ઉત્કર્ષની ભાત ઉપસાવતા રસિક મેવાણી કહે છે કે,
તું વિશ્વ
ગુર્જરી છે, આ જ ગુર્જરીની વાત કર,
નવા યુગોના
રંગથી, નવી નવી તું ભાત કર...
માધવ ચૌધરી રઢિયાળી ગુજરાતની વાત કરતા લખે છે કે,
રઢિયાળી ગુજરાત, અમારી રઢિયાળી ગુજરાત
વીર નરોની માત, અમારી રઢિયાળી ગુજરાત.
જુનાગઢના કવિ યોગેશ પંડ્યા ‘સ્વજન’ ગુર્જર માતના આદરમાં લખે છે...
ગુણવંતી ગુર્જર
ભૂમિને, ઝૂકી ઝૂકીને નમવું છે,
વિશ્વ શાંતિનો મંત્ર જપીને, સકલ વિશ્વને
કહેવું છે.
તો કવયત્રિ દેવિકા ધ્રુવ લખે છે કે,
છે વાણી મારી
ગુજરાતી ને ભૂમિ મા ગુજરાત,
વેષભૂષા વિદેશી
પણ ગૌરવ આ ગુજરાત.
ગુજરાતની પ્રગતિને કંડારતા કવિ કિશોર જીકાદરા લખે છે...
નંબર વન ગુજરાત મારું, નંદનવન ગુજરાત !
ક્રોડ સાડા પાંચ સ્વજન છે, બહોળો છે પરિવાર,
સમરસ થઈ એ કિલ્લોલે છે, સુખમાં અપરંપાર,
માંડે છે પ્રગતિના પંથે, કદમ દિવસ રાત
સાંઈરામ દવે એમના આગવા અંદાજમાં આપે છે ગુજરાતની ઓળખ...
હું ડાલામથ્થો
ગુજરાતી, હું દરિયાબેટો ગુજરાતી,
આત્મગૌરવી
કરુણાગામી, સાગરબેટો ગુજરાતી.
ભરત કવિ ‘ઉર્મિલ’ ગુજરાતની ભૂમિની વિષે લખે છે કે,
સંતો-મહંતો ભક્તોની સૌગાત આ ગુજરાત છે,
અણમોલ વલ્લભ-ગાંધીની સૌગાત આ ગુજરાત છે.
ગુજરાતનું ગૌરવગાન કરતા ડૉ. કનૈયાલાલ ભટ્ટ
લખે છે કે,
‘હું ગુજરાતી તું ગુજરાતી, આપણ સહુનું
તળ ગુજરાતી,
શાંતિ અને
સાહસથી જીવવું, જગ આખે ઝળહળતો ગુજરાતી’
ગરવા ગુજરાતની ગરવી વાતોને તેમના શબ્દોમાં કંડારીને અનેક નામી અનામી
કવિઓ, ગઝલકારો અને ગીતકારોએ ગુજરાતના અલગ અલગ અનેક સ્વરૂપોને પ્રસ્તુત કર્યા છે. આ બધા સ્વરૂપોને પ્રસ્તુત કરવા અશક્ય છે પણ આ સારસ્વતોના અનેક શબ્દસુમન
પૈકી કેટલાક શબ્દપુષ્પોને ચૂંટીને ગુલદસ્તો બનાવી ગુજરાત ગૌરવદિને સૌ વાચક
બિરાદરોને શબ્દસુગંધ આપવાનો પ્રયાસ કર્યો છે. અહીં એ ઉલ્લેખનીય રહેશે કે, માત્ર
સાહિત્યકારો જ નહીં બલ્કે એકે એક ગુજરાતી ૧લી મેના રોજ ગૌરવ અનુભવે છે. તેના હૃદયના તાર ઝંકૃત થતા હોય છે. ગુજરાત એ સંસ્કારોની ભૂમિ છે. પડકારોની ભૂમિ છે. ગુજરાત હૃદયના ધબકારની ભૂમિ છે. સૌ ગુજરાતી બાંધવોના હદયમાં ગુજરાત સ્થાપના દિને આ સંસ્કાર, પડકાર અને ધબકાર આદરપૂર્વક ઝીલાતો હોય છે.
ધબકાર :
‘‘જે પ્રદેશની સીમા ઉત્તરે આબુ આગળ હતી અને દક્ષિણે પહેલાં
મહિને કાંઠે, પછી નર્મદાના તીરે ને ત્યાર
બાદ દમણ ગંગાના તટ પર આવીને અટકી એ પ્રદેશ ‘ગુજરાત’ નામે ઓળખાવા લાગ્યો.’’
– કનૈયાલાલ માણેકલાલ મુનશી (ચક્રવર્તી ગુર્જરો, ૧૯૬૫)
