પ્રિય વાચકબંધુઓ,

પ્રશ્નો, મુશ્કેલીઓ, વિડંબણાઓ અને પીડામાંથી પસાર ન થયા હોય એવા કેટલા લોકો ? ચાર રસ્તાના ખૂણે મોચી કામ કરીને પેટીયું રળતો છગન હોય કે પછી અબજોનો વેપાર કરતાં મુકેશ અંબાણી કે રતન ટાટા હોય, કે પછી બીલ ગેટ્સ કે બેઝોસ જેફરી હોય. દરેકના જીવનમાં ચડાવ ઉતાર અને મુશ્કેલીઓ આવતી જ હોય છે. જે મુશ્કેલીમાં મુશ્કરાય અને ગમગીનીમાં પણ આનંદથી ગીત ગાય એ જીવનને માણી શકે છે. સવલતોને સુખ સમજવા કરતાં અંતરમનની ચેતનાઓનો ફૂવારો જ સાચાં સુખનો પ્રદેશ છે એ સચ્ચાઇને સમજવી પડે. જીવનમાં જ્યારે સમસ્યા આવે ત્યારે એના ઉકેલ માટે ફાંફા મારવા કરતાં આનંદ આપતાં પ્રસંગોને યાદ કરી હસતાં ખેલતાં આગળ વધવાની કોશિષ જ કામયાબ બનાવે છે. જેમ જીવનમાં કશું મુશ્કેલ નથી એમ જીવનમાં કશું આસાનીથી પણ મળતું નથી. પ્રશ્નો, મુશ્કેલીઓ, તકલીફોને અતિક્રમીને જીવનમાં આનંદનો આફતાબ ખીલવવા માટેના વિવિધ માર્ગોને શબ્દ દેહ આપીને બ્લોગ સ્વરૂપે પ્રસ્તુત કરવાનો નમ્ર પ્રયાસ કર્યો છે. મે ‘આત્મનાદ’ સ્વરૂપે પ્રતિ સપ્તાહ આવતી મારી નિયમિત કોલમમાં જીવનના વિવિધ રંગોને શબ્દ પિંછી વડે કલ્પનાના આકાશને વધુ રંગીન બનાવવાની કોશિશ કરી છે. આશા છે કે, મારી નિયમિત કોલમ ‘આત્મનાદ’નું આ બ્લોગ અવતરણ વાચક મિત્રોને ગમશે.

- પુલક ત્રિવેદી

Monday, 1 February 2021

દુબઇના રાજાની કુવરી નાદીયાને દિપાલીની વાતમાં દમ લાગ્યો


જર્મનીમાં વેલ ફર્નિશ્ડ હાઉસમાં પોતાના બેડરૂમમાં મોડી રાત્રે બેડમાં ખુલી આંખે છત સામે એક ટસે જોઈ રહેલી દિપાલીને એના પતિ ચિરાગે પૂછ્યું ‘કેમ ઊંઘ નથી આવતી ? કયા ગંભીર વિચારે ચડી ગઈ છે ?

દીપાલીએ ચિરાગની સામે જોયું અને બોલી ‘ચિરાગ, જીવનની મોટી મોટી ઝંઝાવાતો સામે લડીને આપણે અમદાવાદથી અહીં જર્મનીમાં આવીને સરસ સેટલ થઈ ગયા. ભગવાનની દયાથી રૂપિયા-પૈસા, માન અને સન્માન પણ મળ્યા. પરંતુ શું આપણા જીવનનો મકસદ એશો આરામ અને રૂપિયા-પૈસા જ છે ? મને એમ થાય છે કે, આપણા દેશમાં એવા ઘણા દિવ્યાંગ બાળકો હશે કે, જેમને  આપણી જરૂર છે. તને એમ નથી લાગતું કે, આપણે એમના માટે કંઈક કરવુ જોઈએ ?


ચિરાગ પથારીમાંથી બેઠો થઈ ગયો અને દીપાલીને કહ્યું, ‘સાચું કહું તો દીપાલી મને પણ ઘણા સમયથી આવા જ વિચાર આવે છે. આપણે સમાજ માટે કંઈક એવું કરીએ કે જેનાથી આપણને બન્નેને આનંદ આવે. આપણા જીવનનો અર્થ સરે એવું કંઇ કરીએ. બસ, પછી જ્યાં જવા માટે અથાક પરિશ્રમ અને માથાપચ્ચી કરી હતી એ દેશને અલવિદા કહી બન્ને જણાએ જર્મની છોડીને સ્વદેશની વાટ પકડી.

દીપાલી અને ચિરાગ જ્યારે જર્મનીમાં હતા ત્યારે એમની પાસે ખૂબ સરસ જોબ હતી. સમાજમાં ખાસ્સી એવી પ્રતિષ્ઠા હતી. જર્મનીમાં ડીસેબલ્ડ લોકો માટે આ યુગલ પાંચ સાત વર્ષથી કામ કરતું હતું. દીપાલી અને ચિરાગના સહજીવનની વાત પણ કોઈ ફિલ્મી કહાનીથી કમ નથી. દીપાલી અમદાવાદમાં જ્યારે શાળાનો અભ્યાસ પૂરો કરી કોલેજ અભ્યાસ માટે ગઈ ત્યારે તેના મનમાં મેન્ટલી ડિસેબલ્ડ એની માસીનું ચિત્ર રમતું હતું. દીપાલીની માસી ડાઉન સિન્ડ્રોમથી પીડાતા હતા. આજુબાજુના લોકો એની માસી સાથે મિસબિહેવ કરતાં ત્યારે યુવાન દીપાલીને ખૂબ ગુ્સ્સો આવતો. એ રીતસર લોકો સાથે માસી માટે ઝઘડતી ફરતી. ક્રમશ: દીપાલીને લાગ્યું કે ક્યાં સુધી એ તકરાર કરતી રહેશે ? એ એવું કંઇ કેમ ન કરે કે માસી જેવા અનેક લોકોની સેવા થઇ શકે ?


દીપાલીએ મનોમન નક્કી કરી લીધું કે, દીવ્યાંગો માટે એ એનું સમગ્ર જીવન સમર્પિત કરી દેશે. ડિપ્લોમા ઈન સ્પેશયલ એજ્યુકેશન મેન્ટલ  રીટાર્ડેશનનો બે વર્ષનો ડિપ્લોમા કરવા માટે દીપાલી આગળ વધી. એના આ ડિપ્લોમા કોર્સના અભ્યાસમાં ચિરાગ ઉપાધ્યાય વિઝીટીંગ ફેકલ્ટી તરીકે આવતા. સૌમ્ય, સાલસ અને ઈન્ટેલેચ્યુઅલ ડૉ. ચિરાગના વિચારો દીપાલીને અસર કરી ગયા. એ કોલેજના ટોપર લીસ્ટમાં સૌથી ઉપર ચિરાગ ઉપાધ્યાયનું નામ હતું. ભણવામાં પહેલેથી જ હોંશિયાર એવી દીપાલીને હંમેશા એમ થયા કરતું કે આ ટોપર લીસ્ટમાં સૌથી ઉપર મારું નામ હોવું જોઈએ. એ ખૂબ મહેનત કરતી. એણે ટોપર લીસ્ટમાં સૌથી ઉપર એનું નામ દર્જ પણ કરાવી દીધું.

દરમિયાનમાં દીપાલી અને ચિરાગ વૈચારિક રીતે એક મેકની નજીક આવ્યા. સહજીવન જીવવા માટે કૉલેજના જ એક વરિષ્ઠ પ્રોફેસરે બન્નેને પ્રેરણા આપી. જ્યારે એમણે લગ્ન કરવાનો નિર્ણય લીધો ત્યારે અલગ જાતિના પુરુષ સાથે દીકરીને વળાવવા માટે પિતાની નામરજી હતી. દીપાલી એના નિર્ણયમાં અડગ હતી. વિવાદોના અંતે દીકરીની ખુશી આગળ પિતાએ નમતું જોખ્યું. બન્ને જણાએ સહજીવનની શરૂઆત કરી.  કંઇક કરવાની ધુન બન્નેના મગજ ઉપર સવાર હતી. લગ્ન બાદ થોડા સમયમાં આ યુગલ જર્મની પહોંચ્યું. જર્મનીમાં તેમની ધગશ અને મહેનતને કારણે સારો એવો બદલો પણ મળ્યો. હવે આ યુગલે અંતરઆત્માનો અવાજ સાંભળીને સ્વદેશ આવીને એમની શક્તિઓને કામે લગાડી છે.


ભારત પરત આવીને એમણે ગુજરાતના પાટનગર ગાંધીનગરના આંગણે પ્રગતિ ફાઉન્ડેશનના નેજા હેઠળ વિશેષ એજ્યુકેશન સેન્ટર શરૂ કર્યું. આ યુગલે એક નવો દાખલો પ્રસ્થાપિત કર્યો છે. અત્યારે તો ૩૦-૩૫ જેટલાં મેન્ટલી ચેલેન્જડ બાળકો સાથે આ યુગલ ખૂબ આત્મિયતાથી કામ કરી રહ્યું છે. વિશેષ એજ્યુકેશન સેન્ટરની સ્થાપના સુધીની એમની દડમજલ પણ ખૂબ કપરી હતી. જર્મનીથી હિન્દુસ્તાન પાછા આવ્યા બાદ દીપાલીએ એક સાયકોલોજીસ્ટને ત્યાં જોબ કરી. આ જોબ દરમિયાન એનો સંપર્ક એક ઉદ્યોગપતિ અનુપભાઈ સાથે થયો. અનુપભાઈના દીકરાની દિવ્યાંગ પરિસ્થિતિની ટ્રીટમેન્ટ દીપાલી કરતી હતી. દીપાલીની ક્ષમતા અને કામ કરવાના ઝનૂનને અનુપભાઈ જેવા ઉદ્યોગકારની પારખું નજરે સુપેરે પીછાણી લીધા. એમણે ડૉ. ચિરાગ અને દીપાલીને મેન્ટલી ચેલેન્જડ બાળકો માટે વિશિષ્ટ શાળાની શરૂઆત કરવા માટે ઇજન આપ્યું. આ યુગલને દોડવું હતું અને ઢાળ મળ્યો. આ યુગલ હંમેશા માને  છે કે, ‘ડીસએબલ્ડ’ લોકો ખરેખર તો ‘ડિફરન્ટલી એબલ્ડ’ હોય છે. ચિરાગ અને દીપાલીએ એમની સમગ્ર શક્તિ વિશેષ એજ્યુકેશન સેન્ટરને આગળ ધપાવવામાં લગાવી દીધી.


વ્યક્તિ શરીરથી કે મનથી દિવ્યાંગ હોઈ શકે, પરંતુ વિચારોથી કયારેય વિકલાંગ નથી હોતો. કોશિષ કરવાથી આ લોકો તમામ મુશ્કેલીઓ અને અસંભવ કામ કરી જ શકતા હોય છે. આવા દ્રઢ વિશ્વાસ સાથે દીપાલી અને ચિરાગે વિશેષની પ્રવૃત્તિઓને આગળ વધારી છે. એમના મનોદિવ્યાંગ સંતાનોને સ્વસ્થ કરવા માટે અનેક માતા પિતાના હદયમાં દિપાલી અને ચિરાગના નામનો ચિરાગ પ્રકાશી રહ્યો છે. વિશેષની વિશેષતા એ છે કે, શિક્ષણ અને તાલીમની સાથો સાથ સ્પિચ થેરેપી, એટેન્શન થેરેપી, બિહેવીયર થેરેપી, આર્ટ એન્ડ ક્રાફ્ટ, પ્લે એક્ટિવિટી દ્વારા મેન્ટલી ચેલેન્જડ બાળકોને સ્વસ્થ બનાવવાની ચેલેન્જ ઉપાડવામાં આવે છે. અનુભવી શિક્ષકો, આધુનિક અને વૈજ્ઞાનિક અભિગમથી  વિશેષમાં મેન્ટલી ચેલેન્જડ બાળકોની ઉત્તમ સંભાળ લેવામાં આવે છે.

વર્ષ ૨૦૧૯માં અબુધાબીમાં સ્પેશ્યલ ઓલમ્પિક યોજાઇ હતી. એમાં દીપાલી વિશેષના બાળકોને લઈને ગયા હતા. દિપાલી અને ચિરાગ દ્રઢપણે માને છે કે, આ પ્રકારના એપ્રોચથી બાળકોને નવું એક્સપોઝર મળે છે. દુબઈના રાજાની બહેન મિસ નાદીયા દ્વારા ચલાવાતી સેન્સે શાળાની દિપાલીએ વિશેષના બાળકો સાથે મુલાકાત લીધી. મિસ નાદીયા સાથે દિપાલીએ આવા બાળકોની થેરેપી અંગે વિગતવાર ચર્ચા વિચારણા કરી. સેન્સે એક એવા પ્રકારની શાળા છે કે જ્યાં મેન્ટલી રીટાર્ડેડ બાળકોને સેવન સ્ટાર હોટેલ કરતાં પણ વધારે સારી સુવિધા આપીને તેમનો ઈલાજ  કરવામાં આવે છે. આ યુગલની ઇચ્છા એવી છે કે, ભારતમાં પણ દુબઈમાં આવેલી સેન્સે જેવી શાળાનું નિર્માણ થાય. એ દિશામાં તેમણે પગરણ માંડી દીધા છે. દિપાલીએ મિસ નાદીયાને એના મનની વાત કરી. દુબઇના રાજાની કુવરીને દિપાલીની વાતમાં દમ લગ્યો. એણે દીપાલીને સાથ આપવા તત્પરતા પણ દાખવી છે.


દીપાલી અને ચિરાગની કહાનીમાં અભાવોના વંટોળ વચ્ચે સમાજ માટે કંઈક કરી છૂટવાની અડગ નિશ્ચયશક્તિના દર્શન થાય છે. અનુપભાઇ, દીપાલી અને ચિરાગના આ યજ્ઞમાં રાજુભાઈ ભટ્ટ જેવા ઉત્સાહી યુવાનો પણ જોડાવા લાગ્યા છે. માણસની શક્તિ એના આત્મામાં હોય છે. આત્મા ક્યારેય વિકલાંગ નથી હોતો. જો દુનિયામાં સૌથી મોટી કોઈ ડીસએબિલિટી હોય તો એ ખરાબ એટીટ્યુડની છે. વિકલાંગતા તન કરતાં મનની વધારે હોય છે. દિવ્યાંગ પરિસ્થિતિ આગળ વધતાં અટકાવી નથી શકતી ખરેખર તો દિવ્યાંગતા વ્યક્તિ જે કરી શકે છે એ બાબતને વધારે ધારદાર બનાવે છે. દિવ્યાંગ ‘અશક્ત’ નથી એની પાસે દિય અંગની ‘આ-શક્તિ’ છે. ‘અશક્ત’ કે ‘આ-શક્તિ’ એ નિર્ણય તો આપણે કરવાનો છે. વિક્રૃત શરીર એટલું પીડાદાયક નથી હોતું જેટલી વિકૃત માનસિકતા પીડાદાયક  હોય છે.

 

ધબકાર :

જો બોલ નહીં શકતે અપને મન કી બાત, મન કે ભાવો સે કરતે હોંગે અપનો સે બાત, જો લગા નહીં શકતે ઊંચી છલાંગ, ઉનકે સપને જરૂર હોંગે બેલગામ...