સકારાત્મક વિચારો કરવાવાળા વ્યક્તિઓ ક્યારેય સમશ્યાઓ વિશે વિચારતા
નથી. આવા વ્યક્તિઓ સમશ્યાઓના સમાધાનની સંભાવનાઓને વિકસીત કરવાની દિશામાં વિશ્વાસ
રાખતા હોય છે. એ લોકો સફળતા, ક્ષમતા, યોગ્યતા અને કૌશલ્યનો ચતુષ્કોણ રચવાની
તાકાતવાળા હોય છે. આના પરિણામે સંઘર્ષોનો સ્વીકાર, સમાધાન અને સામનો કરવાની ભૂમિકા
ઘડાય છે.
સકારાત્મક સોચથી આત્મવિશ્વાસ બુલંદ થતો હોય છે. આત્મવિશ્વાસ વધવાથી
સાહસ પેદા થાય છે. સાહસથી શક્તિ અને શક્તિથી મુશ્કેલ પરિસ્થિતિઓમાં માર્ગ નિકળે
છે. દરેક વ્યક્તિના જીવનમાં ઉતાર – ચઢાવ હોય છે. અસ્તિત્વ ટકાવી રાખવા અને સિધ્ધાંતો
મુજબ આગળ વધવા સંઘર્ષનો સામનો કરવો પડતો હોય છે. સંઘર્ષો અને સમશ્યાઓમાં સકારાત્મકતા
આત્મવિશ્વાસ પેદા કરવાનુ પ્રેરકબળ બની જાય છે. આત્મવિશ્વાસ અવસરો અને સંભાવનાઓનું
આસમાન છે.
જગતભરમાં ખુબ વંચાયેલું અને વખણાયેલું પુસ્તક ‘ધ સીક્રેટ’ની સીક્રેટ ફોર્મ્યુલા છે કે, આપણા
પ્રત્યેક વિચાર આપણું ભવિષ્ય નિર્ધારીત કરવામાં મહત્વનો ભાગ ભજવે છે. સકારાત્મક
વિચારો ન માત્ર કારકીર્દિ ઘડવામાં ઉપયોગી છે, બલ્કે અંગત જીવનમાં પણ પુલકીત બહાર
લાવવાનું કામ કરતા હોય છે.
સકારાત્મકતાની વાત નીકળી છે ત્યારે કરોડો દિલો ઉપર રાજ કરતા કલ્પનાશીલ
ચિંતક અને લેખક આર. કે. નારાયણન યાદ આવ્યા વગર ન રહે. એમનુ પુરુ નામ શશીપુરમ
ક્રિશ્નસ્વામી ઐયર નારાયણનસ્વામી. સકારાત્મક સોચની મશાલ સમા નારાયણસ્વામી, ચેન્નઇના સ્કૂલ હેડ માસ્ટરના એક સામાન્ય
પરિવારમાંથી આવ્યા છે. પિતાની નોકરીમાં વારંવાર બદલીઓ થતી એટલે નારાયણન બાળપણમાં
દાદી અમ્મા પાસે રહીને ભણ્યા. ગણિત, ઇતિહાસ અને સંસ્કૃત નારાયણને દાદી પાસેથી
શિખ્યા.
બાળપણથી જ નારાયણનને અંગ્રેજી સાહિત્યમાં વિશેષ રસ પડતો. સ્નાતક થયા
બાદ એમની સકારાત્મક કલ્પનાઓને વાંચનના શોખથી ખુલ્લુ આકાશ મળી ગયું. અભ્યાસ પુરો
કરી નારાયણને એક શાળામાં શિક્ષક તરીકે નોકરી કરવાનું શરૂ કર્યું. પરંતુ યુવા
નાયારણના હૃદયમાં પડેલી સર્જનશીલતા ઉછાળા મારીને કહેતી હતી કે ‘આ ક્ષેત્ર હરગીઝ તારુ નથી.’ એને તો સકારાત્મકતાની ઝોળી ખોલીને ‘ફીક્શન રાઇટીંગ’ના મહાસાગરમાં ડુબકીઓ મારવી હતી. ‘ફીક્શન રાઇટીંગ’માં આનંદ કરવો હતો.
શિક્ષકની નોકરીને ‘ગુડબાય’ કરીને નારાયણન ઘરે રહીને એમની કલ્પનાઓને
કાગળ ઉપર ઉતારવા લાગ્યા. એમની પ્રથમ અંગ્રેજી નોવેલ ‘સ્વામી એન્ડ ફ્રેન્ડઝ’ ૧૯૩૫માં પ્રકાશીત થઇ. ત્યાર બાદ ૧૯૩૯માં બ્રિટીષ
પ્રકાશક ગ્રેહામ ગ્રીને નારાયણનની બીજી નોવેલ ‘બેચલર ઓફ આર્ટસ’ પ્રકાશીત કરી. ‘બેચલર ઓફ આર્ટસ’ નોવેલે ઇગ્લેન્ડમાં નારાયણનને ખાસ્સી લોકપ્રિયતા આપી. પ્રકાશક ગ્રીનને નારાયણનની
અંગ્રેજી ભાષાએ ખૂબ પ્રભાવીત કરી દીધા હતા.
દક્ષિણ ભારતના પારંપરિક એક ગામ ‘માલગુડી’ની કલ્પના ઉપર આધારીત ‘માલગુડી ડેયઝ’ની કથા એમણે લખી. ‘માલગુડી ડેયઝ’ની સકારાત્મક ફીક્શન વિચારધારાએ દેશ અને દુનિયાના કરોડો લોકોના હૃદયમાં
સ્થાન મેળવી લીધું. આ નવલકથાના આધારે એ સમયમાં દુરદર્શન ઉપર ‘માલગુડી ડેયઝ’ સીરીયલે પણ જબરૂ આકર્ષણ જમાવ્યુ હતું. જો
કે એ પહેલાં આર. કે. નારાયણનના ‘ધ ગાઇડ’ ઉપન્યાસે ધુમ માચવી દીધી હતી. એના ઉપરથી લીજન્ડરી
કલાકાર દેવાનંદ અને વહિદા રહેમાન અભિનિત ફિલ્મ ‘ગાઇડ’ બની હતી. ‘ લગતા હૈ આજ હર ઇચ્છાએ પુરી હોગી, પર
મજા દેખો આજ કોઇ ઇચ્છા હી નહીં...’ જેવા આ ફિલ્મના મશહુર સંવાદો નારાયણનની કલમમાંથી આવેલી
સકારાત્મક વિચારધારાના બિંદુઓ હતા. આ ફિલ્મે દેવાનંદ અને વહિદાની અદાકારી ઉપરાંત તેના કથાનક અને ધારદાર
સંવાદોને કારણે ઘણી લોકચાહના મેળવી હતી. પરંતુ માલગુડીનું કાલ્પનિક ગામડુ લોકોના
દિલો દિમાગ ઉપર છવાઇ ગયું હતું. નારાયણનની સરાકાત્મક કરુણાસભર લેખનશૈલીથી વાંચકના
હૃદયમાં કથાના ઘટના સ્થળો અને પાત્રો સજીવન થઇ જતાં. છ દાયકાના એમના જીવનમાં
નારાયણનને અનેક સન્માનો અને પુરષ્કારોથી નવાજવામાં આવ્યાં. એકથી વધુ વાર
પ્રતિષ્ઠીત નોબલ પુરષ્કાર માટે નારાયણનની સરાકાત્મક સોચ ધરાવતા લખાણોને નોમિનેટ
કરવામાં આવ્યા છે.
‘ધ ટાઇમ્સ ઓફ ઇન્ડિયા’ અખબારના પ્રથમ પાને ડાબે ખૂણે ‘યુ સેઇડ ઇટ’ કાર્ટૂનને કોણ ભુલી શકે ? એના સર્જક આર. કે. લક્ષમણ, નારાયણનના સગા ભાઇ થાય. ટીકાકારો હમેશા
નારાયણનની કુથળી કરતા કહેતા હોય છે કે, એમની ભાષા અત્યંત સરળ હોય છે. ટીકાકારોની
આ વાતની નારાયણન ઉપર બિલકુલ અસર નહોતી થતી. એ તો એમના સકારાત્મક વિચારોને કાગળ ઉપર
ઉતારવામાં મસ્ત રહેતા. અંગ્રેજી ભાષામાં ભારતીય સાહિત્યની ત્રીમુર્તીએ દેશ
વિદેશમાં હિંદુસ્તાનનું નામ ગુંજતુ કર્યું છે. એમાં નારાયણન ઉપરાંત મુલ્કરાજ આનંદ
અને રાજા રાવનો સમાવેશ થાય છે.
જ્યારે વ્યક્તિના મનમાં નકારાત્મકતા હોય છે ત્યારે એના મોટા
દુષ્પરિણામો આવતા હોય છે. અંદર પડેલી અચ્છાઇઓ બહાર આવી જ નથી શકતી અને પ્રતિભાનો
નિખાર ક્યારેય આવી શક્તો નથી. જ્યારે બીજી બાજુ વ્યક્તિ સકારાત્મકતાના સહારે સ્વાભાવિક
રીતે જ લોકો નજીક આવી સકારાત્મક સોચ સાથે જોડાઇ જતા હોય છે. જ્યારે પણ નકારાત્મક
વિચારો મન મસ્તિક ઉપર સવાર થઇ જાય ત્યારે નારાયણનની જેમ સકારાત્મક વિચારોને તેની
સામે મૂકી દેવાથી આગળના રસ્તાઓ આપો આપ ખુલવા લાગે છે. તણાવ ઉભા કરતા વાતાવરણને
શક્ય એટલી વહેલી તકે છોડવાની તૈયારી હોવી જોઇએ. શિક્ષકની સ્ટેબલ નોકરીમાં મન ન
લાગતાં તણાવ અનુભવતા નારાયણને સર્જન કરવા સારુ નોકરીને લાત મારીને સકારાત્મક
સર્જનના માર્ગે આગળ વધવાનું વધુ મુનાસીબ માન્યું. સકારાત્મક વિચારોથી આગળ વધવાની
અસીમ સંભવનાઓ સમજવા સજ્જ થવા માટે ખભે ઉચકેલા નકારાત્મકતાના કોથળાઓને ફેંકવા પડે.
ચિત્તમાં શુ પડ્યું છે અને એ કેવી રીતે જીવનને વધુ આનંદમયી બનાવશે એ ખુલ્લા દિલે
સમજાય ત્યારે જીવનમાં મસ્તીસભર વળાંક આવી જતો હોય છે.
ધબકારઃ
માત્ર એક સકારાત્મક વિચાર જીવન
બદલવા પુરતો છે.
https://gnr.betanetcdn.com/gnrsmc/epaper/august2020/18082020-4.pdf




