પ્રિય વાચકબંધુઓ,

પ્રશ્નો, મુશ્કેલીઓ, વિડંબણાઓ અને પીડામાંથી પસાર ન થયા હોય એવા કેટલા લોકો ? ચાર રસ્તાના ખૂણે મોચી કામ કરીને પેટીયું રળતો છગન હોય કે પછી અબજોનો વેપાર કરતાં મુકેશ અંબાણી કે રતન ટાટા હોય, કે પછી બીલ ગેટ્સ કે બેઝોસ જેફરી હોય. દરેકના જીવનમાં ચડાવ ઉતાર અને મુશ્કેલીઓ આવતી જ હોય છે. જે મુશ્કેલીમાં મુશ્કરાય અને ગમગીનીમાં પણ આનંદથી ગીત ગાય એ જીવનને માણી શકે છે. સવલતોને સુખ સમજવા કરતાં અંતરમનની ચેતનાઓનો ફૂવારો જ સાચાં સુખનો પ્રદેશ છે એ સચ્ચાઇને સમજવી પડે. જીવનમાં જ્યારે સમસ્યા આવે ત્યારે એના ઉકેલ માટે ફાંફા મારવા કરતાં આનંદ આપતાં પ્રસંગોને યાદ કરી હસતાં ખેલતાં આગળ વધવાની કોશિષ જ કામયાબ બનાવે છે. જેમ જીવનમાં કશું મુશ્કેલ નથી એમ જીવનમાં કશું આસાનીથી પણ મળતું નથી. પ્રશ્નો, મુશ્કેલીઓ, તકલીફોને અતિક્રમીને જીવનમાં આનંદનો આફતાબ ખીલવવા માટેના વિવિધ માર્ગોને શબ્દ દેહ આપીને બ્લોગ સ્વરૂપે પ્રસ્તુત કરવાનો નમ્ર પ્રયાસ કર્યો છે. મે ‘આત્મનાદ’ સ્વરૂપે પ્રતિ સપ્તાહ આવતી મારી નિયમિત કોલમમાં જીવનના વિવિધ રંગોને શબ્દ પિંછી વડે કલ્પનાના આકાશને વધુ રંગીન બનાવવાની કોશિશ કરી છે. આશા છે કે, મારી નિયમિત કોલમ ‘આત્મનાદ’નું આ બ્લોગ અવતરણ વાચક મિત્રોને ગમશે.

- પુલક ત્રિવેદી

Monday, 19 April 2021

આજના સમયમાં લોકોમાં ઉત્સાહ ભરવાનું કામ મોટી સમાજ સેવા છે

 


કોરોનાની બીજી લહેર વધુ ઘાતક બની ગુજરાત સહિત આખા દેશમાં કોહરામ મચાવી રહી છે ત્યારે સૌથી મહત્વની અને અગત્યની વાત એ છે કે, મનને મજબૂત બનાવી હકારાત્મક વિચારો કરવાની. બિમાર થયેલા લોકો અને દિવંગત થયેલા લોકોના આંકડાઓ વારંવાર ટીવી અને માધ્યમોમાંથી જોઈને હતોત્સાહ થવા કરતાં મનમાં નવી ચેતના અને ઊર્જાનો સંચાર થાય તેવી પ્રવૃતિ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાનો આ સમય છે. દિવસમાં એકાદવાર ક્રેડિબલ ઈન્ફર્મેશન સોર્સથી વિગતો પ્રાપ્ત કરી બિમારીઓના સાચા સમાચારોની જાણકારી મેળવી લઇએ, પરંતુ આખો દિવસ આ જ વાતોથી આપણી જાતને બચાવવાની તાતી જરૂર છે.


શક્ય બને તો વોટ્સએપ અને ફેસબુક ઉપર આંતરિક ઊર્જા જગાવે એવી વાત મૂકવાની આપણાથી જ શરૂઆત કરવી જોઈએ. હોસ્પિટલોમાં જગા નથી, દર્દીઓની કફોડી સ્થિતિ, સ્મશાનમાં મૃતદેહોની કતારો વગેરે નકારાત્મક બાબતો લોકોનું મનોબળ તોડી નાખે છે. અત્યારનો સમય લોકોના મનોબળને વધારી એમનામાં જીવન જીવવાની અભીપ્સા જગાવવાનો છે. બીજુ કાંઈ ન કરો પણ લોકોમાં ઉત્સાહ ભરવાનું કામ કરવામાં આવે તો એ પણ મોટી સમાજ સેવા છે. સોશિયલ ડિસ્ટન્સીંગ, માસ્ક, સેનિટાઈઝેશન અને વેકસિન આ ચાર અમોઘ શસ્ત્ર સદાય યાદ રાખીને એસઓપી પ્રમાણે જ જીવવાનું રાખવુ પડશે. લાઈફ સ્ટાઈલ બદલવી પડશે. પણ સાથે સાથે હકારાત્મક વલણ પણ રાખવું પડશે. મેન્ટલી ડિપ્રેસ થવાથી વધુ નુકસાન થશે.


સારા હકારાત્મક વિચારો અમલમાં મૂકતા ક્યારેય વાર ન કરવી જોઈએ અને ખોટા, નકારાત્મક વિચારો અમલમાં મૂકવાની ક્યારેય ઉતાવળ ન કરવી જોઈએ. બિમારી બિમારી કરીને ક્યાં સુધી જીવવાનું ? સુરેશભાઈ દલાલની એક સરસ વાત છે કે, ‘દુઃખનું ડાચું દિવેલીયું, ને સુખની જુદી વાત, સુખ તો એને મળે જે વિણે પળપળ પારિજાત...’ આ પારિજાત એટલે હકારાત્મક વિચારો. આજે સૌથી મહત્વનો અને નજીકનો કોઈ સાથી હોય તો એ પુસ્તકો છે. વર્તમાન સમયમાં હૃદય અને મનને હકારાત્મકતાથી ભરવા માટે કેટલાક એવરગ્રીન મોટિવેશનલ પુસ્તકો તરફ ધ્યાન આપવા જેવું છે. આ પુસ્તકો ઊર્જા આપશે. જીવનને જીવવાલાયક બનાવશે.


બ્રેઈન ટુલ્સ

સ્ટ્રેસથી કેવી રીતે બચવું, ખુશ કેમ રહેવું, આનંદ ક્યાંથી મળે જેવા પાયાના સવાલોના જવાબ જ્હોન મેડિનાએ આ પુસ્તકમાં આપ્યા છે. આ પુસ્તક વાંચીને ખ્યાલ આપી શકે છે કે આપણું મન કેવી રીતે કામ કરે છે.

ધ સેવન હેબીટ્સ ઓફ હાઈલી ઈફેક્ટિવ ટીનસ

સીન કોવેએ પોતાના અનુભવોને આધારે લખેલું આ પુસ્તક બેસ્ટ સેલર શ્રેણીમાં આવે છે. પોતાના સંશોધન ઉપર આધારિત આ પુસ્તક સરળ ભાષામાં જીવનના પદાર્થ પાઠ ઉજાગર કરે છે. એક વાર તો આ પુસ્તકમાંથી પસાર થવા જેવુ જરૂર છે.

એઝ અ થિન્કેથ

આ પુસ્તકમાં જાણીતા લેખક અને ચિંતક જેમ્સ એલેને કહ્યું છે કે, વ્યક્તિ એક માળી છે અને મગજ એક બગીચો છે. જેવા બી રોપાશે એવા ફળ મળશે. મનઃસ્થિતિને સાઉન્ડ કરવા માટે જેમ્સે આપેલી ઉદાહરણ સાથેની વાત અત્યંત ચોટદાર છે. વાંચવા જેવું પુસ્તક છે.

સી યુ એટ ધ ટોપ

જીગ જીગ્લર લિખિત આ પુસ્તકમાં સફળ થવા માટેના અદભુત માર્ગો પ્રશસ્ત કરવામાં આવ્યા છે. આ પુસ્તકમાં ખોટી આદતોને કેવી રીતે છોડવી અને સારી વાતને કેવી રીતે વિકસાવવી એના રસ્તા ઉજાગર કરવામાં આવ્યા છે.

ધ પાવર ઓફ લેસ

લીઓ બબૌતા દ્વારા લખાયેલા આ પુસ્તકમાં સમયનો સાચો ઉપયોગ કરવાની વાતને અત્યંત વ્યવહારિક રીતે રજૂ કરવામાં આવી છે. આજના સમયમાં આ પુસ્તક માનસિક બળ આપવાનું અદભુત શસ્ત્ર બની શકે છે.

ધ ૮૦/૨૦ પ્રિન્સિપલ

આ પુસ્તકમાં રિચર્ડ કોરોએ સરસ સિદ્ધાંત આપ્યો છે કે, દુનિયાની ૮૦ ટકા દોલત ૨૦ ટકા લોકો પાસે છે અને ૨૦ ટકા દોલત ૮૦ ટકા લોકોમાં વહેંચાયેલી છે. જીવનના મહત્વના પાસાને સમજવા આ પુસ્તક એકવાર તો વાંચવા જેવું છે.

માસ્ટરી

બેસ્ટ સેલરની શ્રેણીમાં આવતું આ પુસ્તક આંતરિક શક્તિઓનો સુપેરે પરિચય કરાવે છે. રોબર્ટ ગ્રીનનું આ પુસ્તક વાંચીને વ્યક્તિ સમજી શકે છે કે, તેનામાં કઈ કઈ અગાધ શક્તિઓ પડી છે અને એને કેવી રીતે ચેનેલાઈઝ કરી શકાય.

હાઉ ટુ વિન ફ્રેન્ડસ એન્ડ ઈન્ફ્લુઅન્સ પિપલ

ચિંતક ડેલ કાર્નેગીનું બેસ્ટ સેલર આ પુસ્તક એવરગ્રીન છે. જેમાં એવા મજાના મુદ્દા છે કે જેને વાંચવાથી લોકો વચ્ચે અને લોકોના દિલ જીતવાની પ્રત્યાયનની અદભુત વાતો છે. આ પુસ્તક વિશે ખૂબ લખાયું છે અને અનેક લોકોએ એ વાંચ્યું છે. એકવાર વાંચી લીધું હોય તો પણ આજના સમયમાં ફરી વાંચીને મનને પ્રફુલિત કરવામાં આ પુસ્તક ઉપયોગી થઇ પડે એવુ છે.


થીંક એન્ડ ગ્રો રીચ

એક સ્ટેટસમેન ઉપરાંત અત્યંત ઉત્કૃષ્ટ વિચારક અને લેખક નેપોલિયને થોમસ એડિસન, એન્સેન્ડર ગ્રેહામ બેલ જેવા પ્રસિદ્ધ ચિંતકો સાથે લાંબી બેઠકો અને ઈન્ટરવ્યૂ કરીને આ ચિંતનાત્મક પુસ્તક લખ્યું છે. આ પુસ્તક પુરું કરતા નેપોલિયનને ૨૦થી વધુ વર્ષો થયા હતા. આ મોટિવેશનલ લખાણોમાં આ પુસ્તકનું સ્થાન અવ્વલ દરજ્જાનું રહ્યું છે

લો ઓફ સકસેસ

સકારાત્મક વિચારધારા અને સાથે સાથે મહેનતના પાસાને ઉજાગર કરતી નેપોલિયન હિલની આ પુસ્તકની ભાષા અને વિચારો જીવનમાં ઊર્જા ભરી દે એવી છે.


આ અલભ્ય પુસ્તકોની પીડીએફ ગુગલ સર્ચ કરવાથી આસાનીથી મળી શકે છે. વળી આના અન્ય પ્રાદેશિક ભાષાઓમાં અનુવાદ પણ ઉપલબ્ધ છે. આજના સમયમાં મનને તણાવમુક્ત કરવા માટે જીવનના મહત્વપૂર્ણ પાસાઓને ઉજાગર કરતા આવા પુસ્તકો મનમાં જીવન જીવવાનો ઉમંગ ભરશે. નકારાત્મકતા અને હતાશા હટશે. જીવન આગળ વધવાનું નામ છે. ખોટા નકારાત્મક ખયાલો મનમાંથી ખંખેરી હકારાત્મક વિચારોનું ઘડતર કરવાનો આ સમય છે.


ધરકાર :

વિચારો બેલગામ અશ્વ જેવા છે. સતત અને અવિરત દોડ્યા કરે છે. માણસે પોતાના વિચારો વિશે ગંભીરતાથી વિચારવું જોઈએ.