પ્રિય વાચકબંધુઓ,

પ્રશ્નો, મુશ્કેલીઓ, વિડંબણાઓ અને પીડામાંથી પસાર ન થયા હોય એવા કેટલા લોકો ? ચાર રસ્તાના ખૂણે મોચી કામ કરીને પેટીયું રળતો છગન હોય કે પછી અબજોનો વેપાર કરતાં મુકેશ અંબાણી કે રતન ટાટા હોય, કે પછી બીલ ગેટ્સ કે બેઝોસ જેફરી હોય. દરેકના જીવનમાં ચડાવ ઉતાર અને મુશ્કેલીઓ આવતી જ હોય છે. જે મુશ્કેલીમાં મુશ્કરાય અને ગમગીનીમાં પણ આનંદથી ગીત ગાય એ જીવનને માણી શકે છે. સવલતોને સુખ સમજવા કરતાં અંતરમનની ચેતનાઓનો ફૂવારો જ સાચાં સુખનો પ્રદેશ છે એ સચ્ચાઇને સમજવી પડે. જીવનમાં જ્યારે સમસ્યા આવે ત્યારે એના ઉકેલ માટે ફાંફા મારવા કરતાં આનંદ આપતાં પ્રસંગોને યાદ કરી હસતાં ખેલતાં આગળ વધવાની કોશિષ જ કામયાબ બનાવે છે. જેમ જીવનમાં કશું મુશ્કેલ નથી એમ જીવનમાં કશું આસાનીથી પણ મળતું નથી. પ્રશ્નો, મુશ્કેલીઓ, તકલીફોને અતિક્રમીને જીવનમાં આનંદનો આફતાબ ખીલવવા માટેના વિવિધ માર્ગોને શબ્દ દેહ આપીને બ્લોગ સ્વરૂપે પ્રસ્તુત કરવાનો નમ્ર પ્રયાસ કર્યો છે. મે ‘આત્મનાદ’ સ્વરૂપે પ્રતિ સપ્તાહ આવતી મારી નિયમિત કોલમમાં જીવનના વિવિધ રંગોને શબ્દ પિંછી વડે કલ્પનાના આકાશને વધુ રંગીન બનાવવાની કોશિશ કરી છે. આશા છે કે, મારી નિયમિત કોલમ ‘આત્મનાદ’નું આ બ્લોગ અવતરણ વાચક મિત્રોને ગમશે.

- પુલક ત્રિવેદી

Wednesday, 15 February 2017

‘રમવાની આઝાદી’ના ક્રાંતિકારી વિચારવાળી શાળા સમરહિલની કહાની

રમવાની આઝાદીના ક્રાંતિકારી વિચારવાળી શાળા સમરહિલની કહાની
                                                  - પુલક ત્રિવેદી

વિચારી જુઓ કે, એવી કોઈ સ્કૂલ હોઈ શકે કે, જ્યાં વિદ્યાર્થીઓ માટે ક્લાસમાં જવું ફરજિયાત ન હોય. જ્યાં વિદ્યાર્થીઓને જે કરવું હોય તેની સ્વતંત્રતા હોય. શિસ્તના નામે કોઈપણ વિદ્યાર્થી ઉપર કોઈ પણ વાતની જબરજસ્તી ન હોય. જ્યાં વિદ્યાર્થીઓ પોતે જ નિયમો બનાવતાં હોય, નિયમો તોડનાર સામે વિદ્યાર્થીઓ જ દંડ નક્કી કરતાં હોય અને વસૂલતા હોય... માનવામાં ન આવે એવી આ વાતો છે ને? ખરેખર વિશ્વની એક એવી અનોખી શાળા છે, કે જ્યાં આવી ક્રાન્તિકારી વિચારશરણીથી શૈક્ષણિક કાર્ય ચાલે છે. એ સ્કૂલનું નામ છે, ‘સમરહિલ’. ઈંગ્લેન્ડના પૂર્વ કાંઠે ૧૯૨૧માં એ.એસ. નિલ નામના ક્રાંતિકારી વિચારશરણીવાળા એકેડેમિશિયને સમરહિલ સ્કૂલ શરૂ કરી. જેમ સામાન્ય રીતે કોઈપણ નવો વિચાર હોય તો સૌથી પહેલા એની અવગણના થાય, પછી એની હાંસી ઉડાવાય ત્યારબાદ વિરોધ થાય અને આ ત્રણેય તબક્કામાં એ વિચાર ટકી રહે તો સ્વીકાર અને સરાહનાના સ્ટેજ પર એ વિચાર પહોંચે. નિલની સમરહિલ શાળાના કિસ્સામાં પણ એવું જ થયું.
આ એક એવી અનોખી શાળા છે કે જેનો મુખ્ય સિદ્ધાંત ‘રાઈટ ટુ પ્લે’ એટલે કે રમવાની આઝાદીનો છે. આ શાળામાં કોઈપણ બાળકને અભ્યાસ માટે, વર્ગખંડમાં જવા માટે, હોમવર્ક કરવા માટે કોઈપણ પ્રકારની ફરજ પાડવામાં આવતી નથી. જે બાળકને જેટલું રમવું હોય, જ્યાં સુધી રમવું હોય અને જે પણ રમવું હોય એ રમવાની સંપૂર્ણ છૂટ સમરહીલમાં છે. ૭થી ૧૫ વર્ષ વચ્ચેના બાળકોને ૧૨ એકરના કુદરતી વાતાવરણવાળી સમરહીલ શાળા એક અનોખું વિકાસનું ધામ લાગે છે. સમરહીલમાં વર્ગખંડોની સાઈઝ પણ જરા અલગ તરી આવે એવી છે. પ્રત્યેક ઓરડો વુડન બેઈઝ છે. શાળાની ૧૨ એકર જમીનમાં ઝાડ-પાન, લોનની મનમોહક લીલોતરી છે. સાયકલ ટ્રેક, વોકીંગ ટ્રેક, રનીંગ ટ્રેક, બોર્ડ ગેમ, વર્ડ ગેમ, સીનેમા હોલ વગેરે સવલતો સમરહીલમાં ઉપલબ્ધ છે.

સામાન્ય રીતે એવો ખ્યાલ હોય કે, સારી અને આદર્શ શાળાની પરિકલ્પના એટલે આચાર્ય અને શિક્ષકો દ્વારા સુનિશ્ચિત કરાયેલી વ્યવસ્થા અને નિયમોનું ચુસ્તતાથી પાલન થતું હોય અને બાળકો બિલકુલ શિસ્તબધ્ધ હોય. સમરહીલમાં બિલકુલ વિપરીત વાત છે. દર અઠવાડીયે, વિદ્યાર્થીઓ અને શિક્ષકો બે વાર સ્કૂલ મિટીંગમાં ભેગા થાય. આ મિટીંગમાં જે નિર્ણયો લેવાય તે અનુસાર સમરહીલનું વ્યવસ્થાપન રચાય. આ મિટીંગમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓના મતનું મૂલ્ય પણ એક સરખું. છે ને અદભુત વાત ! અહીં કોઈપણ પ્રકારની ઠોકી બેસાડવાવાળી વાત નથી. નિયમો ઘડવાની અને તેને અનુસરવાની વિદ્યાર્થીઓને સંપૂર્ણ આઝાદી. મઝાની વાત તો એ પણ છે કે, મિટીંગમાં લેવાયેલા નિર્ણયો મુજબ જો કોઈ વિદ્યાર્થી વર્તતો નથી તો એને દંડ કે શિક્ષા કરવાનો અધિકાર પણ વિદ્યાર્થીઓની બનેલી કમિટી પાસે છે. સમરહીલ સ્કૂલના સ્થાપક એ. એસ. નીલ જ્યારે  જર્મનીમાં ડ્રેસ્ડનમાં ૧૯૨૧માં આંતરરાષ્ટ્રીય પ્રાયોગિક શાળા શરૂ કરી અને ૧૯૨૪માં લૈસન, ઈંગ્લેન્ડમાં ખસેડવામાં આવી એ તબક્કે એમના મનમાં કેટલાક પાયાના સિદ્ધાંતો સ્પષ્ટ હતાં. નીલ માનતાં કે, સરેરાશ બાળક જન્મથી જ પાંગળું, ડરપોક કે આત્માહીન યંત્ર જેવું નથી હોતું. બાળક તો જિંદગીને ભરપૂર ચાહવાની અને માણવાની સંપૂર્ણ ક્ષમતા ધરાવે છે. શિક્ષણનું ધ્યેય એટલે હકીકતમાં તો જિંદગીનું ધ્યેય. નીલ કહે છે કે, જીવનમાં ઉત્સાહથી કામ કરવાની સાથે આનંદ શોધવો જોઈએ.

નિલ માને છે કે, શિક્ષણમાં માત્ર બૌદ્ધિક વિકાસ જ પૂરતો નથી. શિક્ષણમાં ભાવનાત્મક અને બૌદ્ધિક બન્ને પ્રકારના વિકાસ હોવા જોઈએ. બુદ્ધિ અને લાગણી વચ્ચેનું અંતર ક્રમશઃ ઘટતું જાય એ પ્રકારની શિક્ષણ વ્યવસ્થા ક્યારેય સ્વીકાર્ય બનતી નથી. બાળકોની માનસિક ક્ષુધાને શિક્ષણથી સંતોષ મળવો જોઈએ અને એ માટે શિક્ષણમાં સામર્થ્ય પ્રગટવું જોઈએ. જબરજસ્તીથી લાદવામાં આવેલી શિસ્ત ડર પેદા કરે છે.  ડરથી વેરભાવ ઉત્પન્ન થાય છે. ભવિષ્યમાં બાળક આનાથી પંગુ બની જાય છે. બાળક પર વધુ પડતી શિસ્ત લાદવી એ ખૂબ નુકશાનકારક છે અને એ માનસિક વિકાસને આડે માર્ગે વાળી દે છે. આ સમગ્ર વિચારધારાની પાછળ સ્વાતંત્ર્ય ચોક્કસ છે પરંતુ સ્વતંત્રતાનો અર્થ સ્વચ્છંદીપણું બિલકુલ નથી. નીલ જે સિદ્ધાંત પર ભાર મુકે છે એમાં આદરની ફિલોસોફી અગત્યની છે. આદર અરસપરસ અપાતી બાબત છે. આદર કદી એકતરફી ન હોઈ શકે. શિક્ષકને વિદ્યાર્થી માટે અને વિદ્યાર્થીને શિક્ષક માટે એક સરખો આદર હોવો જોઈએ. નીલ કહે છે કે, સમરહીલમાં આટલાં વર્ષોમાં એક પણ બાળક જુઠું બોલ્યો હોય એવું એના ધ્યાનમાં નથી.
૧૮૮૩માં સ્કોટલેન્ડના ફોરફર ગામમાં જન્મેલા આ શિક્ષણવિદ નિલે ડઝનેક પુસ્તકો લખ્યાં. સ્કોટીશ ભાષામાં શિક્ષકને ‘ડોમીની’ કહેવાય છે. નીલનું પહેલું પુસ્તક ૧૯૧૬માં ‘અ ડોમીનીઝ લોગ’ પ્રકાશિત થયું અને ૫૭ વર્ષ પૂર્વે ૧૯૬૦માં પ્રકાશિત થયેલા ‘સમરહીલ’ પુસ્તકે વિશ્વના શિક્ષણ જગતને એક નવી જ વિચારધારાથી હચમચાવી નાખ્યું. સમરહીલ સ્કૂલના તમામ પાસાને નીલના આ પુસ્તકમાં બારીકાઈથી વણી લેવામાં આવ્યા છે. બાળકને મનગમતું બધું જ જે શાળામાં કરવા દેવામાં આવે. બાળક પોતે જ નિયમો બનાવે અને નિયંત્રણ કરે વગેરે બાબતો વિશ્વના શૈક્ષણિક ક્ષેત્રના માંધાતાઓને ‘આઝાદ વિદ્યાર્થી આલમ’ની નવી પરિભાષા સમજવા માટે મજબુર કરી દીધા.
ક્યારેક એમ પણ થાય કે, સમરહિલમા મળતી આટલી બધી આઝાદી બાળકને કંઈક ખતરનાક કામ કરવા માટે કદાચ પ્રેરણા તો નથી આપતીને ! પણ નીલ નોંધે છે કે, મશીન, વાહનો, તુટેલા કાચ, ઊંડા પાણી વગેરે જોખમી વસ્તુઓ સામે શાળામાં બાળકને રક્ષણ અપાય છે પરંતુ એની વૈચારિક આઝાદીને સૌથી વધુ પ્રાધાન્ય આપવામાં આવે છે. જેમ કોઇ પણ બાળક શાળામાં પહેલવહેલું જાય ત્યારે એની આંખોમા આંસુઓ હોય એમ સમરહીલમાં પણ બાળક આવે ત્યારે આંસુ સાથે આવે છે. પણ જ્યારે તે બાળક સમરહિલમાંથી જાય ત્યારે પણ આંસુ સાથે જાય છે.

એક વાર નીલને એમ પ્રશ્ન પૂછવામાં આવ્યો કે, આટલાં બધાં ફ્રીડમવાળા વાતાવરણમાં જે બાળક સામો જવાબ આપે તેની સામે શું પગલાં લો છો ? ત્યારે નીલે ખૂબ સાહજિકતાથી જવાબ આપ્યો કે સમરહીલમાં કોઈ બાળક ક્યારેય સામો જવાબ આપતું જ નથી. બાળક સામો જવાબ ત્યારે જ આપે છે જ્યારે સત્તા ધરાવનાર વ્યક્તિ તેને નાદાન ગણીને તેની સામે વ્યવહાર કરે. સમરહીલમાં શિક્ષકો અને વ્યવસ્થાપકો બાળકોની જ ભાષા બોલે છે અને જ્યારે કોઈ શિક્ષક આવી કોઈ ફરિયાદ મારી સામે કરે તો હું સમજી લઉં છું કે એ શિક્ષકની નિષ્ફળતા છે. ઝોઈ રેડહેડ અત્યારે સમરહીલ સ્કૂલના આચાર્ય છે. ઝોઇ કહે છે કે, સમરહીલ એ સૌથી જુની અને સૌથી ખ્યાત બાળકોની લોકશાહી છે. શિક્ષકો અને બાળકો વચ્ચે જવાબદારી અને નિર્ણયો લેવાની સત્તા વહેંચવાના નવા યુગના મંડાણ એટલે સમરહીલ.
સમરહિલના પાસ આઉટ જેકની વાત જાણવા જેવી છે. ૧૭ વર્ષની વયે એક એન્જિનિયરીંગ ખાતામાં જોડાવા માટે જેક સમરહિલમાંથી વિદાય થયો. એક દિવસ એ કારખાનાના મેનેજિંગ ડાયરેકટરે જેકને બોલાવીને કહ્યું ‘તું સમરહિલની પેદાશ છે અને હવે આજે તુ અન્ય શાળાના જુવાનીયાઓ સાથે હળી મળી રહ્યો છે ત્યારે તેમના શિક્ષણ અંગે તારું શું માનવું છે, તે જાણવા હું ઉત્સુક છું. તારે ફરીથી પસંદગી કરવાની થાય તો તું ફરી સમરહિલ જઈશ કે ઈટન.’
જેકે જવાબ આપ્યો ‘ઓહ, સમરહિલ જ હોય ને.’
મેનેજિંગ ડાયરેકટરે કહ્યું, ‘પણ એ એવું શું આપે છે જે અન્ય શાળા નથી આપતી.’
જેકે જવાબ આપ્યો કે, ‘મને ખબર નથી પણ સમરહિલ સંપૂર્ણ આત્મવિશ્વાસનો અનુભવ આપે છે.’
મેનેજિંગ ડારેકટરે કહ્યું ‘હા, એ તો તમે જ્યારે તમે રૂમમાં પ્રવેશ્યા ત્યારે મેં નોંધ્યું.’
જેક હસ્યો અને બોલ્યો, ’ જો મે એવી મારી છાપ પડી હોય તો હું માફી માગું છું. ‘
મેનેજિંગ ડારેકટરે કહ્યું, ‘ઓહ નો, મને ગમ્યું. હું જ્યારે કોઈને મારી ઓફિસમાં બોલાવું છું ત્યારે મોટા ભાગના માણસોના હાવભાવમાં અજંપો અને અસ્વસ્થતા જણાતાં હોય છે. તું જાણે મારો સમકક્ષ હોય એમ પ્રવેશ્યો...’
સ્વયં અનુસાશન, સ્વયંશિસ્ત, નાટ્યકલા, સંશોધન, લેખન, રમતજગત તમામ ક્ષેત્ર પોતાની જ સહજ શક્તિઓથી ખીલે અને વિકાસ પામે એ સમરહિલની વિશેષતા છે.  ઈંગ્લેન્ડના ઈન્ડિપેન્ડન્ટ સ્કૂલ ઓફ ઈન્સ્પેટોરેટ ‘આઈ.એસ.આઈ.’ દ્વારા સમરહિલનું ઈન્સ્પેશન કરવામાં આવે છે. નવેમ્બર-૨૦૧૬ના આઈ.એસ.આઈ.ના ઈન્સ્પેશનના અહેવાલના ‘ફાઇન્ડીંગ્સ’-તારતમ્યો જાણવા જેવા છે. આઈ.એસ.આઈ. નોંધે છે કે, સમરહિલના વિદ્યાર્થીઓ પાસે મજબૂત કોમ્યુનિકેશન સ્કીલ છે. નવી વાત અને નવા કામમાં વિદ્યાર્થીઓ ઉત્સાહી છે. સમરહિલના વિદ્યાર્થીઓનો અભ્યાસ પ્રતિ અદભુત ‘એટીટ્યુડ’ છે. શિક્ષકોની ભૂમિકા સમરહિલમાં સપોર્ટીવ રહી છે. વિદ્યાર્થીઓના પર્સનલ ડેવલપમેન્ટની ક્વોલીટી અદભુત છે. આઈ.એસ.આઈ.એ સમરહિલ માટે એક માત્ર નબળી રીમાર્ક હતી કે, કેટલાક વિદ્યાર્થીઓની આંકડાકીય ક્ષમતા યોગ્ય જણાઈ નથી.
સામાન્ય રીતે શિક્ષણનું મૂલ્ય બે રીતે આકવામાં આવે એક તો જ્ઞાનના દ્રષ્ટિકોણથી અને બીજું માહિતીના દ્રષ્ટિકોણથી. મહદઅંશે માહિતીને આપણે જ્ઞાન સમજી લેતાં હોઈએ છીએ પણ જ્ઞાન તો પ્રશ્ન હલ કરવા માટે મેળવેલી માહિતીના ઉપયોગને કહેવાય. જ્ઞાન શબ્દ ઉપનિષદ કાળથી અલગ અલગ શબ્દ સાથે જોડીને એનો અર્થ પ્રસ્થાપિત કરવામાં આવે છે જેમ કે આત્મજ્ઞાન, આધ્યાત્મજ્ઞાન, ધર્મજ્ઞાન વગેરે. રાજવીઓ વિદ્યા શબ્દને જોડીને શસ્ત્રવિદ્યા શબ્દનો ઉપયોગ કરતાં આવ્યાં છે. જ્ઞાન અને માહિતીનું એક સહજ સ્વીકાર્ય સ્વરૂપ એટલે વિદ્યા. સંસ્કૃતમાં सा विद्या या विमुक्तये અર્થાત અજ્ઞાનરૂપી અંધકારમાંથી જ્ઞાનના ઉજાશ તરફ લઈ જા એ સૂત્ર પ્રચલિત છે.  ભગવદ ગીતામાં જ્ઞાન અને વિદ્યા એ બંને શબ્દોને સમાનરૂપથી પ્રયોજવામાં આવ્યા છે.
श्रद्धावान लभते ज्ञानं तत्परः संयतेन्द्रियः ।
ज्ञानं भवद्‍या परां शान्ति मचिरेणाधिगच्छति ॥(४,३९)
राजविद्या राजगृह्यं पवित्रमिद्‍मुत्तमम् ।
प्रत्यक्षावगमं धन्यं सुसुखं कतुमव्ययम् ॥ (९,२)
            જ્ઞાનઅને વિદ્યાએમ બંને શબ્દોથી અધ્યાયના નામ પણ અપાયેલાં છે. અધ્યાય-૭માંજ્ઞાનવિજ્ઞાન યોગ અને અધ્યાય-૯માંરાજવિદ્યા-રાજગૃહ્યયોગ અહીં સાધના, આત્મજ્ઞાનના સંદર્ભમાં આ શબ્દોનુ પ્રયોજન થયેલું છે. શાસ્ત્રો, પુરાણો, પૌરાણિક કથાઓ તથા ઉપનિષદની આખ્યાયિકાઓ આ તમામ જગ્યાએ આ બંને શબ્દો ખુબ સાહજિકતાથી ઉપસી આવે છે. ઉપનિષદ્‍કાળમાં જ્ઞાનનો મુખ્ય સ્ત્રોત ગુરૂઓ જ હતાં. આદી અનાદી સમયમાં વિદ્યા આચાર્ય પાસેથી મળતી. યાદ છે ને, ચાણક્ય - આચાર્ય વિષ્ણુગુપ્ત. મદાંધ રાજવી સામે એક ઢોરાં ચારતા ભરવાડને સક્ષમ બનાવ્યો. ધનાનના કુશાશનને ધ્વસ્ત કર્યું. બંનેનો પોતાનો અલગ અલગ સમય હતો અને અલગ અલગ અંદાજ હતો.
માહિતી ઉપરાંત વિદ્યા અને જ્ઞાનના મર્ગને પ્રકાશિત કરતી એક નવતર પ્રયોગ સાથેની સમરહિલ સ્કૂલ એની સેન્ચુરીની લગોલગ પહોંચી છે. આ એવી શાળા છે કે જ્યાં દિમાગની બત્તી પૂરબહારમાં પ્રકાશિત થાય છે. સમરહિલના પ્રત્યેક બાળકે કદાચ બહુ ઊંચી કારકિર્દી ન પણ બનાવી હોય પણ એક વાત તો ચોક્કસ છે કે, આ પ્રકારના વાતાવરણથી એક અનોખા વ્યક્તિત્વ અને અંદાજનો નિખાર ચોક્કસ આવે છે. આઝાદીના પ્રયોગાત્મક શિક્ષણની સમરહિલની શૈક્ષણિક સિસ્ટમમા નવતર સોડમ છે... સમસ્ત વિશ્વમાં આજનો અભ્યાસ પરિક્ષણ, પરીક્ષા અને પ્રશ્નો આધારિત જ હોય છે. આધુનિક યુગમાં શૈક્ષણિક લાયકાત પરીક્ષાના ગુણાંકની પરીભાષામાં જ રમતી હોય છે. આવા સમયે સમરહિલનો મુક્ત વિચારધારાવાળો શૈક્ષણિક અભિગમ કંઈક અલગ જ અંદાજ ઊભો કરે છે. ઈઝરાયેલથી જાપાન અને ન્યુઝીલેન્ડ, થાઈલેન્ડથી અમેરિકામાં મુક્ત શાળાના વિચારોના ઝંડા સમરહિલે ગાડ્યા છે.

ધબકાર –

જ્યારથી માનવીના મનમાંથી નારાજગી ભાવો દૂર થશે ત્યારથી દુનિયાના તમામ ગુન્હા, નફરત અને યુદ્ધો આપોઆપ ઘટી જશે. – એ. એસ. નિલ