લેખનુ મથાળુ વાંચીને ચોંકી ન જશો. બિલકુલ સાચી વાત છે. જાન્યુઆરી મહિનો દરવાજે ઉભો છે ત્યારે એક મહત્ત્વની વાત ઉપર ધ્યાન આપવા જેવુ છે કે, ડાયરી ‘બેસ્ટ ક્રેડિબલ ફ્રેન્ડ’ છે... સંવેદનાઓ, લાગણીઓ અને અનુભવો જીવનના અભિન્ન અંગો છે. એની સાથે જીવવાની અને એને કાગળ ઉપર ઉતારી વારંવાર એ ક્ષણોમાં જીવવાની મજા છે. આ સંદર્ભમાં એક મિત્રએ બે ત્રણ દિવસ પહેલાં સરસ મેસેજ મોકલ્યો હતો. ‘કલમને નાજુક કમર હોય છે, પકડો જો હૃદયથી, તો એને પણ લાગણીભર્યા શબ્દોની શરમ હોય છે.’ આમ જોવા જઇએ તો, ડિસેમ્બર મહિનો એટલે ડાયરીઓનો મહિનો. નેશનલ-મલ્ટી નેશનલ કંપનીઓ અને સરકારી કચેરીઓમાં ડાયરીની બોલબાલા હોય. ડાયરી સાથે પ્રત્યેક વ્યક્તિના હૃદયના તાર જોડાયેલા હોય છે. ડાયરીને નોંધપોથી કે રોજનીશી પણ કહી શકાય. પર્સનલ ડાયરી માટે ગાંધીજી ‘રોજનીશી’ શબ્દનો પ્રયોગ કરતા. રોજેરોજ બનેલી ઘટનાઓના પોઈન્ટસ રોજનીશીમાં ટપકાવામાં આવે. એમાં લાંબા લાંબા વર્ણનોને સ્થાન નથી.
ડાયરી માટે અંગ્રેજીમાં જર્નલ, ડે-બુક, લોગબુક, ક્રોનિકલ જેવા શબ્દોનો પ્રયોગ પણ થાય છે. વ્યક્તિગત પ્રવૃત્તિઓ, અંગત પ્રતિભાવો, અને સંવેદનાસભર લાગણીઓને પ્રતિદિન શબ્દદેહે અંકિત કરવાની પ્રવૃત્તિ વ્યક્તિના આંતરિક મોજનું કારણ બની જતી હોય છે. વ્યક્તિ જ્યારે રોજનીશી લખે છે ત્યારે તેમાં રોંજીંદા મનોભાવોનો મહાસાગર ઠલવાતો હોય છે. વિચારો અને ઘટનાઓને પાંખો મળે છે. સુખદ કે દુઃખદ બધી વાત કલમની આંખે અને શબ્દોની પાંખે સવાર થઈને કાગળના સિંહાસને બિરાજે છે. ડાયરી એટલે જાત સાથે સુહાનો સંવાદ. મનના આવેગ, ઉન્માદ, માન, સન્માન, બળાપો કે ઉહાપોહ રોજનીશીના પાને કંડારાઈ જતા તે મજાનો દસ્તાવેજ બની જાય છે.
ડાયરી લેખનનો ઇતિહાસ મધ્ય પૂર્વીય અને પૂર્વ એશિયન સંસ્કૃતિ સાથે સંકળાયેલો છે. બીજી સદીના ઉત્તરાર્ધમાં રોમન સમ્રાટ માર્કસ ઓરેબિયસે ગ્રીક ભાષામાં લખેલી ‘ટુ માય સેલ્ફ’ને સૌથી પૌરાણિક ડાયરી તરીકે જોવામાં આવે છે. લોકો ‘ટુ માય સેલ્ફ’ને ‘મેડિટેશન’ તરીકે પણ ઓળખે છે. પશ્ચિમના દેશોમાં ડાયરી લખનારાને ‘ડાયરીસ્ટ’ કહે છે. ડાયરીસ્ટના લેખનના આધારે માનવ સંસ્કૃતિના ઘણા અણદીઠાં પાસાઓ ખુલ્યા છે. વર્ષ ૧૯૦૮માં સ્મિથસન કંપનીએ ફેધરવેઈટ ડાયરી બનાવી. અને પછી ડાયરીઓ બનાવવાનો ઉપક્રમ ફૂલ્યો ફાલ્યો.
ડાયરી અંગત જીવનનું એવું સુરક્ષિત સંગીત છે કે જ્યાં વ્યક્તિ પોતાના સ્વાનુભવો અને સંવેદનાઓને સ્થાન આપી શકે છે. ડાયરી એક એવું સ્થાન છે જ્યાં વ્યક્તિ તેના વિચારો, લાગણીઓ અને મંતવ્યો વિશે પ્રામાણિક અને નિષ્ઠાવાન બની શકે છે. ડાયરી તેના લેખકની આંખો માટે જ છે, અન્ય કોઈનું એમાં સ્થાન નથી. દૈનિક ઘટનાઓના નિરૂપણ પૂર્વે શું લખવા જઈ રહ્યા છીએ એની ઉપર ચિંતન બાદ જાત સાથે સંવાદ થતો હોય છે. એ સંવાદમાંથી ઊભા થતાં સવાલો અને જવાબો ડાયરીની પરિભાષા સુનિશ્ચિત કરે છે. ઘણા લોકોને રેગ્યુલર ડાયરી લખવાનો શોખ હોય છે. કેટલાક મનમાં આવે ત્યારે નોંધ ટપકાવતા હશે. જ્યારે વ્યક્તિ એક હદથી વધુ ખૂશ હોય ત્યારે કે પછી વધારે પીડા અનુભવે ત્યારે ડાયરીના ખોળે બેસવાનું મુનાસીબ માનતો હોય છે. મનમાં ઉમડતા વિચારોના વંટોળ ડાયરીના પાના ઉપર શાંત થઈ જતા હોય છે.
ગાંધીજીના મતે ડાયરી ‘સેલ્ફ એનાલીસીસ’ માટે નથી. મનમાં આકાર લેતા મહત્વના આઇડિયાને ટપકાવવા માટે ગાંધીજી ડાયરી નહોતા લખતા. એમણે આ બાબત ક્યારેય ડાયરીમાં નથી લખી. રોજનીશી લખવા પાછળ બીજાને કે પોતાને આકર્ષિત કરવાનો પણ એમનો આશય નહતો. ગાંધીજીની ડાયરી એટલે નખશીખ સત્યનું નિરૂપણ. સંદર્ભ માટે ‘ગાંધીજીનો અક્ષરદેહ’ ગ્રંથોમાંથી પસાર થવા જેવુ છે. ગાંધી આશ્રમના અંતેવાસી રમણિકભાઈ મોદીને એકવાર બાપૂએ કહ્યું હતું કે, ‘સારી રોજનીશી રાખવી એક કળા છે. રોજનીશી રાખનારને તથા આશ્રમવાસીઓને એમાંથી ઘણું પ્રાપ્ત થઈ શકે છે. રોજનીશીમાં થોડા શબ્દોમાં મનુષ્ય પોતાની દિનચર્યા આપી શકે અને પોતે કરેલા કામનું ટૂંકુ વર્ણન કરી શકે.’ ગાંધીજીએ જ્યારે અસહકારની ચળવળ આરંભી ત્યારે સૌને રોજનીશી રાખવાનું સૂચન કર્યું હતું. ડાયરી વ્યક્તિનો આયનો છે. એકવાર ડાયરી લખવાની શરૂઆત કર્યા બાદ એને વચ્ચેથી છોડી ન દેવાનો મક્કમ નિર્ધાર રાખવો પડે. ગાંધીજીએ લખ્યું છે કે, ‘રોજનીશી રાખવાની ટેવ જ ઘણા દોષોમાંથી આપણને ઉગારી લેશે કેમ કે તે આપણા દોષની સાક્ષીરૂપે રહેશે.’
ડાયરીની વાત નીકળે ત્યારે જર્મનીની ‘મેરી એન ફ્રેન્ક’ સહજ યાદ આવી જાય. હિટલરના અમાનુષિ તાપના એ અરસામાં ૧૨ જૂન, ૧૯૨૯માં જન્મેલી એન ફ્રેન્કે ૧૩ વર્ષની કુમળી વયથી ડાયરીના પાના ભરવા માંડેલા. એ જમાનામાં નાઝીઓ યહુદીઓને ભાળ્યા મૂકતા ન હતા. હોલેન્ડના એમસ્ટરડમમાં એ રહેતી હતી પરંતુ એન ફ્રેન્કને હિટલરના ત્રાસના કારણે એ છોડવું પડેલું. એના માતાપિતા જેલમાં જ અવસાન પામ્યા હતા. એણે તાનાશાહ હિટલરના પાશવી અત્યાચારો એની રોજનીશીમાં ટપકાવ્યા હતાં. એણે લખેલી આ ડાયરી વિશ્વની ૧૮થી વધુ ભાષામાં અનુવાદ થઈ. હિટલરની જેલમાં એન ફ્રેન્ક ૧૬ વર્ષની ઉંમરે ગુજરી ગઈ. એનની ડાયરી ઉપરથી નાટકો અને ફિલ્મો બની.
રોજનીશી વ્યક્તિનો અંગત ભૂતકાળ, મનોદશા અને ભૌગોલિક આકલનનો જાગતો દસ્તાવેજ છે. અમ્બ્રોસ બીયર્સ નામના એક ચિંતકે કહ્યું છે કે, ‘ડાયરી વ્યક્તિએ સ્વયં લખેલો રોજીંદો દસ્તાવેજ છે. જેમાં વ્યક્તિ કોઈની પણ શેહશરમ કે ખચકાટ વગર પોતાની સ્ટ્રેન્થ અને વિકનેસને અભિવ્યક્ત કરે છે. આ બીજાને માટે પ્રેરણાદાયી પણ બને છે.’ રોજનીશી લખવા માટે પોતાની જાત સાથે સંપૂર્ણ ઈમાનદારી રાખી શબ્દદેહ આપવાની ખુમારી હોવી જોઈએ.
ડાયરીના પાના ઉપર મનમાં થીજી ગયેલી કપરી ક્ષણો કાગળ ઉપર વહેવડાવીને હળવા બનવાની આ સરસ સાયકોલોજીકલ સિસ્ટમ બની શકે. ઉત્સાહવર્ધક મજાની ક્ષણો પણ રોજનીશીમાં ઉતારી એને ફરી ફરી જીવવા માટેની એક બારી ડાયરી છે. હવે ડાયરી લખવામાં એક નવું પરિમાણ ભવિષ્યના કરવાના કાર્યોની વાત પણ ઊભરીને આવી છે. રોજે રોજ ‘ટુ ડુ લીસ્ટ’ ડાયરીમાં ટપકાવવાના ફાયદા અનેક છે. આજે કરવાના મહત્વના કાર્યોની નોંધ વ્યક્તિને વધુ સજાગ બનાવે છે. કામની નોંધ માનસિક શાંતિ સાથે સ્ટ્રેસને ગુડબાય કરે છે. જે લોકો ડાયરીમાં આજે કરવાના કાર્યોની નોંધ રાખતા હોય છે એમને ‘લીસ્ટ મેકર’ તરીકે ઓળખવામાં આવે છે. આવા લીસ્ટ મેકર્સ હંમેશા પરિણામલક્ષીતાવાળા હોય છે. ફાંકડી ડાયરી હાથમાં રાખવી સ્ટેટસ સિમ્બોલ ચોક્કસ હોઈ શકે પરંતુ રોજેરોજ એમાં અંતરંગ અંગત અનુભવોને શબ્દ દેહ મળે અને કરવાના મહત્વના કાર્યોની નોંધ ટપકાવાય તો એ સાચા અર્થમાં રૂપકડી સાથી બની શકે. ઓ કે, તો ઉઠાવો કલમ અને રોજેરોજ ઉતારવાનું શરૂ કરો તમારા મનોભાવને ડાયરીના પાને...
ધબકાર : તમારો સૌથી મોટો શિક્ષક અને સૌથી સાચો સાથી તમારી ડાયરી જ
છે.
https://gnr.betanetcdn.com/gnrsmc/epaper/dec2020/08122020-4.pdf







