પ્રિય વાચકબંધુઓ,

પ્રશ્નો, મુશ્કેલીઓ, વિડંબણાઓ અને પીડામાંથી પસાર ન થયા હોય એવા કેટલા લોકો ? ચાર રસ્તાના ખૂણે મોચી કામ કરીને પેટીયું રળતો છગન હોય કે પછી અબજોનો વેપાર કરતાં મુકેશ અંબાણી કે રતન ટાટા હોય, કે પછી બીલ ગેટ્સ કે બેઝોસ જેફરી હોય. દરેકના જીવનમાં ચડાવ ઉતાર અને મુશ્કેલીઓ આવતી જ હોય છે. જે મુશ્કેલીમાં મુશ્કરાય અને ગમગીનીમાં પણ આનંદથી ગીત ગાય એ જીવનને માણી શકે છે. સવલતોને સુખ સમજવા કરતાં અંતરમનની ચેતનાઓનો ફૂવારો જ સાચાં સુખનો પ્રદેશ છે એ સચ્ચાઇને સમજવી પડે. જીવનમાં જ્યારે સમસ્યા આવે ત્યારે એના ઉકેલ માટે ફાંફા મારવા કરતાં આનંદ આપતાં પ્રસંગોને યાદ કરી હસતાં ખેલતાં આગળ વધવાની કોશિષ જ કામયાબ બનાવે છે. જેમ જીવનમાં કશું મુશ્કેલ નથી એમ જીવનમાં કશું આસાનીથી પણ મળતું નથી. પ્રશ્નો, મુશ્કેલીઓ, તકલીફોને અતિક્રમીને જીવનમાં આનંદનો આફતાબ ખીલવવા માટેના વિવિધ માર્ગોને શબ્દ દેહ આપીને બ્લોગ સ્વરૂપે પ્રસ્તુત કરવાનો નમ્ર પ્રયાસ કર્યો છે. મે ‘આત્મનાદ’ સ્વરૂપે પ્રતિ સપ્તાહ આવતી મારી નિયમિત કોલમમાં જીવનના વિવિધ રંગોને શબ્દ પિંછી વડે કલ્પનાના આકાશને વધુ રંગીન બનાવવાની કોશિશ કરી છે. આશા છે કે, મારી નિયમિત કોલમ ‘આત્મનાદ’નું આ બ્લોગ અવતરણ વાચક મિત્રોને ગમશે.

- પુલક ત્રિવેદી

Monday, 20 July 2020

એક ડાઇહાર્ડ પ્રવાસીની ચેતના...

 

એક સાહિત્ય સર્જકની ઊર્જા એનો પ્રવાસ કેવી રીતે બને એ સાહિત્યકાર અને કવયિત્રી પ્રજ્ઞા પટેલે પ્રસ્થાપિત કર્યું છે. પિતા આત્મારામ પટેલના પાંચ સંતાનો પૈકીના એક પ્રજ્ઞાબહેનને બાળપણથી જ કુદરતના ખોળે મહાલવામાં અજબનો આનંદ મળતો. અમરનાથ યાત્રાથી માંડીને કૈલાસ માનસરોવર, આંદામાનથી માંડીને એવરેસ્ટ બેઝ કેમ્પ, દુબઈથી માંડીને યુરોપને એમણે ધમરોળી નાખ્યા છે. પ્રજ્ઞાબહેનની કલમમાં અદભુત વાસ્તવિકતા અને અનુભૂતિની ઝલક જોવા મળે છે. પણ આજે વાત કરવી છે એમની પ્રવાસ પ્રિય ચેતનાની.




છેલ્લા ત્રણ-ચાર મહિનાથી હું એમનું ફેસબુક પેજ ફોલો કરતો હતો. ‘નર્મદે હરમથાળા હેઠળ એમણે ૩૦ જેટલી પોસ્ટમાં એમની નર્મદા પરિક્રમાનો અર્ક પીરસ્યો છે. કહેવાય છે કે, મા નર્મદાની પરિક્રમાની યાત્રા લગભગ ૩૫૦૦ જેટલાં કિલો મીટરની થાય છે. ગુજરાતની આદરણીય મા નર્મદાનું પૌરાણિક શાસ્ત્રોમાં અત્યંત મહત્વ રહ્યું છે. નર્મદા પરિક્રમાના માર્ગમાં મૂર્તિઓ, મંદિરો, સંતોના આશ્રમો, સ્થાપત્યોનો વિપુલ ખજાનો છે. પ્રજ્ઞાબહેન ડાઈહાર્ડ પ્રવાસી ઉપરાંત સાહિત્ય સર્જક હોવાથી તેમની દરેક મુલાકાતો અને પ્રવાસના વર્ણન વાંચતા એમ જ થાય કે આપણે સ્વયં એ સ્થળે છીએ. એમની સરસ વર્ણનશક્તિ અને શબ્દો હૃદયમાં સોંસરવા ઉતરી જાય એવા હોય છે.




નર્મદા પરિક્રમા અમરનાથની યાત્રા કરતા પણ કપરી અને હદયને હચમચાવી મૂકે એવી હોય છે. વળી જે સમયમાં એમણે પરિક્રમા આરંભી એ સમયે કોરોનાનો ડોળો ગુજરાત અને ભારત ઉપર મંડરાયેલો હતો. લોકડાઉન અને બિમારીના ભયના ઓથારમાં લોકો હતા. પરંતુ પ્રજ્ઞાબહેનની લગન અને આધ્યાત્મિક ચેતનાને દાદ આપવી ઘટે. એમણે તમામ મસમોટા અંતરાયોને આઘા હડસેલી દીધા. એમના નિશ્ચયમાં અડગ રહ્યા. એટલું જ નહીં જે વિચાર્યું હતું એ કાર્ય સત્યનિષ્ઠાથી પૂર્ણ કરીને જંપ્યા. પ્રજ્ઞાબહેન કહે છે કે, એકાદ દાયકા પહેલાં ઓમકારેશ્વરમાં માતૃશ્રી સાથે કોઈ સંતના ભંડારા પ્રસંગે જ્યારે એ ગયા ત્યારે એમને નર્મદા મૈયાનો પરિક્રમા પથ મનમાં વસી ગયેલો. એ વખતે મનમાં એમને એક પ્રશ્ન થયેલો કે મીની પરિક્રમા પથ આટલો અદભુત અને અલૌકિક છે તો આખો પરિક્રમા પથ કેટલો મનલુભાવન અને ચેતનાસભર હશે ? ઐશ્વરીયની ખોજ અને આંતરિક અવાજ બુલંદ હોય ત્યારે વ્યક્તિને તેણે ધારેલા માર્ગો અકલ્પનીય રીતે ખુલી જતા હોય છે. વિકટ અને મુશ્કેલ એવી નર્મદા પરિક્રમા એમણે વર્ષ ૨૦૨૦ના મે મહિનાની ૨૪મી તારીખે નર્મદે હરના નાદ સાથે આરંભી દીધી.




આખા જગતમાં નર્મદા પરિક્રમાનું અદકેરું મહાત્મ્ય છે. પૂર્વ ભાષા નિયામક અને લેખક, વિચારક સ્વ. કાલીદાસભાઈ ત્રિવેદીએ નર્મદા પરિક્રમા પૂર્ણ કર્યા બાદ એમની અનુભૂતિ અને અનુભવોને શબ્દે કંડારી મઝાનું પુસ્તક તૈયાર કર્યું હતું. મા નર્મદાની વાત નીકળે ત્યારે સર્જક અમૃતલાલ વેગડ અને ધ્રુવ ભટ્ટના મા નર્મદાના સર્જન માનસપટ ઉપર તરવરવા લાગે. ભવિષ્યમાં બહેન પ્રજ્ઞાની અનુભૂતિ પણ પુસ્તક સ્વરૂપે જોવા મળશે જ.




પ્રજ્ઞાબહેન વિનયન ક્ષેત્રે ડબલ માસ્ટર્સ ડિગ્રી ધરાવવા ઉપરાંત રાજય સરકારમાં વરિષ્ઠ અધિકારી રહી ચૂક્યા છે. એમની સાથે ફરજ બજાવતા જીવનના અભિગમ વિશેના એમના વાસ્તવવાદી દ્રષ્ટિકોણને જાણવા સમજવાનો અનાયાસે અવસર મળતો રહ્યો. જ્યારે ફરજ ઉપર હતા ત્યારે પણ ક્યારેય એમણે એમના ઉચ્ચ હોદ્દાનો રૂઆબ ઝાડ્યો હોય કે સત્તાનો ઉન્માદ છલકાવ્યો હોય એવું સ્મરણમાં નથી. હંમેશા તાજગીસભર વિચારો સાથે વાસ્તવિક તળથી જોડાયેલી એમની વાતો સાથી ઉપર ચુંબકીય અસર છોડી જતી.

પરિક્રમા દરમિયાન એ સાધુ, સંત, ફકીર, મહાત્માઓ સહિત અનેક લોકોને મળ્યા. એમના જ શબ્દોમાં કહીએ તો આ બધા જ મા અન્નપૂર્ણાના સીધા અવતાર જેવા હતા. કોઈ પરિચય વગર ભોજન અને ચા-નાસ્તાનો અનહદ આગ્રહ અને તેમ છતાં પણ પોતે કંઈક કરી રહ્યા છે એવો લેશ માત્ર ભાવ નહીં.




ક્યારેક ઉબડ ખાબડ રસ્તો તો ક્યારેક સીધું ચઢાણ, ક્યાંક પ્રગાઢ જંગલ તો ક્યાંક રમણીય સપાટ મેદાન. આવા જીબો ગરીબ પથ ઉપર આનંદ કરતા, અનેક લોકોને મળતા અને અમુલ્ય અનુભવોનું ભાથું બાંધતા પ્રજ્ઞાબહેને નર્મદા પરિક્રમા પરિપૂર્ણ કરી ત્યારે એમણે કહ્યું કે, ‘પરિક્રમા પૂર્ણ થઈ અને ભીતરમાં હજુ એ ચાલુ જ છે. ‘મા’નું સાનિધ્ય છૂટવાનું દુઃખ પણ થયું.કેટલી સુંદર આધ્યાત્મિક ચેતનાની વાત આ નાના વાક્યમાં એમણે કરી દીધી. જીવનની સાચી મોજ તો એ જ છે કે, પરમ આનંદની ખોજ ક્યારેય ન અટકે. મનોમન સહેજે પ્રશ્ન થાય કે, કદાચ પ્રજ્ઞાબહેન એમના નિજાનંદને ટટોળવા માટે જ સતત, સઘન આવા દુર્ગમ પ્રવાસો કરતા નહીં હોયને ?

આમ જોવા જઈએ તો જીવનનો ઉદ્દેશ્ય શું છે ? આ પ્રશ્ન અણમોલ છે. પ્રત્યેક વ્યક્તિને હંમેશા મનમાં આ સવાલ ઉઠતો જ હોય છે. દરેક વ્યક્તિના જીવનનો હેતુ અને લક્ષ્ય અલગ અલગ હોય છે. પોતાનું લક્ષ્ય પ્રાપ્ત કરવા પ્રત્યેક વ્યક્તિ જુદા જુદા માર્ગે પ્રયાસ કરતો હોય છે. પ્રજ્ઞાબહેન જેવા લોકો જીવનના ઉદ્દેશને જાણે છે. એ લોકો પોતાની જાગૃતિ અને ચેતનાનો આત્મશ્લાધા માટે ક્યારેય ઉપયોગ કરતા જોવા નહીં મળે. જો કોઈ વ્યક્તિને તમામ સુખ સાહેબી અને સવલતો આપી દેવામાં આવે પણ એ નિજાનંદને પારખી નહીં શકે તો એ નિશ્ચિતપણે દુઃખી જ હશે. પ્રજ્ઞાબહેન કહેતા હોય છે કે, યાત્રા અને પ્રવાસોથી માહ્યલાનું ઘડતર થતું જાય છે એમ જીવન પથ ઉપર કુદરતના ખોળે નિજાનંદમાં મહાલવાની મોલાત પામે એને દુનિયાના બીજા બધા પાસા ફીકાફસ લાગે.

 

ધબકાર :

આપણા વિચારો આપણા સંસ્કારનો આયનો છે.