જે સૌને મિત્ર કહેતો ફરે છે
એ કોઈનો
મિત્ર નથી...
બપોરનો સમય હતો. ઘ-૬ના બસ સ્ટેન્ડ ઉપર એકલ-દોકલ વ્યક્તિઓ બસની રાહ જોતા ઊભા હતા. બે ભાઈઓ પાંચ-દસ મિનિટ બસ સ્ટેન્ડના બાંકડે બેઠા હતા. એમાંથી એક ભાઈ જરા વાચાળ પ્રકૃતિના હતા. લાંબો સમય વાતો કર્યા વગર બેસવું એમના સ્વભાવમાં
ન હતું. બન્ને
મુસાફર ભાઈઓ વચ્ચે ઔપચારિક ઓળખાણ થઈ અને વાત-વાતમાં મૈત્રીનો વિષય છેડાયો. સાચા મિત્રો અને નિકટના મિત્રો ઉપર
ફિલોસોફીકલ ચર્ચાઓ ચાલી. અચાનક પેલા બહુ ચર્ચા કરતાં ભાઈને પૂછ્યું ‘તમારે કેટલા મિત્રો છે ?’
પેલા વાચાળ ભાઈએ કહ્યું ‘મારે તો ઘણા મિત્રો છે?’ એ ભાઈ આમ પણ નગરના કોઈ પણ કાર્યક્રમમાં
હાજર હોય જ. એટલું
જ નહીં એમની હાજરીની સોશ્યલ મીડિયા અને અન્ય રીતે જાણકારી લોકોને મળે એ માટે એ
સજ્જન પૂરતા સભાન પણ ખરા. પેલા ભાઈએ ફરી પૂછ્યું, ‘તમારા ચારેક મિત્રોના નામ આપો તો.’ હવે પેલા વાચાળ ભાઈ થોડા મુંઝાયા. ફેસ સેવિંગ માટે એમણે આઠ દસ નામ ફટાફટ આપ્યા
ખરા પણ એમનો ચહેરો સ્પષ્ટ કહેતો હતો કે, એ નામ માત્ર ઓળખાણ પુરતા હતા. હું આ લોકોને ઓળખુ છું એ પ્રકારની કીર્તિના
કટોરામાં ટુકડા નાખવા પૂરતા જ એ બધા નામો હતા.
ઉપરની વાસ્તવિક ઘટના હવાના એક જોરદાર સુસવાટાની
માફક હૃદય ઉપરના આવરણો અને સુકા પાનને ઉડાડીને સાફ કરી નાખે એવી છે. આપણે બધા લગભગ મિત્ર વિહોણા થઈને ઊભા
છીએ. મજાની વાત તો એ છે કે, આ વાતનો આપણને અહેસાસ સુદ્ધા પણ નથી થતો. કાર્યક્રમો અને કીર્તિની ભીડભાડમાં
એટલા ભરાઈ ગયા હોઈએ છીએ કે, મિત્ર નામનો અહેસાસ નામશેષ થતો જાય છે. એમ લાગે છે કે, દુનિયા સાવ એકલી અટુલી થઈ ગઈ છે. લોકો ભીડમાં પણ એકલા ફરી રહ્યા છે. સાચા મિત્રનો ખાલીપો હૃદયના એક ખૂણે
ડાચુ ફાડીને દિન પ્રતિદિન સતત વિકરાળ બનતો જાય છે. જે સૌનો મિત્ર છે એ કોઈનો મિત્ર નથી.
જન્મ લેતાંની સાથે ઈશ્વરદત્ત સંબંધોની ભરમાળ
પેદા થઈ જતી હોય છે. પણ દોસ્તી એક માત્ર એવો સંબંધ છે, જે વ્યક્તિ પોતાની મરજી અને
મહોબ્બતથી બનાવતો હોય છે. એક સુહાની અને પ્યારી મિત્રતા આત્માનો હાઈજેનિક ખોરાક છે. સાચી મિત્રતા આત્માને હંમેશા તાજા
ખીલેલા ફુલની જેમ તરોતાજા રાખે છે. પણ મિત્રોની ખોટ કેમ મહેસુસ થાય છે એ ક્યારેય જાણવાની હદયપૂર્વક કોશિષ થાય
છે ખરી ?
બે ખૂબ સારા ભાઈબંધો હતાં. બન્ને વચ્ચે અદભુત સ્નેહનું બંધન હતું. સમય જતાં બન્ને પોત-પોતાના ક્ષેત્રમાં ખૂબ આગળ વધતા જતા
હતા. એકબીજાની
પ્રગતિ અને વધતાં બાહ્ય સંપર્કોએ ખુબ ભૂમિકા ભજવી. એક જમાનામાં દરેક સારા માઠા પ્રસંગે
સાથે રહેતા ભાઇબંધો હવે એક બીજાની હાજરીમાં અત્યંત ઔપચારિક બની ગયા હતાં. પ્રેમ,
લાગણી, ત્યાગ અને ભાતૃભાવની ભિનાશનું દુર દુર સુધી નામોનિશાન દેખાતું નથી. મિત્રતા
અને પૈસાનો સંબંધ તેલ અને પાણી જેવો છે. ક્યારેય એનો મેળ ન બેસે. દોસ્ત તો પ્રેમનું પ્રાગટ્ય સ્વરૂપ છે. મિત્રતા તો પેદા થતી હોય છે. બનાવી નથી શકાતી. સત્તા, પૈસા અને ભીડ તો સંપર્કો છે મિત્રતા
થોડી છે.
એક મજબૂત મૈત્રી રોજ મળવા અને વાતો કરવાની કે
સાથે રહેવાની મોહતાજ ક્યારેય નથી હોતી. જ્યાં સુધી એક સાચી લગન અને લાગણીપૂર્વકની કસક
દિલમાં જીવિત હોય ત્યાં સુધી દોસ્ત ક્યારેય દિલથી અલગ ન હોઈ શકે. તમારા હૃદયના આંસુઓની પરખ સમજનારો,
તમારા સ્મિતને જાણવાવાળા હજારો લોકો કરતા અનેકગણો મુલ્યવાન છે. સેકંડ વર્લ્ડ વોર માં બ્રિટીશ હોમગાર્ડના
કેપ્ટન રહી ચૂકેલા ‘ટેડ્ડીબેર બીન્ની ધ પુહ’ પુસ્તક અને સંવેદનશીલ કાવ્ય રચનાઓથી
વિશ્વમાં જાણીતા બનેલા બ્રિટીશ ઓથર એ. એ. મિલન મિત્રને સંબોધીને કહે છે કે, ‘જો તું સો વર્ષ જીવવાનો હોય તો હું સો
વર્ષમાં એક દિવસ ઓછું જીવવાનું પસંદ કરીશ કારણ કે, દોસ્ત તારા વગરની દુનિયા મારે
નથી જોવી.’
મિત્રતાની કોઈ ભાષા નથી એ તો જીવનનો અર્થ છે. દોસ્ત તો બે શરીરમાં મોજથી વિસ્તરતું
આત્માનું અલૌકિક સ્વરૂપ છે. દોસ્તી અને શિષ્ટાચાર સુખના શિખર ઉપર જ્યાં લઈ
જઈ શકે છે ત્યાં દોલત અને દંભ એની તળેટીની આસપાસ પણ નથી ફરકી શકતા.
આજકાલ કોઈને કોઈની દોસ્તી ઉપર વિશ્વાસ નથી
રહ્યો. હૃદયના
ઉંડાણની વ્યથા કે આનંદનો ટહુકાર વહેંચી નથી શકતા. બ્રાઝીલીયન બેસ્ટ સેલર પોલો કોહેલો કહે
છે કે, આપણામાંથી
કોઈને નથી ખબર કે આગલી ક્ષણે શું થવાનું છે છતાં પણ જીવન ઉપર ભરોસો રાખીને આગળ
વધીએ છીએ. આપણી
ભરોસો રાખવાની શક્તિ જ આપણા જીવનનું મુખ્ય ચાલકબળ છે. દોસ્ત ઉપરનો ભરોસો દોસ્તીનો પ્રાણ છે. જે ભરોસામાં વિશ્વાસ નથી રાખતા એની ઉપર
ભરોસો ક્યારેય ન કરી શકાય. જીવનના હાઈ-વે ઉપર ઘણા લોકો આવતા હોય છે અને જતા
હોય છે. બસ,
એમાંથી તારવણી કરીને ભરોસાને લાયક વ્યક્તિ જોઈને એનામાં વિશ્વાસ મૂકવાની હિંમત થાય
તો મિત્રતાની મહેક આવી શકે છે. સંભવતઃ ક્યારેક ભરોસો ચકનાચૂર પણ થાય એના ડરથી
ભરોસાની છાતીમાં ખંજર ન ભોંકાય.
અંગત કીર્તિ, આર્થિક લાભની ચાહત દોસ્તીનો આંચળો
ઓઢીને ડોળા ફાડીને ઊભો રહેતો રાક્ષસ છે. મૈત્રી તો ત્યાગ માંગે છે. નિ:સ્વાર્થ સમય માંગે છે. જીવનની ખરી ખુશી તો તમે શું આપી શકો છો
એમાં સમાયેલી હોય છે. કોઈપણ વ્યક્તિ પોતાના માટે સુંદર મજાનું ફુલ નથી ખિલવતો. ફુલનું સૌદર્ય તો બીજા સાથે મળીને
માણવા માટે સર્જાયું હોય છે. આનંદની વૃદ્ધિ તો મિત્રો સાથે સૌંદર્ય વહેંચવામાં હોય
છે. કશું
પણ મેળવતા પહેલાં આપતાં શીખવું પડે.
ગૌતમ બુદ્ધ કહેતા કે, જંગલી અને ખુંખાર જાનવરથી
પણ વધારે મિત્રના આડમાં પનપતા એક કપટી, દુષ્ટ અને કીર્તિભુખ્યા વરૂ જેવા વ્યક્તિથી
ડરવું જોઈએ. જંગલી
જાનવર તો માત્ર શારીરિક હાની પહોંચાડતું હોય છે પણ દુષ્ટ મિત્ર બુદ્ધિ અને આત્માને
ભ્રષ્ટ કરી નાખતો હોય છે. મિત્ર તો તમે જેવા છો એ સ્વરૂપે સ્વીકારીને માત્ર મહોબ્બત કરે. એને અપેક્ષા અને ઉપેક્ષા સાથે કોઈ લેવા
દેવા જ ન હોય.
જીવનના કોઈપણ પડાવ ઉપર તમને સમજનારો એક દોસ્ત
મળી જાય એટલે બે જણમાં આખું વિશ્વ સમેટાઈને આવી જાય. અહેમદ ફરાઝ મઝા દોસ્તની વાત કરતા કહે
છે કે, જીવનમાં મને માત્ર આ જ તો મળ્યું છે, તું બહુ સમય પછી મળ્યો, જીવનમાં સમજદાર હમસફર જોઈએ ટોળા નહીં.
એક સાચો મિત્ર પણ હજારોનો કાફલો બની શકે છે. ઓળખાણો અને ઔપચારિક કાર્યક્રમોમાં થયેલી
વાતચીતને ભાઇબંધી કહેનારા મુર્ખોની સભામાં મહાલવા કરતાં લાગણીઓને સમજતો એકાદ મિત્ર
હજારોની ગરજ સારતો હોય છે. બાકી તો હજારોની ભીડમાં પણ માણસ એકલો હોય છે.
ધબકાર :
જે વ્યક્તિ તમારી સાથે દિલ ખોલીને વાત કરતો હોય
એની સાથે દિમાગથી વાત કરવાની ભુલ ક્યારેય ન કરવી.




