પ્રિય વાચકબંધુઓ,

પ્રશ્નો, મુશ્કેલીઓ, વિડંબણાઓ અને પીડામાંથી પસાર ન થયા હોય એવા કેટલા લોકો ? ચાર રસ્તાના ખૂણે મોચી કામ કરીને પેટીયું રળતો છગન હોય કે પછી અબજોનો વેપાર કરતાં મુકેશ અંબાણી કે રતન ટાટા હોય, કે પછી બીલ ગેટ્સ કે બેઝોસ જેફરી હોય. દરેકના જીવનમાં ચડાવ ઉતાર અને મુશ્કેલીઓ આવતી જ હોય છે. જે મુશ્કેલીમાં મુશ્કરાય અને ગમગીનીમાં પણ આનંદથી ગીત ગાય એ જીવનને માણી શકે છે. સવલતોને સુખ સમજવા કરતાં અંતરમનની ચેતનાઓનો ફૂવારો જ સાચાં સુખનો પ્રદેશ છે એ સચ્ચાઇને સમજવી પડે. જીવનમાં જ્યારે સમસ્યા આવે ત્યારે એના ઉકેલ માટે ફાંફા મારવા કરતાં આનંદ આપતાં પ્રસંગોને યાદ કરી હસતાં ખેલતાં આગળ વધવાની કોશિષ જ કામયાબ બનાવે છે. જેમ જીવનમાં કશું મુશ્કેલ નથી એમ જીવનમાં કશું આસાનીથી પણ મળતું નથી. પ્રશ્નો, મુશ્કેલીઓ, તકલીફોને અતિક્રમીને જીવનમાં આનંદનો આફતાબ ખીલવવા માટેના વિવિધ માર્ગોને શબ્દ દેહ આપીને બ્લોગ સ્વરૂપે પ્રસ્તુત કરવાનો નમ્ર પ્રયાસ કર્યો છે. મે ‘આત્મનાદ’ સ્વરૂપે પ્રતિ સપ્તાહ આવતી મારી નિયમિત કોલમમાં જીવનના વિવિધ રંગોને શબ્દ પિંછી વડે કલ્પનાના આકાશને વધુ રંગીન બનાવવાની કોશિશ કરી છે. આશા છે કે, મારી નિયમિત કોલમ ‘આત્મનાદ’નું આ બ્લોગ અવતરણ વાચક મિત્રોને ગમશે.

- પુલક ત્રિવેદી

Tuesday, 30 July 2019

એણે ખુમારીથી કહ્યું, ‘આ ગામ નહીં, ધામ છે...’


એણે ખુમારીથી કહ્યું, ‘આ ગામ નહીં, ધામ છે...’

એપ્ટિટ્યૂડમાં ખુમારીનું સૌંદર્ય હોવુ જોઇએ. જીવનમાં સ્વભાવગત ખુમારીની સુંદરતા સમજાય તો સુખ અને એ ન સમજાય તો દુઃખ છે. સમજણથી ભરેલું જીવન સૌંદર્યથી લબાલબ હોય છે. મકાનો મોડર્ન ડિઝાઈનવાળા સુંદર અને સવલતભર્યા હોઇ શકે, પરંતુ એમાં રહેવાવાળું ચરિત્ર કદરુપું હોય તો એ કેમ ચાલે ? સડકો વિશાળ હોય અને વિચારો સાંકડા હોય તો એ ન ચલાવી લેવાય. એક ભાઈ એમના કચેરીના કામે સૌરાષ્ટ્રમાં ગયા. ઓફિસ કામ પતાવીને ગીરના પ્રગાઢ જંગલ પ્રદેશમાં ગયા. અનેકના આસ્થાનું કેન્દ્ર એવું તુલસી શ્યામ અહીં પ્રગાઢ જંગલમાં છે. આ ભાઈ રાત્રે તુલસી શ્યામ મંદિરમાં રોકાયા. અહીં આસપાસ નાની મોટી ટેકરીઓ, ઊંચા ઊંચા ઝાડ, પંખીઓનો મધુર કલરવ વગેરે મનલુભાવન હોય છે. એમાંય એકાદ વરસાદ પછી તો તુલસી શ્યામનું સૌંદર્ય સોળે કળાએ ખીલી ઊઠતુ હોય છે. મળસ્કે ઉઠીને આ ભાઈ જંગલમાં લટાર મારવા નીકળ્યા.




મંદિર પરિસરની બહાર નૈસર્ગિક ગરમ પાણીના કુંડની પાસે નાની એવી બે-ચાર ચા-નાસ્તાની હોટલ છે. એમણે ત્યાં એક હોટલ ઉપર બેસી  ચા-ગાંઠીયા મગાવ્યા. ચા પીતા એમણે હોટલ ઉપર ગાંઠીયા બનાવતા અઢારેક વર્ષના ફુટડા યુવાનને પૂછ્યું આ ગામની વસતી કેટલી ?’ પેલા યુવાને ફટ દઈને કહ્યું આ ગામ કયાં છે આ તો ધામ છે.’
એ ભાઈ તો યુવાનનો આ જવાબ સાંભળીને રોમાંચિત થઈ ગયા. મનોમન વિચારવા લાગ્યા કે, જંગલમાં નાના એવા ગામડા ગામમાં રહેતા યુવાનની શું અદભુત ખુમારી છે ! એની સંસ્કારિતા અને સૌજન્યને સલામ છે. ગાંઠીયા બનાવતા વિશાલ નામના છોકરાનો એપ્ટિટ્યુડ ઉપર આફરીન થઈ ગયેલા પેલા ભાઈએ વળી વાતનો દોર આગળ ચલાવતા પૂછ્યું કે, ‘તું કેટલું ભણ્યો છે દોસ્ત?’ વિશાલે જવાબ આપ્યો ખાસ કંઈ ભણ્યો નથી પણ અહીં આવતા લોકોની સેવા કરવા મળે છે. એમાં જ મને આનંદ આવે છે.
તુલસી શ્યામ મંદીર પ્રગાઢ જંગલ અને કુદરતી સૌંદર્યના અદભુત નઝારા ઉપરાંત એક અનોખી પર્યાવરણીય ઘટનાનું સાક્ષી પણ છે. વિશાલની ચાની હોટલથી માંડ સો-એક મીટર દૂર ધારી બાજુ જવાના માર્ગે ૨૦૦ મીટરનો એન્ટી ગ્રેવીટીપેચ છે. બહુ ઓછા લોકો એ જાણતા હશે કે, આ જગાએ ગુરૂત્વાકર્ષણની વિરુધ્ધની અસર વર્તાય છે. આ વાત જ્યારે વિશાલે કરી ત્યારે પેલા ભાઈ વધુ ચકીત થઈ ગયા. તેમણે સ્વાનુભવ કરવાનુ નક્કી કર્યું. ત્યાં જઈને એમણે જોયું તો ભાવનગરથી તુલસી શ્યામ ફરવા આવેલા યોગેશ ત્રિવેદી નામના એક સજ્જન આ અખતરો કરતા હતા. એમણે તેમની વેગનઆર કારનું મશીન બંધ કરી દીધું તો પણ એમની કાર લગભગ ૨૦૦ મીટર પાછળ ફોર્સથી રગડવા લાગી. ઢાળ અવળી દિશામાં હતો તો પણ કાર પાછળ રગડતી હતી. આ અજબની ઘટનાનો સાક્ષી બનતા પેલા ભાઇ તો ભાવવિભોર બની ગયાં.



આ ભાઈ અને વિશાલની વાત ઉપરથી વર્ષો પહેલાં બનેલી એક ઘટના યાદ આવે છે. એક આઠ દસ વર્ષની દીકરી એના બે-ત્રણ વર્ષના નાના ભાઈને કાંખમાં લઈને ચાલતી હતી. એક સજ્જને આ દીકરીને કહ્યું બેટા, તને ભાર નથી લાગતો ?’ ત્યારે આ ટબુકલી દીકરીએ બહુ સુંદર જવાબ આપ્યો કાકા આ ભાર થોડો છે આ તો મારો ભાઈ છે.’ દીકરીના જવાબમાં ભારોભાર સંવેદનાની ખુમારી ટપકતી હતી. એની આંખો બોલતી હતી કે, ભાઇનો ભાર થોડો લાગે !
આ બે ઘટનાઓમાં માનવીય સંસ્કારીતા અને સભ્યતાની ખુમારીના દર્શન થાય છે. શિક્ષણવીદ અને ચિંતક સર્વપલ્લી રાધાકૃષ્ણનજી કહે છે કે, માનવી વૈજ્ઞાનિક સંશોધનો કરી ઝાઈડર્સના સહારે આસમાનમાં ઊડતો થઈ ગયો. મધદરીયે જળચરોની જેમ તરતા શીખી ગયો પણ શાણા-સજ્જનની જેમ પૃથ્વી ઉપર ચાલતા નથી શીખી શક્યો. દિવસે દિવસે અંતરની સંવેદનાસભર ખુમારી વધુ દેદિપ્યમાન થવી જોઈએ. પરંતુ વિટંબણા એ છે કે, ટેકનોલોજી વધી એની સાથે સાથે સંવેદનાની ખુમારી ઘટવા લાગી છે. એક ચિંતક તો ત્યાં સુધી કહે છે કે, ‘ધીસ ઈઝ ધ એજ ઓફ ગાઈડેડ મિસાઈલ્સ એન્ડ મિસગાઈડેડ મેન.’ અર્થાત આજનો યુગ લક્ષ્ય નિર્ધારિત મિસાઈલ અને લક્ષ્યવિહિન માણસોનો બનતો જાય છે.
હૃદયમાં સંસ્કારીતાની ખુમારી હોય ત્યાં દેખાવની આવશ્યકાત જ ન હોય. દેખાડા માટે ઘણી બધી રૂપકડી વાતો હોઇ શકે પણ ભાવનાત્મક ખુમારી ઘટતી જાય એ ન પાલવે. પગમાં કાંટો વાગે તો પણ જો એમ લાગે કે આસપાસ ક્યાંક ગુલાબ હશે તો એ હૃદયની શુદ્ધતાની ખુમારીની ગવાહી છે. કોઈપણ પ્રદેશના લોકોની સાંસ્કૃતિક ખુમારીનો વાસ્તવિક ચિતાર મેળવવો હોય તો એની સાથે બેસીને વાત કરીને અનુભવવી પડે. પુસ્તકો વાંચી, દાર્શનિકોને સાંભળીને કે કોઈને જોઈને ખુમારીને મહેસુસ ન કરી શકાય. સારા સંસ્કારોની શક્તિ મોલમાં નહીં પરિવારિક માહોલમાંથી જાણી-અનુભવી શકાય. શુન્ય પાલનપુરીએ ફુલોની ખુમારી ઉપર બે લીટીમાં સરસ વાત કરી છે. ‘ફુલ હોવાની ખુમારી બહુ મજાની છે મિત્રો, દિન ખુદા એવો ન લાવે કે હું પથ્થર લાગું...’
પરેશાની, તકલીફ અને મુશ્કેલીઓમાં જ સાચી ખુમારીના દર્શન થતાં હોય છે. દુઃખ એટલે ખુમારી બતાવવાનું ઉત્તમ ચોઘડીયું. સાદા શબ્દોમાં કહીએ તો ખુમારી એટલે નશો. ખુમારી એવી હોય કે જેમાં સજ્જનતાની ખુદ્દારીના ખોબલે ખોબલે ઘુંટડા ભરી શકાતા હોવા જોઇએ. ધન, વૈભવ, સત્તા વગેરે તો ખુમારી કરતા વૈચારિક ખુંવારીનાં પ્રકલ્પો બની જતા હોય છે. બક્ષી બાબુના શબ્દોમાં કહીએ તો, ‘કેટલાક લોકો એટલા બધા ગરીબ હોય છે કે એમની પાસે માત્ર પૈસા જ હોય છે.’ ખુમારીની દોલત તો ખજાનાના વૈભવનું સૌંદર્ય અલગ છે. એની માટે પ્રયાસની નથી કરવો પડતો. એ તો અનુભુતિનો અસબાબ હોય છે.

ધબકાર :
ખુમારી આંતરિક સૌંદર્યનો પડઘો છે એને બહારથી પ્રોત્સાહિત ન કરી શકાય.





Monday, 22 July 2019

લો, કર લો બાત... વિશ્વમાં અંદાજે ૬૦૦૦થી વધુ ભાષાનો ઉપયોગ થાય છે


લો, કર લો બાત... વિશ્વમાં અંદાજે ૬૦૦૦થી વધુ ભાષાનો ઉપયોગ થાય છે

વિશ્વમાં ઉપયોગમાં લેવાતી તમામ ભાષાઓની પોતાની આગવી ઓળખ છે. આ ભાષાઓનો ઉપયોગ કરતા સમુદાયોએ એની ઓળખ અને ગૌરવ કાયમ રહે એવા સંનિષ્ઠ પ્રયાસો કરવા જોઈએ. કોઈ એક ભાષાને સારી લેખાવવા બીજી ભાષાને ઉતારી પાડવાની મનોવૃત્તિ અસ્થાને છે. ભાષા અને બોલી વચ્ચ ફરક છે. સંસ્કૃતમાં ભાષઉપરથી ગુજરાતીમાં ભાષાશબ્દ આવ્યો. એ જ રીતે બોલઉપરથી બોલીશબ્દ બન્યો. બોલી અને ભાષા વચ્ચે મુળતઃ ફરક એટલો જ છે કે, બોલી ભાષાનું અનૌપચારિક પ્રસ્તુતીકરણ કહેવાય છે. જેમ કે કોઈ સરકારી અધિકારી એમના વાહન ચાલકને ક્યાંક જવા માટે કહે તો એમ કહેશે ગાડી લગાવો’. જ્યારે આ જ અધિકારી ઘરે એમના પુત્રને કહેશે કે બેટા, ગાડી લાવ.’ અધિકારીની ઘરની બોલી એ ભાષાનું અનૌપચારિક સંસ્કરણ કહી શકાય.



અમદાવાદમાં રહેતા એક મિત્રએ એમનું પ્રાથમિકથી માંડીને અનુસ્નાતક કક્ષાનું શિક્ષણ અંગ્રેજી માધ્યમમાં લીધું હતું. એ ખૂબ સરસ અંગ્રેજી લખી, વાંચી અને બોલી શકે છે. સાથો સાથ ગુજરાતી ભાષા ઉપર પણ એમની પક્કડ સારી. એ જ પ્રમાણે બીજા એક મિત્રએ પણ એમનું સંપૂર્ણ શિક્ષણ અંગ્રેજી માધ્યમમાં લીધેલું પરંતુ એ ગુજરાતીમાં સમજી શકતા નહીં. આ એક મોટી વિટંબણા છે. અંગ્રેજીનો વિરોધ નથી. અંગ્રેજીનો પ્રભાવ ક્યારેય ન હોવો જોઈએ સાથે સાથે ગુજરાતીનો અભાવ તો કદાપી મંજુર ન હોવો જોઈએ.
જે પ્રદેશની રાજભાષા, વહીવટની ભાષા અને શિક્ષણની ભાષા છે એને માન્ય ભાષા કહેવાય. જ્યારે બોલી એટલે નિશ્ચિત સમુદાય કે વિસ્તારમાં વસતા લોકો રોજબરોજના વ્યવહારમાં જે ભાષાનો ઉપયોગ કરે છે એ માન્ય ભાષાના નિયમો અને સ્વરૂપ હંમેશા એક સરખા જ રહે છે. જ્યારે બોલી ભૌગોલિક પ્રદેશો બદલાતા સ્વાભાવિક રીતે બદલાતી જતી હોય છે. આપણે ત્યાં એટલે જ કહેવાય છે ને કે, ‘બાર ગાંવે બોલી બદલાય’. બોલચાલની ભાષામાં શબ્દપ્રયોગ, ઉચ્ચાર, રૂઢીપ્રયોગ, સ્વરઅંકુશ અને સ્વરભાર વગેરે ઉપર પ્રદેશના સ્વાભાવિક લક્ષણો જોવા મળતા હોય છે. માન્ય ભાષામાં ઉચ્ચાર, જોડણી, વ્યાકરણના નિયમોની વ્યવસ્થિત કાળજી લેવામાં આવતી હોવાથી એમાં એકસૂત્રતા જળવાય છે. જો કોઈ ઉત્તર ગુજરાતના સાબરકાંઠા કે મહેસાણાનો વ્યક્તિ દક્ષિણ ગુજરાતના વલસાડ કે નવસારી જઈ ઉત્તર ગુજરાતની બોલીમાં વાતચીત કરે તો સંભવતઃ વલસાડ કે નવસારીના લોકોને સમજતા વાર લાગે અથવા ન પણ સમજાય.



સર્જક અને ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે સક્રીય ધીરુબહેન પટેલ તો ત્યાં સુધી કહે છે કે, બાળકો પાસેથી માતૃભાષા છીનવવી એ આઝાદી છીનવવા જેવી વાત છે. યોગેન્દ્ર વ્યાસ ખૂબ મોટા ગજાના ભાષાવિજ્ઞાની છે. એમના મતે માન્ય ભાષા અને બોલી વચ્ચેનો ફરક એટલે સંસ્કૃતિનો તફાવત છે. આ બન્ને વચ્ચે ભાષાનો તફાવત બિલકુલ નથી. બોલી બળુકી હોય છે કારણ કે બોલી જ વ્યક્તિના હદય સુધી પહોંચવાનુ મહત્ત્વનુ કામ કરે છે. માન્ય ભાષા તમામ બોલી વચ્ચે કડીરૂપ ભૂમિકા ભજવવાનું કામ કરતી હોય છે. આ વાત સમજવા જેવી છે. ભાષા અને બોલીનો તફાવત સ્પષ્ટ કરતા નેલ્સન મંડેલાએ એક વાત સરસ કરી હતી કે, ‘જે વ્યક્તિ જે ભાષામાં સમજે છે એ જ ભાષામાં વાત કરવામાં આવે તો તે  તેના મગજ સુધી પહોંચશે. પરંતુ જો તે તેની બોલીની ભાષામાં વાત કરશે તો એ તેના હૃદય સુધી પહોંચશે.’

કોલંબિયા યુનિર્વસિટીના ભાષા તજજ્ઞ ડૉ. ઝોન હેમિટોન મેકહોર્ટરના મંતવ્ય અનુંસાર માનવ સભ્યતામાં આજે આશરે ૬૦૦૦થી વધુ ભાષાનો ઉપયોગ થાય છે. આમાની કેટલીક પ્રાચિન ભાષાઓનો ઉદભવ ઇ.. પૂર્વે ૩૫૦૦માં થયો હોવાનું મનાય છે. જો કે ભાષાનો ઉદભવ અને વિકાસ એક ગહન ચર્ચાનો વિષય છે. એનુ કારણ પણ છે કે આજ દિન સુધી આ અંગે કોઇ ચોક્કસ પ્રમાણ કે આધાર પ્રાપ્ય નથી. ભાષાવિદોના તારતમ્ય અનુંસાર એટલુ ચોક્કસ કહી શકાય કે, ઉચ્ચારણોના પ્રમાણભુત વ્યાકરણના આધારે જે કાંઇ સન્મુખ આવ્યું એ ભાષા છે. વિશ્વની ભાષાઓ આફ્રો એશિયાટિક, ઑસ્ટ્રોનેસિયન, ઇન્ડો-યુરોપીયન, નાઇજર-કોંગો, સાઇનોતિબેટીયન અને ટ્રાન્સ-ન્યુગુયાના એમ છ વિભાગમાં વહેંચાઇ છે. જે પૈકી ઇન્ડો-યુરોપીયન(આર્યન) વિભાગમાંથી ઇ.સ.૧૧૦૦થી ૧૫૦૦ વચ્ચે રાજસ્થાન બાજુથી અપભ્રંશ થઇને જુની ગુજરાતી અસ્તિત્વમાં આવી હોવાનુ મનાય છે.
હેમિટિક, એમેટિક, દ્રવિડી, એસ્ટ્રિડ વગેરે જેવી ૧૪ જેટલી પ્રાચીન ભાષાઓ આર્યકુળની ભાષાઓ તરીકે ઓળખવામાં આવે છે. ગુજરાતી શબ્દનો પ્રયોગ સૌથી પહેલા કવિ પ્રેમાનંદે કર્યો હતો. જે માર્કંડરાય ગુર્જરી અપભ્રંશ તરીકે પ્રચલિત હતી તેનો સાહિત્યમાં ભરપુર ઉપયોગ ભાલણે કર્યો. નરસિંહે અપભ્રંશ ગીરા અને અખાએ પ્રાકૃત ગુજરાતી ભાષા પ્રયોજી છે. ઇતિહાસકારોના મતે ઇ..પૂર્વે ૯૦૦ની આજુબાજુ ગુજરાતી ભાષાએવું નામ અપાયું હોય એવું એક અનુમાન છે. ૧૧મી સદી સુધી અને ૧૨થી ૧૪મી સદીના પૂર્વાર્ધ સુધી ગુર્જર અપભ્રંશ કે પ્રાચીન ગુજરાતીનું પ્રથમ દર્શન હેમચંદ્રાચાર્યજીના પ્રાકૃત વ્યાકરણના અપભ્રંશ (.. ૧૧૮૫), નેમિનાથ, સુતંપયાદીક અને આરાધનામાં જોવા મળે છે. મધ્યકાલીન ગુજરાતી ઇ.. ૧૪મી સદીના ઉતરાર્ધથી ૧૭મી સદીના પૂર્વાર્ધમાં નરસિંહ, મીરાના ભજનો, કાદંબરી, વિમલ પ્રબંધમાં દેખાય છે. જ્યારે ૧૭મી સદીથી આજ દિવસ સુધીના કાળખંડને અર્વાચીન ગુજરાતી તરીકે ઓળખવામાં આવે છે.
ભાષા પ્રત્યાયનનું એક સબળ માધ્યમ છે. ભાષાને વિચાર વહનનો સ્ત્રોત કે સાધન કહી શકાય. ભાષા ક્યારેય મૂલ્યાંકનનું માધ્યમ ન હોઈ શકે. રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય કંપનીઓમાં અંગ્રેજી ભાષાના પ્રયોગનું પ્રમાણ વધુ હોય એવુ બને. અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરવાથી ભણતરનું સ્તર વધુ ઊંચુ આવશે એવા ખ્યાલ કરતાં બાળક શાળામાં જે કાંઈ ભણશે એ સરસ રીતે તેના જીવનમાં ઉતારશે એવી સમજ વિકસે ત્યારે આવતી કાલનો યુવાન વધુ સક્ષમ બની શકશે. આ સામાન્ય વાત દરેક માતા-પિતા મનમાં ઉતારે તો આવનારી પેઢીને સક્ષમ બનતા કોઈ રોકી નહીં શકે. પરાણે કોઈ વાત હૃદયમાં ઉતરતી જ નથી. પ્રેમપૂર્વક સાચા મનથી જે શીખવામાં આવે એ જ સાર્થક થતું હોય છે.
ગુજરાતમાં લગભગ ૫૦ જેટલી બોલીઓ જોવા મળે છે. તેમાં મુખ્યત્વે સુરતી, ચરોતરી, મહેસાણી, ઝાલાવાડી, ગામીત, ચૌધરી, વસાવા, ઘોડિયા, કુકણા, પારસી, વ્હોરા, કાઠીયાવાડી, કચ્છી અને ભીલી એમ આ ૧૪ બોલીઓનું ગુજરાતમાં ચલણ વધુ જોવા મળ્યું છે. આ પૈકી કાઠીયાવાડી, પટણી, સુરતી અને ચરોતરી બોલી વધુ સાંભળવા મળતી હોય છે. સૌરાષ્ટ્રનાં વિસ્તારમાં કાઠીયાવાડી બોલી પ્રચલિત છે. જેમાં હાલ્યા આવોએટલે ચાલ્યા આવો’, ‘અટાણેએટલે આ સમયે’, ‘મોર થઈ જાએટલે આગળ થઈ જાવગેરે બોલચાલની ભાષાના પ્રયોગો છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં પટણી બોલીનો ઉપયોગ થતો હોય છે જેમાં ઈમ કઉં છું કે...’ એટલે એમ કહું છું કે...’, ‘વાખએટલે બંધ કરવગેરે શબ્દપ્રયોગો બોલવામાં આવે છે. દક્ષિણ ગુજરાતમાં સુરતી બોલીનું ચલણ છે. જેમાં પોયરોએટલે છોકરો’, ‘ડખુચોખાએટલે દાળભાત જેવા શબ્દો બોલવામાં આવે છે. મધ્ય ગુજરાતમાં ચરોતરી બોલી હોય છે. ચરોતરીમાં વઢવુએટલે લડવુ’, ‘બુહળુએટલે ધોકોજેવા શબ્દો જોવા મળે છે.
મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, સ્વામી દયાનંદ સરસ્વતી, ધીરૂભાઈ અંબાણી જે.આર.ડી. તાતા વગેરે ગુજરાતી સપૂતોની ભાષા અને બોલી ગુજરાતી જ હતી. ‘ગુજરાતીપ્રત્યેક ગુજરાતીઓની માતૃભાષા છે. અંગ્રેજી, ફ્રેન્ચ, ઈટાલિયન, જર્મની, બીજી કોઈપણ ભાષા આવડે અને એમાં લખીએ, વાંચીએ પણ ખરા પરંતુ વિચાર તો માતૃભાષા ગુજરાતીમાં જ આવતા હોય છે. વ્યક્તિ દેશ-વિદેશમાં ગમે એટલું ફરતો હોય પણ રોજ રાત્રે સૂઈ જાય ત્યારે શમણાની સફર તો ગુજરાતીમાં જ થતી હોય છે. જ્યારે વિચારો અને સ્વપ્ન ગુજરાતીમાં આવતા હોય ત્યારે એ સમજવામાં કષ્ટ ન પડવું જોઈએ કે, માતૃભાષા જ આપણી સાચી ઓળખ છે. ગુજરાતી ભાષા અને બોલીમાં આપણી ખરી તાકાત છે. એનું ગૌરવ વધારવાના સભાન પ્રયાસો થવા જોઇએ.
એક ગુજરાતી તરીકે આપણને સૌને ગૌરવ થાય એવી વાત એ છે કે, સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સી મુજબ ભારતની વસ્તીના ૪.૫% લોકો ગુજરાતી ભાષા બોલે છે, જે ૫.૫૬ કરોડ (૨૦૧૧ની વસ્તી ગણતરી મુજબ) જેટલા થાય છે. સમગ્ર વિશ્વમાં ગુજરાતી ભાષા બોલતા લોકોની સંખ્યા ૬.૫૫ કરોડ છે. ગુજરાતી ભાષાવિશ્વમાં ૨૬મા ક્રમની સૌથી વધુ બોલાતી ભાષા છે. મા, માતૃભાષા અને માતૃભૂમિનો ક્યાંય પર્યાય નથી. માણસ પૃથ્વી ઉપર પહેલો શ્વાસ લે છે ત્યારથી માતૃઋણ, માતૃભૂમિઋણ અને માતૃભાષાઋણ લઈને વિકાસ પામતો હોય છે. આ ત્રણેય ઋણ અદા કરવા તત્પર રહેવું જોઈએ. ચિંતક ઈમર્સન કહે છે, જ્યારે કોઈ ભાષા નષ્ટ પામતી હોય છે ત્યારે આખે આખી એક સંસ્કૃતિ નષ્ટ પામે છે. જાણીતા કવિ કટસના મતે માતૃભાષા વગરની પ્રજા આત્મસન્માન અને આત્મગૌરવ વગરની નમાલી પ્રજા કહેવાય. માતૃભાષા અને બોલીથી અલગ હટવા જેવી મોટી કોઈ દૂર્ઘટના જીવનમાં ન હોઈ શકે. અન્ય ભાષાની સારી વાત ચોક્કસ અપનાવી શકાય પણ પોતાની ભાષાનું ગૌરવ કેમ અવગણી શકાય ? ‘ હા, મને ગુજરાતી ભાષાથી મહોબ્બત છે. ‘ એમ છાતી ઠોકીને બોલવામાં ગૌરવ અનુભવાય એની ખરી મજા છે.  આપણી પોતાની ગુજરાતી ભાષા અને બોલી જ બળુકી એ ખ્યાલને આજે હદયમાં દ્રઢીભૂત નહીં કરાય તો કાલે કદાચ બહુ મોડુ થઇ જશે. (સંદર્ભ : ગુજરાતી ઓક્ષફોર્ડ લિવીંગ ડિક્ષનરી, ભાષા સૌંદર્ય)

ધબકાર :
ન આવડે કે ન સમજાય તો એનો માર્ગ મળે પણ નથી જ કરવું એનો કોઇ તોડ નથી.