પ્રિય વાચકબંધુઓ,

પ્રશ્નો, મુશ્કેલીઓ, વિડંબણાઓ અને પીડામાંથી પસાર ન થયા હોય એવા કેટલા લોકો ? ચાર રસ્તાના ખૂણે મોચી કામ કરીને પેટીયું રળતો છગન હોય કે પછી અબજોનો વેપાર કરતાં મુકેશ અંબાણી કે રતન ટાટા હોય, કે પછી બીલ ગેટ્સ કે બેઝોસ જેફરી હોય. દરેકના જીવનમાં ચડાવ ઉતાર અને મુશ્કેલીઓ આવતી જ હોય છે. જે મુશ્કેલીમાં મુશ્કરાય અને ગમગીનીમાં પણ આનંદથી ગીત ગાય એ જીવનને માણી શકે છે. સવલતોને સુખ સમજવા કરતાં અંતરમનની ચેતનાઓનો ફૂવારો જ સાચાં સુખનો પ્રદેશ છે એ સચ્ચાઇને સમજવી પડે. જીવનમાં જ્યારે સમસ્યા આવે ત્યારે એના ઉકેલ માટે ફાંફા મારવા કરતાં આનંદ આપતાં પ્રસંગોને યાદ કરી હસતાં ખેલતાં આગળ વધવાની કોશિષ જ કામયાબ બનાવે છે. જેમ જીવનમાં કશું મુશ્કેલ નથી એમ જીવનમાં કશું આસાનીથી પણ મળતું નથી. પ્રશ્નો, મુશ્કેલીઓ, તકલીફોને અતિક્રમીને જીવનમાં આનંદનો આફતાબ ખીલવવા માટેના વિવિધ માર્ગોને શબ્દ દેહ આપીને બ્લોગ સ્વરૂપે પ્રસ્તુત કરવાનો નમ્ર પ્રયાસ કર્યો છે. મે ‘આત્મનાદ’ સ્વરૂપે પ્રતિ સપ્તાહ આવતી મારી નિયમિત કોલમમાં જીવનના વિવિધ રંગોને શબ્દ પિંછી વડે કલ્પનાના આકાશને વધુ રંગીન બનાવવાની કોશિશ કરી છે. આશા છે કે, મારી નિયમિત કોલમ ‘આત્મનાદ’નું આ બ્લોગ અવતરણ વાચક મિત્રોને ગમશે.

- પુલક ત્રિવેદી

Tuesday, 29 September 2020

લોકો માત્ર એ જ જોતા હોય છે, જેટલું એમને જોવું હોય છે…

 



જીવનનો દ્રષ્ટિકોણ ધારણાઓના બંડલ ઉપર ઘડાતો હોય છે. દ્રષ્ટિકોણ વાસ્તવિકતાને ઉજાશ આપવાનુ કામ કરે છે. જ્યારે વ્યક્તિ નવા દ્રષ્ટિકોણવાળા વિચારોને પ્રવેશ આપવાનો પ્રયાસ કરે છે ત્યારે તેની સમજમાં પરિવર્તન આવતું જતું હોય છે. પરિણામે નવી શક્યતાઓ અને નવા એંગલ સાથે નવી શરૂઆત માટે મન તૈયાર થવા લાગે છે. ઘણીવાર વ્યક્તિની ધારણા બહુમત ધરાવતા લોકો કરતા જુદી પણ હોઈ શકે. પરંતુ એવું માનવાનું કારણ બિલકુલ નથી કે, પોતાની ધારણા કરતા વધુ મત વિપરીત હોય ત્યારે તમારું અનુમાન અને તારતમ્ય ખોટું છે. તમારા અનુભવ, મૂલ્યો અને જ્ઞાનના આધારે તમારો વિચાર ઘડાયો હોય છે. સામાન્ય રીતે આ પ્રકારનું જાગૃત ચિંતન સત્ય અને ધારણાઓ બન્નેને સ્પષ્ટ રીતે બહાર લાવવામાં મદદરૂપ થતું હોય છે.





કોઈ બાબતની જાણકારી અને અજ્ઞાનતા આ બન્નેની વચ્ચે ધારણાનો એક દરવાજો દેખાતો હોય છે. બીજા લોકોની ધારણાઓના આધારે પોતાનો અભિગમ ક્યારેય ન બાંધી શકાય. આમ જોવા જઈએ તો જીવન અસંખ્ય ધારણાઓથી ઘેરાયેલું હોય છે. મનમાં હકારાત્મકતા અને નકારાત્મકતાના દ્વંદ્વ હમેશાં ચાલતા રહેતા હોય છે. કાર્યોના પરિણામો ઉપરથી વ્યક્તિની મન:સ્થિતિ સમજી શકાતી હોય છે.





ત્રણ જીગરજાન મિત્રોની વાત છે. ત્રણેય મિત્રો એક બીજાની કંપનીમાં ખૂબ ખુશ રહેતા. સપ્તાહમાં બે થી ત્રણવાર ભેગા ન થાય તો એમને ચેન ન પડતું. એક દિવસ સવારના પહોરમાં એક મિત્રએ બીજા મિત્રને ફોન કર્યો. સામાન્ય ખબર અંતર પૂછીને પેલા મિત્રએ બન્નેના કોમન મિત્રની વિશે વાત કરતા કહ્યું કે, ‘પલાશ આર્થિક બાબતોમાં અત્યંત ચીકણો છે. દરેક વખતે પૈસાની ગણતરીઓ માંડતો હોય છે.’ બીજા મિત્રએ શાંતિથી વાત સાંભળીને પ્રત્યુતર આપ્યો. ‘યાર, તું એકાદ-બે પ્રસંગો ઉપરથી આ અભિપ્રાય બાંધી રહ્યો છે. ખરેખર એવું ન પણ હોય.’ ત્યારે એણે કહ્યું, ‘ના, દોસ્ત હું જ્યારે કોઈ અભિપ્રાય ઉપર આવુ છું ત્યારે માન્યતાઓ અને કોઈના કહેવાના આધારે તે નક્કી નથી કરતો. મારી ધારણાઓ અને માન્યતા પાછળ સંખ્યાબંધ અનુભવો અને તારણોનો નક્કર આધાર હોય છે.’





સાચી કે ખોટી જે કોઈપણ ધારણાઓ હોય છે એની અસર પડતી હોય છે. જ્યારે ધારણાઓને યોગ્ય દ્રષ્ટિકોણ મળે છે ત્યારે અનેક નવી બાબતો તેમાંથી જન્મ લેતી હોય છે. લોકો માત્ર એ જ જોતા હોય છે જેટલું એમને જોવું હોય છે. સત્ય સાથે એમને કોઈ લેવા દેવા હોતી નથી. પરંતુ એ પણ એટલું જ સત્ય છે કે, વ્યક્તિનો અભિપ્રાય એની મૂડી છે. તથ્યો અને સત્યો વચ્ચે નિરર્થક સંઘર્ષની જરૂર નથી. વૈચારિક ભિન્નતા અને ધારણાઓના આધારે ઘણા યુદ્ધો લડાયા અને લાખો લોકોનો ભોગ લેવાયો.





સામાન્ય રીતે ધારણાં કરતાં પૂર્વધારણા વધુ ખતરનાક સાબિત થતી હોય છે. જ્યારે કોઈપણ પ્રકારનો અનુભવ હોય અને માત્ર માનસિક ખ્યાલોના આધારે અભિપ્રાય બાંધવામાં આવે ત્યારે એના દુષ્પરિણામ મળતા હોય છે. એક કચેરીમાં નવા અધિકારીએ હોદ્દાનો હવાલો સંભાળ્યો. કચેરીમાં વર્ષોથી કામ કરતા બીજા એક અધિકારીને નવા આવેલા અધિકારી માટે પહેલેથી કોઇ ગ્રંથી હતી. જૂના અધિકારી નવા આવેલા અધિકારી સાથે કોઈ વાત કરે અને એનાથી અતડા રહે. આમને આમ આઠ-દસ વર્ષ ચાલ્યું. કચેરીના અન્ય એક અધિકારીએ પેલા જૂના અધિકારીને કહ્યું, ‘નવા આવેલા અધિકારી ખૂબ સારા અને સૌમ્ય છે. ચાલો, હું તમને એમની સાથે લઈ જાઉં.’ પેલા જુના અધિકારી કચવાતે મને નવા આવેલા અધિકારીની ચેમ્બરમાં ગયા. વાતચીત કરી. પછી તો કલાકો સુધી વાતો કરતા રહ્યા. જૂના અધિકારીએ મનમાં બાંધેલા પૂર્વાગ્રહોના ખ્યાલોના પાળા તૂટી ગયા. ગ્રંથિઓ અને પૂર્વાગ્રહોનો મહાસાગર પળમાં ઓગળી ગયો. આજે બન્ને અધિકારીઓ ખૂબ સારા મિત્રો છે.

તમે જે જુઓ છો અને સાંભળો છો તે તમે જ્યાં ઊભા છો અને તમે કેવા પ્રકારના માણસ છો એના ઉપર અવલંબિત હોય છે. સામેવાળા વ્યક્તિ કે ઘટના કેવી છે તે જોવી અને સમજવી મુશ્કેલ નથી. શરત એટલી છે કે, પૂર્વ ધારણાઓ અને પોતાનો બચાવ કરવાની મૂર્ખતાપૂર્ણ વર્તણૂંકો કરતા રહેવાની બાબતમાંથી છૂટકારો મેળવી લેવામાં આવે. એક લોજીક એવું પણ છે કે, ધારણા એ શારિરીક પ્રક્રિયા માત્ર છે. જેના દ્વારા વિશ્વની તમામ બાબતોનું અર્થઘટન અને સમજણ બનતી હોય છે. સામાન્ય રીતે સમજણ વિચારો, માન્યતાઓ અને વર્તણૂંકથી ઘડાતી હોય છે. ત્યારબાદ વ્યક્તિ જે વિચારે છે તેના આધારે તેનું વર્તન વ્યાખ્યાયિત થતું હોય છે. ખરેખર તો વ્યક્તિએ સૌથી વધારે જો કોઈ બાબત નિયંત્રિત રાખવાની હોય તો તે પોતાના વૈચારિક દ્રષ્ટિકોણને બદલવાની છે.





ધારણાઓ સત્ય નથી હોતી પરંતુ એ ખૂબ ઝડપથી વ્યક્તિ માટે સાચી બની જતી હોય છે. આની પાછળનું પ્રબળ કારણ એ હોય છે કે આપણે ધારણાઓના આંચળા નીચે સત્ય સમજવાની પરંપરામાં ઘડાતા જતા હોઈએ છીએ. ધારણાઓ અવધારણાઓમાં ત્યારે જ પરિવર્તિત થઈ જતી હોય છે જ્યારે વ્યક્તિના મનમાં નકારાત્મક વિચારોના જાળા ભરાયેલા હોય. સૌથી પહેલા મનમાંથી નેગેટિવિટી દૂર કરી સરાકારાત્મક વિચારોના પ્રવેશની જગા બનાવવી પડશે. જ્યારે કોઈપણ વ્યક્તિ માટે ધારણા કરવામાં આવતી હોય ત્યારે એ વ્યક્તિ કરતા ઘટનાઓ અને ઘટનાઓના સત્યના તત્ત્વ સુધી પહોંચવાનો પ્રયાસ કરવો પડે. અન્યથા ઉપરછલ્લા અભિપ્રાયો ધારણા કરતાં અવધારણાઓના જંગલમાં લઈ જશે.

 

ધબકાર :

અન્યની જે બાબત ત્રાસદાયક લાગતી હોય ત્યારે એ જ બાબત પોતાની જાતને સમજવામાં સહાયરૂપ બનતી હોય છે.



https://gnr.betanetcdn.com/gnrsmc/epaper/sep2020/29092020-4.pdf

Tuesday, 22 September 2020

‘તા... થૈયા, થૈયા તા... થૈ...’ આ લયબધ્ધ શબ્દોનો રોચક ઇતિહાસ છે

 


 તા... થૈયા, થૈયા તા... થૈ...’ લયબધ્ધ આ શબ્દો કાનમાં અથડાય એટલે ગુજરાતની નાટ્યકલાનો ભવ્ય વારસાનો ચિતાર માનસપટ ઉપર ખડો થઈ જાય. આ શબ્દોનો એક રોચક ઇતિહાસ છે. વિદેશી આક્રાંતાઓ અને શાશકો ભારતની જાહોજલાલીથી આકર્ષાઈને હિન્દુસ્તાનને લુંટવા અને તેને તાબે કરવા હુમલાઓ કરતા તે સમયની વાત છે. અલ્લાઉદ્દીન ખિલજીના એક સરદારે તે વખતના સમૃદ્ધ ગુજરાત ઉપર હુમલો કરી સિદ્ધપુર કબ્જે કર્યું. સિદ્ધપુરમાં હેમાળા પટેલ એમની સ્વરૂપવાન દીકરી ગંગા સાથે રહેતા હતા. પટેલની દીકરી ગંગાના રૂપ ઉપર ખિલજીનો આ સરદાર મોહી પડ્યો. પટેલ તો આ વાત જાણીને ફફડી ગયા. પટેલે એમના મિત્ર અસાઈત ઠાકર પાસે જઈને આપવીતી કહી.





મિત્રના દુઃખની ઘડીઓમાં અસાઈત એમની પડખે ઊભા રહ્યા. સરદારને કહે, ગંગા મારી દીકરી છે. સરદારે હુકમ જારી કર્યો જો ગંગા અસાઈતની દીકરી હોય તો બન્ને એક ભાણે જમે. અસાઈતે તો ગંગા સાથે એક થાળીમાં ભોજન લીધું. પણ એ સમય કટ્ટર જ્ઞાતિવાદનો હતો. બ્રાહ્મણ પટેલની દીકરી ભેગા એક થાળીમાં જમે તો હાહાકાર થઈ જાય. બન્યું પણ એવુ કે, નાતે અસાઈતનો બહિષ્કાર કરાયો. એમને નાત બહાર મૂકવામાં આવ્યા. અસાઈતે મિત્ર પટેલની દીકરીનું શિયળ લુંટાતુ બચાવ્યું અને પોતે સિદ્ધપુર છોડી ઉંઝા જતા રહ્યા. ઉંઝામાં જીવન વ્યતીત કરવા માટે આર્થિક સંકડામણનો સામનો કરી રહેલા અસાઈતે એક દિવસ માતાજીના મંદિરનો દ્વાર ખોલતા સામે ચૂંદડી, ચોખા, કંકુ અને ઘુઘરા જોયા. એમના મુખમાંથી સરી પડ્યું, ‘તા... થૈયા, થૈયા તા.. થૈ...’ બસ પછી આરંભાઈ ભવાઈ કલા. અસાઈત ઠાકરે ૩૩૦ જેટલી ભવાઈ કથા લખી હોવાનું કહેવાય છે. એમ કહેવાય કે, ગુજરાતની ભવાઈ કલાના ભિષ્મ પિતામહ અસાઈત ઠાકર છે. આજે સોશિયલ મીડિયા અને સિનેમા-નાટકોનો ટ્રેન્ડ વધતાં .. ૧૪મી સદીથી ચાલી આવતી ભવાઈ લુપ્ત થતી જાય છે. આમ છતાં પણ ગામડાઓમાં અને દેશ-વિદેશમાં ગુજરાતની ભવાઈ રસપૂર્વક માણવામાં આવતી હોવાના પ્રસંગો જોવા મળે છે. જો કે એ પણ એટલું સાચુ છે કે, એનું પ્રમાણ ઘણું ઓછું છે.





રાજકોટના માળીયા તાલુકાના નાના ભેલા ગામનુ શ્રી હીરજી કેશવજી ભવાઈ મંડળ એક સેંકડા પુરાણું છે. આ ભવાઈ મંડળના નાયક હીરજીભાઈની ચોથી પેઢી ભવાઇ કલાની ઉપાસનામાં છે. ૧૧૫ વર્ષોથી ભવાઈના કલાકારો દ્વારા લોકરંજનનો ભેખ લઈને આ મંડળ અવિરત આગળ ધપી રહ્યું છે. હીરજી દાદાએ ભવાઈના ક્ષેત્રે પદાર્પણ કર્યું એની કહાની કંઈક એવી છે કે, લીલીયાના પુરુષોત્તમભાઈ વ્યાસ તેમના પાંચ દીકરાઓ સાથે સૈકા પહેલા ભવાઈ મંડળી ચલાવતા. આ મંડળીમાં બાળ હીરજીભાઈ અને કેશવજીભાઈ જોડાયા. એ જમાનામાં લોકોને હીરજી અને કેશવજીનો અભિનય ખૂબ ગમતો. બન્ને ભાઈઓએ ગામે ગામ જબરૂ આકર્ષણ જમાવ્યું હતું. હીરજીભાઈ રામદેશના ઠકરાણા સુધી તમામ ભવાઇના મુખ્ય સ્ત્રી પાત્રો ભજવતા. કેશવજીભાઈ ગણેશથી માંડીને રામદેશ સુધીના પુરુષ પાત્રો ભજવતા. હીરજીભાઈનો રાધાનો વેશ અને કેશવજીભાઈનું કૃષ્ણનું પાત્ર સૌરાષ્ટ્રના વડીલોને આજે પણ યાદ છે.





હીરજીભાઈના સ્વર્ગવાસ બાદ એમના પુત્ર મણીલાલ વ્યાસે આ પ્રાચિન નાટ્યકલાને આગળ ધપાવી. મૈયારી, પૃથ્વીરાજ ચૌહાણ, જય ચિત્તોડ, રામ વનવાસ, સવા રૂપિયો, વનરાજ જેવા વિવિધ ભવાઈના એમણે વેશ ભજવ્યા છે. ત્યારબાદ મણીલાલભાઇના ચાર પુત્રો પૈકી ભરતભાઈએ ભવાઈ કલાને આત્મસાત કરી. જેમ જેમ યુગ બદલાતો ગયો એમ એમ ભરતભાઈએ ભવાઈને વધુ નવા સ્વરૂપોમાં પ્રસ્તુત કરવાનો અભિગમ રાખ્યો છે. ભારતના લગભગ તમામ રાજ્યોમાં ભરતભાઈ ગુજરાતની ભવાઈના ઝંડા ગાડી આવ્યા છે. આજે પણ વર્ષમાં ૧૦૦થી વધુ ભવાઈ કાર્યક્રમો ભરતભાઈ કરી રહ્યા છે. એ પણ એટલી જ વાસ્તવિકતા છે કે, દાયકાઓ પહેલા ભવાઈના વેશ ભજવવા રૂ. ૪૦થી ૫૦નો ખર્ચ થતો આજે એ હજારોમાં થાય છે. આ ભવાઈ મંડળની નાટ્ય સ્ક્રીપ્ટ અને સંવાદો હીરજીભાઈથી માંડીને ત્રીજી પેઢીના ભરતભાઈ સ્વયં લખે છે. ભરતભાઈ ઈરાન, બહેરીન, લંડન, વેસ્ટ ઇન્ડિઝ, અમેરિકા જેવા દેશોમાં પરફોર્મન્સ આપી ચૂક્યા છે. ભરતભાઇના ૨૨ વર્ષના યુવાન પુત્ર ભાર્ગવ પણ ભવાઇ કલામાં ઓજસ પાથરી રહ્યાં છે.





ભવાઈશબ્દનો અર્થ બે રીતે જોવાય છે. એક તો ભવએટલે જગત અને આઈએટલે મા.’ જગત માતા જગદંબા મા અંબાની ભક્તિના કેન્દ્રબિંદુ સાથે ભજવાતી વેશભુષાને ભવાઈ કહેવાય. બીજુ ભવએટલે જિંદગી અને વહીએટલે વાત. આમ ભવાઇનો સાદો અર્થ થાય જિંદગીની વાત’. સમાજ જીવનની, સંસારની, ઇતિહાસની, અનુભવની કથાની વાત રજૂ કરે તે ભવાઈ. એક વાયકા એવી પણ છે કે જગદંબાએ એવું વચન આપ્યું હતું કે, જે કલાકાર આ કલાને સાચા હૃદયથી સમર્પિત હશે એને માતાજી ક્યારેય જીવનમાં કોઈ કચાશ નહિ આવવા દે.

સામાન્ય રીતે, માઢ, પ્રભાત, ગોડી, સોરઠ, માયુ, આશવરી, ભૈરવી, સારંગ, કાનડો, મલ્હાર જેવા રાગમાં ભવાઈ રજૂ થતી હોય છે. તરગડો, લાવણી, દોઢિયો, ચેતમાન, ચલતી, કેરવો હીંચ એવા તાલ હોય છે. ભૂંગળ, નરઘાં અને કાંચીજોડા મુખ્ય વાજિંત્ર સાથે ભવાઈ ખૂબ ઓછા ખર્ચે મોટુ મનોરંજન પુરું પાડે છે. સંસ્કારી સમાજ ઘડતર અને આગામી પેઢીને સન્માર્ગે વાળવા માટે સદીઓથી ભવાઈ કલાકારોની જહેમત દાદ માગી લે એવી છે. એક સદી પુરાણા હીરજી કેશવજીના ભવાઈ મંડળની ચોથી પેઢી આજે પણ અડીખમ પરફોર્મ કરતા જોઈને ગર્વ થાય એ સ્વાભાવિક છે. ગુજરાતની જૂની રંગભૂમિના પાયામાં ભવાઈ નાટ્ય કલાનો મજબૂત પાયો આજે પણ બરકરાર છે. ભવાઈનો ગુજરાતની લોક નાટ્યકલાના સ્થાને એક જમાનામાં ભારે વટ હતો. ગુજરાતની નાટ્યકલાના દરવાજા ભવાઈએ ખોલ્યા છે. ભવાઈને રંગમંચ ઉપર પુનઃ સજીવન કરવાના અને દેશ વિદેશમાં લોકરંજન કરવાના હીરજી કેશવજી ભવાઇ મંડળીના ૧૧૫ વર્ષથી ચાલી રહેલા યજ્ઞને સલામ મારવી પડે.

 

ધબકાર :

જ્યારે કલાકારને દાદ આપવામાં આવે ત્યારે દાદ આપનારાનો અહંકાર તુટે છે અને કલાકારનુ દિલ જીતાય છે.

---------------------

 

https://gnr.betanetcdn.com/gnrsmc/epaper/sep2020/22092020-4.pdf