પ્રિય વાચકબંધુઓ,

પ્રશ્નો, મુશ્કેલીઓ, વિડંબણાઓ અને પીડામાંથી પસાર ન થયા હોય એવા કેટલા લોકો ? ચાર રસ્તાના ખૂણે મોચી કામ કરીને પેટીયું રળતો છગન હોય કે પછી અબજોનો વેપાર કરતાં મુકેશ અંબાણી કે રતન ટાટા હોય, કે પછી બીલ ગેટ્સ કે બેઝોસ જેફરી હોય. દરેકના જીવનમાં ચડાવ ઉતાર અને મુશ્કેલીઓ આવતી જ હોય છે. જે મુશ્કેલીમાં મુશ્કરાય અને ગમગીનીમાં પણ આનંદથી ગીત ગાય એ જીવનને માણી શકે છે. સવલતોને સુખ સમજવા કરતાં અંતરમનની ચેતનાઓનો ફૂવારો જ સાચાં સુખનો પ્રદેશ છે એ સચ્ચાઇને સમજવી પડે. જીવનમાં જ્યારે સમસ્યા આવે ત્યારે એના ઉકેલ માટે ફાંફા મારવા કરતાં આનંદ આપતાં પ્રસંગોને યાદ કરી હસતાં ખેલતાં આગળ વધવાની કોશિષ જ કામયાબ બનાવે છે. જેમ જીવનમાં કશું મુશ્કેલ નથી એમ જીવનમાં કશું આસાનીથી પણ મળતું નથી. પ્રશ્નો, મુશ્કેલીઓ, તકલીફોને અતિક્રમીને જીવનમાં આનંદનો આફતાબ ખીલવવા માટેના વિવિધ માર્ગોને શબ્દ દેહ આપીને બ્લોગ સ્વરૂપે પ્રસ્તુત કરવાનો નમ્ર પ્રયાસ કર્યો છે. મે ‘આત્મનાદ’ સ્વરૂપે પ્રતિ સપ્તાહ આવતી મારી નિયમિત કોલમમાં જીવનના વિવિધ રંગોને શબ્દ પિંછી વડે કલ્પનાના આકાશને વધુ રંગીન બનાવવાની કોશિશ કરી છે. આશા છે કે, મારી નિયમિત કોલમ ‘આત્મનાદ’નું આ બ્લોગ અવતરણ વાચક મિત્રોને ગમશે.

- પુલક ત્રિવેદી

Wednesday, 27 January 2021

દાદાએ કહ્યું, ‘ખાવાનુ તો તમે આપશો પણ મારી ખુદ્દારી અને ખુમારીની પ્રસન્નતાનુ શું ?’



રફતાર જીવન છે. રફતારની મજા પણ છે. તેજ રફતારયુક્ત આજના યુગમાં પ્રતિપળ એક નવી ચેલેન્જ સામે ઊભી જ હોય છે. પડકારભર્યા આ સમયમાં વ્યક્તિ ચોમેર ચિંતાઓના ચકરાવામાં રહે છે. ચિંતાઓ ક્યારે ઉદાસીનું ઘર બની જાય છે એની ખબર સુદ્ધા નથી પડતી. એક સંશોધન પ્રમાણે ભારતમાં ૧૫ ટકા લોકો એન્ગ્ઝાઈટીના શિકાર હોય છે. જ્યારે એટલા જ એટલે કે, ૧૫ ટકા લોકો ડિપ્રેશનમાં હોય છે. મહાનગરોમાં ૫૦ ટકા લોકો દોડધામના કારણે પુરતી ઊંઘ લેતા જ નથી. મુંબઇ, દિલ્હી જેવા શહેરોમાં લોકો માંડ ચારથી પાંચ કલાક જ સાઉન્ડ સ્લીપ લેતા હોય છે. શોધકર્તાઓ કહે છે કે, ૮૬ ટકા શારીરિક બિમારી પાછળનું મુખ્ય કારણ અનિંદ્રા હોય છે.


અમેરિકાના જાણીતા લેખક-વિચારક રીયોબસનું એક સરસ વિધાન હૃદયમાં કોતરી રાખવા જેવું છે. ‘ચિંતા આવતી કાલ નહીં એની તાકાતથી તમારી આજને તહસ-નહસ કરી નાખતી હોય છે.’ સૌથી મોટી તકલીફ એક બીજાની નિકટ ન આવવાની હોય છે. કોઈની ખરાબ પરિસ્થિતિમાં એની પડખે ઊભા રહેવાની અને સમસ્યાઓને સુલજાવવાની મસમોટી ચુનૌતી છે. દિવેલીયું ડાચુ અને ઉદાસીનતાભર્યા સ્વભાવની સંસ્કૃતિ નીકટતાનો સૌથી મોટો દુશ્મન છે. ‘હુંમાંથી આપણેનો બદલાવ પ્રસન્નતાનુ મોટું કારણ બની જાય છે.


કેટલાક મહાશયો ઉદાસીને દાસીની જેમ સતત જોડે જ રાખે છે. એક ક્ષણ પણ ઉદાસીનો કેડો આવા લોકો છોડતા નથી. જે વ્યક્તિ ભીતરથી ખાલી ખમ્મ હોય એ ઉદાસ જ રહે. કોઈની ઉદાસ આંખોમાં આનંદના શમણાં ભરી શકવાનો મોકો મળે તો એ તરત ઝડપી લેવામાં મજા છે. સંતોષ અને સકારાત્મકતા ઉદાસીને આઘી હડસેલવાના બે અમોઘ શસ્ત્રો છે. ખુશી આનંદની એક અદભુત અવસ્થા છે. પ્રસન્નતા એટલે શું ? જેમ અંધારાની ગેરહાજરી એટલે પ્રકાશ એમ ઉદાસીનતાની ગેરહાજરી એટલે પ્રસન્નતા. પ્રસન્ન હોવું અને પ્રસન્ન દેખાવામાં આસમાન જમીનનો ફરક છે. આજે તો પ્રસન્નતાના દેખાડાના ચહેરા પાછળ પ્રસન્નતાનો ખરો ચહેરો ઢંકાઈ જાય છે. આનંદના આંસુ વેદનાના આંસુ કરતા ક્યાંય વધુ મુલ્યવાન હોય છે. વિશ્વનું સૌથી દમદાર અને અમૂલ્ય કોઈ દ્રવ્ય હોય તો તે આંસુ જ છે. સાયંટિફિકલી નહીં પણ મેન્ટલી-હાર્ટિયલી ટેસ્ટ થાય ત્યારે ખબર પડે કે, એમાં માત્ર ૧ ટકો પાણી અને ૯૯ ટકા લાગણીઓની સંવેદના છે.


મોટાભાગના લોકો ધારેલું હોય અને વિચારેલું હોય એ મળી જાય એટલે એને ખુશી સમજવાની ભુલ કરતા હોય છે. ધારેલું મળે એ તો સફળતા માત્ર છે પરંતુ જે મળે એમાં આનંદ થાય એનુ નામ જ પ્રસન્નતા. પ્રસન્નતાનો સૌથી મોટો ગુણ એ છે કે, વ્યક્તિ સ્વયં જ્યાં સુધી ન ઇચ્છે ત્યાં સુધી એ ક્યારેય સમાપ્ત નથી થતી. જો એકના એક જોક ઉપર ફરી હસવું ન આવે તો પછી એક જ દુઃખ ઉપર વારંવાર ઉદાસ રહેવામાં શું સાર છે ?


દાર્શનિક ઓશોના મતે ઉદાસીનતાના મૂળમાં નિરાશા છે. નિરાશાનો જન્મ આશા સાથે લગ્ન કરવાથી થાય છે. આશા અને નિરાશા સતત સાથે સાથે ચાલતા હોય છે. આશાઓ જ ન હોય તો નિરાશાનું કોઈ સ્થાન રહેતું નથી. આશાઓ મનની બારીએથી ડોકાતી હોય છે. આપણે મનમાં આશાઓના ઈન્દ્રધનુષ રચીએ છીએ અને એને પકડવા આંધળી દોડ મૂકીએ છીએ. જ્યારે ઈન્દ્રધનુષ્ય હાથ નથી લાગતુ ત્યારે સંસારને ગાળો આપીએ છીએ. ખરેખર તો આ ઈન્દ્રધનુષ્ય મનની લીલા છે અને દોષ ઈશ્વરે રચેલા આ મઝાના સંસારને આપવા લાગીએ છીએ. સંસાર તો ફિલ્મની સ્ક્રીન માત્ર છે. બિલકુલ શ્વેત, કોરી અને ખાલી. અસલી પ્રોજેક્ટર માણસનું મન છે. જ્યાંથી આશા, આકાંક્ષા અને અરમાનોના ઈન્દ્રધનુષ્યના ખેલ સંસારની સ્ક્રીન ઉપર રચાતા હોય છે.


લાચારી ઉદાસીનતાની સગી માસી છે. ખુદ્દારી અને ખુમારી પ્રસન્નતાના બે મજબુત બાજુબંધ છે. એક ૮૦ વર્ષના દાદા અમદાવાદના કાંકરીયા પ્રાણી સંગ્રહાલય બહાર બિસ્કીટ અને નાસ્તાના પડીકા વેચે. કોઈએ એમને કહ્યું દાદા,   ઉંમરે તમે આટલી મહેનત કેમ કરો છો ? તમને કોઈ ઘરડા ઘરમાં મૂકી દઉ નિરાંતે ત્યાં ભોજન કરો અને આરામ કરી જીવન વ્યતીત કરો.’ દાદાએ એ ભાઈને સરસ જવાબ આપ્યો, ‘બેટા જ્યાં સુધી હાથ પગ ચાલે ત્યાં સુધી બીજા ઉપર બોજો થોડો બનાય ? ખાવાની અને રહેવાની તો તમે ગોઠવણ કરી આપશો પણ મારી ખુમારી અને ખુદ્દારીનો આનંદ ક્યાંથી આપશો ?’

યુવાન અને તેજોતર્રાર કવિ ભાવેશ ભટ્ટનો એક જાણીતો શેર છે, ‘કોઈ ક્યારેય પણ ઉદાસ ન થાય, થાય તો મારી આસપાસ ન થાય...’ સામાન્ય રીતે ઉદાસી ગઝલકારોનો પ્રિય વિષય રહ્યો છે. ઉદાસીની સંવેદનામાંથી ટપકતી વેદનાઓને ગઝલકારો હંમેશા હોંશે હોંશે વાચા આપતા હોય છે. એ વાત પણ એટલી જ સાચી છે કે શબ્દોના આફતાબથી ઉદાસીના જંગલમાં પ્રશન્નતાના પુષ્પો પણ આ જ ગઝલકારોની કલમમાંથી મનમાં સુગંધ ભરી દેતા હોય છે. જગતના પ્રસિદ્ધ વિચારક અરસ્તુ કહે છે કે, ‘સારા સંબંધો, રૂપિયા પૈસા, સફળતા, આરોગ્ય આપણી ખુશી છે. પરંતુ આ બધુ તો ખુશી પ્રાપ્ત કરવાના સાધન માત્ર છે. ખરેખર પ્રસન્નતા તો આ બધાના અંત પછી જ ઉગતી હોય છે.’ પસન્ન રહેવા માટે કેટલીક પ્રાથમિક બાબતો ઉપર લક્ષ્ય કેન્દ્રિત કરવું જોઈએ. અનાદી કાળથી ભારતીય મહાદ્વીપમાં યોગ, પ્રાણાયામ અને વ્યાયામનો અપાર મહિમા રહ્યો છે. આ મહિમા પાછળ સોલીડ સાયંટીફિક કારણો પણ છે. યોગ, પ્રાણાયામ અને વ્યાયામના પરિણામે શરીરમાં એન્ડોર્ફીન હોર્મોન વિકસે છે. એન્ડોર્ફીન લોહીના પરિભ્રમણને સુયોગ્ય બનાવી તણાવ દૂર કરીને માણસનો મુડ સુધારે છે.

એક ચાવી મંત્રાચેન્ટીંગની પણ છે. દાર્શનિકોના મંતવ્ય અનુંસાર મંત્રાચેન્ટીંગઉદાસી દૂર કરવામાં કારગત નીવડે છે. જ્યારે પણ મુડ ઓફ થાય, મજા ન આવે ત્યારે કોઈપણ મંત્રનો જાપ શરીરના બિનજરૂરી આવેગો ઘટાડી મનને શાંત કરવામાં મદદ કરે છે. એકલતા ઉદાસીની આગને હંમેશા હવા આપીને ભડકાવવાનું કામ કરતી હોય છે. બને ત્યાં સુધી મિત્રો, પરિવાર, સ્નેહી સાથે કોઇપણ વાતને ખુલ્લા મને શેર કરવાની ટેવ હોય એની આસપાસ ઉદાસી ભટકતી નથી. ઉંઘ અને નિયમિત આહાર પણ એટલા જ જરૂરી છે. પુરતી નિંદ્રા, મંત્રોચ્ચાર, વોક, પ્રકૃતિદર્શન તણાવને દૂર કરવાનુ કામ છે. જે લોકો ઉચાટ પેદા કરતા હોય એવા લોકોથી દૂર રહેવામાં સાર છે. જે આનંદ આપે તેવા લોકોની સાથે સતત જીવંત સંપર્કમાં રહેવાનું સુત્ર અપનાવવા જેવું છે.


ઉદાસીનતા દુર કરવાની વાત, ચશ્મા ઉતારીને ટેબલ ઉપર મૂકવા જેટલી સહજ બાબત તો છે નહીં. ઉદાસી આપણા અસ્તિત્વ સાથે વણાઈ ગઈ છે. એક તરફ દુઃખનો દાવાનળ અને બીજી તરફ ઉદાસીઓનું આકાશ જાણે અજાણે આ બન્ને હારોહાર રાખવાની આપણને આદત પડી ગઇ છે. ઉદાસી દૂર કરવા સંબંધો સાચવવા પડે. સંબંધો ન માત્ર સાચવવા પડે એને હૃદયપૂર્વક ઉત્સવની જેમ ઉજવતા રહેવું પડે. ખુશીઓની ઈમારત સ્મીત, આભાર અને કોઈને પણ દુઃખી ન કરવાના ત્રણ આધારસ્તંભો ઉપર ઊભી હોય છે.


ધબકાર : પ્રસન્નતાનો પુરસ્કાર સમજ ઉપર નિર્ભર છે.







Wednesday, 20 January 2021

કપરા સમયમાં વ્યક્તિ ‘બોસ’ છે કે ‘લીડર’ એની પ્રતીતિ થાય



યુએસ એર ફોર્સના ફેમસ ફાઈટર પાયલોટ ચાર્લી પ્લમ્પની વાત છે. અમેરિકન પ્રજા ચાર્લીને રીયલ હીરો તરીકે ઓળખે છે. એણે ૭૪ જેટલી ઉડાન ભરી એને સોંપવામાં આવેલા વોર મિશનને સફળતાપૂર્વક પાર પાડ્યા હતા. વિયેટનામ વોર વખતનો એક કિસ્સો છે. ચાર્લી પ્રત્યેક ઉડાન ભરતા પહેલા એના એર ક્રાફ્ટ મશીનમેન, પેરેશુટ પેકર, ગ્રાઉન્ડ બોય, ફ્લેગ બોય બધા ટીમ મેમ્બર્સ સાથે પ્રેમપૂર્વક હાથ મિલાવી ખબર અંતર પૂછતો. ચાર્લીએ એના ૭૫માં મિશન માટે ફાઈટર પ્લેનમાં ઉડાન ભરી એ પહેલા એના રોજીંદા ક્રમ અનુસાર બધા ટીમ મેમ્બર્સ સાથે હાથ મિલાવી ‘ગુડ જોબ’ વીશ કરીને એ સડસડાટ એર ક્રાફ્ટની સીડી ચડી ગયો. ઉડાનની થોડી મિનિટ બાદ જ દુશ્મનોના ગોળા-બારૂદથી ચાર્લીનું ફાઈટર પ્લેન ક્ષતિગ્રસ્ત બની ધરાશયી થવા લાગ્યુ. એણે ઇમરજન્સી ઈજેક્ટ સ્વીસ દબાવી પેરેશુટ ખોલી પોતાની જાતને બચાવી લીધી.


પેરેશુટ દ્વારા ચાર્લી જ્યારે જમીન ઉપર આવ્યો ત્યારે એને ખ્યાલ આવ્યો કે એ તો દુશ્મનોની ધરતી ઉપર લેન્ડ થયો છે. દુશ્મનોની ધરતી ઉપર સલામત રીતે લેન્ડ થયા બાદ સૌથી પહેલા એણે પેરેશૂટ પેકર ટીમ મેમ્બરને મનોમન યાદ કરી એણે પરફેક્ટ રીતે પેરેશૂટ પેક કર્યુ હતુ એટલા માટે એનો આભાર માન્યો. છ વર્ષ સુધી ચાર્લી યુદ્ધ કેદી રહ્યો. કેદમાંથી છૂટ્યા બાદ ચાર્લી વર્ષો બાદ સ્વદેશ પરત ફર્યો ત્યારે પ્રથમ એના પેરેશૂટ પેકીંગ કરતા ટીમ મેમ્બર જવાનને મળવા ગયો અને એને પ્રેમથી ભેટી પડ્યો. ચાર્લી કહે છે કે, મારી ટીમ મેમ્બરના આ પેરેશૂટ પેકર્સે પેરેશૂટ બરાબર ન પેક કર્યું હોત તો કદાચ એ જીવીત ન હોત. પ્રત્યેક ફતેહ પાછળ ટીમ લીડરનો એપ્રોચ મહત્વનો ભાગ ભજવતો હોય છે. ચાર્લીનો ટીમ મેમ્બર્સ પ્રતિ વ્યવહાર એની સફળતાનો રાઝ છે.

ચતુરાઈ, કુટનીતિ, અનાશક્તિ અને નિષ્પક્ષતાનો ચતુષ્કોણ ટીમ લીડરની કુશાગ્રતાના પાયા છે. હોદ્દામાં સિનિયોરિટી બોસ જરૂર બનાવી દે પણ ‘બોસ’ કરતા ‘લીડર’ની કેપેસિટી સ્વાભાવિક રીતે જ બમણી છે. બોસની એના ધારેલા અને એની સમજના કોચલામાં રહી ટીમ પાસે કામ લેવાની મનોવૃત્તિ હોય છે. જ્યારે પોતાના સેટ માઈન્ડની બહાર આઉટ ઓફ બોક્સ જઈને કામ કરનારો ‘બોસ’ મટીને ‘લીડર’ બની જાય છે. પોતાની વિચારશરણી ઉપરની આશક્તિ લીડરને ક્યારેય નથી હોતી.

એક સાદી સમજ એવી છે કે, વિચારથી શબ્દ જન્મે છે. શબ્દ કાર્ય કરવાની પ્રેરણા મળે છે. કાર્ય આદતમાં પરિણમતા હોય છે. અને આદત વ્યક્તિનું ચરિત્ર ઘડતી હોય છે. એટલે જ કહેવાય છે ને કે, જેના વિચાર સારા એનું ચારિત્ર્ય સારું. ઘણીવાર કાર્યનું પરિણામ એટલું સારું ન પણ હોય જેટલી અપેક્ષા હોય પરંતુ આવા સમયે એ ધ્યાન રાખવું જોઈએ કે, એ પરિણામ એટલું ખરાબ પણ નથી હોતું કે આગળ વધી જ ન શકાય. કાર્યને ફળની ઇચ્છા અનુસાર નહીં પણ સાચુ અને સારું કાર્ય કરવાની ભાવના લીડર બનાવે છે. ગીતામાં કહ્યું છે કે, ‘કર્મણ્યેવાધિકારસ્તે, મા ફલેશુ કદાચન...’ આ સનાતન શ્લોકનો પ્રથમ ભાગ સૌ કોઈ જાણે છે અને માને છે. પરંતુ બીજા ભાગમાં લખેલા મા ફલેસુ કદાચનને આત્મસાત કરવાનું મોટાભાગના ચૂકી જતા હોય છે.



લીડર એટલે માર્ગદર્શક. લીડરની વર્તણૂંક ટીમ માટે ઉત્તમ માર્ગદર્શક બળ બને છે. શું કહેવામાં આવ્યું એ લોકો ભુલી જશે. શું કર્યું એ પણ લોકો લાંબો સમય યાદ નહીં રાખે. પરંતુ કાર્ય કરતી વખતે ટીમ મેમ્બર સાથેની વર્તણૂંકને લોકો હંમેશા યાદ રાખતા હોય છે. લીડર એના સાથીઓને જ્યાં હોય છે ત્યાંથી એવી જગાએ લઈ જતો હોય છે કે ત્યાં એ લોકો ક્યારેય પહોંચ્યા જ ન હોય. જ્યારે એક પ્રયાસ સાથીઓને સપના જોવા, નવું શીખવા અને વધુ મહેનત કરવા પ્રેરિત કરનારો બની જતો હોય છે ત્યારે એ ‘બોસ’ મટીને ‘લીડર’ બને છે.

જ્યાં બધા ચાલ્યા હોય એ સીધો અને સરળ રસ્તો છોડીને જ્યાં માર્ગ જ ન હોય એ દિશામાં ચાલી નવો માર્ગ બનાવવાવાળી વાતમાં લીડરશીપની અસલી ક્વોલીટી છે. જ્યારે મહત્વની અને ગંભીર બાબતો ઉપર ચૂપ રહેવામાં આવે ત્યારે લીડરશીપને લૂણો લાગે છે. એક સાચા લીડરમાં એકલા ઊભા રહેવાની હિંમત હોય છે. ટીમ મેમ્બરની મુશ્કેલીમાં એની પડખે ઊભા રહેવાની નિષ્ઠા હોય છે. કઠોર નિર્ણયો લેવાની ક્ષમતા હોય છે. રતન ટાટા ઘણીવાર કહે છે કે, ‘હું ક્યારેય સાચા નિર્ણય લેવામાં નથી માનતો. હું નિર્ણય લઈને એને સાચો સાબિત કરવાની પરિભાષામાં માનું છું. જે વ્યક્તિને ખબર છે કે એના સાથીઓની સૌથી વધુ જરૂરિયાત શું છે એ જ વ્યક્તિ સફળ લીડર બની શકે છે. લીડર પાસે સમસ્યાઓના સમાધાનના રસ્તા મળે છે. જ્યારે બોસ સમસ્યાઓની આસપાસ ચક્કરો માર્યા કરતા હોય છે.

એક મહત્વની વાત એ પણ છે કે લીડરમાં નિંદા સાંભળવાની ક્ષમતા હોય છે. એટલે જ એ પરિસ્થિતિનું સમગ્રતયા સુપેરે આકલન કરી શકે છે. જે વ્યક્તિ પાસે નવું શીખવાની તમન્ના છે એ સદાય યુવાન છે. ૨૦ વર્ષના નવયુવક પાસે પણ નવું શીખવાની ધગશ નથી તો એ ૮૦ વર્ષનો બુઢ્ઢો છે. જ્યારે કોઈ મોટા અભિયાન પાર પાડવાનું થાય ત્યારે લીડરશીપ  ક્વોલીટીનો બીયોન્ડ કમ્ફર્ટ ઝોનનો મંત્ર કારગત નીવડતો હોય છે. જે વ્યક્તિ કમ્ફર્ટ ઝોન બહાર નીકળે તે પોતે તો આગળ વધે જ છે સાથે ટીમ મેમ્બર્સને પણ ઝંપલાવવા પ્રેરિત કરે છે. લીડર મોટા લક્ષ્યને આસાનીથી પાર પાડવા એને નાના પગલાઓમાં વિભાજીત કરવાની ટેકનિક અપનાવે છે. નાનુ પગલું ઝડપથી ઊઠાવી મોટા લક્ષ્ય સુધી પહોંચવાની દોડ આરંભ કરવાની આસાની રહે છે. દુનિયામાં બે પ્રકારના લોકો હોય છે. એક તો પરિશ્રમ કરી માર્ગ કાઢનારા અને બીજા કોઈની મહેનત ઉપર કીર્તિના કટોરા લઈને ભટકનારા. લીડર પરિશ્રમ કરનારા લોકોની શ્રેણીમાં આવતા હોય છે. તો આગળ વધવું હોય તો વોટ્સએપ ગુરુઓનું પેલુ સૂત્ર હંમેશા યાદ રાખો, ‘બી અ લીડર નોટ અ બોસ...

 

ધબકાર :

જ્યારે કપરો સમય આવે ત્યારે જ વ્યક્તિ બોસછે કે લીડરએની પ્રતીતિ થાય.



Friday, 15 January 2021

માત્ર દિવાલ ઉપર નહીં હદયમાં રાખવા જેવુ IIT ખડગપુરનુ કેલેન્ડર-૨૦૨૧

 

સ્કીલફુલ ભારતીય યુવાનોમાં આઈઆઈટીયન્સ અને આઈઆઈએમ પાસ આઉટનો દબદબો રહ્યો છે. ગત વર્ષના કેલેન્ડરના પાના ફરફર કરતા ઊડી ગયા અને નવા વર્ષના રંગબેરંગી કેલેન્ડરોએ ડ્રોઈંગરૂમ અને ઓફિસ રૂમોમાં સ્થાન લઈ લીધું છે. કેલેન્ડરોની થીમમાં એના ક્ષેત્ર અને મેકર્સની બૌધિક છાંટ જોવા મળતી હોય છે. હમણાં હમણાં સોશિયલ મીડિયા ઉપર આઈઆઈટી, ખડગપુરના નહેરુ મ્યુઝિયમ ઓફ સાયંસ એન્ડ ટેકનોલોજીનું વર્ષ-૨૦૨૧ કેલેન્ડર જબરુ વાયરલ થયું છે. ભારતીય જ્ઞાનધારાના ભૂત, વર્તમાન અને ભવિષ્યના થીમ ઉપરનું આ કેલેન્ડર અદભુત વૈચારિક સમૃદ્ધિથી ઠસોઠસ ભરેલું છે.


 

કેલેન્ડરની વાત માંડીને કરીએ એ પહેલા આઈઆઈટી, ખડગપુરની થોડી વાત ફ્લેશ બેકમાં કરવા જેવી છે. ભારતના યુવાનોમાં ઈજનેરી ટેકનોલોજીનું કૌશલ્ય નિર્માણ કરતી આઈઆઈટી ખડગપુર દેશની સૌથી પહેલી આઈઆઈટી સંસ્થા છે. ૧૯૫૦માં કોલકતામાં આઈઆઈટીની સ્થાપના પાછળનો ઇતિહાસ પણ રોચક છે. બીજા વિશ્વયુદ્ધમાં જગતના મોટાભાગના રાષ્ટ્રોમાં ઈજનેરી મશીનરી અને માળખાગત સુવિધાઓ તબાહ થઈ જતાં વિશ્વના દરેક દેશોમાં વિજ્ઞાન અને પ્રાદ્યોગિકી ક્ષેત્રના પુનઃનિર્માણ અને એના વિસ્તાર માટે કુશળ માનબળની આવશ્યકતાની સખત માંગ ઊભી થઈ.


ચાલીસના દશકમાં નલિની રંજન સરકારની આગેવાની હેઠળ ર૨ સભ્યોની એક સમિતિએ દેશભરમાં પરિભ્રમણ કરીને મૈસાચુસેટ્સ પ્રૌદ્યોગિકી સંસ્થાન(એમઆઈટી)ની તર્જ ઉપર ટેકનિકલ શિક્ષણ આપતા ઉચ્ચત્તમ સંસ્થાનોના નિર્માણ કરવાની જરૂરીયાતનો અહેવાલ આપ્યો. નલિની રંજન સરકાર કમિટિએ આપેલા રીપોર્ટમાં દેશની ચારેય દિશામાં એક-એક ઉચ્ચ ટેકનિકલ સંસ્થા સ્થાપવાનો સ્પષ્ટ મત હતો. ખાસ કરીને દેશના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં આવી સંસ્થા વહેલામાં વહેલી શરૂ કરવા કમિટિએ ખાસ ભલામણ કરી હતી.



કોલકતા શહેરમાં આઇઆઇટીની પ્રારંભિક શરૂઆત બાદ શહેરથી ૧૨૦  કિલોમીટર દૂર હિજલી, ખડગપુરમાં એનું કાયમી સરનામું સુનિશ્ચિત થયું. સ્થાપના સમયે આઈઆઈટી, ખડગપુરનું નામ ઈસ્ટર્ન હાયર ટેકનિકલ ઈન્સ્ટિટ્યૂટહતું. પ્રારંભિક કાળમાં આઈઆઈટી, ખડગપુરમાં ૪૨ ફેકલ્ટી ૧૦ ક્ષેત્રોમાં ૨૨૪ વિદ્યાર્થીઓને ઈજનેરી ટેકનિકલ કૌશલ્યનિર્માણના પાઠ ભણાવતા હતા. આ હિજલીનો કારાવાસ શિબિર કહેવાતો. અહીં બ્રિટીશરો ભારતીય સ્વાતંત્ર્ય વીરોને બંદીવાન બનાવી રાખતા હતા. આજે આ બિલ્ડીંગને શહીદ ભવનતરીકે ઓળખવામાં આવે છે.



દેશમાં ૨૩ આઈઆઈટીમાં રાષ્ટ્રના હોનહાર યુવાનો ઇજનેરી ટેકનોલોજી આત્મસાત કરી રહ્યા છે. એબીપીના એક આકલન મુજબ દેશના આઈઆઈટીયન્સના કારણે લગભગ બે કરોડ જેટલી નોકરીઓના અવસર ઊભા થયા છે. દેશ અને દુનિયાની અર્થવ્યવસ્થામાં આઈઆઈટીયન્સનો ફાળો રૂપિયા ૨૦ લાખ કરોડ જેટલો છે. બીલીયન ડોલર્સ સ્ટાર્ટ-અપ્સના સ્ત્રોતમાં જગતમાં આઈઆઈટી ચોથા સ્થાને છે. ગુગલનાં ચીફ એક્ઝિક્યુટીવ સુંદર પીચાઈથી માંડીને જાણીતા અર્થશાસ્ત્રી ધુવરી સુબ્બારાવ, ઉપરાંત ઈસરોના પૂર્વ ચેરમેન કે રાધાક્રિષ્નન, યુ-ટ્યુબ વાયરલ ચેનલના કોફાઉન્ડર અરૂણકુમાર આઈઆઈટી, ખડગપુરના ફરજન છે.


નાઉ બેક ટુ આઈઆઈટી, ખડગપુર કેલેન્ડર-૨૦૨૧ થીમ. ભારતીય જ્ઞાનગંગાને સુપેરે વણી લેતા આ કેલેન્ડરના જાન્યુઆરી-૨૦૨૧ના પાના ઉપર જ્યોતિર્મયા મહાજાગતિક વિદ્યા, બીજગણિત, આયુર્વેદના જ્ઞાનને પ્રકાશિત કરતા સપ્તર્ષીની વિચારધારાને મૂકવામાં આવી છે. ફેબ્રુઆરી મહિનામાં જગતના નામાંકિત ઇતિહાસવિદ વિલ ડ્યુરન્ટના સંસ્કૃત ભાષા માટેના સુંદર ક્વોટ સાથે વિશ્વની તમામ ભાષાઓમાં સૌથી ચોક્કસ અને સંસ્કારી ભાષા તરીકે સંસ્કૃતને ઉજાગર કરવામાં આવી છે.



માર્ચ મહિનામાં નોબલ લોરીયટ આલબર્ટ આઈનસ્ટાઈનના ભારતીય ગણિતશાસ્ત્રના વિચારો સાથે આર્યભટ્ટ, બ્રહ્મગુપ્ત, ભાસ્કર, વરાહમિહિરની ગાણિતીક જ્ઞાનની પરિભાષા અંકિત કરાઈ છે. એપ્રિલ મહિનો કૌટિલ્યના અર્થશાસ્ત્ર ઉપર અને મે મહિનો રસાયણશાસ્ત્રમાં ભારતની દેનને ઉજાગર કરે છે. જૂનમાં આયુર્વેદ વિજ્ઞાન અને ચરક સંહિતાના બાયોલોજિકલ સાયંસની વાત છે. જુલાઈ મહિનામાં આધુનિક સ્પેસ ટેકનોલોજીના પાયામાં ભારતીય શાસ્ત્રો અને ઉપન્યાસોમાં બ્રહ્માન્ડનું જ્ઞાન હોવાની વાતને ઉજાગર કરવામાં આવી છે. ઓગષ્ટમાં ઈકોલોજિકલ અને એનવાયર્નમેન્ટલ સાયંસના પાયામાં ભારતીય ઉપમહાદ્વિપની પ્રકૃતિ વિદ્યાને પ્રતિપાદિત કરાઈ છે. મોડર્ન આર્કિટેકચરલનું ઉદભવ સ્થાન ભારતીય વાસ્તુશાસ્ત્ર, સપ્ટેમ્બર મહિનામાં દર્શાવાયું છે. ઓકટોબરમાં આધુનિક સોશિયલ ઈકોલોજીકલ એથિક્સ, લોજિક અને લો સાથે ભારતીય કર્મ અને ધર્મના સિદ્ધાંતો સાંકળીને રજૂ કરવામાં આવ્યા છે. નવેમ્બરમાં ક્લાસિકલ આર્ટ સાથે ભારતીય નાટ્યશાસ્ત્રને રજુ કરવામાં આવ્યું છે. ડિસેમ્બરમાં જગદીશચંદ્ર બોઝ, શ્રીનિવાસ રામાનુજ, આચાર્ય ઈરાવતી ક્વે, જાનકી અમ્મલ, અસ્તમા ચેટર્જી, નાથ બોઝ અને પ્રફુલ્લચંદ્ર રોય આધુનિક વિજ્ઞાનના સાત ઋષિઓને સ્થાન આપવામાં આવ્યું છે.



આઈઆઈટી, ખડગપુરની વાત નીકળી છે ત્યારે ત્યાંથી પાસઆઉટ થયેલી એક હોનહાર વિદ્યાર્થીની પૂજાની એક આડ વાત યાદ આવે છે. પૂજા બિહારના નાલંદા જિલ્લાના કંચનપુર ગામમાં રહે છે. એણે આઈઆઈટી ખડગપુરમાંથી કેમિકલ એન્જિનિયરીંગની ડિગ્રી મેળવીને અમેરિકાની એક પ્રતિષ્ઠિત ફર્મમાં ઈટર્નશીપ કર્યા પછી જીએઆઈએલમાં ઊંચા પદ ઉપર લાખોની સેલેરી સાથે લગભગ છ વર્ષ કામ કર્યું. પૂજાએ પોતાના ગામ માટે કંઈક કરવાનું વિચાર્યું. એની લાખો રૂપિયાના પગારની નોકરીને લાત મારીને એ પહોંચી ગઇ કંચનપુર ગામમાં. પોતાના ગામડામાં આવીને એણે ખેતી કરવાની વિવિધ પદ્ધતિઓનો અભ્યાસ કર્યો. આસામના દિબ્રુગઢમાં જઈને પણ એણે જૈવિક ખેતીની જાણકારી મેળવી ઓર્ગેનિક ફાર્મિંગી તાલીમ લીધા પછી વર્ષ ૨૦૧૬માં પૂજાએ બેક ટુ વિલેજનામે સ્ટાર્ટ-અપ લોન્ચ કર્યું. સ્વાભાવિક રીતે જ રાસાયણિક ફાર્મિંગની જગ્યાએ જૈવિક ખેતી માટે ખેડૂતોને વાળવાની કપરી બાબતને પૂજાએ બખૂબી અતિક્રમી. પૂજાએ સ્થાનિક ખેડૂતો સાથે મળીને જૈવિક ખેતી ઉપર અદભુત કામ આરંભ્યું. શરૂઆતમાં ખેડૂતો એના આ પ્રયોગોથી આઘા રહેતા. પછી ધીમે ધીમે લગભગ ૫૦૦૦ જેટલાં ખેડૂતો પૂજાના સ્ટાર્ટ અપ સાથે જોડાયા. પૂજાની આ વાત ખડગપુરના આઈઆઈટીયન્સના ખમીર અને વૈચારિક તાકાતને ઉજાગર કરે છે.



ખડગપુર ઉદ્યોગો, પાર્ક્સ અને ગાર્ડન, રેલ-વે વગેરે માટે લોકોના દિલો દિમાગ ઉપર છવાયેલું રહે છે. પરંતુ આ બધાની સાથોસાથ કેલેન્ડરોના ઇતિહાસમાં આઈઆઈટી ખડગપુરના માઈલ સ્ટોન જેવા આ કેલેન્ડરને પણ લોકો હંમેશા યાદ રાખશે. ભારતીય તત્ત્વજ્ઞાનને આધુનિક વૈજ્ઞાનિક તકનિકો સાથે સાંકળીને અદભુત રીતે પ્રસ્તુત કરવામાં આવ્યું છે. જ્યારે જ્યારે ભરતીય જ્ઞાન અને વિજ્ઞાનની વાત નીકળે ત્યારે આપણા પૌરાણિક શાસ્ત્રો, વેદ, ઉપનિષદમાં વર્ણવાયેલા તત્વજ્ઞાનને સમસ્ત વિશ્વ નતમસ્તકે સ્વીકારે છે.



ધબકાર : ‘ભારત ભૂમિ માનવ જાતિનું એક પારણું છે. જે માનવીય ભાષાનું જન્મ સ્થળ, જગતના ભવ્ય ઇતિહાસની માતા, દંતકથાઓની દાદી અને મહાન પરંપરાઓ પરદાદી છે. માણસના ઇતિહાસમાં આપણી સૌથી કિંમતી અને રચનાત્મક બાબતોનો સંગ્રહ ફક્ત ભારતમાં જોવા મળે છે.’ – માર્ક ટ્વેન



https://gnr.betanetcdn.com/gnrsmc/epaper/jan2021/12012021-4.pdf