પ્રિય વાચકબંધુઓ,

પ્રશ્નો, મુશ્કેલીઓ, વિડંબણાઓ અને પીડામાંથી પસાર ન થયા હોય એવા કેટલા લોકો ? ચાર રસ્તાના ખૂણે મોચી કામ કરીને પેટીયું રળતો છગન હોય કે પછી અબજોનો વેપાર કરતાં મુકેશ અંબાણી કે રતન ટાટા હોય, કે પછી બીલ ગેટ્સ કે બેઝોસ જેફરી હોય. દરેકના જીવનમાં ચડાવ ઉતાર અને મુશ્કેલીઓ આવતી જ હોય છે. જે મુશ્કેલીમાં મુશ્કરાય અને ગમગીનીમાં પણ આનંદથી ગીત ગાય એ જીવનને માણી શકે છે. સવલતોને સુખ સમજવા કરતાં અંતરમનની ચેતનાઓનો ફૂવારો જ સાચાં સુખનો પ્રદેશ છે એ સચ્ચાઇને સમજવી પડે. જીવનમાં જ્યારે સમસ્યા આવે ત્યારે એના ઉકેલ માટે ફાંફા મારવા કરતાં આનંદ આપતાં પ્રસંગોને યાદ કરી હસતાં ખેલતાં આગળ વધવાની કોશિષ જ કામયાબ બનાવે છે. જેમ જીવનમાં કશું મુશ્કેલ નથી એમ જીવનમાં કશું આસાનીથી પણ મળતું નથી. પ્રશ્નો, મુશ્કેલીઓ, તકલીફોને અતિક્રમીને જીવનમાં આનંદનો આફતાબ ખીલવવા માટેના વિવિધ માર્ગોને શબ્દ દેહ આપીને બ્લોગ સ્વરૂપે પ્રસ્તુત કરવાનો નમ્ર પ્રયાસ કર્યો છે. મે ‘આત્મનાદ’ સ્વરૂપે પ્રતિ સપ્તાહ આવતી મારી નિયમિત કોલમમાં જીવનના વિવિધ રંગોને શબ્દ પિંછી વડે કલ્પનાના આકાશને વધુ રંગીન બનાવવાની કોશિશ કરી છે. આશા છે કે, મારી નિયમિત કોલમ ‘આત્મનાદ’નું આ બ્લોગ અવતરણ વાચક મિત્રોને ગમશે.

- પુલક ત્રિવેદી

Tuesday, 6 December 2016

ખર્ચ અને બચતનુ સંતુલન આવડે તો ‘વાહ જીંદગી’ નહીંતર ‘આહ જીંદગી’

ખર્ચ અને બચતનુ સંતુલન આવડે તો ‘વાહ જીંદગી’ નહીંતર ‘આહ જીંદગી’
                                    -     પુલક ત્રિવેદી

ઓફિસેથી આવીને બેગ ટેબલ ઉપર મૂકીને વ્યોમેશ ડ્રોઈંગ રૂમના સોફા ઉપર લીટરલી ફસડાઈને પડ્યો. ‘‘આવી ગયો...’’ રોજના મજેદાર ટહુકા સાથે પિંકી રસોડામાંથી પાણીનો ગ્લાસ લઈને સસ્મિત વદને વ્યોમેશની સામે આવી. વ્યોમેશનો ચહેરો બિલકુલ ફલેટ અને રસહીન હતો. પિંકી વ્યોમેશનાં ચહેરાને જોઈને પામી ગઈ કે આજે કંઈક ગડબડ છે.



‘કેમ મુડલેસ બેઠો છે યાર ! શું થયું ? ઓફિસમાં કંઈ પ્રોબલેમ થયો ? વગેરે વગેરે.’ પિંકીએ પ્રશ્નોનો મારો ચલાવ્યો.
વ્યોમેશે તંગ ચહેરે કહ્યું, ‘બસ... બસ... જરા શ્વાસ તો લેવા દે યાર. પેલો મગનો મિસ્ત્રી ખરોને, જેની પાસે આપણે વોર્ડરોબ બનાવ્યો હતો... એ આજે આવ્યો હતો અને એના બાકી નીકળતાં રૂપિયા ૩૫૦૦૦ માગતો હતો.’
‘એક પાર્ટીનો ગઇ કાલનો વાયદો હતો પણ એનો ચેક ના આવ્યો. અને મિસ્ત્રી ખરીખોટી વાત સુણાવી ગયો. શું કરવું એની સુજ નથી પડતી.’ વ્યોમેશના મનના વમળો વધુ ને વધુ વિસ્તરતા જતાં હતાં.
હવે જાણે બદલો લેવાનો પીન્કીનો વારો હોય એમ એ ચૂપચાપ અંદરના રૂમમાં ચાલી ગઈ... વ્યોમેશ પહોળી આંખો કરીને વિચાર કરવા લાગ્યો કે, ગજબ છે આ બૈરી, હું મારા મનની વ્યથા કહું છું અને એનુ કોઈ રીએકશન જ નહીં...?
પાંચેક મિનિટમાં પીન્કી અંદરના રૂમમાંથી આવી અને એક લાલ કલરનું મોટા લેડીઝ લેધર પર્સની ચેઈન ખોલીને સો-સોના ચાર બંડલની થોકડી વ્યોમેશની સામે ધરીને સ્ટાઇલથી બોલી ‘બચ્ચા... ટેન્શન કાયકું લેતા હૈ... યે લે ૪૦૦૦૦ હજાર રૂપયે... એશ કર...’
વ્યોમેશ તો એક પળ ફાટી આંખે પીન્કી સામે જોતો જ રહ્યો. અને બીજી જ પળે સટાક દઈને સોફા પરથી ઊભો થઈ ગયો. અને પીન્કીનો હાથ પકડીને લાડથી આમળતો બોલ્યો ‘ સાલી, પીન્કુડી ક્યાંથી લઈ આવી આટલા બધા રૂપિયા ? આમ તો જ્યારે કહું ત્યારે દીવેલ પીધેલા મોંએ કહે કે મારી પાસે પૈસા જ ક્યાં છે ? અને ઉપરથી જ્યારે જૂઓ ત્યારે પૈસા માગતી જ હોય આજે શું જાદુ કર્યો છે ભાઈ...’
બે હાથ કમર પર મૂકીને પીન્કી રૂઆબથી બોલી, ‘ તારી પાસેથી જ્યારે જ્યારે પૈસા લીધા છે એમાંથી દર વખતે ૨૦૦-૪૦૦ રૂપિયા મારી ગુપ્ત બચત માટે આ લાલ પર્સમાં મૂકી દેતી અને પછી ભૂલી જ જતી કે મારી પાસે આ પૈસા છે.’ કડીકાળમાં આવી નાની બચત મોટી રાહત આપે છે.
વ્યોમેશ અને પીન્કીની આ આખી ઘટના બે બાબત પર પ્રકાશ પાડે છે. બચત કરવી સારી પણ હા, હદથી વધારે બચત કરવા માટેનું પાગલપન પણ ખોટું. પૈસા કમાઈએ છીએ જ ખર્ચવા માટે નહીં કે ગણી ગણીને ગાંઠે બાંધવા માટે. એ સાચી વાત છે કે, નાણાં ઉડાવવા અને ખર્ચ કરવા આ બે વિચારધારા વચ્ચે આસમાન અને જમીન જેટલો ફર્ક છે. આવશ્યકતા માટે જે નાણાં વપરાય તે ખર્ચ છે. પણ દેખાડો કરવા અને ભપકા માટે જે પૈસા વપરાય એ પૈસાનો ઉડાઉ ખર્ચો છે. સાચું પૂછો તો ઉડાઉ ખર્ચાને કારણે જ બચતની લીટી નાની થતી જાય છે. જ્યાં ખર્ચની આવશ્યકતા હોય ત્યાં બચતનો વિચાર ભયાનક વિનાશકતા સર્જે છે.
જરૂરિયાતથી વધુ અને મોટી અપેક્ષાઓ પાછળ ખર્ચાતા નાણાં પતન તરફ જવાનું પહેલું પગથિયું છે. હદથી વધારે ઇચ્છાઓ અને એના આધારે થતાં ખર્ચા અર્થ વગરની ઉધારી તરફ ધકેલે છે.
એક મિત્રને ફોર વ્હીલર ‘સ્વીફ્ટ’ કાર ખૂબ ગમતી હતી. બે વર્ષ પહેલાં હોંશે હોંશે ‘સ્વીફ્ટ’ કાર આણી. માર્કેટમાં હુંડાઈની નવી આવેલી ‘ક્રેટા’ કાર જોઈને એમની બે વર્ષ પહેલાં લાવેલી ‘સ્વીફ્ટ ડિઝાયર’ ગાડી પરથી મિત્રનુ મન ઉઠી ગયું અને ‘ક્રેટા’ પાછળ લાગી ગયું. બેન્કમાંથી લોન લીધી અને છેલ્લા ત્રણેક વર્ષની બચતના પાંચેક લાખ રૂપિયા જોડીને ૧૫-૧૭ લાખની ક્રેટા આણી. મિત્રનો ફોર વ્હીલરનો વપરાશ તો વધ્યો જ ન હતો પરંતુ, એમની આ ‘ક્રેટા’ની ઘેલછએ એમના જીવનમાં ઉધારીની વાતને આગળ વધારી. બેત્રણ મહિના પછી મિત્રને હોસ્પિટલમા દાખલ થવાનો વારો આવ્યો અને પાચ – સાત લાખનો ખર્ચો તાત્કાલિક કરવાનો આવ્યો. વધુ પડતી અપેક્ષાઓ અને આકાક્ષાઓને કારણે વેર વિખેર કરેલી આર્થિક સ્થિતિને કારણે મુંઝવણ વધી ગઇ.
સંભવતઃ આવી ખોટી અપેક્ષાઓને કારણે વધતાં અર્થ વગરના ખર્ચા બચતના આયોજનને તોડી મરોડીને કોઇ અજાણ્યા વળાંક ઉપર મુકી દે છે. પરિણામે કપરા સમયમાં ઉપયોગમાં આવી શકે એવી રકમ નિરર્થક રીતે ખોટી અપેક્ષાઓ પાછળ ધસડાઈ જાય છે.
કહેવાનો અર્થ એ નથી કે પૈસા વાપરવા નહીં અને ગણી ગણીને ગાઠે બાંધી રાખવા. ખરેખર તો ખર્ચ જરૂરી છે. શાસ્ત્રોમાં ધનનો ભોગ, દાન અને નાશ એમ ત્રણ પ્રકારે ઉપયોગ થતો હોવાનુ જણાવાયું  છે. એટલે કે ઉપલબ્ધ નાણાં જિવનના આનંદને ભોગવવા માટે અને સવલત સાચવવા માટેના કામમાં આવે એવા ખર્ચાને ભોગ માટે ખર્ચાયેલા નાણા કહેવાય. કોઇના જિવનમાં સારા કાર્ય માટે આપણે જે રકમ ખુશી ખુશી ખર્ચીએ દાન-દક્ષિણા આપીએ તે ખર્ચને દાન ખર્ચ કહેવાય. જ્યારે ધન સવલત ભોગવવા કે દાન પાછળ ન વપરાય ત્યારે એ નિરર્થક રીતે નષ્ટ થઈ જાય.
આવશ્યકતા મુજબ ભોગવવાના હેતુથી વપરાતા નાણા અને દેખા દેખીથી ઇચ્છા થાય એવી બાબતો પાછળ ખર્ચા ‘એવોઈડ’ કરવાથી થતી બચત માણસના સ્વાભિમાનનું કારણ બને છે. સ્વાભિમાની વ્યક્તિને ઉધારની ચીજવસ્તુઓ ઉપર નભતી જિંદગી બેઅસર લાગે છે. સો વાતની એક વાત બચત કરનાર વ્યક્તિ હૃદયથી મજબૂત અને સ્વાભિમાનના સંસ્કારથી હર્યોભર્યો હોય છે. બચત જરૂર કરીએ પણ બેહિસાબ બચત કરીને જીવનનું સંતુલન ન ખોરવીએ. જીવનનો આનંદ ખર્ચ અને બચતના સંતુલનમાં છે. ખર્ચ અને બચતનુ સંતુલન આવડે તો ‘વાહ જીંદગી’ નહીંતર ‘આહ જીંદગી’

ધબકાર – જ્યારે પાસે કાંઈ ન હોય ત્યારે મનમાં અભાવ સર્જાય, જ્યારે થોડું ઘણું પાસે આવે તો નાના મોટા લાગણીઓના ભાવનું વિશ્વ ઊભું થાય અને જ્યારે ઘણું બધું હોય ત્યારે નિશ્ચિંતપણે સ્વભાવનું નડતર જ ઊભું થાય.


0000000000000000000000


No comments:

Post a Comment