પડે કે
ડગમગે પણ અટકે નહીં
એ
સંકલ્પવાન
- પુલક ત્રિવેદી
- પુલક ત્રિવેદી
બનારસમા ફેકટરીઓના
ઘોંઘાટવાળા વિસ્તારમાં ધનાઢ્યોની કોલોની પાસે એક સાંકડી ગલીમાં નાનકડી ભાડાની
ખોલીમાં રહેતા પરિવારના હોનહાર છોકરાની આ વાત છે. છઠ્ઠા સાતમામાં ભણતો આ છોકરો એક
દિવસ રમતા રમતા એના મિત્ર સાથે તેના બંગલામાં પહોંચી ગયો. મિત્રના પિતાજીએ આ
બાળકને જોઈને એની ઉપર ગુસ્સે થઈ ગયા ધમકાવીને એમણે આ છોકરાને કહ્યું, ‘ તારા જેવા
પરિવારના છોકરાઓની મારા ઘરમાં આવવાની હિમ્મત થઈ કેવી રીતે ? ’ આમ કહીને હાથ પકડીને
એને બંગલાની બહાર કાઢી મૂક્યો. એ ચોંકી ગયો અંકલના આવા બેહુદગીભર્યા વર્તનથી. દસ-બાર
વર્ષના આ નાના બાળકને ખબર જ ન પડી કે અંકલ એકદમ મારી ઉપર ગુસ્સે કેમ થઈ ગયા ?
દિવસો સુધી આ બાળકના મનમાં મિત્રના
પિતાજીએ કરેલો ગુસ્સો અને વર્તણૂંક સતત ઘુમરાતા રહ્યાં અને એનો જવાબ શોધવા એનું
બાળમાનસ મથતું રહ્યું. પણ તેને કોઈ જવાબ ન મળ્યો. આ બાળકે એની ગલીમાં રહેતા એક
વરિષ્ઠ સજ્જનને એના મિત્રના પિતાજીએ કરેલા ગુસ્સાની વાત કરી અને પૂછ્યું ‘મારા
કોઈપણ વાંક વગર એ અંકલે મારી ઉપર ગુસ્સો કરીને મને એમના ઘરની બહાર કેમ કાઢી મૂક્યો
?’ ગલીના વરિષ્ઠે બાળકને સમજાવું કે, ‘બેટા તારા પરિવારના સામાજિક ‘બેગ્રાઉન્ડ’ને
કારણે એ અંકલે તારી ઉપર આવો ગુસ્સો કર્યો.’
બાળકે સહજતાથી
પૂછ્યું ‘ મારું આ બેગ્રાઉન્ડ કેવી રીતે બદલી શકાય ?’
પેલા વરિષ્ઠે
જવાબ આપ્યો ‘તારા પિતાજીનો વ્યવસાય બદલાય અથવા તું તારી જાતને સમાજમાં એવા સ્થાને
મૂકી દે કે એની ઉપર જવાનું કોઈ કલ્પી ન શકે.’
બાળકે ફરી પ્રશ્ન
કર્યો, ‘આ દેશમાં એવું શું છે કે, એની ઉપર જવાનું કોઈ વિચારી ન શકે ?’
વરિષ્ઠે મજાકમાં
કહ્યું કે, ‘ તું આઈ.એસ. બની જાય તો એની ઉપરની કોઈ જોબ નથી.’
બસ, એ દિવસે આ બાળકે દ્રઢ સંકલ્પ કર્યો કે, હું આઈએએસ બનીશ.
પાંચ વ્યક્તિનો પરિવાર. બાર બાય આઠની ભાડાની ખોલી. આસપાસ ફેકરીઓ અને જનરેટરનો
ઘોંઘાટ. આર્થિક સંકડામણ અને ઉપરથી આસપાસના લોકોના મહેણાં-ટોણાં. હદ તો ત્યાં
સુધીની હતી કે, આ બાળકની બહેન ભણવા જતી તો લોકો ચીઢવતા કે, ‘તું શું કામ ભણવા જાય
છે. આના કરતાં તો બે-ચાર ઘરે કામ કરીશ તો તારા પરિવારને મદદ થશે ?’ આ બાળક પણ
જ્યારે ભણતો હોય ત્યારે લોકો મશ્કરી કરતાં કે, ‘ભાઈ, તું ભણીને શું કરીશ ? વધુમાં
વધુ એક ને બદલે બે રિક્ષા આવશે...’
બેટાના અભ્યાસ માટે પિતાજીએ દિલ્હીમાં રિક્ષા ચલાવી. સખત
મહેનત કરી. દેવું કર્યું અને દીકરાને ભણાવ્યો. મજબૂત સંકલ્પ અને સખત મહેનતના બળે દીકરો
પણ યુપીએસસીની લેખિત પરીક્ષાઓમાં પ્રથમ પ્રયાસે ઉત્તીર્ણ થઈ ગયો. ઈન્ટરવ્યૂ માટે
જવાનો સમય આવ્યો ત્યારે આ છોકરા પાસે સારા કપડાં અને બૂટ નહોતા. આ સમસ્યા દૂર કરી
સાસરે ગયેલી મોટી બહેને. બહેને આપ્યા રૂ. ૨૦૦૦. પણ આ ૨૦૦૦ રૂ. આપવા પાછળનો ઇતિહાસ
પણ આંસુડા નિકળી જાય એવો છે. બહેને એની ડિલીવરી માટે બચાવી રાખેલા પૈસા ભાઈને
ઈન્ટરવ્યૂ માટે આપી દીધા.
આખરે આ છોકરાના દ્રઢ સંકલ્પે શાનદાર
ભવિષ્યનું સોણલું સાકાર કર્યુ. આ સંકલ્પવાન છોકરો એટલે ગોવિંદ જયસ્વાલ. એક રિક્ષા
ચાલકનો દીકરો દ્રઢ સંકલ્પ અને જોરદાર મહેનતથી દેશની સૌથી અઘરી અને ઉચ્ચત્તમ ગણાતી નોકરી
સનદી અધિકારી બનવાની પરીક્ષામાં સફળતાપૂર્વક ઉત્તીર્ણ થયો અને સનદી અધિકારી બન્યો.
કામિયાબી ક્યારેય મોટી નથી હોતી. કામિયાબી
મેળવનારનો દ્રઢ સંકલ્પ મોટો હોય છે. આપણે એમ કહેતાં હોઈએ છીએ કે તીરાડો મોટી છે,
પણ તીરાડો ક્યારેય મોટી ન હોય. મુશ્કેલીઓ, વિડંબણાઓ, પ્રશ્નોની દરારની મોટી સાઇઝ
જોયા કરવાવાળો ક્યારેય વિકસી ન શકે. દ્રઢ સંકલ્પ અને મજબૂત મનોબળથી પ્રશ્નોની
તીરાડ પૂરવાવાળો જ જીતતો હોય છે. આગળ વધતો હોય છે અને સફળ થતો હોય છે.
એક મિત્રનો દીકરો ૧૨મા ધોરણમાં ભણતો હતો.
આ બાળક ખૂબ હોંશિયાર, ખૂબ મહેનતુ. ૧૨મા ધોરણની શાળાની તમામ આંતરિક પરીક્ષામાં એ
અવ્વલ રહેતો. પ્રિલીમ પરીક્ષામાં પણ એ આખી શાળામાં ૯૮ ટકા લાવીને પ્રથમ આવ્યો અને
૧૨મા ધોરણની ફાઈનલ પરીક્ષાના પચીસેક દિવસ પહેલા ટ્યુશને જતાં મોટરસાઈકલ પરથી સ્લીપ
થયો. પગમા ફ્રેકચર થયું. ડોકટર બનવાનું એનું સ્વપ્ન રોળાઈ જશે એમ બધા જ વિચારતાં
હતાં. પણ આ બાળકે દ્રઢ મનોબળથી કરેલા નિર્ધાર અને સંકલ્પે એને ડગવા દીધો નહીં.
મહેનતમાં કોઈ કચાશ રાખી નહીં. હાડકાના મસમોટા દર્દને એણે એના સંકલ્પની સંજીવનીથી
નેસ્તનાબુત કરી નાખ્યું. અને જ્યારે પરિણામ આવ્યું ત્યારે આ મિત્રનો દીકરો ૯૯ ટકા
માર્ક સાથે ઉત્તીર્ણ થયો. એ મનપસંદ મેડિકલ કોલેજમાં અભ્યાસ માટે પ્રવેશ મેળવી
શક્યો.
નિર્ણય લેવો પડે કે, જિવનમાં ક્યારેય અટકશો નહીં. શક્ય છે
કે, તમે લડખડાઓ, પડો પણ ખરા પણ અટકવાનું કે પાછા વળવાનું નથી. હંમેશા સંકલ્પ નજર
સામે રાખીએ અને બસ એની માટે લગનથી આગળ ધપતા રહેવાની જ મજા છે. જીવનમાં ક્યારેય
કશું ઓછું હોતું જ નથી. વચમાં જ્યારે પણ જે અટકે અથવા પાછો વળે તો નિઃસંદેહપણે
સમજવું કે એ વ્યક્તિ સંકલ્પવાન નથી. પડે, આખડે, લડખડાય પણ અટકે નહીં એ સંકલ્પવાન
કહેવાય.
હારવાનું તો લક્ષ્યથી જોજનો દૂર જ હોય, કારણ કે
મન-મસ્તિસ્કમાં ગાંઠ વાળવી પડે કે જીતનો કોઇ પર્યાય નથી, એનો કોઈ વિકલ્પ નથી.
પતંગને તેના ભવિષ્યની ખબર છે કે, તેણે કપાઈને ફાટી-તુટીના કચરાના ઢગલામાં જ જવાનું
છે. પણ કચરાના ઢગલામાં પડવાનું છે એ ભવિષ્યને મનમાં વાગોળીને ખૂલા આસમાનમાં ઉડવાનો
દ્રઢ સંકલ્પ એ છોડી ન શકે. જ્યારે આસમાનમાં ઉડવાનો જ સંકલ્પ કર્યો હોય તો પછી
ગગનની વિશાળતા જોઈને ગભરાઇને બેસી રહેવાનું વ્યર્થ છે. આકાશમાં ઉડવાનો આનંદ અને
એનો સંકલ્પ એ જ સૌથી અગત્યની વાત છે.
મોટું વિચારો, જલ્દી વિચારો, આગળ વિચારો. તમારા વિચારો ઉપર
તમારો જ અધિકાર છે. તમારા સંકલ્પ તમારી પાંખ છે. સંકલ્પની દ્રઢતા ઉડાનને આસાન
બનાવે છે. એક ઇચ્છાથી કશું ન બદલી શકાય. એક નિર્ણયથી કદાચ થોડું ઘણું બદલી શકાય.
પણ એક સંકલ્પથી ઘણું બધું બદલી શકાય. ઇચ્છાઓના બીજ ત્યારે જ અંકુરિત થઈ વટવૃક્ષ
બને જ્યારે એને દ્રઢ નિશ્ચય અને મજબૂત સંકલ્પની ફળદ્રુપ ભૂમિમાં વાવવામાં આવે. એ
વ્યક્તિને હરાવવો ખૂબ મુશ્કેલ છે કે જે હારવા માંગતો જ નથી. એક બાબત મનમાં કોતરાઈ
જવી જોઈએ કે જે તમારી ઇર્ષા કરે છે એને ક્યારેય ધૃણાની નજરે ન જોવા બલ્કે દયાની
નજરે જોવા કારણ કે આ લોકો સમજે છે કે, એમનાથી તમે ઘણાં આગળ છો.
ફેસબુકનું સર્જન કરી દુનિયાભરને ઝડપી કોમ્યુનિકેશનની નવી
પરિભાષા શીખવાડનાર માર્ક ઝુકરબર્ગ કહે છે કે, ‘લોકો એની પરવા નથી કરતા કે તમે શું
કહો છો, લોકો તો એ જુએ છે કે તમે શું બનાવો છો, તમારું કાર્ય શું છે, તમારું
પરિણામ શું છે અને તમારી પ્રોડક્ટ શું છે ?’ જીવન સૌંદર્યથી ભરપુર છે. એને દ્રઢ
સંકલ્પની સંજીવનીથી જોવું પડે, મહેસુસ કરવું પડે, સંપૂર્ણ રીતે જીવવું પડે. મજબૂત
ઇરાદાઓ સખત પરિશ્રમના બળથી એને હકીકતમાં પલટાવવા જોઈએ. હરીપ્રસાદ દ્વિવેદીજીએ સરસ
વાત કરી છે. ‘મહાન સંકલ્પો જ મહાન ફળના જનક હોય છે.’
સંકલ્પ મનુષ્યનું સાચું બળ છે. જે વ્યક્તિએ સંકલ્પ કર્યો
એની માટે હવે માત્ર કાર્ય જ કરવાનું બાકી હોય છે. એમ ન કહી શકો કે તમારી પાસે સમય
નથી. કારણ કે, જેમ સફળ થયેલા વ્યક્તિ પાસે દિવસના ૨૪ કલાક છે એમ તમારી પાસે પણ
દિવસના ૨૪ કલાક જ છે. જીવનનો સ્પષ્ટ નિયમ છે, આત્મવિશ્વાસ ડગતો હોય તો એને વધારવા
માટે એ જ કામ કરો કે, જેનાથી સૌથી વધારે તમને ડર લાગતો હોય. મુસીબત અને સંકલ્પ
આડેના અંતરાયો બધા ઉપર આવે, પણ કોઈ મુસીબતથી હટી જાય અને કોઈ મુસીબતને કારણે કંઈક
બની જાય.
સંકલ્પમાં સૌથી વધુ તાકાત હોય છે. યાદ રહે, જીવનમાં સૌથી
વધુ ખુશી એ કામમાં આવવી જોઈએ કે, જે કામ કરવા માટે લોકો એમ કહેતા હોય કે, ‘ ભાઈ
રહેવા દે આ કામ તું નહીં કરી શકે. ‘ જો તમે તમારું સ્વપ્નું નહીં સજાવોને તો કોઈક
બીજો તેનું સમણું સાકાર કરવા તમને એની મદદ માટે ભાડે રાખી લેશે. તમારું સ્વપ્નું
સજાવે છે તમારા સંકલ્પો.
ધબકાર :
આપણે એવા
જ બનીએ છીએ જેવું આપણે દ્રઢતાપૂર્વક વિચારીએ છીએ. સફળતા એના જ કદમોમાં આળોટે છે જે
દ્રઢ સંકલ્પની સંજીવની લઈને જીવે છે.
000000000000000000





No comments:
Post a Comment