અભાવો અને મુશ્કેલીઓના તાપમાં તપીને તૈયાર
થયેલા સિવિલ સોલ્જર વોરાનો અનોખો અંદાજ
- પુલક ત્રિવેદી
થયેલા સિવિલ સોલ્જર વોરાનો અનોખો અંદાજ
- પુલક ત્રિવેદી
તે મનોરથ જીતનો પ્રારંભથી રાખ્યો હતો,
એ પ્રમાણે જિંદગીને ઘાટ પણ આપ્યો હતો,
સાદગી સાથે વિચારો ઉચ્ચ તું રાખી શક્યો,
એ હદે ગાંધી, કહે તો શી રીતે વાંચ્યો
હતો ?
વાન ઉઘડ્યો કઈ દવાથી એટલું પૂછ્યું
અને..
ખુદ ઘસાયાનો પછી તેં મર્મ સમજાવ્યો હતો !
એટલે ખરવા વિશે લવલેશ શંકા ના રહી,
તારલાનો હાથ જાદવ, તેં સ્વયં ઝાલ્યો હતો
!
એ બહાને ચાંદની રીઝી જતી ઓ નાસમજ !
કેમ તડકો તેં ઉલટથી છાંતીએ ચાંપ્યો હતો
?
લાભ શંકાનો મળ્યો છે, એક કારણથી તને,
આયનો તેં ગામ ભાળે એમ ટિંગાડ્યો હતો !
દિન-દહાડે માણસાઈ ઉંઘતી ઝડપાઈ તો,
એક માણસ તું હતો કે રાતભર જાગ્યો હતો !
આપમેળે એમ કૈં આવું સરોવર ના બને,
યાદ કર, રણમાં કશે તેં વીરડો ગાળ્યો હતો
?
એટલે તો ભાર પીંછાનો તને લાગ્યો નથી,
તેં ગયા જન્મે કદાચિત મોરલો પાળ્યો હતો !
એક અરસા બાદ ત્યાં થોડીઘણી હિલચાલ છે,
તેં કદી વિશ્વાસનો મૃતદેહ જ્યાં દાટ્યો
હતો !
આગમન તારું થયું તો, દી પછી સુધરી ગયો,
આમ તો પંચાગમાં એ દુઃખભર્યો છાપ્યો હતો !
તાજેતરમા પ્રકાશિત થયેલા મઝાના પુસ્તક ‘સિવિલ સોલ્જર’માં કવિ મિત્ર કિશોર જીકાદરાની કલમે લખાયેલી આ ગઝલના પ્રત્યેક શબ્દમાં એક અનોખા વ્યક્તિની સંવેદના, સંસ્કાર અને સંનિષ્ઠાના ભાવ ભારોભાર નીતરે છે. આ ગઝલમાં એક એવા વ્યક્તિત્વના પાસાને ઢાળ મળ્યો છે કે, જેની વિશે વાત કરતાં જીભ ન સુકાય. પુસ્તકમા જ વર્ણવાયેલી ૧૯૮૧ના સપ્ટેમ્બર મહિનાની એક ઘટનાની વાત યાદ આવી ગઈ...
માંગરોળમાં યુવાન મામલતદારની નિમણૂક થઈ. દરિયા કાંઠે આ યુવાન મામલતદાર એ દિવસે મુલાકાતે આવ્યા હતા. દરિયાઈ તોફાન અને વાવાઝોડાનો લેશમાત્ર આ યુવાનને અંદાજ ન હતો. હિલોળા મારતો દરિયો જોઈને મામલતદાર સાહેબ રાજી થતાં હતાં. પણ થોડીક જ મિનિટોમાં દરિયાના મોજાની સાઈઝ એમને કંઈક અસાધારણ રીતે વધતી જણાઈ. પરિસ્થિતિ થોડી અલગ લાગવા લાગી. ખારવાઓ એમની બોટ લઈને ઝડપથી કિનારે પાછા વળતાં હતાં. એક ખારવાએ તેની અનુભવી વાણીમાં કહ્યું કે, દરિયામાં જોરદાર કરંટ છે અને મોડી રાત કે કાલ સુધીમાં દરિયામાં મોટું તોફાન આવશે. ખારવાની આ વાત યુવાન મામલતદારે નજરઅંદાજ ન કરી. તરત કલેકટરશ્રીને જાણ કરી. કલેકટરે પણ મામલતદારને કહ્યું તમે ખૂબ સરસ આગોતરી જાણ કરી છે. લોકોને સાથે રાખીને જાનમાલની સલામતીના જરૂરી પગલાં લેજો. જિલ્લા કક્ષાએથી પણ આવશ્યક મદદ મોકલાવી રહ્યા છીએ. મુંઝાયા વગર કામ કરજો.
બીજા દિવસે સવારે માંગરોળના દરિયા કાંઠે માધોપુર-ઘેડ વિસ્તારમાં ભયાનક
દરિયાઈ વાવાઝોડું ત્રાટક્યું. એક અધિકારીએ યુવા મામલતદારને સમાચાર આપ્યા કે ઘેડ
વિસ્તારમાં ૧૦-૧૫ ફૂટ પાણી ભરાઈ ગયા છે. ઢોર-ઢાંખર અને લોકો ડુબી રહ્યા છે. આ યુવા
મામલતદાર એક સેકન્ડ પણ વિચાર કર્યા વગર ખુરશીમાંથી ઊભા થઈ ગયા અને કહ્યું કે એક પણ
મિનિટનો સમય બાગવો નથી ચાલો આપણે ઘેડ વિસ્તારમાં લોકોની મદદે પહોંચી જઇએ. જે
અધિકારી સમાચાર લાવ્યો હતો એ તો આભો બનીને આ મામલતદાર સામે જોઈ જ રહ્યો. વિનમ્રતાપૂર્વક
બોલ્યો, સાહેબ તમારે ના આવવાનું હોય અમે લોકો જઈને બચાવ રાહત કામગીરી શરૂ કરી દઈએ
છીએ. તેજીલા તોખાર જેવા આ યુવા મામલતદારે એક સ્માઈલ આપીને કહ્યું કે, મિત્ર જીવ
તમારો હોય કે મારો એક જ વાત છે, આ તબક્કે તો માંગરોળના નાગરિકોની મદદે આપણે બધાએ
એક સાથે દોડવાનું છે.
યૂવા મામલતદારની આ સ્પીરીટ જોઈને આખી મામલતદાર કચેરીમાં સેવા કરવાનું
અનેરું જોમ અને ઉત્સાહ વ્યાપી ગયો. જેમ ક્રિકેટ મેચમાં ખેલાડીઓ એક બીજાના ખભા પકડી
રમતની શરૂઆત પહેલાં એકમેકને હિંમતથી મુકાબલો કરવા સજ્જ બને એમ આખી મામલતદાર કચેરી
માંગરોળના ભાઈઓ-બહેનોને બચાવવા મેદાને પડી. જાણે કે કોઈ પવિત્ર શંખનાદ ના થતો હોય
એમ ચારેકોર આ યુવા મામલતાદરની અને એની કચેરીની સેવાકીય સુવાસ પ્રસરવાની શરૂ થઈ ગઈ.
ભારે જહેમત અને સતત-અવિરત ૪૮ કલાક સુધી પરિશ્રમ બાદ આ મામલતદારે ઘેડ વિસ્તારના
લોકોને સુરક્ષિત સ્થાને ખસેડવામાં સફળતા મેળવી.
પુસ્તકમાં રૂવાડા ખડા કરી દે તેવી કાંકીડી ગામની ધુળીયા શેરીમાં જન્મેલા
જાદવ ભગવાનદાસ વોરાની જવામર્દીની આવી તો અનેક દાસ્તાન સુપેરે રસાળ શૈલીમાં
પ્રસ્તુત કરાયેલી છે. ખેતમજૂરી કરતાં માંડ માંડ પેટયું રળતાં ભગવાનભાઈને ત્યાં
જન્મેલું જાદવ નામનું રતન. મહેનત અને હોંશિયારીથી કલેકટર અને કમિશનરની કક્ષા સુધી
પહોચ્યું. કાંકીડી ગામના જાદવમાંથી સનદી અધિકારી જે. બી. વોરાનું ટ્રાન્ફોર્મેશન કંઈ
રાતોરાત એક દિવસમાં નહોતું થયું. અનેક અભાવો વચ્ચે ઉછરેલું બાળપણ અને યુવાની
જ્યારે મુશ્કેલીઓના તાપમાં તપીને ખરું સોનું બનીને નીખરી આવે છે ત્યારે એનો અંદાજ જ
અનોખો હોય છે. પ્રાથમિક શિક્ષણ અને માધ્યમિક શિક્ષણ માટે આંઠ-આંઠ કિલોમીટર ચાલીને
અભ્યાસ કરવો, કોલેજના અભ્યાસ માટે શહેરમાં હોસ્ટેલમાં રહીને ભણવું અને એ પણ આર્થિક
તંગીમાં ખૂબ મુશ્કેલીઓ વચ્ચે માર્ગ કાઢીને આગળ વધવાની વાત બહુ સહજ ન હતી. પણ જાદવ
વોરાના નસીબમાં મહેનતની સાથે સાથે મુઠ્ઠી ઊંચેરા માનવીઓનો સહયોગ પણ ઈશ્વરે નિર્માણ
કર્યો હતો. શાળા જીવનમાં પ્રતાપભાઈ અને કોલેજ જીવનમાં રતિલાલ બોરીસાગર જેવા
શિક્ષકોએ જાદવભાઈ નામના હીરાને પાસા પાડી મૂલ્યવાન બનાવ્યો. કોલેજ અભ્યાસ દરમિયાન
જાણીતા પ્રોફેસર, સાહિત્યકાર અને કેળવણીકાર રતિલાલ બોરીસાગરે જાદવભાઈને કહ્યું
હતું કે, દીકરા તારામાં સનદી અધિકારી બનવાના લક્ષણો છે. તું મહેનતમાં પાછી પાની ન
કરતો. જાદવભાઈના મનમસ્તિસ્કમાં આજે પણ રતિલાલ બોરિસાગર સાહેબના આ શબ્દો એટલાં જ તરોતાજા છે.
જૂનાગઢ હોય કે પાટણ, માધોપુર હોય કે મહેસાણા કે પછી રાજકોટ, હોદ્દો
મામલતદારનો હોય કે કલેકટરનો, અધિક કલેકટરનો હોય કો જિલ્લા વિકાસ અધિકારીનો કે પછી
કમિશનરનો જે. બી. વોરાનો સદા-સર્વદા એક મંત્ર ‘ સરકારી નિયમો જનતાની સેવા માટે છે.
‘ લોકોને તેમના પ્રશ્નો હલ કરવા માટે ક્યારેય ધક્કા ખાવા ન પડે એ જ સરકારી સેવાનું
મહત્વનું અંગ કહેવાય. જે વિસ્તાર-જિલ્લામાં નોકરી પર જાય ત્યાં જે. બી. વોરા તેમના
સેવકને કહેતાં કે, મને મળવા આવતાં લોકોમાં સૌથી પહેલાં એવો લોકોનો મોકલવા કે જેમના
પગમાં સ્લીપર કે ચપ્પલ ન હોય. પછી સ્લીપર ચપ્પલ વાળાને મોકલવા અને છેલ્લે સુટબુટ
પહેરેલા લોકોને. આવી સૂચના પાછળ પણ જે. બી. વોરાની હૃદયની ભાવના ખૂબ સ્પષ્ટ હતી
કે, જેની પાસે નાણાં નથી એને વારંવારના ધક્કા તેની શારીરિક અને આર્થિક પરિસ્થિતિને
વધુ વણસાવે છે. જે મુશ્કેલીઓ એમણે અને એમના પરિવારે ભોગવી એ મુશ્કેલીઓ બીજા લોકોને
ન પડે એની સતત કાળજી એ લેતા.
ગુજરાત રાજ્યના વર્તમાન મુખ્ય સચિવ ડો. જે. એન. સિંહ એક જમાનામાં જે. બી.
વોરાના કલેકટર હતાં. સિંહ સાહેબે જે. બી. વોરા માટે કહ્યું છે કે, ‘શ્રી વોરા
લાગણીના માણસ... વહીવટ લાગણીથી થતો નથી એ ઉક્તિ એમણે ખોટી પાડી છે. પોતાની જાત
પાસેથી કામ લેવા આ માણસ દિમાગનો ઉપયોગ કરે છે અને બીજા પાસેથી કામ લેવા માટે
પોતાના દિલો ઉપયોગ કરે છે. ‘ પૂર્વ મુખ્ય સચિવ શ્રી પી. કે. લહેરી સાહેબે જે. બી.
વોરા માટે કહ્યું છે કે, ‘હોદ્દાઓ કરતાં કામગીરીનું અને સત્તા કરતાં સહજતાનું
વિશેષ મહત્વ જે. બી. વોરાના જીવનમાં રહ્યું છે.’
લોકાભિમુખ, સંવેદનશીલ અને ઉમદા સનદી અધિકારી જે. બી. વોરાના અનુભવોના
નીચોડને સિવિલ સોલ્જર જે. બી. વોરા (કાંકીડી ગામની કેડીથી કલેકટર કમિશનર સુધીની
સફર) નામના ૨૬૭ પાનાના દળદાર પુસ્તકમાં રસપ્રદ રીતે રીતે અભિવ્યક્ત કરાયો છે. કોઈ
સનદી અધિકારી સનદી-સેવાના નામને સાચા અર્થમાં ચરિતાર્થ કરવાની દિશામાં મહત્વપૂર્ણ
યોગદાન આપ્યું હોય ત્યારે ‘ સિવિલ સોલ્જર ‘ શબ્દથી આગળ વધીને માનવીય સંવેદનાને
ઝંઝોડીને ‘ સિવિલ સંત ‘ની કક્ષા સુધી એ પહોંચી જાય છે. લોકોની વચ્ચે, લોકોની માટે
અને લોકો વડે સરકારી નિયમોનો સદુપયોગ જ્યાં નિષ્ઠાથી થતો હોય ત્યાં ‘સંત તત્વ‘ની
સુવાસ જ હોય. સિવિલ સોલ્જર પુસ્તક એક સનદી અધિકારીની સેવાકીય સુવાસને ઉજાગર કરે
છે. રાજ ભાસ્કર અને કનુભાઈ આચાર્યની નિવડેલી કલમે આ પુસ્તકને અદભૂત ઉઘાડ આપ્યો છે.
આખા પુસ્તકમાં ક્યાંય શબ્દાડંબર કે વૈયક્તિક ભાટાઇ કર્યા વગર ખૂબ સરળતાપુર્ણ અને
સાહજિકતાથી સનદી અધિકારીની જીવનકથા આલેખી છે. નથી ક્યાંય કોઈ વખાણ કે મર્યાદાનો
લોપ. પુસ્તકના શબ્દેશબ્દમાં મૂલ્યસભર વાતને વણી લેવાઈ છે. શ્રી જે. બી. વોરાના
બાળપણના પ્રસંગો, યુવાનીની વાતો, સનદી અધિકારી તરીકેના કાર્યો દરેક પ્રસંગને
પુસ્તકમાં ખુબ સાહજિકતા અને રસપ્રદ રીતે વર્ણવવામાં લેખકોની કાળજી દાદ માગી લે એવી
છે. પુસ્તકમાં આલેખાયેલી એમના લગ્નની વાતના ઉલ્લેખ વગર અધુરપ રહેશે. જે કન્યા સાથે
એમના લગ્નની વાત પરિવારે ચલાવી ત્યારે બીજી બધી રીતે બન્ને પરિવારની વાત બરાબર
જામતી હતી પણ કન્યાને એક આંખ ન હતી, બધાએ કહ્યું, ‘ જાદવ તો હીરો છે અનેક કન્યાઓ
મળશે આપણે આ સબંધ નથી બાંધવો. ‘ જાદવે કહ્યું, ‘ મારી બહેનને પણ એક આંખ નથી. શું
એને પણ બધા આમ જ કહેશેને... હું તો આ છોકરીની સાથે જ સંબંધ બાંધીશ... ‘ આજે સાડા
ત્રણ દાયકાથી પણ વધુ સમય થઇ ગયો, જાદવભાઇ અને સવિતાબહેનના સુખી દાંપત્ય જિવનના
લોકો સાક્ષી છે.
હિરેન ભોગીલાલ શાહ દ્વારા પ્રકાશિત કરવામાં આવેલું ‘ સિવિલ સોલ્જર ‘
પુસ્તક બુકસેલ્ફમાં રૂ. ૩૦૦ની કિંમતે પ્રાપ્ત થઈ શકે છે. આ પુસ્તકમાંથી પસાર થઈને
એટલું અવશ્ય લાગે કે, સિવિલ સોલ્જરમાં એક સેવાકીય ફાઈટીંગ સ્પીરીટ છે અને લોકોની
મૂંઝવણોનું સમાધાન આપી એમની પડખે ઉભા રહેતા સંત તત્વ પણ છે. સિવિલ સોલ્જર-સનદી
અધિકારી જે. બી. વોરાને રૂબરૂ મળવાનો ઉપક્રમ બન્યો ત્યારે ૧૦ મિનિટ માટે ચર્ચા
કરવાની માનસિકતા હતી પરંતુ તેમની સાદગી, સરળતા, સંન્નિષ્ઠતા અને સંસ્કારિતાના
સમન્વયથી કલાકો સુધી એમના અનુભવોને ખોબલે ખોબલે પીતો રહ્યો... સનદી સેવાના અધિકારી
જે. બી. વોરાની કાર્યશૈલીમા સોલ્જર જેવી ફાઇટીંગ સ્પિરિટ અને સંત જેવી સૌજન્યતાનો સહજ
સમન્વય દેખાય અને જ્યાં આવો સમન્વય સર્જાય ત્યાં દિવ્યતા અને પ્રભુતાનો અહેસાસ થયા
વગર ન રહે.
ધબકાર :
સંસ્કાર અત્યંત સહજ પ્રક્રિયા છે, પણ તકલીફ એ છે કે, આપણે
સંસ્કારી વર્તનની અપેક્ષા હમેશા સામેના માણસ પાસે રાખીએ છીએ.
--------------------------------


No comments:
Post a Comment