મારા ખજાનામાં રોજ ચક્રવૃદ્ધિ
વ્યાજથી વધારો થતો રહે
છે...
- પુલક ત્રિવેદી
એક નાનકડા
ગામમાં ભણી ગણીને આગળ વધેલા બે મિત્રો પ્રશાંત અને રોહનની વાત છે. ગામની પતરાવાળી
શાળામાં ગણવેશની ખાખી ચડ્ડી અને સફેદ શર્ટ પહેરીને આ બે મિત્રોએ એક જ પાટલી ઉપર
સાથે બેસીને પ્રાથમિક શિક્ષણ લીધું. ભણીગણીને બેમાંથી એક મિત્ર પ્રશાંત ગામમાં જ
શિક્ષક તરીકે નોકરીમાં જોડાયો અને બીજો મિત્ર રોહન આગળ અભ્યાસ કરવા વિદેશ ગયો.
ભણીને વિદેશની કોઈ મલ્ટીનેશનલ કંપનીમાં રોહનને સીઈઓની મોભાદાર
જોબ મળી. લાખો ડોલરમાં એની સેલેરી. વર્ષો પછી એક દિવસ સાંજે વિદેશમાં બેઠા બેઠા રોહનને
તેના બાળપણના દોસ્ત પ્રશાંતની ખૂબ યાદ આવી. બે-પાંચ જગ્યાએ ફોન કરીને શાળા જીવનના
એ ગોઠીયાનો ફોન નંબર મેળવ્યો. ફટાફટ અધિરાઈથી રોહને બાળપણના મિત્ર પ્રશાંતને ફોન
જોડ્યો. પહેલી બે-પાંચ મિનિટ તો બન્ને જણાંએ બાળપણના સંસ્મરણો વાગોળ્યા. પછી રોહને
કહ્યું કે, ‘ હું અહીં એક મલ્ટી નેશનલ કંપનીનો સીઈઓ છું અને ન્યુયોર્કમાં પોશ વિસ્તારમાં
વેલ ફર્નિશ બંગલો છે. મારે બે બાળકો પત્ની છે. ‘વગેરે વગેરે જાણકારી આપી.
પછી એણે પ્રશાંતને
પૂછ્યું કે, ‘ યાર તું હજી ગામમાં જ રહે છે ? ’
પ્રશાંતે કહ્યું,
‘ હા, બિલકુલ. ’
રોહને સવાલ
કર્યો, ‘ ગામમાં તું શું કરે છે? ’
‘હું ગામમાં
અત્યંત અમીર અને વૈભવશાળી જીવન જીવી રહ્યો છું.’ પ્રશાંતે કહ્યું.
એણે આશ્ચર્ય સાથે
જવાબ આપ્યો, ‘એમ ? બહુ સરસ કહેવાય. આપણાં ગામનો સરસ વિકાસ થઈ ગયો છે ?’
‘હા ચોક્કસ, એ વાત
તો છે જ દોસ્ત.’ પ્રશાંતે કહ્યું.
પ્રશાંતને રોહને
પુછ્યું, ’ તારી પાસે અસ્ક્યામતો અને રોક્કડ કેટલી ? ’
‘ મારી પાસે અબજો
રૂપિયાની અસક્યામતો અને કરોડો રૂપિયાની મિલકતો છે ? ’ ગામડામાં રહેતા પ્રશાંતે
કહ્યું.
રોહન ખૂબ જ
આનંદિત થઈ ગયો. ભાવવિભોર બનીને પૂછ્યું કે દોસ્ત, ‘તું આ મિલકત વ્યવસ્થિત રીતે
સચવાય અને વૃદ્ધિ પામે એ રીતે આયોજન તો કર્યું છે ને ? સિક્યોરિટી એજન્સીને બુક
કરી છે ને ?’
પ્રશાંતે કહ્યું,
‘ અરે ના યાર ડર શેનો ? અને સિક્યોરિટી વળી શેની ?
રોહન તો ચોંકી
ગયો એ બોલ્યો ‘ અરે યાર આવું જોખમ ના લે... ફુલપ્રુફ સિક્યોરિટી વ્યવસ્થા રાખજે. ’
પ્રશાંત ખડખડાટ
હસી પડ્યો અને કહ્યું, ‘યાર મારી પાસે અલભ્ય પુસ્તકોનો ખજાનો છે. આ વાંચીને હું
ઘડાયો છું. મારા વિચારો પરિપક્વ થયા છે. મને એ ચોરાવાનો કે એમાં ઘટાડો થવાનો ડર જ
નથી...’
બે મિત્રો પ્રશાંત અને રોહનના આ ટેલિફોનિક સંવાદના પાયામાં
વાંચન અને જ્ઞાનમાં રોકાણનો મહિમા છે. વાંચન-જ્ઞાન માટે કરેલું સમય અને શક્તિનું
રોકાણ જીવનપર્યંત ફાયદો આપતું રહે છે. સંઘરેલા રૂપિયા, દ્રવ્ય, કિમતી સામાન ચોરી
થવાનો ભય સતાવે છે. અસ્ક્યામતમાં છેતરપીંડીનો ડર લાગે. પણ જ્ઞાન અને વાંચનમાં
ચોરી, છેતરપીંડીની કોઈ જગ્યા જ નથી. જ્ઞાન અને વાંચનના મારા એ ખજાનામા પ્રતિદિન
ચક્રવૃદ્ધિ વ્યાજથી વધારો જ થતો જાય છે.
અમેરિકાના જાણીતા બાસ્કેટ બોલ પ્લેયર અને બિઝનેસમેન માઈકલ
જોર્ડન કહે છે કે, દુનિયામાં ત્રણ પ્રકારના લોકો હોય છે. એક તો એવા પ્રકારના લોકો
છે, જે કાર્ય કરવા ખાતર કરે છે. બીજા એવા પ્રકારના લોકો છે જે કાર્યને પૂર્ણ કરવા
માટે કરતા હોય છે. અને ત્રીજા એવા પ્રકારના લોકો હોય છે જે કાર્યને અનોખો ઓપ આપે
છે, કાર્યને ગતિ આપે છે, કાર્યને પૂર્ણ કરી નવા ઓજસ પાથરવાનું કામ કરે છે. આ ત્રીજા પ્રકારના લોકો નાચતા-ગાતા આનંદ કરતાં
કામ કરતાં હોય છે. આવા લોકો હોંશ અને જોશથી કાર્યને સજાવતા-સવારતા હોય છે. આ લોકો
આપોઆપ ભીડથી અલગ તરી આવતા હોય છે.
જ્યારે વ્યક્તિ પોતાનું ઘર બનાવે છે ત્યારે એક-એક ઈંટ
જોડીને દિવાલો બનાવી ઘર ઊભું કરે છે. કોઈપણ ઈંટ આડી અવળી મૂકાય અને ઇમારત કઢંગી
બને અથવા તૂટી પડે તો એનો ઇલ્જામ બીજા કોઈ ઉપર એ કેવી રીતે મૂકી શકે ? બરાબર આ જ
ઈકવેશન આપણા જીવન સાથે જોડાયેલુ છે. પ્રતિદિન વ્યવસાય, પ્રોફેશન, આરોગ્ય, સંબંધો,
આર્થિક, સામાજિક વગેરે બાબતોની એક એક ઈંટ જોડીને જીવનની ઈમારત બનતી હોય છે. આપણા જીવનની
ઈમારત ગમે કે ન ગમે, એ સફળ હોય કે નિષ્ફળ એની પાછળનો સંપૂર્ણ હાથ માત્ર ને માત્ર
તમારો પોતાનો જ છે. જીવન નિષ્ફળ ગયું કે યોગ્ય રીતે ન વિકસ્યું તેનો આરોપ
માતા-પિતા, ભાઈ-બહેન, મિત્ર-ગુરુ અન્ય કોઈની ઉપર કેવી રીતે મૂકી શકાય. હા, આ લોકો
જીવનમાં પથદર્શક અને સહાયકની ભૂમિકા ચોક્કસ ભજવે, પણ જીવનની ઈમારતના ઘડવૈયા તો
આપણે સ્વયં જ છીએ. વાંચન અને જ્ઞાનરૂપી ખજાનાને યોગ્ય રીતે ન સમજી શકનાર લોકો
હંમેશા સમય વીત્યા પછી ફરિયાદ કરતાં હોય છે કે ચારપાંચ વર્ષ પહેલાં મને જો ખ્યાલ
હોત કે આ વિષયની આજે આટલી જરૂર પડવાની છે તો મેં એને યોગ્ય રીતે ન્યાય આપીને તૈયાર
કર્યો હોત. મેં કોલેજમાં ને શાળામાં આ વિષય બરાબર તૈયાર કર્યો હતો. ખરેખર તો આ
પ્રકારની માનસિકતા એ ખોખલી વિચારધારા છે. આ લોકો પોતાની નિષ્ફળતાનું ઠીકરૂં બીજા
કોઇના માથે ફોડી રહ્યા હોય છે. આવા માણસોથી ખરેખર ચેતવા જેવુ હોય છે.
ઘણાં લોકો એમ કહેતા જોવા મળે છે કે, હું સમય નથી કાઢી શકતો.
હું ખૂબ વ્યસ્ત રહું છું. કામકાજથી મારું જીવન ઘેરાયેલું રહે છે. સાચી વાત તો એ છે
કે, આવા વ્યક્તિઓ જરૂરી અને બીનજરૂરી વસ્તુઓ વચ્ચેનો તાત્વિક ભેદ સમજી શકતા નથી.
જે કામ જરૂરી નથી અને જેનાથી માનસિક, શારીરિક કે આત્મિક વિકાસ થવાનો જ નથી તેવા
કામને અલગ તારવીને એની પાછળ ક્યારેય સમય ન વેડફાય એ નક્કી કરી લેવુ જોઇએ. જે કામથી
ચોક્કસ રીતે પરિણામ મળવાનું હોય તેવા કામ ઉપર લક્ષ્ય કેન્દ્રિત કરવામાં આવે તો
જીવનમાં સમયની કમીની ફરિયાદ જ ન રહે. જ્યાં, જ્યારે અને જેટલો સમય મળે એ સમયને
શ્રેષ્ઠતા સુધી પહોંચાડવાનો સંન્નિષ્ઠ પ્રયાસ કરવો પડે. જીવન જો સંગ્રામ છે તો
એમાં જીત મેળવવાની જ છે. જીત મેળવવા માટેના બે અમોઘ શસ્ત્ર છે. અને એ છે, વાંચન
અને જ્ઞાન. વાંચનથી અનુભવ મળે છે, અનુભવથી જ્ઞાનનું પીંડ બંધાય છે અને જ્ઞાનથી
જીવનનું સૌંદર્ય સોળે કળાએ ખીલે છે.
ધબકાર :
જે
ઘરમાં પાંચ સારા પુસ્તક નથી એ ઘરમાં કન્યાદાન કરવાની ભૂલ ન કરવી.
– ગુણવંત શાહ (જાણિતા ગુજરાતી ચિંતક-લેખક)



No comments:
Post a Comment