પ્રિય વાચકબંધુઓ,

પ્રશ્નો, મુશ્કેલીઓ, વિડંબણાઓ અને પીડામાંથી પસાર ન થયા હોય એવા કેટલા લોકો ? ચાર રસ્તાના ખૂણે મોચી કામ કરીને પેટીયું રળતો છગન હોય કે પછી અબજોનો વેપાર કરતાં મુકેશ અંબાણી કે રતન ટાટા હોય, કે પછી બીલ ગેટ્સ કે બેઝોસ જેફરી હોય. દરેકના જીવનમાં ચડાવ ઉતાર અને મુશ્કેલીઓ આવતી જ હોય છે. જે મુશ્કેલીમાં મુશ્કરાય અને ગમગીનીમાં પણ આનંદથી ગીત ગાય એ જીવનને માણી શકે છે. સવલતોને સુખ સમજવા કરતાં અંતરમનની ચેતનાઓનો ફૂવારો જ સાચાં સુખનો પ્રદેશ છે એ સચ્ચાઇને સમજવી પડે. જીવનમાં જ્યારે સમસ્યા આવે ત્યારે એના ઉકેલ માટે ફાંફા મારવા કરતાં આનંદ આપતાં પ્રસંગોને યાદ કરી હસતાં ખેલતાં આગળ વધવાની કોશિષ જ કામયાબ બનાવે છે. જેમ જીવનમાં કશું મુશ્કેલ નથી એમ જીવનમાં કશું આસાનીથી પણ મળતું નથી. પ્રશ્નો, મુશ્કેલીઓ, તકલીફોને અતિક્રમીને જીવનમાં આનંદનો આફતાબ ખીલવવા માટેના વિવિધ માર્ગોને શબ્દ દેહ આપીને બ્લોગ સ્વરૂપે પ્રસ્તુત કરવાનો નમ્ર પ્રયાસ કર્યો છે. મે ‘આત્મનાદ’ સ્વરૂપે પ્રતિ સપ્તાહ આવતી મારી નિયમિત કોલમમાં જીવનના વિવિધ રંગોને શબ્દ પિંછી વડે કલ્પનાના આકાશને વધુ રંગીન બનાવવાની કોશિશ કરી છે. આશા છે કે, મારી નિયમિત કોલમ ‘આત્મનાદ’નું આ બ્લોગ અવતરણ વાચક મિત્રોને ગમશે.

- પુલક ત્રિવેદી

Sunday, 11 February 2018

રોજ સવારે ૯૨ વર્ષનો એ યુવાન સ્કૂટી ઉપર લોકોની મદદે નિકળી પડે...


રોજ સવારે ૯૨ વર્ષનો એ યુવાન સ્કૂટી
ઉપર લોકોની મદદે નિકળી પડે...

ગાંધીનગર સિવિલ હોસ્પિટલના ઓપરેશન થિયેટરની બહાર દીપક અને જયશ્રી વિશાદગ્રસ્ત ચહેરે બેઠાં હતાં. અડધા પોણા કલાક પછી ઓપરેશન થિયેટરનું બારણું સહેજ ખૂલ્યું અને એમાંથી ડોકટર શાહ જેવા બહાર આવ્યાં કે તરત દીપક અને જયશ્રી દોટ મૂકીને  ડો. શાહ પાસે પહોંચી ગયા. ‘સાહેબ, કેવું છે રમણને ? રમણ સાજો તો થઈ જશે ને ? એ બોલે તો છે ને ? અમને યાદ કરે છે ? હું એને જોવા જાઉં...’ એક સાથે અનેક પ્રશ્નોની વણઝાર આ યુગલે ડોકટરની સામે ખડી કરી દીધી.



ડો. શાહે માત્ર એટલું જ કહ્યું ‘તમે હિમ્મત રાખજો. ઓપરેશન લાંબું ચાલશે. ઑપરેશન તો અમે સરકારના નિયમ અનુંસાર પૈસા વગર કરીશુ. પણ તમે આ કાગળમાં લખેલી આ દવાઓ ઝડપથી લઈને અહીં કાઉન્ટર પર પહોંચતી કરી દેજો.’
દીપકે એક શ્વાસે કહ્યું ‘હા સાહેબ. પણ આ દવાઓની કિંમત કેટલી થશે સાહેબ ?’
ડો. શાહે કહ્યું, ‘લગભગ આઠ - દસ હજાર જેવું થશે.’ આટલું કહીને ડો. શાહ પાછા ઓપરેશન થિયેટરમાં જતાં રહ્યા.
દીપક અને જયશ્રી પાછા ઓપરેશન થિયેટરની બહાર પલાઠીં વાળીને પાછા બેસી ગયા.
જયશ્રીએ દીપકને કહ્યું, ‘આટલાં બધાં રૂપિયા આપણે લાવશું ક્યાથી ?’
દીપકે વળતો જવાબ આપ્યો, ‘હા. હું પણ એજ ગડમથલમાં છું.’
દીપક અને જયશ્રીથી થોડા દૂર બેઠેલાં ગાંધીદાદા આ યુગલને છેલ્લા એકાદ કલાકથી સતત જોયા કરતાં હતાં. ગાંધીદાદા ધીમા ડગલે જયશ્રી અને દીપક પાસે આવ્યાં એને પૂછ્યું, ‘ક્યાંથી આવો છો ભાઈ ? કોનું ઓપરેશન છે ? શું કામ કરો છો ?’
દીપકે કહ્યું, ‘દાદા બાજુના ગામમાં ખેતમજૂરી કરું છું. બ્રાહ્મણનો દીકરો છું. મારો એકનો એક છોકરો નિશાળેથી પાછો આવ્યો ત્યારે અચાનક પેટમાં દુખાવાના કારણે બેવડ વળી ગયો હતો ? બોલી શકતો નહતો અને પરસેવે રેબઝેબ થઈ ગયો હતો. અમે એને લઈને ટ્રેકટરમાં અહીં શહેરમાં સિવિલમાં લઈ આવ્યા. ડોકટર સાહેબ આ દવા લાવવા કહે છે, પણ અમારી પાસે એટલાં પૈસા નથી.’ આટલું કહી દીપક અને જયશ્રી ચોંધાર આંસુએ રડી પડ્યા.
ગાંધીદાદાએ આ યુગલના માથે હાથ મુકીને કહ્યું, ‘બધું જ સાજું નરવું થઈ જશે.’ જયશ્રીને ઓપરેશન થિયેટર પાસે બેસાડીને ગાંધીદાદા દીપકને લઈને મેડિકલ સ્ટોરમાં ગયાં. દવાઓ ખરીદીને દીપકને આપી. પછી ગાંધી દાદા સિવિલમાં ગરીબ દરદીઓ માટે કામ કરતી ગાંધીનગરની એક સ્વૈચ્છિક સંસ્થામાં દીપકને લઈ ગયા. વધુ આર્થિક સહાયની જરૂર પડે તો મદદ કરવા સંસ્થામાં એમણે ભલામણ કરી.



દીપક અને જયશ્રી જેવાં કેટલાંય જરૂરિયાતમંદ લોકોની વ્હારે ધસી જાતા આ મુકસેવક ગાંધીદાદાએ કેટલાય લોકોના આશિર્વાદ મેળવ્યાં છે. સપ્તાહમાં ત્રણ દિવસ સોમ, બુધ અને શુક્ર ગાંધીદાદા સિવિલ હોસ્પિટલના રાઉન્ડમાં અચૂક હોય. હોસ્પિટલમાં ચુપચાપ ફરતાં જાય. એમની ચકોર નજર જરૂરિયાતમંદને શોધી કાઢે. કોઈપણ આડંબર કે પ્રચાર વગર જેને ખરેખર જરૂર હોય એમને મદદ આપવાની કોઇને કહ્યા વગર શરૂ કરી દે. પંદરેક દિવસમાં દીકરો રમણ સાજો નરવો થઈ ગયો. ત્રણેય જણાં હસીખુશીથી પાછાં ગામડે ગયાં અને આનંદ કિલ્લોલથી જીવવા લાગ્યાં.
સિવિલમાં ગાંધીદાદાને નામે ઓળખાતાં અને મિત્રોમાં ૯૨ વર્ષના યુવાન તરીકે જાણીતાં ડાહ્યાભાઈ શાંતિલાલ ગાંધી ૧૯૫૨માં સરકારી નોકરીમાં જોડાયા હતાં. એમને એક દીકરો અને એક દીકરી. હવે તો દીકરો પણ સેવા નિવૃત્ત થઈ ગયો છે. દીકરીને પરણાવી દીધી છે અને તે પણ સુખી પરિવારમાં આનંદથી રહે છે. પૌત્ર અમેરિકામાં કમ્પ્યુટરમાં માસ્ટર ડિગ્રીનો અભ્યાસ કરી રહ્યો છે. ગાંધી દાદાને સરસ મજાનું સરકારી પેન્શન મળે છે. આ પેન્શનમાંથી બચતી રકમનો ગાંધીદાદા આવી સેવાકીય પ્રવૃત્તિમાં આનંદપૂર્વક ઉપયોગ કરે છે.
૯૨ વર્ષના આ યુવાનની સવાર ચાર વાગે પડે છે. પુજાપાઠ કરીને ચા-નાસ્તો પતાવીને સ્કૂટી ઉપર સવાર થઈને દાદા શહેરમાં નીકળી પડે. ગાંધીદાદા ત્રણ-ત્રણ વાર અમરનાથની યાત્રા કરી આવ્યાં છે. એમની પહેલીવારની અમરનાથ યાત્રાની અજબની કહાની છે. મોતને માત આપીને ગાંધીદાદા હસતા ખેલતા પાછા આવ્યા છે. ૧૯૯૨માં જ્યારે પહેલીવાર અમરનાથ યાત્રાએ ગાંધીદાદા ગયાં ત્યારે દિલ્હીમાં રેલવે સ્ટેશનના રીયાટરીંગ રૂમમાં એમને અચાનક છાતીમં દુખવા લાગ્યું. એ બેભાન થઈ ગયાં. શરીર ઠંડુ પડવા લાગ્યું. એમનાં ગૃપમાં ગાંધીનગરના જ એક તબીબ ડો. કિરીટભાઈ પટેલ હતા. ડોક્ટર કીરિટભાઇએ તપાસીને કહ્યું, ‘ડાહ્યાભાઈ ગાંધીનુ પ્રાણપંખેરૂં ઊડી ગયું છે.’ આમ છતાં ચેકઅપ માટે રામમનોહર લોહીયા હોસ્પિટલમાં એમને લઈ જવાયાં. હોસ્પિટલમાં પ્રાથમિક વિધિ ચાલતી હતી એ દરમિયાન અચાનક ડાહ્યાભાઈ ગાંધીએ આંખો ખોલી, એમનાં શરીરની નસોમાં લોહી દોડવા લાગ્યું એ ઊભા થઈ ગયા અને સાથી યાત્રિઓને કહ્યું, ‘મને કશું થયું નથી ચાલો અહીંથી.’ એમ કહીને બધાં મિત્રો સાથે અમરનાથયાત્રા ફરી પાછી શરૂ કરી. બસ એ દિવસ અને આજની ઘડી ગાંધીદાદાએ એક પણ પૈસાની દવા ખાધી નથી. આ કિસ્સાની એ વખતે અખબારોએ પણ ખુબ નોંધ લીધી હતી.
સતત લોકો વચ્ચે રહીને લોકોની હકારાત્મક ઊર્જાને સ્વીકારીને એક સરસ સકારાત્મક માહોલ ઊભો કરવાની કળા ગાંધીદાદાએ હસ્તગત કરી લીધી છે. ગાંધીદાદા હંમેશા કહે છે કે, ‘સામેવાળી વ્યક્તિની સકારાત્મકતા મારા જીવવાનું બળ છે.’ જીવનમાં હકારાત્મકતાનો હોંકારો હોવો જોઇએ. સકારાત્મક વિચારો ૯૨ વર્ષના દાદાને પણ ૨૨ વર્ષના યુવાન જેવા ઉર્જાવાન બનાવી દે છે. સામેવાળી વ્યક્તિના હકારાત્મક વિચારોની ઉર્જાના તરંગો આપણાં વૈચારિક વિશ્વને નવો આયામ આપે છે. અંતઃકરણથી આનંદનો અહેસાસ થાય છે. જે માણસમાં હકારાત્મક વિચાર માટેની રીસેપ્ટીવિટી નથી એના જીવનમાં ક્યારેય આનંદ અને ઉલ્લાસનું સ્થાન હોતુ નથી. સવલતોને સુખ સમજનાર સાચો આનંદ શું છે એ સમજી શકતો નથી. હકારાત્મક માનવીય મૂલ્યોથી આનંદનો માર્ગ પ્રશસ્ત થતો હોય છે. જે માણસમાં હકારાત્મકતાના ઉત્સાહનો આવિર્ભાવ નથી એ માણસ ધાણી-ચણાં ભરેલાં મોટા કોથળા જેવો ફોરો હોય છે.
સકારાત્મકતાથી કોઈકના દુખને હાથ લંબાવીને મુલાયમતાથી અડી તો જોજો. એની ઉપર થોડોક યથાશક્તિ મલમ લગાવી તો જોજો. પછી એની આંખોમાં અને ચહેરા પરના સંતોષને જોઈને મૂલવી જોજો કે સવલતોમાં દેખાય એ સુખ છે કે હકારાત્મકતાના હોકારા બાદ ટપકતા નિર્દોષ આશિર્વાદમાં સાચુ સુખ છે ? આવા સુખને એક અવસર તો આપો. જીવનને વધુ હર્યું ભર્યું કરીને કિલ્લોલ કરવાનો મોકો આપવાનો સંન્નિષ્ઠ પ્રયાસ તો કરી જુઓ ! એક ભાઈ ઠીકઠાક કમાઈ લેતાં. જ્યારે સમાજમાં સારું કામ કરતાં કોઈ વ્યક્તિ મળે એટલે બે હાથ જોડીને વિનમ્રતાપૂર્વક કહેતાં કે, ‘અત્યારે મારી પાસે મારા કામને કારણે સમય ચોક્કસ થોડો ઓછો છે પણ આપ જ્યારે પણ કોઈ સેવાકીય કામ કરો ત્યારે મને અવશ્ય યાદ કરશો તો હું યથાશક્તિ આર્થિક અને સમયની મદદ કરવાં તમારી સાથે આવીશ.’ બસ, જરૂર છે આવા ‘પોઝીટીવ એટીટ્યુટ બિલ્ડીંગ’ની. આવા નાના-નાના પ્રસંગોના બિંદુઓ જ્યારે જોડાતા હોય છે, ત્યારે હકારાત્મક દ્રષ્ટિકોણથી સકારાત્મક સુખની પરિભાષા ખીલતી હોય છે. સકારાત્મક કાર્યોના અંકુર પહેલાં મનમાં પાંગરતા હોય છે. પછી એ કાર્યસ્વરૂપે બહાર આવીને વિકસતા હોય છે. મનમાં સકારાત્મકતાનો વિશ્વાસ તો મુઠ્ઠીમાં આખું આકાશ. બધાને સકારાત્મકતાના સુખનો અનુભવ કરવો છે. પણ શરૂઆત કરતાં ખચકાતા હોય છે. એકવાર એક ડગલું સકારાત્મકતાનું ભરવાની કોશીષ કરો અને પછી જુઓ તમારી દુનિયાને કેટલી સુંદર અને આહલાદક બની જાય છે. ­­­

ધબકાર :
કોઇ પણ કાર્યની શરૂઆત માટે સૌથી ઉત્તમ રસ્તો વાતો બંધ કરી કામ શરૂ કરવાનો છે.





દ્રઢ મનોબળથી ચિત્કારોને કચડીને ચમત્કારો સર્જતી છોકરીની કહાની


દ્રઢ મનોબળથી ચિત્કારોને કચડીને
ચમત્કારો સર્જતી છોકરીની કહાની


વિકલાંગ વિલ્માના જોરદાર અડગ આત્મવિશ્વાસની વાત છે. 1960ના દાયકામાં વિશ્વની સૌથી ફાસ્ટ દોડતી નારીની સત્ય ઘટનાની વાત છે. દક્ષિણ અમેરિકાના ખુબસુરત પ્રાંત ટેનેસીની રોમાંચિત કરી નાખે એવી આ વાત છે. બ્લાન્ચ અને ઇડી રૂડોલ્ફના અત્યંત સામાન્ય પરિવારમાં જુન તા. 23, 1940ના રોજ દીકરી અવતરી. અધુરે મહિને આવેલી આ દીકરીનુ નામ વિલ્મા. ગરીબની કસોટી પણ વધુ થતી હોય છે. બ્લાન્ચને અધુરે મહિને આવેલી વિલ્મા ચાર વર્ષની થઇ ત્યાં તો પોલિયોનો શિકાર બની. નાનકડી વિલ્માના પગમાંથી ચેતના ચાલી ગઇ. ડોક્ટરો છુટી પડ્યા અને કહ્યું, ‘આ છોકરી હવે ક્યારેય જમીન ઉપર ઘોડીઓના સહારા વગર ચાલી શકે એમ નથી.’ ચાર વર્ષનીનાનકડી વિકલાંગ વિલ્મા હવે કેલીપર્સના સહારે માંડ માંડ ચાલતી.
અડોશ પડોશના લોકો અને સગા સંબંધીઓ માતા બ્લાન્ચ અને વિલ્માને સહાનુભૂતીપૂર્વક જોતા. લોકોની સહાનુભુતી બ્લાન્ચને મંજુર ન હતી. એ હમેશા દીકરી વિલ્માને કહેતી કે, ‘બેટા તારામાં અખુટ શક્તિનો ભંડાર પડ્યો છે.’ માતાની આ વાત સાંભળી ઘોડીઓના સહારે ઉભેલી અને વિસ્મયજનક આંખોથી જોઇ રહેલી વિલ્મા કહેતી, ‘પણ મમ્મી, હું મારા પગ ઉપર ચાલી પણ નથી શકતી. હું શુ કરી શકીશ ?’ દીકરીના આ હદયદ્રાવક વેધક સવાલનો બ્લાન્ચ સરસ જવાબ આપતી. શિવાજીને ઉછેરતી જીજાબાઇની માફક એક ફાઇટરને છાજે એમ એ કહેતી કે, ‘બેટા, તું જે ધારીશ એ કરી શકીશ. આ સંસારમાં તારા માટે કશુ અશક્ય નથી.’ મમ્મીની આ વાત સાંભળી વિલ્મા ખુશીથી નાચી ઉઠતી.
એક દિવસની વાત છે. બ્લાન્ચ ઘરમા કામ કરતી હતી ત્યારે અચાનક નાનકડી વિલ્માએ પુછ્યું, ‘મમ્મા, હું દુનિયાની સૌથી ઝડપી રેસલર બની શકું ?’
જમીન ઉપર ઘોડીના સહારા વગર ઉભી પણ ન રહી શકતી વિલ્માને મમ્મીએ કહ્યું, ‘કેમ નહીં બેટા... ઇશ્વર ઉપર ભરોસો રાખજે. નિષ્ઠાપૂર્વક મહેનત કરીશ તો તું જે ધારીશ એ મેળવી શકીશ.’
મમ્મીના આ શબ્દોએ વિલ્માના જીવનમાં જાદુઇ અસર કરી. આ શબ્દો વિલ્માના મનમાં સતત ઘુમરાતા રહેતા. એનુ મનપંખી પાંખો પ્રસરાવી ખુલ્લા આકાશમાં ઉડવા લાગતુ. વિલ્મા નવ વર્ષની થઇ ત્યારે પગમા લગાવેલા સળીયાનો ટેકો જેને ’બ્રેસ’ કહેવાય છે એને જીદ કરીને કઢાવી નાખ્યા. ઘોડી અને બ્રેસ વગર વિલ્માને જમીન ઉપર ચાલવામાં પારાવાર મુશ્કેલી પડતી. એ અનેકવાર પડતી અને આખડતી. ઘવાતી એના પગ છોલાતા. ઉઝરડામાંથી લોહીની ટશરો ફુટતી. પણ ‘તું ધારીશ એ કરી શકીશ...’ મમ્મ્મીના આ શબ્દો એનામાં ફરી સાહસ ભરી દેતા. એ હિંમત હાર્યા વગર ફરી ઉભી થઇ જતી. બે વર્ષમાં તો વિલ્મા ઘોડીના સહારા વગર ચાલતી થઇ ગઇ. વિલ્માને ઘોડી વગર ચાલતા જોઇને પડોશીઓ અને મિત્રો આશ્ચર્યચકિત થઇ ગયા. એમને ક્યા ખબર હતી કે, અડગ મનોબળવાળી આ છોકરી ભવિષ્યમાં દુનિયા આખી માટે પ્રેરણામૂર્તિ બનવાની છે.
‘વિશ્વની સૌથી તેજ દોડવીર’ બનવાના પોતાના સપના ભણી તેર વર્ષની ઉંમરે વિલ્માએ પહેલું ડગલુ માંડ્યું. એક દોડની સ્પર્ધામાં એણે હોંશભેર ભાગ લીધો. આ સ્પર્ધામાં વિલ્મા સૌથી છેલ્લી આવી. આ છોકરી એના લક્ષ્ય ઉપર ચટ્ટાનની જેમ અડગ રહી. એક પછી એક અનેક સ્પર્ધામાં વિલ્મા ભાગ લેતી. હારતી ગઇ પણ એણે કોશીષ ન છોડી. એનો આત્મવિશ્વાસ પ્રત્યેક હાર સાથે વધુ દ્રઢીભૂત બનતો. ઉજાશના પથદર્શન માટે લાખો નિરાશાઓના મોટા ખંડમાં ક્યાંક ટમટમતુ આશાનુ નાનુ અમથુ કોડીયુ કાફી હોય છે. વિલ્મા આખરે એક રેસમાં પ્રથમ આવી. એની ખુશીઓનો પાર ન રહ્યો.
હવે વિલ્મા જીવનનો દોઢ દાયકો પૂરો કરી ચુકી હતી. પંદરમાં વર્ષે વિલ્માએ પ્રતિષ્ઠિત ટેનેસી રાજ્ય વિદ્યાલયમાં એડમિશન લીધું. મહેનત કરનારાના માર્ગમાં મુશ્કેલી જરૂર હોય પણ હાથ પકડવા મસિહા પણ મૌજુદ હોય છે. ટેનેસી રાજ્ય વિદ્યાલયમાં વિલ્માનો ભેટો ટ્રેક એન્ડ ફિલડના મંજાયેલા કોચ ટેમ્પલ સાથે થઇ ગયો. બસ, પછી તો પુછવુ જ શું. વિલ્માએ એના દિલમા ધરબાયેલી ‘દુનિયાની સૌથી તેજ રેસલર’ બનવાની ઇચ્છા કોચ ટેમ્પલને કહી. ટેમ્પલ સરને આ છોકરીનો ગજબનો આત્મવિશ્વાસ ગમ્યો. એમણે વિલ્માને વૈશ્વિક ફલક ઉપર લઇ જવા માટે મહેનત શરૂ કરી. ટેમ્પલ સરની દોરવણી હેઠળ વિલ્મા ટ્રેક ઉપર પરસેવો પાણીની જેમ વહેવડાવી નિષ્ઠાપૂર્વક મહેનત કરવા લાગી. ટેમ્પલ સર અને વિલ્માની મહેનત ફળી. ઑલંપિક્સમા ભાગ લેવા જતી અમેરિકાની ‘ટ્રેક એન્ડ ફિલ્ડ’ ટીમમાં વિલ્માનો સમાવેશ થયો.
1960મા ઇટાલીના રોમમાં રમાયેલી ઑલંપિક્સમા વિલ્માએ ડંકો વગાડી દીધો. 200 મીટર, 300 મીટર અને 400 મીટર રીલે રેસ એમ ત્રણ-ત્રણ ટ્રેક એન્ડ ફિલ્ડ ઇવેન્ટમાં વિલ્માએ ગોલ્ડ મેડલ જીત્યા. અમેરિકાના ઇતિહાસમાં આ પહેલા એક જ ઑલંપિક્સમાં કોઇ મહિલા ખેલાડીએ ત્રણ ગોલ્ડ નહોતા મેળવ્યા. વિલ્માની આ સિધ્ધીએ એને વિશ્વની સૌથી તેજ દોડતી મહીલા તરીકે નવાજી.
જે છોકરી બાળપણમાં ધરતી ઉપર ધોડીના સહારા વગર ડગલુ પણ માંડી નહોતી શકતી એ છોકરીએ આઇકોનિક ઇમેજ ઉભી કરી ચમત્કાર સર્જ્યો. દ્રઢ મનોબળ અને નિષ્ઠાપૂર્વકની મહેનતથી વિશ્વની ‘ફસ્ટેસ્ટ રેસલર’ બની એક સમયે વિકલાંગ કહેવાતી વિલ્મા. જીવનમાં એક સપનુ એવુ હોવુ જોઇએ કે જે સુવા ન દે. મહેચ્છાઓના મોરપિચ્છ સાથે અડગ નિષ્ઠાનુ બળ ચિત્કારોને ચમત્કારોમાં ફેરવી નાખે છે. સ્વયંનુ મુલ્ય સમજવા માટે પોતાના માનસિક માપદંડો તૈયાર રાખવા પડે. મનમાં વિશ્વાસનો શ્વાસ ભરવો જોઇએ. પોતાની જાત સાથે સંવાદ કરીને કહેવુ જોઇએ કે, દુનિયામાં સૌથી મહત્વપૂર્ણ વ્યક્તિ હું સ્વયં છું. ઇતિહાસ રચવાની ક્ષમતા ઇશ્વરે સૌ કોઇને આપી છે. તમે ઇતિહાસ વાંચવા માટે નહીં ઇતિહાસ રચવા આવ્યા છો એવો પાક્કો અહેસાસ થવો જોઇએ. અદભૂત કરી શકવાની તમારી ઐશ્વરીય શક્તિ સમજી એને બહાર લાવવાની છે.
માણસ જન્મે એટલે એના જન્મનો સત્કાર થાય છે, પણ પોતાની શક્તિઓને ઉજાગર કરી એના સ્વીકાર માટે જીવનપર્યંત સજાગ રહેવુ પડે. માત્ર શ્વાસ ચાલે એટલે જીવન જીવય છે એમ સંતોષ માની લેવાય તો એ ભુલ છે. જાણીતા લેખક અને ચિંતક હિતેન આનંદપરાએ લખેલી ‘શ્વાસને સાર્થક કરવાની પ્રક્રીયાને જીંદગી કહેવાય’ એ વાત યાદ આવે છે. જેમ વર્ષાના આગમન ટાણે મોરલો પીંછા ખોલી મન મુકીને નૃત્ય કરે એમ દ્રઢ મનોબળ સાથે મહેનતના પીંછા ખોલી પોતાની શક્તિઓ ઉપર વિશ્વાસ રાખી સફળાતાની સુવાસ ફેલાવવા માટે મન મુકીને થનગનાટ થવો જોઇએ. કોઇ એકાદી અડચણ કે ઘટના આપણને ડગાવી કે અટકાવી શું શકે ? જ્યારે પોતાની શક્તિઓ ઉપર વિશ્વાસ હોય ત્યારે પોતાના વ્યક્તિત્વના પાના ઉપર ગમે ત્યારે પાડેલો અક્ષર ક્યારેય એળે જતો નથી. હા, ક્યારેક સમયના આવરણથી ઝાખો જરૂર લાગે પણ જ્યારે ઉગી નિકળે એ વખતે અદભૂત ઉજળો લાગે. સ્વયંમાં સંતાઇને પડેલી શક્તિઓની સુગંધ નિશ્ચય અને મહેનતથી રૂપાંતરીત થઇને સમાજને સુવાસિત કરી દે છે.


ધબકાર :
દ્રઢ મનોબળ અને મહત્વાકાંક્ષા વગરનો યુવાન પણ વૃધ્ધ બનવાની રાહ જોઇને બેઠો હોય છે.   


  


યુવાનોના પ્રભાવનો જયઘોષ કરતો ‘ઓક્સફોર્ડ વર્ડ ઓફ ધ યર – ૨૦૧૭’ : ‘યુથક્વેક’


યુવાનોના પ્રભાવનો જયઘોષ કરતો
‘ઓક્સફોર્ડ વર્ડ ઓફ ધ યર – ૨૦૧૭’ : ‘યુથક્વેક’
-     પુલક ત્રિવેદી

યુવાનોની તાકાતને ઉજાગર કરતો શબ્દ યુથક્વેક. આ શબ્દ ૨૦૧૭માં વિશ્વમાં સૌથી વધુ ઉપયોગમાં લેવામાં આવ્યો હતો. કેટલીકવાર શબ્દો માન્યતાના આધારે જન્મતા હોય છે. જ્યારે નવો શબ્દ જન્મે છે ત્યારે તેના પાયામાં સર્વસંમતિનું ગમ્મર વલોણું વલોવાતુ હોય છે. માન્યતાનો આધાર અને સૌકોઈની અનુમતિ ભાષાનુ બારણું ધણધણાવે છે અને જ્યારે ભાષા અને સાહિત્ય વિશ્વનુ બારણું ખુલે ત્યારે નવા શબ્દનો પ્રવેશ થાય છે. નવા શબ્દના પ્રવેશ સમયે સાહિત્યનું વિશ્વ આ શબ્દની આતુરતાપૂર્વક રાહ જોતું હોય છે. ‘યુથ ક્વેકશબ્દ ભવિષ્યની આશા સાથે જોડાયેલો અદભુત શબ્દ છે.
યુથક્વેકશબ્દને ધ ઓક્સફોર્ડ ડિક્શનરીએ વર્ડ ઓફ ધ યર ૨૦૧૭ તરીકે જાહેર કર્યો. ‘યુથક્વેકશબ્દ સમૂહમાં પહેલો શબ્દ  યુથઅને બીજો ક્વેક એમ બે જોરદાર શબ્દોનો સમાવેશ થાય છે. ‘યુથશબ્દ વિષેશ ધ્યાનાકર્ષક છે. જે પરંપરાઓના સથવારે નિર્ધારિત ચીલાઓ ઉપર ચાલે એ વૃદ્ધ. યુવાની તો વય, વિચાર અને વર્તન એમ ત્રણ રીતેથી પરખાય. જો કે જ્યારે વય પ્રમાણે યુવાની મુકરર કરવી હોય તો વિશ્વ સમસ્ત કહે છે કે, ૧૫થી ૩૫ વર્ષ વચ્ચેની વય ધરાવતો વ્યક્તિ યુવાન.
નવું જાણવાની, નવું સમજવાની અને નવું કાર્ય નિર્ભયતાથી કરવાની તમન્નાવાળો હોય એ યુવાન. વર્ડ ઓફ ધ યર-૨૦૧૭ યુથક્વેકશબ્દ સાંસ્કૃતિક, રાજનૈતિક કે સામાજિક બદલાવમાં યુવાનોએ સર્જેલા જબરજસ્ત પ્રભાવના થયેલા જયઘોષના સંદર્ભમાં પ્રયોજાયો છે. આ શબ્દ ગત વર્ષે બ્રિટનમાં યોજાયેલી ચૂંટણી દરમિયાન ખુબ ચર્ચામાં રહ્યો. કોન્ઝર્વેટિવ પાર્ટીના ટેરેસા મેના સાત અઠવાડિયાના સઘન ચૂંટણી પ્રચાર પછી જૂન તા. ૮, ૨૦૧૭ના રોજ યોજાયેલા મતદાનમાં યુવા મતદારોએ લેબર પાર્ટીને મન મૂકીને થોકબંધ મતો સાથે ચૂંટી કાઢી. બ્રિટનનો બ્રેગ્ઝિટ વોટઅને અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની જીત પછી ઉમ્મિદોથી ભરેલો યુથક્વેકશબ્દ તાકાતથી ઉભરી આવ્યો. વિશ્વની પ્રતિષ્ઠિત ઓક્સફોર્ડ ડિક્શનેરીના પ્રેસીડેન્ટ કેસ્પર ગ્રાથવોલ છે. પ્રમાણો અને ભાષા સંબંધી આધારો સાથેયુથ ક્વેકશબ્દ પસંદ કરવામાં આવ્યો છે. આજે દુનિયામાં અશાંતિના મસમોટા વમળો સામે દુર્લભ રાજનીતિમાં નવી આશા અને નવા અરમાન સાથેની ઉજળી ભાત ઉપસાવતો યુથ ક્વેકશબ્દ મનમાં વિશ્વાસ ભરે છે.
ઓસ્ટ્રેલિયામાં નવેમ્બરમાં જનમત સંગ્રહના સંદર્ભમાં ‘યુથક્વેક’ શબ્દ મોટાપાયે લોકજીભે ચડ્યો. આ શબ્દને વિશ્વભરના યુવાનોએ ખૂબ આવકાર્યો. ઓક્સફોર્ડ ડિક્શનેરીના સર્વેક્ષણ મુજબ ૨૦૧૭માં વિવિધ ભાષણોમાં યુથ ક્વેકશબ્દનો ઉપયોગ અનેક ગણો વધી ગયો હતો. આ શબ્દનો ૨૦૧૭માં વિશ્વના અખબારો, પુસ્તકો, બ્લોગ્સમાં પણ બેશુમાર ઉપયોગ થયો.
યુથક્વેકશબ્દનો સૌથી પહેલીવાર ૧૯૬૫માં જાણિતા મેગેઝીન વોગમાં ડાયના રીલૈંડે કર્યો. ડાયનાએ ફેશન, મ્યુઝિક અને જનતાના વ્યવહારમાં આવેલા અચાનક બદલાવના સંદર્ભમાં વોગના જાન્યુઆરી-૧૯૬૫ના તંત્રીલેખમાં યુથક્વેકશબ્દ પ્રયોજ્યો હતો.
યુથક્વેકશબ્દની સાથે બીજા આઠ શબ્દો રેસમાં હતાં. જેમાં અત્યાંત્યિક જમણેરી વિચારધારાના સમર્થક એવા આતંકવાદી જૂથો બનાવી રાજકીય વિરોધ કરવાવાળા માટે વપરાતો શબ્દ એન્ટીફા(Antifa) સૌથી આગળ હતો. આ ઉપરાંત પરંપરાગત અને રૂઢિચુસ્ત દ્રષ્ટિકોણથી વિચારધારાથી ઘેરાયેલો અને પ્રગતિશીલ વિચારોથી અકળાયેલા વ્યક્તિ માટે વપરાતો બ્રફ્લેક (Broflake) શબ્દ, આઉટડોર એક્ટિવિટી માટે ઉપયોગી ડ્રેસ સ્ટાઈલ માટે વપરાતો શબ્દ જોપકોર (Gopcore), રાજકીય હેતુસર બ્લેકમેઈલ કરવા કે જબરજસ્તીથી ગેરમાર્ગે દોરવા પ્રયોજાતો શબ્દ કોમપ્રોમેટ (Kompromat) પણ રેસમા રહ્યા. સાથે સાથે શરૂ શરૂમાં સોશ્યલ મિડિયા ઉપર ખૂબ મોજ કરતો પણ પછી ટૂંક સમયમાં જ સોશ્યલ મિડીયાથી કંટાળેલો વ્યક્તિ માટે વપરાતો શબ્દ મિલ્કશેક ડક (Milk shake duke), એડવર્ટાઈઝીંગ અને સમાચાર દ્વારા પ્રસાર કે ઉત્પાદનને બ્રાન્ડીંગ કરવા માટેની પ્રક્રિયા માટે વપરાતો શબ્દ ન્યુઝ જેકીંગ (News Jacking), ઝગમગતી સપ્તરંગી ખાદ્ય સામગ્રી કે પીણા માટે વપરાતો શબ્દ યુનિકોર્ન (Unicorn) અને ગોરાઓ દ્વારા કરવામાં આવતી વંશીય ટીપ્પણી માટેનો શબ્દપ્રયોગ વ્હાઈટ ફ્રજીલીટી (white fragility) શબ્દ પણ વર્ડ ઓફ ધ યર ૨૦૧૭ માટે રેસમા હતા. ગત વર્ષે ૨૦૧૬માં પોસ્ટ ટ્રુથઅને ૨૦૧૫માં ફેઈસ વીથ ટીઅર્સ ઓફ જોય’ – ‘ઈમોજી’ શબ્દને વર્ડ ઓફ ધ યરમાં સ્થાન મળ્યું હતું. છેલ્લા એક વર્ષ દરમિયાન વિશ્વના લોકોએ જે શબ્દ માટે સૌથી વધુ રસ દાખવ્યો હોય એવા શબ્દોને તારવીને એની ઉપર ગહન ચર્ચા થતી હોય છે. આખા વર્ષ દરમિયાન સ્વભાવ, મૂડ, શબ્દનો ઉપયોગ વગેરે પાસાને ચકાસીને ‘વર્ડ ઓફ ધ યર’ નક્કી થતો હોય છે. જર્મની, રશિયા, યુક્રેઈન, પોર્ટુગલ, નોર્વે જેવા દેશોમાં પણ ‘વર્ડ ઓફ ધ યર’ જાહેર કરવામાં આવતા હોય છે.
યુવાનોની વિચારધારાને સામાજિક રાજકીય પ્રક્રીયા સાથે જબરજસ્ત રીતે સાંકળી લેતો શબ્દ યુથક્વેક૨૦૧૭ દરમિયાન વિશ્વ સમસ્તની ભાષાઓ દ્વારા સાહિત્યમાં હલચલ મચાવી ગયો. આમ પણ કહેવાય છે ને કે યૌવન હંમેશા ખુશહાલ હોય છે કારણ કે, એનામાં ખુબસુરતી જોવાની અદભુત ક્ષમતા હોય છે. બીજા શબ્દોમાં કહીએ તો જે વ્યક્તિમાં ખુબસુરતી જોવાની ક્ષમતા હોય છે તે વૃદ્ધ જ થતો નથી. યુવાની એક મજાનું સપનું છે. એક પ્રકારની રાસાયણિક પ્રક્રિયાથી પેદા થતું પાગલપન છે. ચાણક્યએ દુનિયાની બે સૌથી મોટી શક્તિઓમાં ‘યુવાની’ અને ‘નારીની સુન્દરતા’ને સ્થાન આપ્યુ છે. ઘરડો ઘરેડમાં ચાલતો હોય છે. યુવાન વિચારને અમલમાં મૂકી કાર્ય કરે છે.
યુથક્વેકશબ્દ જ્યારે વિશ્વ સમસ્તમાં ખૂબ ચર્ચાયો ત્યારે એડોલ્ફ હીટલરે કરેલી વાત યાદ આવી જાય. હિટલર આમ તો જુલ્મી સરમુખત્યાર પણ એક તત્વચિંતક પણ ખરો. એણે કહ્યું હતું કે, ચરિત્રને ક્યારેય બગીચા જેવું ન બનાવવું જોઈએ, જેમાં ગમે તે આવી લટાર મારીને ચાલ્યો જાય. યુવાનીમાં ચરિત્રને આકાશ જેવું બનાવવું જોઈએ, જ્યાં સુધી પહોંચવા માટે સૌકોઈની પ્રબળ ઇચ્છા થાય અને ત્યાં પહોંચવા મથામણ કરે. જ્યાં યુવાની છે ત્યાં વિચારોનો વિસ્ફોટ છે અને અનિતી સામે નીતિમત્તાનું યુધ્ધ છે. યુવાની દુર્ગુણો સામે નિષ્ઠાથી અડગ ઉભો છે. યુવાનીમાં કાળની ચાલ બદલી નાખવાની તાકાત હોય. જોશ અને હોશનું ગજબનું સંતુલન જળવાતુ હોય એ સાચી યુવાની. જેની પાસે સમસ્યાઓનુ સમાધાન છે અને ઇતિહાસ રચવાની ક્ષમતા છે એ યુવાન છે. યુવાનીને વાતો કરવા કરતાં નક્કર કામમાં રસ હોય છે. લક્ષ્ય નિર્ધાર, આત્મવિશ્વાસ અને સમર્પણની ત્રિવેણી યુવાનીની પહેચાન છે.
સ્વામી વિવેકાનંદે મદ્રાસ અને અત્યારના ચેન્નાઈમાં યુવાનોને ટંકાર કરતા કહ્યું હતું કે, યુવાનોની ક્ષમતા ઉપર મને અતુટ વિશ્વાસ છે. એમાંથી જ રાષ્ટ્ર નિર્માણના મજબૂત સૈનિકો પેદા થવાના છે. યુવાનોના પરાક્રમોથી સમસ્ત વિશ્વ બદલાશે. મને સો ચરિત્ર્યવાન અને દ્રઢ મનોબળ વાળા યુવાનો આપો. હું રાષ્ટ્રની કાયાપલટ કરી નાખીશ.’ યુથક્વેકશબ્દ યુવાનોને રાજકારણ પ્રત્યે ઉદાસિન છે તે માન્યતાનો છેદ ઉડાડીને સ્વામી વિવેકાનંદજીએ પ્રબોધેલી યુવાશક્તિનો પડઘો પાડે છે.

ધબકાર :
’આજ યે દીવાર પરદો કી તરહ હીલને લગી, શર્ત યે થી કી બુનિયાદ હીલની ચાહીએ, મેરે સીને મે નહીં તો તેરે સીનેમે સહી, હો કહી ભી આગ, લેકીન યે આગ જલની ચાહીએ...’ – કવિ દુષ્યંત