પ્રિય વાચકબંધુઓ,

પ્રશ્નો, મુશ્કેલીઓ, વિડંબણાઓ અને પીડામાંથી પસાર ન થયા હોય એવા કેટલા લોકો ? ચાર રસ્તાના ખૂણે મોચી કામ કરીને પેટીયું રળતો છગન હોય કે પછી અબજોનો વેપાર કરતાં મુકેશ અંબાણી કે રતન ટાટા હોય, કે પછી બીલ ગેટ્સ કે બેઝોસ જેફરી હોય. દરેકના જીવનમાં ચડાવ ઉતાર અને મુશ્કેલીઓ આવતી જ હોય છે. જે મુશ્કેલીમાં મુશ્કરાય અને ગમગીનીમાં પણ આનંદથી ગીત ગાય એ જીવનને માણી શકે છે. સવલતોને સુખ સમજવા કરતાં અંતરમનની ચેતનાઓનો ફૂવારો જ સાચાં સુખનો પ્રદેશ છે એ સચ્ચાઇને સમજવી પડે. જીવનમાં જ્યારે સમસ્યા આવે ત્યારે એના ઉકેલ માટે ફાંફા મારવા કરતાં આનંદ આપતાં પ્રસંગોને યાદ કરી હસતાં ખેલતાં આગળ વધવાની કોશિષ જ કામયાબ બનાવે છે. જેમ જીવનમાં કશું મુશ્કેલ નથી એમ જીવનમાં કશું આસાનીથી પણ મળતું નથી. પ્રશ્નો, મુશ્કેલીઓ, તકલીફોને અતિક્રમીને જીવનમાં આનંદનો આફતાબ ખીલવવા માટેના વિવિધ માર્ગોને શબ્દ દેહ આપીને બ્લોગ સ્વરૂપે પ્રસ્તુત કરવાનો નમ્ર પ્રયાસ કર્યો છે. મે ‘આત્મનાદ’ સ્વરૂપે પ્રતિ સપ્તાહ આવતી મારી નિયમિત કોલમમાં જીવનના વિવિધ રંગોને શબ્દ પિંછી વડે કલ્પનાના આકાશને વધુ રંગીન બનાવવાની કોશિશ કરી છે. આશા છે કે, મારી નિયમિત કોલમ ‘આત્મનાદ’નું આ બ્લોગ અવતરણ વાચક મિત્રોને ગમશે.

- પુલક ત્રિવેદી

Sunday, 11 February 2018

રોજ સવારે ૯૨ વર્ષનો એ યુવાન સ્કૂટી ઉપર લોકોની મદદે નિકળી પડે...


રોજ સવારે ૯૨ વર્ષનો એ યુવાન સ્કૂટી
ઉપર લોકોની મદદે નિકળી પડે...

ગાંધીનગર સિવિલ હોસ્પિટલના ઓપરેશન થિયેટરની બહાર દીપક અને જયશ્રી વિશાદગ્રસ્ત ચહેરે બેઠાં હતાં. અડધા પોણા કલાક પછી ઓપરેશન થિયેટરનું બારણું સહેજ ખૂલ્યું અને એમાંથી ડોકટર શાહ જેવા બહાર આવ્યાં કે તરત દીપક અને જયશ્રી દોટ મૂકીને  ડો. શાહ પાસે પહોંચી ગયા. ‘સાહેબ, કેવું છે રમણને ? રમણ સાજો તો થઈ જશે ને ? એ બોલે તો છે ને ? અમને યાદ કરે છે ? હું એને જોવા જાઉં...’ એક સાથે અનેક પ્રશ્નોની વણઝાર આ યુગલે ડોકટરની સામે ખડી કરી દીધી.



ડો. શાહે માત્ર એટલું જ કહ્યું ‘તમે હિમ્મત રાખજો. ઓપરેશન લાંબું ચાલશે. ઑપરેશન તો અમે સરકારના નિયમ અનુંસાર પૈસા વગર કરીશુ. પણ તમે આ કાગળમાં લખેલી આ દવાઓ ઝડપથી લઈને અહીં કાઉન્ટર પર પહોંચતી કરી દેજો.’
દીપકે એક શ્વાસે કહ્યું ‘હા સાહેબ. પણ આ દવાઓની કિંમત કેટલી થશે સાહેબ ?’
ડો. શાહે કહ્યું, ‘લગભગ આઠ - દસ હજાર જેવું થશે.’ આટલું કહીને ડો. શાહ પાછા ઓપરેશન થિયેટરમાં જતાં રહ્યા.
દીપક અને જયશ્રી પાછા ઓપરેશન થિયેટરની બહાર પલાઠીં વાળીને પાછા બેસી ગયા.
જયશ્રીએ દીપકને કહ્યું, ‘આટલાં બધાં રૂપિયા આપણે લાવશું ક્યાથી ?’
દીપકે વળતો જવાબ આપ્યો, ‘હા. હું પણ એજ ગડમથલમાં છું.’
દીપક અને જયશ્રીથી થોડા દૂર બેઠેલાં ગાંધીદાદા આ યુગલને છેલ્લા એકાદ કલાકથી સતત જોયા કરતાં હતાં. ગાંધીદાદા ધીમા ડગલે જયશ્રી અને દીપક પાસે આવ્યાં એને પૂછ્યું, ‘ક્યાંથી આવો છો ભાઈ ? કોનું ઓપરેશન છે ? શું કામ કરો છો ?’
દીપકે કહ્યું, ‘દાદા બાજુના ગામમાં ખેતમજૂરી કરું છું. બ્રાહ્મણનો દીકરો છું. મારો એકનો એક છોકરો નિશાળેથી પાછો આવ્યો ત્યારે અચાનક પેટમાં દુખાવાના કારણે બેવડ વળી ગયો હતો ? બોલી શકતો નહતો અને પરસેવે રેબઝેબ થઈ ગયો હતો. અમે એને લઈને ટ્રેકટરમાં અહીં શહેરમાં સિવિલમાં લઈ આવ્યા. ડોકટર સાહેબ આ દવા લાવવા કહે છે, પણ અમારી પાસે એટલાં પૈસા નથી.’ આટલું કહી દીપક અને જયશ્રી ચોંધાર આંસુએ રડી પડ્યા.
ગાંધીદાદાએ આ યુગલના માથે હાથ મુકીને કહ્યું, ‘બધું જ સાજું નરવું થઈ જશે.’ જયશ્રીને ઓપરેશન થિયેટર પાસે બેસાડીને ગાંધીદાદા દીપકને લઈને મેડિકલ સ્ટોરમાં ગયાં. દવાઓ ખરીદીને દીપકને આપી. પછી ગાંધી દાદા સિવિલમાં ગરીબ દરદીઓ માટે કામ કરતી ગાંધીનગરની એક સ્વૈચ્છિક સંસ્થામાં દીપકને લઈ ગયા. વધુ આર્થિક સહાયની જરૂર પડે તો મદદ કરવા સંસ્થામાં એમણે ભલામણ કરી.



દીપક અને જયશ્રી જેવાં કેટલાંય જરૂરિયાતમંદ લોકોની વ્હારે ધસી જાતા આ મુકસેવક ગાંધીદાદાએ કેટલાય લોકોના આશિર્વાદ મેળવ્યાં છે. સપ્તાહમાં ત્રણ દિવસ સોમ, બુધ અને શુક્ર ગાંધીદાદા સિવિલ હોસ્પિટલના રાઉન્ડમાં અચૂક હોય. હોસ્પિટલમાં ચુપચાપ ફરતાં જાય. એમની ચકોર નજર જરૂરિયાતમંદને શોધી કાઢે. કોઈપણ આડંબર કે પ્રચાર વગર જેને ખરેખર જરૂર હોય એમને મદદ આપવાની કોઇને કહ્યા વગર શરૂ કરી દે. પંદરેક દિવસમાં દીકરો રમણ સાજો નરવો થઈ ગયો. ત્રણેય જણાં હસીખુશીથી પાછાં ગામડે ગયાં અને આનંદ કિલ્લોલથી જીવવા લાગ્યાં.
સિવિલમાં ગાંધીદાદાને નામે ઓળખાતાં અને મિત્રોમાં ૯૨ વર્ષના યુવાન તરીકે જાણીતાં ડાહ્યાભાઈ શાંતિલાલ ગાંધી ૧૯૫૨માં સરકારી નોકરીમાં જોડાયા હતાં. એમને એક દીકરો અને એક દીકરી. હવે તો દીકરો પણ સેવા નિવૃત્ત થઈ ગયો છે. દીકરીને પરણાવી દીધી છે અને તે પણ સુખી પરિવારમાં આનંદથી રહે છે. પૌત્ર અમેરિકામાં કમ્પ્યુટરમાં માસ્ટર ડિગ્રીનો અભ્યાસ કરી રહ્યો છે. ગાંધી દાદાને સરસ મજાનું સરકારી પેન્શન મળે છે. આ પેન્શનમાંથી બચતી રકમનો ગાંધીદાદા આવી સેવાકીય પ્રવૃત્તિમાં આનંદપૂર્વક ઉપયોગ કરે છે.
૯૨ વર્ષના આ યુવાનની સવાર ચાર વાગે પડે છે. પુજાપાઠ કરીને ચા-નાસ્તો પતાવીને સ્કૂટી ઉપર સવાર થઈને દાદા શહેરમાં નીકળી પડે. ગાંધીદાદા ત્રણ-ત્રણ વાર અમરનાથની યાત્રા કરી આવ્યાં છે. એમની પહેલીવારની અમરનાથ યાત્રાની અજબની કહાની છે. મોતને માત આપીને ગાંધીદાદા હસતા ખેલતા પાછા આવ્યા છે. ૧૯૯૨માં જ્યારે પહેલીવાર અમરનાથ યાત્રાએ ગાંધીદાદા ગયાં ત્યારે દિલ્હીમાં રેલવે સ્ટેશનના રીયાટરીંગ રૂમમાં એમને અચાનક છાતીમં દુખવા લાગ્યું. એ બેભાન થઈ ગયાં. શરીર ઠંડુ પડવા લાગ્યું. એમનાં ગૃપમાં ગાંધીનગરના જ એક તબીબ ડો. કિરીટભાઈ પટેલ હતા. ડોક્ટર કીરિટભાઇએ તપાસીને કહ્યું, ‘ડાહ્યાભાઈ ગાંધીનુ પ્રાણપંખેરૂં ઊડી ગયું છે.’ આમ છતાં ચેકઅપ માટે રામમનોહર લોહીયા હોસ્પિટલમાં એમને લઈ જવાયાં. હોસ્પિટલમાં પ્રાથમિક વિધિ ચાલતી હતી એ દરમિયાન અચાનક ડાહ્યાભાઈ ગાંધીએ આંખો ખોલી, એમનાં શરીરની નસોમાં લોહી દોડવા લાગ્યું એ ઊભા થઈ ગયા અને સાથી યાત્રિઓને કહ્યું, ‘મને કશું થયું નથી ચાલો અહીંથી.’ એમ કહીને બધાં મિત્રો સાથે અમરનાથયાત્રા ફરી પાછી શરૂ કરી. બસ એ દિવસ અને આજની ઘડી ગાંધીદાદાએ એક પણ પૈસાની દવા ખાધી નથી. આ કિસ્સાની એ વખતે અખબારોએ પણ ખુબ નોંધ લીધી હતી.
સતત લોકો વચ્ચે રહીને લોકોની હકારાત્મક ઊર્જાને સ્વીકારીને એક સરસ સકારાત્મક માહોલ ઊભો કરવાની કળા ગાંધીદાદાએ હસ્તગત કરી લીધી છે. ગાંધીદાદા હંમેશા કહે છે કે, ‘સામેવાળી વ્યક્તિની સકારાત્મકતા મારા જીવવાનું બળ છે.’ જીવનમાં હકારાત્મકતાનો હોંકારો હોવો જોઇએ. સકારાત્મક વિચારો ૯૨ વર્ષના દાદાને પણ ૨૨ વર્ષના યુવાન જેવા ઉર્જાવાન બનાવી દે છે. સામેવાળી વ્યક્તિના હકારાત્મક વિચારોની ઉર્જાના તરંગો આપણાં વૈચારિક વિશ્વને નવો આયામ આપે છે. અંતઃકરણથી આનંદનો અહેસાસ થાય છે. જે માણસમાં હકારાત્મક વિચાર માટેની રીસેપ્ટીવિટી નથી એના જીવનમાં ક્યારેય આનંદ અને ઉલ્લાસનું સ્થાન હોતુ નથી. સવલતોને સુખ સમજનાર સાચો આનંદ શું છે એ સમજી શકતો નથી. હકારાત્મક માનવીય મૂલ્યોથી આનંદનો માર્ગ પ્રશસ્ત થતો હોય છે. જે માણસમાં હકારાત્મકતાના ઉત્સાહનો આવિર્ભાવ નથી એ માણસ ધાણી-ચણાં ભરેલાં મોટા કોથળા જેવો ફોરો હોય છે.
સકારાત્મકતાથી કોઈકના દુખને હાથ લંબાવીને મુલાયમતાથી અડી તો જોજો. એની ઉપર થોડોક યથાશક્તિ મલમ લગાવી તો જોજો. પછી એની આંખોમાં અને ચહેરા પરના સંતોષને જોઈને મૂલવી જોજો કે સવલતોમાં દેખાય એ સુખ છે કે હકારાત્મકતાના હોકારા બાદ ટપકતા નિર્દોષ આશિર્વાદમાં સાચુ સુખ છે ? આવા સુખને એક અવસર તો આપો. જીવનને વધુ હર્યું ભર્યું કરીને કિલ્લોલ કરવાનો મોકો આપવાનો સંન્નિષ્ઠ પ્રયાસ તો કરી જુઓ ! એક ભાઈ ઠીકઠાક કમાઈ લેતાં. જ્યારે સમાજમાં સારું કામ કરતાં કોઈ વ્યક્તિ મળે એટલે બે હાથ જોડીને વિનમ્રતાપૂર્વક કહેતાં કે, ‘અત્યારે મારી પાસે મારા કામને કારણે સમય ચોક્કસ થોડો ઓછો છે પણ આપ જ્યારે પણ કોઈ સેવાકીય કામ કરો ત્યારે મને અવશ્ય યાદ કરશો તો હું યથાશક્તિ આર્થિક અને સમયની મદદ કરવાં તમારી સાથે આવીશ.’ બસ, જરૂર છે આવા ‘પોઝીટીવ એટીટ્યુટ બિલ્ડીંગ’ની. આવા નાના-નાના પ્રસંગોના બિંદુઓ જ્યારે જોડાતા હોય છે, ત્યારે હકારાત્મક દ્રષ્ટિકોણથી સકારાત્મક સુખની પરિભાષા ખીલતી હોય છે. સકારાત્મક કાર્યોના અંકુર પહેલાં મનમાં પાંગરતા હોય છે. પછી એ કાર્યસ્વરૂપે બહાર આવીને વિકસતા હોય છે. મનમાં સકારાત્મકતાનો વિશ્વાસ તો મુઠ્ઠીમાં આખું આકાશ. બધાને સકારાત્મકતાના સુખનો અનુભવ કરવો છે. પણ શરૂઆત કરતાં ખચકાતા હોય છે. એકવાર એક ડગલું સકારાત્મકતાનું ભરવાની કોશીષ કરો અને પછી જુઓ તમારી દુનિયાને કેટલી સુંદર અને આહલાદક બની જાય છે. ­­­

ધબકાર :
કોઇ પણ કાર્યની શરૂઆત માટે સૌથી ઉત્તમ રસ્તો વાતો બંધ કરી કામ શરૂ કરવાનો છે.





No comments:

Post a Comment