પ્રિય વાચકબંધુઓ,

પ્રશ્નો, મુશ્કેલીઓ, વિડંબણાઓ અને પીડામાંથી પસાર ન થયા હોય એવા કેટલા લોકો ? ચાર રસ્તાના ખૂણે મોચી કામ કરીને પેટીયું રળતો છગન હોય કે પછી અબજોનો વેપાર કરતાં મુકેશ અંબાણી કે રતન ટાટા હોય, કે પછી બીલ ગેટ્સ કે બેઝોસ જેફરી હોય. દરેકના જીવનમાં ચડાવ ઉતાર અને મુશ્કેલીઓ આવતી જ હોય છે. જે મુશ્કેલીમાં મુશ્કરાય અને ગમગીનીમાં પણ આનંદથી ગીત ગાય એ જીવનને માણી શકે છે. સવલતોને સુખ સમજવા કરતાં અંતરમનની ચેતનાઓનો ફૂવારો જ સાચાં સુખનો પ્રદેશ છે એ સચ્ચાઇને સમજવી પડે. જીવનમાં જ્યારે સમસ્યા આવે ત્યારે એના ઉકેલ માટે ફાંફા મારવા કરતાં આનંદ આપતાં પ્રસંગોને યાદ કરી હસતાં ખેલતાં આગળ વધવાની કોશિષ જ કામયાબ બનાવે છે. જેમ જીવનમાં કશું મુશ્કેલ નથી એમ જીવનમાં કશું આસાનીથી પણ મળતું નથી. પ્રશ્નો, મુશ્કેલીઓ, તકલીફોને અતિક્રમીને જીવનમાં આનંદનો આફતાબ ખીલવવા માટેના વિવિધ માર્ગોને શબ્દ દેહ આપીને બ્લોગ સ્વરૂપે પ્રસ્તુત કરવાનો નમ્ર પ્રયાસ કર્યો છે. મે ‘આત્મનાદ’ સ્વરૂપે પ્રતિ સપ્તાહ આવતી મારી નિયમિત કોલમમાં જીવનના વિવિધ રંગોને શબ્દ પિંછી વડે કલ્પનાના આકાશને વધુ રંગીન બનાવવાની કોશિશ કરી છે. આશા છે કે, મારી નિયમિત કોલમ ‘આત્મનાદ’નું આ બ્લોગ અવતરણ વાચક મિત્રોને ગમશે.

- પુલક ત્રિવેદી

Sunday, 22 April 2018

ચાલો, મનમા પડેલી અખૂટ શક્તિઓને બહાર કાઢીએ, ખુલ્લા આકાશમાં વિહરીએ...


ચાલો, મનમા પડેલી અખૂટ શક્તિઓને બહાર કાઢીએ, ખુલ્લા આકાશમાં વિહરીએ...


કાગજ કી નાવ નહીં,
ઔર ડૂબ ગઇ,
બાત ડૂબને કી નહીં,
ઉસકે હૌંસલે કી હૈ,
ઔર કૌન મરા કિતના જિયા, 
સવાલ યે નહીં, 
બાત તો હૌંસલે કી હૈ,
બાત તો જીને કી હૈ,
કિતના જિયા યે બાત બેમાની હૈ
કિસ તરહ જિયા,
કાગઝી નાવ કા હૌંસલા દેખીએ,
ડૂબના નહીં...
હિન્દિ સાહિત્યના જાણીતા કવિ શ્રી દેવેન્દ્રકુમાર મિશ્રાની ‘હૌંસલા’ નામની કવિતામાં મનની અસીમ સંભાવનાઓના અખૂટ ભંડારની વાતને અદભૂત રીતે રજુ કરવામાં આવી છે. આપણે કલ્પના પણ ન કરી શકીએ એટલી અદભૂત તાકાત મનમાં હોય છે. સપનાઓને વાસ્તવિકતામાં મન પલટાવી શકે છે. જો મનની તાકાતને કેળવવામાં સફળ થઈ જઈએ તો જે ઇચ્છીએ એ મેળવી શકીએ. જે બાબત પરેશાન કરતી હોય, દુઃખદાયક હોય એ ખુશી અને આનંદમાં પરિવર્તન થઈ શકે છે. આખા બ્રહ્માંડમાં એવી કોઇ શક્તિ જ પેદા નથી થઇ કે જે મનની તાકાતથી વધુ શક્તિશાળી હોય.


આ કોઈ સંત-મહંતના આશીર્વાદની વાત નથી કે પછી કોઈ જાદુઈ લાકડીના ખેલની વાત નથી. ખરેખર મનની શક્તિને સમજવા માટે નાનો અમથો પ્રયત્ન ઘણા મોટા ફાયદા કરાવે છે. મનમાં પડેલી જોરદાર શક્તિને સમજવાનો ક્યારેય પ્રયાસ કર્યો છે ખરો ? આપણું મન બે ભાગમાં કામ કરતું હોય છે. ચેતન મન અને અચેતન મન. ચેતન મનને અંગ્રેજીમાં કોન્શયસ માઈન્ડ અને સચેતન મનને સબકોન્શ્યસ માઈન્ડ તરીકે આપણે જાણીએ છીએ. આપણે જ્યારે કોઈ વિચાર કરીએ ત્યારે આપણું ચેતન મન એ વિચારના તાત્વિક પાસા ઉપર પૃથક્કરણ કરી નિર્ણય લેવાનું કામ કરે છે. જ્યારે આપણું અચેતન મન આપણી ભાવનાઓ, લાગણીઓ, માન્યતા, આદત, યાદો વગેરેને નિયંત્રિત કરવાનું કામ કરે છે. સાચું પૂછો તો અચેતન મનમાં થતો આ ધમધમાટ જ આપણા જીવનને સુનિયંત્રિત કરવાનું મહત્વપૂર્ણ કામ કરતો હોય છે.
સામાન્ય રીતે આપણી આદતો આપણી માન્યતાનું મૂળ હોય છે. એક ભાઈ પાસે સરસ ફોર વ્હીલર હતું. પરંતુ પાંચ-સાત કિલોમીટર દૂર આવેલી એમની ઓફિસે એ હંમેશા સાયકલ ઉપર જ જતાં. સાયકલીંગને તેમની શારીરિક તંદુરસ્તીનો રાઝ એ ભાઇ માને છે. સાયકલ ઉપર ઓફિસ જવાથી શરીરને ફાયદો થાય છે એવી એમની આદત માન્યતામાં બદલાઈ ગઈ. એવી જ રીતે બીજા એક મિત્ર બાઈક અથવા કારમાં ઓફિસ જઈ ૧૫ મિનિટ વધુ મળતા કચેરીમાં વધારે કામ થઈ શકે એવી માન્યતા ધરાવે છે. એક મિત્ર માટે સાયકલ ઉપર ઓફિસ જવું એ ફાયદાકારક હોવાની માન્યતા છે. જ્યારે બીજા માટે કારમાં આફિસ જવું વધુ ફાયદાકારક છે એવી માન્યતા છે.
વિચારો, માન્યતાઓ, ભાવનાઓ અને લાગણીઓ આદતના આધારે ઘડાતી હોય છે. આપણી જુની યાદોના પડીકાઓ પણ આપણી આદતને ઘડતા હોય છે. આપણું ચેતન મન મગજનો માત્ર ૧૦ ટકા હિસ્સો જ ઉપયોગ કરે છે. જ્યારે અચેતન મન (સબકોન્શ્યસ માઈન્ડ) ૯૦ ટકા મગજનો ઉપયોગ કરતું હોય છે. મજાની વાત તો એ છે કે, મોટા ભાગના લોકોને સબકોન્શ્યસ માઈન્ડની તાકાતનો કોઈ અંદાજ જ નથી હોતો. પરિણામે સબકોન્શ્યસ માઈન્ડનો ઉપયોગ જ કરવામાં નથી આવતો. જે લોકો સબકોન્શ્યસ માઈન્ડની શક્તિઓ સમજીને એનો ઉપયોગ કરે છે એ સામાન્યમાંથી અસામાન્ય બની જતાં હોય છે શ્રી અરવિંદ ઘોષ, રબીન્દ્રનાથ ઠાકુર, ગાંધીજી, ઓશો, સ્ટીવ જોબ્સ, બીલ ગેટ્સ, સોક્રેટીસ, ગુર્જેફ જેવા લોકોએ સબકોન્શ્યસ માઈન્ડને પ્રોગ્રોમ કર્યું અને અસામાન્ય વ્યક્તિત્વ બનાવીને દુનિયાને નવો માર્ગ બતાવ્યો.
સબકોન્શ્યસ માઈન્ડની શક્તિઓને સમજવા વિશ્વમાં હજારો પરિક્ષણો કરવામાં આવ્યા. આ બધા ટેસ્ટમાં પ્લેસીબો ઈફેક્ટનામનો ટેસ્ટ એકદમ સચોટ છે. એક સરખી બિમારીનો ભોગ બનેલા લોકોને ભેગા કરવામાં આવ્યા. એ લોકોને બે જુથમાં વહેંચી દેવામાં આવ્યા. એક જુથને એ બિમારી માટે વિશ્વની શ્રેષ્ઠ ટેબલેટ આપવામાં આવી. બીજા જુથને ટેબલેટમાં ખાંડનો ભુકો ભરીને કહેવામાં આવ્યું,તમારી બિમારી માટેની આ વિશ્વની સૌથી ઉત્તમ અને અલ્ટીમેટ ટેબલેટ છે.’ બરાબર એક મહિના પછી બંને જુથની તબિયત ચકાસવામાં આવતા બન્ને જુથની તબિયતની રીકવરી એક સરખી જણાઈ. દવાએ કમાલ કરી એના કરતા વધારે કમાલ માન્યતાએ કરી. જે જુથ ખાંડના ભુકાવાળી દવા ખાતું હતું પણ એ દવા વિશ્વની ઉત્તમ દવા છે એવા વિચારોને એમના સબકોન્શ્યસ માઈન્ડે સ્વીકારીને બીમારી દૂર થઈ રહી હોવાના સંકેત આપ્યા અને ખરેખર એ લોકો સાજા થવા લાગ્યા.
આ પરિક્ષણની વાત સાથે આખા દિવસમાં આપણી સાથે બનતી નાની-મોટી અનેક ઘટનાઓને મૂકી નિષ્પક્ષ રીતે મુલવણી કરી જોઈએ. એક મિત્રને પ્રમોશન આવ્યું. સિનિયર અધિકારીઓ સામે એમને પ્રેઝન્ટેશન માટે જવાનું થયું. મનોમન આ મિત્રને થયું હું બરાબર રજૂઆત નહીં કરી શકું તો, મારી વાત એમને યોગ્ય નહીં લાગે તો વગેરે વગેરે જેવા નકારાત્મક વિચારો આવતા એ મિત્રનું સબકોન્શ્યસ માઈન્ડ નકારાત્મક બાબતોના સિગ્નલોથી ભરાઈ ગયું. એ મિત્રનો દેખાવ અત્યંત નબળો થયો.
હવે સવાલ એ છે કે સબ કોન્શયસ માઈન્ડનો ઉપયોગ કેવી રીતે થઈ શકે. આપણે જ્યારે સુવા માટે પથારીમાં પડીએ ત્યારે ઉંઘ આવે એ પહેલાની પાંચ મિનિટમાં કોન્શયસ માઈન્ડ એટલે કે ચેતન મન ધીમે ધીમે સુશુપ્ત અવસ્થામાં સરકતુ હોય છે. અને આ એવો સમયગાળો હોય છે કે સબકોન્શ્યસ માઈન્ડ સૌથી વધુ પાવરફુલ બનતુ હોય છે. આ પાંચ-સાત મિનિટના સમયમાં સબકોન્શ્યસ માઈન્ડને આપવામાં આવતા સિગ્નલ સૌથી અસરકારક પુરવાર થતાં હોય છે.
કોન્શયન્સ માઈન્ડની જેમ સબ કોન્શયસ માઈન્ડ ક્યારેય ઉંઘતું નથી. એ સતત અવિરત કાર્ય કરતું હોય છે. રાત્રે સુતા પહેલા જે કંઈ પણ સબકોન્શ્યસ માઈન્ડને ફીડઅપ કર્યું હશે એની ઉપર આખી રાત સબકોન્શ્યસ માઈન્ડ ખેડાણ કરતું રહેશે અને સવારે ચેતન મન જાગ્રત થતા એને એ પ્રમાણેના સિગ્નલ આપશે. આગળ આવેલા સફળ વ્યક્તિઓ હંમેશા સબકોન્શ્યસ માઈન્ડને હકારાત્મક અને ખુશનુમા વિચાર મોકલી આનંદનો માહોલ ઊભો કરવાનું જાણે છે. ધ્યાન ધરવાની પદ્ધતિનો સાદો નિયમ માત્ર આટલો જ છે. સબકોન્શ્યસ માઈન્ડના પાવરનો વધુ ઉપયોગ કરવાનો રીયાઝ કરતા રહેવું પડે. મગજની ૯૦ ટકા શક્તિઓને વ્યવસ્થિત સમજીને એને એનાલાઈઝ કરવાથી એનો ફાયદો મળે. ધ્યાન ધરવું એ માત્ર આધ્યાત્મિકતાનો હિસ્સો છે એમ સમજવા કરતાં વધારે સબકોન્શ્યસ માઈન્ડના પાવરને સફળ થવાની સીધી સટ નિસરણી તરીકે જોવામાં ફાયદા વધુ છે. ‘ હું સર્વ શ્રેષ્ઠ છુ, શક્તિશાળી છું, વિજેતા છું, પ્રભુ મારી સાથે છે અને આ મારો સમય છે...’ એ. પી. જે. અબ્દુલ કલામજીએ કહે છે કે, આ પાંચ બાબતોના સિગ્નલ સબકોન્શ્યસ માઈન્ડને સતત આપતા રહો અને મનની અમાપ શક્તિઓ ખિલવીને આકાશી ઉડાન ભરો.

ધબકાર :
મનની સમજ અને શીતળતામાં અદભૂત શક્તિ રહેલી છે, ધગધગતા ગરમ લોખંડને ઠંડુ લોખંડ આસાનીથી તોડી - મરોડી શકે છે.




પરીક્ષાઓના માહોલમાં યાદ આવી જાય આઇનસ્ટાઇનની રોચક અનટોલ્ડ સ્ટોરીઝ


પરીક્ષાઓના માહોલમાં યાદ આવી જાય આઇનસ્ટાઇનની રોચક અનટોલ્ડ સ્ટોરીઝ


આખા વર્ષમાં માર્ચ અને એપ્રિલ આ બે મહિના એટલે પરીક્ષાના મહિના. વર્ષ દરમિયાન જેટલું પણ વાંચ્યું, લખ્યુ અને વિચાર્યું હોય એને પ્રૉપર્લી પ્રેઝન્ટ કરવાની પુરબહારમાં ખીલવવાની મોસમ. માર્ચ મહિનાની ૧૪મીને ‘જીનિયસ ડે’ તરીકે દુનિયા ઉજવે છે. માર્ચ મહિનો પરીક્ષાનો મહિનો છે અને એના મધ્યમાં આવતો ચૌદમો દિવસ એટલે એને ‘જીનિયસ ડે’ તરીકે ઉજવવામાં આવે છે અવું નથી. દુનિયાના મહાન વૈજ્ઞાનિકોમા જેની ગણના થાય છે એવા આલ્બર્ટ આઇન્સ્ટાઇનના જન્મદિવસને આખું વિશ્વ ‘જીનિયસ ડે’ તરીકે ઉજવે છે.
પરીક્ષાઓના માહોલમાં જો એવું લાગે કે, મારું મગજ બરાબર કામ નથી કરતું. મને ચોપડીની વાત યાદ નથી રહેતી. બીજા લોકો જેટલી ઝડપથી યાદ રાખી શકે છે એટલું ઝડપથી મને યાદ રહેતું નથી. મારે યાદ રાખવા માટે વારંવાર વાંચવું પડે છે વગેરે વગેરે... આવા વિચારો આવે તો બિલકુલ નાસીપાસ થયા વગર વટથી વિચારવું કે, તમારું મગજ બીજાઓથી અલગ પ્રકારનું જ છે. તમે દુનિયાને કંઈક અલગ આપવા સર્જાયા છો. આવા સમયે યાદ કરવા પડે અસાધારણ પ્રતિભા ધરાવતાં આલ્બર્ટ આઇન્સ્ટાઇનને.
હર્મન આઈન્સ્ટાઈન નામનો એક સેલ્સમેન જર્મનીના યુમ શહેરમાં રહે. મૂળ ઇજનેર એવા હર્મન આઈન્સ્ટાઈનને ત્યાં ૧૪ માર્ચ, ૧૮૭૯મા પુત્ર અવતર્યો. એનું નામ આલ્બર્ટ. જન્મ વખતે આલ્બર્ટનું માથું શરીરના પ્રમાણમાં ઘણું મોટું હતું. ચાર વર્ષે માંડ એ બોલતા શીખ્યો અને નવ વર્ષ સુધી તો આલ્બર્ટ બરાબર બોલી પણ શકતો ન હતો. બાળપણમાં આલ્બર્ટ બીજા બાળકોની માફક ધમાલ-મસ્તી કરતો ન હતો. એક ખૂણામાં શાંત બેસી રહી હમેશા એ કંઈકને કાંઇક વિચારતો રહેતો. એની શારીરિક તકલીફોના કારણે એને શાળામાં પણ સામાન્ય બાળકો કરતા મોડો દાખલ કરવામાં આવ્યો. પિતા હર્મન અને એની પત્નીને આલ્બર્ટની ચિંતા થતી હતી.
માર્ચ-એપ્રિલમાં ગરમીના ઉકળાટ કરતાં પરીક્ષાઓના કકળાટમાં અજંપો અને ડર રાખતા વિદ્યાર્થીઓ માટે આઈન્સ્ટાઈનની લાઇફ આઇકોનિક છે. મેઘાવી બુદ્ધિના માલિક જીનિયસ આલ્બર્ટ આઇન્સ્ટાઇનની શાળાજીવનની કેટલીક રોચક વાતો જ્યાં નિરાશા હશે ત્યાં આશાનું કિરણ બનશે અને જયાં અજંપો હશે ત્યાં રાજીપો રેલાવશે. વિદ્યાર્થી આલ્બર્ટને પહેલેથી જ શાળા જેલ જેવી લાગતી. એ હંમેશા રવિવારના દિવસનો ઈન્તજાર કરતો. રવિવારે પિતા હર્મન આલ્બર્ટને શહેરની શાંત જગ્યાએ ફરવા લઈ જતા. એ ત્યાં બેસી ઝાડ-પાન અને કુદરતી વાતાવરણ કલાકો સુધી જોઈ રહેતો. બ્રહ્માંડની ઉત્પત્તિના વિચારો કરતા રહેતા એના બાળમાનસમાં સતત ગડમથલ ચાલતી કે આ વિશ્વ કેવી રીતે ચાલે છે ?
વિદ્યાર્થી કાળમાં આલ્બર્ટ આઈન્સ્ટાઈનને સતત એવું લાગતું કે એ શિક્ષકો પાસેથી જે અભ્યાસ કરી રહ્યો છે તેમાં કંઈક ખૂટે છે. એ હંમેશા ટીચરને અલગ અલગ એન્ગલથી પ્રશ્નો પૂછતો રહેતો. શિક્ષકોને આના પરિણામે ખૂબ કંટાળો આવતો. શાળાના શિક્ષકોએ એને મંદબુદ્ધિનો બાળક તરીકે સંબોધતા. વારંવાર મંદબુદ્ધિનો બાળક કહેવાના કારણે બાળ આલ્બર્ટ પણ સમજવા લાગ્યો કે એની બુદ્ધિ ક્ષમતા કમજોર છે. એકવાર એણે શિક્ષકને પૂછ્યુ કે, ‘મારી બુદ્ધિનો વિકાસ કેવી રીતે હું કરી શકું ? ‘ શિક્ષકે એક લીટીમાં જવાબ આપ્યો કે, ‘ કોઈપણ બાબતમાં સફળતા મેળવવા માટે સતત નિષ્ઠાપૂર્વક અભ્યાસ જ મૂળ મંત્ર છે. ‘ ટીચરની આ વાત આલ્બર્ટના મનમાં ચોંટી ગઈ. અભ્યાસની તાકાતથી સૌથી આગળ આવવાનું એણે મનોમન નક્કી કરી દીધું.



બાળપણમાં મંદબુદ્ધિનો કહેવાતો બાળક મહેનત, લગન અને હિંમતથી મેથ્સ અને ફિઝીક્સના વિષયોનો મહારથી બન્યો. એકવાર ગણિતના શિક્ષકે જે છોકરાને ‘ આળસુનો પીર ‘ કહ્યો હતો એ આલ્બર્ટ આઇન્સ્ટાઇન e=mc2  પુંજ અને તુલ્ય ઉપર શોધ નિબંધ રજૂ કર્યો ત્યારે આખી દુનિયા મોંમાં આંગળા નાખી ગઈ હતી. જાપાન ઉપર અમેરિકા દ્વારા ઝીંકાયેલા અણુબોમ્બની બેઝિક ફોર્મ્યુલા આઈન્સ્ટાઈનની આજ શોધ નિબંધ ઉપર આધારીત હતી. જોકે જાપાન ઉપર નાખવામાં આવેલા અણુ બોમ્બના કારણે આઇનસ્ટાઇન જીવ્યા ત્યાં સુધી વ્યથિત રહ્યા હતા.
બેક ટુ હીઝ અનટોલ્ડ સ્ટોરીઝ. એકવાર આલ્બર્ટ આઇન્સ્ટાઇન પાસે એના સાથીએ ટેલીફોન નંબર માંગ્યો. આઇન્સ્ટાઇને બાજુમાં પડેલી ટેલિફોન ડિરેક્ટરી ઉપાડી તેમાંથી નંબર જોઈને મિત્રને આપ્યો. પેલો મિત્ર આશ્ચર્યચકિત થઈને પૂછવા લાગ્યો, ‘ તમને તમારો ટેલીફોન નંબર પણ ખબર નથી. ‘ ત્યારે આલ્બર્ટ આઈન્સ્ટાઈને કહ્યું, ‘ દોસ્ત મને જે વાત બે મિનિટમાં શોધવાથી મળી જાય એને યાદ રાખવા માટે મહેનત નથી કરતો. ‘ આલ્બર્ટ આઇન્સ્ટાઇનની ભૂલી જવાની વાતો પણ અજીબ છે. એકવાર કૉલેજથી ઘરે જતી વખતે એ ઘરનો રસ્તો જ ભૂલી ગયા. એમણે રિક્ષા ડ્રાઈવરને કહ્યું હું આલ્બર્ટ આઇન્સ્ટાઇન છું તમને મારા ઘરનો રસ્તો ખબર હોય તો મારા ઘરે લઇ જાવ. રિક્ષા-ડ્રાઇવરને આલ્બર્ટ આઇન્સ્ટાઇનનુ ઘર ખબર હતુ પણ તેણે આઇન્સ્ટાઇનને ક્યારેય જોયા નહતા. આઇન્સ્ટાઇનને મળીને એ રિક્ષા ડ્રાઈવર રાજી થઇ ગયો. રિક્ષા-ડ્રાઇવરે તેમને ઘરે પહોંચાડી દીધા. એવી જ એક બીજી વાત છે. આઇન્સ્ટાઇન પ્રિસ્ટલથી રેલવેમાં ક્યાંક જતા હતા. રેઇલ-વે કંડેકટરે એમની પાસે ટિકિટ માંગી એટલે આલ્બર્ટ આઇન્સ્ટાઇ કોટ-પેન્ટના ખિસા ફંફોસવા માંડ્યા. પણ ટિકિટ ન મળી ત્યારે ટીસીએ કહ્યું, ‘ કંઈ વાંધો નહીં. હું તમને ઓળખું છું. તમે ટિકિટ લીધી જ હશે. ‘ છતાં આઇન્સ્ટાઇન ટિકિટ શોધતા રહ્યા ટીસીએ આશ્ચર્ય સાથે કહ્યું, ‘તમે ચિંતા ન કરો, તમારી પાસે કોઈ ટીકીટ નહીં માંગે. ‘ ત્યારે એમણે કહ્યું કે, ‘ મારે ટિકિટ શોધવી તો પડશે જ કારણ કે એ વગર મને ખબર કેવી રીતે પડશે મારે ક્યાં જવાનું છે ? ‘
નાની-નાની વાતોમાં ભુલક્કડ લાગતા આલ્બર્ટ આઈન્સ્ટાઈને સાપેક્ષવાદ દ્રશ્યમાન ઊર્જાના અદભુત સમીકરણો આપીને આજના વિકસિત અને ડિજિટલ લાગતા યુગનો મજબૂત પાયો નાખ્યો. એમના ફિઝિક્સના સંશોધનોને વિશ્વવિખ્યાત નોબેલ પારિતોષિકથી નવાજાયા. આઇન્સ્ટાઇન સરસ વાયોલીન વગાડતા. એમને નાવિક બની હોડી હંકારવી ગમતી. જોકે એમને તરતા નહોતું આવડતું. બાળપણમાં તેમના મોટા માથાને કારણે એમની માતાને એમ લાગતું કે, મારું બાળક વિકૃત બનશે. પરંતુ આજ બાળક મોટો થઈને વિશ્વવિખ્યાત વૈજ્ઞાનિક આલ્બર્ટ આઇન્સ્ટાઇન બનતા એમના મગજને લેબોરેટરીમાં સાચવવામાં આવ્યુ. અજીબ વાત તો એ છે કે, એક નોર્મલ માણસના મગજ કરતાં આઈન્સ્ટાઈનના મગજનું વજન ઘણું ઓછું હતું. એક સામાન્ય માણસના મગજનું વજન ચારસો ગ્રામની આસપાસ હોય છે જ્યારે આઇન્સ્ટાઇનના મગજનું વજન ૧૨૩૦ ગ્રામ હતું. હિટલરને કારણે આલ્બર્ટ આઈન્સ્ટાઈને જર્મનીને અલવિદા કરી. આઇન્સ્ટાઇન અમેરિકા આવીને વસ્યા. આઈન્સ્ટાઈનની પ્રતિભાને કારણે અમેરિકાની જાસૂસી કંપની સી.આઇ.એ.ના એજન્ટો એમની ઉપર સતત નજર રાખતા.
આઇન્સ્ટાઇન કહેતાં કે, જ્યારે શીખવાનું અટકે ત્યારે સમજી લેવું કે મૃત્યુ આવી રહ્યું છે. એ જીવ્યા ત્યાં સુધી પ્રશ્નો પૂછ્યા કરતા. જાણકારી અને માહિતી કોઈ પણ મૂર્ખ માણસ મેળવી લે, પણ જરૂર હોય છે આલ્બર્ટ આઇન્સ્ટાઇનની જેમ સાચી સમજ વિકસાવવાની. એ કહેતા કે, ત્રીજું વિશ્વ યુદ્ધ શેનાથી લડાશે એ ખબર નથી પણ ચોથું વિશ્ર્વયુદ્ધ લાઠીઓ અને પથ્થરથી જ લડાશે. આઇન્સ્ટાઇનના આ વિચાર ઉપરથી વિશ્વની વરવી વાસ્તવિકતાનો આબેહૂબ ચિતાર સ્પષ્ટ થાય છે. એમનો આ વિચાર ઉપર અનેક પુસ્તકો લખાયાં અને પરિસંવાદોમાં કલાકો સુધી પ્રબુધ્ધોએ ચર્ચાઓ કરી છે. આ જિનિયસ સાયન્ટિસ્ટને ૧૯૫૨માં અમેરિકાએ ઇઝરાયેલના રાષ્ટ્રપતિ બનવાની ઓફર કરેલી. ‘ એ રાજકારણ માટે નથી સર્જાયા ‘ કહીને નમ્રતાપૂર્વક આ ઓફરને એમણે નકારી દીધી હતી. વિશ્વના દાદુ બ્રેઈન આઈન્સ્ટાઈનની આ રોચક વાતો પરીક્ષાની મોસમમાં મમળાવીને વિદ્યાર્થીઓ આઉટ ઓફ બોક્સ... જરા હટકે વિચારે તો ઘણું.

ધબકાર
‘ જેણે ક્યારેય કોઈ ભૂલ નથી કરી એણે ક્યારેય કશું નવું કરવાની કોશિશ જ નથી કરી. ‘ - અલબર્ટ આઈન્સ્ટાઈ



https://www.gandhinagarsamachar.com/wp-content/epaper/april2018/10042018-6.pdf

હસી શકનારની ખુશીમાં આત્મવિશ્વાસનો શ્વાસ હોય છે


હસી શકનારની ખુશીમાં આત્મવિશ્વાસનો શ્વાસ હોય છે

બ્રહ્માંડમાં ત્રણ વસ્તુઓ ક્યારેય નષ્ટ થતી નથી, આત્મા, જાગૃતિ અને સ્મિત. હાસ્ય એક યુનિવર્સલ સત્ય છે.  દુનિયા સ્મિત કરવાવાળાઓની છે. ભલભલી મુશ્કેલીઓ હસતાં હસતાં હળવી કરી શકાય છે. થાકેલાઓ માટે મુસ્કાનભર્યો એક ચહેરો વિશ્રામનું ઉત્તમ સ્થાન છે. ઉદાસીના અંધકારમાં પટકાયેલા માટે હસતો ચહેરો સૂર્યના પ્રકાશ જેવો છે. કષ્ટ સામે પ્રકૃતિનો સર્વોત્તમ ઉપહાર એટલે મુસ્કાન. કાળા ડિબાંગ અંધારા તરફથી ઉજજવળ પ્રકાશ તરફ લઈ જવાનો મજબૂત રાજમાર્ગ સ્મિત છે. તકલીફ માત્ર એટલી જ છે કે, હસીને, આનંદ કરીને અને મોજ કરતા લોકો વચ્ચે કેટલાક સોગીયાઓ પણ આવી ચડ્યા છે.
દસ બાર વર્ષનો કિશોર સાયકલ ઉપર જઈ રહ્યો હતો. ચાર રસ્તાના નાકે છોકરાઓનું ગ્રુપ ઉભું હતું. આ કિશોર છોકરાઓ સામેથી સાયકલ પર પસાર થતો હતો અને ખાડામાં વીલ આવતાં એ ઉંધે માથે પટકાયો. એને પડતાં જોઈને પેલા છોકરાઓનું ગ્રુપ પહેલાં તો ઉપહાસપૂર્વક હસ્યું પણ પછી બીજી જ ક્ષણે આ છોકરાઓ સામે સ્માઈલ સાથે કિશોરે કહ્યું, ‘ખરી ગુલાટ ખાધી નહીં...?’, પેલા છોકરાઓ ઉપર પણ આની જાદુઈ અસર થઈ. દોડીને તેને ઊભો કરીને પુછવા લાગ્યા, ‘ દોસ્ત વાગ્યું તો નથીને !’. સાયકલ ઠીકઠાક કરી એને રવાના કર્યો. એક સ્માઈલીંગ ફેસથી આખી ઘટનાને સરસ વળાંક મળ્યો. નકારાત્મકતા હકારાત્મકતામાં પરિવર્તિત થઈ ગઈ. જે વ્યક્તિ પોતાની પર હસી નથી શકતી એક્યારેય એની આસપાસનું વાતાવરણ સરળ કરીને સત્યને નથી પામી શકતી. માણસ પૈસા રળવા અનેક વ્યવસાયો કરે છે. એમાં ક્યારેક ખોટ તો ક્યારેક નફો હોય છે. દુનિયામાં બે વસ્તુના વેપારમાં માત્ર ફાયદો જ ફાયદો છે. એક મુસ્કાન અને બીજું કોઈના માટે દુઆ. જીવન ખૂબ નાનું છે. સ્મિત ઉપર સવારી કરીને જિંદગી જીતી જવાય છે. જીવનમાં જે ઇચ્છો એ મેળવી લેવા માટે પરિશ્રમ, નિષ્ઠા અને સ્મિત રૂપી ત્રણ આંકાવાળી માસ્ટર કી હમેશા સાથે રાખવી જોઇએ.



એક મિત્ર શાકમાર્કેટમાં શ્રીમતીજી સાથે શાક લેવા માટે ગયા. બહાર ગાડીમાં બેઠા બેઠાં, શ્રીમતી શાક ખરીદીને આવે ત્યાં સુધી રાહ જોતા હતા. ફૂટપાથ ઉપર રમતી એક ચારપાંચ વર્ષની છોકરીને એ મિત્ર નીહાળતા સમય પસાર કરતા હતા. એવામાં છોકરીની પાછળથી એક આખલો દોડતો આવતો એમણે જોયો. છોકરીની પીઠ હતી એટલે છોકરીને આખલાની ખબર ન પડી. પણ આ મિત્રએ એક પળમાં ગાડીનો દરવાજો ખોલી ફૂટપાથ પર ધસી જઈ, છોકરીને ઊંચકીને આખલાના માર્ગમાંથી એને દૂર લઈ લીધી. નાનકડી છોકરીને આ ઘટનામાં કશી સમજ તો ન પડી પણ પેલા ભાઈ સામે નિર્મળ હસીને બોલી. ‘અંકલ, જોરદાર આખલો હતો...’ એક પળ માટે પણ કોઈના મુખ ઉપર સ્મિત લાવવાનું કારણ બની શકાય તો એનાથી ઉત્તમ બીજો કોઈ આનંદ ન હોઈ શકે. જે દિવસે ઓછામાં ઓછું દસ વાર ચહેરા ઉપર સ્મિત નથી આવતું તો સમજી લેવું પડે કે, આજે ઈશ્વરે આપણો ખૂબ મોટો ઉપહાસ કર્યો છે. જે વ્યક્તિ સતત દિવેલ પીધેલા મોઢે ફરતો હોય, જે હંમેશા રોદણાં રોતો હોય એને જીવન સાથે કોઈ સંબંધ નથી. જીવન તો હસતાં ગાતાં ફૂલ જેવું હોવુ જોઇએ. જનમ્યા છીએ એટલે હસતા કે રોતા જીવવાનુ તો છે જ. તો પછી શા માટે હસતા, ગાતા અને નાચતા ન જીવીએ. લોકોમાં વિશ્વાસ પેદાનો ઉત્તમ માર્ગ સ્મિતના સ્ટેશનથી જ શરૂ થાય છે.
સ્માઈલ એક એવી બાબત છે કે, તમારી પાસે થોકબંધ માત્રામાં હોય તો તમે ઇચ્છા એટલા લોકોને ધારો એટલી વાર મોજમાં લાવી શકો. ભમરો હંમેશા હસતો હસતો ગુંજન કરતો હોય છે. મુસીબતમાં જે મુસ્કાય એને એના જીવનમાં આનંદ ક્યારેય ન સુકાય. ગમે તેવા મોટા દુખદર્દને રોકવાનું અનોખું ટોનિક એટલે હાસ્ય. મોટું દર્દ કોઈના માટે હસવાનું કારણ હોઈ શકે, પણ મોટું હાસ્ય કોઈના માટે દર્દનું કારણ ક્યારેય ન બનવું જોઈએ. અઢી અક્ષરનો શબ્દ ‘પ્રેમ’ જેમ યુનિવર્સલ લેંગ્વેજ છે. એમ અઢી અક્ષરનો શબ્દ ‘સ્મિત’ વિશ્વનો સૌથી આનંદદાયક ‘કોન્સેપ્ટ’ છે. સ્મિત એ વિના મૂલ્યે મળતી કિમતી પ્રોડક્ટ છે. જો એક મજાક ઉપર વારંવાર હસી ન શકાય તો પછી એક મુશ્કેલીને હંમેશા દિમાગમાં રાખીને રડતાં કેમ રહેવાય ? રડવા માટે કારણો શોધવા કરતાં સ્મિતના માર્ગો પકડવા જોઈએ. કોઈ ઘટનાને આપણે સ્મિત સાથે આનંદપૂર્વક જોઇએ છીએ કે રોદણાં રડીને દુખી થઈએ છીએ એ સંપૂર્ણપણે આપણી ઉપર અવલંબીત છે.
જો તમને લાગે કે જીવનમાં કોઈપણ પ્રશ્ન જ નથી તો પછી કોઇ ચિંતા જ નથી. જો મુશ્કેલી છે અને એને નિવારવા માટેના કોઈ ઉપાય તમારી પાસે નથી તો પછી ચિંતા કરવાથી શો ફાયદો. ‘ચિંતા’ ઉપરથી અનુસ્વાર કાઢી નાખીએ તો ‘ચિતા’ થઇ જાય. ચિતા શરીરને એક વાર બાળે છે, જ્યારે ચિંતા વારંવાર, સતત માણસને બાળતી રહે છે. ફરક તો માત્ર એક અનુસ્વારનો છે પણ બન્ને શબ્દોની અનુભૂતિમાં આસમાન જમીનનો ફરક છે. ચિંતાથી સ્મિતને બારગાઉનું છેટું છે. ઓબ્યિસલી, તમારી ફેસ વેલ્યુને ઘટાડવામાં ચિંતા બહુ મોટો ભાગ ભજવે છે. ઘણી વાર એવું બનતું હોય છે કે તમારી સાથે બેસવાવાળા તમારી પાછળ મન ભરીને તમારી ખોદણી કરતા હોય. તમારો એના પર કોઈ કંટ્રોલ નથી. મારી ખોદણી કરતાં હશે, એવા વિચારોની ચિંતાના પરિણામે ચહેરાનું હાસ્ય વિલાઈ જાય છે. આ પ્રકારની નકારાત્મકતા સ્મિતનો સૌથી મોટો દુશ્મન છે. જે તમારા હાથમાં નથી અને જેના ઉપર તમે કોઈ નિર્ણય લઈ શકવાના નથી એવી બાબતની ચિંતા કરતાં આવા વિચારો મનમાંથી હડસેલીને સ્માઇલને કેમ ન આવકારીએ ?
માનવીનું સૌથી મોટું આભૂષણ એનું સ્મિત છે. જે વ્યક્તિ બાળકની જેમ નિર્દોષતાથી હસી શકે છે. એના માટે જીવનમાં કોઈ હર્ડલ જ નથી. હસી શકનારની ખુશીમાં આત્મવિશ્વાસનો શ્વાસ હોય છે. એક નાનકડું સ્મિત મોટામાં મોટી ગાંઠ ખોલી નાખે છે.  ખતરનાક અને ત્રાસજનક હાલતમાં પણ હાસ્યની કિલકારી મજબૂત અને મુલ્યવાન ઓજાર બનીને ઉભરી આવતું હોય છે. હમેશા મન, હૃદય અને આત્મા ત્રણેય એક સાથે બોલતા હોવા જોઈએ, ખુશ રહો, આબાદ રહો, હાસ્યની છોળો ઉડાડતા રહો.

ધબકાર :
શાંતિની શરૂઆત એક નાનડી મુસ્કાનથી થતી હોય છે.




ટેકનોલોજીની લગામ જેના હાથમાં એ સદાકાળ યુવાન


ટેકનોલોજીની લગામ જેના હાથમાં 
એ સદાકાળ યુવાન


કેટલાક લોકો ભરયુવાનીમાં પણ વૃદ્ધ હોય છે. યુવાનીને સડો લાગવાના મુખ્ય બે કારણો છે. આધુનિક નવી ટેકનોલોજીથી પરહેજ રાખે અને નાણાં રળવા સિવાય અન્ય કોઈ વાતમાં રસ ન લેવાની વૃત્તિ આ બે કારણે અકાળે વૃધ્ધત્વ આવતુ હોય છે. કલા, સપોર્ટ્સ, સંગીત, સાહિત્ય, ટેકનોલોજી જેવી બાબતો જે વ્યક્તિને બિનઉપયોગી લાગે તે યુવાન એ વૃદ્ધ છે. ટેકનોલોજીના ઉપયોગને સમય બગાડનારી પ્રવૃત્તિ તરીકે માનતો વ્યક્તિ બુઢ્ઢો છે. બુઢાપો માત્ર વયથી નથી જોવાતો. એક જગ્યાએ અટકી જઈને એક જ વિચારધારાની આસપાસ ફરનાર ઉંમરલાયક કહેવાય. સ્થગિત મનોવૃત્તિવાળી વ્યક્તિને બુઢાપો જકડી લેતો હોય છે. એક જગાએ બંધિયાર પાણી પણ  લાંબે ગાળે ગંધાઈ જાય છે. સમયની સાથે તાલ મિલાવી ટેકનોલોજી સાથે ન વિકસી શકનાર જ્યાંનો ત્યાં પડી રહે છે. સમય સાથે ન ચાલી શકનાર સડી જાય છે.



જુદા જુદા પરિમાણોના સહર્ષ સ્વીકાર સાથે અનુભવ મેળવી જે વધે એ જ વૃદ્ધ કહેવાય. બાકી  માત્ર વયથી વધતો અને કોઈ એક વાતની આસપાસ ભટકનાર વ્યક્તિ બુઢ્ઢો જ કહેવાય. આચાર, વિચાર અને છેલ્લે વય એમ ત્રણ માપદંડને આધારે વૃદ્ધત્વને મુલવી શકાય છે. ટેકનોલોજીની પુરપાટ ગતિ સાથે તાલ મિલાવનારની વય ગમે એટલી હોય પણ એ બુઢ્ઢો નથી એ વાત ચોક્કસ છે. ગુજરાતી ચિંતક અને લેખક પદ્મશ્રી ગુણવંતભાઈ શાહે એક જગાએ લખ્યું છે કે, ખિસકોલી ઘરડી થાય તો પણ દોડવામાં ધીમી પડતી નથી, પુષ્પ ખરવાની અણી ઉપર હોય તો પણ સુગંધ આપવામાં પાછી પાની કરતું નથી, હરણ ગમે તેટલું ઘરડું થાય એની દોડવાની ગતિ જળવાઈ રહે છે. ખિસકોલી, હરણ, પુષ્પ વગેરે સમય સાથે તાલ મિલાવી જાણે છે એટલે એની જીવવાની સ્પીરિટ શાનદાર હોય છે.
આંતરરાષ્ટ્રવાદના રાજકીય સિદ્ધાંતના જનક અને નોર્વેના દાદુ ઇતિહાસવિદ ક્રિસ્ટીન લાઓસે ટેકનોલોજીના સંદર્ભમાં એક ચોંટદાર વાત કહી છે. ક્રિસ્ટીન કહેતા કે, ‘ ટેકનોલોજી અત્યંત ઉપયોગી મહત્વપૂર્ણ સેવક છે. પણ જો એનો પ્રભાવ તમારા ઉપર વધ્યો તો એ ખતરનાક માસ્ટર છે. ’ આધુનિક યુગમાં ટેકનોલોજીએ આંગળીના ટેરવા પર સમસ્ત વિશ્વનો આનંદ ઉત્સવ બનાવીને મુકી દીધો છે. જે વ્યક્તિ ટેકનોલોજીથી મોં ફેરવીને નાકનું ટેરવું ચઢાવે છે એને સપ્તરંગી વૈશ્વિક ઉત્સવોની ગતાગમ જ ન પડે.
ટેકનોલોજીકલ બુમને કારણે વિશ્વની અડધા ઉપરાંતની વસતી ઓનલાઈન થઈ ગઈ છે. ડબલ્યુ ડબલ્યુ ડબલ્યુ એટલે કે, વર્લ્ડ વાઈડ વેબનું જાળું (નેટ). આ જાળુ રચાયાને ૩૦મો જન્મદિવસ છે. બરાબર ૨૯ વર્ષ પહેલાં ૧૯૮૯માં માર્ચ મહિનામાં બ્રિટનના ટીમ બર્નર્સ લી અને રોબર્ટ સાઈલાએ ભેગા મળીને વર્લ્ડ વાઈડ વેબનો પ્રાથમિક કાચો ખ્યાલ વિશ્વ સમક્ષ રજૂ કર્યો હતો. નેટક્રફ્ટના અહેવાલ અનુંસાર આજે સમસ્ત વિશ્વમાં ૬૪૪ મિલિયન એક્ટિવ વેબસાઇટ્સ છે અને પ્રતિદિન એમાં વધારોથતો જાય છે. ટીમ બર્નર્સ લી ટેકનોલોજીકલ એન્જિનિયર તો હતો જ પણ સાથે સાથે અદભુત ચિંતક અને વિચારક પણ હતો. આધુનિક યુગમાં વર્લ્ડ વાઈડ વેબને ઈન્ટ્રોડ્યુસ કરીને ૩૬૦ ડિગ્રીએ ટેકનોલોજીકલ પરિવર્તન કરનાર ટીમ બર્નર્સ લીના વિચારો દુનિયાભરના યુવાનો માટે અત્યંત પ્રેરણાદાયી અને માર્ગદર્શક બની રહ્યા છે. બ્રિટીશ કોમ્પ્યુટર વૈજ્ઞાનિક ટીમ લી દ્રઢપણે માનતા કે, ડેટા તે અત્યંત મૂલ્યવાન વસ્તુ છે, તેનું આયુષ્ય સીસ્ટમની સરખામણીમાં ઘણું લાંબુ હોય છે. ડેટા લાંબો સમય ટકતો હોય છે.  નેટને સરહદોના વાડા બાંધી શકતા નથી. નેટ સંસ્કૃતિઓને જોડીને વિશ્વના લોકોને એકમેકથી નજીક લાવે છે. છેલ્લા ત્રણ દાયકામાં નેટવર્કીંગ સિસ્ટમથી દુનિયા સમેટાઈને માનવીની આંગળીના ટેરવે આવી ગઈ છે. બીજા શબ્દોમાં કહીએ તો વસુધૈવ કુટુમ્બકમની ભારતીય સંસ્કૃતિનો મોડર્ન અવતાર એટલે ઇંટરનેટ ટેકનોલોજી. ટીમ લી અને એના મિત્રોએ વર્લ્ડ વાઈડ વેબનો વિચાર કર્યો ત્યારે એમનો મૂળ ખ્યાલ હતો માહિતીની આપલે દ્વારા વૈશ્વિક વાતચીતનું પ્લેટફોર્મ ઊભું થાય. સામાન્ય રીતે એવો અનુભવ છે કે, વેબ યુઝર્સને માહિતી અને ડેટા મેળવવામાં જ રસ હોય છે. એમને વેબસાઈટના દેખાવ, ફોટા કે પછી રંગરોગાનમાં ઓછો રસ હોય છે.
અંગ્રેજી ફિલ્મ જ્યુરાસિક પાર્કના વિશાળકાય ડાયનાસોરને ટેકનોલોજીથી જીવંત કરીને દુનિયાને ફફડાવી નાખનાર ઈન્ટેલિજન્ટ અમેરિકન રાઇટર, ડાયરેકટર, પ્રોડ્યુસર સ્ટીવન સ્પિલબર્ગના મતે ટેકનોલોજી માનવીનો શ્રેષ્ઠ મિત્ર બની શકે છે. પ્રતિપળ દુનિયાને વધુ બહેતર બનાવવાની ક્ષમતા ટેકનોલોજીમાં રહેલી છે. ટેકનોલોજી સાથે તાલ મિલાવીને ચાલવામાં બદલાતા જતા ત્રીજા વિશ્વની માહિતી મેળવવાના આનંદની સાથે નવા પ્રકારના અનુભવનુ ભાથું મળતું હોય છે. નવી વાત ત્યારે જ ગળે ઉતરે કે જ્યારે વ્યક્તિ નાના બાળકની જેમ શીખવાની તત્પરતા  દાખવે. ૧૯૫૫માં બ્રિટનમાં જન્મેલા ટીમ લી ટેકનોલોજીના ઘોડા ઉપર સવાર થઈને કમ્પ્યુટર એન્જિનિયરીંગના વિષયને હાર્વર્ડ યુનિવર્સિટીમાં તેજોતર્રાહ છોકરાઓને કોમ્પ્યુટર સાયન્સ શીખવે છે. ટીમ બર્નર્સ લીની પ્રોડક્ટની નેટવેલ્યુ પાંચ કરોડ યુએસ ડોલર છે. સ્નાતક બન્યા બાદ બર્નર્સ લીએ ટેલિકોમ્યુનિકેશનની એક કંપનીમાં એન્જિનિયર તરીકે કામ કર્યું. ત્યારબાદ ડી. જી. નેશમાં લી જોડાયા. તેમણે  સીઈઆરએનમાં કોન્ટ્રાક્ટર તરીકે પણ કામ કર્યું. જીનીવામાં બર્નર્સ લીએ હાયપર ટેક્ષ્ટના વિચાર ઉપર આધારિત એક પ્રોજેક્ટ પ્રસ્તાવિત કર્યો. સીઇઆરએન એટલે યુરોપીયન ઑર્ગેનાઇઝેશન ફોર ન્યુક્લિઅર રીસર્ચ. સીઈઆરએન યુરોપનું સૌથી મોટું ઈન્ટરનેટ નોડ કહેવાય છે. એમા ૨૫૦૦ જેટલા વૈજ્ઞાનિકો, સંશોધકો, ટેકનિકલ તજજ્ઞો કામ કરે છે. વિશ્વભરના ૧૨,૦૦૦ કરતાં વધુ વૈજ્ઞાનિકો અને ટેકનિકલ તજજ્ઞો સીઇઆરએન પ્રયોગશાળાનો ઉપયોગ કરે છે. બર્નર્સ લીની ૧૯૮૯માં કરેલી દરખાસ્ત ૧૯૯૦માં પુનર્જિવીત થઇ. ટીમની પ્રપોઝલનો સહર્ષ સ્વીકાર પણ થયો. લીએ વર્લ્ડ વાઈડ વેબ બનાવવા માટે તેના આ પ્રેઝન્ટેશનના વિચારોના આધારે જ યોજના મૂર્તિમંત કરી.
ટેકનોલોજી સાથે કદમ મિલાવી જિંદગીના છ દાયકા પછી પણ યુવાન રહેતા બર્નર્સ લીને ૨૦૦૯માં બ્રિટીશ પ્રાઈમ મીનિસ્ટર ગોર્ડન બ્રાઉનની મિનિસ્ટ્રીમાં યુનાઈટેડ કિંગડમની સરકાર સાથે કામ કરવા માટે નિમંત્રિત કરવામાં આવ્યા. ૨૦૦૯ના વર્ષમાં જ બર્નર્સ લીએ વર્લ્ડ વાઈડ વેબ ફાઊન્ડેશનની રચના પણ કરી. પ્રતિદિન નવતર પરિવર્તનો કરીને નવી નવી ટેકનોલોજીનો ઉપયોગ કરીને વર્લ્ડ વાઈડ વેબ કુદકે ને ભૂસકે વધુ ને વધુ સક્ષમ બનતું જતું હતું. ટેકનોલોજીના અરેબિયન ઘોડા ઉપર સવાર થઈને બર્નર્સ લીથી માંડીને સ્વીવ જોબ્સ, બિલ ગેટ્સથી માંડીને અજીમ પ્રેમજી, મુકેશ અંબાણીથી માંડીને અદી ગોદરેજ કે પછી સીલ્વેસ્ટર સ્ટેલોનથી માંડીને અમિતાભ બચ્ચન જેવા વ્યક્તિત્વોને જીવનના છ, સાત કે આઠ દાયકા પછી પણ વૃદ્ધ કહેવા ગમતા નથી. આ લોકો ટેકનોલોજીની લગામ હાથમાં રાખીને સદાકાળ યુવા રહે છે. એજ ટેકનોલોજી સર્વશ્રેષ્ઠ કહેવાય કે જે લોકોને યુવાનની જેમ સતત વ્યસ્ત અને મસ્ત રાખે. ટેકનોલોજી લોકોને એકમેકની નજીક લાવે છે. ટેકનોલોજીથી મનનું, હૃદયનું અને ભૌગોલિક વિસ્તારનું અંતર ઘટતુ હોય છે. જેણે ટેકનોલોજીથી મોં ફેરવ્યું છે એણે જીવનનો ચાર્મ ગુમાવ્યો છે.

ધબકાર :
ટેકનોલોજીના જમાનામાં બધું જ ખૂબ ઝડપથી બદલાતું હોય છે, પહેલાં ‘કિટ્ટા’ કહેવાતી હતી એ હવે ‘બ્લોક’ કહેવાય છે.




‘ઉત્સવ’થી દુનિયાને ભારતના ભોજનમાં સંસ્કૃતિની સોડમનો અહેસાસ કરાવનારા વિરલાની કહાની


‘ઉત્સવ’થી દુનિયાને ભારતના ભોજનમાં સંસ્કૃતિની સોડમનો અહેસાસ કરાવનારા વિરલાની કહાની
                                                                        
‘સ્વાદ’ શબ્દ સરસ છે. ભોજનનો ‘સ્વાદ’ હોય કે જીવનનો ‘સ્વાદ’ હોય, ‘સ્વાદ’ની લાગણી હંમેશા મોજ આપે છે. ‘સ્વાદ’ની સોહામણી તાકાતને ઉજાગર કરતી એક ક્લીપ યુ-ટ્યુબ પર હમણા હમણા જબરી વાયરલ થઈ છે. જો કે આ ક્લીપમાં મૂળ વાત તો  સ્વાભિમાન અને સ્વની ઓળખના સત્કારની છે, પણ એના પાયામાં જીભનો ચટાકો છે. ભારતથી માંડીને અમેરિકા અને બ્રિટનના રાજઘરાના સુધી જેની રેસીપીની ચર્ચા છે, શાહરૂખથી માંડીને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને બરાક ઓબામા - પોપથી માંડીને બ્રિટનની ક્વીનને જેણે સ્વાદસભર ભોજન કરાવ્યું છે, એવા હિન્દુસ્તાનના પંજાબી પુત્તર વિકાસ ખન્નાની આ મજેદાર વાત છે. વિકાસ ખન્ના દુનિયાનો ‘સેલિબ્રિટી શેફ’ છે.



        રાઈટર, ડાયરેકટર, પ્રોડ્યુસર, ફિલ્મ મેકર એન્ડ વ્હોટ નોટ... ઘણા ક્ષેત્રોમાં વિકાસ ખન્નાએ ગજબનું ખેડાણ કર્યું છે. ‘ઉત્સવ’ પુસ્તક અને ‘હોલી કિચન્સ’ ડોક્યુમેન્ટરીથી આ પંજાબી પુત્તરની દુનિયાભરમાં નામના અને ચાહના છે. આ ડોક્યુમેન્ટરી કોઈ સામાન્ય ડોક્યુમેન્ટરી નથી, વ્હાઇટ હાઉસથી માંડીને ઓક્ષફોર્ડ અને હાર્વર્ડથી માંડીને પ્રિસ્ટન જેવી વિશ્વના ‘ટોપ મોસ્ટ ઇંટેલિજંટ ફ્લોર’ ઉપર આ ડોક્યુમેન્ટરી દુનિયાના પ્રબુદ્ધોએ જોઇ છે. ભાઈચારા અને સૌહાર્દની ભારતીય સંસ્કૃતિને વિકાસ ખન્નાએ આ ડોક્યુમેન્ટરી અને પુસ્તકમાં કેન્દ્રસ્થાને રાખી છે. એની સ્ટોરીની શરૂઆત જ ‘લંગર’ જમણના પંગતના વિષયથી થાય છે. સાથે બેસીને વહેંચીને ભોજન લેવાની અને ભોજન કરાવવાની પૌરાણિક હિન્દુ ગુરુઓની પરંપરામાં હૃદયની ઊર્મિઓની ભાવનાને એક્સ્ટ્રા ઓર્ડિનરી રીતે વિકાસ ખન્નાએ ઉજાગર કરી છે. દુનિયાભરના ગોરા અને કાળા લોકોને ભારતના ભોજનનો સ્વાદ અને સંસ્કૃતિનો થયો છે.   
        વિકાસ જ્યારે આ ડોક્યુમેન્ટરી અને પુસ્તક માટે સ્ક્રીપ્ટ રાઈટીંગ કરતો હતો તે વેળાનો રૂવાડા ખડા કરી નાખે એવો એક કિસ્સો છે. રૂમમાં બેસીને વિકાસ જ્યારે લખવાનું કામ કરતો હતો ત્યારે એક સાથી ગોરા અમેરિકને એને પૂછ્યું કે ‘હેઈ બડી, વોટ યુ આર રાઈટીંગ ?’ વિકાસે એને ‘હોલી કિચન્સ’નો વિષય કહ્યો. ત્યારે, એ અમેરિકન બોલ્યો ‘યુ રાઈટ એનીથીંગ બટ, આઈ વીલ રાઈટ ટેન ટાઈમ્સ બેટર ધેન યુ...’ એટલે કે ‘તારા કરતાં દસ ગણું સારું હું લખી શકું છું.’ વિકાસને આશ્ચર્ય થયું અને પૂછ્યું, ‘કેમ, હું અમેરિકન અંગ્રેજીમાં નથી ભણ્યો એટલે ?’ ત્યારે પેલા અમેરિકન સાથીએ કહ્યું, ‘ના, તારી ચામડીના રંગને કારણે તું ક્યારેય અમારાથી સારું ન લખી શકે.’ વિકાસને થયું કે, ચામડીનો રંગ તો ઈશ્વરે આપેલી મૂલ્યવાન બક્ષીસ છે. ચામડીનો રંગ જ માનવીની સાચી ઓળખ છે. કાળી કે ઘઉંવર્ણી ચામડી શરમનો વિષય નથી, એ જ તો અસલ ઓળખ છે. ચામડીની ઓળખ ક્યારેય નીચે નથી પાડતી. ચામડીના રંગની ઓળખ તો માનવીને ઉપર ઉઠાવવાનું કામ કરે છે.
વિકાસના ‘ઉત્સવ’માં ભાતીગળ ભારતના જુદા જુદા અદભુત શેડ છે. એમાં ભારતના તહેવાર, વહેવાર, સંસ્કૃતિ, સંસ્કાર, ઓળખ, પ્રાર્થના, ભાષા, પહેરવેશ, અમીરી, ગરીબી વગેરેની ઓળખનો મજાનો ઉત્સવ છે. આ બધા પાસાંઓને એવી અનોખી રીતે પુસ્તકમાં ઉજાગર કરવામાં આવ્યા છે કે, વ્હાઈટ હાઉસમાં બરાક ઓબામા, ભારતના લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી, યુએસના પૂર્વ પ્રમુખ બીલ ક્લીન્ટન, વિશ્વના યુવા હૃદયોની ધડકન ટેકનોક્રેટ ફેસબુકજનક ઝકરબર્ક, બર્કીંગહામ પેલેસના ક્વીન અને પોપ જેવા મહાનુભાવોને પણ મનલુભાવન લાગ્યા. વિશ્વના આવા પ્રબુદ્ધ અને મેઘાવી વ્યક્તિત્વોને વિકાસે જ્યારે ‘ઉત્સવ’ અર્પણ કર્યું ત્યારે ભારતના સંસ્કાર અને સંસ્કૃતિને વિશ્વના મંચ ઉપર સ્થાન મળતા પ્રત્યેક હિન્દુસ્તાનીની છાતી ગજ ગજ ફુલી. વર્ષ ૨૦૦૫માં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં આ પુસ્તક રીલીઝ થયું. કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પહેલીવાર કોઈ પુસ્તક રીલીઝ થયું હતુ.
        અમૃતસરના એક પંજાબી સંયુક્ત કુટુંબમાં વાંકા પગ સાથે જન્મેલો વિકાસ બાળપણમાં શાળા અને શેરીમાં હાંસીનુ પાત્ર બન્યો. વાંકા પગને કારણે એ બીજા બાળકો જેવી રીતે ન વર્તી શકતો. ડોકટરોએ એની ‘બીજી’ને કહ્યું, વિકાસ અન્ય બાળકો સાથે ક્યારેય રમી-દોડી નહીં શકે. પંજાબીમાં માને ‘બીજી’ કહે છે. પણ પાછી પડે એ પંજાબણ શાની. ‘બીજી’તો ડોકટરને કહેતી એેને દોડવાનું ક્યાં છે, એને તો ઉડવાનું છે. ‘બીજી’ એક પછી એક ડોકટરોને બતાવતી ગઈ. વિકાસના ઓપરેશન કરાવતી ગઈ. ‘બીજી’ની શ્રદ્ધા અને ઈશ્વરની કૃપા કામ કરી ગઈ. વાંકા પગવાળો વિકાસ બિલકુલ સ્વસ્થ અને તંદુરસ્ત પગવાળો સ્માર્ટ પંજાબી મુંડો બની ગયો.
        વર્ષ ૨૦૦૦માં નવા સપના અને અરમાનો સાથે યુવાન વિકાસ ખન્ના અમેરિકામાં પહોંચ્યો. પરદેશમાં પગ જમાવવાનું આસાન ન હતું. સફાઈ, વાસણ માંજવા, નાના-મોટા ઈવેન્ટ મેનેજ કરવા જેવા કામ એણે કર્યા. લગભગ ૩૧ જેટલી નોકરીઓ વિકાસે અમેરિકામાં કરી. છેલ્લે જે અમેરિકન ગોરાને ત્યાં એ નોકરી કરતો હતો ત્યાં તેના હાથ ઉપર કોઈપણ કારણ વગર અમેરિકન ગોરાએ મારવાની કોશિષ કરી, પણ હાથ ખસેડી લેતાં વિકાસને કોઈ ગંભીર ઈજા ન થઈ. અને બસ ત્યારથી વિકાસે એ નોકરી છોડી દીધી. એણે મનોમન સોગંદ લીધા કે, હવે હું કંઈક કરીને બતાવીશ. અને બસ... ત્યારથી ‘ઉત્સવ’ પુસ્તકના બીજ નંખાઈ ગયા. અહીં યાદ આવે છે, ૧૮૯૩માં સાઉથ આફ્રિકાના પીટ્સબર્ગ રેલવે પ્લેટફોર્મ ઉપર રેલવે કંડકટરે એક વ્યક્તિને નીચે ફેંક્યો એ ઘટનાની. નીચે ફેકાયેલો વ્યક્તિ દુનિયાભરમાં મહાત્મા ગાંધી તરીકે ઓળખાયો અને નીચે ફેંકનારા એ ગોરા રેલવે કન્ડકટરનું નામ આજે દુનિયામાં તો શું એના ગામમાં પણ કોઈને ખબર નથી. બસ, એ જ રીતે વિકાસને હાથ ઉપર મારવા જતાં પેલા ગોરાનું નામ આજે ન વિકાસને યાદ છે, કે દુનિયામાં એ ગોરાનો કોઈને ખ્યાલ છે. પણ ‘ઉત્સવ’, ‘હોલી કીચન્સ’ અને વિકાસ દેશ-દુનિયામાં ડંકો વગાડે છે.
        ઓગસ્ટ ૨૩, ૨૦૦૫ના રોજ વિકાસના જીવનમાં સોનેરી સૂરજ ઉગ્યો. ‘જેમ્સ બીયર્ડ હાઉસ’ કે જે રેસીપીની દુનિયામાં ‘ઓસ્કર’ લેવલનું સ્થાન ધરાવે છે, એ ઈવેન્ટમાં વિકાસને ‘જેમ્સ બીયર્ડ’ એવોર્ડ મળ્યો. રાતોરાત યુએસ સહિત વિશ્વભરના રેસીપી વર્લ્ડમાં વિકાસનો ફ્રેશ ચહેરો ફેમસ થઈ ગયો. પછી તો એ અમેરિકાની જાણીતી યુનિવર્સિટીમાં ‘રીલીજીયન ઓફ ફુડ’ વિષય ઉપર સંશોધન અભ્યાસ કરવા ગયો. ‘ઉત્સવ’ પુસ્તકની જર્ની અહીં પૂરપાટ ઝડપે આગળ વધી.
        આજે તો આ ઈન્ટનેશનલ ફેઈમ શેફ વિકાસ ખન્નાની રસોઈ ખાઈને દુનિયા આખી આંગળા... સોરી, સ્પુન અને ફોર્ક ચાટે છે. ન્યુયોર્કના પોશ એરિયામાં વિકાસની ‘મિશન ઈન સ્ટાર’ રેસ્ટોરન્ટના સ્વાદની ગજબની બોલબાલા છે. મોટી મોટી સેલિબ્રિટીઝ ‘મિશન ઈન સ્ટાર’માં ફૂડ લેવાનું ગૌરવ અનુભવે છે. જે બાળક ક્લેપફીટ સાથે શેરી અને શાળામાં બીજા બાળકોથી ખૂબ તરછોડાયો અને જેને ગોરાઓએ ખૂબ હ્યુમિલીયટ કરવાનો એક પણ મોકો ન છોડ્યો, એવા વિકાસ ખન્નાએ દુનિયામાં આગવી ઓળખ પ્રસ્થાપિત કરી. હાથ ઉપર મારવાની કોશિષ કરવાવાળો અમેરિકન પેલા રેલવેના કંડકટરના રૂપમાં વિકાસની જિંદગીમાં આવ્યો હતો. દુનિયા જ્યારે દબાવે ત્યારે સહનશક્તિ વધુ નિખાર લાવતી હોય છે. દરેકના જીવનમાં ‘વર્ષ ૧૮૯૩’ અને ‘ધક્કો મારતો રેલવે કંડકટર’ આવતો હોય જ છે. માત્ર સ્થળ, સંજોગ, સંદર્ભ અને વ્યક્તિ જુદા હોય છે.

ધબકાર –
પોતાની ઓળખનુ ગૌરવ ન હોવાને કારણે આપણામાંના ઘણાને ખ્યાલ આવતો નથી કે, આપણે કેટલા શક્તિશાળી છીએ અને આપણી તાકાત કેટલી અમાપ છે.




હું ગુજરાતી એ વાતથી જ ગજ ગજ ફૂલે છાતી...


હું ગુજરાતી એ વાતથી જ 
ગજ ગજ ફૂલે છાતી...
  
ઠાઠ માઠ હકડેઠઠ, જોતાં વેંત લાગે છે, કડેધડે આજ ગુજરાત છે, આથમણી ખડકીનો નોખો અસબાબ, મુઠ્ઠી ઊંચેરું રાજ ગુજરાત છે, વિકાસની વાતું નહીં, વિકાસ વાતુંમાં નહીં, ઘુઘવાતો સાચો વિકાસ છે, મુઠ્ઠી ઉંચેરું રાજ ગુજરાત છે… તાજેતરમાં ક્રેસીલ દ્વારા સ્ટેટ ઓફ ગ્રોથનો રિપોર્ટ જોયો ત્યારે વર્ષો પહેલા જામનગરના સર્જક ભાનુકુમાર જોષી ‘સનાતને’ લખેલી આ રચના માનસપટ ઉપર ઉભરી આવી. ‘સનાતન’ની ભાષામાં કહીએ તો, ‘વિકાસની વાતુ નહીં વિકાસ વાતુમાં નહીં ઘુઘવાતો સાચો વિકાસ’ ક્રેસીલે દુનિયા સામે મૂક્યો. ક્રેસીલ એટલે ક્રેડિટ રેટિંગ ઈન્ફર્મેશન સર્વિસિસ ઓફ ઇન્ડિયા લિમિટેડ. વૈશ્વિક વિશ્લેષણો કરીને દેશ અને દુનિયાના પ્રબુદ્ધો સમક્ષ ક્રેસીલ મુકે છે. સચોટ વિષ્લેશણ કરતી વિશ્વસનીય સંસ્થા તરીકે ક્રેસીલની દુનિયાભરમાં નામના છે. વૃદ્ધિ, ફૂગાવો અને નાણાંકીય સદ્ધરતાના ત્રણ મુખ્ય માપદંડોના આધારે ક્રેસીલે વર્ષ ૨૦૧૩થી ૧૭ના પાંચ વર્ષના સમયગાળામાં સૌથી વધુ ઝડપી વૃદ્ધિનું પૃથક્કરણ કરીને એક અહેવાલ પ્રસ્તુત કર્યો. આ અહેવાલમાં ક્રેસીલે ગુજરાત રાજ્યને સૌથી વધુ ઝડપી વૃદ્ધિ પામતાં રાજ્ય તરીકે દર્શાવ્યું છે. ક્રેસીલના મંતવ્ય અનુસાર ગુજરાતે બાંધકામ અને ઉત્પાદન ક્ષેત્રે સૌથી વધુ વિકાસ કરીને બહેતરીન પ્રદર્શન કર્યું છે. ગુજરાતમાં ઉત્પાદન ક્ષેત્રના કુલ મૂલ્ય વૃદ્ધિ ૨૮.૪ ટકાથી વધીને ૩૪.૪ ટકા સુધી પહોંચી છે. પ્રત્યેક ગુજરાતીની છાતી ગજ ગજ ફૂલે એવી વાત એ છે કે, આ ઉત્પાદન મૂલ્યવૃદ્ધિ ચીનમાં જોવા મળતાં ઉત્પાદન મૂલ્યવૃદ્ધિની લગોલગ છે. ક્રેસીલે એવું પણ નોંધ્યું છે કે, ૨૦૧૩થી ૨૦૧૬ વચ્ચે રોજગારીનું મહત્તમ સર્જન કરતાં ક્ષેત્રોના મૂલ્યવર્ધનમાં અને એકંદરે ઘરગથ્થું આવકની વૃદ્ધિ ધરાવતાં દેશના અગ્રણી ત્રણ રાજ્યોમાં ગુજરાત દબદબાપૂર્વકનું સ્થાન ધરાવે છે.



ગાંધીનગરના સંવેદનશીલ સર્જક કવિ કિશોર જીકાદરાના શબ્દો છે. ‘ નંબર વન ગુજરાત મારું, નંદનવન ગુજરાત, કરોડ સાડા છ સ્વજન છે, બહોળો છે પરિવાર, સમરસ થઈ એ ટીલ્લો લે છે, સુખમાં અપરંપાર, માંડે છે પ્રગતિના પંથે કદમ દિવસ રાત મારું નંબર વન ગુજરાત...’
પ્રદેશ અને દેશની આર્થિક સદ્ધરતા માટે વિદેશી મૂડીરોકાણની બહુ મોટી અહેમીયત હોય છે. ૨૦૧૬-૧૭માં ગુજરાતે ૩.૩૬ અબજ ડોલર એટલે કે, રૂ. ૨૨૬૧૦ કરોડની અધધધ રકમનું સીધું વિદેશી મૂડી રોકાણ આકર્ષિત કરી વિક્રમ સર્જ્યો. ૨૦૧૫-૧૬ના આંકડા મુજબ રૂ. ૧૪,૬૬૭ કરોડનું ફોરેન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ થયું હતું. તેમાં ૫૪ ટકાનો મસમોટો ઉછાળો ગુજરાતની આર્થિક સદ્ધરતાની મજબૂત ગવાહી આપે છે. આખા દેશમાં વિદેશી મૂડીરોકાણ આકર્ષવામાં ગુજરાત ત્રીજા ક્રમે આવે છે. ટકાવારીની દ્રષ્ટિએ જોઈએ તો દેશમાં આવતા કુલ સીધા વિદેશી મૂડીરોકાણમાં વર્ષ ૨૦૧૫-૧૬માં ગુજરાતનો ૫.૬૦ ટકા હિસ્સો હતો અને વર્ષ ૨૦૧૬-૧૭માં તે વધીને ૭.૭૫ ટકા થયો છે ત્યારે કવિ કૃષ્ણ દવેની પેલી મઝાની પંક્તિ ગૌરવભેર ગાવાનુ મન થઇ જાય, ‘નવી સવારે નવું કિરણ લઈ આવ્યું નવલી વાત, અમારું નવું નવું ગુજરાત, નવા જ સંકલ્પોને લઈને પગટ્યું નવું પ્રભાત, અમારું નવું નવું ગુજરાત...’



નેશનલ કાઉન્સિલ ઓફ એપ્લાઈડ ઈકોનોમિક્સ રીસર્ચ (એનસીએઈઆર)ના વિચારકો દ્વારા દેશમાં સૌથી વધારે રોકાણ માટેની ક્ષમતા ધરાવતાં રાજ્યોના સંદર્ભે એક અભ્યાસ કરવામાં આવ્યો હતો. આ અભ્યાસમાં સૌથી વધારે રોકાણની ક્ષમતા ધરાવતા ૨૧ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની યાદીમાં ગુજરાત ટોચના સ્થાને બિરાજે છે. ઈન્વેસ્ટમેન્ટ પોટેન્શિયલ ઈન્ડેક્ષ –એસીઆઈપીઆઈ-૨૦૧૭ના એક અહેવાલ મુજબ દેશના વિવિધ રાજ્યોને તેમની ઔદ્યોગિક હરિફાઈ અને રોકાણની શક્યતા-પરિસ્થિતિનું આકલન કરીને રોકાણની ક્ષમતા અંગેનો ક્રમાંક નક્કી કરે છે. એનસીએઈઆર તેનો અહેવાલ તૈયાર કરવામાં શ્રમ, આંતરમાળખાકીય સવલત, ઈકોનોમિક એન્વાયરમેન્ટ, રાજકીય સ્થિરતા અને શાસન પ્રણાલી, દીર્ઘદ્રષ્ટી અને જમીન જેવા છ આધારસ્તંભો અને ૫૧ પેટાસૂચકાંકોને ધ્યાનમાં લેતું હોય છે.
ઔદ્યોગિક માલસામાનની હેરફેર અને પરિવહન કાર્યક્ષમતાને પ્રસ્તુત કરતાં સૂચકાંકમાં પણ આપણું ગુજરાત અવ્વલ સ્થાને મુસ્કુરાતુ ઉભું છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયની નવા લોજિસ્ટીક ઈઝ એક્રોઝ ડિફરન્ટ સ્ટેટસના ઈન્ડેક્ષ (એલઆઈએડીએસ)માં ગુજરાતને અગ્રહરોળમાં સ્થાન આપવામાં આવ્યું છે. આ સૂચકાંક તૈયાર કરવામાં ઈન્ફ્રાસ્ટક્ચરલ ફેસિલીટીઝ, સર્વિસિસ, ગુડ્સ સિક્યોરિટી, ટાઈમ બાર, રોડ્સ વગેરે પ્રકારના મૂલ્ય આધારિત માપદંડો હોય છે. ‘હું એવો ગુજરાતી, જેની હું ગુજરાતી એ વાતથી જ ગજ ગજ ફૂલે છાતી...’ કવિ વિનોદ જોષીની આ રચના એલઆઈએડીએસની વાત વાંચતા રોમે રોમથી ગાતી, ગુનગુનાતી ખળખળ સાહજીક રીતે વહેવા લાગે છે.
એસોસિએટેડ ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ ઓફ ઇન્ડિયા જેને લોકો એસોચેમના નામથી વધુ જાણે છે, એના અહેવાલ મુજબ ગુજરાતને ઉત્પાદન ક્ષેત્રમાં ઉભરતા રાજ્યમાં ટોચનું સ્થાન આપવામાં આવ્યું છે. આ અહેવાલ રાજ્યમાં ફેકટરીઓની સંખ્યા, કાર્યકારી મૂડી, ચોક્ખી સ્થાયી મૂડી ઊભી કરવી, તૈયાર થયેલું ઉત્પાદન, મૂડી રોકાણ  અને કુલ નિવેશ અંગે રાજ્યની થયેલી કામગીરીના માપદંડોના આધારે તૈયાર કરવામાં આવે છે.  એસોચેમમાં ઈકોનોમિક્સ રિસર્ચ બ્યુરોના મેન્યુફેકચરીંગ એક્ષલન્સ એન્ડ ઈમરજન્સ ઈન ઈન્ડિયા – ધ સ્ટેટ લેવલ એનાલિસિસનો અહેવાલ ખૂબ મહત્વ ધરાવતે હોય છે. એસોચેમના અહેવાલ અનુસાર ગુજરાતનો ઓપરેશનલ રેશિયો, મૂલ્યવર્ધન અને નિવેશ ખર્ચ જેવા પરિમાણોમાં ગુજરાતે ખૂબ સુંદર કામગીરી કરી છે.
દેશના સ્પેશ્યલ ઈકોનોમિક ઝોનની નિકાસમાં ગુજરાત ૩૦ ટકા જેટલો હિસ્સો ધરાવે છે. વર્ષ ૨૦૧૪-૧૫ અને ૧૫-૧૬માં ૨૦ ટકાના ઘટાડા પછી વર્ષ ૨૦૧૬-૧૭માં ચાર ટકાનો વધારો કરીને ગુજરાતે બાઉન્ડ્રી ફટકારી છે. ગીફ્ટસિટી ફાઈનાન્સ (એસિઝેન) અને ઝાયડસ ફાર્મા (એસિઝેન)ની નક્કર અને પરિણામલક્ષી કામગીરીના પરિણામે વર્ષ ૨૦૧૭-૧૮માં ગુજરાત રાજ્યની નિકાસમાં બે અંકમાં વૃદ્ધિ થવાની પાકી શક્યતાઓ જોવાઈ રહી છે.



ધ હોલ ઓફ ફેમ કેટેગરી અંતર્ગત નેશનલ ટુરિઝમ એવોર્ડમાં ગુજરાતને પ્રવાસનના સર્વગ્રાહી વિકાસ માટે શ્રેષ્ઠ રાજ્યનો પુરસ્કાર મળ્યો છે, ત્યારે સાઈરામ દવેની ડાલામથ્થો ગુજરાતીવાળી રચના સળવળીને બેઠી થઇ જાય...
‘હું ડાલા મથ્થો ગુજરાતી, હું દરિયા બેટો ગુજરાતી, આત્મ ગૌરવી કરુણા ગામી, સાગર પેટો ગુજાતી, પ્રેમ, ધર્મને કર્મ કથાનો મસ્ત મરદડો ગુજરાતી, નાચે ગાવે કરે હિલ્લોળા, મૂછ ફરકડો ગુજરાતી...
અમદાવાદ અને રાજકોટ ગુજરાતના બે શહેરોએ વૈશ્વિક નકશા ઉપર જબરૂ કાઠું કાઢી કાઢ્યું છે. ગુજરાતની શાનો શોકતમાં આ બે શહેરોએ વધારો કર્યો છે. યુનાઈટેડ નેશન્સ દ્વારા અમદાવાદ શહેરને પ્રથમ ભારતીય હેરિટેઝ સિટીમાં સ્થાન આપવામાં આવ્યું છે. વર્લ્ડ બેન્ક દ્વારા ઈન્ટરનેટ ઓફ થિંગ્સ – ધ ન્યુ ગવર્નમેન્ટ ટુ પ્લેટફોર્મ અંતર્ગત સરકારી સેવાઓની ગુણવત્તા સુધારવા ટેકનોલોજીનો ઉપયોગ કરનાર સમગ્ર વિશ્વમાં ૯૦ શહેરોમાં રાજકોટનો સમાવેશ કરવામાં આવ્યો છે. દેશના સૌથી સ્વચ્છ ૫૦ શહેરોની યાદીમાં ગુજરાતના ૧૨ શહેરોનો સમાવેશ કરવામાં આવ્યો છે. એ આખા ગુજરાત માટે ગૌરવરૂપ ઘટના છે. નીતિ આયોગ દ્વારા રજૂ કરાયેલા હેલ્ધી સ્ટેટ, પ્રોગ્રેસિવ ઈન્ડિયાના અહેવાલમાં આરોગ્યલક્ષી કામગીરીના સંદર્ભમાં દેશના મોટા રાજ્યો પૈકી ગુજરાત રાજ્યનો ચોથો નંબર આવે છે.
એક સમય હતો કે ૧૯૬૦માં ગુજરાત રાજ્યની અલગ સ્થાપના થઈ ત્યારે વિશાળ સાગરકાંઠો અને ખારાશવાળી ભૂમિ ધરાવતા આ પ્રદેશમાં શું ખાક વિકાસ થશે એવી દેશ આખામાં માન્યતા હતી. પણ આજે કવિ હર્ષ બ્રહ્મભટ્ટના શબ્દોમાં કહીએ તો , ‘ મે રાખમાંથી બેઠા થવાના, જલાવો તોય અમે જીવી જવાના, ભલે જળ ન સિંચો તમે તે છતાંય, અમે ભીંત ફાડીને ઊગી જવાના...’
ઘણાં એવા ક્ષેત્રો છે કે, જેમાં વટથી આપણે કહી શકીએ કે, આપણું ગુજરાત ‘નંબર વન’ છે. એવરેજ ગ્રોથરેટમાં ગુજરાત ‘નંબર વન’ છે. ઈન્ડસ્ટ્રીયલ આઉટપુટમાં ગુજરાત ‘નંબર વન’ છે, એક્ષ્પોર્ટમાં ગુજરાત અગ્રેસર છે. મગફળી, જીરૃ, મસાલા, ઈસબગુર પ્રોસેસિંગ અને નિકાસ, બટાકા, આદુ, કપાસના ઉત્પાદનમાં ગુજરાત ‘નંબર વન’ છે. સૌર ઉર્જા ઉત્પાદનમાં ગુજરાત ‘અગ્રેસર’ છે. દેશમાં થયેલા કુલ મૂડીરોકાણમાં સૌથી વધુ મૂડીરોકાણ ગુજરાતમાં થયું છે. એમ્પ્લોયટમેન્ટ એક્ષ્ચેન્જ દ્વારા રોજગારી આપવામાં ગુજરાત ‘નંબર વન’ છે. ગુજરાત અને ગુજરાતીઓના રોકેટ ગતિએ થઈ રહેલા વિકાસની વાસ્તવિકતા અને સાહિત્યકારોના સર્જનમાં શબ્દે શબ્દે ટપકતી ગરવા ગુજરાતની ગરવી વાતો શેર લોહી ચઢાવી દે છે. ખલિલ સાહેબના જાણિતા શેર, ‘ જેને ગુજરાતીમાં સમજ નથી પડતી એ બીજો કંઇ પણ હોય ગુજરાતી નથી...’ના મિજાજમાં કહેવાનુ મન થાય કે, ‘ જેને ગુજરાતના વિકાસમાં રસ નથી એ બીજો કોઇ પણ હોય ગુજરાતી નથી...’

ધબકાર –
‘હું ગુજરાતી તું ગુજરાતી, આપણ સહુનું તળ ગુજરાતી, શાંતિ અને સાહસથી જીવવું , જગ આખે ઝળહળતો ગુજરાતી...’ 
- કનૈયાલાલ ભટ્ટ