મોતની
લટકતી તલવાર નીચે ભયાનક યાતનાઓમાં ટક્કર લેતી લોગોથેરાપી
એપ્રિલ તા. ૧૩, ૧૯૧૯ના રોજ જલિયાવાલા બાગમાં જનરલ
ડાયરે આચરેલા અમાનવીય હત્યાકાંડમાં ૧૦૦૦થી વધુ નિર્દોષ લોકો મોતને ભેટ્યા હતા. મૃત્યુનો
સાચો આંકડો તો કદાચ આનાથી ઘણો વધારે હતો. એપ્રિલના મહિનાનો આજે છેલ્લો દિવસ. આ ઘટનાને આ
વર્ષે એપ્રિલ ૨૦૧૯માં એક સદી પૂરી થઈ. જલિયાવાલા
બાગના હત્યાકાંડને કારણે જ પ્રતિ વર્ષ એપ્રિલ મહિનામાં હિન્દુસ્તાનીઓનું લોહી ઉકળી
જાય છે. હજુ બ્રિટનની રાણીએ જલિયાવાલા બાગ કાંડ માટે
માફી તો નથી જ માગી. વિશ્વ શાંતિ અને સર્વધર્મ સમભાવની પરિકલ્પના સાકાર કરવાની
દિશામાં થઈ રહેલા પ્રયાસોને વધુ કારગત બનાવવા માટે ઇતિહાસના પાના ઉથલાવી આવી
ઘટનાઓને સમજવી પડે. સામૂહિક નિર્મમ હત્યાકાંડોની અમાનવીય ઘટનાઓથી
ઇતિહાસના પાને પાના ભરેલા છે. હિન્દુસ્તાનના ‘જલિયાવાલા બાગનો હત્યાકાંડ’ અને
એના જેવા રૂંવાડા ઊભા કરી નાખતા કમકમાટી ઉપજાવે એવા સામૂહિક હત્યાકાંડો વિશ્વમાં અનેક
રાષ્ટ્રોમાં સર્જાયા છે. ક્યાંક રંગભેદ તો ક્યાંક જાતિભેદ, ક્યાંક
ધર્મભેદ તો ક્યાંક પ્રદેશ અને ભાષાભેદના નામે નિર્મમ સંહારલીલાઓ થઈ છે. વિશ્વમાં
સર્જાયેલા તમામ હત્યાકાંડોમાં જર્મનીના તાનાશાહ હિટલરના નાઝી રાજમાં થયેલી સામૂહિક
હત્યાઓ સૌથી દર્દનાક અને ભયાવહ છે.
બીજા વિશ્વ યુધ્ધના ૧૯૩૩થી ૧૯૪૫ના ૧૨ વર્ષોના
સમયગાળામાં દરમિયાન જર્મનીમાં ૧૫૦૦ જેટલા ‘કોન્સન્ટ્રેશન કેમ્પસ’માં સાઈઠ લાખથી વધુ લોકોની હત્યા
કરવામાં આવી. કરોડો લોકો બેઘર બની ગયા. દક્ષિણ જર્મનીમાં બાવરિયા એક ખૂબ
રળીયામણો અને મઝાનો પ્રદેશ છે. મુનિક બાવરિયા રાજ્યનું પાટનગર. મુનિકથી
બાર-તેર કિલોમીટરના અંતરે ડકાઉ નામનું શહેર આવેલું
છે. જર્મનીના ૧૫૦૦ કોન્સન્ટ્રેશન કેમ્પ્સ પૈકી એક
ડકાઉ કોન્સન્ટ્રેશન કેમ્પ છે. આ કેમ્પમાં બે લાખ યહુદીઓને યુદ્ધ કેદીઓ તરીકે
રાખવામા આવ્યાં હતાં. જેમાંથી ૪૩,૦૦૦ યુદ્ધ કેદીઓનું યાતનાઓની
પરાકાષ્ટાથી મોત થયું હતું.
કોન્સન્ટ્રેશન કેમ્પ અને ગેસ ચેમ્બરોમાં થયેલી
સામૂહિક કત્લેઆમ પાછળ જર્મન ત્રણ વિકરાળ ચહેરા હતા. આ ત્રણ વિકૃત વ્યક્તિઓ એટલે જર્મનીના તાનાશાહ
પ્રમુખ હિટલર, એસએસનો વડો હિમલર અને કોન્સન્ટ્રેશન કેમ્પનો
વડો આઈકે. ડકાઉ શહેરમાં સૌથી પહેલો કોન્સન્ટ્રેશન કેમ્પ
શરૂ કરવામાં આવ્યો હતો. સામૂહિક હત્યાકાંડ અને યુદ્ધ કેદીઓ ઉપરની ભયાનક
યાતનાઓ વિશે ગવાહી આપતુ ડકાઉમાં આજે એક મેમોરિયલ છે. પ્રતિ વર્ષ આ મેમોરિયલની
મુલાકાતે અનેક પ્રવાસીઓ આવે છે. ભારે હદયે લાખો મૃતાત્માઓને શ્રધ્ધાંજલી અર્પીને
પરત ફરે છે.
અહીં કોન્સન્ટ્રેશન કેમ્પની દર્દનાક દાસ્તાનની
નહીં પણ આજે વાત કરવી છે હજારો નિરાશા પાછળ ઉછળતી કુદતી જીવની મધુર આશાની. દરેકના
જીવનમાં મુશ્કેલીઓ, કસોટીઓ, તકલીફો, પીડા, દુઃખ, ડિપ્રેશન, નિષ્ફળતા આવે છે. તકલીફના સમયે જીવન આકરું અને દર્દનાક
લાગે. ક્યારેક તો દર્દથી છૂટવા આત્મહત્યા કરી જીવન
ટૂંકાવી નાખવાનો કુવિચાર પણ આવે. પરંતુ આપણા દર્દ અને તકલીફો કરતાં પણ અનેક ગણી
મુશ્કેલીઓ અને યાતના ભોગવતા લોકો પણ હોય છે. આ લોકો ભયાનક સંજોગોમાં પણ જીવન જીવતા હોય છે. વર્ષ
૧૯૪૦માં યુરોપના જાણિતા મનોચિકિત્સક ડૉ. વિકટર ફ્રેન્કલ અને તેના સમગ્ર પરિવારને જર્મન
સેનાએ પકડીને ડકાઉના કોન્સન્ટ્રેશન કેમ્પમાં મોકલી આપ્યા. સતત મોતની લટકતી તલવાર નીચે યાતનાઓ અને
ક્રૂરતા સામે વિકટર ઝઝૂમ્યા. તેમના અનુભવોને આધારે એમણે અદભુત પુસ્તક ‘મેન્સ
સર્ચ ફોર મીનિંગ’ લખ્યું.
વિકટર ફ્રેન્કલના ‘મેન્સ સર્ચ ફોર મીનિંગ’માં
યાતનાઓ અને દર્દના ચિત્કારો પાછળ જીવનની આશાનો હકારાત્મક સંદેશો છે. જીવનમાં
બીજા કોઈપણ પુસ્તક ન વાંચ્યા હોય તો ચાલે પણ વિકટરના આ પુસ્તકને તો દરેક લોકોએ
વાંચવું જ જોઈએ. વિક્ટરનુ ડિક્ટેશન લેનારા સી. જ્યોર્જ બૉરીની
નોંધ અનુસાર આ પુસ્તકની નેવુ લાખો પ્રત વેચાઈ છે. આ પુસ્તક વાંચવું અને સમજવું સરળ અને
સહજ એટલે નથી કે આ કોઈ મનોરંજક વાતો વર્ણવતું પુસ્તક નથી. આમાં યાતનાઓની પરાકાષ્ઠા અને ક્રૂરતાની
ચરમસીમાને પેલે પાર જીવનના પમરાટની અપેક્ષાનો અદભુત સમન્વય છે. પુસ્તક
વાંચતા મનઃસ્થિતિ ગમગીન થઇ જાય અને દિવસ બગાડે એવું લાગે. પીડા અને કમકમાટીભરી તકલીફો સામે આંખ
મીંચામણા કરનારો વ્યક્તિ પોતે જીવનથી ભાગી તો નથી રહ્યો ને, એવી પ્રતીતિ આ પુસ્તક કરાવે છે.
મેન્સ સર્ચ ફોર મીનિંગમાં વિકટર ફ્રેન્કલે
લોગોથેરાપી નામની નવી ચિકિત્સા પદ્ધતિ ઉજાગર કરી છે. પુસ્તક કોન્સન્ટ્રેશન કેમ્પના અનુભવ, લોગોથેરાપી
અને કરૂણતામાં પણ જીવનના આશાવાદનું મહત્વ એમ ત્રણ ભાગમાં વહેંચાયેલું છે. ડૉ. વિકટર
ફ્રેન્કલે આપેલી લોગોથેરાપીમાં મૂળભૂત ચાર સિદ્ધાંતો છે.
· ગમે તેટલા કપરા અને નિરાશાજનક યાતનાપૂર્ણ
સંજોગો પાછળ પણ જીવનનો અર્થ છૂપાયેલો છે.
· જીવનનો મર્મ શોધવો એ જીવન જીવવા પાછળનું મૂળભૂત
ચાલકબળ છે.
· ગમે એટલી યાતનાપૂર્ણ પરિસ્થિતિમાં પણ શું
વિચારવું ? શું કરવું ? અને શું અનુભવવું ? એ
નક્કી કરવાની સ્વતંત્રતા વ્યક્તિની પોતાની છે.
· મન, શરીર અને આત્માથી વ્યક્તિ બનેલો હોય છે. આ
ત્રણેય પરિબળો એકમેકથી પ્રગાઢ રીતે સંકળાયેલા છે. પરંતુ આ ત્રણેયમાં આત્મા સૌથી
અગત્યનું પરિબળ છે. જીવનનો અર્થ સમજવા માટે માત્ર આત્મા જ સૌથી વધુ
શક્તિમાન છે.
જર્મનીના ડકાઉ મેમોરિયલની મુલાકાત લઈને ઓએસિસના
સંજીવભાઈ શાહે ‘જવાબ માગે છે જિંદગી’ પુસ્તકમાં ડૉ. વિકટર ફ્રેન્કલના ‘મેન્સ
સર્ચ ફોર મીનિંગ’ પુસ્તકને અદભુત રીતે રજુ કર્યું છે. ડૉ. વિકટર
ફ્રેન્કલનું પુસ્તક હકારાત્મકતા ઉજાગર કરતા કહે છે કે, કોન્સન્ટ્રેશન કેમ્પમાં જેમ હેવાનો અને
રાક્ષસો જેવા સૈનિકો હતા તેમ દયાળુ, માયાળુ, દેવદૂતો જેવા લોકો પણ હતા. પ્રત્યેક મનુષ્યમાં દેવ અને દાનવ એમ બે
સ્વરૂપો પડેલા છે. પોતાના જીવના જોખમે પણ બીજાનુ જીવન બચાવવાનો
પ્રયાસ કરતા લોકોની વાત વિક્ટરે પુસ્તકમાં સુંદર રીતે વણી છે. આવા પ્રસંગો કેમ્પમાં શારીરિક અને
માનસિક યાતનાઓની દર્દીલા દાસ્તાનના ચિત્કારોમાં માનવીય સંવેદનાનો મુલાયમ મલમ જેવા
લાગે છે. માણસમાં પડેલા દેવ અને દાવન બન્ને તત્વો પૈકી
કયું સ્વરૂપ બહાર લાવવું તેનો તમામ આધાર ઘટનાના સમય અને સંજોગો ઉપર ક્યારેય હોતો
નથી તેનો સંપૂર્ણ આધાર મનુષ્યના પોતાના નિર્ણય ઉપર જ હોય છે.
ધબકાર :
‘ જે વ્યક્તિ જીવનના અર્થની શોધમાં હોય તે જ તેની
અંદર પડેલી અસીમ સંભાવનાઓને ઝડપથી બહાર લાવી શકે છે. ’
– ડૉ. વિકટર ફ્રેન્કલ


No comments:
Post a Comment