લો, દિન આ ગયે ‘મેંગો રોમાંસ’ કે...
સાચું કહેજો પીત્ઝા, બર્ગર, મંચુરિયન ગમે એટલું ખાવ પણ
જ્યારે હાફુસ કે કેસર કેરીની સુવાસ આવે તો મનોમન ડોલી નથી ઉઠતા ? ‘મેંગો’ નામ પડતા ઉનાળાનો પસીનો
સુકાઇ જાય અને મેંગોના રોમાંસની શીતળતા મહેસુસ થવા લાગે. મે-જુન મહિનામાં અમદાવાદના
કાલુપુર ફ્રુટ માર્કેટ અથવા મુંબઈ, વલસાડ કે તાલાલાના કેરી બજારમાંથી પસાર થાવ અને
મોઢામાં બંને ગલોફામાં પાણીનો ફુવારો ન છૂટે એવું બને ખરું ? ૪૨ ડિગ્રીની કાળઝાળ
ગરમીમાં આમ્રફળ આનંદનું સરનામુ છે. કેરી એટલે સ્વાદ અને
સુગંધના મસ્ત મઝાના આકાશમાં વિહરવાની નૈસર્ગિક મોજ. 'આમ્ર' મુળત: સંસ્કૃત શબ્દ છે. ‘આમ્ર’
એટલે આંબો. ‘આમ્રફળ’ એટલે આંબાનું ફળ. મે મહિનો આવતાની સાથે કેરીની અનેક જાત
માર્કેટમાં કિલ્લોલ કરતી શાનથી ગોઠવાઈ જાય.
ભારતમાં ૨૪ જાતની કેરીઓ જોવા મળે છે. જેમાં કેસર અને હાફુસ
ઉપરાંત કાગડા, લંગડો, રાજાપુરી, તોતાપુરી, દશેરી, પાયરી, સરદાર, નીલમ, આમ્રપાલી,
બેગમ, પલ્લી, વનરાજ, નીલફાન્સો, જમાદાર, મલ્લિકા, રત્ના, બદામ, નિલેશ, દાડમિયો
વગેરેનો સમાવેશ થાય છે. કોઈપણ જાતની કેરી હોય, કેરીનું નામ માત્ર મનલુભાવન છે. આ
તમામ જાતો પૈકી ગુજરાતના સુરત-વલસાડની ‘હાફૂસ’ અને તાલાળા-જુનાગઢની ‘કેસર’નો દબદબો
અનોખો છે.
ભારતમાં સૌથી વધુ સવા લાખ એકર વિસ્તારમાં આંબા ઉત્તર
પ્રદેશમાં છે. એના પછી તામિલનાડુ, બિહાર, પશ્ચિમ બંગાળ, ઓરિસ્સા, મધ્યપ્રદેશ,
મહારાષ્ટ્ર અને આસામનો નંબર આવે છે. મહારાષ્ટ્રમાં થતી ‘આલ્ફાંસો’ અને ‘પાયરી’
જાતની કેરી અત્યંત સ્વાદિષ્ટ હોય છે. સમગ્ર વિશ્વમાં વાવેતરની દ્રષ્ટિએ જોઈએ તો
ભારત ૨૧.૪૩ લાખ હેક્ટર વિસ્તારમાં આંબાના વાવેતર સાથે પ્રથમ ક્રમે આવે છે. જ્યારે
૪.૪૫ લાખ હેક્ટર આંબાના વાવેતર સાથે ચીન બીજા ક્રમે છે. થાઈલેન્ડમાં ૨.૮૫ લાખ
હેક્ટર, પાકિસ્તાનમાં ૨.૧૫ લાખ હેક્ટર, મેક્સિકોમાં બે લાખ હેક્ટર, બ્રાઝિલમાં ૮૯
હજાર હેક્ટર અને વિયેતનામમાં ૫૨૦૦૦ હેક્ટર વિસ્તારમાં આંબાનું વાવેતર થાય છે.
ઉત્પાદનની રીતે જોઈએ તો ૧.૩૫ લાખ ટન કેરીના ઉત્પાદન સાથે દુનિયામાં
ભારત સૌથી આગળ છે. ૩૭.૫૨ હજાર ટન ઉત્પાદન કરીને ચીન બીજા ક્રમે છે. બીજા શબ્દોમાં
કહીએ તો ભારતમાં ચીન કરતા ચાર ગણા કરતાં વધુ કેરીનુ ઉત્પાદન થાય છે. પાકિસ્તાનમાં ૨૨
હજાર ટન કેરીનું ઉત્પાદન થાય છે.
કેરી ન ભાવતી હોય એવા લોકો દિવો લઇને શોધવા પડે ! દુનિયામાં
મળતા તમામ ફળોમાં કેરી એક એવું સર્વગુણ સંપન્ન ફળ છે કે જેમાં સ્વાદ, વિર્ય, વર્ણ અને આરોગ્યવર્ધક એમ ચારેય
ગુણો છે. તજજ્ઞ વૈદ મહારાજો આજે પણ પેટ અને આંતરડાના રોગોમાં પંચકર્મની
પ્રક્રિયામાં માત્ર કેરીનો રસ અને દૂધ આપીને અકસીર ઉપચાર કરે છે. આ વીધિને ‘આમ્રકલ્પ’
કહે છે. આયુર્વેદના જાણકારો છાતી ઠોકીને કહે છે કે ગેસ, સંગ્રહણી, કબજિયાત,
આંતરડાંની નબળાઈ, અપચો, લીવરના રોગો જેવા અનેક ત્રાસદાયક દર્દમાં ‘આમ્રકલ્પ’
વિધિથી અત્યંત પ્રભાવક પરિણામો પ્રાપ્ત થાય છે.
કેરી એકમાત્ર એવું ફળ છે કે જેનું સમગ્ર અસ્તિત્વ સ્વાસ્થ્યવર્ધક
અને સ્વાદિષ્ટછે. કેરીની ગોટલીથી માંડીને છાલ સુધી ઉપયોગમા લઇ શકાય છે. કાચી કેરીના
ઝીણા કટકા કરીને કાંદા-કેરીનું કચુંબર ભોજનની થાળીમાં શોભતું હોય છે. અથાણાનો
આત્મા કાચી કેરી છે. જેને લૂ લાગી હોય તેને કાચી કેરી શેકીને તેના રસમાં ખાંડ
ભેળવીને પીવડાવવાથી લૂ ઉપર અક્સિર અસર કરે છે. એક કાચી કેરીમાં ૩૫ સફરજન, નવ લીંબુ,
ત્રણ સંતરા જેટલું વિટામિન ‘સી’ હોય છે. કાચી કેરીમાં મોટા પ્રમાણમાં ફાઈબર હોવાથી
વધારાની ચરબી દૂર કરવામાં તે ઉપયોગી થાય છે. કાચી કેરીના સેવનથી રોગ પ્રતિકારક
શક્તિ વધે છે.
આયુર્વેદ વિજ્ઞાનના ભીષ્મ પિતામહ મહર્ષિ ચરકે ‘ચરક સંહિતા’માં
માનવ શરીર માટે અત્યંત ઉપયોગી એવા ૧૦ ઉત્તમ ઔષધ સમાન ફળની યાદી આપી છે. આયાદીમાં
કેરી પણ છે. મહર્ષિ ચરક કહે છે કે, કેરી ઉપરાંત આમળા, બહેડા, કરમદા, અમ્લવેતસ,
દાડમ, બોર, જાંબુડી, લીંબુ, વૃક્ષામ્બ ફળ શરીર માટે અત્યંત ગુણકારી છે. મહર્ષિ વાગ્ભટ્ટ અને
સુશ્રુતે કેરીને લોહી વધારતી અને રક્તના વિકારને દૂર કરતી એક ઉત્તમ ઔષધિ તરીકે
મૂલવી છે.
જેનું વજન ઓછું હોય અને શરીર વધારવું હોય તેમના માટે પાકી
કેરી આરોગવી આશીર્વાદ સમાન છે. કેરીમાં પોટેશિયમ, મેગ્નેશિયમ અને કોપર
જેવા ખનીજ તત્વો વિપુલ માત્રામાં હોય છે. શરીર માટે ઉપયોગી એવા
ક્વારસીટીન, બીટાકેરોટીન અને
એસ્ટ્રાગાલીન તત્વો કેરીમાંથી મળે છે. ઍન્ટિ-ઑક્સિડન્ટ
તત્વોમાં ફ્રીરેડિકલ્સને નિષ્ક્રિય કરવાની તાકાત પડેલી હોય છે. કેરી બ્લડપ્રેશરને
પણ નિયંત્રણમાં રાખવા માટેનું ઉત્તમ પ્રાકૃતિક ઔષધ છે. કેરીમાં ફાઇબર પેકિટન નામનુ
તત્વ પણ હોય છે. ફાઇબર પેકિટનથી કોલેસ્ટ્રોલ નિયંત્રણમાં રહે છે અને ગ્રંથિઓમાં
કેન્સર સેલ્સને વિકાસ પામવા દેતુ નથી. અપચો અને એસીડીટીની સમસ્યામાં કેરી રામબાણ
ઉકેલ છે. કેરીમાં આવતુ આયર્નનું તત્વ ગર્ભવતી મહિલાઓ માટે ફાયદાકારક છે.
પચાસે પહોંચેલા કાન ખોલીને સાંભળી લે... સોરી આંખો પહોળી
કરીને વાંચી લે. કેરીમાં વિટામિન ‘એ’ અને ‘સી’ હોવાથી તે શરીરમાં કોલાજન પ્રોટીનના
સર્જનમાં અત્યંત ઉપયોગી થાય છે. જેના પરિણામે લોહીની નળીઓ ખુલે છે અને ચામડીના
છીદ્રો સુરક્ષિત રહે છે. પરિણામે ચામડી વધુ તેજવાન બને છે. એટલે સ્વાભાવિક રીતે જ
યુવાની બરકરાર રહે છે.
એક એવી માન્યતા છે કે કેરી ખાવાથી ડાયાબીટીસ વધે છે. આધુનિક
શોધકર્તાઓના અહેવાલો એવો નિર્દેશ કરે છે કે, માત્ર કેરી ખાવામાં આવે તો
ડાયાબિટીસમાંથી પણ છુટકારો પ્રાપ્ત થઈ શકે છે. જોકે આ વિષય પર હજુ શોધકર્તાઓના
અભ્યાસ અને પરિક્ષણોની પ્રક્રિયા ચાલુ છે. કેરીમાં વિટામિન 'એ' પૂરતા પ્રમાણમાં હોવાથી
આંખોનું તેજ વધે છે. કેરીની ગોટલી મુખવાસના કામમાં આવે છે. શોધકર્તાઓ તો ત્યાં સુધી
કહે છે કે, કેરીની ગોટલી ખાવાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે.
ભગવાને બળબળતો ઉનાળો આપ્યો છે તો તેની સાથે આમ્રફળ સ્વરૂપે અનેરું
આકર્ષણ પણ આપ્યું છે. કેરી સ્વાદની મહારાણી તો છે જ પણ સાથે સાથે સ્વાસ્થ્યની
સિપાઈ સલાર પણ છે. સ્વાદની મહારાણી અને સ્વાસ્થ્યની પહેરેદાર એવી કેરીને મન ભરીને
માણી લો. પેસ્ટિસાઇડ અને કાર્બાઇડનો બેફામ ઉપયોગ કરી ખતરનાક ખેલ ખેલતા લોકોથી
બચીને ઓર્ગેનિક કેરીનો સ્વાદ માણવાનો આગ્રહ સ્વાદ સાથે શરીરને સાચવશે. કેરી એટલે
સૌનું ગમતું, સૌનુ પ્યારૂ ઉનાળાનું અમૃત. લેખિકા કુસુમ બુધવાર લિખિત અને પેંગ્વિન
બુક્સ ઇન્ડિયા દ્વારા પ્રકાશિત ‘રોમાન્સ ઓફ મેંગોઝ’ પુસ્તકના ૨૯૦ પાનામા કેરીને
લગતી માહિતીનો વિપુલ ખજાનો છે. પ્રત્યેક ભારતવાસીનુ પ્રિય અને દિલે અઝીઝ ફળ કેરી કાપીને,
ચૂસીને, ઘોળીને, રસ બનાવીને જેમ અનુકૂળ પડે તેમ આત્મસાત કરવામાં ભારે મોજ છે.
ધબકાર : સંયમપૂર્વક
ખવાય તો ‘આમ્રફળ’ ‘અમૃતફળ’ છે.


No comments:
Post a Comment