પ્રિય વાચકબંધુઓ,

પ્રશ્નો, મુશ્કેલીઓ, વિડંબણાઓ અને પીડામાંથી પસાર ન થયા હોય એવા કેટલા લોકો ? ચાર રસ્તાના ખૂણે મોચી કામ કરીને પેટીયું રળતો છગન હોય કે પછી અબજોનો વેપાર કરતાં મુકેશ અંબાણી કે રતન ટાટા હોય, કે પછી બીલ ગેટ્સ કે બેઝોસ જેફરી હોય. દરેકના જીવનમાં ચડાવ ઉતાર અને મુશ્કેલીઓ આવતી જ હોય છે. જે મુશ્કેલીમાં મુશ્કરાય અને ગમગીનીમાં પણ આનંદથી ગીત ગાય એ જીવનને માણી શકે છે. સવલતોને સુખ સમજવા કરતાં અંતરમનની ચેતનાઓનો ફૂવારો જ સાચાં સુખનો પ્રદેશ છે એ સચ્ચાઇને સમજવી પડે. જીવનમાં જ્યારે સમસ્યા આવે ત્યારે એના ઉકેલ માટે ફાંફા મારવા કરતાં આનંદ આપતાં પ્રસંગોને યાદ કરી હસતાં ખેલતાં આગળ વધવાની કોશિષ જ કામયાબ બનાવે છે. જેમ જીવનમાં કશું મુશ્કેલ નથી એમ જીવનમાં કશું આસાનીથી પણ મળતું નથી. પ્રશ્નો, મુશ્કેલીઓ, તકલીફોને અતિક્રમીને જીવનમાં આનંદનો આફતાબ ખીલવવા માટેના વિવિધ માર્ગોને શબ્દ દેહ આપીને બ્લોગ સ્વરૂપે પ્રસ્તુત કરવાનો નમ્ર પ્રયાસ કર્યો છે. મે ‘આત્મનાદ’ સ્વરૂપે પ્રતિ સપ્તાહ આવતી મારી નિયમિત કોલમમાં જીવનના વિવિધ રંગોને શબ્દ પિંછી વડે કલ્પનાના આકાશને વધુ રંગીન બનાવવાની કોશિશ કરી છે. આશા છે કે, મારી નિયમિત કોલમ ‘આત્મનાદ’નું આ બ્લોગ અવતરણ વાચક મિત્રોને ગમશે.

- પુલક ત્રિવેદી

Thursday, 29 August 2019

બેચેની ભયનો સગો ભાઈ છે

બેચેની ભયનો સગો ભાઈ છે

બે એક સરખી ઘટનાઓ સાથે વાત ઉઘાડવી છે. એક આપણા નગરની વાત છે અને એક બ્રાઝીલના શહેર સાઉ પોલો શહેરની છે.
સમી સાંજનો સાડા છ વાગ્યાનો સુમાર હતો. ઓફિસો છૂટતા માર્ગો ઉપર વાહનોની ભારે ભીડ હતી. એવામાં નગરના એક ચાર રસ્તા પર બે કાર અથડાતા લોકોનું ટોળું ભેગુ થઈ ગયું. માર્ગની બન્ને બાજુ બબ્બે કિલોમીટર લાંબી વાહનોની હકડેઠઠ લાઈનો થઈ ગઈ. કાર તો શું ટુ વ્હીલર પણ તસુભાર ખસી શકે એમ ન હતું.



આ મહા ટ્રાફિક જામમાં અનેક લોકો સાથે વિશાલ પણ તેની કારમાં ‘સ્ટક’ થઈ ગયો હતો. બધા તેમની કારના હોર્ન બેફામ વગાડે જતા હતા. વિશાલ પણ સતત દર બે મિનિટે કારનું હોર્ન વગાડતો હતો. આસપાસનું પાંચેક કિલોમીટરનું વાતાવરણ હોર્નના અવાજોથી જબરજસ્ત કર્કશ બની ગયું. કોઈની પાસે આગળ વધવાનો માર્ગ ન હતો. વ્યગ્રતાપૂર્વક હોર્ન વગાડવા સિવાય એમની પાસે કોઈ ઉપચાર ન હતો.



આવો જ પણ એનાથી થોડો વધુ મોટા ફલક ઉપર બ્રાઝીલનો ટ્રાફિક જામનો કિસ્સો એક મિત્રએ વોટ નોનસેન્સનો વિડીયો વોટ્સએપ ઉપર મોકલીને એના મિત્રને કહ્યું, શું આવી વ્યગ્રતા અને બેચેનીથી કોઈ અર્થ સરે ખરો ?’ વાત જાણે એમ હતી કે થોડા સમય પહેલા બ્રાઝીલના સાઉ પોલો શહેરમાં એકવાર કોઈ કારણસર ત્રણ સો કિલોમીટર લાંબા ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાઈ. એ દિવસે બ્રાઝિલનું આસમાન હોર્નના અવાજોથી ભરાઈ ગયું હતું. લોકો ગાંડાની જેમ સતત કારના હોર્ન વગાડતા જતા હતા.



આ બે ઘટનાઓના પાયામાં માનસિક વ્યગ્ર પરિસ્થિતિ છે. આપણે માનીએ છીએ કે દુનિયા આપણી મરજી મુજબ ચાલે. પણ દુનિયાની ગતિ અને અંદાજ અલગ છે. જાણીતા અમેરિકન પત્રકાર ઓલિવર બર્કમેન માનસિક બેચેનીનો હલ શોધતા લખે છે કે, રોજીંદા કામને ઝડપથી પુરુ કરવામાં ઉપયોગી થાય અને વ્યક્તિને થોડો આરામ મળે એટલે આધુનિક સમયમાં વૈજ્ઞાનિક ટેકનોલોજીનો આવિષ્કાર થયો છે. વોશીંગ મશીન કપડા જલ્દી ધોઈ નાખે, ડીશ વોશર વાસણો વહેલા ધોઈ નાખે, કાર ઝડપથી પહોંચાડે અને સમય મળે એમા મનને મોજ આવે એવુ કાર્ય કરી શકાય. ટેકનોલોજીએ સાધનો શોધાયા જરૂર પણ બચેલા સમયમાં શાંતિથી મનગમતી પ્રવૃત્તિ થાય છે ખરી ?



ટેકનોલોજીએ કરેલા આવિષ્કારથી જીવન ફાસ્ટ જરૂર બન્યું છે પણ સાથે સાથે વ્યક્તિની બેસબરી પણ બેશુમાર વધતી ગઈ છે. પહેલા સ્કૂટર ઉપર પરિવાર સાથે સામાન્ય રેસ્ટોરંટમાં દૂર સુધી ડીનર માટે જતો વ્યક્તિ આજે પીત્ઝા ડિલીવરી બોય પાંચ મિનિટ મોડો પડે તો અકળાઈ જાય છે. પહેલા બસમાં કે ટ્રેઈનમાં બે-ચાર દિવસે ગામડે પહોંચતા હતા તેમને હવે પ્લેનના બે કલાક પણ વધુ લાગે છે. લેખક જેમ્સ ગ્લિકફાસ્ટરપુસ્તકમાં લખે છે કે, આપણે ઝડપની બિમારીથી પીડાતા લોકો છીએ. લીફ્ટની રાહમાં વારંવાર કોલ બટન દબાવનારા આપણને ખબર છે એકવાર બટન પ્રેસ કરવાથી પણ લીફ્ટ આવી જશે.
વ્યગ્રતા અને બેચેની સામે શરીરના તણાવ સહન કરતા હોર્મોન્સ પણ હથિયાર હેઠા મૂકી દેતા હોય છે. પરિણામે હાર્ટ એટેક અને મેન્ટલ ડિસઓર્ડરના ચાન્સિસ વધી જતા હોય છે. ઉતાવળ અને બેચેની મહેસૂસ કરો ત્યારે બે મિનિટ થોભીને વિચારવું હિતાવહ છે. ટ્રાફિક જામમાં પોતાની જાતને પ્રશ્ન પુછો કે શું આ પરિસ્થિતિમાં આગળ વધી શકાય એમ છે ખરૂ ? જો જવાબમાં નામાં આવે તો હોર્ન મારી મારીને બેચેન થવા કરતાં ઈયર ફોન લગાવી શાંતિથી મનગમતું મ્યુઝિક સાંભળવામાં જ ભલાઈ છે.
અજંપો, અશાંતિ, અસ્વસ્થતા, બેચેની, તણાવ જે શબ્દ સમજાય તે વ્યક્તિના મનની કૂખમાંથી જ જન્મે છે. મનના સાગરમાં બેચેનીની લહેરોના હિલોળા શાંત થાય તો આપોઆપ વ્યાકુળ સ્થિતિ શમી જાય છે. વ્યગ્રતા અને ઉચાટ એક ભાવનાત્મક સ્થિતિ હોય છે. બેચેની ભયનો સગો ભાઈ છે. નોર્મન કઝીન્સ કહે છે કે, યુનાઈટેડ સ્ટેટ્સમાં હૃદયરોગથી મૃત્યુ પામતા લોકોમાં અડધોઅડધ લોકો હૃદયરોગ થયાના ફફડાટ અને વ્યગ્રતાના માર્યા મરતા હોય છે.
માનવીનું જીવન પ્રશ્નોથી ઘેરાયેલું જ રહેવાનું. પ્રત્યેક નવી ઘટના મનઃસ્થિતિને ડહોળતી હોય છે. નવા પ્રશ્નોની હારમાળ ખડી થતી રહેવાની. પ્રશ્નોનો ક્રમ અટકતો જ નથી. એ ક્રમ નિરંતર ચાલતો જ જાય છે. જરૂર છે જ્યારે મનમાં પ્રશ્ન સર્જાય ત્યારે પ્રતિપ્રશ્ન પૂછવાની સજ્જતા કેળવવાની. પોતાની જાતની પ્રતિપ્રશ્ન પૂછવા માટે પહેલી આવશ્યકતા છે ઈગોછોડી વિનમ્રતાપૂર્વક જિજ્ઞાસા ભાવ જગાડવાની. પ્રશ્નો જેટલા વધુ, ગહેરા અને વિશાળ હોય એટલી અકળામણ, ઉચાટ અને અજંપાની પરિસ્થિતિ વિકરાળ બનવાની છે. ટ્રાફિક જામ જેવી નાની નાની વાતને મોટો પ્રશ્ન ન માની લેવાય. આ સમજણ કેળવવી પડે. એકવાર નાની નાની વાતમાં પ્રતિપ્રશ્ન પૂછવાની સાચી સમજણની આદત પડી જશે તો મોટા પ્રશ્નો પણ ફટાફટ હલ થતા વાર નહીં લાગે.

ધબકાર :
ભય અને વ્યગ્રતા વગર લીધેલું કોઈપણ પગલું પ્રશ્ન હલ કરે અથવા ન પણ કરે પરંતુ એ શરીર અને ચિત્તને જરૂર સ્વસ્થ રાખશે, ચોઈસ ઈઝ યોર્સ...



Friday, 23 August 2019

સાંસ્કૃતિક અને વૈચારિક વિશ્વથી નગરની પહેચાન બનતી હોય છે.


સાંસ્કૃતિક અને વૈચારિક વિશ્વથી નગરની પહેચાન બનતી હોય છે


કોઈપણ નગરની ઐતિહાસિક, સાંસ્કૃતિક અને વૈચારિક ધરી હોય છે. આ ત્રણ પરિમાણો વગર નગરની છબી ધુંધળી લાગે. માણસોથી નગરની ઓળખ બનતી હોય છે. વૈચારિક ધરોહર વગર નગર બિહામણું લાગે. ૭૦ના દાયકામાં રાજ્યનું પાટનગર ગાંધીનગર જ્યારે બન્યું ત્યારે આ નગર જંગલ શહેર અને આંધીઓનું નગર ભાસતું હતું. ધીમે ધીમે સરકારના કર્મયોગીઓ વસવા આવવા લાગ્યા. ગાંધીનગર માણસોથી ભરાવા લાગ્યું. માનવ વસાહતો તો ઊભી થઈ પણ એમાં સાંસ્કૃતિક અને વૈચારિક વસાહતોના નિર્માણની તાતી જરૂર હતી.



ગાંધીનગર શહેરને સાંસ્કૃતિક ઓળખ આપવા માટે નગરના કેટલાક મિત્રો મન દઈને મેદાને પડ્યા. જેના પાયામાં સંસ્કૃતિ, કલરવ, થનગનાટ, શિરંજની, કલાગુર્જરી, સુરમધુર, જ્યોતિ મહિલા મંડળ જેવી સંસ્થાના મિત્રોની મહેનત છે. પણ આજે વાત કરવી છે, કલ્ચરલ ફોરમની. કૃષ્ણકાંત જ્હા અને એમના તરવરીયા મિત્રો સ્વર્ગસ્થ જ્યોતિંદ્રભાઇ વ્યાસ, પ્રકાશભાઇ લાલા, મહેન્દ્રભાઇ ગજ્જર, હિરેન ભટ્ટ વગેરે ભેગા મળી અઢી દાયકા પહેલાં સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ શરૂ કરી. પરિણામ સ્વરૂપે કલ્ચરલ ફોરમ  જેવી સંસ્થાએ આકાર લીધો. સંસ્થામાં હજારો પરિવાર જોડાયા. એક પછી એક સંસ્કારી અને શિષ્ટ સાંસ્કૃતિક કાર્યક્રમો ગાંધીનગરમાં લોકોના મનહૃદયને પુલકીત કરવા લાગ્યા. સાંસ્કૃતિક કાર્યક્રમો પણ એવા કે આખું પરિવાર સાથે બેસીને મનભરીને માણી શકે. એ પછી નાટક હોય કે ડાયરો, નવરાત્રી હોય કે જન્માષ્ટમી, ગીત સંગીત હોય કે મુશાયરો કલ્ચરલ ફોરમના દરેક કાર્યક્રમની આગવી ગરીમા અને રૂત્બો હોય.
આજકાલ કરતાં કલ્ચરલ ફોરમને ૨૫ વર્ષ થઈ ગયા. આ ૨૫ વર્ષોમાં અઢળક કાર્યક્રમો યોજી નગરજનોના હૃદયમાં કૃષ્ણકાંતભાઈ અને એમની ટીમે અનન્ય સ્થાન પ્રાપ્ત કરી લીધું છે. લોકો વિશ્વાસપૂર્વક કહે છે કે કલ્ચરલ ફોરમનો કાર્યક્રમ છે ને તો એ સંસ્કારપૂર્ણ અને ગરીમાપૂર્ણ જ હોય.
છેલ્લા કેટલાક વર્ષોથી આ સંસ્થાએ સાંસ્કૃતિક ચેતનાની સાથે સાથે નગરના વૈચારિક વિશ્વને નવો ઉઘાડ આપવાનું અદભુત કામ ઉપાડ્યું છે. મોરારિબાપુથી માંડીને બ્રહ્મવિહારી સ્વામી, જય વસાવડા, કાજલ ઓઝા વૈદ્ય, વસંતદાન ગઢવી, ભીખુદાન ગઢવી, સાંઈરામ દવે વગેરે જેવા લેખકો અને વિચારકોના વક્તવ્યોની સીરીઝ યોજી કલ્ચરલ ફોરમે ગાંધીનગરમાં વિચાર વલોણું ફેરવ્યું છે.
સંસ્થાની રજત જયંતિ નિમિત્તે જાણીતા ચિંતકોનો વિચાર વૈભવ ગત સપ્તાહમાં બે દિવસ ચાલ્યો. કુદરતનું કરવું અને આ વિચાર વૈભવના ફોરાની સાથે એ બે દિવસ ગાંધીનગરમાં ક્યારેક રીમઝીમ તો ક્યારેક મુશળધાર વરસાદી માહોલ સતત જામ્યો હતો. માટીની ભીની ભીની સુવાસ સાથે વક્તાઓના વક્તવ્યનું સામંજસ્ય મન-હૃદયને તરબતર કરતું રહ્યું.
વિચારકો, ચિંતકો, લેખકોના બે દિવસના ધોધમાર વિચારોમાં કેન્દ્રસ્થાનેપ્રસન્નતાહતી. જીવનને કેવી રીતે વધુ જીવવા જેવું બનાવી શકાય ? પ્રસન્નતાના માર્ગો કયા અને ક્યાં છે ? એ કેવી રીતે મળે ? આ ચિંતન અને મનનની રીતસર દરીયો ભરીને લોકોએ મોજ કરી.
ગુજરાતી સાહિત્યના ઘણા ચિંતકો લેખકોએ પ્રસન્નતાના વિષય ઉપર વાતો કરી. એમાં એક વકતા નગરના ભાગ્યનું ઈશ એવા ભાગ્યેશભાઈ જહા પણ હતા. બધા જ વકતાઓએ પ્રસન્નતાના વિષયને એટલો સરસ ન્યાય આપ્યો છે કે, દરેકના વિચારોને વણી લેતા એક એક લેખની મઝાની લેખમાળા તૈયાર થઈ શકે. ભાગ્યેશભાઈએ પ્રસન્નતા ઉપરની વિચાર કણીકાઓને સરસ રીતે સાંકળીને પ્રસ્તુત કરી. નિવૃત્ત સનદી અધિકારી, કવિ, નિબંધકાર, પ્રખર વકતા, વાચક અને વિચારક ભાગ્યેશભાઈને સરસ્વતી માતાના આશીર્વાદ છે. ભગવત ગીતા, વેદ, ઉપનિષદને એમણે ન માત્ર વાંચ્યા છે બલ્કે પચાવ્યા છે. જે. કૃષ્ણમુર્તિથી માંડીને ઓશો, સ્વામી વિવેકાનંદજીથી લઇને ટોલ્સટોય, કવિવર રવીન્દ્રનાથથી માંડીને મેઘાણી, મુનશી, નર્મદને એમણે વાંચ્યા છે.  મુંબઈ, સુરત, વડોદરાથી માંડીને અમેરિકા અને લંડનમાં એમણે અલગ અલગ વિષયો ઉપર મનનીય વક્તવ્યો આપ્યા છે. સંસ્કૃત ભાષા ઉપર એમની જબરી પક્કડ છે. એમણે નાટકોમાં અભિનય પણ કર્યો છે.
ભાગ્યેશભાઈએ પ્રસન્નતાના પાયામાં વ્યસ્તતાને મહત્ત્વ આપ્યું. જે વ્યસ્ત હોય એ જ સદાય મસ્ત રહી શકે અને જે અસ્તવ્યસ્ત હોય એ સ્વયં તો ત્રસ્ત હોય જ સાથે સાથે બીજાને પણ ત્રસ્ત કરી મુકે. એમણે ટીકાના ટકોરાઓને ખાળવા સરસ સૂત્ર આપ્યું કે જે પ્રસંશાને ઓળખી શકે એ જ ટીકાને ઓળંગી શકે. ભાગ્યેશભાઈ પાસઠેક વર્ષના યુવાન છે. એમની તાજગી અને હાસ્યની ઉષ્મા ૨૫ વર્ષના યુવાનને શરમાવે એવી છે. એમના ઉપર જાણીતા ગુજરાતી લેખક ચિંતક સ્વ. વિનોદભાઈ ભટ્ટનો ખાસ્સો પ્રભાવ છે. એમના વક્તવ્યમાં વિનોદભાઈનો ઉલ્લેખ અવશ્ય સાંભળવા મળે જ મળે. ભાગ્યેશભાઈ વ્યસ્ત એ જ મસ્તની પરિભાષા ખોલતા જતા હતા ત્યારે મારા માનસપટ ઉપર જાણીતા અમેરિકન ચિંતક અને લેખક ઓ હેન્રી બેક ઑફ ધ માઈન્ડ ખુલતા જતા હતા. ઓ હેન્રી એમની નવલિકાઓ માટે જગમશહુર છે. એમની લેખન શૈલી સરળ, મર્મસ્પર્શી અને સચોટ. એમની વાર્તાઓનો અંત સદાય અણધાર્યો અને આકસ્મિક હોય. ‘ધ ગીફ્ટ ઓફ ધ માગી હોય કે ધ સ્કાયલાઈટ રૂમ હોય, ‘ધ કોપ એન્ડ ધ એન્થમ હોય કે પછી આફટર ટ્વેન્ટી યર્સ હોય હેન્રીની દરેક વાર્તાનો અંત લાગણીભીનો અને વાચકની કલ્પના બહારનો આકસ્મિક જ હોય.
વાત હેન્રીની વાર્તાઓની નથી કરવી પણ એના જીવનની વ્યસ્તતા અને મસ્તીની કરવી છે. ઓ હેન્રીનું સાચુ નામ વિલિયમ સિડની પોર્ટર છે. હેન્રી એક બેંકમાં કારકુનની નોકરી કરતા. એક વખત બેંકમાં મોટી ચોરી થઈ. પોર્ટર ઉપર ચોરીનો આરોપ લાગ્યો. પાંચ વર્ષની એને સજા થઈ. આરોપ અને શિક્ષાના કારણે પોર્ટરને એની પત્ની ઑસ્ટિનને ગુમાવવી પડી. પિતા ગુનેગાર છે અને જેલમાં છે એ રીતે પાંચ વર્ષની પુત્રી માર્ગારેટ ન ઓળખે એટલે દાદા-દાદી પાસે માર્ગારેટ ઉછરવા લાગી. જેલમાંથી પોર્ટર નિયમિત રીતે દીકરી માર્ગારેટને નાના મોટા પત્રો લખતા. પત્રોમાં રસપ્રદ ટૂચકાઓ, અનુભવોની વાર્તાઓ લખતા. દીકરી એ આનંદથી માણતી. ‘ઓ. હેન્રીના તખલ્લુસથી લખેલી પોર્ટરની વાર્તાઓ ખૂબ વંચાવા લાગી.  પોર્ટર વિશ્વના બેસ્ટ સેલર બની ગયા.
. હેન્રીની કહાનીમાં સૌથી અગત્યનું પાસુ એની કર્મશીલતા છે. જેલમાં પણ લખવામાં વ્યસ્ત રહી એમણે જીવનને મસ્ત બનાવ્યું. ‘ધ ગીફ્ટ ઓફ ધ માગીમાં ઓ. હેન્રી કહે પણ છે જીવન આંસુ, હીબકાં, નિસાસા અને હાસ્યથી ભરેલું છે. જેમાં નિસાસાનું વર્ચસ્વ વધુ હોય છે. ભાગ્યેશભાઈએ એમના વક્તવ્યમાં કહ્યું હતું કે, મુશ્કેલી અને મુસીબતો તો બધાના જીવનમાં છે જ પણ હસીને પ્રયત્નો કરીને માર્ગ કાઢનારા મસ્ત રહી શકે છે. હેન્રીએ મુશ્કેલીઓમાં મોજમાં રહી માર્ગ કાઢ્યો છે. દરેકના જીવનમાં વિટંબણાઓ જુદા જુદા સ્વરૂપે હોય જ છે તેને અતિક્રમીને પોતાનું જીવન આગળ વધારતા જ હોય છે. આગળ વધેલા પ્રત્યેક વ્યક્તિના જીવનની એક રસપ્રદ કહાની છે.
ગાંધીનગરને સાંસ્કૃતિક અને વૈચારિક પહેચાન આ બે જહાબંધુઓએ આપી છે. એકે નગરના સાંસ્કૃતિક અને સંસ્કારિતાની સુવાસ નગરજનોમાં પ્રસરાવી છે તો બીજાએ તેના વાંચન અને અનુભવના આધારે લેખન અને વક્તવ્યથી નગર અને નગર બહાર નગરનો ડંકો વગાડ્યો છે.

ધબકાર-
દુનિયામાં એવો એક પણ વ્યક્તિ નથી કે જેને કોઈ સમસ્યા જ નથી અને દુનિયામાં એવી કોઈ સમસ્યા નથી કે જેનું સમાધાન નથી.