સાંસ્કૃતિક અને વૈચારિક
વિશ્વથી નગરની પહેચાન બનતી હોય છે
કોઈપણ નગરની ઐતિહાસિક, સાંસ્કૃતિક અને વૈચારિક ધરી હોય છે. આ
ત્રણ પરિમાણો વગર નગરની છબી ધુંધળી લાગે. માણસોથી નગરની ઓળખ બનતી હોય છે. વૈચારિક
ધરોહર વગર નગર બિહામણું લાગે. ૭૦ના દાયકામાં રાજ્યનું પાટનગર ગાંધીનગર જ્યારે
બન્યું ત્યારે આ નગર જંગલ શહેર અને આંધીઓનું નગર ભાસતું હતું. ધીમે ધીમે સરકારના કર્મયોગીઓ વસવા આવવા
લાગ્યા. ગાંધીનગર માણસોથી ભરાવા લાગ્યું. માનવ
વસાહતો તો ઊભી થઈ પણ એમાં સાંસ્કૃતિક અને વૈચારિક વસાહતોના નિર્માણની તાતી જરૂર
હતી.
ગાંધીનગર શહેરને સાંસ્કૃતિક ઓળખ આપવા માટે
નગરના કેટલાક મિત્રો મન દઈને મેદાને પડ્યા. જેના પાયામાં સંસ્કૃતિ, કલરવ, થનગનાટ, શિરંજની, કલાગુર્જરી, સુરમધુર, જ્યોતિ મહિલા મંડળ જેવી સંસ્થાના
મિત્રોની મહેનત છે. પણ આજે વાત કરવી છે, કલ્ચરલ ફોરમની. કૃષ્ણકાંત જ્હા અને એમના તરવરીયા
મિત્રો સ્વર્ગસ્થ જ્યોતિંદ્રભાઇ વ્યાસ, પ્રકાશભાઇ
લાલા, મહેન્દ્રભાઇ ગજ્જર, હિરેન ભટ્ટ વગેરે ભેગા મળી અઢી દાયકા
પહેલાં સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ શરૂ કરી. પરિણામ સ્વરૂપે ‘કલ્ચરલ ફોરમ’
જેવી સંસ્થાએ આકાર લીધો. સંસ્થામાં હજારો પરિવાર જોડાયા. એક
પછી એક સંસ્કારી અને શિષ્ટ સાંસ્કૃતિક કાર્યક્રમો ગાંધીનગરમાં લોકોના મનહૃદયને
પુલકીત કરવા લાગ્યા. સાંસ્કૃતિક કાર્યક્રમો પણ એવા કે આખું પરિવાર
સાથે બેસીને મનભરીને માણી શકે. એ પછી નાટક હોય કે ડાયરો, નવરાત્રી હોય કે જન્માષ્ટમી, ગીત સંગીત
હોય કે મુશાયરો કલ્ચરલ ફોરમના દરેક કાર્યક્રમની આગવી ગરીમા અને રૂત્બો હોય.
આજકાલ કરતાં કલ્ચરલ ફોરમને ૨૫ વર્ષ થઈ ગયા. આ
૨૫ વર્ષોમાં અઢળક કાર્યક્રમો યોજી નગરજનોના હૃદયમાં કૃષ્ણકાંતભાઈ અને એમની ટીમે
અનન્ય સ્થાન પ્રાપ્ત કરી લીધું છે. લોકો વિશ્વાસપૂર્વક કહે છે કે કલ્ચરલ ફોરમનો
કાર્યક્રમ છે ને તો એ સંસ્કારપૂર્ણ અને ગરીમાપૂર્ણ જ હોય.
છેલ્લા કેટલાક વર્ષોથી આ સંસ્થાએ સાંસ્કૃતિક
ચેતનાની સાથે સાથે નગરના વૈચારિક વિશ્વને નવો ઉઘાડ આપવાનું અદભુત કામ ઉપાડ્યું છે. મોરારિબાપુથી
માંડીને બ્રહ્મવિહારી સ્વામી, જય વસાવડા, કાજલ ઓઝા વૈદ્ય, વસંતદાન ગઢવી, ભીખુદાન ગઢવી, સાંઈરામ દવે વગેરે જેવા લેખકો અને
વિચારકોના વક્તવ્યોની સીરીઝ યોજી કલ્ચરલ ફોરમે ગાંધીનગરમાં વિચાર વલોણું ફેરવ્યું
છે.
સંસ્થાની રજત જયંતિ નિમિત્તે જાણીતા ચિંતકોનો
વિચાર વૈભવ ગત સપ્તાહમાં બે દિવસ ચાલ્યો. કુદરતનું કરવું અને આ વિચાર વૈભવના ફોરાની સાથે
એ બે દિવસ ગાંધીનગરમાં ક્યારેક રીમઝીમ તો ક્યારેક મુશળધાર વરસાદી માહોલ સતત જામ્યો
હતો. માટીની ભીની ભીની સુવાસ સાથે વક્તાઓના
વક્તવ્યનું સામંજસ્ય મન-હૃદયને તરબતર કરતું રહ્યું.
વિચારકો, ચિંતકો, લેખકોના બે દિવસના ધોધમાર વિચારોમાં
કેન્દ્રસ્થાને ‘પ્રસન્નતા’ હતી. જીવનને કેવી રીતે વધુ જીવવા જેવું
બનાવી શકાય ? પ્રસન્નતાના માર્ગો કયા અને ક્યાં છે ? એ
કેવી રીતે મળે ? આ ચિંતન અને મનનની રીતસર દરીયો ભરીને લોકોએ મોજ
કરી.
ગુજરાતી સાહિત્યના ઘણા ચિંતકો લેખકોએ
પ્રસન્નતાના વિષય ઉપર વાતો કરી. એમાં એક વકતા નગરના ભાગ્યનું ઈશ એવા ભાગ્યેશભાઈ
જહા પણ હતા. બધા જ વકતાઓએ પ્રસન્નતાના વિષયને એટલો સરસ
ન્યાય આપ્યો છે કે, દરેકના વિચારોને વણી લેતા એક એક લેખની
મઝાની લેખમાળા તૈયાર થઈ શકે. ભાગ્યેશભાઈએ પ્રસન્નતા ઉપરની વિચાર કણીકાઓને
સરસ રીતે સાંકળીને પ્રસ્તુત કરી. નિવૃત્ત સનદી અધિકારી, કવિ, નિબંધકાર, પ્રખર વકતા, વાચક અને વિચારક ભાગ્યેશભાઈને સરસ્વતી
માતાના આશીર્વાદ છે. ભગવત ગીતા, વેદ, ઉપનિષદને એમણે ન માત્ર વાંચ્યા છે
બલ્કે પચાવ્યા છે. જે. કૃષ્ણમુર્તિથી માંડીને ઓશો, સ્વામી
વિવેકાનંદજીથી લઇને ટોલ્સટોય, કવિવર રવીન્દ્રનાથથી માંડીને મેઘાણી, મુનશી, નર્મદને
એમણે વાંચ્યા છે. મુંબઈ, સુરત, વડોદરાથી
માંડીને અમેરિકા અને લંડનમાં એમણે અલગ અલગ વિષયો ઉપર મનનીય વક્તવ્યો આપ્યા છે.
સંસ્કૃત ભાષા ઉપર એમની જબરી પક્કડ છે. એમણે નાટકોમાં અભિનય પણ કર્યો છે.
ભાગ્યેશભાઈએ પ્રસન્નતાના પાયામાં વ્યસ્તતાને
મહત્ત્વ આપ્યું. જે વ્યસ્ત હોય એ જ સદાય મસ્ત રહી શકે અને જે
અસ્તવ્યસ્ત હોય એ સ્વયં તો ત્રસ્ત હોય જ સાથે સાથે બીજાને પણ ત્રસ્ત કરી મુકે. એમણે
ટીકાના ટકોરાઓને ખાળવા સરસ સૂત્ર આપ્યું કે ‘ જે પ્રસંશાને ઓળખી શકે એ જ ટીકાને
ઓળંગી શકે. ’ ભાગ્યેશભાઈ પાસઠેક વર્ષના યુવાન છે. એમની
તાજગી અને હાસ્યની ઉષ્મા ૨૫ વર્ષના યુવાનને શરમાવે એવી છે. એમના ઉપર જાણીતા ગુજરાતી લેખક ચિંતક
સ્વ. વિનોદભાઈ ભટ્ટનો ખાસ્સો પ્રભાવ છે. એમના
વક્તવ્યમાં વિનોદભાઈનો ઉલ્લેખ અવશ્ય સાંભળવા મળે જ મળે. ભાગ્યેશભાઈ વ્યસ્ત એ જ મસ્તની પરિભાષા
ખોલતા જતા હતા ત્યારે મારા માનસપટ ઉપર જાણીતા અમેરિકન ચિંતક અને લેખક ઓ હેન્રી ‘બેક
ઑફ ધ માઈન્ડ’ ખુલતા જતા હતા. ઓ હેન્રી એમની નવલિકાઓ માટે જગમશહુર છે. એમની
લેખન શૈલી સરળ, મર્મસ્પર્શી અને સચોટ. એમની વાર્તાઓનો અંત સદાય અણધાર્યો અને
આકસ્મિક હોય. ‘ધ ગીફ્ટ ઓફ ધ માગી’ હોય કે ‘ધ સ્કાયલાઈટ રૂમ’ હોય, ‘ધ કોપ એન્ડ ધ એન્થમ’
હોય કે પછી ‘આફટર ટ્વેન્ટી યર્સ’ હોય હેન્રીની દરેક વાર્તાનો અંત
લાગણીભીનો અને વાચકની કલ્પના બહારનો આકસ્મિક જ હોય.
વાત હેન્રીની વાર્તાઓની નથી કરવી પણ એના જીવનની
વ્યસ્તતા અને મસ્તીની કરવી છે. ઓ હેન્રીનું સાચુ નામ વિલિયમ સિડની પોર્ટર છે. હેન્રી
એક બેંકમાં કારકુનની નોકરી કરતા. એક વખત બેંકમાં મોટી ચોરી થઈ. પોર્ટર ઉપર
ચોરીનો આરોપ લાગ્યો. પાંચ વર્ષની એને સજા થઈ. આરોપ અને શિક્ષાના કારણે પોર્ટરને એની
પત્ની ઑસ્ટિનને ગુમાવવી પડી. પિતા ગુનેગાર છે અને જેલમાં છે એ રીતે પાંચ
વર્ષની પુત્રી માર્ગારેટ ન ઓળખે એટલે દાદા-દાદી પાસે માર્ગારેટ ઉછરવા લાગી. જેલમાંથી
પોર્ટર નિયમિત રીતે દીકરી માર્ગારેટને નાના મોટા પત્રો લખતા. પત્રોમાં રસપ્રદ ટૂચકાઓ, અનુભવોની
વાર્તાઓ લખતા. દીકરી એ આનંદથી માણતી. ‘ઓ. હેન્રી’ના તખલ્લુસથી લખેલી પોર્ટરની વાર્તાઓ
ખૂબ વંચાવા લાગી.
પોર્ટર વિશ્વના બેસ્ટ સેલર બની ગયા.
ઓ. હેન્રીની કહાનીમાં સૌથી અગત્યનું પાસુ એની
કર્મશીલતા છે. જેલમાં પણ લખવામાં વ્યસ્ત રહી એમણે જીવનને મસ્ત
બનાવ્યું. ‘ધ ગીફ્ટ ઓફ ધ માગી’માં ઓ. હેન્રી કહે પણ છે ‘જીવન
આંસુ, હીબકાં, નિસાસા અને હાસ્યથી ભરેલું છે. જેમાં નિસાસાનું
વર્ચસ્વ વધુ હોય છે.’ ભાગ્યેશભાઈએ એમના વક્તવ્યમાં કહ્યું હતું કે, મુશ્કેલી
અને મુસીબતો તો બધાના જીવનમાં છે જ પણ હસીને પ્રયત્નો કરીને માર્ગ કાઢનારા મસ્ત
રહી શકે છે. હેન્રીએ મુશ્કેલીઓમાં મોજમાં રહી માર્ગ કાઢ્યો
છે. દરેકના જીવનમાં વિટંબણાઓ જુદા જુદા સ્વરૂપે હોય
જ છે તેને અતિક્રમીને પોતાનું જીવન આગળ વધારતા જ હોય છે. આગળ વધેલા પ્રત્યેક વ્યક્તિના જીવનની
એક રસપ્રદ કહાની છે.
ગાંધીનગરને સાંસ્કૃતિક અને વૈચારિક પહેચાન આ બે
‘જહા’ બંધુઓએ આપી છે. એકે નગરના સાંસ્કૃતિક અને સંસ્કારિતાની
સુવાસ નગરજનોમાં પ્રસરાવી છે તો બીજાએ તેના વાંચન અને અનુભવના આધારે લેખન અને
વક્તવ્યથી નગર અને નગર બહાર નગરનો ડંકો વગાડ્યો છે.
ધબકાર-
દુનિયામાં એવો એક પણ વ્યક્તિ નથી કે
જેને કોઈ સમસ્યા જ નથી અને દુનિયામાં એવી કોઈ સમસ્યા નથી કે જેનું સમાધાન નથી.


No comments:
Post a Comment