મનમાંથી પદનો કાંટો અને કદનો કાંટો
નીકળે તો પ્રસન્નતા મળે
મહુવા પાસે તલગાજરડા નામે એક નાનું એવું ગામ. ત્યાંના એક પરિવારની વાત છે.
વર્ષો પહેલાના જમાનામાં ગેસ તો હતા
નહીં, જંગલમાંથી સુકા લાકડા વીણી ગૃહિણીઓ એમનું રોજીંદુ કામ
ચલાવતી. માતા સાથે નાનકડા મોરારિદાસ જંગલમાં લાકડા
વીણવા રોજ જાય. માતા મગની એક શીંગ દીકરાને આપી દે. એને
એ ચાવતા ચાવતા માતાની પાછળ પાછળ આ બાળક ચાલતો જાય. એક દિવસની વાત છે. બાળકને પગમાં કાંટો વાગ્યો. માતાને
ખબર પડશે તો નાહક ચિંતા કરશે એમ વિચારી બાળકે માતાને કીધું જ નહીં. ચાલ
પણ બને તેટલી નોર્મલ રાખવાની કોશિષ કરી.
માતા અને બાળક ઘરે આવ્યા. પરસાળમાં બેઠેલા દાદા બાળકની ચાલ ઉપરથી
પામી ગયા કે પૌત્રના પગમાં કોઈ તકલીફ છે. એમણે પૂછ્યુ. ‘બેટા પગમાં શું થયું ?’ દાદા આગળ ખોટું કેમ બોલાય ? બાળકે કહ્યું કાંટો વાગ્યો છે. દાદાએ
પગ જોયો. કાંટો વાગ્યા પછી વધારે ચાલવાથી કાંટો બટકીને પગમાં
ઉંડે સુધી અંદર સરકી ગયો હતો. ઘરના બધા કહે ગામના માધાભાઈ બાબરને બોલાવી
કાંટો કઢાવીએ. દાદાએ કહ્યું, ‘કોઈ માધાની જરૂર નથી. સોંય લાવો હું જ
કાંટો કાઢી નાખું.’ દાદાએ પૌત્રના પગમાંથી કાંટો કાઢી નાખ્યો. આ પૌત્ર
એટલે મોરારિદાસ. જેમને આજે સમસ્ત વિશ્વ મોરારિબાપુના નામથી ઓળખે
છે. આ એજ મોરારિદાસ કે જે આજે દુનિયાભરના લોકોના
હૃદયમાં વાગેલા કાંટા હસતા મોએ સિફતથી ખેંચી કાઢે છે. સપ્ટેમ્બર ૨૫, ૧૯૪૬માં તલગાજરડામાં પિતા પ્રભુદાસ
અને દાદા ત્રિભુવનદાસના વૈષ્ણવ પરિવારમાં જન્મેલા મોરારીબાપુ તાજેતરમાં
ગાંધીનગરમાં એક મનનીય પ્રવચન આપવા આવ્યા હતા. મોરારી બાપુની વાણી અને વિચારો વિષે
ખુબ લખાય અને સંભળાય છે. પરંતુ આજે બાપુના પ્રસન્નતા વિષેના પ્રવચનના અંશોની સાથે
બાપુના જીવન વિષે પણ થોડી વાત કરવી છે. એટલે જ લેખની શરૂઆતમા બાળપણનો એક કિસ્સો
મુકી વાતનો આરંભ કર્યો.
તલગાજરડાથી મહુવા પગપાળા અભ્યાસ માટે જતી વખતે
દાદા ત્રિભુવનદાસજીએ આપેલી રામાયણની ચોપાઈઓ બાળ મોરારિદાસ ગાતા જાય અને એને કંઠસ્થ
કરતા જાય. બાળપણથી જ એમને અભ્યાસ કરતા રામકથામાં વિશેષ રૂચિ
રહેતી. અભ્યાસ બાદ મહુવાની જ પ્રાથમિક શાળામાં તેઓ શિક્ષક
બન્યા. સને ૧૯૬૦માં ૧૪ વર્ષની વયે બાપુએ ચૈત્ર
મહિનામાં એક મહિનાની પહેલી રામકથા કરી. ત્યાર બાદ વિદેશની ધરતી ઉપર પહેલીવાર વર્ષ ૧૯૭૬માં
નૈરોબીમાં એમણે રામકથા એમણે કરી. ગુજરાતી મોશન ટુડેના અહેવાલો અનુસાર એમણે
અત્યાર સુધીમાં ૮૫૦થી વધુ રામકથાઓ કરી છે.
શરૂઆતના સમયમાં પારિવારિક નિર્વહન માટે કથામાં
આવતી દાનદક્ષિણાનો સ્વીકાર તેઓ કરતા. વર્ષ ૧૯૭૭થી એમણે કથામાં આવતી દાન-દક્ષિણા
ન લેવાનો નિર્ણય કર્યો. જે આજ પર્યંત બરકરાર છે. બાપુના ખભે રહેલી કાળી કામળીના સંદર્ભમાં
ઘણી ધારણાઓ અને માન્યતાઓ છે. કોઈ કહે છે કે, સ્વયં હનુમાનજીએ બાપુને આ કાળી
શાલ આપી છે. તો વળી કોઈ કહે છે, જુનાગઢના કોઈ સિદ્ધહસ્ત સંતે તેમને એ
આપી છે. જો કે બાપુ કહે છે કે, એમને બાળપણથી કાળો રંગ
ખૂબ પ્રિય છે. એમને ગમે છે એટલે એ આ કાળી શાલ ખભે રાખે છે. મોરારિબાપુ તળથી જોડાયેલું અનોખું
વ્યક્તિત્વ છે. એકવાર અચાનક તણસાવાળી મહુવાની બસમાં એ બેસી ગયા. ડ્રાયવર
અજયસિંહ અને બસના પેસેન્જરોનો તો સાનંદાશ્ચર્યનો પાર ન રહ્યો. ભાવનગરના ભગલી ગેટ સુધી બાપુએ બસમાં
સફર કરી, આનંદ કર્યો અને પેસેન્જરોને મોજ કરાવી.
સાહિત્ય, સંગીત અને સંસ્કારીતાની ત્રિવેણી બાપુની
વાણીમાં અસ્ખલિત વહેતી હોય છે. કથાના નવતર પ્રયોગોથી બાપુ હમેશા લોકહૃદયમાં
વધુ ઊંડે સુધી બિરાજતા રહે છે. વર્ષ ૨૦૧૬માં એમણે ‘માનસ-કિન્નર’ રામકથાનો પ્રયોગ કર્યો. એ
કથાના પ્રારંભમાં એમણે કહ્યું કે, ‘જે સમાજની આપણે ઉપેક્ષા કરી છે, જેને
આપણે અપમાનિત કર્યા છે એનું પ્રાયશ્ચિત કરવાની આ નવ દિવસની કથા છે.’ એક
જણે પ્રશ્ન પણ પૂછ્યો કે, ‘બાપુ, આપ કિન્નર પર શા માટે બોલો છો ?’ ત્યારે
બાપુએ હૃદય સોંસરવો ઊતરી જાય એવો જવાબ આપ્યો કે, ‘ એમના વિશે મારો બાપ બોલ્યો છે, મારા
દાદા બોલ્યા છે, દાદાઓના દાદા શંકર દાદા બોલ્યા છે, કિન્નરો
ઉપર હું ન બોલ્યો હોત તો મારી કથાની યાત્રા થોડી અધૂરી રહી જાત.’
એકાદ પખવાડિયા પહેલાં ગાંધીનગરમાં મોરારિબાપુ
રામ કથા વગર આવ્યાં. અંતરમનના વીણાના તાર રણઝણાવવા, જીવનને સુખ અને શાંતિની ક્ષણો શોધીને
આપવા ‘પ્રસન્નતા જ જીવન’ વિષય ઉપર એમણે હદય સોંસરવી ઉતરી જાય
એવી વાત કરી. બાપુના એકે એક વાક્યો અદભુત ‘વન લાઇનર’ જેવા
હતાં. જીવનની પ્રસન્નતાના સોનેરી વાક્યો સ્વરૂપે એમની વાણીમાંથી ચૂંટેલો અર્ક
પ્રસ્તુત છે.
· પ્રમાણિકતા વગર પવિત્રતા ન આવી શકે.
· પવિત્રતાનો અભાવ પ્રસન્નતા ન આપી શકે.
· મનની પ્રસન્નતા બહુ ટકાઉ નથી હોતી.
· અહંકાર ક્યારેય પ્રસન્ન નથી રહેવા દેતો.
· જેની પાસે બહુ બુદ્ધિ છે એ પ્રસન્ન નથી રહી
શકતો.
· પ્રસન્ન થવા ચિત્તપ્રધાન થવું પડે.
· આપણે બુદ્ધિપ્રધાન છીએ, અહંકારપ્રધાન છીએ પણ ચિત્તપ્રધાન નથી.
· મનમાંથી પદનો કાંટો અને કદનો કાંટો નીકળે તો
પ્રસન્નતા મળે.
· ચિત્તવૃત્તિ સ્થિર રહે તો પ્રસન્નતા અખંડ રહે.
· મનની બારીમાં ‘એકઝોસ ફેન’ સીધી દિશામાં લાગેલો હોવો જોઈએ.
· જે કાળમાં છીએ એ કાળ સુખ-પ્રસન્નતા ન આપે તો સતયુગમાં પણ સુખ ન
જ મળે.
· બ્રહ્મચર્ય બાળક જેવું હોવું જોઈએ ચાર વર્ષના
બાળકને બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા નથી લેવી પડતી.
· કારણથી ગમે એ ગમવું ન કહેવાય.
· શ્રદ્ધાના ખોળામાં હંમેશા પ્રસન્નતા રમતી હોય
છે.
· શિખર ઉપર પહોંચનારને પોતાના નામનો પણ ભાર લાગતો
હોય છે.
· ગ્રહ, ઉપગ્રહ, પૂર્વાગ્રહને ગ્રહણ નડે પણ અનુગ્રહ હોય એને કોઈ
ગ્રહણ ન નડે.
પ્રશ્નો, પળોજણ અને પરેશાનીગ્રસ્ત જીવનમાં પ્રસન્નતાના
પુષ્પો કેમ વેરવા એ જ જીવનનું સાચુ મહાત્મ્ય છે. જીવનમાં સત, ચિત્ત અને આનંદનો સમન્વય થાય ત્યારે
પ્રસન્નતાનું આકાશ ઉઘડતું હોય છે. એમાં પાંખો ફેલાવી વિહરવાના આનંદ અવર્ણનીય હોય
છે. ‘અર્ક’ વ્યાખ્યાનમાળાના વધુ એક મણકામાં મોરારિબાપુએ
સહજતાથી જીવનના મર્મને સ્પષ્ટ કરી ગાંધીનગરના પ્રબુદ્ધોને અર્થસભર મોજ કરાવી દીધી.
ધબકાર –
‘જે અંદરથી પ્રસન્ન ન હોય એ બીજાને ક્યારેય પ્રસન્ન ન કરી શકે’
– મોરારિબાપુ





No comments:
Post a Comment