૧૯૭૦માં
ભારતીય સિનેમા
ઉદ્યોગને
‘બોલીવુડ’ નામ મળ્યું
માણસને ઝડપથી શું યાદ રહી
જાય ? બોલીને, વાંચીને, જોઇને, કે પછી સાંભળવાની સાથે જોઇને. આ પ્રશ્ન સદાકાળથી
ચર્ચાતો આવ્યો છે. તાજેતરમાં થયેલા વૈજ્ઞાનિક સંશોધનોએ પૂરવાર કર્યું છે કે,
વાંચવા અને સાંભળવાના કરતાં દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમ માણસના મગજમાં ખૂબ ઝડપથી અને
ઊંડી અસર ઊભી કરે છે. એક જમાનો હતો કે, લોકરંજન માટે શેરી નાટક સૌથી વધારે અસરકારક
માધ્યમ ગણાતું હતું. ત્યાર બાદ
ફ્રાન્સના લુરીયર બ્રધરે ૧૮૯૬માં ભારતની સૌથી પહેલી સાયલન્ટ શોર્ટ ફિલ્મ બનાવી.
લુરીયર બ્રધરની આ સાયલન્ટ શોર્ટ ફિલ્મને ભારતીય સિનેમા ઉદ્યોગને પ્રથમ દસ્તક આપ્યા
એમ કહી શકાય.
ભારતમાં વિધિવત રીતે
ફિલ્મો બનાવવાની શરૂઆત ત્યારપછી છેક વર્ષ ૧૯૧૩થી થઈ. દાદાસાહેબ ફાળકે એક એવું
ભારતીય સિનેમા ઉદ્યોગનું આદરપાત્ર નામ છે કે, જેમણે તેમનું સમગ્ર જીવન
દ્રશ્ય-શ્રાવ્ય મનોરંજનની દુનિયાને સમર્પિત કર્યું. દાદાસાહેબે ભારતની સૌથી પહેલી ફુલ
લેન્થ ફિલ્મ બનાવી અને રિલિઝ કરી. દાદા
સાહેબની આ પહેલી ફિલ્મનું નામ હતું ‘રાજા હરિશ્ચંદ્ર’. સ્વાભાવિક રીતે જ આ પહેલી
ફિલ્મ સંવાદ વગરની મુંગી અને બ્લેક એન્ડ વ્હાઈટ હતી. રાજા હરિશ્ચંદ્ર ફિલ્મને ભારતીય
સિનેમાનો પ્રથમ માઈલસ્ટોન ગણવામાં આવે છે. મજાની વાત તો એ છે કે, આ ફિલ્મના
પ્રોડ્યુસર, ડાયરેકટર, કેમેરામેન, સ્ક્રીપ્ટ રાઈટર, મેકઅપ મેન વન એન્ડ ઓલ
દાદાસાહેબ ફાળકે જ હતા. વર્ષ ૧૯૧૩થી વર્ષ ૧૯૧૮ વચ્ચે દાદાસાહેબે ૨૩ જેટલી
ફિલ્મોનું નિર્માણ કર્યું. સિનેમા પ્રત્યે અડગ નિષ્ઠા અને અદભુત લગનને કારણે જ
દાદાસાહેબની ક્રિએટીવીટીને ભારતીય ફિલ્મ ઉદ્યોગે અને ભારતીય લોકોએ હૃદયપૂર્વક
પોંખી. ભારતીય સિનેમાનો ઉલ્લેખ આવે ત્યારે ઇંડિયન ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ભીષ્મ પિતામહ
દાદાસાહેબ ફાળકેનું નામ સૌથી પહેલા લેવું પડે.
એ વાત પણ એટલી જ વાસ્તવિક
છે કે, વર્ષ ૧૯૧૦થી ૧૯૨૦ના દશક દરમિયાન એ જમાનામાં જેટલી ફિલ્મો બનવી જોઈએ એટલા
પ્રમાણમાં ફિલ્મોનું પ્રોડકશન થઈ શક્યું ન હતું. પરંતુ એ સમયે દ્રશ્ય-શ્રાવ્ય
માધ્યમની અસરકારકતાના કારણે હિન્દુસ્તાનીઓના હૃદયમાં સિનેમા પ્રત્યે રસ પેદા થઈ
ચૂક્યો હતો. લોકોને ફિલ્મોનું માધ્યમ ગમવા લાગ્યું હતું. બરાબર આ જ સમયગાળામાં
પશ્ચિમના હોલીવુડના ફિલ્મ મેકર્સ પણ ફિલ્મો બનાવવા મેદાનમાં આગળ આવવાનો પ્રયાસ કરી
રહ્યા હતાં. એ જમાનામાં ભારતીય ફિલ્મોનું કથાનક ઐતિહાસિક અને પૌરાણિક પાત્રોની
ઇર્દ-ગીર્દ રહેતું. જ્યારે હોલીવુડની ફિલ્મોમાં એકશન-મારધાડની ફિલ્મો બનતી. ભારતીય
ફિલ્મો અને પશ્ચિમની ફિલ્મો વચ્ચે મૂળતઃ આ વૈચારિક તફાવત ઉડીને આંખે વળગે તેવો
હતો.
વર્ષ ૧૯૩૧માં આદેસર
ઈરાનીએ ‘આલમઆરા’ નામની સંવાદવાળી ફિલ્મ બનાવીને રિલીઝ કરી. સાઈલેન્ટ મુવીની
ફ્રેમમાં સંવાદનું તત્ત્વ ઉમેરાતા ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જબરજસ્ત ચેતનાનો
સંચાર થયો. ત્યાર પછી આદેશર ઈરાનીએ જ વર્ષ ૧૯૩૭માં ‘કિશન કનૈયા’ નામની પહેલી કલર
ફિલ્મ પ્રસ્તુત કરી. વર્ષ ૧૯૧૩થી ૧૯૩૧ સુધી ભારતની માયાનગરી મુંબઈમાં જ ફિલ્મોનું
નિર્માણ થતું એવું ન હતું. ૧૯૧૭માં પહેલી બંગાળી ફિલ્મ ‘નળ-દમયંતી’ બની અને તેના
બે વર્ષ બાદ ૧૯૧૯માં દક્ષિણ ભારતમાં ‘કિચાલાવધાઉ’ નામની ફિચર ફિલ્મ બની તેના ૧૩
વર્ષ પછી ૧૯૩૨માં મરાઠીમાં ‘અયોધ્યા ચા રાજા’ રિલીઝ થઈ.
૧૯૪૯નું વર્ષ આધુનિક
ફિલ્મોના નિર્માણનો ટર્નીંગ પોઈન્ટ ગણવામાં આવે છે. માનવીની રોજીંદી જિંદગીની
સમશ્યાઓ, સામાજિક પ્રશ્નો, સંસ્કારિતા, સમાજ જીવન વગેરે વિષયો ઉપર ફિલ્મો બનવા
લાગી. ૧૯૬૦નો દશક આવતાં આવતાં ઋત્વિક ઘટક અને મૃણાલ સેન જેવા ફિલ્મ મેકર્સે
સામાન્ય માનવી અને એના જીવનના ઉતાર ચઢાવના વિષયોને લગતા કથાનક ઉપર ફિલ્મોનું
નિર્માણ કરવાનું શરૂ કર્યું. ૧૯૫૦થી ૧૯૬૦નો દાયકો ભારતીય સિનેમા ઉદ્યોગનો સ્વર્ણિમ
દશક તરીકે ઓળખાય છે. આ દોરમાં મેઘાવી અદાકારોએ સિલ્વર સ્ક્રીનને ગજવી હતી. ગુરુદત્ત,
મીનાકુમારી, રાજકપુર, દિલીપકુમાર, મધુબાલા, નરગીસ, નૂતન, દેવાનંદ જેવા મેગાસ્ટાર્સે
હિન્દુસ્તાની પ્રજાના દિલમાં દસ્તક દીધી. અહીં એ પણ ઉલ્લેખ કરવો જરૂરી છે કે,
૧૯૭૦નો દાયકો આવતા સુધીમાં હોલીવુડ ફિલ્મ ઈન્ડસ્ટ્રી ફોટોગ્રાફી અને એડીટીંગમાં
વૈજ્ઞાનિક ઉપકરણોનો ઉપયોગ કરીને બોલીવુડ કરતાં થોડાં વધુ મજબૂત ડગલાં ભરીને આગળ
નીકળી ગઈ. વર્ષ ૧૯૫૭મા મહેબુબ ખાન નિર્દેશીત ‘મધર ઇન્ડિયા’ ભારતીય સિનેમા જગત માટે
પ્રથમ માઇલ સ્ટોન જેવી ફિલ્મ હતી. અમેરિકન લેખક કેથરિન માયોના પુસ્તક ‘મધર
ઇન્ડિયા’ના નામ ઉપરથી મહેબુબ ખાને ભારતીય સમાજ જીવનને રજુ કરતી તેમની ફિલ્મનુ નામ
રાખ્યું હતું. વર્ષ ૧૯૭૦માં જ ભારતીય સિનેમા ઉદ્યોગને બોલીવુડ નામ મળ્યું. જો કે
કેટલાક લોકો બોલીવુડને ‘ઈન્ડીવુડ’ પણ કહે છે. ૧૯૭૦નો દાયકો ભારતીય ફિલ્મોના
મસાલામુવીના દાયકા તરીકે ઓળખાય છે. સાથે સાથે આ જ સમયગાળામાં બોલીવુડમાં ડ્રામેટિક
અને એકશન મુવીનો દોર પણ શરુ થયો. રાજેશ ખન્ના, ધર્મેન્દ્ર, હેમા માલિની અને અમિતાભ
બચ્ચન જેવા અદાકારો આ સમયગાળા દરમિયાન ભારતીય સિલ્વર સ્ક્રિન ઉપર ઊભરી આવ્યા.
ભારતીય સિનેમાની તવારિખી
વિશે વાત નીકળે ત્યારે ૧૯૭૫માં રિલીઝ થયેલી ફિલ્મ શોલેને યાદ કરવામાં ન આવે તો
ભારતીય સિનેમાનો ઉજ્જવળ ઇતિહાસ અધુરો લાગે. ૧૫ ઓગસ્ટ ૧૯૭૫ના રોજ ભારતના સિનેમા ઘરોમાં ગબ્બરસિંગના નામનું એક
વિલન કેરેકટર છવાઈ ગયું. શોલે ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીની બ્લોકબ્લસ્ટર ફિલ્મ સાબિત
થઈ. આ ફિલ્મના ટેકનિકલી, ફોટોગ્રાફિકલી, લોકેશન, સ્ક્રીપ્ટ, આદાકારી વગેરે તમામ
પાસા પોઈન્ટ ઝીરો મિસ્ટેકથી બન્યા છે. આજે પણ ફિલ્મ નિર્માણની તાલીમ આપતી
ઈન્સ્ટિટ્યૂટ્સમાં નવા આગંતુક કલાકાર કસબીઓને શોલે ફિલ્મના વિવિધ પાસાઓ સમજાવીને તૈયાર
કરવામાં છે.
વર્ષ ૧૯૮૦ના દશકમાં અનિલ
કપુર, સંજય દત્ત, સની દેઓલ, નસિરુદ્દીન શાહ, ઓમપુરી, મિથુન ચક્રવર્તી, જેકી શ્રોફ
વગેરે કલાકારોએ ધુમ મચાવી. ત્યાર પછી ૧૯૯૦ના દાયકામાં માધુરી, જુહી, અક્ષયકુમાર,
સલમાન, શાહરુખ, આમિર જેવા સિતારાઓનો ઉદય થયો. શોલે પછી ૧૯૯૪માં ‘હમ આપ કે હૈ કૌન’
૧૯૯૫માં ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’ અને ૧૯૯૬માં ‘રાજા હિન્દુસ્તાની’ આ ત્રણ
ફિલ્મોએ ભારતીય સિનેમા ઉદ્યોગમાં સલમાન, આમીર અને શાહરુખ ત્રણ ખાનને લાઈમ લાઈટમાં
લાવી દીધા. ૧૯૯૪ સુધી મારધાડ અને એકશન ફિલ્મોના દોરને ‘હમ આપ કે હૈ કોન’ ફિલ્મે
પારિવારિક ફિલ્મોનો નવો ટ્રેન્ડ આપ્યો. ૨૧મી સદીનો પ્રારંભ ‘કહોના પ્યાર હૈ’થી
ઋત્વિકનો જમાનો રોશન થયો.
આજે ભારતીય સિનેમાનું
સ્વરૂપ ૩૬૦ ડિગ્રીએ બદલાઈ ચૂક્યું છે. આંતરરાષ્ટ્રીય સ્તરની ફિલ્મો બનવા લાગી છે.
હવે માત્ર ભારત નહીં દુનિયાના ૧૦૦થી વધુ દેશોમાં ભારતીય ફિલ્મો એક સાથે રિલિઝ થાય
છે. દંગલ અને બાહુબલી જેવી ફિલ્મોએ અઢળક વિદેશી હૂંડિયામણ કમાવી આપ્યું છે. સૌથી
વધુ ફિલ્મો બોલીવુડમા બને છે. આજથી બે વર્ષ પહેલાના ઉપલબ્ધ આંકડા જોઈએ તો વર્ષ ૨૦૧૭માં ભારતમાં કુલ ૧૯૮૬ ફિલ્મો બની હતી, જે પૈકી ૩૬૪
હિન્દી ફિલ્મો બની હતી.
મનોરંજનના અનેક સાધનો અને
ઉપકરણોની દુનિયામાં દ્રશ્ય-શ્રાવ્ય મનોરંજનનું મજબુત માધ્યમ સિનેમા આજે એક સદી
ઉપરાંતના સમયગાળા પછી પણ લોકોના દિલોદિમાગ ઉપર અડીખમ છે. લોકોના હૃદયમાં સિનેમાએ
હમેશાથી રાજ કર્યું છે. આની પાછળનું મુખ્ય કારણ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમથી થતાં સૌથી
વધુ અસરકારક પ્રત્યાયનની ફિલોસોફી છે. પરિવર્તન એ જીવનનો ક્રમ છે. સિનેમામાં લોકજીવનનું
પ્રતિબિંબ ઝીલાતું હોય છે. એ વાત ચોક્કસ છે કે, ટેકનોલોજીકલ અને સામાજિક
વર્તણૂંકમાં જેમ જેમ બદલાવ આવતો જાય છે, તેમ તેમ સિનેમાના સ્વરૂપમા પણ દિનપ્રતિદિન
ઊર્ધ્વગામી પરિવર્તન થતું રહે છે.
ધબકાર :
’કલ્પનાની બારી ખુલતા ’સર્જનની શરૂઆત થાય છે.
તમે જેની અપેક્ષા રાખો તેની વિશે જ વિચારો છો અને અંતે તમે જે સર્જન કરો છો એ
તમારા વિચારબીજનુ જ વૃક્ષ હોય છે.’
- જ્યોર્જ બર્નાર્ડ શૉ
------------------------


No comments:
Post a Comment