જે
છોકરો શાળામાં વારંવાર નપાસ થતો એના જ્ઞાન ઉપર આજે દુનિયા પીએચડી કરે છે
ફ્રાન્સિસ બેકનના લખાણો યુરોપીયન દેશોમાં લોકો
ખૂબ રસપૂર્વક વાંચે છે. આમ તો બેકન એક ચિંતક હોવા ઉપરાંત રાજનિતીજ્ઞ પણ હતા. એ કહે
છે કે, ‘જ્ઞાન એ જ સાચી શક્તિ છે.’ બેકનની વાતમાં દમ છે. જ્ઞાની વ્યક્તિ જ સાચા
અર્થમાં શક્તિશાળી હોય છે. પોતાની દરેક સમસ્યાઓ અને સમાજની આસપાસના લોકોની સમસ્યાઓ
જ્ઞાનના બળથી ઉકેલી શકાય છે. જ્ઞાન એક એવો પ્રકાશ છે કે, જેને પૃથ્વી પરનો કોઈપણ પ્રગાઢ
અંધકારથી દબાવી શકાતો નથી. જ્ઞાનની શક્તિને
ડિગ્રીઓથી ક્યારેય તોળી શકાતી નથી. જ્ઞાનને અભ્યાસની જુદી જુદી ડિગ્રીઓ
સાથે બહુ સંબંધ હોતો નથી.
જ્ઞાન એટલે અનુભવ અને અધ્યયન
બન્નેનો સમન્વય. વિશ્વના મહાન વૈજ્ઞાનિક આઇઝેક ન્યુટન તેના શાળાકીય અભ્યાસકાળમાં
હંમેશા નપાસ થયા કરતા. ન્યુટનને ક્યારેય ૩૦-૩૫ ટકાથી વધુ માર્ક્સ મળ્યા જ નથી.
શાળાના શિક્ષકોએ કંટાળીને એમને સ્કૂલમાંથી રૂખસદ આપી દીધી. શાળાના દરવાજા બંધ થયા,
એ પછી ન્યુટનના દિમાગના દરવાજા ખુલી ગયા. એણે ઝાડ ઉપરથી પડતું સફરજન જોયું અને
વિશ્વને ગુરુત્વાકર્ષણનો પાયાનો સિદ્ધાંત મળ્યો. જે વ્યક્તિને સ્કૂલમાંથી કાઢી મૂકવામાં
આવ્યો હતો એ વ્યક્તિના જ્ઞાન અને વિજ્ઞાન ઉપર આજે દુનિયામાં સેંકડો પ્રબુદ્ધો
પીએચડીનો અભ્યાસ કરી રહ્યાં છે. અભ્યાસમાં ફેલ થવું કે સારા માર્કસ મેળવવા ઉપર
જ્ઞાનની પરિભાષાને ઝાઝો સંબંધ નથી.
આવી જ કહાની આઈન્સ્ટાઈનની પણ
છે. આઈન્સ્ટાઈન નવમા ધોરણથી આગળ અભ્યાસ કરી શક્યા નથી. તેમને પણ શાળા રાસ ન આવી. શાળાકીય
અભ્યાસમાં આઈન્સ્ટાઈનનું મગજ ન ચાલતું પણ સતત નવા વિશિષ્ટ વિચારોના વમળમાં એમનુ
મગજ વિચરતું રહેતું. e=mc2 (ઇ ઇઝ ઇક્વોલ ટુ
એમસી સ્ક્વેર)નો સિદ્ધાંત આપીને
આઈન્સ્ટાઈને દુનિયાને એક નવી દિશા આપી. જે વ્યક્તિ અભ્યાસમાં નવમા ધોરણથી આગળ
વધ્યો જ નહીં, દુનિયા આજે એની પાછળ પાગલ થઈને એના ગુણગાન ગાય છે.
ભારતના ધીરુભાઈ અંબાણીની વાત પણ
અજાણી નથી. નવમી ચોપડી પાસ ધીરુભાઈએ તરુણ અવસ્થામાં પેટ્રોલ પંપ પર નોકરીથી જીવનની
શરૂઆત કરી. સમય જતાં સાડા ચાર લાખ કરોડનું રિલાયન્સ એમ્પાયર ઊભું કરીને પાવરફુલ
વ્યક્તિ તરીકે દુનિયામાંથી વિદાય થયા. ભારતના એક બીજા વિરલા ઘનશ્યામદાસ બિરલાની
કથા પણ એવી જ છે. ચાર ચોપડી પાસ બિરલા ગામ અને શાળા છોડીને દોરી-લોટો લઈ કલકત્તા
પહોંચી ગયા હતાં. ત્યાં નવા ખ્યાલો સાથે બિઝનેસ શરૂ કર્યો. એમણે બિરલા બિઝનેસ
એમ્પાયર ઊભું કર્યું. ઘનશ્યામદાસ બિરલા કહેતા હોય છે કે, ‘જીવનની સફળતામાં
શાળા-કોલેજની ડિગ્રીઓનું ખાસ મહત્વ નથી હોતુ.’ ડિગ્રીઓ કરતાં જ્ઞાનનું મહત્ત્વ
વિશેષ હોય. પરીક્ષાનું મહત્વ ન હોય. મહત્વ તો શીખવાનું હોય. જેમાંથી જીવનને
જીવવાનો અર્થ અને માર્ગ મળે એ સાચું શિક્ષણ.
મનુષ્ય પાસે જ્ઞાનથી ભરેલું
મસ્તિષ્ક છે. એટલે જ એ પૃથ્વી પરના અન્ય પ્રાણીઓ કરતાં વિશિષ્ટ અને શક્તિશાળી છે.
જ્ઞાન જ મનુષ્યને જીવનના ઉતાર-ચઢાવમાં સફળ બનાવે છે. જ્ઞાન પ્રાપ્ત કરવા માટે વય
કે ઉંમરના કોઈ સીમાડા હોતા નથી. લગન, ધૈર્ય અને નિયમિતતા જ્ઞાનના પાયાના ત્રણ પીલર
છે. ઇશ્વરે દરેક મનુષ્યના મસ્તિષ્કમાં એક સરખી ક્ષમતાવાળું હજારો હોર્સપાવરનું મન
આપ્યું છે. પૃથ્વી પર જન્મ લેતાંની સાથે જ આ પાવરહાઉસ એક્ટિવેટ થઈ જાય છે.
મહાન ચિંતક અને દાર્શનિક
સીગમન્ડ ફ્રોઈડ મનની ત્રણ અવસ્થાઓ આઈડેન્ટીફાઈ કરે છે. પ્રથમ ચેતન મન, બીજું
અર્ધચેતન મને અને ત્રીજું અવચેતન મન. જાગૃત અવસ્થામાં જે ઊર્જા અને શક્તિ વપરાય
છે, એ ચેતન મનનો પ્રકાર છે. જેમાં કેટલીક વાત યાદ રહે છે અને કેટલીક વાત ભૂલી જવાય
છે. આ ભૂલેલી વાત મગજના જે ભાગમાં જાય છે, એ ભાગને ફ્રોઈડ અર્ધચેતન મન કહે છે.
મગજના જે ભાગમાં ગયેલી વાત ક્યારેય ભૂલી શકાતી નથી. એ વિચારો મગજના અવચેતન ભાગમાં વિકાસ
પામતા હોય છે. સુતી વખતે આવતાં સપનાઓ અવચેતન મનમાં સંગ્રહાયેલી વૈચારિક પ્રક્રિયા
જ હોય છે. સીગમન્ડ ફ્રોઈડ અવચેતન મન પર વિશેષ ભાર મૂકે છે. ફ્રોઈડ કહે છે કે,
મનુષ્યના મગજમાં ૯૦ ટકા ભાગ અવચેતન મનનો હોય છે. અવચેતન મનમાં ઈદમ, અહમ અને
વિશિષ્ટ અહમની ત્રણ પરિભાષા હોય છે. અવચેતન મનના ‘ઇદમ’માં સુખવાદી વિચારો વિકસતા
હોય છે. ફ્રોઈડ કહે છે કે, ‘ઈદમ’ કામવૃત્તિનો ભંડાર છે. ફ્રોઈડના મતે કામ(સેકસ)
માનવીના સુખનો સ્ત્રોત છે. મનુષ્ય તેની કામવૃત્તિને ન્યાય આપવા માટે જ જીવનભર
પ્રવૃત્ત રહેતો હોય છે.
જ્યારે ‘અહમ’ એટલે કે ‘ઈગો’. ‘અહમ’
હમેશા ઘટનાનો પૂર્વ વિચાર કરી વાસ્તવિક ઘટના ઉપર અમલ કરતો હોય છે. જેમ કે, કોઈ
સંપન્ન વ્યક્તિ રસ્તા ઉપર રૂપીયાથી ભરેલું પાકીટ જુએ, આજુબાજુ કોઈ ન હોય ત્યારે એક
સેકન્ડ માટે એ પાકીટ લઈને ગજવામાં મૂકવાનો વિચાર કરે. પરંતુ તરત જ બીજી ક્ષણે એને
એવો વિચાર આવે કે, મને કોઈ જોઈ જશે તો, મારી પ્રતિષ્ઠાનું શું ? આ વિચારથી એ પાકીટ
ન ઉઠાવે અને પોતે સારો-સજ્જન લાગે એવા વર્તાવ કરે એ આખી પ્રક્રીયા ‘અહમ’ છે.’ ‘વિશિષ્ટ
અહમ’ એટલે કે ‘સુપર ઈગો’. નૈતિક ગુણોની વાત મનને સમજાવીને આદર્શવાદી સિદ્ધાંતો
અનુસાર મનુષ્યનું ઘડતર ‘સુપર ઈગો’ કરે છે.
જ્યારે કોઈ વ્યક્તિ મોટી મોટી
વાતો કરે ત્યારે એ સમજદાર છે એમ માનવું ભૂલભરેલું છે. માણસ જ્યારે નાની વાતો બરાબર
સમજે ત્યારે એ સમજદાર કહેવાય. સાચો જ્ઞાની કહેવાય. બહુ બધી વાતો જાણતો હોય એને
જ્ઞાની સમજવું ભૂલભરેલું છે. જે મહત્ત્વની વાત સમજે અને એની ઉપર અમલ કરે એ જ્ઞાની
છે. જે વ્યક્તિ પર દુનિયાએ શરૂઆતમાં ઉપહાસ કર્યો છે, ભવિષ્યમાં એણે જ ઇતિહાસ રચ્યો
છે. મોટા ભાગના લોકો માહિતીને જ્ઞાન સમજતા હોય છે. માહિતી અને જાણકારી એ જ્ઞાન
નથી. પોતાને શું નથી સમજ પડતી એની સમજ પડે એ જ્ઞાન પ્રાપ્તિનું પ્રથમ પગલું છે.
જ્ઞાન પ્રાપ્ત કરવાની ચાહત ધન મેળવવાની લાલસા જેવી હોવી જોઈએ. એમાં સતત વધારો થતો
હોવો જોઈએ. ચાઈનીઝ ચિંતક કોન્ફ્યુસીયસના મતે વ્યક્તિ શું નથી જાણતો એ જ્યારે જાણી
લે એમાં જ સાચું જ્ઞાન સમાયેલું છે. ન્યુટન હોય કે ધીરુભાઈ અંબાણી, આઈન્સ્ટાઇન હોય
કે ઘનશ્યામદાસ બિરલા એમણે ડિગ્રી કરતાં જ્ઞાનને ઉજાગર કરીને દુનિયામાં દાખલો
પ્રસ્થાપિત કર્યો. કહેવાનું તાત્પર્ય એ નથી કે શિક્ષણ અને ડિગ્રી મેળવવા નિરર્થક
છે અને શાળા કોલેજમાં જવાનો કોઇ અર્થ નથી. શિક્ષણ અને ડિગ્રી તેના સ્થાને યોગ્ય જ
છે. જરૂર છે ડિગ્રી અને શિક્ષણ સાથે તેનાથી પણ ઉપર ઊઠીને અનુભવ, વાંચન અને શ્રવણના
આધારે કંઈક વિશેષ કરવાની. જ્યારે આ વિશેષ શોધ સાર્થક થાય ત્યારે એ જ્ઞાનનો પ્રકાશ
બની જતો હોય છે.
ધબકાર :
એક નવા વિચાર સાથે ડગલું માંડીને પાકા ઈરાદાઓ સાથે આસમાનની
ઊંચાઈ સર કરનારા લોકો મનમાં સમેટાયેલા સપનાઓ જ્ઞાનના ઉજાશથી સાકાર કરતાં હોય છે.





No comments:
Post a Comment