સેલ
ફોન તો સ્માર્ટ બની ગયા
એનો
ઉપયોગ કરનારા સ્માર્ટ છે ખરાં ?
સમય, પરિવાર અને મિત્રો એવી દોલત છે કે એના માટે પરિશ્રમ
કરવો પડતો નથી. આ ત્રણેયમાંથી એક પણ જ્યારે હાથમાંથી સરકી જાય ત્યારે એની કિંમત
સમજાય છે. શાક રોટલી કે મિષ્ટાન ખાવું મહત્વનું નથી પણ પરિવાર સાથે ખાવું અગત્યની
વાત છે. જેની પાસે લાખો કરોડોની મિલકત છે અઢળક રૂપિયા પૈસા છે એ અમીર નથી. જેની
પાસે પ્રેમાળ પારિવારિક હૂંફ છે એ ઢનાધ્ય છે. સામાન્ય રીતે તો સમય જ નક્કી કરતો
હોય છે કે જીવનમાં કોણ મળશે, હૃદયમાંથી અવાજ આવતો હોય છે કે, કોની જરૂર છે. પણ
આખરે તો વ્યક્તિનું વર્તન જ નક્કી કરતું હોય છે કે, એના જીવનમાં કોણ સાથ
નિભાવશે-એની સાથે કોણ લાંબો સમય ટકી રહેશે.
એક જમાનો હતો કે ઘરની બહાર રમતાં બાળકોને પરાણે ઘરમાં લાવવા
પડતાં હતાં. આજે મોબાઈલ ફોનના પ્રતાપે ઘરના ખૂણામાં બેસીને બાળકો, યુવાનો અને
મોટેરાઓ રીતસરના ઘરકુકડી બની ગયા છે. અફસોસ છે કે, આજના બાળકોને ગીલ્લી ડંડા,
નાગોલચું, આઈસપાઈસ, આંધળો પાટો, લંગડી, ખોખો, થપ્પો, પક્કડદાવ, કબડ્ડી વગેરે રમતો
શું છે એનો ખ્યાલ જ નથી. મોબાઈલ ચાર અક્ષરના આ શબ્દએ આજે વિશ્વના પ્રત્યેક
વ્યક્તિનું જીવન બદલી નાખ્યું છે. મોબાઈલે કોમ્યુનિકેશન ક્ષેત્રે આણેલી જબરજસ્ત
ક્રાંતિને અવગણી શકાય નહીં. પણ સાથે સાથે મોબાઈલ ઉપયોગના અતિરેકે રીતસરનું દૂષણ
અને પ્રદૂષણ ઊભું કર્યું છે એ વાતનો પણ સ્વીકાર કરવો જ રહ્યો. જરૂરિયાત મુજબ
મોબાઈલનો ઉપયોગ નિઃસંદેહપણે પ્રભાવક હોય છે પણ હદ કરતાં વધુ ઉપયોગથી સર્જાતા
દૂષ્પરિણામોના વિકરાળ પંજામાં આજે અનેક પરિવારો સપડાતા જાય છે.
મલ્ટીનેશનલ કંપનીમાં કામ કરતાં એક યુવાનની વાત છે. એને સરસ
મજાનો ૧૦-૧૨ વર્ષનો પુત્ર છે. પ્રેમાળ પત્ની છે અને મા-બાપની છત્રછાયા છે. આ યુવાન
સવારે છ વાગે ઉઠીને નીત્યક્રમ પરવારીને ૫-૧૦ મિનિટ અખબારમાં નજર ફેરવે ન ફેરવે અને
પછી એનો સ્માર્ટ ફોન ખોલીને બેસી જાય. અને પછી સાડા નવ વાગે ઓફિસ જાય ત્યાં સુધી વોટ્સએપ,
ફેસબુક, ટ્વીટર, ઈન્સ્ટાગ્રામ વગેરે ઉપર ગુંથાયેલો રહે. સાંજે આંઠ સાડા આંઠે
ઓફિસથી આવીને ડિનર કરે ન કરે અને વળી પાછો એન્ડ્રોઈડના ખોળે બેસી જાય. આ યુવાનના
નિવૃત્ત પિતાજી પણ એક સારી કંપનીમાં ઉચ્ચ હોદ્દા પરથી નિવૃત્ત થયેલા. રોજ પિતાજી
એના દીકરાને કહે, ‘બેટા ઘરમાં એક નિયમ તો કરીએ કે બધા સવારે અને સાંજે જમતી વખતે
ડાઈનીંગ ટેબલ ઉપર એમની દીનચર્યાની ચર્ચા કરે. સારા નરસા અનુભવોની આપ-લે કરે.
પરિવારમાં આવનારા પ્રસંગો અને ઉત્સવોની ઉજવણીની વાત કરે.’ દીકરો પિતાની વાતમાં હા
એ હા કરે પણ એનું નક્કર અમલીકરણ ન થતું. આ વાતનો પિતાજીને બહુ જ મોટો રંજ રહેતો.
આ કહાની કોઈ એક પરિવારની નથી. દરેક ઘરમાં એક યા બીજા
સ્વરૂપે મોબાઈલનો અજગર ભરડો લઈને બેઠો છે. આજે ભારતમાં જેટલા શૌચાલયો નથી એનાથી
ત્રણ ઘણા મોબાઈલ ફોન છે. રાષ્ટ્રમાં જેટલા શાળાના ઓરડાઓ નથી એનાથી ૧૦ ઘણાં
એન્ડ્રોઈડ ફોન છે. પરિવારના સભ્યો વચ્ચે પારિવારિક ભાવનાને તહસનહસ કરીને મોટી ખાઈ
સર્જનારા મોબાઈલ નામના દુશ્મનને પરાસ્ત કરવાનો સમય પાકી ગયો છે. મનોવૈજ્ઞાનિકો કહે
છે સેલ ફોનનો અતિરેકપૂર્ણ ઉપયોગ સૌથી વધુ
મનોવૈજ્ઞાનિક અવલંબન ઊભું કરે છે. એને પરિણામે વ્યક્તિમાં ચિંતા, તાણ, ડર,
ડિપ્રેશન અને એકલતાના લક્ષણો ખૂબ ઝડપથી વિકાસ પામે છે.
સ્માર્ટ ફોનના ઇતિહાસ ઉપર થોડી નજર નાખવા જેવી છે. મોબાઈલ
ફોન પર જોઈ શકાય તેવી પ્રથમ ડેટા સર્વિસની શરૂઆત વર્ષ ૧૯૯૩માં ફીનલેન્ડમાં થઈ.
જેમાં વ્યક્તિ એસએમએસ ટેક્સ્ટથી કોમ્યુનિકેશન કરતો થયો. ૧૯૯૬માં નોકીયાએ પ્રથમ
સ્માર્ટ ફોન નોકીયા-૯૦૦૦ લોન્ચ કર્યો. જેમાં મોબાઈલ ફોનના બેઝીક કામો થતાં. લીન
બ્લેકબેરી, સોની એરીકશન, નોકીયા મલ્ટીમીડિયા એન સીરીઝ અને હવે એપલના આઈફોને
સ્માર્ટ ફોનની પરિભાષા બદલી નાખી છે. આજે મોબાઈલ ઉપર ટેક્સટ મેસેજ, વિડીયો, ઓડિયો,
કેમકોડર, બીલ્ટ ઈન કેમેરા, વિડીયો કોલીંગ, ગેમ્સ, ટીટીટી, મેમરી, બ્લુટુથ, વાઈફાઈ,
ઈન્ટરનેટ સર્વિસ, બ્રાઉઝીંગ જેવી અનેક સવલતો પ્રાપ્ત છે. પહેલાં પાંચ વર્ષે
મોબાઈલની જનરેશન બદલાતી હતી. ૨જી, ૩જી, ૪જી, ૫જી સુધી જનરેશનો બદલાઈ છે. પ્રતિ છ
મહિને સ્માર્ટ ફોન નવી એપ્લિકેશનો સાથે
વધુ ને વધુ સ્માર્ટ બનતો જાય છે. સમગ્ર વિશ્વમાં ૪.૬૮ બિલિયન લોકો સેલ ફોનનો ઉપયોગ
કરે છે જ્યારે ભારતમાં ૮૦૦ મિલિયન લોકો સ્માર્ટ ફોનનો ઉપયોગ કરે છે.
વ્યક્તિના સપનાઓ, કલ્પનાશક્તિ, અરમાનો અને પરિશ્રમના પ્રસવેદના
મૂલ્યો મોબાઈલ ફોને ઝૂંટવી લીધા છે. એક સમય હતો કે, બાળકો માતા-પિતા અને વડીલો
પાસે પરિકથાઓ અને પંચતંત્રની અલકમલકની વાર્તાઓ સાંભળીને તેમના ખોળામાં માથું નાખી
મીઠી નીંદરમાં પોઢી જતાં. રંગબેરંગી સપનાની દુનિયામાં ખોવાઈ જતાં. આજે મોડી રાત
સુધી એન્ડ્રોઈડ ફોનમાં માથું ખોસીને બાળકો-યુવાનો જુદી જુદી એપ્લીકેશન, ગેઈમ્સ અને
સોશ્યલ મીડિયામાં ડૂબેલા રહે છે. સેલફોનમાંથી નીકળતો વાદળી પ્રકાશ વ્યક્તિના મગજમાં
મેલાટોનિનનું તત્ત્વ ઉત્પન્ન કરવા ઉપર પ્રહાર કરે છે. મેલાટોનિન વ્યક્તિને ઊંઘવા
માટે પ્રેરિત કરવાનું મુખ્ય હોર્મોન છે. મોબાઈલ ફોનનો વાદળી પ્રકાશ મેલાટોનિન રોકી
દે છે. પરિણામે સ્વાભાવિક રીતે જ ઉંઘ આવતી
નથી.
તાજેતરમાં એન્ડ્રોઈડ એડિકશન અંગે એક સર્વે થયો હતો. સર્વે
મુજબ મોબાઈલ એડિકશન ડ્રગ એડિક્શન કરતાં પણ વધુ ખતરનાક અસરો પેદા કરે છે. મોબાઈલ
એડિક્શનના કારણે ૩૦ ટકા લોકોની આંખો ડ્રાય થઈ ગઈ હોવાનું સર્વેમાં તારતમ્ય આપવામાં
આવ્યું હતું. સતત ચાર કલાક કે તેથી વધુ મોબાઈલ ફોનનો ઉપયોગ કરનારાઓ પૈકી ૧૦ ટકા
વ્યક્તિઓની આંખોની કીકી ત્રાંસી થઈ ગઈ હોવાનું તારણ છે. અમદાવાદ શહેરના એક જાણીતા
નિષ્ણાત તબીબ કહે છે કે, એન્ડ્રોઈડના વિવિધ ગેજેટ્સના વધુ પડતા ઉપયોગને પરિણામે
આંખોની સમસ્યાથી પીડાતા ૧૫થી ૨૦ દર્દીઓ દરરોજ એમની હોસ્પિટલમાં આવે છે. પ્યૂ
રિસર્ચ સેન્ટરનો એક રિપોર્ટ એમ કહે છે કે, સ્માર્ટ ફોનનો ઉપયોગ કરનારા લોકો
દિવસમાં સરેરાશ ૧૫૦ વખત ફોન જુએ છે. આ લોકો મોબાઈલ ફોનથી એમની જાતને દૂર રાખી શકતા
નથી. આ જ કારણોથી વ્યક્તિનો ટેમ્પરામેન્ટ હિંસક બની જતો હોય છે.
સાવ એવું પણ નથી કે ખરાબ અસરોને કારણે મોબાઈલ ફોનના ઉપયોગની
આવશ્યકતા જ નથી. સ્માર્ટ ફોનનો વિવેકપૂર્ણ ઉપયોગ વરદાન પણ બને છે. વ્યક્તિ કોઈ
અજાણી જગ્યાએ મુશ્કેલીમાં આવી જાય ત્યારે ગુગલ મેપ એને મુશ્કેલીમાંથી ઉગારે છે.
સોશિયલ મીડીયાની ફેસબુક એપ્લિકેશન પુરાણા મિત્રોને અને પરિચિતોનો મેળાપ કરાવી
આપવાનું મજાનું પ્લેટફોર્મ બનીને પણ ઉભરી શકે છે. દવાખાનુ, હોટેલ, શાળા કે સરકારી
કચેરી, ટ્રેન, પ્લેનના સમયપત્રક વગેરે જીવન જરૂરી બાબતો સ્માર્ટ ફોનની એક ક્લીકથી
સરળતાથી મળી જાય છે. સ્માર્ટ ફોનનો સ્માર્ટ ઉપયોગ કરતાં આવડવું જોઈએ. જો એ ન આવડે
તો એ પતિ-પત્નીના સંબંધો, પિતા-પુત્રના સંબંધો, ભાઈ-બહેનના સંબંધો ઉપર વિપરીત અસર ઉભી
કરવાનું સબળ કારણ બની શકે છે. વ્યક્તિની મુઠ્ઠીમાં ફોન શોભવો જોઈએ. ફોનની
મુઠ્ઠીમાં વ્યક્તિ કચડાઈ મરવો ન જોઈએ. ફોન તો સ્માર્ટ બની ગયા પણ માણસે સ્માર્ટ
બનવું પડશે. એન્ડ્રોઈડ-સ્માર્ટ ફોનની બહાર પણ મજાની દુનિયા છે એ ન ભુલવું જોઈએ.
ધબકાર :
સંસ્કાર
મોબાઈલના વોટ્સએપ ગ્રુપમાં ઠલવાતા સુવિચારો કે એફબી અને ટ્વીટરના ઉપદેશોના ઢગલાંથી
નથી મળતાં સંસ્કારની સરિતા પારિવારિક પ્રેમના મહોલમાં પાંગરતી હોય છે.






No comments:
Post a Comment