પ્રિય વાચકબંધુઓ,

પ્રશ્નો, મુશ્કેલીઓ, વિડંબણાઓ અને પીડામાંથી પસાર ન થયા હોય એવા કેટલા લોકો ? ચાર રસ્તાના ખૂણે મોચી કામ કરીને પેટીયું રળતો છગન હોય કે પછી અબજોનો વેપાર કરતાં મુકેશ અંબાણી કે રતન ટાટા હોય, કે પછી બીલ ગેટ્સ કે બેઝોસ જેફરી હોય. દરેકના જીવનમાં ચડાવ ઉતાર અને મુશ્કેલીઓ આવતી જ હોય છે. જે મુશ્કેલીમાં મુશ્કરાય અને ગમગીનીમાં પણ આનંદથી ગીત ગાય એ જીવનને માણી શકે છે. સવલતોને સુખ સમજવા કરતાં અંતરમનની ચેતનાઓનો ફૂવારો જ સાચાં સુખનો પ્રદેશ છે એ સચ્ચાઇને સમજવી પડે. જીવનમાં જ્યારે સમસ્યા આવે ત્યારે એના ઉકેલ માટે ફાંફા મારવા કરતાં આનંદ આપતાં પ્રસંગોને યાદ કરી હસતાં ખેલતાં આગળ વધવાની કોશિષ જ કામયાબ બનાવે છે. જેમ જીવનમાં કશું મુશ્કેલ નથી એમ જીવનમાં કશું આસાનીથી પણ મળતું નથી. પ્રશ્નો, મુશ્કેલીઓ, તકલીફોને અતિક્રમીને જીવનમાં આનંદનો આફતાબ ખીલવવા માટેના વિવિધ માર્ગોને શબ્દ દેહ આપીને બ્લોગ સ્વરૂપે પ્રસ્તુત કરવાનો નમ્ર પ્રયાસ કર્યો છે. મે ‘આત્મનાદ’ સ્વરૂપે પ્રતિ સપ્તાહ આવતી મારી નિયમિત કોલમમાં જીવનના વિવિધ રંગોને શબ્દ પિંછી વડે કલ્પનાના આકાશને વધુ રંગીન બનાવવાની કોશિશ કરી છે. આશા છે કે, મારી નિયમિત કોલમ ‘આત્મનાદ’નું આ બ્લોગ અવતરણ વાચક મિત્રોને ગમશે.

- પુલક ત્રિવેદી

Tuesday, 6 October 2020

‘રવિવાર’ એટલે ઊર્જાથી ઠસોઠસ ભરેલો ‘રાજા’ દિવસ

 


૭૦ના દશકમાં વર્લ્ડ ફેમસ Bony-M બેન્ડનુ એક સુરીલુ ગીત હતુ, ‘હુર્રે હુર્રે ઇટ્સ હોલી હોલી ડે...’ એ જમાનામાં આ ગીત ખસ્સુ લોકપ્રિય થયેલું. રજા શબ્દ કાને અથડાતા કોઈપણ વ્યક્તિના ચહેરા ઉપર સ્વાભાવિક રીતે ખુશી તરવરી ઊઠે છે. અને આ ખુશી થાય એ વાજબી પણ છે. ભાગંભાગથી ભરેલી જિંદગીમાં રજા રાજા જેવો અહેસાસ કરાવે છે. યાદ છે, બાળપણમાં નિશાળેથી ઘરે જવાનો ઘંટ પડે એટલે શાળાથી છૂટવાનો અઢળક આનંદ કેટલો સુખદ લાગતો ! તહેવારોની રજાઓ કે સામાજિક કામ માટે રજાઓ ઉપરાંત એક રજા એવી રજા છે કે, જે કોઈપણ કારણ વગર આવે છે. આ રજા એટલે રવિવારની રજા. રવિવારની નાના મોટા દરેક બેસબરીથી રાહ જોતા હોય છે. રોજબરોજની દોડધામ અને એકધારી જિંદગીમાં રવિવારનો દિવસ નવી ઊર્જા મેળવવાનો સ્ત્રોત છે. રવિવારે જ કેમ રજા હોય છે ? કોણે આ નક્કી કર્યું હશે ? કેમ અઠવાડિયામાં આ એક દિવસ રજા હોય છે ? આ બાબત વિશે ક્યારેય વિચાર્યું છે ખરું ?





ભારત વર્ષમાં રવિવારની રજાના દિવસનો અદભૂત ઇતિહાસ છે. બે દાયકાના અંગ્રેજોના શાસનમાં અનેક મુદ્દાઓ ઉપર બ્રિટીશરો સાથે ભારતીયોએ ભારે જહેમત ઊઠાવી હતી. જેમાં એક મુદ્દો રવિવારની રજાનો પણ હતો. વર્ષ ૧૮૫૭નો વિપ્લવ કોણ ભૂલી શકે ? ૧૮૫૭ પછી બે અઢી દાયકાના કાળખંડ બાદ નારાયણ મેઘાજી લોખંડે નામના મરાઠી માનુષે રવિવારની રજા માટે અવાજ ઉઠાવ્યો. એ સમયમાં ભારત ઉપર અંગ્રેજોનું શાસન હતું. દિનપ્રતિદિન અંગ્રેજોના જુલ્મો વધી રહ્યાં હતાં. આ વખતે સૌથી દયનીય હાલત ભારતના શ્રમિકો, ગરીબો અને મજૂરોની હતી. એમને સપ્તાહના સાતેય દિવસ કાળી મજૂરી કરવી પડતી હતી. એક પણ દિવસની એમને રજા નહોતી મળતી. એનાથી પણ જાલિમ વાત તો એ હતી કે, એ સમયમાં શ્રમિકોને બપોરે ભોજન માટે પણ થોડો સમય રજા આપવામાં નહોતી આવતી.





આ બાજુ અંગ્રેજો દર રવિવારે ચર્ચમાં જઈને પ્રાર્થના કરતા. બધા ભેગા મળી રજા માણતા. મજૂરોને આવી કોઈ સવલત મળતી નહતી. નારાયણ મેઘાજી લોખંડેએ અંગ્રેજો સામે મિલ મજૂરો માટે સાપ્તાહિક રજાની વાત મુકી. રજાના પ્રસ્તાવમાં એમણે કહ્યું કે, સપ્તાહમાં છ દિવસ કામ કર્યા બાદ દેશ અને સમાજની સેવા માટેના કાર્યો કરવાનો એક દિવસ મળવો જોઈએ. લોખંડેએ એ પણ કહ્યું કે, હિન્દુ દેવતા ખંડોબાનો દિવસ રવિવાર છે. ઉપાસના માટે પણ રવિવારે સમય મળવો જ જોઇએ.





બ્રિટીશ અધિકારીઓએ એમની સ્ટાઈલ મુજબ પહેલા તો મેઘાજીના પ્રસ્તાવને ધરમૂળથી નકારી દીધો. પરંતુ હાર માને એ મેઘાજી શાના ? એમણે લાગ લગાટ સાત વર્ષ સુધી એમની લડત ચાલુ રાખી. ધારદાર રજુઆતો કરતા રહ્યાં. આખરે અંગ્રેજો ઝૂક્યા અને ૧૦ જૂન ૧૮૯૦ના રોજ બ્રિટીશ સરકારે ભારતમાં રવિવારને રજાનો દિવસ જાહેર કર્યો. મજૂર નેતા નારાયણ મેઘાજીની વાતનો સ્વીકાર થયો. એમના સન્માનમાં ભારત સરકારે ડાક ટીકીટ પણ જારી કરી.





હિન્દુ શાસ્ત્રો અને પંચાગકારોના મંતવ્ય અનુસાર સપ્તાહની શરૂઆત રવિવારના દિવસથી થાય છે. રવિ એટલે સૂર્ય. રવિવાર સૂર્ય નારાયણનો દિવસ કહેવાય. હિન્દુ પંડિતો કહે છે કે, રવિવારના દિવસે સૂર્ય દેવતા સહિત તમામ દેવી-દેવતાઓની આરાધના કરવી જોઈએ. સપ્તાહના પ્રથમ દિવસે પ્રાર્થના અને પૂજા કરવાથી આખું અઠવાડિયું ચિત્ત શાંત રહે અને આગામી સપ્તાહના દિવસોમાં કરવાના કાર્યોમાં કોઈ વિઘ્ન આવતું નથી. આ જ કારણે પુરાતન કાળથી રવિવારનો દિવસ રજાના દિવસ તરીકે સ્વિકૃતી પામ્યો છે.

હિન્દુ પંચાગથી બિલકુલ વિપરીત પરિભાષા અંગ્રેજી કેલેન્ડરે અંકિત કરી છે. અંગ્રેજો એવું માને છે કે, રવિવાર સપ્તાહનો પ્રથમ નહીં છેલ્લો દિવસ છે. પરમાત્માએ છ દિવસમાં સૃષ્ટીનું સર્જન કર્યું અને એના પછી સાતમો દિવસ વિશ્રામ માટે સુનિશ્ચિત કર્યો એવી એમની માન્યતા હોય છે. પશ્ચિમના દેશો આ માન્યતાના આધારે રવિવારને સપ્તાહનો છેલ્લો દિવસ ગણી આરામ કરવા રજા ભોગવવાનો દિવસ ગણે છે. આને લીધે જ અંગ્રેજો રવિવારને વીક એન્ડપણ કહેતા જોવા મળે છે.

ISO-8601 અનુસાર સન-ડે સપ્તાહનો સાતમો અને છેલ્લો દિવસ ગણવામાં આવે છે. જગતમાં મોટાભાગના દેશોમાં સપ્તાહમાં એક દિવસ રજા રવિવારના દિવસે જ હોય છે. જો કે ઘણાખરા મુસ્લિમ રાષ્ટ્રોમાં શુક્રવારને ઈબાદત માટેનો પવિત્ર દિવસ માનવામાં આવતો હોઈ શુક્રવારની સાપ્તાહિક રજા હોય છે. વર્ષ ૧૮૪૪માં અંગ્રેજ ગવર્નર જનરલે વિદ્યાર્થીઓ માટે રવિવારને રજાના દિવસ તરીકે ઘોષિત કરતા જણાવ્યું હતું કે આ દિવસે વિદ્યાર્થીઓ કંઈક રચનાત્મક કાર્ય કરી પોતાનો વિકાસ કરી શકે છે.

હવે પ્રશ્ન એ થાય કે, શું રવિવાર રજાનો દિવસ મોડા ઉઠવા માટે છે કે પછી આળસુ થઈને પડ્યા રહીને ટી.વી. કે મોબાઈલ ગેમ રમવા માટે છે ? હોટલોમાં જવા માટે છે ? પીકચર જોવા માટે છે કે પછી મિત્રો સાથે ભેગા મળી પાર્ટી માટે છે ? મેઘાજી લોખંડેના અથાક પરિશ્રમ અને વૈચારિક સંઘર્ષો બાદ મળેલી મહામુલી સાપ્તાહિક રજા આળસમાં વેડફવા માટે નથી જ નથી. રવિવારનો દિવસ આગળ વધવા માટેનો ઊર્જાવાન દિવસ છે. અન્ય દિવસો દરમિયાન ન થઈ શકતા કાર્યોની યાદીમાંથી એક પછી એક મહત્ત્વના કાર્યો હાથ ઉપર લેવાનો દિવસ છે. કોઈપણ વ્યક્તિના ચારિત્ર્યનો સાચો ક્યાસ કાઢવો હોય તો તેણે છેલ્લા પાંચ રવિવાર કરેલા કાર્યોની યાદી તપાસવાથી મળી જશે. રવિવારે સવારે ઊઠીને રાત્રે સુવો ત્યાં સુધી શું કામ કર્યાં એની યાદી ઉપરથી સ્વયં પોતાના વિશેનો અભિપ્રાય સ્પષ્ટ કરી શકાશે. રવિવાર તો ઊર્જાથી ઠસોઠસ ભરેલો રાજા દિવસ છે. રવિવારના દિવસને પ્રગતિનો દિવસ બનાવવો પડે નહીં કે, આળસુવેડાથી અધોગતિનો દિવસ.

 

ધબકાર :

આઓ, બેઠો કભી કિસી ઈતવાર કો, મૈં વૈસા હું, નહીં જૈસા મિલતા હું સોમવાર કો... - અજ્ઞાત


https://gnr.betanetcdn.com/gnrsmc/epaper/oct2020/06102020-4.pdf




No comments:

Post a Comment