જગતની દાદુ ગણાતી યુનિવર્સિટી હાર્વર્ડમાં તાલ બેન શહર નામના એક હોનહાર યુવાને સકારાત્મક મનોવિજ્ઞાનના વિષય ઉપર મનનીય વિચારો રજૂ કર્યા. બેન શહેરના આ વિચારો જંગલની આગની માફક ફેલાવા લાગ્યા. આજે હાર્વર્ડમાં બેન શહરના સકારાત્મક ખ્યાલોનો અભ્યાસક્રમ હોટ કેકની જેમ લોકપ્રિયતાના શિખરે પહોંચી ગયો છે. પ્રતિવર્ષ સેંકડો હજારો વિદ્યાર્થીઓ એના કોર્ષમાં જોડાવા લાગ્યા છે. હાર્વર્ડમાં ભણતા ૨૦ ટકા યુવાનો બેન શહરના આ વૈકલ્પિક અભ્યાસક્રમમાં જાય છે. હાર્વર્ડના ઇતિહાસમાં આ અભ્યાસક્રમ અત્યાધિક લોકપ્રિય બન્યો છે.
વર્ષ ૧૯૭૦માં જન્મેલા બેન શહર અમેરિકન ઇઝરાયેલી શિક્ષક છે. જીવનના હકારાત્મક પડાવો અને નેતૃત્વના પાસાઓને એ એની ધારદાર અને રસાળ શૈલીમાં પ્રસ્તુત કરે છે. એના અનેક પુસ્તકો બેસ્ટ સેલર શ્રેણીમાં છે. માનવીય વર્તણૂંક અંગે વૈજ્ઞાનિક સમજ આપતાં બેન શહરના શિબિરોમાં લોકો હકડેઠઠ ભેગા થઇ જાય છે. દુનિયામાં આજકાલ બેન શહર સૌથી વધુ વંચાતો લેખક છે. સુખની પરિભાષા પ્રસ્તુત કરવાની એની તાત્વિક અને વૈજ્ઞાનિક મેથડોલોજી લોકોને સ્પર્ષી જાય છે. લોકો બેન શહરને ‘હેપીનેસ ગુરુ’ તરીકે વધારે ઓળખે છે. સોશિયલ મીડિયા અને વેબ સાઈટ ઉપર એના લાખો ચાહકો છે. ૩૫ વર્ષના આ હેપીનેસ ગુરુએ વ્યક્તિની આંતરિક ઊર્જાને ઓળખી સકારાત્મક દ્રષ્ટિકોણ દ્વારા સુખના માર્ગે આગળ ધપવા માટે સાદી, સરળ પણ ચાવીરૂપ ચૌદ ટીપ્સ આપી છે.
ટીપ નં-૧ : વ્યક્તિ પાસે તેને આનંદ થાય એવી ઘણી વાતો અને ઘટનાઓ હોય છે. આમાંથી દસ આનંદ આપતી વાત તારવી લેવી જોઈએ. આ દસ વાત ઉપર ધ્યાન કેન્દ્રીત કરવાનો મહત્તમ પ્રયાસ પ્રભાવક પરિણામો આપે છે.
ટીપ નં-૨ : તજજ્ઞો કહે છે વ્યાયામ સૌથી મોટુ ‘મુડ રીપેરર’ ફેક્ટર છે. દિવસમાં ૩૦ મિનિટ શરીરને અનુકૂળ પડે એવા વ્યાયામ માટે ફાળવવી જોઈએ. કસરત માનસિક તાણ દૂર કરવાનો ઉત્તમ ઉપાય છે.
ટીપ નં-૩ : ક્યારેય નાસ્તાનો સમય ન ચૂકવો જોઈએ. નાસ્તો શરીરને ઉર્જા પુરી પાડે છે. સકારાત્મક વિચારો માટે જઠરાગ્ની શાંત હોય એ જરૂરી છે.
ટીપ નં-૪ : તમારે શું જોઈએ છે અને શું કરવું છે એ સ્પષ્ટ હોવુ જોઇએ. હંમેશા પોતાના વિચારો સ્પષ્ટતાપૂર્વક પ્રસ્તુત કરવા તૈયાર રહો. ચૂપ રહેવાનો અર્થ ઉદાસીને આમંત્રણ.
ટીપ નં-૫ : એક અધ્યયન સ્પષ્ટ કરે છે કે, ૭૫ ટકા લોકો તેમના પ્રવાસ, અભ્યાસ, અધ્યયન બાદ રોકેલા નાણાથી ખુશ થતા હોય છે જ્યારે અન્ય માત્ર વસ્તુઓ ખરીદવાથી ખુશી અનુભવતા હોય છે.
ટીપ નં-૬ : જ્યારે કોઈ બાબતને મુલત્વી રાખવાનો નિર્ણય કરવામાં આવે ત્યારે તણાવ અને ચિંતાનુ કારણ જન્મે છે. પ્રતિસપ્તાહ કાર્યની એક યાદી બનાવવી જરૂરી છે.
ટીપ નં-૭ : તમારા પ્રિય લોકોની તસવીરો, યાદો, શબ્દો તમારા ફ્રીઝ ઉપર, દિવાલો ઉપર, કોમ્પ્યુટર સ્ક્રીન ઉપર રાખવાનો પ્રયાસ કરો. આ નાનકડી બાબત ચિત્તમાં આનંદ આપે છે.
ટીપ નં-૮ : તમને મળતા તમામ લોકોને સદાય સ્મિત સાથે શુભેચ્છા આપવાનો ઉપક્રમ રાખવો જોઈએ.
ટીપ નં-૯ : રોજ પહેરાતા પગરખા કમ્ફર્ટેબલ રાખો. ડંખ મારતા જૂતા મુડ બગાડવાનું મોટુ કારણ બની જતા હોય છે.
ટીપ નં-૧૦ : તમારા ખભા મ્હોથી પાછળ રાખો. આનાથી આત્મવિશ્વાસમાં વધારો થાય છે.
ટીપ નં-૧૧ : મનગમતું સંગીત સાંભળવાનું રાખવું જોઈએ. મુડને મેઈનટેઈન કરવામાં સંગીત અકસીર રીતે મદદગાર બને છે.
ટીપ નં.-૧૨ : ભોજનની નિયમિતતા કદી ભંગ ન થવી જોઇએ. ભોજન કરવાનુ તો ક્યારેય ન છોડવુ. પ્રતિ ત્રણ ચાર કલાકે થોડું થોડું ખાતા રહેવું જોઈએ. ખાંડ, મીઠું, મેંદો જેવી સફેદ વસ્તુ લેવાનું ટાળવું પણ ફળ, શાકભાજી જેવી વસ્તુઓ ખાતા રહેવી.
ટીપ નં.-૧૩ : પોતાની જાતની સતત સંભાળ રાખવી જોઈએ. એક સર્વે કહે છે કે, ૭૦ ટકા લોકો પોતાની સંભાળ લઈને સ્વસ્થ હોય છે ત્યારે સુખનો ચરમ અનુભવ કરતા હોય છે.
ટીપ નં-૧૪ : જે પણ નાત, જાત કે સંપ્રદાયમાં માનતા હોવ તે પ્રમાણે ઈશ્વર ઉપર દ્રઢ વિશ્વાસ રાખવો. સુખ રીમોટ કંટ્રોલ જેવું છે. આપણે ગાંડાની જેમ એ રીમોટના બટન દબાવે રાખીએ છીએ.
બેન શહરની આ ૧૪ ટીપ મમળાવા જેવી છે. વિશ્વમાં ત્રણ પ્રકારના લોકો હોય છે. એક કે જે દરેક કામને કંટાળાજનક રીતે જોતા હોય છે. બીજા એવા લોકો કે જે કામને એની કારકિર્દી તરીકે જોતા હોય છે. અને ત્રીજા એ કે જે કામને આગળ વધવાનો માર્ગ સમજતા હોય છે. ત્રીજા પ્રકારના વ્યક્તિઓ તેમના કાર્યથી હંમેશા ખુશ હોય છે. સફળ અને ખુશીમાં વ્યાપક ગેરસમજ છે. મોટાભાગના લોકો માનતા હોય છે કે, સુખ સફળતાનો અંતિમ પડાવ છે. પરંતુ ખરેખર તો સુખી થવા માટે સફળતાની જરૂર નથી. સુખ તો માનસિક પરિપાટી ઉપર ઘડાતુ હોય છે. સુખી થવા માટે માનસિકતા બદલવાની જરૂર છે. તાલ બેન શહેરે આપેલી સાદી પણ મહત્ત્વની ચૌદ ટીપ્સની સાચી સમજમાં સુખ છે.
કોઈપણ વ્યક્તિના જીવનનો અંતિમ હેતુ સુખ છે. દાર્શનિક એરિસ્ટોટલના મતે માનવીના જીવનનો અર્થ જ સુખમાં સમાયેલો છે. જ્યારે સુખની વાત આવે ત્યારે એક વાત ખાસ સમજવા જેવી છે. વ્યક્તિ જ્યારે બિઝનેસ કરે ત્યારે નફો કે નુકસાનની પરિસ્થિતિનો સામનો કરતો હોય છે. પરંતુ માનવી માટે અંતિમ ચલણ કોઈપણ દેશની કરન્સી નથી જ નથી. બાહરી તત્ત્વો જેવા કે ખ્યાતિ, નસીબ કે સત્તા પણ મનુષ્યના સુખની પરિધિમાં ન હોય. આર્થિક સંપન્નતા કે ખ્યાતિ સુખની વ્યાખ્યામાં અતિ ગૌણ બાબત છે. પૈસા અને સન્માન ઇચ્છનીય જરૂર હોઈ શકે પરંતુ એ અંતિમ સુખ અને આનંદ આપી નથી શકતા અને તેની કિંમત પણ કંઈ નથી.
ધબકાર :
વિચાર, વાણી અને વર્તનના સામંજસ્યના કેન્દ્રમાં ખુશી હોય છે.
https://gnr.betanetcdn.com/gnrsmc/epaper/feb2021/09022021-4.pdf






No comments:
Post a Comment