પ્રિય વાચકબંધુઓ,

પ્રશ્નો, મુશ્કેલીઓ, વિડંબણાઓ અને પીડામાંથી પસાર ન થયા હોય એવા કેટલા લોકો ? ચાર રસ્તાના ખૂણે મોચી કામ કરીને પેટીયું રળતો છગન હોય કે પછી અબજોનો વેપાર કરતાં મુકેશ અંબાણી કે રતન ટાટા હોય, કે પછી બીલ ગેટ્સ કે બેઝોસ જેફરી હોય. દરેકના જીવનમાં ચડાવ ઉતાર અને મુશ્કેલીઓ આવતી જ હોય છે. જે મુશ્કેલીમાં મુશ્કરાય અને ગમગીનીમાં પણ આનંદથી ગીત ગાય એ જીવનને માણી શકે છે. સવલતોને સુખ સમજવા કરતાં અંતરમનની ચેતનાઓનો ફૂવારો જ સાચાં સુખનો પ્રદેશ છે એ સચ્ચાઇને સમજવી પડે. જીવનમાં જ્યારે સમસ્યા આવે ત્યારે એના ઉકેલ માટે ફાંફા મારવા કરતાં આનંદ આપતાં પ્રસંગોને યાદ કરી હસતાં ખેલતાં આગળ વધવાની કોશિષ જ કામયાબ બનાવે છે. જેમ જીવનમાં કશું મુશ્કેલ નથી એમ જીવનમાં કશું આસાનીથી પણ મળતું નથી. પ્રશ્નો, મુશ્કેલીઓ, તકલીફોને અતિક્રમીને જીવનમાં આનંદનો આફતાબ ખીલવવા માટેના વિવિધ માર્ગોને શબ્દ દેહ આપીને બ્લોગ સ્વરૂપે પ્રસ્તુત કરવાનો નમ્ર પ્રયાસ કર્યો છે. મે ‘આત્મનાદ’ સ્વરૂપે પ્રતિ સપ્તાહ આવતી મારી નિયમિત કોલમમાં જીવનના વિવિધ રંગોને શબ્દ પિંછી વડે કલ્પનાના આકાશને વધુ રંગીન બનાવવાની કોશિશ કરી છે. આશા છે કે, મારી નિયમિત કોલમ ‘આત્મનાદ’નું આ બ્લોગ અવતરણ વાચક મિત્રોને ગમશે.

- પુલક ત્રિવેદી

Sunday, 22 August 2021

કોઇકના નામે વટ મારી ખાવો છે કે પોતાની અક્કલથી અલગ ઓળખ ઉભી કરવી છે ?


 

હજારો રનના ઢગલા કરી એક પછી એક રેકોર્ડ બનાવ્યા પહેલાં તેંડુલકરને કોણ ઓળખતું હતું ? કોકીલ કંઠી લતા મંગેશકર એમના અવાજના જાદુથી કરોડો લોકોના હૃદયમાં સ્થાન મેળવી શક્યા. સદીના મહાનાયક અમિતાભ બચ્ચને એમની બેનમૂન અદાકારીના કારણે અલગ ઓળખ ઊભી કરી. ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, નરેન્દ્રભાઈ મોદી, ડો. એ.પી.જે. અબ્દુલ કલામ, લાલ બહાદુર શાસ્ત્રી, અબ્રાહમ લીંકન, ચાર્લી ચેપ્લીન આવા અનેક સામર્થ્યવાન લોકોનો આગવો અંદાજ અને આગવી ઓળખ છે. એમની આઇકોનિક ઓળખને લોકો ફોલો કરે છે. પરંતુ અબ્રાહમ લીંકનના દીકરાનું નામ કેટલાને ખબર છે ? ડો. એ.પી.જે. અબ્દુલ કલામના ભાઈઓ વિશે કેટલા જાણે છે ? ચાર્લી ચેપ્લીનના ભાઈ-બહેન કેટલાને યાદ છે ? કૌશલ્યવાન અને તેજસ્વી વ્યક્તિઓની ઓરાનો લાભ આસપાસના સગા અને મિત્રો થોડો સમય લઈ લેતા હોય છે.


સૂર્યના પ્રકાશનો પડછાયો ચંદ્ર ઉપર પડે અને ચંદ્ર સ્વયં પ્રકાશિત હોવાનો ઘમંડ કરે એ કેટલો વાજબી કહેવાય ? કોઈ ઓળખીતા પાળખીતા સામર્થ્યવાન સગાની ચમકના સહારે પોતાની તતુડી વગાડતા લોકોને જોઈને બુદ્ધિશાળી લોકો મનોમન હસતા હોય છે. મઝાની વાત તો એ હોય છે કે, જેમના નામના જોરે પોતાની ડીંગ ડીંગ હાંકતા આવા લોકોના કરતુતોની લોકહૃદયમાં બીરાજેલા એમના કૌશલ્યવાન સગાને ખબર સુદ્ધા નથી હોતી.


કોઈની પ્રતિષ્ઠા અને નામનાના જોરે ક્યારેય કોઈ છાપ ઊભી થતી નથી. પોતાની ઓળખ ઊભી કરવા માટે ભીડથી અલગ હટીને ચાલવું પડે છે. ડૉક્ટર હરિવંશરાય બચ્ચન હિન્દી સાહિત્ય જગતનુ બહુ મોટુ આદરપાત્ર નામ. લોકહદયમાં એ જબરજસ્ત વસી ગયેલા. શરૂઆતના સ્ટ્રગલના દિવસોમાં પણ દીકરા અમિતાભે ક્યારેય પિતાની સાહિત્યિક ચાહના અને નામનાને વટાવી નહીં. અમિતાભે કવિતા કે લેખન ક્ષેત્રે નહીં, પરંતુ એનાથી અલગ અભિનયના ક્ષેત્રે એમની આગવી ઓળખ ઉભી કરી. કોઈની છાપ માથે લઈને ચાલવામાં સૌથી મોટી તકલીફ એ હોય છે કે, આવી ઓળખ લાંબો સમય ટકતી નથી. કોઈના નામે જ્યારે રોફ થાય ત્યારે કદાચ શાણા લોકો પ્રતિક્રિયા એટલે ન આપે કે આ વ્યક્તિમાં તો કંઈ છે નહીં, નમાલો છે અને કોઈના નામે રૂઆબ કરે છે પરંતુ ખરેખર જે વ્યક્તિ મહાન છે એના નામને બટ્ટો શા માટે લગાડવો જોઈએ ?

કોઈના દમ ઉપર ક્યારેય ઓળખ ઊભી ન થાય. દૂર્યોધન મહારથીઓ ભરેલી એની સેનાના કારણે ક્યાં જીતી શક્યો ? એની ઓળખ ક્યાં ઊભી કરી શક્યો ? અર્જુને એના સામર્થ્યથી યુદ્ધભૂમિ ઉપર વિજય મેળવી આગવી ઓળખ પ્રાપ્ત કરી. કોઈની ઓળખાણથી મળેલું કામ, ઈજ્જત શોહરત થોડા સમય માટે હોય છે. પોતાની ક્ષમતા અને સામર્થ્યથી મળેલી ઓળખ જીવનભર સાથ આપે છે. રસ્તા ઉપર પડેલો એક પથ્થર પણ કોઈને હાની પહોંચાડી શકે કે પછી દેવસ્થાને બિરાજીને પુજાઈ પણ શકે છે. નક્કી તો વ્યક્તિએ પોતે કરવું પડે કે એણે કોઇકના પ્રકાશના પડછાયામાં અલ્પજીવી વટ મારી ખાવો છે કે પોતાની અક્કલથી અલગ ઓળખ ઉભી કરવી છે.


કોઈના જોરે ટમટમતા લોકોનો તોર પણ જોવા જેવા મજાના હોય છે. એક મલ્ટી નેશનલ કંપનીના સીઈઓ ખૂબ પ્રતિભાશાળી. એમના પ્રયાસોથી દેશવિદેશમાં કંપનીનું નામ બહુ આદરથી લેવાતું. છેલ્લા સાતેક વર્ષોમાં કંપનીને એમનાથી જબરજસ્ત નફો થયો હતો અને કંપની રોકેટ ગતીએ આગળ વધતી હતી. આ કંપનીમાં પ્રોડકશનની એક વીંગમાં જુનિયર સુપરવાઈઝરની જગા ઉપર સીઈઓનો ભત્રીજો કામ કરે. કંપનીના વિકાસ માટે સીઈઓ મહિનામાં ૨૦ થી ૨૨ દિવસ દેશવિદેશના પ્રવાસે જ હોય.

ભત્રીજા સાહેબ કંપનીના એચઆર હેડથી માંડીને પ્રોડકશન હેડ, માર્કેટીંગ ચીફ બધાનાં કામમાં ચંચુપ્રવેશ કરે. કંપનીમાં કોઇનુ પણ અપમાન કરે કે પછી એની જી હજુરી કરનારાના વખાણ પણ કરે. બધા ભત્રીજાની આ હરકતો સહન કરી લે. અંદર ખાને સૌ જાણતા કે, આ વ્યક્તિ પાસે ઝાઝી કોઇ ક્ષમતા છે જ નહીં. એમની પાસે સીઈઓ સાહેબના ભત્રીજાનું લેબલ જ મોટું છે. ભત્રીજાની નાની-મોટી હરકતોની સીઈઓ સાહેબને ખબર સુદ્ધા ન હોય. ખોટો વટ મારી ખાતા ભત્રીજા જેવી કથા ઘણી જગાએ હોય છે. જો કે એનાથી ઓર્ગેનાઈઝેશનને કોઈ મોટું નુકસાન કે તકલીફ પડતી નથી. પણ સ્વયં પ્રકાશીત અને કૌશલ્યવાન એના સગાની પ્રતિષ્ઠાને જાણે અજાણે આવા લોકોને કારણે નુકશાન જરૂર પહોચતુ હોય છે.


વિશ્વમાં એવા પણ દાખલા જોવા મળ્યા છે કે, મોટા સ્થાન ઉપર બેઠેલા અત્યંત શક્તિશાળી લોકોના પરિવારના સભ્યો, મિત્રો, સગાવહાલાઓ ક્યારેય એમના ઉચ્ચ સ્થાને બેઠેલા વડીલના નામની ઓળખ સુદ્ધા નથી આપતા. આપણા લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલનું બુલંદ ઉદાહરણ છે. એમણે એમના પરિવારના કોઈ સભ્ય, કોઈ મિત્ર કે કોઈ સગાને ક્યારેય કોઈ પ્રિવિલેજ આપ્યો હોય કે એ લોકોએ લીધો હોય એવો ઇતિહાસમાં એક દાખલો જોવા નથી મળ્યો.

વ્યક્તિની ઓળખ એની આંતરિક ઊર્જા અને વૈયક્તિક સિદ્ધાંતો અને સંસ્કારિતાથી ઊભી થાય છે. કોઈનો પ્રતાપ અને પ્રભાવ તો થોડો સમય ચાલે. આવા લોકોની જીભ સૌથી લપસણી અને ખરાબ હોય છે. દિમાગ ખરાબ હોવાની પ્રથમ સાબિતી એની જીભ ખરાબ છે. લાંબો સમય ટકવું હોય તો સ્વયં પુરુષાર્થ કરવો પડે. પોતાની અલગ પહેચાન બનાવવા માટે પોતે જ ઊભી કરેલી જૂની ઓળખના દાયરાને ઓળંગવો પડે. અંતે તો પોતાના કાર્યો, કૌશલ્ય, કર્તવ્યનિષ્ઠા, સજ્જનતા, સૌમ્યતા, નિષ્ઠા જ અલગ પહેચાન ઊભી કરી શકે છે. એ પણ એટલી જ સત્ય વાત છે કે, અન્યના જોરે બહારથી જેટલો ઘમંડી અને તાકાતવર લાગતો વ્યક્તિ અંદરથી ખોખલો અને ભયભિત હોય છે.


ધબકાર :

બીજાના નામના સહારે પોતાની ખીચડી પકવનારા અંદરથી નબળા અને નિર્માલ્ય હોય છે.





https://cdngs.betanetcdn.com/gnrsmc/epaper/21july/20072021-4.pdf

No comments:

Post a Comment