‘મારી સાથે દુશ્મની કરવાની લાલાઈત પુરુષોની કમી નથી. વિશેષતઃ ગુજરાતી સાહિત્ય અને પત્રકારત્વમાં પણ દુશ્મન બનવાનું માન હું મગતરાઓને આપતો નથી. દુશ્મનીને હું દોસ્તી જેટલી જ ઊંચી પીઠિકા ઉપર મૂકું છું. મારા દુશ્મન બનવા માટે બૌદ્ધિક કક્ષા મારા જેટલી હોય એ અનિવાર્ય શરત છે. મને પ્રેમ કરો કે નફરત કરો, જે કંઈપણ કરો પણ દિલ ફાડીને કરો ! મારા માટે દોસ્તી અને દુશ્મની મહત્વના નથી. મારા માટે મહત્વના શબ્દો છે. ‘દિલ ફાડીને !’
આવી ખુમારી અને મારફાડ ભાષા ગુજરાતી ભડવીર લેખક, ચિંતક, વિચારક અને વકતા ચંદ્રકાંત કેશવલાલ બક્ષીની જ હોય. બક્ષીબાબુના નામે વિશ્વમાં પ્રસિદ્ધ એવા આ લેખક વિશે હકીકત તો એ છે કે, આજે ગુગલ ઉપર ગુજરાતીમાં માત્ર બે શબ્દ ‘ચંદ્રકાંત બક્ષી’ લખો એટલે સેકંડના ૬૦મા ભાગમાં ૧ લાખ ૨૦ હજાર સાઈટ્સના ઓપ્શન ગુગલ ગુરૂ આપી દે છે. કોઈપણ લેખક કે સાહિત્યકારને ઈર્ષ્યા આવે એવી આ વાત છે. બક્ષીબાબુના નામથી આગળ વધીને એમનુ સર્જન ‘પેરાલીસીસ કૃતિ’ ગુગલ ઉપર લખવામાં આવે તો ૪૦ હજાર ઉપરાંત સાઈટ્સના એડ્રેસ મળે છે. બક્ષીબાબુના ૯૦મા હેપ્પીવાલા બર્થ-ડે આ મહિનાની ૨૦ ઓગસ્ટે ગયો.
આજની તારીખમાં ખુબ વંચાતા જય વસાવડાએ બક્ષીબાબુને જન્મદિને ટ્રીબ્યુટ
આપતા FB પોસ્ટમાં લખ્યું કે, ‘બક્ષી એટલે
બક્ષી. એ ગરૂડ બાકી બધા
પક્ષી. નંબર વન એન્ડ
ઓનલી. એન ઈન્સ્પિરેશન
ફોર હોલ જેનરેશન...’ પાલનપુરની શેરીઓમાં બાળ બક્ષીની પાપા પગલીઓ પડી. ત્યારનું કલકત્તા આજનું કોલકતામાં બક્ષીની યુવાની આળસ મરડીને બેઠી થઈ
અને મુંબઈમાં ઢળતી યુવાની બાદ અમદાવાદના આંગણે જીવનનો આખરી પડાવ એમણે પસાર કર્યો. પણ આ તમામ દોરમાં બક્ષીબાબુનો દમામ તો રાજાશાહીનો જ ! એમા તસુભાર પણ ફરક જોવા ન મળે. આમ તો સેવા નિવૃત્ત સરકારી અફસર છે પણ
મને સર્જક મિત્ર કહેવું વધુ ગમે છે એવા રમેશ ઠક્કરે બક્ષીબાબુ માટે હમણા લખ્યું છે
કે, એમની કૃતિ ‘લીલી નસોમાં પાનખર’નો નાયક એના પૈતૃક ઘર શોધે છે. ગજબનું સંવેદન આલેખાયું છે. ચંદ્રકાંત બક્ષીના ઘરની મુલાકાત એ પણ
એક સાંજની મુલાકાતથી કમ નથી.’
બક્ષીબાબુના લખાણમાં હંમેશા મોર્ડન ટચ અને તાજગીસભર શબ્દોની સુવાસ લાગે. એમના લખાણમાં ગુજરાતી, ઉર્દુ, હિન્દી અને અંગ્રેજીનું અદભુત સંમિશ્રણ જોવા મળે. બક્ષીના તેજાબી શબ્દો અને તીક્ષ્ણ વિચારોએ એમને હંમેશ વિવાદમાં રાખ્યા છે. જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા રઘુવીરભાઈ ચૌધરીએ ‘મિસીંગ બક્ષી’ના પાના નં. ૧૭૯ બક્ષીબાબુના વિવાદોને લઈને લખે છે કે, ‘વાંચકોને કદાચ વિવાદાસ્પદ લેખકોમાં વધુ રસ પડતો હશે.’ આમ જોવા જઈએ તો બક્ષી મુળતઃ વિવાદાસ્પદ સ્વભાવ ધરાવતા હોય એમ લાગે. સમગ્ર મામલો થાળે પડી ગયો હોય. કોઈ પ્રશ્ન ન હોય અને શાંત વાતાવરણમાં પણ બક્ષી આસાનીથી વિવાદને તર્કબદ્ધ રીતે વહેતો કરવાની ક્ષમતા ધરાવતા.
બક્ષીબાબુની બીજી એક અવિસ્મરણીય લાક્ષણિકતા ફાઈટીંગ સ્પીરીટની છે. હાર એમણે ક્યારેય માની નથી. એમ લાગે કે, માર મંજૂર પણ હાર કદી મંજૂર નહીં એમનું સુત્ર અને મંત્ર હોવો જોઈએ. બક્ષીબાબુએ ૨૬ જેટલી નવલકથા લખી છે. ૫૮ વર્ષ પહેલાં વર્ષ ૧૯૬૩માં ‘આકાર’ નવલકથાથી બક્ષીબાબુ ફેમસ થયા. જો કે બક્ષી સ્વયં સ્વીકારે છે કે નવલકથા કરતાં નવલિકાએ એમને વધારે નેમ અને ફેમ આપી છે.
જ્યારે એમને એક કાર્યક્રમમાં વકતા તરીકે નિમંત્રિત કર્યા ત્યારે આ લખનારને બક્ષીબાબુના તેવરનો પ્રત્યક્ષ પરિચય પહેલ વહેલો ત્યારે થયો. એક વાત તો નક્કી હતી વક્તવ્ય તો બક્ષીબાબુનું જ રાખવું છે. એટલે સમય સુનિશ્ચિત કરી એમને મિત્ર દાવે નિમંત્રિત કરી દીધી. બક્ષીબાબુએ એમના આગવા અંદાજમાં દોઢ કલાક ધુંઆધાર વક્તવ્ય આપ્યું. પછી જ્યારે વિદાય વેળા આવી ત્યારે એમનો આભાર માની પુરસ્કારનું કવર એમના હાથમાં મૂક્યું. બક્ષીબાબુએ પાંચ માણસની હાજરીમાં પૂછ્યું ‘કેટલા છે ?’ મેં કહ્યું ‘આટલા છે.’ બક્ષીબાબુએ કવર પાછુ આપતા કહ્યું, ‘મારા એક કલાકના વક્તવ્યની કિંમત આટલી લઉં છું. મિત્ર તરીકે એમને એમ કલાકો વાતો કરીશું પણ મારી કિંમત હું જ બગાડું એ કેમ ચાલે ?’
આવી એમની ખુમારી. એક તરફ આવા એટિટ્યૂડને સલામ મારવાની ઇચ્છા થાય અને બીજી બાજુ બજેટ ખોરવાય એની ચિંતા પણ થાય. ખેર પ્રસંગ હેમખેમ પૂરો થયો અને મૈત્રી પણ જળવાઈ રહી એનો આનંદ. એમના પુસ્તકો એક ઉપર એક મૂકવામાં આવે તો પાંચ ફુટ જેટલી હાઈટના બક્ષીબાબુના કદ કરતાં એ ઢગલો ઊંચો થઈ જાય. સંદેશ દૈનિકમાં ‘પિકનીક’, ગુજરાત સમાચારમાં ‘વાતાયન’ અને ‘સ્પીડ બ્રેકર’, જન્મભૂમિ પ્રવાસીમાં સિમ્પોઝિપમ, સમકાલિન, સમભાવ, અભિયાન, દિવ્યભાસ્કર જેવા અખબારો અને મેગેઝીનના પાને બક્ષીબાબુની કોલમોની લોકો આતુરતાથી રાહ જોતા. ઇતિહાસ, જ્ઞાન-વિજ્ઞાન, પત્રકારત્વ, રમતગમત, યુવાનો માટે સપ્રેમ શ્રેણી, ચાણક્ય ગ્રંથમાળા, વાતાયન, નમસ્કાર, રાજકારણ, પ્રવાસ જેવા અનેક વિષયો ઉપર બક્ષીબાબુએ ખેડાણ કર્યું છે.
ચિંતક, લેખક, પ્રોફેસર, એફબી મિત્ર ડૉ. માસુંગ દોસ્ત એમની એક પોસ્ટમાં બક્ષીબાબુ માટે લખે છે કે, પાલનપુરના વિદ્યા મંદિરમાં ગુજરાતી સાહિત્ય પરિષદના ૩૧ મા જ્ઞાન સત્રમાં સંસ્થાના વડા શિરીષ મોદીએ કહ્યું કે, ‘ગાંધીજી પછી ગુજરાતી સાહિત્યમાં સૌથી વધુ લખનારા ચંદ્રકાંત બક્ષી હતા.’ જો કે ડૉ. માસુંગ સ્પષ્ટતા કરતા લખે છે કે, આ અંગેના કોઈ ચોક્કસ અને નક્કર આધારા પુરાવા ઉપલબ્ધ નથી.
સો વાતની એક વાત એ છે કે, બક્ષીનો ‘ડાઈહાર્ડ’ ચાહક વર્ગ છે. કોઈ ફિલ્મી સિતારા કે સુપરસ્ટારની જેમ ગુજરાતના આ શેરદિલ લેખકના લાખો ‘ફેન ફોલોઅર્સ’ છે. આજે પણ બક્ષીના વિચારો અને ગદ્યાંશો વોટ્સએપ અને ફેસબુક વોલ ઉપર એમના વિશાળ ફેન ફોલોઅર્સ રોજે રોજ મૂકતા આનંદ અને ગૌરવ અનુભવે છે. બક્ષી અને ઓશોમાં એક સમાનતા છે. બંને મેઘાવી યાદશક્તિ ધરાવતા અને બન્ને તેમના વિચારો બેબાક રીતે ધારદાર શૈલીમાં પ્રસ્તુત કરતા ક્યારેય ન ખચકાતા. આ લખનારા સહિત અનેક લોકો બક્ષીબાબુ અને ઓશોને તેમના આદર્શ માનતા હશે. એમની પાસેથી ઘણું શીખ્યા અને શીખતા હશે. બક્ષીબાબુ જેવા ચિંતક, લેખક, વકતા ગુજરાતની આગવી ઓળખ છે. વર્ષ ૨૦૦૬માં હાર્ટએટેક આવતા બક્ષીબાબુ દુનિયાને અલવીદા કહીને ચાલી નીકળ્યા.
છેલ્લે એક વાતનો ઉલ્લેખ કરવો રહ્યો કે બક્ષી બાબુએ અનેક અવનવા શબ્દો ગુજરાતી ભાષાને આપ્યા છે. સુરતના લેબ ટેકનિશિયન મોલિકા દેરાસરીએ બક્ષીબાબુના પુસ્તકોનો અભ્યાસ કરીને પાંચ હજારથી વધુ નવા શબ્દો તારવ્યા છે. શ્રીમતી દેરાસરી નોંધે છે કે, ભયંકર પ્રેમ, દિલફાડીને વગેરે શબ્દો બક્ષીબાબુએ આપ્યા છે. શ્રીમતી દેરાસરીનું આ અંગેનું પુસ્તક ‘‘શ્રી ચંદ્રકાંત બક્ષી શબ્દોનો રોમાંસ’’ ટૂંક સમયમાં પ્રકાશિત થવા જઇ રહ્યું છે એવા સમાચાર મળે છે. કેટ્લાય બક્ષીલવર્સ ફેસબુક પેજ અને વેબસાઈટ ઉપર બક્ષીબાબુને જીવંત રાખી રહ્યાં છે. ‘એની વેયઝ... બક્ષીબાબુ, યુ વીલ બી ઓલવેયઝ લીવ ઇન ધ હાર્ટ્સ ઓફ ગુજરાતીસ...’
ધબકાર :
લખવું એ રોટી પકવવા જેવી, ચુંબન કરવા જેવી, તરવા જેવી, ઘોડેસવારી કરવા જેવી, રડવા જેવી જ ક્રિયા છે. એમાં ઉસ્તાદની જરૂર નથી. એમાં તમારે સ્વયં બળવું પડે છે, અને સ્વયં ડૂબવું પડે છે. – ચંદ્રકાંત બક્ષી



No comments:
Post a Comment