પ્રિય વાચકબંધુઓ,

પ્રશ્નો, મુશ્કેલીઓ, વિડંબણાઓ અને પીડામાંથી પસાર ન થયા હોય એવા કેટલા લોકો ? ચાર રસ્તાના ખૂણે મોચી કામ કરીને પેટીયું રળતો છગન હોય કે પછી અબજોનો વેપાર કરતાં મુકેશ અંબાણી કે રતન ટાટા હોય, કે પછી બીલ ગેટ્સ કે બેઝોસ જેફરી હોય. દરેકના જીવનમાં ચડાવ ઉતાર અને મુશ્કેલીઓ આવતી જ હોય છે. જે મુશ્કેલીમાં મુશ્કરાય અને ગમગીનીમાં પણ આનંદથી ગીત ગાય એ જીવનને માણી શકે છે. સવલતોને સુખ સમજવા કરતાં અંતરમનની ચેતનાઓનો ફૂવારો જ સાચાં સુખનો પ્રદેશ છે એ સચ્ચાઇને સમજવી પડે. જીવનમાં જ્યારે સમસ્યા આવે ત્યારે એના ઉકેલ માટે ફાંફા મારવા કરતાં આનંદ આપતાં પ્રસંગોને યાદ કરી હસતાં ખેલતાં આગળ વધવાની કોશિષ જ કામયાબ બનાવે છે. જેમ જીવનમાં કશું મુશ્કેલ નથી એમ જીવનમાં કશું આસાનીથી પણ મળતું નથી. પ્રશ્નો, મુશ્કેલીઓ, તકલીફોને અતિક્રમીને જીવનમાં આનંદનો આફતાબ ખીલવવા માટેના વિવિધ માર્ગોને શબ્દ દેહ આપીને બ્લોગ સ્વરૂપે પ્રસ્તુત કરવાનો નમ્ર પ્રયાસ કર્યો છે. મે ‘આત્મનાદ’ સ્વરૂપે પ્રતિ સપ્તાહ આવતી મારી નિયમિત કોલમમાં જીવનના વિવિધ રંગોને શબ્દ પિંછી વડે કલ્પનાના આકાશને વધુ રંગીન બનાવવાની કોશિશ કરી છે. આશા છે કે, મારી નિયમિત કોલમ ‘આત્મનાદ’નું આ બ્લોગ અવતરણ વાચક મિત્રોને ગમશે.

- પુલક ત્રિવેદી

Wednesday, 16 November 2016

સમજણ પડે એ રીતે અંતરના ઊંડાણથી સફળતાની શાબાસી અને ક્યારેક હોંકારો પણ મળતો હોય છે...

સમજણ પડે એ રીતે અંતરના ઊંડાણથી સફળતાની શાબાસી
અને ક્યારેક હોંકારો પણ મળતો હોય છે...
-     પુલક ત્રિવેદી
   અમેરિકાની જાણીતી મોટર મેન્યુફેકચરિંગ કરતી ફોર્ડ કંપનીના માલીક હેનરી ફોર્ડે એક વખત ખૂબ મજાની વાત કરી કે, “ જીવનની સફળતાનું રહસ્ય એ છે કે, તમારા ભાગ્યમાં શું કરવાનું છે તેની તમને સમજ પડે અને પછી તેની પાછળ તે પ્રાપ્ત કરવા મંડ્યા રહેવું. “ ફોર્ડ જુલાઈ, તા. ૩૦, ૧૮૬૩માં જન્મેલા અને એપ્રિલ તા. ૭ ૧૯૪૭ સુધીના જીવનકાળમાં હેનરી ફોર્ડે ઓટોમોબાઈલના ક્ષેત્રે દુનિયા આખીમાં ‘માઈલસ્ટોન’ ઊભો કરી ઔદ્યોગિક ક્રાંતિના સર્જક તરીકે નામના મેળવી.
સફળતા માટે હેનરી ફોર્ડના આ સૂત્રને મહીસાગર જિલ્લાના નાના એવા દેભારી ગામે જન્મેલા એક યુવાને બરાબર પચાવ્યું હોય એમ લાગે છે. મહિસાગર જિલ્લાના લુણાવાડાના યુવાનો સાથેના એક પરિસંવાદમાં મહિસાગર જિલ્લા સમાહર્તાએ આર. બી. કાર્સ પ્રા. લિ.ના મેનેજિંગ ડાયરેકટર અને સી.ઈ.ઓ. રમેશભાઈ પટેલને યુવાનો સામે મુખાતિબ કર્યા ત્યારે હેનરી ફોર્ડની આખી આ ફિલોસોફી માનસપટ ઉપર તરવરવા લાગી. મહીસાગર, પંચમહાલ અને દાહોદ આ ત્રણ જિલ્લાઓમાં આર.બી.કાર્સ પ્રા. લિ.નું નામ આદરથી લેવાય છે.  આ વિસ્તારમાં માસિક ૨૫૦૦ ઉપરાંત મારુતિની મોટર્સ વેચીને રમેશભાઈએ જબરું કાઠું કાઢ્યું છે. અહીં આર.બી.ની પ્રતિષ્ઠા અને વિશ્વસનિયતા ચરમસીમાએ છે.
આર.બી. કાર્સ પ્રા. લિ.ના એમ.ડી. અને સી.ઈ.ઓ રમેશ પટેલનું સૌમ્ય, ખંતિલું અને પ્રતિભાશાળી વ્યક્તિત્વ કોઇને પણ ઈમ્પ્રેસ કર્યા વગર રહે નહીં. અહીં વાત આર.બી. કાર્સની કે તેના સી.ઈ.ઓ.ની કરવી નથી. અહીં તો વાત કરવી છે, તદ્દન સામાન્ય પરિવારમાં જન્મેલા  અને માંડ ધોરણ-૧૦ પાસ થયેલા અને ડ્રાયવરી કરતા રમેશ પટેલ નામના સફળ યુવાનની.
દેભારી જેવા ગામડાગામમાં બે ભાઈ અને બે બહેન સાથે ઉછરેલા રમેશ ધોરણ-૧૦ સુધી તો માંડ માંડ પહોંચ્યા. ભાઈ રમેશના પિતાજીની ઈચ્છા બહુ કે મારો રમેશ ભણે-ગણે અને ખૂબ આગળ વધે. પણ આ રમેશનું ચિત્ત ભણવામાં ઓછું ચોંટે. અભ્યાસ માટે પિતાજીએ રાખેલા શિક્ષકો રમેશને ભણાવવા આવે ત્યારે શિક્ષકોને તાજુ શાકભાજી લાવી આપવાના બહાને ઘરની પાછળની વંડી ઠેકીને તે હંમેશા ભાગી જતો.
સમય વિતતાં યુવાન રમેશ એક ટ્રકમાં કંડકટરી કરતો થયો. કંડકટરીના એને પ્રતિદિન રૂ. ૨ મળતાં. રમેશ આ ટ્રકના ડ્રાઈવરનો પડ્યો બોલ ઉઠાવતો. એ ખૂબ નિષ્ઠાથી કંડકટરી કરતો એની પાછળનો મુખ્ય આશય કે, ડ્રાયવર રાજી થાય અને એને ડ્રાયવિંગ શિખવે. એની ધગશ અને લગનને ચોક્કસ દિશા પણ સાંપડી. એને ડ્રાયવિંગ શિખવવામાં આવ્યું. પછી તો ભાઈ રમેશ ટ્રક ડ્રાયવિંગ કરવા લાગ્યો અને ટ્રક ચલાવતાં ચલાવતાં એક ટ્રક પણ ખરીદી. ત્યારબાદ એક ટ્રકમાંથી ૫૦ ટ્રેન્કર સુધી તે પહોંચ્યો.
વર્ષ ૨૦૦૨માં રમેશે મારુતિ કાર સર્વિસ સ્ટેશન શરૂ કર્યું. બસ પછી એની શ્રદ્ધા, મહેનત અને સફળ થવાની ધુન આ ત્રિવેણીએ રમેશને આર.બી.કાર્સ પ્રા. લિ.ના મેનેજિંગ ડાયરેકટર અને સીઈઓ શ્રીમાન રમેશભાઈ પટેલ બનાવી દીધા. આર.બી. મોટર્સ પ્રા. લિ. મારુતિ કંપનીનો પ્લેટિનીયમ એવોર્ડ વિજેતા છે. સામાન્ય રીતે આવી કંપનીઓ જે સૌથી વધુ કાર વેચે અને કંપનીને વધુમાં વધુ નફો કરી આપે  એવા ડિલર્સને પ્લેટિનીયમ એવોર્ડથી નવાજે. અહીં સમજવાની વાત એ છે કે, એક ડ્રાયવરમાંથી મેનેજિંગ ડાયરેકટર અને સીઈઓ બનેલા ભાઈ રમેશ પ્રતિવર્ષ ૨૫૦૦ ઉપરાંત મારુતિ કાર આ વિસ્તારમાં વેચે છે. અમેરિકાના પેલા ઉદ્યોગપતિ હેનરી ફોર્ડ પણ ઓટોમોબાઈલ ક્ષેત્રે અને ગુજરાતના મહિસાગરના આરે કોઈ એક કંપનીના લીડર બનીને જોરદાર કામ કરતાં રમેશ પટેલ પણ ઓટોમોબાઈલ ક્ષેત્રે. તાત્વિક રીતે હેનરી ફોર્ડ અને રમેશ પટેલ બંનેની સફળતામાં એક કોમન પ્લેટફોર્મ ઓટોમોબાઈલનું છે. એ વાત એટલી જ સાચી છે કે, હેનરી ફોર્ડ અને રમેશ પટેલ આ બંનેની ઉદ્યોગકાર તરીકેની સરખામણી કરવી યોગ્ય નહીં લેખાય. પણ બંનેની સફળતાની ચાવીઓ લગભગ એક સમાન છે.
સાવ સામાન્ય પરિવાર, નહીં જેવું જ ભણતર છતાં મનમાં નક્કી કરેલી સફળતાના માર્ગ ઉપર મક્કમતાથી આગળ વધવું અને જાપાન, હોંગકોંગ, થાઈલેન્ડ, ઈન્ડોનેશિયા, અમેરિકા જેવા કેટલાય દેશોની સફર ખેડી પોતાના ઔદ્યોગિક ક્ષેત્રે વધુને વધુ આગળ વધવું એ પણ એક મિસાલ જ છે.
અહીં ભાઈ રમેશની વાતનો સાર એટલો કે, જ્યારે કોઈ એક કામમાં સંપૂર્ણપણે એકાકાર થઈ નિષ્ઠા-ખંતથી કાર્ય કરવામાં આવે તો તમારું એ કામ પણ સાચા દિલથી તમારી સાથે સંવાદ કરે, વાત કરે છે. તમારી એ કામમાં-ક્ષેત્રમાં વધુ ને વધુ ઝડપથી આગળ વધવાની સૂઝ અને સમજ ડેવલપ થતી જાય છે. તમારા કામની સફળતાની સાથે સાથે વચ્ચે વચ્ચે તમને તમારું કામ હકારાત્મક પાનો ચઢાવતો હોંકારોય આપે છે. ક્યારેક ક્યારેક તો અંતરના ઊંડાણથી સફળતાની શાબાસી પણ મળે... આ શાબાસી જ સૌથી શ્રેષ્ઠ અને સાચી શાબાસી... આ શાબાસી એટલે જ ઐશ્વર્ય અને સતચિતઆનંદ...

ધબકાર – ‘ સફળતાની ઈમારતના દરવાજાની મુખ્ય પાયાની ચાવી નક્કી કરેલા લક્ષ્યનું દ્રઢ અમલીકરણ છે. ’ - પાબ્લો પિકાસો 


http://www.gandhinagarsamachar.com/wp-content/epaper/august2016/02082016-6.pdf

No comments:

Post a Comment