પ્રિય વાચકબંધુઓ,

પ્રશ્નો, મુશ્કેલીઓ, વિડંબણાઓ અને પીડામાંથી પસાર ન થયા હોય એવા કેટલા લોકો ? ચાર રસ્તાના ખૂણે મોચી કામ કરીને પેટીયું રળતો છગન હોય કે પછી અબજોનો વેપાર કરતાં મુકેશ અંબાણી કે રતન ટાટા હોય, કે પછી બીલ ગેટ્સ કે બેઝોસ જેફરી હોય. દરેકના જીવનમાં ચડાવ ઉતાર અને મુશ્કેલીઓ આવતી જ હોય છે. જે મુશ્કેલીમાં મુશ્કરાય અને ગમગીનીમાં પણ આનંદથી ગીત ગાય એ જીવનને માણી શકે છે. સવલતોને સુખ સમજવા કરતાં અંતરમનની ચેતનાઓનો ફૂવારો જ સાચાં સુખનો પ્રદેશ છે એ સચ્ચાઇને સમજવી પડે. જીવનમાં જ્યારે સમસ્યા આવે ત્યારે એના ઉકેલ માટે ફાંફા મારવા કરતાં આનંદ આપતાં પ્રસંગોને યાદ કરી હસતાં ખેલતાં આગળ વધવાની કોશિષ જ કામયાબ બનાવે છે. જેમ જીવનમાં કશું મુશ્કેલ નથી એમ જીવનમાં કશું આસાનીથી પણ મળતું નથી. પ્રશ્નો, મુશ્કેલીઓ, તકલીફોને અતિક્રમીને જીવનમાં આનંદનો આફતાબ ખીલવવા માટેના વિવિધ માર્ગોને શબ્દ દેહ આપીને બ્લોગ સ્વરૂપે પ્રસ્તુત કરવાનો નમ્ર પ્રયાસ કર્યો છે. મે ‘આત્મનાદ’ સ્વરૂપે પ્રતિ સપ્તાહ આવતી મારી નિયમિત કોલમમાં જીવનના વિવિધ રંગોને શબ્દ પિંછી વડે કલ્પનાના આકાશને વધુ રંગીન બનાવવાની કોશિશ કરી છે. આશા છે કે, મારી નિયમિત કોલમ ‘આત્મનાદ’નું આ બ્લોગ અવતરણ વાચક મિત્રોને ગમશે.

- પુલક ત્રિવેદી

Wednesday, 16 November 2016

માનવ કલ્યાણ માટેના શોધ કાર્યને બિરદાવતા પ્રતિષ્ઠિત ‘નોબેલ પારિતોષિક’ની ચમક અનોખી

માનવ કલ્યાણ માટેના શોધ કાર્યને બિરદાવતા પ્રતિષ્ઠિત ‘નોબેલ પારિતોષિક’ની ચમક અનોખી
-     પુલક ત્રિવેદી

આ આખુ બ્રહ્માંડ એક મોટુ ‘આશ્ચર્ય’ છે. અનેક રહસ્યોના ગુઢાર્થના જાળા એની આસપાસ વિટળાયેલા છે. આ આશ્ચર્યોને આત્મસાત કરવાનુ, સમજવાનુ એટલું આસાન નથી. ‘આશ્ચર્ય’ની આખી વાતના કેન્દ્રસ્થાને ‘ઐશ્વર્ય’ જ છે. પતંગીયાના અદભૂત રંગો, ભમરાનુ મધુર ગાન, આકાશમાં રચાતી મેઘધ્નુષની રંગોળી, પુષ્પનુ ખિલવું, પરથમ વરસાદના બુંદનો ધરતીને સ્પર્ષ થતાં ફેલાતી સોડમ.... આબધી બાબતો એમનેમ કે મિકેનિકલ થોડી બનતી જાય છે? ‘ઐશ્વર્ય’ના અહેસાસની અનુભૂતીને માનવજાતના કલ્યાણમાં જે વિરલાઓએ પરિવર્તિત કરી એમનો અંદાજ નિરાળો અને રળીયામણો હોય છે.
ગત સપ્તાહમાં ફ્રાંસ, બ્રિટન અને નેધરલેન્ડના ત્રણ વૈજ્ઞાનિકોના નામો માધ્યમોની ચર્ચામાં રહ્યાં. ફ્રાન્સના વૈજ્ઞાનિક જિન પિયરી સોવાજ, બ્રિટનના સર ફ્રેસર સ્ટોડાર્ટ અને નેધલેન્ડના બર્નાન્ડ ફેરિંગા રસાયણશાસ્ત્ર ક્ષેત્રના ત્રણ મોટા નામ. આ વર્ષે કેમિસ્ટ્રીમાં સંશોધન બદલ આ ત્રણ વૈજ્ઞાનિકોને ‘નોબેલ પ્રાઈઝ’ આપવાનું નક્કી થયું છે. ‘રોયલ સ્વિડીશ એકેડેમી ઓફ સાયંસે’ આ ત્રણ વૈજ્ઞાનિકોને માઈક્રો મશીનની શોધ માટે ‘નોબેલ’ આપવાનું નક્કી કર્યું છે. વાળથી પણ હજારઘણું નાનું મશીન શોધનારા આ ત્રણ ‘દાદુ’ વૈજ્ઞાનિકોની શોધ કેન્સર જેવી અસાધ્ય બિમારીના ઉપચારમાં સિંહફાળો આપી શકશે.
આ વૈજ્ઞાનિકોની વિષે જ્યારે માધ્યમોમાં વાચ્યું ત્યારે થયું કે, ઈચ્છા જ્યારે માત્ર અરમાનોના સ્વરૂપમાં જ ઠેલાતી રહે ત્યારે કોઇ દિશા જ ન મળે. ઈચ્છાઓનુ આ સ્વરૂપ દુઃખ જ નોતરે છે. સપનાંઓની મસ્ત મઝાની દુનિયા વાસ્તવિક પરિશ્રમની ભુમી ઉપર ખેડાણ કરે, મંઝિલ સુધી પહોંચવાના થનગનાટ સાથે આત્મવિશ્વાસથી મક્કમ ડગ મંડાય તો સપનું મેઘધનુષી રંગ પકડે. સપનાંની સાથે સચ્ચાઈ, સમજણ અને સામર્થ્યનો સુભગ સમન્વય સર્જનારા એક એક સર્જકોની દાસ્તાન નોબેલ પારિતોષિક વિજેતાઓની આસપાસની પરિધમાંથી સમાજ જિવન ઉપર સોંસરવટ પ્રકાશ પાથરતી જોઇ શકાય છે. આજે નોબેલ પારિતોષિક વિજેતાની નહીં પણ નોબેલ પારિતોષિક વિષે સ્ટોરીની જ ખુલીને વાત માંડીએ.   
આમ તો અંગ્રેજી શબ્દ ‘નોબેલ’નો અર્થ ‘ઉમદા’ થાય. ‘નોબેલ પરસન શુડ બી નોન ફોર હીઝ નોબલ કોઝ’ અર્થાત ઉમદા વ્યક્તિ ઓળખાય છે જ તેના ઉમદા કાર્યોથી. ‘નોબેલ પ્રાઈઝ’ નોબેલ સંશોધન કાર્યો માટે ચોક્કસ અપાય છે પણ એ પારિતોષિકનુ નામ ‘નોબેલ’ એટલા માટે નથી પડ્યું. ‘નોબેલ’ પ્રાઈઝના નામકરણવિધિનો ઇતિહાસ પણ રસપ્રદ છે.
સ્વીડનના સ્ટોકહોમમાં એક ઈજનેરના પરિવારમાં ઓકટોબર-૨૧, ૧૮૩૩માં એક બાળકનો જન્મ થયો. બાળક મેઘાવી અને તેજસ્વી. આ બાળક યુવાન થતાં થતાં કેમિસ્ટ, ઈજનેર અને સંશોધક તરીકે ઓળખાવા લાગ્યો. એણે ૩૫૫ જેટલા વૈજ્ઞાનિક સંશોધનો કર્યા. જેમાં સૌથી વધુ પ્રચલિત એવી શોધ ‘ડાયનેમાઈટ’ની છે. આ સંશોધક યુવાનનું નામ ‘આલ્ફ્રેડ નોબેલ’. અલ્ફેડે મિલીટરીમાં વપરાતા વિસ્ફોટકો બનાવવાની ફેકટરી બનાવી. એકવાર તો ‘કોડોઈટ’ નામના એક્સપ્લોઝીવને વધારે પડતું ઉપયોગમાં લેવાથી ખૂબ ધુમાડો થવાને કારણે એક તબક્કે આલ્ફ્રેડ ઉપર કેસ પણ થયો હતો.
ખેર, ‘નોબેલ પ્રાઈઝ’નું નામ આલ્ફ્રેડ નોબેલની અટક ‘નોબેલ’ ઉપરથી પડ્યું. પણ પ્રશ્ન એ થાય કે. આલ્ફ્રેડને આ વિચાર સ્ફૂર્યો કેવી રીતે ? આલ્ફ્રેડના મૃત્યુના આઠેક વર્ષ પહેલાં એક ફ્રેન્ચ અખબારમાં આલ્ફ્રેડના મૃત્યુના સમાચાર પ્રસિદ્ધ થયા. આલ્ફ્રેડ તો જીવતા હતા. પોતાના મૃત્યુના સમાચાર વાંચીને આલ્ફ્રેડ ચોંકી ગયા. ખરેખર તો આલ્ફ્રેડના ભાઈનું મૃત્યુ થયું હતું અને અખબારે આલ્ફ્રેડનું મૃત્યુ થયું હોવાના અહેવાલ આપ્યા. આ ઘટના આલ્ફ્રેડના જીવનમાં ‘ટર્નીંગ પોઈન્ટ’ સમાન હતી.
આલ્ફ્રેડે વિચાર્યું કે, માનવજાતને ઉપકારક એવા સંશોધનો અને સંશોધકોને વિશ્વ કેવી રીતે યાદ રાખશે ? એણે દ્રઢ નિશ્ચય કર્યો કે, ઇતિહાસની એક મજબૂત અને વિશ્વસનીય કેડી કંડારવી જોઈએ. આલ્ફ્રેડે વિલ બનાવ્યું અને એમાં પાંચ વિષય ઉપરના માનવજાતના કલ્યાણ માટેના સંશોધનો અને સંશોધકોને બિરદાવવાનું એલાન કર્યું. જેમાં ફિઝીક્સ, મેડિસીન, લીટરેચર, કેમેસ્ટ્રી, ફિઝીયોલોજી અને પીસ ક્ષેત્રોનો સમાવેશ થાય છે. આ માટે એણે તેની સંપત્તિના ૯૪% હિસ્સો ફાળવ્યો અને ૧૮૯૬માં આલ્ફ્રેડનો દેહાંત થયો. અને ૧૮૯૭થી ‘નોબેલ’ નામથી સમસ્ત વિશ્વમાં મુઠ્ઠી ઊંચેરા માનવીને પોંખવાનો આરંભ થયો. પાંચ સભ્યોની સમિતિ ‘નોબેલ પ્રાઈઝ’ની ‘પ્રાઈઝ મની’ એટલે કે કેટલી રોકડ રકમ ‘નોબલ પ્રાઈઝ’ વિજેતાને આપવી એ નક્કી કરે છે. જો કે, આ સમિતિ કોને પ્રાઈઝ આપવું એનો નિર્ણય નથી લેતી.
નોબલ પ્રાઇઝ ઇન ઇકોનોમિક્સ આપવાની શરૂઆત ૧૯૬૮થી થઇ. નોબેલ ફાઉન્ડેશનને સ્વેરીજેસ રેક્સબેન્કે ૩૦૦મી જન્મજયંતીની ઉજવણી વેળા માતબર રકમ આપી. અને ૧૯૬૮થી જ ‘નોબેલ મેમોરીયલ પ્રાઇઝ ઇન ઇકોનોમિક્સ સાયંસ’ આપવાની શરૂઆત કરવામાં આવી. અને એના વિજેતાની પસંદગી તો ‘રોયલ સ્વીડીશ એકેડેમી’ જ કરશે એમ નક્કી થયું. ૧૯૬૮મા લેવાયેલા આ નિર્ણય બાદ હવે કોઇ પણ ક્ષેત્રનો ઉમેરો ન કરવાનો બોર્ડ ઑફ નોબેલ ફાઉન્ડેશને નિર્ણય લઇ લીધો.
‘નોબેલ પ્રાઈઝ’ આપવા માટે વ્યક્તિનુ નામ ‘રોયલ સ્વીડીશ એકેડેમી ઓફ સાયંસીઝ’ દ્વારા ફાયનલ કરવામાં આવે છે. ‘રોયલ સ્વીડીશ એકેડેમી’ની પસંદગી પ્રક્રિયા પણ જોરદાર છે. સમસ્ત વિશ્વના તજજ્ઞો અને સંસ્થાઓને એકેડેમી ૩૦૦૦ ફોર્મ આપી વિગતો મગાવે છે. જેમાંથી ૧૦% એટલે કે, ૩૦૦ની પસંદગી કરી એકેડેમી રૂબરૂ ચર્ચા ‘ઈન્ટરવ્યૂ’ માટે બોલાવે છે. ઈન્ટરવ્યૂ બાદ એકેડેમીના બોર્ડની બેઠકમાં પ્રત્યેક શોધકર્તા ઉપર વિસ્તૃત ચર્ચા-વિચારણા બાદ લોકશાહી પદ્ધતિ મુજબ બૉર્ડના સભ્યોના મતદાન પછી એવોર્ડ માટે વ્યક્તિનું નામ ફાયનલ થાય છે.
પસંદગીની આ આખી પ્રક્રિયા અત્યંત ‘સીક્રેટ’ હોય છે. માત્ર ફાયનલ વિજેતાનું નામ જ જાહેર થાય છે. આલ્ફ્રેડે એના વિલમાં લખ્યું છે કે, શોધકર્તાના ગત વર્ષમાં કરેલા સંશોધનકાર્યને ધ્યાનમાં લઈને ચાલુ વર્ષે વિજેતાનુ નામ ઘોષિત કરવાનું રહે. પરંતુ એકેડેમીએ શોધકાર્યનો જાહેર સ્વીકાર થયો હોય તેના પછીના વર્ષે વ્યક્તિને એવોર્ડ આપવાનું નક્કી કર્યું. ‘સ્ટેલર સ્ટ્રકટર એન્ડ ઈવેલ્યુશન’ માટે ૧૯૩૦માં ‘નોબેલ’ એકેડેમીએ નોમીનેટ કર્યા પણ છેક ૧૯૮૩મા એમને ‘નોબેલ’ એનાયત કરવામાં આવ્યો.
૧૮ કેરેટ ગ્રીન ગોલ્ડ મેટલ ઉપર ૨૪ કેરેટ ગોલ્ડ પ્લેટેડ ૧૭૫ ગ્રામ વજન ધરાવતો ૨.૫ ઇંચ ડાયામીટરનો પ્રતિષ્ઠિત ‘નોબેલ એવોર્ડ’ પ્રતિવર્ષ ૧૦મી ડિસેમ્બરે આલ્ફ્રેડ નોબેલના નિર્વાણ દિવસે આપવામાં આવે છે. સ્વીડનના સ્ટોકહોમ કોન્સર્ટ હોલમાં ગરીમાપૂર્ણ સમારોહમાં ‘નોબેલ’ એનાયત કરવામાં આવે છે. ‘નોબેલ’ એનાયત સેરેમની પછી સ્ટોકહોમ સિટી હોલમાં એવોર્ડ પ્રાપ્ત કરનારના પરિવાર સાથે મહાનુભાવો બેન્કવેટ હોલમાં ભોજન લે છે. જેને ‘નોબેલ બેન્કવેટ’ તરીકે ઓળખવામાં આવે છે. આગલા દિવસે એટલે કે ૯મી ડિસેમ્બરના રોજ ‘નોબેલ’ પ્રાઈઝ’ વિજેતાનું તેમના શોધ કાર્ય વિશે ચાવીરૂપ ઉદબોધન હોય છે. માત્ર ‘નોબલ પ્રાઈઝ ઈન પીસ’નું ચાવીરૂપ ઉદબોધન ૧૦મી ડિસેમ્બરના રોજ ઓસ્લો સિટી હોલ નોર્વેમાં યોજાય છે.
પ્રતિવર્ષ કિંગ ઓફ નોર્વે અને કિંગ ઓફ સ્વીડન કાર્યક્રમના ચીફ ગેસ્ટ હોય છે અને તેમના હસ્તે જ એવોર્ડ એનાયત કરવામાં આવે છે. આ ઉપરાંત નોર્વેમાં અને સ્વીડનમાં પ્રધાનમંત્રી, પ્રેસીડેન્ટ, કિંગ, ક્વીન ઉપરાંત દેશ વિદેશના ચિંતકો, જ્ઞાની, મહાપુરુષો અને વિશ્વ સમસ્તના ગણમાન્ય મહાનુંભાવો એવોર્ડ વિતરણ સેરેમનીમાં હાજર હોય છે.
અત્યાર સુધી ભારતનાં પાંચ નાગરિકોને નોબેલ પ્રાઇઝ મળી ચૂક્યા છે. સૌ પ્રથમ રવિન્દ્રનાથ ટાગોરને ૧૯૧૩માં નોબેલ પારિતોષિક પ્રાપ્ત થયું. ત્યાર બાદ, ૧૯૩૦મા કી. વી રામનજી, ૧૯૭૯મા મધર ટેરેસા, ૧૯૯૮માં અમર્ત્યસેન અને બે અઢી વર્ષ પહેલા ૨૦૧૪મા કૈલાશ સત્યાર્થજીને નોબેલ પારિતોષિકથી નવાજાયા છે.
‘નોબેલ’ પ્રાઇઝની આખી આ પ્રક્રિયાની ઘટમાળ જોતા આદરણીય સુરેશભાઇ દલાલની વાત યાદ આવી ગઇ. સુરેશભાઇ એક જગ્યાએ લખે છે કે, “કાળ અખંડ છે. અનાદિ છે. પુરાતન અને સનાતન છે. આપણે ત્યાં ત્રણ ત્રણના ઘટક છે. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. ઉત્પત્તિ, સ્થિતિ અને લય. સત્વ, રજસ અને તમસ. કાળના પણ ત્રણ ઘટક છે. ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય. વિગત, સાંપ્રત અને અનાગત. ગઈ કાલ, આજ અને આવતી કાલ. સમય એ કાળનું અત્યારે દેખાતું સ્વરૂપ છે. આ સમયના પણ આપણે કટકેકટકા કર્યા છે. આજનો સમય ઘડિયાળના બાર આંકડામાં ફેરફુદરડી ફરે છે. આજનો સમય કેલેંડરની તારીખના પાનામાં ફડફડે છે. એકેએક પળ ખબર ન પડે એમ ભૂતકાળ થતી જાય છે. વર્તમાન એ તો ક્ષણનું સ્વરૂપ છે. પળનો ચહેરો છે. સમયને આપણે ચીંથરેહાલ કરીએ છીએ. ક્ષણે ક્ષણે એના લીરા ઊડે છે. જાગવાનો સમય, નાહવાનો સમય, ઑફિસે જવાનો સમય, લંચ અવર્સનો સમય, ઑફિસેથી પાછા આવવાનો સમય, કોઈને મળવાનો સમય, કોઈથી છૂટા પડવાનો સમય, ઊંઘવાનો સમય. કાળ જાણે કે સમયના મયને પીધા જ કરે છે....”
જીવનની એક એક ક્ષણને જે લોકોએ માનવજાતના કલ્યાણ માટે ખર્ચી છે અને એનો ભરપૂર આનંદ માણ્યો છેને, એને વિશ્વ સમસ્તે ખરા હદયથી આવકારી મનથી પોંખ્યો છે. નોબેલ પારિતોષિક વિજેતાઓના જિવન અને કાર્યો એના જાગતા ઉદાહરણો છે.
ધબકાર :
શું મહેકે છે બધે લોબાન જેવું?,  ઊર્મિઓનું થાતું હો સન્માન જેવું.
સ્થિર છે ચહેરાની એક્કેએક રેખા, ભીતરે નક્કી હશે તોફાન જેવું...’

રાકેશ હાંસલિયા



No comments:

Post a Comment