સદાબહાર
જીવનનો સાચો માર્ગ – ‘દ્રષ્ટિકોણ’
- પુલક ત્રિવેદી
જિંદગી તો એજ રહેવાની છે, જાગો કે ઉંઘો, કાં તો ખ્વાબી થાય છે કાંતો ખયાલી થાય છે !
બેફામ
સાહેબે આ શેરમાં જીવનના નજરીયાની પહેચાનને મસ્ત રીતે ઉજાગર કરી છે. કાંટા વચ્ચે
રહીને પણ ગુલાબનું સૌંદર્ય અને સુવાસ મનભાવન – એક દ્રષ્ટિ અને એની સામે બીજો એવો
પણ દ્રષ્ટિકોણ. થોડા દિવસ પછી ગુલાબની પાંખડી સુકાઈ જાય, મુર્જાઈ જાય, સુવાસ જતી
રહે, પરંતુ જીવે ત્યાં સુધી કાંટાની અણી જન્મે ત્યારથી એવીને એવી ધારદાર હોય છે.
મોરારિ
બાપુએ એક સરસ પ્રસંગ વર્ણવેલો. એક ઓલીયો ફકીર. એક પુરાણી મસ્જિદમાં વર્ષોથી રહે.
વીસ-વીસ વર્ષોથી રોજેરોજ બીનચુક દિવસમાં પાંચ વખત નમાઝ અદા કરે અને એ પણ મસ્જિદની એક જ નિયત કરેલી એક જ જગ્યાએ. મસ્જિદની
એ જગા કે જ્યાં આ ઓલીયો ફકીર નમાજ પઢતો ત્યાં તેના હાથ અને પગના નિશાન પડી ગયાં.
વીસમાં
વર્ષની એક સાંજે ફકીર નમાજ પઢતો હતો ત્યારે આકાશમાંથી એક ગેબી અવાજ આવ્યો. ‘એ ફકીર
તું વીસ વર્ષોથી એક જ જગ્યાએ દિવસની પાંચ પાંચ નમાઝ અદા કરે છે પણ ખુદાના દરબારમાં
તારી એક પણ નમાજનો સ્વીકાર કરવામાં આવ્યો નથી.’ આ ગેબી અવાજ સાંભળીને ઓલીયો ફકીર
તો મોજમાં આવી ગયો, આખી મસ્જિદમાં નાચવા લાગ્યો, ગાવા લાગ્યો, કુદવા લાગ્યો.
આ
દ્રશ્ય જોઈને બાજુમાં ઉભેલા મૌલવીએ નાચતા કુદતા ફકીરને કહ્યું કે, ‘અરે પાગલ, વીસ
વીસ વર્ષથી તું જે પ્રાર્થના-બંદગી કરે છે તેમાંની એક પણ નમાજ ખુદાએ કબુલ કરી નથી
તારે તો અફસોસ કરવો જોઈએ-રડવું જોઈએ’
મૌલવી
સામે જોઈને મુશ્કુરાતા આ મસ્ત ફકીરે કહ્યું ‘આજે મારું જીવન ધન્ય થઈ ગયું. મારી
બંદગી કબુલ થાય કે ન થાય એની પરવા નહીં પણ અલ્લાહ તાલાને એ તો ખબર છે ને કે, હું નમાઝ
પઢું છું. મારા માટે એટલું જ બસ છે. ફળ મળે કે ન મળે તેની ક્યાં જરૂર છે. હા,
ખુદાને એટલી ખબર હોવી જોઈએ કે, તેનો બંદો બંદગી કરે છે. મારી પ્રાર્થના સફળ.’
કેટલી
મજાની વાત. આ વાતનો તાળો કુરુક્ષેત્રના સમરાંગણમાં યુદ્ધના હાકલાં, પડકારાં અને
દેકારાં વચ્ચે ભગવાન શ્રીકૃષ્ણએ પણ આ વાતનો તાળો આપ્યો. ‘કર્મણ્યે વાધિકા રસ્તે,
મા ફલેષુ કદાચન્...’ કર્મ કરવાની વાત અગત્યની છે. નિષ્ઠાથી, મનથી, વચનથી, પ્રેમથી
કર્મ કરવાનું છે.
જાપાન
પ્રદેશની મનભાવન વાત છે. એક સર્વે અનુસાર જાપાનમાં એકસો વર્ષથી વધુ આયુષ્યવાળા એક
હજારથી વધુ નાગરિકો છે. એક વાર એક પત્રકાર મિત્રે એકસો પંદર વર્ષની વયના વડીલને
પ્રશ્ન પુછ્યો કે, ‘તમારા દર્ગ, સુદિર્ઘ તંદુસ્ત જીવનના પાયામાં શું છે ? તેમાં
કયું રહસ્ય છુપાયેલું છે ?’ ત્યારે આ એકસો
પંદર વર્ષના સદાકાળ યુવાને આંખો ખોલી નાખે એવો મજાનો જવાબ સહજતાથી આપ્યો
‘દ્રષ્ટિકોણ’. કોઈપણ બાબતને હું હકારાત્મક રીતે જોઉં છું. વાત નાની હોય કે મોટી,
હું એના ઉપર દુઃખી થવાને બદલે ખડખડાટ હસી લઉં છું.’ આ જ તો છે જીવનને હર્યુભર્યું,
સદાકાળ, સદાબહાર રાખવાનો સાચો માર્ગ.
ધબકાર – ‘તમને તમારી જાત સિવાય કોઈપણ વ્યક્તિ મદદ કરી
ન શકે. જાગો. બીજાનું વાંચન અને બીજાને સાંભળવા કરતાં તમારું પોતાનું જ
જીવન-પુસ્તક ખોલો. જીવન યાત્રા છે, એ કોઈ મુકામ નથી’ – જે. કૃષ્ણમૂર્તિ
No comments:
Post a Comment