ફોટબોલપ્રેમીઓના
હાર્ટથ્રોબ પ્લેયર રોનાલ્ડોને એક તબક્કે ડોક્ટરોએ દોડવાની પણ મનાઇ ફરમાવી હતી
ફેડરેશન ઈન્ટરનેશનલ ફૂટબોલ એસોસીએશન ‘ફીફા-૨૦૧૮’નો ૧૪મી જૂન
એટલે કે ભારતીય સમય મુજબ ૧૫મી જૂન, ૨૦૧૮થી પ્રારંભ થઈ ગયો. અત્યારે આખા વિશ્વમાં
ફૂટબોલ ફીવર એના ચરમ ઉપર છે. ફીફા વર્લ્ડ કપ ૨૦૧૮માં વિશ્વના વિવિધ દેશોની ૩૨
ખેરખાં ફૂટબોલ ટીમો ૬૪ મેચો રમી રહી છે. આ આખો મહિનો રશિયાના ૧૧ શહેરોના ૧૨
સ્ટેડિયમો ફૂટબોલ પ્રેમિઓથી ખચાખચ ઉભરાઇ રહ્યાં છે. ફીફા વર્લ્ડ કપ ૨૦૧૮માં
અપાનારા ઈનામોની ધનરાશિ આંખો પહોળી કરી નાંખે એવી જબરજસ્ત છે. પ્રથમ ક્રમે આવનારી
વિજયી ટીમને ૩.૮૦ કરોડ યુ.એસ. ડોલરની અધધધ થઈ જવાય એટલી રકમ મળવાની છે. આ રકમ
અગાઉના વર્લ્ડ કપ કરતાં ૩૦ લાખ ડોલર વધુ છે. રનર્સ અપ થનારી ટીમને ૯૦ લાખ યુએસ
ડોલર અને ત્રીજા ક્રમે આવનારી ટીમને ૪૦ લાખ યુએસ ડોલર મળશે. ફીફા વર્લ્ડ કપ
૨૦૧૮માં રમવા માટે ક્વોલીફાય થયેલી તમામ ટીમોને તૈયારી માટે ૧૫-૧૫ લાખ યુએસ ડોલર
આપવામાં આવે છે.
ફીફા વર્લ્ડ કપ ૨૦૧૮ની આટલી નાની અમથી અને ટૂંકી ફ્લેસબેક પછી
મૂળ વાત કરવી છે, CR-7ની. આ એક એવો ખેલાડી છે
કે, જેણે જીવનમાં ભયંકર પડકારોનો મક્કમતાથી મૂકાબલો કરીને ફૂટબોલ જગતમાં ‘ધી મેજિકલ
પ્લેયર‘ તરીકે નામના મેળવી છે. આ ખેલાડી એટલે ડૉસ સાનટૉસ અવિએરો ક્રિસ્ટિયાનો
રોનાલ્ડો. જેને CR-7 તરીકે આખુ વિશ્વ ઓળખે છે.
C એટલે ક્રિસ્ટિયાનો, R એટલે રોનાલ્ડો અને 7 એટલે એની ટીશર્ટ ઉપરનો નંબર. સ્પેનની
પૂર્વ બાજુ આવેલા ટચૂકડા દેશ પોર્ટુગલનો આ મેજિકલ ખેલાડી છે. આ આખા દેશની વસતી
ગુજરાત કરતાં માંડ દોઢ ગણી એટલે કે દસેક કરોડની છે. પોર્ટુગીઝ ભાષા આ દેશની અધિકૃત
ભાષા છે. યુરોપિયન દેશોમાં પોર્ટુગલ દેશની જમીનના પેટાળમાં સૌથી વધુ કોપર અને મિનરલ
મળી આવે છે. આજે આ દેશની ઓળખ ક્રિસ્ટિયાનો રોનાલ્ડો છે.
સંપત્તિ, વૈભવ, સત્તા અને શાનોશૌકતમાં આળોટતો આ એ જ
રોનાલ્ડો છે, જેણે બાળપણમાં દારૂણ ગરીબી અને ભયંકર સંઘર્ષોનો સામનો કર્યો છે.
નગરપાલિકાના પાર્ક અને મેદાનોમાં માળી કામ કરતાં દિનિશ અવિયારોના બે દીકરા અને બે
દીકરી પૈકીનો નાનો દીકરો એટલે ક્રિસ્ટિયાનો રોનાલ્ડો. પતરાના છાપરાંવાળા નાનકડાં
ઘરમાં દિનિશનું આ લાંબુ પહોળું પરિવાર રહેતું. દિનિશ અમેરિકાના હોલીવુડ સ્ટાર અને
પાછળથી અમેરિકાના પ્રેસિડેન્ટ બનેલા રોનાલ્ડ રીગનનો જબરજસ્ત ફેન. એણે એના દીકરાનું
નામ રોનાલ્ડ રીગનના નામ ઉપરથી રોનાલ્ડો રાખ્યું. બાળ રોનાલ્ડોની ફૂટબોલની ગેમ
જોઈને શહેરની એન્ડોરિના સ્પોટ્સ ક્લબમાં માત્ર આઠ વર્ષની ઉંમરે એને એન્ટ્રી મળી
ગઈ. બે વર્ષ બાદ એની જોરદાર રમતને કારણે રોનાલ્ડોને શહેરની સૌથી પ્રતિષ્ઠિત ક્લબ
નેસિઓનલ ફૂટબોલ ક્લબમાં સામેલ કરી દેવામાં આવ્યો. આ ક્લબ તરફથી પણ બે વર્ષ ફૂટબોલ
રમ્યો. ૧૨ વર્ષની ઉંમરે એણે પોર્ટુગલ સ્પોર્ટ્સ ક્લબ માટે ટ્રાયલ આપી. અને એની
પસંદગી પણ થઈ ગઈ. એને ૧૫૦૦ પાઉન્ડથી સાઈન કરવામાં આવ્યો.
પોર્ટુગલ સ્પોર્ટ્સ ક્લબ રાજધાની લીઝબનમાં આવેલી હોવાથી
રોનાલ્ડોને પરિવાર છોડીને લીઝબન જવું પડ્યું. પારિવારિક એવા રોનાલ્ડોને કુટુંબ
છોડીને લીઝબન જવાનું હોવાથી તે ખૂબ વ્યથિત થઈ ગયો હતો. પણ હિંમત એકઠી કરીને
પરિવારના ઉત્કર્ષ માટે રોનાલ્ડો લીઝબન ગયો. એની ચમત્કારિક રમતને જોઈને સ્પોર્ટ્સ
ક્લબના તમામ સભ્યો અત્યંત પ્રભાવિત થઈ ગયા.
એમ લાગતું હતું કે, રોનાલ્ડોને કારણે હવે દિનિશના પરિવારના
છાપરે લખાયેલું ગરીબાઈનું લેબલ દૂર થવા જઈ રહ્યું છે. દુઃખના દહાડા ટૂંક સમયમાં દૂર
થશે. પણ કહેવાય છે ને કે, ભાવિના ગર્ભમાં શું છે, એની કોઈનેય ખબર હોતી નથી. ૧૫
વર્ષના ક્રિસ્ટિયાનો રોનાલ્ડોના હૃદયમાં એક અત્યંત ગંભીર બિમારી આકાર લઈ રહી હતી.
ડોકટરોએ રોનાલ્ડોને ફૂટબોલ તો શું ઝડપથી ચાલવાની કે દોડવાની પણ મનાઈ ફરમાવી દીધી
હતી. રોનાલ્ડો પાસે બે જ વિકલ્પ હતાં. ફૂટબોલ છોડી દેવું કે પછી અત્યંત ખર્ચાળ અને
જોખમી એવી હૃદયની શસ્ત્રક્રિયા કરાવવી. હવે રોનાલ્ડો માટે ફૂટબોલ છોડવુ અશક્ય
હતું. એટલે બાકી બચતો હતો વિકલ્પ માત્ર જોખમી હાર્ટ સર્જરી. રોનાલ્ડોનું ઓપરેશન
સફળ રહ્યું. જીવનની નવી ઇનિંગ્સ રોનાલ્ડોએ બમણાં ઝનૂન અને જુસ્સાથી નવા અરમાનો
સાથે ફૂટબોલ ગ્રાઉન્ડમાં પસીનો વહેવડાવીને આરંભી.
હાર્ટ સર્જરી બાદ બીજી ઈનિંગ્સમાં કેરીયરનો ગ્રાફ હજી ઊંચો
ચડે તે પહેલાં જ રોનાલડોના જીવનમાં કુદરતે બીજો એક ભયંકર ફટકો માર્યો. બાવન વર્ષની
ઉંમરના રોનાલ્ડોના પિતા દિનિશનું અતિશય શરાબ સેવન કરવાથી અવસાન થયું. રોનાલ્ડો
માટે આ આઘાત ભયંકર હતો. રોનાલ્ડો માટે એના પિતા સર્વસ્વ હતાં. રોનાલ્ડો પિતાને
બેહદ ચાહતો હતો. જે શરાબના કારણે પિતાને ગુમાવવા પડ્યા એવા શરાબની સામું પણ જીવનભર
ન જોવાનું રોનાલ્ડોએ નક્કી કરી લીધું. પિતા-પુત્ર જીવનની તમામ વાત એકબીજા સાથે
મિત્રની જેમ શેર કરતાં. પિતા દિનિશનું અવસાન થતાં રોનાલ્ડો ભાંગી પડ્યો. રોનાલ્ડોના
પરિવારની આર્થિક હાલત અત્યંત કથળી ગઈ. માતા મારિયાએ અડોશ-પડોશના ઘરે જઈ રસોઈ
બનાવીને બાળકોનું ગુજરાન ચલાવ્યું.
ભયંકર આર્થિક મુશ્કેલીઓ, પિતાની યાદ અને પારિવારિક તકલીફોના
ઝંઝાવાતમાં પણ રોનાલ્ડોએ ફૂટબોલની ગેમ ઉપરથી લક્ષ્ય ન હટાવ્યું. સતત સંઘર્ષ કરતાં
રોનાલ્ડોને ૧૭ વર્ષની ઉંમરે યુનાઈટેડ માન્ચેસ્ટર અને લીઝબન ક્લબ વચ્ચેની મોટા
ગજાની એક ફૂટબોલ મેચ રમવાનો મોકો મળ્યો. ફૂટબોલ જગતના ઝવેરી એલેક્ષ ફગસન આ મેચ નિહાળતા
હતાં. એમણે રોનાલ્ડોની ઈલેક્ટ્રિકલ ડ્રીબલીંગવાળી રમત જોઈ અને રોનાલ્ડોને
માન્ચેસ્ટર યુનાઈટેડ ક્લબ માટે ૧૭ મિલીયન ડોલરમાં સાઈન કર્યો. રોનાલ્ડોના જીવનમાં
ખુશીઓની બાઅદબ એન્ટ્રી થઈ રહી હતી. સંઘર્ષના દિવસો આઘા હટતાં જણાતા હતાં. સફળતા
દસ્તક દેતી એના દરવાજે ઊભી હતી. માન્ચેસ્ટર ક્લબ માટે એણે ૨૦૦૩થી ૨૦૦૯ સુધી ૧૯૬
મેચોમાં ૮૪ ગોલ ફટકાર્યા. ત્યારબાદ રીયલ મેટ્રીડ ક્લબે ૧૩૨ મિલીયન ડોલર ચુકવીને
૨૦૧૫ સુધી મેટ્રીડ ક્લબ માટે ફૂટબોલ રમવાનો એની સાથે કરાર કર્યો. જો કે આ કરાર
૨૦૨૧ સુધી લંબાવવા માટે ક્લબે રોનાલ્ડોને ૮૦ મિલીયન યુરો ચૂકવ્યા. અત્યાર સુધી
રોનાલ્ડોએ ૩૪ ગોલ હેટ્રિક મારી છે. ચાર ગોલ્ડન બોલ અને પાંચ સીલ્વર બોલના ખિતાબ
રોનાલ્ડોના ખિસામાં છે.
એક તબક્કે પાઈ પાઈ માટે સંઘર્ષ કરતો ક્રિસ્ટિયાનો રોનાલ્ડો
વિશ્વનો સૌથી મોંઘો ફૂટબોલ પ્લેયર બની ગયો. સમસ્યા તો દરેકના જીવનમાં આવે.
સમસ્યાનો સામનો કરવાની પદ્ધતિ માણસને ભીડથી અલગ ઓળખ આપે છે. સમસ્યા નથી તો જીવનમાં
સૌંદર્ય નથી. સંઘર્ષ જેટલો મોટો એટલી સફળતા વધુ રમણીય લાગે. મુશળધાર વરસાદમાં બધા
જ પક્ષીઓ આશરો શોધીને લપાઈને બેસી જાય. ત્યારે બાજ એવુ પક્ષી છે કે, એ વરસાદ
વરસાવતાં વાદળોની ઉપર જઈને ખુલા આકાશમાં ભીંજાવાના ડર વગર મસ્તીથી ઉડાન ભરે છે.
એક તબક્કે બાળપણમાં ગરીબી અને શારીરિક મુશ્કેલીઓ સામે
સંઘર્ષ કરતાં રોનાલ્ડો પાસે આજે ૫૦૦ મિલીયન યુએસ ડોલરની અસક્યામતો છે. ૨૧.૫ મિલીયન
ડોલરનો વાર્ષિક પગાર ધરાવતાં રોનાલ્ડો પાસે ઈંગ્લેન્ડ, મેન્ડ્રીડ સહિત વિશ્વભરના
ઘણાં શહેરોમાં આલીશાન બંગલા અને પ્રોપર્ટી છે. રોનાલ્ડોના ગેરેજમાં રોલ્સરોય્સ,
બુગાડ્ડી, લેમ્બોરગીની, ફેરારી, બીએમડબલ્યુ, ઔડી જેવી એક કરોડથી માંડીને ૨૦ કરોડની
કિંતમની વૈભવશાળી કારનો કાફલો છે. ગર્લ ફ્રેન્ડના મામલામાં પણ રોનાલ્ડોનું નસીબ
જોરમા રહ્યું છે. જોર્ડાન જર્ડલ, મિયા જુડાકેન, એક્ટીન્સન, નેરેઈડા ગેલ્લાર્ડો, પરિસ
હિલટન, ઇરિના શેયક, કિમ કાર્દેશિયાન, પૌલા સુઆરઝ જેવી કેટલીય પરીઓના દેશમાંથી ઉતરી
આવી હોય એવી વિશ્વની ટોપમોસ્ટ રૂપકડી મોડેલો રોનાલ્ડોની ચહીતી ગર્લ ફ્રેન્ડસ છે. રોનાલ્ડોની
ગર્લ ફ્રેન્ડસનુ ફેર લીસ્ટ હજી લાંબુ છે.
વિશ્વભરના કરોડો ફૂટબોલ પ્રેમિઓના હૃદયની ધડકન એવા ક્રિસ્ટિયાનો
રોનાલ્ડોનું અત્યંત સંવેદનશીલ વ્યક્તિત્વ છે. માતા મારીયા રોનાલ્ડોને લાડથી ‘
ક્રાય બેબી ‘ કહે છે. કોઇ પણ મેચ હારી જાય કે નબળુ પ્રદર્શન થાય તો રોનાલ્ડો
ગ્રાઉન્ડ ઉપર જ રડવા લાગે છે. રોનાલ્ડોને આજે પણ સાથી ખેલાડીઓ પ્રેમથી ‘ક્રાય બેબી‘
કહે છે. મુશ્કેલીઓ અને સંઘર્ષો સામે મોં વકાસીને બેસી રહેવાવાળા
ક્યારેય આગળ વધી શકતા નથી. આપત્તિ અને
પડકારો વેળા સપના જોવા સારા લાગે અને જોએલા સપના પૂરા કરવા સંઘર્ષ કરવાવાળાને
સફળતા ચોક્કસ મળે છે. સફળ થવાના દ્રઢ નિશ્ચય
સાથેનો સંઘર્ષ વિરાન અંધારામાં પણ પ્રકાશ પાથરી શકે છે. દુનિયામાં કશું અશક્ય નથી. શારીરિક તકલીફો, આર્થિક સંકડામણ, સામાજિક મુશ્કેલીઓ સામે
હારી જનારા બુઝદિલ અને બેકાર લોકો હોય છે. જીવનમાં કશું અશક્ય નથી એમ વિચારીને સતત સંઘર્ષ કરનારાઓનો આત્મવિશ્વાસ જ રંગ
લાવતો હોય છે.
સૂરજની જેમ ચમકીને પુજાવું હોય તો પહેલા જેમ સૂરજ આગની
જ્વાળાઓમાં બળે છે એમ મુશ્કેલીઓ અને પડકારોની લપટોમાં બળવુ પડે. શક્તિ ન હોય પણ મનથી હાર ન માને અને સંઘર્ષ કરતો રહે એને દુનિયાની કોઈ તાકાત
હરાવી શકતી નથી.
ધબકાર :
સફળ થવાવાળા ક્યારેય કોઈ અલગ કામ નથી કરતા, આવા લોકો કામને અલગ રીતે કરતા હોય છે.
https://www.gandhinagarsamachar.com/wp-content/epaper/july2018/03072018-4.pdf


No comments:
Post a Comment