રાજેષ વ્યાસ આમ પણ
‘મિસ્કીન’ અને તેમ પણ ‘મિસ્કીન’...
કૈંક દુર્લભ છે શ્વાસો જે મફત વહેતી હવા
શ્વાસ મારાથી સહજ લેવાય છે ? આભાર માન
કૈંક મૃત્યુથી બદતર છે પરિસ્થિતિ અહીં,
ટૂંકમાં બહેતર જીવન જીવાય છે, આભાર માન
જ્ઞાનતંતુની બિમારી ને હૃદયની કોઈને,
આ જગત સ્પર્શાય છે ? સમજાય છે ? આભાર માન
કૈંક ઉબાઈ ગયાં છે કૈંક પાગલ થઈ ગયા
જીવવાનું મન પળેપળ થાય છે, આભાર માન
એક સરખુ હશે જો કૈં પણ તો કંટાળી જઈશ
વત્તુ ઓછું જો હૃદય હરખાય છે, આભાર માન
જીભમાં લોચા નથી વળતા ન દદડે આંસુઓ
હોઠ આ ફફડે છે તો બોલાય છે, આભાર માન
વ્હેણ સુકાયા નથી ને અવસર શોભે હજી
આંસુઓ પણ પાંચમાં પુછાય છે, આભાર માન
કાલમાં સૌ જીવનારા હોય છે પરવશ ફક્ત
આજ આ આભાર વશ થઈ જાય છે, આભાર માન
થોડી લાંબી રચના જરૂર છે પણ આ રચનાનો આગવો ઇતિહાસ છે. એકાદ-બે મહિના પહેલાં સુરતનાં ’સ્મૃતિ‘ ઓડિટોરિયમમાં જ્યારે ગઝલકાર રાજેશ વ્યાસ, ‘મિસ્કીને’ તેમની આ ગઝલ રજૂ કરી ત્યારે ખીચો ખીચ
ભરેલા હોલમાં ‘પીનડ્રોપ સાયલંસ’ વચ્ચે એક માણસ ઊભો થયો અને બુલંદ અવાજે બોલ્યો, ‘મિસ્કીન સાહેબ, આ ગઝલ ફરી એકવાર રજૂ કરોને... વન્સ મોર પ્લીઝ...’ એક મિનિટ માટે
આખા ઓડિટોરીયમમાં સન્નાટો છવાઈ ગયો. સેંકડો મુશાયરા કરી ચૂકેલા મિસ્કીન
માટે પણ આ પ્રકારની એક વ્યક્તિની દિલથી, ‘વન્સ મોર’ની માગણી કંઈક અલગ ભાવ જન્માવતી હતી. કવિએ એકાદ મિનિટના સન્નાટાના પડદાને પ્રેમપૂર્વક ઉઠાવતા ‘આભાર માન...’ ગઝલ ફરી પ્રસ્તુત
કરી. પેલો ભાવક મિત્ર રસ તરબોળ બની ઝૂમી
ઊઠ્યો.
વાત કંઈક આમ હતી. એ દિવસે સુરતની એક જાણીતી સંસ્થાએ
મિસ્કીન અને સૂર્યભાનુ ગુપ્ત હિન્દી અને ગુજરાતી બે દિગ્ગજ સર્જકો એક મંચ ઉપર ભેગા
કરી તેમના ‘સંવાદ’નો અનોખો કાર્યક્રમ યોજ્યો હતો. આ સૂર્યભાનુ ગુપ્ત એટલે ખ્યાલ આવ્યોને, હિન્દી સાહિત્ય જગતનું દુષ્યંતકુમાર પછી બડા આદરથી લેવાતુ નામ. ગોધુલી અને આક્રોશ ફિલ્મના સંવાદ લેખક. સલીમ જાવેદની જોડીવાળા જાવેદ અખ્તરના જીગરી મિત્ર. આ કાર્યક્રમમાં સુરતના આઝમભાઇ ઘડિયાળી સાથે સરવા કાનનો શ્રોતા અને
સાહિત્યજગતનો ભાવક રઝાકભાઈ મિસ્કીન અને સૂર્યભાનુના ‘સંવાદ’ને માણવા આવ્યા હતા. સંવાદ દરમિયાન વાતમાંથી વાત નીકળતા મિસ્કિને એમની જાણીતી ગઝલ ‘આભાર માન...’ રજૂ કરી. ઓડિટોરીયમમાં શ્રોતાઓ ગઝલ સાથે વહેવા લાગ્યા. પણ ગઝલ સાંભળતા વેંત આ ગઝલ સાથે જોડાયેલો રઝાકભાઈનો ભુતકાળ સળવળીને
બેઠો થઈ ગયો.
થોડા સમય પહેલા રઝાકભાઈ અગમ્ય કારણોસર જબરજસ્ત રીતે ડિપ્રેશનમાં
સપડાઈ ગયા હતા. એ સમય દરમિયાન રઝાકભાઈને ‘આભાર માન...’ ગઝલ અચાનક
સાંભળવા મળી. રઝાકભાઈ પછી તો આ ગઝલ વારંવાર સાંભળતા
ગયા અને ધીમે ધીમે ડિપ્રેશનમાંથી બહાર આવવા લાગ્યા. કેવી અદભુત તાકાત હોય છે, વૈચારિક વિશ્વની
અને શબ્દોની ગુંથણીની ! ઇસ્લામમાં આ પ્રકારની ગઝલોને ઇલહામી
ગઝલો કહે છે. ઈલહામી એટલે કુરાને શરીફ વાંચીને એમાંથી
ઉતરી આવેલી અલૌકિક સંકેત.
‘આભાર માન’ ગઝલના અવતરણનો ઇતિહાસ પણ ભારે રોમાંચક
છે. આજથી દોઢ-પોણા બે દાયકા પહેલાં મિસ્કીન મુંબઈમાં એક મુશાયરામાં તેમના ગઝલપઠન
બાદ ઓડિયોરિયમ બહાર તેમની કાર પાસે જતા હતા. ત્યાં અચાનક એમની
નજરે રસ્તા ઉપર એક માજીને વાહનો પસાર થતાં જોઈ રહ્યાં હોવાનું દ્રશ્ય નજરે પડ્યું. મિસ્કીન કાર પાસે જવાને બદલે માજી પાસે પહોંચી ગયા. એમણે માજીનો હાથ પકડી પૂછ્યું. ‘‘રસ્તો ક્રોસ કરાવું ? તમે કોઈની રાહ જૂઓ છો ?’’ ત્યારે માજીએ મિસ્કિનને જવાબ આપ્યો, ‘હા, હું ઓક્સિજનની રાહ જોઉં છું...’ અને ઓડિટોરિયમથી હોટલ સુધી પહોંચતા રસ્તામાં મિસ્કિનની કલમે ‘આભાર માન...’ સરી પડી.
કમાલની વાત તો એ છે કે, જેમ વર્ષો ભોયમાં ધરબાઈને પડી રહે તો
પણ સોનાને કાટ ન ચડે એમ લખાયા પછી દોઢ-પોણા બે દાયકા ‘આભાર માન...’ મિસ્કિનની
ડાયરીના પાને અકબંધ પડી રહી. ઘણા વર્ષો પછી સાત આઠ વર્ષો પહેલાં ‘અખંડ આનંદ’ના દીપોત્સવી અંકમાં હરિકૃષ્ણભાઇ પાઠકે
‘આભાર માન...’ ગઝલ પ્રસિદ્ધ કરી. ત્યાર બાદ છેક વર્ષ ૨૦૧૮માં
મહેન્દ્રભાઈ મેઘાણીએ મિસ્કિનને ફોન કરી ‘અડધી સદીની
વાંચન યાત્રામાં ‘આભાર માન...’ ગઝલ પ્રસિદ્ધ કરવા મંજૂરી માગી. અડધી સદીની વાંચનયાત્રામાં બે જ કવિ સિતાંષુ યશયંદ્ર અને રાજેશ વ્યાસ
‘મિસ્કીન’ની આખે આખી ગઝલ પ્રસિદ્ધ થઈ. મહેન્દ્રભાઈ
મેઘાણીના આ પ્રકાશન વિષે જે મિત્રોને ખ્યાલ છે એમને ખબર છે. અડધી સદીની વાંચન યાત્રામાં આખે આખી ગઝલ પ્રસિદ્ધ થવાનું શું ગૌરવ
હોઈ શકે. સામાન્ય રીતે મહેન્દ્રભાઇનો આખી ગઝલમાંથી
એકાદ બે ચોટદાર શેર જ પ્રસિધ્ધ કરવાનો ઉપક્રમ રહેતો હોય છે. પછી તો વર્ષ ૨૦૧૮માં ગુજરાતી માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-૧૧ના ગુજરાતી પાઠ્ય પુસ્તકમાં ‘આભાર માન...’ને સ્થાન
આપવામાં આવ્યું.
સુરતમાં એક અનોખા ‘સંવાદ’ કાર્યક્રમમાં મિસ્કીન દ્વારા રજૂ થયેલી ‘આભાર માન...’ ગઝલ બાદ
રઝાકભાઇનુ ઉભા થઇને ‘વન્સ મોર’ કહેવાની ઘટનાએ ‘આભાર માન...’ ગઝલનો રોમાંચક ઇતિહાસ ખોલવાનો સાહજિક ઉપક્રમ ઉભો કરી આપ્યો. કુરાનમાં ‘મિસ્કીન’ શબ્દનો અર્થ અનોખી રીતે રજુ થયો છે. કુરાન કહે છે કે, ખરેખર ખુંવાર થઇ ગયો હોય પણ ખુદાના
બંદા જેવો તેજસ્વી દેખાવ કોઇને એની આર્થિક ફકીરીનો લેશ માત્ર ખ્યાલ ન આવવા દે એવો
વ્યક્તિ એટલે ‘મિસ્કીન’. જાણીતા શાયર જલન માતરીએ મિસ્કિનનો અર્થ આપતા એકવાર કહ્યું હતું કે, જેને બીજા ટંકના ભોજનની ખબર નથી એવો મુફલીસ એટલે મિસ્કીન. મરીઝ સાહેબે કવિ રાજેશ વ્યાસને ‘મિસ્કિન’નો અર્થ સ્પષ્ટ કરતાં કહ્યું હતું કે, ‘મસ્કન’ એટલે ખૂણો અને ‘મિસ્કિન’ એટલે ખૂણામાં બેસીને અલ્લાહની બંદગી
કરનારો ઓલીયો ફકીર. એક અલ્લાહના બંદાએ મિસ્કિન શબ્દને એના
આગવા અંદાજમાં રજૂ કરતાં કહ્યું હતું કે, ‘અગર એક ભી રોઝા ન રખ્ખા તો કીસી મિસ્કિન કો ખિલાયા જાય...’
સાચી ભાવનાથી રચાયેલા શબ્દાકાશમાં અસંખ્ય લોકોના અરમાનોના તારાઓ
ચમકતા હોય છે. શબ્દો દ્વારા રચાતા ભાવ વિશ્વમાં
સચ્ચાઇ અને અચ્છાઇનો ટંકાર મિસ્કિનના ગઝલ વિશ્વનો આગવો અંદાજ હોય છે. રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ની ગઝલોમાં ઐશ્વરીય સચ્ચાઇ હોય છે. મરીઝ સાહેબે કહ્યા મુજબ કવિ રાજેશભાઇ વ્યાસ વ્યક્તિ તરીકે ખૂણામાં
બેસીને દિલથી અલ્લાહની બંદગી કરનારો ઓલીયા ફકીર જેવો ‘મિસ્કીન’ છે. સાચૂ પુછો તો ‘મિસ્કિન’ આમ પણ ‘મિસ્કીન’ અને તેમ પણ ‘મિસ્કીન’ છે.
ધબકાર :
આભમાં કે દરિયામાં તો એક પણ કેડી નથી
અર્થ એનો એ નથી કોઈએ સફર ખેડી નથી
– રાજેશ વ્યાસ ‘મિસ્કીન’



No comments:
Post a Comment