સાત
અજુબે ઈસ દુનિયા કે આઠવી લેરી-બ્રિન કી જોડી...
ભાસ્કરાચાર્યજીનું નામ પ્રખર ગણિતશાસ્ત્રી અને જ્યોતિષગુરુ
તરીકે આખી દુનિયામાં ખૂબ આદરથી લેવાય છે. એક વેપારી એમના પુત્ર લઈને એક દિવસ ભાસ્કારાચાર્યજીના
ઘરે સવારના પહોરમાં પહોંચી ગયા. વેપારીએ ભાસ્કરાચાર્યજીને કહ્યું, ‘મારો દીકરો
આવતી કાલથી મારી સાથે વેપારમાં જોડાવાનો છે. એને સફળતા મળે એવો શુભ સમય અને સારું
મુહૂર્ત જોઈ આપોને. મારી પાસે એની જન્મકુંડળી તો નથી.’ ભાસ્કારચાર્યજીએ વેપારીના
પુત્રને નજીક બોલાવી એકાદ બે મિનિટ એની આંખોમાં ધારીને જોયું. વહેપારીને કંઈ
સમજાયું નહીં. એણે કુતુહલવશ ભાસ્કરાચાર્યજીને પૂછ્યું, ‘મારા દીકરાની આંખો ઉપરથી
તમે શી રીતે મુહૂર્ત કાઢશો ?’ ભાસ્કરાચાર્યજી બોલ્યા, ‘મુહૂર્ત કાઢવા એની આંખોમાં
નથી જોયું. મેં તો એની આંખોમાં જોઇને આત્મવિશ્વાસ, ખંત, ઉત્સાહ અને હિંમતના ચાર
ખૂણાનો સરવાળો સમજવાની કોશિષ કરી છે.’ જો માણસની આંખોમાં કાર્ય શરૂ કરતાં પહેલાં જ
કાર્ય માટેનો જબરજસ્ત ઉત્સાહ હોય અને સંપૂર્ણ કાર્યનિષ્ઠા સાથે ખંતપૂર્વક મહેનતની
હિંમત દેખાય તો એ વ્યક્તિને કામ શરૂ કરવાના પહેલાં દિવસથી જ સફળતા મળી છે એમ માની
લેવું જોઈએ. સફળ બનવા માટે કંઈક કરી છૂટવાની તમન્ના હોવી જોઈએ.
જે વ્યક્તિને સમાન વિચારધારાવાળી વ્યક્તિ સાથે ચોક્કસ ધ્યેય
માટે જ્યારે દોસ્તી બંધાતી હોય છે ત્યારે એ યારી સફળતાના મેઘધનુષી રંગ લાવતી હોય
છે. અમેરિકાની સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના કેમ્પસમાં બે લબરમુછીયા યુવાનોનો પરિચય
થયો. બંન્ને જણા સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં પીએચડીના અભ્યાસ માટે આવેલા. બન્નેનું
લક્ષ્ય વર્લ્ડ વાઈડ વેબ ઉપર સંશોધન કાર્ય કરવાનું હતું. એકનું નામ લેરી પેજ અને
બીજાનું નામ સેરગીન બ્રિન. બંને યુવાનોની આંખોમાં દુનિયા જીતી લેવાની ગજબની ચમક.
આગળ વધવાનું એકસરખું પેશન અને એક સમાન લક્ષ્યના તત્વો બન્ને યુવાનોને એકબીજાની
નજીક લાવવાનું મુખ્ય કારણ હતું. લેરી અને બ્રિન
દોસ્ત બની ગયા. જેમ જેમ દિવસો પસાર થતાં ગયાં તેમ તેમ આ બન્ને જણાની દોસ્તી
પરવાન ચડી. બન્ને જણાં જીગરજાન મિત્રો બની ગયા.
સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં લેરી અને બ્રિને ચાર વર્ષ સુધી
દિવસ-રાત જોયા વગર ખૂબ મહેનત અને લગનથી સંશોધનકાર્ય કર્યું. લેરીના માતા - પિતા આ
યુનિવર્સિટીમાં કોમ્પ્યુટર સાયન્સના પ્રોફેસર હતાં. કદાચ એટલે જ બાળપણથી લેરીને
ઘરમાં કોમ્પ્યુટર સાયન્સ સંબંધી વાતાવરણ સહજ મળી ગયું હતું. નાનકડો લેરી પાના
પક્કડ લઈને નાની મોટી ઈલેક્ટ્રોનિકની ચીજવસ્તુ ખોલીને એને સમજવાની કોશિષ કરતો. ૧૨
વર્ષના થતાં સુધીમાં તો બાળ લેરીએ મનોમન નક્કી કરી લીધું કે, મોટો થઈને એ
બિઝનેસમેન બનશે. આ બાજુ બ્રિનના પિતાજી યુનિર્વસિટી ઓફ મેરીલેન્ડમાં ગણિત વિષયના
પ્રોફેસર હતા. બન્ને મિત્રોનુ જોરદાર એકેડેમિક ફેમિલી બેકગ્રાઉન્ડ.
નાવ, બેક ટુ ફ્રેન્ડશીપ એન્ડ સકસેસ ફંડા... ચાર વર્ષની
મહેનત પછી સપ્ટેમ્બર ૧૯૯૬માં આ બંને મિત્રોએ એક એવા ઓલગોરીધમને શોધવામાં સફળતા
મેળવી કે જેનાથી આખી દુનિયા ટૂંક સમયમાં બદલાઈ જવાની હતી. આ ઓલગોરીધમનું નામ એટલે ‘પેજરેન્ક
ઑલ્ગેરિધમ’. ગુગલ નામ ગણિતના ‘ગુગોલ’ શબ્દ ઉપરથી આવ્યું. ગુગલનો અર્થ એક અંક પાછળ
સો શૂન્ય થાય છે. લેરી અને બ્રિને સંશોધિત કરેલું ગુગલનું વર્ઝન આજે પણ સ્ટેનફોર્ડ
યુનિવર્સિટીમાં ‘એઝ ઇટ ઇઝ’ રાખવામાં આવ્યું છે. આજે પણ એ બંને યારોની જાનદાર
યારીની પહેલી નિશાની એવું પહેલું ઓલગોરીધમ દોસ્તીની શાનદાર મિસાલ આપતું સ્ટેનફોર્ડ
યુનિવર્સિટીમાં અડીખમ છે.
૧૯૯૬માં ગુગલ લોન્ચ કર્યાના બે વર્ષ બાદ આ બન્ને મિત્રોએ
કુટુંબના સભ્યો, મિત્રો, નાણાં ધીરતી એજન્સીઓ પાસેથી ૧૦ લાખ ડોલર ઉધાર લઈને એક
મિત્રના ગેરેજમાં ‘ગુગલ ઈન્ક’ કંપનીની સ્થાપના કરી. જોરદાર કોન્સેપ્ટ અને યુનિક
ઓલગોરિધમને કારણે ગુગલ દુનિયાભરના લોકોના હૃદયમાં વસી ગયું. જોત જોતામાં તો ગુગલ
આખા વિશ્વમાં સૌથી લોકપ્રિય સર્ચ એન્જિન બની ગયું. વર્ષ ૨૦૦૪માં ગુગલના આઈપીઓ શેર
માર્કેટમાં લોન્ચ થયા. ગુગલના આઈપીઓ ઉપર લોકો રીતસર વરસી પડ્યા. વિશ્વના લાખો
લોકોએ ગુગલના શેરમાં અત્યંત દીલચશ્પી બતાવી. જોતજોતામાં તો ગુગલ વિશ્વની સૌથી મોટી
ઈન્ટરનેટ કંપની બની ગઈ. અને લેરી-બ્રિન બંને યુવાન મિત્રો વિશ્વના બિલિનિયરોની યાદીમાં
આવી ગયા. આજે યુએસના કેલિફોર્નિયામા માઉન્ટેન વ્યુ જેવા પોશ એરીયામા ગુગલની
અલ્ટ્રા મોર્ડન ઓફિસ છે. એવુ કહેવાય છે કે, કેલિફોર્નિયામા આવેલી ગુગલની આ હેડ
ઓફિસ વિશ્વની અત્યંત આધુનિક અને કાર્યસંસ્કૃતિને વધુ વિકસાવે એવી શાનદાર ઓફિસ છે. ગુગલના
એમ્પ્લોઇઝ કહે છે કે, ગુગલની ઓફિસમાં એટલુ અદભુત વર્ક એન્વારોન્મેન્ટ મળે છે કે, અહીં
કામ કરતા લોકોની કાર્યક્ષમતામાં અનેક ગણો વધારો થાય છે. આજથી દસ વર્ષ પહેલાંના
આકડા જોઇએ તો એ વખતે ૧૦૦૦થી વધુ કર્મચારીઓ ગુગલમાં કામ કરતા હતા. વર્ષ ૨૦૦૭
-૦૨૦૦૮મા ફોર્ચ્યુન મેગેઝીને કામ કરવા માટે વિશ્વની ટોચની ૧૦૦ શ્રેષ્ઠ કંપનીઓમા
ગુગલને સ્થાન આપ્યું હતું.
દીર્ઘદ્રષ્ટિ અને પરિશ્રમના પ્રસવેદે સફળતાની એવી મજાની
સુવાસ ફેલાવી કે ન પૂછો ને વાત. લેરી અને બ્રિને નવેમ્બર-૧૪, ૨૦૦૮માં એક બીજો મોટો
ધડાકો કર્યો. ઇંટરનેટના ઓડિયોવિજ્યુલ પ્લેટ ફોર્મ યુ-ટ્યુબને ગુગલે ખરીદી લીધું. પછી
તો એપ્રિલ ૨૦, ૨૦૦૯માં લેરી અને બ્રિનની ટીમે વિશ્વની પહેલી એન્ડ્રોઈડ મોબાઈલ
સીસ્ટમ લોન્ચ કરી. ગુગલની મોબાઈલ ઓપરેટિંગ સીસ્ટમે દુનિયાભરમાં તહેલકો મચાવી દીધો.
આજે દુનિયાના અબજો મોબાઈલમાં ગુગલની ઓપરેટીંગ સીસ્ટમ શાનથી રાજ કરે છે.
ગુગલ સર્ચ એન્જિન, યુ ટ્યુબ, મોબાઈલ
ઓપરેટીંગ સીસ્ટમ ઉપરાંત ગુગલ પ્લસ, ગુગલ ક્રોમ, ગુગલ મેપ જેવા ૫૦થી વધુ પ્રોડક્ટ
ગુગલે માર્કેટમાં લોન્ચ કર્યા છે. આજે ‘ગુગલ ગુરુ’ ન્યુ જેનરેશનની જાન છે. લેરી
અને બ્રિનની આંખોમાં બાળપણથી સજાવાયેલુ કોમ્પ્યુટર ક્ષેત્રે ક્રાંતિનું સપનુ સાકાર
થતાં આખી દુનિયા બદલાઇ ગઇ. આ બંને મિત્રોના વર્લ્ડ વાઈડ વેબના કન્સેપ્ટે વિશ્વના
પ્રત્યેક માનવીના મનમાં આસમાની અરમાન સાથે જ્ઞાન અને માહિતીનો જાનદાર જુસ્સો ભરી
દીધો. ‘વર્લ્ડ ઈઝ ઓન માય ફીંગર ટીપ્સ’નું સૂત્ર સાચા અર્થમાં ચરિતાર્થ થઈ ગયું.
લેરી અને બ્રિનની મજબૂત યારીને જોઈને વર્ષો પહેલા આવેલી ધર્મેન્દ્ર અને
જીતેન્દ્રની ફિલ્મ ‘ધરમ-વીર’નું પેલું ગીત ગાવાનું મન થઈ જાય. ‘સાત અજુબે ઈસ
દુનિયા કે આઠવી લેરી બ્રિન કી જોડી... તોડે સે ભઈ ટૂટે ના યે લેરી બ્રિન કી
જોડી...’
ધબકાર
:
તમે
જ્યારે નિષ્ઠાપૂર્વક કાર્ય કરતા હોવ છો ત્યારે એક સૂરીલી વાંસળી જેવા હોવ છો.
તમારા કાર્યમાંથી સતત મીઠું સંગીત વહેતુ હોય છે. – ખલીલ જિબ્રાન




No comments:
Post a Comment