‘ ડેડી, મને બર્થ ડે ગીફ્ટમાં શરાબ અને સિગારેટ
ન પીવાનું તમારું વચન જોઈએ ’
એક મલ્ટીનેશનલ કંપનીમાંથી સિનિયર મેનેજર તરીકે
નિવૃત્ત થયેલા વ્યક્તિની વાત છે. ચારેક દાયકા પહેલાં એ નોકરીમાં નવો નવો જોડાયો
હતો. એમબીએ અને પી.એચ.ડી. થયેલાં આ યંગ અને ડેશિંગ
યુવાનને મલ્ટીનેશનલ કંપનીએ હેન્ડસમ સેલેરી આપી નોકરીએ રાખ્યો હતો. આ
યુવાનને સાતેક વર્ષનો ફુલ જેવો મઝાનો દીકરો. આર્થિક અનુકૂળતાઓ સારી અને સત્તાનો રૂતબો પણ
ભારે. આ યુવાનને શરાબ અને સિગરેટ બન્નેનું વ્યસન હતું. દિવસની ૧૦-૧૫ સિગરેટ સહેજે ફુંકી જાય. રોજ રાત્રે
શરાબ પીધા વગર એને ઉંઘ ન આવે. દિવસે દિવસે એનું આ વ્યસન ખૂબ વધી ગયું. પછી
તો પત્ની સાથે વ્યસન છોડવા સંદર્ભે રોજ કકળાટ પણ થવા લાગ્યો.
એક દિવસની વાત છે. એમનો દીકરો સાંજે મિત્રો
સાથે રમતો હતો. દોડતા દોડતા એ ખૂબ હાંફવા લાગ્યો. બે – પાંચ મિનિટ બેભાન પણ થઈ ગયો. માતા-પિતાનો
જીવ તાળવે ચોંટી ગયો. તાત્કાલિક એને ડોકટરની પાસે લઈ ગયા. દીકરાના
હૃદયમાં કાણું હોવાનું નિદાન થયું. ડોકટરોએ કહ્યું બાળક બે-ચાર મહિનાથી વધુ નહીં જીવે. બે-ત્રણ
સપ્તાહ પછી દીકરાનો જન્મ દિવસ આવતો હતો. મા-બાપે વિચાર્યું દીકરો થોડા મહિનાનો જ મહેમાન છે
તો ધામધુમથી એનો જન્મદિવસ ઉજવીએ. પિતાએ કહ્યું ‘બેટા બોલ તને આ જન્મદિવસે કઈ ગીફ્ટ
જોઈએ છે...’
નાનકડા પુત્રએ પિતાને કહ્યું, ‘ડેડી મને ગીફ્ટમાં શરાબ અને સિગરેટ ન પીવાનું તમારું વચન જોઈએ છે. શરાબ
અને સિગરેટથી તમને ખુબ ખાંસી આવે છે. તમે એ છોડીને મને ગીફ્ટ આપો.’
પિતાની આંખમાં આંસુ આવી ગયા અને એ દિવસથી યુવાને
દારૂ અને સિગરેટને તિલાંજલી આપી. દીકરો તો ચાર મહિના પછી પ્રભુને પ્યારો થઈ ગયો. પણ
પિતાને વ્યસનના ચક્કરમાંથી મુક્ત કરતો ગયો. આજે જીવનના છ સાડા છ દાયકા પછી રોજ આકાશ સામે
જોઇને આ ભાઇ એમના દીકરાને યાદ કરતાં મનોમન વિચારે છે કે ‘ એ તો ગયો પણ મને સ્વસ્થ
અને તંદુરસ્ત જીવનના માર્ગે ચાલતા શિખતો ગયો. ઑક્ટોબર મહિનામાં ગાંધી બાપુની ૧૫૦મી
જન્મજયંતીના અવસરે આ બાળક અને પિતાની વાત સહેજે યાદ આવી ગઇ.
આમ તો એક યા બીજા કારણસર ગાંધી વિચારો માનસપટ
ઉપર હમેશા છવાયેલા રહેતા હોય છે પરંતુ ઓક્ટોબર મહિનામાં સ્વાભાવિક રીતે જ બાપુ
વિષેશ યાદ આવે. આ મહિનામાં બીજી તારીખ એટલે બાપુનો બર્થ ડે. આ
વર્ષે બાપુની ૧૫૦મી જન્મજયંતી આખુ રાષ્ટ્ર શાનદાર રીતે ઉજવી રહ્યું છે. રાષ્ટ્રપિતા
મહાત્મા ગાંધીનું આખું જીવન એક આદર્શ છે. એ સ્વયં એક ઈન્સ્ટિટ્યૂશન હતા.
સત્ય, અહિંસા, સ્વાશ્રય, અડગ, દ્રઢનિશ્ચય, પરિશ્રમ, અપરિગ્રહ વગેરે વગેરે લખતા થાકી જવાય
એટલા સદગુણો બાપુમાં હતાં. મહાત્મા ગાંધીએ એમના આઠ દાયકા જેટલા આયખામાં
ચાર દાયકા સક્રિય પત્રકારત્વ કર્યું. હજારો પાના ભરીને વિચારો લખ્યા. બાપુના
પ્રત્યેક વિચાર ઉપર એક ગ્રંથનું આલેખન થાય. એમનાં ‘વ્યસન’ સંદર્ભે વિચારો સમાજજીવન માટે અત્યંત
ઉપકારક અને સચોટ છે. બાપુ સ્પષ્ટ કહેતા કે, એક માત્ર દારૂનો નશો
જુગાર, વ્યભિચાર જેવા અનેક દુષણોની જનની છે.
એક અંદાજ પ્રમાણે ભારતમાં દર વર્ષે રૂપિયા ૧૪
કરોડથી પણ વધારેની સીગારેટ પીવાય છે. આપણા દેશના નાગરિકો પાન, મસાલા, ગુટકા ખાઈને સ્ટાઇલથી ૧૩ લાખ ટન
પીચકારીઓથી પ્રતિવર્ષ આપણા દેશના માર્ગો, મકાનો, સ્થાપત્યો રંગાય છે. પ્રતિ
માસ રૂપિયા ૧૫૦ કરોડ અને વાર્ષિક ૧૮ અબજની તમાકુ ચવાઇ જાય છે કે પછી ફૂંકી મરાય છે. આ
આંકડાઓ કરતાં પણ વધુ ભયાનક આંકડો તો એ છે કે, કેન્સર અને ટીબીથી મૃત્યુ પામનારાઓ
પૈકી ૮૦ ટકા વ્યસની હોય છે. ભારતમાં દર વર્ષે ધુમ્રપાન અને તમાકુના સેવનથી
૧૨ લાખ લોકો અકાળે મોતને ભેટે છે.
ધુમ્રપાન અને પાન-મસાલાના વ્યસન ઉપરાંત આલ્કોહોલના નશાના
વ્યસનના આંકડા પણ એટલા જ દિલ દહેલાવી નાખે એવા છે. એક સર્વેક્ષણ અનુસાર વર્ષ ૨૦૦૫થી ૨૦૧૬
સુધીમાં દક્ષિણ પૂર્વ એશિયામાં આલ્કોહોલનો વપરાશ સૌથી વધારે જોવા મળ્યો છે. ત્રણ
મિલીયન લોકો પ્રતિવર્ષ શરાબની લતના કારણે મોતને ભેટે છે. ભારતના છત્તીસગઢ, ત્રિપુરા, અરૂણાચલ પ્રદેશ અને ગોવામાં ૧૬ કરોડ
લોકો ચિક્કાર દારૂ પીવે છે.
દારૂ વિશે કેટલીક ખોટી માન્યતાઓનો મસમોટો અંબાર
હોય છે. દારૂ પીવાથી સારી ઊંઘ આવે છે. ભૂખ
ઉઘડે છે, ટેન્શન ઓછું થાય છે, ઇમ્પોર્ટેડ વાઈન કોઈ નુકસાન કરતો નથી, મર્યાદામાં
પીવાતો દારૂ ગુણકારી છે વગેરે ખ્યાલો સદંતર ગેરમાર્ગે દોરનારા છે. આવા
ખ્યાલો જ નશાખોરીને પ્રબળ બનાવવામાં મહત્વનો ભાગ ભજવે છે. દારૂનું વ્યસન એક એવો મહારોગ છે કે
પ્રતિવર્ષ વિશ્વમાં અંદાજે ૨૦ લાખ લોકો અને ભારતમાં બે લાખ લોકો જાન ગુમાવે છે. એવું
એક તારણ છે કે દેખાદેખીથી ૨૦થી ૨૫ વર્ષ વચ્ચે દારૂ પીવાનો શરૂ થાય છે અને પછી એની
લત પડી જાય છે.
તમાકુ, ગુટકા, ગાંજો, ચરસ, શરાબ જેવા ભૌતિકની સાથે સાથે માનસિક નશા પણ હોય
છે. સત્તાનો નશો, સફળતાનો નશો, વાસનાનો નશો, રૂપનો નશો, સાદગીનો નશો, પૈસાનો નશો વગેરે. નશો નાશનો છડીદાર છે. નશાની
સમજ પડે તો સંભાળ શક્ય છે, પણ જો સમજ ન પડે અને નશાની આદત પડે તો એ નખ્ખોદ
વાળે. પણ કેટલાક નશા આબાદ પણ કરે છે જેમ કે, વાંચનનો, મિત્રો
બનાવવાનો, પ્રવાસનો, નવું જાણવાનો, પ્રેમનો નશો જીવનનું
નવતર બળ બની જાય છે.
ધબકાર :
આદત ઉપર અંકુશ ના આવે તો એ લતમાં
પરિવર્તિત થતાં વાર નથી લાગતી. બધા માણસોનો સ્વભાવ એક જેવો
જ હોય છે, આદતો જ વ્યક્તિને અકબીજાથી અલગ
બનાવે છે.



No comments:
Post a Comment