પ્રિય વાચકબંધુઓ,

પ્રશ્નો, મુશ્કેલીઓ, વિડંબણાઓ અને પીડામાંથી પસાર ન થયા હોય એવા કેટલા લોકો ? ચાર રસ્તાના ખૂણે મોચી કામ કરીને પેટીયું રળતો છગન હોય કે પછી અબજોનો વેપાર કરતાં મુકેશ અંબાણી કે રતન ટાટા હોય, કે પછી બીલ ગેટ્સ કે બેઝોસ જેફરી હોય. દરેકના જીવનમાં ચડાવ ઉતાર અને મુશ્કેલીઓ આવતી જ હોય છે. જે મુશ્કેલીમાં મુશ્કરાય અને ગમગીનીમાં પણ આનંદથી ગીત ગાય એ જીવનને માણી શકે છે. સવલતોને સુખ સમજવા કરતાં અંતરમનની ચેતનાઓનો ફૂવારો જ સાચાં સુખનો પ્રદેશ છે એ સચ્ચાઇને સમજવી પડે. જીવનમાં જ્યારે સમસ્યા આવે ત્યારે એના ઉકેલ માટે ફાંફા મારવા કરતાં આનંદ આપતાં પ્રસંગોને યાદ કરી હસતાં ખેલતાં આગળ વધવાની કોશિષ જ કામયાબ બનાવે છે. જેમ જીવનમાં કશું મુશ્કેલ નથી એમ જીવનમાં કશું આસાનીથી પણ મળતું નથી. પ્રશ્નો, મુશ્કેલીઓ, તકલીફોને અતિક્રમીને જીવનમાં આનંદનો આફતાબ ખીલવવા માટેના વિવિધ માર્ગોને શબ્દ દેહ આપીને બ્લોગ સ્વરૂપે પ્રસ્તુત કરવાનો નમ્ર પ્રયાસ કર્યો છે. મે ‘આત્મનાદ’ સ્વરૂપે પ્રતિ સપ્તાહ આવતી મારી નિયમિત કોલમમાં જીવનના વિવિધ રંગોને શબ્દ પિંછી વડે કલ્પનાના આકાશને વધુ રંગીન બનાવવાની કોશિશ કરી છે. આશા છે કે, મારી નિયમિત કોલમ ‘આત્મનાદ’નું આ બ્લોગ અવતરણ વાચક મિત્રોને ગમશે.

- પુલક ત્રિવેદી

Monday, 10 February 2020

રાષ્ટ્રપ્રેમનું ઝનૂન એકાદ બે દિવસ માટે જ નહીં, બારે માસ અને ચોવીસે કલાક રગેરગમાં દોડવું જોઇએ


રાષ્ટ્રપ્રેમનું ઝનૂન એકાદ બે દિવસ માટે જ નહીં,
બારે માસ અને ચોવીસે કલાક રગેરગમાં દોડવું જોઇએ

લો, વધુ એક રાષ્ટ્રીય પર્વ ગણતંત્ર દિવસ પસાર થઇ ગયો. ગણતંત્ર દિવસની દમામભેર ઉજવણી પણ થઈ. દેશપ્રેમ અને રાષ્ટ્રીય ભાવના શું છે ? સ્વાતંત્ર્ય દિવસ અને ગણતંત્ર દિવસે લાઉડસ્પીકર પર દેશભક્તિના ગીતો વગાડીને-ગાઇને કે પોતાના વાહન ઉપર ત્રિરંગો ઝંડો લગાવીને, માથા પર ત્રિરંગાની ટોપી કે સાફો પહેરી લીધો એટલે એ દેશપ્રેમ કહેવાય ? વર્ષમાં રાષ્ટ્રીય પર્વના માત્ર બે દિવસોએ દેશભક્તિના ગીતો ગાઈને કે શહીદોને શ્રદ્ધાંજલિ આપીને દેશ પ્રત્યેની ફરજ પૂરી થઈ ગઈ એમ સમજવુ જોઇએ ? દેશની આઝાદીની ગરિમાને બરકરાર રાખવા માટેની જવાબદારી માત્ર પોલીસની કે સૈનિકની છે ? પોલીસ અને સૈનિક આ બે તો એક જાગૃત પ્રહરી માત્ર છે. સ્વાતંત્ર્ય અને સંસ્કૃતિની જાળવણી પ્રત્યેક રાષ્ટ્રવાસીની ન માત્ર નૈતિક ફરજ છે બલ્કે એનું પરમ કર્તવ્ય અને ધર્મ છે.



દેશમાં આતંકવાદીઓનો જેટલો ત્રાસ પરેશાન નથી કરતો એનાથી વધુ રાષ્ટ્રીય ભાવનાના અભાવવાળી જનતા દુઃખી કરે છે. ત્રિરંગાને શાનથી જોઈને એને સલામી આપવી કે વીર-શહીદના પરિવારોમાં જઈને આંસુ સારીને રાષ્ટ્રીય ભાવના ઝંકૃત થઈ છે એવો સંતોષ માણવો જોઈએ ? ચોક્કસ આ બન્ને બાબતો રાષ્ટ્રીય ભાવના જ કહી શકાય પરંતુ સાચી દેશભક્તિ અને રાષ્ટ્રીય ભાવના તો એ છે કે, દેશ માટે ફના થઈ જવાનો મોકો જેમને મળ્યો નથી એમણે રાષ્ટ્રની આન-બાન અને શાનને જાળવી રાખવા માટે જીવવાનો અવસર મળ્યો છે. તેમ સમજીને રાષ્ટ્ર પ્રતિ ઋણ અદા કરવાનો નૈતિક જૂસ્સો કેળવવાનો સમય છે.
એક સમય એવો હતો કે, જાપાન દેશ તેના અધિપત્ય અને સત્તા માટે પાગલ હતો. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન હિરોશીમા અને નાગાશાકી ઉપર ઝીંકાયેલા અણુબોમ્બને કારણે જાપાનમાં સર્જાયેલી ખાનાખરાબી પછી જાપાન દેશ ધરાશાયી થઈ ગયો. પરંતુ જાપાનના સાડાબાર કરોડ જેટલા નાગરિકોએ મુઠ્ઠીવાળીને સંકલ્પ કર્યો કે, આપણા રાષ્ટ્રને ફરી પાછું દોડતું કરવું છે. જાપાનમાં એક મિનિટથી વધારે ટ્રેન મોડી પડે તો ડ્રાઈવર એન્જિનમાંથી નીચે ઉતરીને જાહેરમાં જનતાની સામે રીતસર દીલગીરી વ્યક્ત કરે છે. આખા જાપાનમાં ખોવાયેલી વસ્તુઓ પૈકી ૯૩ ટકા વસ્તુઓ સલામત રીતે પાછી મળી જાય છે. સમગ્ર દેશમાં પરિવહનનું નિયમન જનતા સ્વેચ્છાએ સ્વયં કરે છે. લોકો પોતાની જવાબદારી સમજીને કતારબદ્ધ ઊભા રહે છે. ક્યાંય કોઈ ધક્કા મુક્કીનો પ્રસંગ બનતો જ નથી. ‘દેશ સર્વોપરી’ જેવું સૂત્ર જાપાનીઓના માથે મારવામાં આવ્યું નથી પરંતુ આ વાત પ્રત્યેક જાપાનીના લોહીમાં વહે છે.
રતન ટાટાએ કહેલો આવો જ એક જર્મનીના હેમ્બર્ગનો પ્રસંગ યાદ આવે છે. બિઝનેશ ટાયફૂન રતન ટાટા તેમના મિત્રો સાથે એક વાર જર્મનીના પ્રવાસે ગયા હતા. જર્મની એક વિકસીત રાષ્ટ્ર છે. સામાન્ય રીતે લોકોના મગજમાં એવી છાપ હોય કે જર્મનીના લોકો શાનદાર જીવન જીવે છે. ટાટા એમના મિત્રો સાથે હેમ્બર્ગની એક રેસ્ટોરન્ટમાં જમવા માટે ગયા. રેસ્ટોરન્ટના ખૂણાના એક ટેબલ પર એક યંગ કપલ ભોજન લેતું હતું. એમના ટેબલ પર માત્ર બે જ વાનગીની ડિશ હતી. રતન ટાટા મનોમન વિચારતા હતા કે, આ કંજૂસ છોકરાને એની પ્રેયસી કદાચ છોડીને જતી રહેશે. સાથે સાથે એમણે બાજુના ટેબલ પર કેટલીક બુઝુર્ગ મહિલાઓને ભોજન લેતાં જોઇ. રેસ્ટોરન્ટનો વેઈટર આ મહિલાઓને વાનગીઓ પીરસતો હતો. મહિલાઓ એમની ડિશમાં જેટલું પણ પીરસવામાં આવતું એ તમામ વાનગીઓને વ્યવસ્થિત રીતે આરોગી લેતી હતી.
રતન ટાટા અને એમના મિત્રોએ થોડું વધારે જમવાનું ઓર્ડર કર્યું હતું. જમવાનું પુરું કરીને જ્યારે આ બધા મિત્રો રેસ્ટોરન્ટની બહાર નીકળ્યા ત્યારે લગભગ ત્રીજા ભાગનું ભોજન ટેબલ પર પડી રહ્યું હતું. બુઝુર્ગ મહિલાઓના વૃંદમાંથી એક મહિલા ઊભી થઈને ટાટા અને એમના મિત્રો પાસે આવીને બોલી, ‘હું તમારાથી ખૂબ નારાજ છું.’ આ મિત્રોએ પૂછ્યું, ‘એવું તો શું બન્યું કે, તમે અમારાથી નારાજ છો ?’ મહિલાએ કહ્યું, ‘તમે અનાજ બરબાદ કર્યું છે.’ મહિલાની વાત સાંભળીને એક મિત્ર બોલ્યો, ‘અમે જમવાના પૂરા પૈસા ચૂકવ્યા છે. તમને એનાથી શું ફરક પડે છે.’ આ સાંભળીને મહિલાઓનો પારો સાતમાં આસમાને પહોંચી ગયો. એક મહિલાએ ફોન કરીને કોઈકની સાથે કંઈક વાત કરી. ગણતરીની મિનિટોમાં જ સોશિયલ સિક્યોરિટી ઓર્ગેનાઈઝેશનમાંથી એક ઓફિસર રેસ્ટોરન્ટમાં આવ્યો. એણે બધી જ વાત જાણી અને રતન ટાટા અને એમના મિત્રો ઉપર ૫૦ યુરો એટલે કે લગભગ રૂ. ૪૦૦૦નો દંડ ફટકારી દીધો. હવે આ મિત્રો બિલકુલ ઢીલા પડી ગયા હતા. સોશિયલ સિક્યોરિટી ઓર્ગેનાઈઝેશનના ઓફિસરે દ્રઢતાપૂર્વક આ મિત્રોને જણાવ્યું કે, ‘જમવાનો એટલો જ ઓર્ડર કરો જેટલું તમે ખાઈ શકો, પૈસા ભલે તમારા હોય પણ સંશાધન તો આખા સમાજના છે.’ દુનિયામાં એવા ઘણા લોકો છે કે જેમને બે ટંક પૂરું ભોજન મળતું નથી. તમારી પાસે આ ભોજન બરબાદ કરવાનું કોઈ વાજબી કારણ પણ નથી.’
જર્મનીના હેમ્બર્ગની આ ઘટના રતન ટાટાએ નોંધી લીધી અને હિન્દુસ્તાન આવીને જાહેરમાં અભિવ્યક્ત પણ કરી. ટાટા નોંધે છે કે, ‘જર્મની જેવા અમીર અને વિકસીત દેશની આ માનસિકતાથી એમણે અને એમના મિત્રોએ ખૂબ શરમિંદગી અનુભવી.’ જર્મનીના અને જાપાનના નાગરિકો જેવી માનસિકતા અપનાવવાની જરૂર છે. ભારત એક અદભુત સાંસ્કૃતિક વિરાસત ધરાવતું રાષ્ટ્ર છે. આપણો દેશ સંશાધનોની દ્રષ્ટીએ સમૃદ્ધ તો નથી જ. ત્યારે દેશના નાગરિકોએ નાની નાની બાબતમાં જાગૃતિ રાખી રાષ્ટ્ર પ્રત્યે તેમના પ્રેમના દર્શન કરાવવા જોઈએ. જ્યારે કોઈ પાર્ટીમાં જઈએ કે પાર્ટી આપીએ, ત્યારે એટલું જ જમવાનું ઓર્ડર કરીએ જેટલો ઉપયોગ કરી શકીએ. કૃષિ મંત્રાલયના એક અહેવાલ અનુસાર ભારતમાં પ્રતિવર્ષ ૫૦ હજાર કરોડનું જમવાનું બરબાદ થઈ રહ્યું છે. બીજા શબ્દોમાં કહીએ તો, દર વર્ષે ૪૦ ટકા જેટલું ભોજન દેશમાં વેડફાઈ રહ્યું છે. વિકસીત દેશની પારાશીશી માત્ર આર્થિક બાબતો ઉપર જ અવલંબિત હોતી નથી. વિકસીત દેશમાં નાગરિકોની વિચારધારા, જવાબદારી, રાષ્ટ્ર પ્રત્યે નિષ્ઠા મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતી હોય છે.
દેશપ્રેમની વાતો તો બધા કરે, પણ શું ખરેખર દેશપ્રેમ દિલમાં છે ખરો ? દેશ પર જો કોઈ આપત્તિ આવે તો દરેક લોકો લડવા તો જતા નથી પણ રાષ્ટ્રીય સંશાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ અને જાળવણી કરીને રાષ્ટ્રીય ભાવના પ્રજ્વલિત રાખવાની નિષ્ઠાપૂર્વકની કોશિષ કરાય છે ખરી ? દેશ માટે પ્રેમ હોય તો દિલ ખોલીને એને બતાવવો પડશે. જેમ એક લેખકની દેશભક્તિ ભાષા પ્રત્યેના દ્રષ્ટિકોણમાં સમાયેલી છે, વિદ્યાર્થીની દેશભક્તિ અભ્યાસમાં સમાયેલી છે, શ્રમિકની દેશભક્તિ શ્રમમાં સમાયેલી છે એમ દરેક વ્યક્તિની દેશભક્તિ એના કાર્યની નિષ્ઠા અને જવાબદારીમાં રહેલી છે. સ્વાતંત્ર્ય દિવસ અને ગણતંત્રદિન ગર્વથી શાનદાર રીતે ઉજવીએ જરૂર પરંતુ આખું વર્ષ દેશપ્રેમ અને રાષ્ટ્રીય ભાવના પળભર માટે પણ દિલ અને દિમાગમાંથી આઘી હટવા ન દઈએ.

ધબકાર :
‘નહીં જ ચાલે માત્ર રાષ્ટ્રગીતોના ગાનથી, જરૂરી છે દેશભક્તિનો રાગ ઊઠે માનથી...’ (વિશાલ ગોયાણીના બ્લોગ ઉપરથી)




No comments:

Post a Comment