પ્રિય વાચકબંધુઓ,

પ્રશ્નો, મુશ્કેલીઓ, વિડંબણાઓ અને પીડામાંથી પસાર ન થયા હોય એવા કેટલા લોકો ? ચાર રસ્તાના ખૂણે મોચી કામ કરીને પેટીયું રળતો છગન હોય કે પછી અબજોનો વેપાર કરતાં મુકેશ અંબાણી કે રતન ટાટા હોય, કે પછી બીલ ગેટ્સ કે બેઝોસ જેફરી હોય. દરેકના જીવનમાં ચડાવ ઉતાર અને મુશ્કેલીઓ આવતી જ હોય છે. જે મુશ્કેલીમાં મુશ્કરાય અને ગમગીનીમાં પણ આનંદથી ગીત ગાય એ જીવનને માણી શકે છે. સવલતોને સુખ સમજવા કરતાં અંતરમનની ચેતનાઓનો ફૂવારો જ સાચાં સુખનો પ્રદેશ છે એ સચ્ચાઇને સમજવી પડે. જીવનમાં જ્યારે સમસ્યા આવે ત્યારે એના ઉકેલ માટે ફાંફા મારવા કરતાં આનંદ આપતાં પ્રસંગોને યાદ કરી હસતાં ખેલતાં આગળ વધવાની કોશિષ જ કામયાબ બનાવે છે. જેમ જીવનમાં કશું મુશ્કેલ નથી એમ જીવનમાં કશું આસાનીથી પણ મળતું નથી. પ્રશ્નો, મુશ્કેલીઓ, તકલીફોને અતિક્રમીને જીવનમાં આનંદનો આફતાબ ખીલવવા માટેના વિવિધ માર્ગોને શબ્દ દેહ આપીને બ્લોગ સ્વરૂપે પ્રસ્તુત કરવાનો નમ્ર પ્રયાસ કર્યો છે. મે ‘આત્મનાદ’ સ્વરૂપે પ્રતિ સપ્તાહ આવતી મારી નિયમિત કોલમમાં જીવનના વિવિધ રંગોને શબ્દ પિંછી વડે કલ્પનાના આકાશને વધુ રંગીન બનાવવાની કોશિશ કરી છે. આશા છે કે, મારી નિયમિત કોલમ ‘આત્મનાદ’નું આ બ્લોગ અવતરણ વાચક મિત્રોને ગમશે.

- પુલક ત્રિવેદી

Monday, 10 February 2020

ત્યારે શિવાજીના મુખમાંથી શબ્દો સરી પડ્યા હતા ‘ગઢ આલા પર સિંહ ગેલા...’


ત્યારે શિવાજીના મુખમાંથી શબ્દો સરી પડ્યા હતા ‘ગઢ આલા પર સિંહ ગેલા...

છેલ્લાં થોડા સમયથી બોલીવુડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઐતિહાસિક ફિલ્મોની ભારે બોલબાલા જોવા મળી છે. છેલ્લા એકાદ બે દાયકામાં આ ઉપક્રમ ઋત્વિક રોશન અને ઐશ્વર્યા રાય અભિનિત ‘જોધા અકબર’થી માંડીને ‘તાનાજી - ધ અનસંગ વોરિયર’ સુધી આવીને ઊભો છે. ઐતિહાસિક પાત્રો ઉપર આધારિત ફિલ્મો ધુમ એટલે મચાવે છે કે, ઇતિહાસના પાને ધરબાયેલી કથાઓ જીવંત બનીને રૂપેરી પરદે ઇતિહાસને ન માત્ર ખડો કરી દે છે બલ્કે પૌરાણિક સત્ય ઘટનાઓ અને એ જમાનામાં દેખાતા ઐતિહાસિક સ્થળોનો નજારો લોકોને અભિભુત કરે છે. આમ પણ બોલીવુડ ઈન્ડસ્ટ્રીમાં કોઈ એક બાબત ફીટ થઈ જાય છે પછી અનેક લોકો તે દિશામાં વિચારતા થઈ જાય છે. એવું  જ બન્યું છે ઐતિહાસિક ફિલ્મોની બાબતમાં.
અજય દેવગણ અને કાજોલ અભિનિત ‘તાનાજી - ધ અનસગ વોરીયર’ સિલ્વર સ્ક્રીન પર રજૂ થઈ. લોકોએ ઉમળકાભેર આ ફિલ્મને માણી. સોશ્યલ મીડિયા ઉપર લોકોએ તાનાજી ફિલ્મને કમસે કમ એકવાર જોવાલાયક ફિલ્મ તરીકે નવાજી છે. લોકોએ એમ પણ અભિપ્રાય આપ્યો કે, શરૂઆતમાં થોડો સમય ફિલ્મ કંટાળાજનક છે પણ સમગ્ર રીતે જોતાં ફિલ્મની વાર્તા, અજય દેવગણ અને સૈફ અલિ ખાનની અદાકારી અને ટેકનિકલ પાસુ જોરદાર છે. જો કે એ વાત પણ એટલી જ સાચી છે કે, દાયકા પૂર્વેની અદભુત અદાકારા કાજોલના નવ વર્ષ પછીના આ કમબેક ઉપર સોશ્યલ મીડિયા પર લોકોએ પ્રમાણમાં ઓછી પ્રતિક્રિયા આપી છે.



મહારાષ્ટ્રની દંતકથાઓ અને માલુસરે પરિવારની પાસે ઉપલબ્ધ વિગતો વચ્ચે સંતુલન બનાવતી આ ફિલ્મ અજય દેવગણનો નવો અવતાર તરીકે માઈલ સ્ટોનરૂપ પૂરવાર થઈ રહી છે. તાનાજી ફિલ્મનું સૌથી મોટું જમા પાસું એની ટેકનિકલ વિશેષતા છે. વિદેશથી બોલાવવામાં આવેલા સિનેમેટોગ્રાફર અને બોલીવુડના ટેકનિકલ તજજ્ઞોની ટીમે મળીને તાનાજી માલુસરેનો એવો સંસાર થ્રીડીમાં રૂપેરી પડદે ઊભો કર્યો છે કે, ભલે એ તમામ હોલીવુડની ફિલ્મોને ન પછાડી શકતી હોય પરંતુ એ ફિલ્મોથી એક તસુ પણ ઉતરતી કક્ષાની નથી લાગતી. તાનાજી ફિલ્મનું કથાનક છત્રપતિ શિવાજીના દરબારના એક સુબેદારની વાત છે. મોગલ સમ્રાટ ઔરંગજેબ ભારતના દક્ષિણ વિસ્તારમાં ન પ્રવેશી શકે એ માટે મરાઠાઓએ આપેલા પડકારને ફિલ્મમાં બખુબી પ્રસ્તુત કરાયો છે.
સંધાન ઘાટીમાં દોરડા ઉપર લટકીને હવામાં તરતા મરાઠા યોદ્ધાઓને ફિલ્મમાં જોઈને હોલીવુડની મશહુર ફિલ્મ ‘થ્રી હંડ્રેડ’  યાદ આવી જાય. ઢાલ અને તલવારો સાથે મરાઠા યોદ્ધાઓ ‘થ્રી હંડ્રેડ’ ફિલ્મથી ન ઉપર કે નીચે પરંતુ ‘થ્રી હંડ્રેડ’ ફિલ્મની ટક્કર લેતી હોય તેવું જરૂર લાગે. આ માટે અજય દેવગણ અને એની આખી પ્રોડકશન ટીમને સલામ કરવી પડે. અભિનયના દ્રષ્ટિકોણથી વાત કરવામાં આવે તો આ ફિલ્મમાં અજય દેવગણે એક ઉત્તમ અદાકાર તરીકે  એની જાતને પ્રસ્થાપિત કરી છે. એણે એની આંખોથી ફિલ્મમાં ખૂબ અદભુત અભિનય કર્યો છે. પહેલી ફિલ્મ ‘ફૂલ ઔર કાંટે’થી માંડીને ૯૯ ફિલ્મો પૂરી કરીને આ ફિલ્મથી અજય દેવગણે બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સદી કરી છે. એના અભિનયના ઓજસ કોઈપણ આસાનીથી અવગણી ન શકે. દિવસે દિવસે એની અભિનય કલામાં પરિપક્વતા અને મેચ્યોરિટીના દર્શન થતાં જાય છે.
નવ વર્ષો પછી રૂપેરી પડદે પતિ સાથે પુનરાગમન કરતી કાજોલનો અભિનય પણ અમીટ છાપ છોડી જાય છે. એવું સહેજે લાગે કે, કાજોલ જેવી સમર્થ અભિનેત્રીએ મિશન મંગલ, સાંઢ કી આંખ, છપાક જેવી ફિલ્મોમાં કામ કરવું જોઈએ. સૈફ અલી ખાનની વિલનગીરી ફિલ્મનું મજબુત પાસુ છે. જેમ ‘પદમાવત’માં રણવીર સિંહે ખીલજીના પાત્રને જીવંત બનાવ્યું હતું તેવી જ રીતે સૈફ અલીએ ‘તાનાજી’માં ઉદયભાણનું પાત્ર અદભુત પ્રસ્તુત કર્યું છે.
ઓમ રાઉત નિર્દેશિત ‘તાનાજી - ધ અનસંગ વોરીયર’ ફિલ્મ પહેલાં ૧૯૩૫માં વી. શાન્તારામે ‘સિંહગઢ’ નામની મરાઠી ફિલ્મમાં તાનાજીની શૌર્યગાથા રજૂ કરી હતી. ઓફકોર્સ એ જમાનામાં ટેકનિકલ પાસા વિકસીત થયા ન હોવાના કારણે ‘તાનાજી - અનસંગ વોરીયર’ જેટલી ‘સિંહગઢ’ ટેકનિકલી ઈફેક્ટિવ નહોતી બની શકી પરંતુ તાનાજીની વીરગાથા ‘સિંહગઢ’માં વી. શાંતારામે સુંદર રીતે રજૂ કરવાની કોશિષ કરી હતી.
ભારત દેશ અનેક વીર યોદ્ધાઓના પરાક્રમ અને શૂરવીરતાની ગાથાથી ભરેલો પડ્યો છે. એમની શૂરવીરતાની કહાની દુનિયાભરમાં મશહૂર છે. આ નરબંકાઓએ ન માત્ર શૌર્ય જ દેખાડ્યું છે પરંતુ દેશ માટે હસતાં હસતાં ફના પણ થઈ ગયા છે. ઇતિહાસના પાના ઉપર આવા ઘણા નામી-અનામી શૂરવીરોની સાહસ અને વીરતા ભરેલી વાતો અંકિત થયેલી છે. તાનાજી માલુસરે આવા જ એક વીર યોદ્ધા હતા. મહારાષ્ટ્રમાં આ નામ અબાલ વૃદ્ધ સૌ કોઈના માનસપટ ઉપર આજે પણ એટલું જ તરોતાજા છે.  તાનાજી માલુસરેની સાહસ, બહાદુરી અને પરાક્રમની ગાથાઓ મહારાષ્ટ્ર બહાર દેશના બીજા વિસ્તારોમાં કદાચ એટલી જાણીતી નથી. તાનાજી છત્રપતિ શિવાજી મહારાજના બાળપણના સાથી હતા. શિવાજી પ્રતિ એમની નિષ્ઠા પ્રત્યેક સેનાપતિઓ - સુબેદારો માટે એક દ્રષ્ટાંતરૂપ હતી. શિવાજી મહારાજના અનેક યુદ્ધોમાં તાનાજી એમની પડખે ખડકની જેમ ઊભા રહ્યાં હતાં.
ઈ.સ. પૂર્વે ૧૬૦૦માં કોંકણ પ્રાંતમાં જન્મેલા તાનાજીને બાળપણથી જ તલવારો સાથે રમવાનો ગજબનો શોખ હતો. એમનો આ શોખ તેમને શિવાજી મહારાજની દોસ્તી સુધી લઇ ગયો. ફિલ્મમાં નથી બતાવી એવી એક અદભુત વાત એ પણ છે કે, તાનાજી અને શિવાજી ઔરંગજેબને જ્યારે મળવા ગયા ત્યારે આ મોગલ સમ્રાટે બન્નેને છળકપટથી બંદી બનાવી દીધા હતા. ઔરંગજેબની ચુંગાલમાંથી ચાલાકીપૂર્વક શિવાજી અને તાનાજી ભાગી છૂટ્યા હતા. શિવાજી અને તાનાજી મીઠાઈ અને ફૂલોના મોટા ટોપલામાં છુપાઈને ઔરંગજેબની નજર સામેથી ભાગી છૂટ્યા હતા એ જ વીરતા અને સાહસ સાથે એમની ચાલાકી અને સૂઝબુઝનો પુરાવો હતો. ઇતિહાસ ગવાહ છે કે, શિવાજી મહારાજ અને તાનાજીએ ઔરંગજેબને આખા ભારત ઉપર રાજ કરવાના મનસુબાને ચકનાચુર કરી નાખ્યા હતાં. શિવાજી મહારાજની તમામ યુદ્ધ યોજનાઓના પાયામાં તાનાજી માલુસરે રહ્યા હતા.
ઇતિહાસમાં ઉલ્લેખ છે કે, કોંઢાણાના ગઢ પર ચઢાઈ માટે શિવાજી મહારાજે જ્યારે તાનાજી માલુસરેને સંદેશો મોકલ્યો ત્યારે તાનાજીના પુત્રના વિવાહની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી હતી. તાનાજીએ પળભરનો વિલંબ કર્યા વગર સંદેશ મળતાની સાથે એમના ચુનંદા સાથીઓને લઈને શિવાજી મહારાજને મળવા રાયગઢ જવા નિકળી પડ્યા. માતા જીજાબાઈએ તાનાજીને કોંઢાણા પર ચઢાઈ કરવા માટે જણાવતાં તાનાજી દીકરાના વિવાહની પરવા કર્યા વગર યુદ્ધની તૈયારીમાં લાગી ગયા. કોંઢાણા ગઢમાં થયેલા ભયંકર યુદ્ધમાં તાનાજી માલુસરે વીરગતિ પામ્યા. કોંઢાણા ગઢ મરાઠાઓએ જીતી તો લીધો પરંતુ તાનાજી માલુસરે જેવા યોદ્ધાને છત્રપતિ શિવાજીએ ગુમાવ્યા. મરાઠી લોકગીતોમાં એવા પણ વર્ણનો સાંપડે છે કે, તાનાજીની વીરગતી બાદ શિવાજી મહારાજ ૧૨ દિવસ સુધી કિલ્લામાંથી બહાર નહોતા નીકળ્યા. ૧૨ દિવસ સુધી શિવાજી મહારાજ તાનાજીની યાદમાં વિલાપ કરતાં રહ્યાં હતા. જ્યારે શિવાજી મહારાજને કોંઢાણા ગઢની જીતના સમાચાર આપવામાં આવ્યા ત્યારે એની સાથે સાથે તાનાજી માલુસરેની વીરગતીના પણ વાવડ જણાવવામાં આવ્યા. શિવાજી મહારાજના મુખમાંથી એ વખતે પહેલું વાક્ય એવું સરી પડ્યું કે, ‘ગઢ આલા પર સિંગ ગેલા’. ગઢ તો આવ્યો પણ સિંહ ગુમાવ્યોના દર્દ સાથે કોંઢાણા ગઢનું શિવાજી મહારાજે નવું નામાભિધાન ‘સિંહગઢ’ કર્યું.
અનેક વીર યોદ્ધાઓની કથાઓમા ‘મા ભારતી’ની મુક્તિ કાજે લડાયેલા અસંખ્ય યુદ્ધોના  પાયામાં તાનાજી જેવા સાહસ અને શૌર્યથી ભરેલા વીર યોદ્ધાઓની રૂંવાડા ખડા કરી દેતી કહાની ધરબાઈને પડી છે. જ્યારે જ્યારે પણ ઐતિહાસિક અમરપાત્રોને ઉજાગર કરતી ફિલ્મો બને છે ત્યારે દેશની જનતાએ તેને ઉમળકાભેર પોંખી છે. એના મૂળમાં નાગરિકોની દેશભક્તિની અમાપ ભાવના રહેલી છે. રાષ્ટ્રપ્રેમ અને દેશદાઝ આવી ફિલ્મોથી વધુ બળવત્તર બનતી હોય છે. ‘તાનાજી - અનસંગ વોરીયર’ ફિલ્મ પછી એવું લાગી રહ્યું છે કે, બોલીવુડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં ઐતિહસિક પાત્રોને રજૂ કરતી કથાનક સાથે ટેકનિકલી હાઈ ક્વોલિટી ધરાવતી ફિલ્મોનો નવો દોર આરંભાશે એમાં બે મત નથી. સિનેમા માત્ર લોકરંજન કરતાં એક પગલું આગળ વધી દેશપ્રેમના કટોરા ભરી ભરીને પીવડાવે ત્યારે રાષ્ટ્રમાં નવસર્જનની પ્રક્રિયા આકાર લેતી હોય છે.

ધબકાર :
‘જ્યારે આત્મવિશ્વાસ બુલંદ હોય ત્યારે મોટો પહાડ પણ માટીનો ઢગલો લાગે.’ - શિવાજી મહારાજ




No comments:

Post a Comment