ઉત્સાહ જીવનમાં પાવર હાઉસનું કામ કરે
છે. જે વ્યક્તિમાં ઉત્સાહ નથી એ વ્યક્તિ ધાણી ભરેલા
કોથળા જેવો હોય છે. બહારથી ખૂબ મોટો લાગે પણ અંદરથી બિલકુલ હલકો અને
ખાલી હોય છે. આવા વ્યક્તિને કોઈ કામમાં મોજ નથી આવતી. જે હંમેશા નિરુત્સાહ અને ઉદાસ રહેતા હોય છે એ પોતે ખુશ રહી શકતો નથી
કે, બીજા કોઈને પણ આનંદ આપી શકતો નથી.
જીવનમાં કોઈપણ ઉંમરે ઉત્સાહવર્ધક નવી
બાબતો શોધી લેવી જોઈએ. એક જમાનાની કામિયાબ અને લોકપ્રિય અભિનેત્રી
વહીદા રહેમાને ૬૫ વર્ષે વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફી કરવાનું શરૂં કર્યું. વહીદા રહેમાને અગાઉ ક્યારેય પ્રોફેશ્નલ
કેમેરો પકડ્યો ન હતો. ૬૫ વર્ષની ઉંમરે એમણે ફોટોગ્રાફી શીખવાની શરૂઆત
કરી. એક નવો શોખ, એક
નવી બાબત, એક નવી ઘટનાનો ઉત્સાહ જીવનને નવો વળાંક આપવા
માટે પુરતો છે. વહીદા રહેમાને ફોટોગ્રાફીના શોખથી તેમના જીવનને
ઉત્સાહ અને ઉમંગથી ભરી દીધું. હવે તો એમના માટે ફોટોગ્રાફી એક ‘પેશન’ બની ગઈ છે.
વધતી ઉંમર અને થાકને વહીદાજીએ
ફોટોગ્રાફીના શોખના ઉત્સાહના ફુવારા વડે એક ઝાટકામાં અલવિદા કરી દીધો. ભારત, ટાન્ઝાનીયા, કેન્યાના
જંગલોમાં ફરીને એમણે વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફી કરી છે. વહીદાજી
કહે છે કે, ક્યારેક બે મિનિટમાં અદભૂત નજારો કચકડે
કંડારાઈ જતો હોય છે અને ક્યારેક તો કલાકો અને દિવસો સુધી રાહ જોયા પછી પણ સંતોષજનક
ક્લિક નથી લાગતી. આજે તો વહીદાજીના આ ઉત્સાહને નવો જ આયામ મળ્યો
છે. એમની ફિલ્મો લોકો માણતા એવી જ રીતે આજે એમની
તસવીરોનું સોલો પ્રદર્શન લોકો રસપૂર્વક માણી રહ્યાં છે.
મૂળવાત જીવનને ઉત્સાહની ઊર્જાથી ભરી
દેવાની છે. ઉત્સાહ સૌથી બળવાન છે. ઉત્સાહી
વ્યક્તિ માટે સંસારમાં કોઈપણ બાબત દુર્લભ ક્યારેય નથી હોતી. જ્યારે
જ્યારે જીવનમાં નિરાશાની પળ આવે છે ત્યારે ઉત્સાહ એક ઔષધિનું કામ કરે છે. જો કોઈ પણ કાર્ય કરવા માટે ઉત્સાહ છે તો દુનિયાની કોઈ તાકાત એ
કાર્યના ઉત્કૃષ્ટ પરિણામ આવતા રોકી નહીં શકે.
પ્રખર ચિંતક અને લેખક બર્ટાન્ડ રસેલના મતે એક નાનું બાળક દરેક વાતને ઉત્સાહ અને
ઉમંગપૂર્વક લેતુ હોય છે. એટલે એના માટે આખો સંસાર એક આનંદસભર આશ્ચર્ય
જેવો હોય છે. બાળક હંમેશા ઉત્સાહ સાથે સતત તમામ બાબતોને
જિજ્ઞાસા સાથે જ્ઞાન મેળવવાની દિશામાં આગળ વધતું જોવા મળતું હોય છે.
માણસનું મન જુદા જુદા સંસ્કારોના
સમૂહથી ઠસોઠસ હોય છે. આ સંસ્કારો સ્વભાવ બની જતા હોય છે. પછી ધીમે ધીમે વ્યક્તિ સ્વભાવ-આદતોની પોટલી બની જતો હોય છે. મનમાં પડેલા સંસ્કારો સ્વભાવમાં પરિવર્તિત થાય એ પહેલાં એમાં ‘ઉત્સાહ’ના ઈન્જેકશન આપી દેવા પડે. ઉત્સાહ
અને ઉમંગ ભરીને કાર્ય શરૂ કરવામાં આવે પછી એ કાર્ય પૂરુ થાય ત્યારે ધાર્યું પરિણામ
મળે અથવા ન પણ મળે. જ્યારે ધાર્યું પરિણામ ન મળે ત્યારે હતોત્સાહ
બની નિરાશાના અંધકારમાં જવાની બદલે ઉત્સાહના પાવર થોડો વધારી દેવામાં સાર છે. ઉત્સાહ સાથે શરૂ કરેલા કાર્યનો અંત સાનુકૂળ ન આવે ત્યારે હતોત્સાહ
અને નિરાશાની હવાને પ્રવેશવાના દ્વાર જડબેસલાક રીતે બંધ કરી દેવા જોઈએ.
નિરુત્સાહને આસપાસ ફરકવા પણ ન દેવાય. નિરાશા ઉર્જાતંત્રને બેસુરુ બનાવવાનો આ સૌથી મોટો અંતરાય છે. આ મનઃસ્થિતિ તમારું મન કોઈપણ કાર્યમાં લાગવા જ નહીં દે. ઉત્સાહ વગર કરવામાં આવેલા કોઈપણ કાર્યમાં ભલીવાર હોતો નથી. ઉત્સાહી વ્યક્તિનું જીવન પ્રેરણાદાયી હોય છે. ઉત્સાહી
વ્યક્તિ સડસડાટ આગળ વધતો હોય છે. નિરુત્સાહી વલણ અવરોધક બળ છે. ઉત્સાહી એપ્રોચ પ્રગતિનો માર્ગ આસાન બનાવી દેતો હોય છે.
કોઈ પણ બાબતમાં વિશ્વાસ અને ઉત્સાહ
જીવનને જીવવા લાયક બનાવી દે છે. ખરેખર
તો ઉત્સાહ એક અલૌકિક શાંતિનું સ્વરૂપ માત્ર છે. ઉત્સાહી
બનવાનો સાદો નિયમ છે કે, કોઈપણ કામને હૃદયપૂર્વક આનંદથી કરવું. જે વ્યક્તિના હૃદયમાં ઉત્સાહ ભરેલો હોય એ વ્યક્તિ ગમે તેવી કપરી
પરિસ્થિતિમાં પણ હિંમત નથી હારતો. કોઇપણ કામ કરવામાં, આનંદીત રહેવામાં કે સંકટોનો સામનો કરવામાં ઉત્સાહ ક્યારેય નથી હોતો, પરંતુ ભવિષ્યમાં આવનારી મુશ્કેલીઓનો હલ નિકાળી પ્રસન્ન રહેવામાં અને
કામ કરતા રહેવામાં ઉત્સાહ સમાયેલો હોય છે.
બધાને એક અનુભવ અવશ્ય થયો હશે કે, જે વ્યક્તિમાં ઉત્સાહનો અભાવ હોય છે એના મિત્રો પણ દુશ્મન બની જતા
હોય છે. જે વ્યક્તિ ઉત્સાહથી ભરેલો હોય તેના શત્રુ પણ
હસતા મોંએ એના મિત્રો બની જતા હોય છે. ઉત્સાહ વગર ક્યારેય કોઈ મોટા લક્ષ્ય
હાંસલ થઈ શકતા નથી. ઉત્સાહસભર સ્વભાવ બનાવવા માટે ગાંભિર્યને દૂર
કરી ઉત્સાહમાં રહેવાનું ખોટું નાટક પણ તમને ઉત્સાહિત કરી દેશે. જીવનને એટલા ઉત્સાહથી ભરી દેવું જોઈએ કે ગમે એટલી નિરાશાઓની આંધી આવે
તો પણ છાતી ઠોકીને દરેક તકલીફો ઉપર હસતા મોંએ વિજય મળી જાય છે.
ધબકાર :
જીવનનો ઉદ્દેશ ખુશ રહેવામાં અને બીજાને
ખુશી આપવામાં છે.






No comments:
Post a Comment