પ્રિય વાચકબંધુઓ,

પ્રશ્નો, મુશ્કેલીઓ, વિડંબણાઓ અને પીડામાંથી પસાર ન થયા હોય એવા કેટલા લોકો ? ચાર રસ્તાના ખૂણે મોચી કામ કરીને પેટીયું રળતો છગન હોય કે પછી અબજોનો વેપાર કરતાં મુકેશ અંબાણી કે રતન ટાટા હોય, કે પછી બીલ ગેટ્સ કે બેઝોસ જેફરી હોય. દરેકના જીવનમાં ચડાવ ઉતાર અને મુશ્કેલીઓ આવતી જ હોય છે. જે મુશ્કેલીમાં મુશ્કરાય અને ગમગીનીમાં પણ આનંદથી ગીત ગાય એ જીવનને માણી શકે છે. સવલતોને સુખ સમજવા કરતાં અંતરમનની ચેતનાઓનો ફૂવારો જ સાચાં સુખનો પ્રદેશ છે એ સચ્ચાઇને સમજવી પડે. જીવનમાં જ્યારે સમસ્યા આવે ત્યારે એના ઉકેલ માટે ફાંફા મારવા કરતાં આનંદ આપતાં પ્રસંગોને યાદ કરી હસતાં ખેલતાં આગળ વધવાની કોશિષ જ કામયાબ બનાવે છે. જેમ જીવનમાં કશું મુશ્કેલ નથી એમ જીવનમાં કશું આસાનીથી પણ મળતું નથી. પ્રશ્નો, મુશ્કેલીઓ, તકલીફોને અતિક્રમીને જીવનમાં આનંદનો આફતાબ ખીલવવા માટેના વિવિધ માર્ગોને શબ્દ દેહ આપીને બ્લોગ સ્વરૂપે પ્રસ્તુત કરવાનો નમ્ર પ્રયાસ કર્યો છે. મે ‘આત્મનાદ’ સ્વરૂપે પ્રતિ સપ્તાહ આવતી મારી નિયમિત કોલમમાં જીવનના વિવિધ રંગોને શબ્દ પિંછી વડે કલ્પનાના આકાશને વધુ રંગીન બનાવવાની કોશિશ કરી છે. આશા છે કે, મારી નિયમિત કોલમ ‘આત્મનાદ’નું આ બ્લોગ અવતરણ વાચક મિત્રોને ગમશે.

- પુલક ત્રિવેદી

Friday, 9 July 2021

રોમાંચિત કરતો ‘રેટ્રો’ નામનો રૂપકડો શબ્દ...

 



સૌનકે શહેરના પોશ વિસ્તારમાં આવેલા એના બંગલાને ટ્રેડિશનલ જૂના જમાનાની ભાતીગળ વસ્તુઓથી સુંદર રીતે સજાવ્યો છે. થોડા દિવસ પહેલાં સૌનકનો  બાળપણનો મિત્ર ઘણા વર્ષો પછી વિદેશથી એને મળવા માટે આવ્યો. ઘરમાં પ્રવેશતા વેંત સૌનકને ઉમળકાથી ભેટી પડ્યો. ડ્રોઇંગ રૂમમાં ટ્રેડિશનલ ગામઠી સ્ટાઈલની કોતરણીવાળી દિવાલો, પૌરાણિક અંદાજમાં બનાવેલુ આકર્ષક ફર્નિચર વગેરે જોઈને આ વિદેશથી આવેલો મિત્ર ખૂબ રોમાંચિત થઈ ગયો. એણે સૌનકને કીધું, ‘બીજું બધું પછી યાર, પહેલા તારો આખો બંગલો દિલથી જોઈ લેવા દે. ‘રેટ્રો ઈમ્પેક્ટ’ બંગ્લો લાગે છે.’



આ બન્ને મિત્રોની વાતમાં એક શબ્દ ‘રેટ્રો’ આવ્યો. આ શબ્દ હમણાં હમણાંથી બહુ ચલણમાં છે. મૂળતઃ રેટ્રો શબ્દ લેટિન ભાષાનો છે. જેનો સીધો અર્થ એટલો જ થાય કે, અતિતની તરફનું પ્રયાણ. પણ જરા વિસ્તારથી આ શબ્દને સમજીએ તો ભૂતકાળની યાદને તાજી કરે એવી વર્તમાનની ફેશન એટલે રેટ્રો. પછી એ કપડાં હોય કે સંગીત, ડિઝાઈન હોય કે સ્થાપત્ય. આ તમામ બાબતમાં ભૂતકાળની સુવાસ અનોખા અંદાજથી મહેસુસ થતી હોય એ જ ‘રેટ્રો ઇમ્પેક્ટ’. આજકાલ રેટ્રો શબ્દ બહુ ચાલે છે. પ્રાચીન યુગના સૌદર્યશાસ્ત્ર અને રૂચિની આધુનિક યુગને મળતી પ્રેરણા એટલે રેટ્રો. કાળક્રમે દાયકા પહેલાની ફેશન નવા સ્વરૂપે નવા અંદાજમાં નવા જમાનામાં હોંશે હોંશે અપનાવાતી હોય છે.

ફેશનના સંદર્ભમાં જ રેટ્રો ઇંપેક્ટ સમજીએ તો આજથી બે ત્રણ દાયકા પહેલાં ‘નેરો સ્લીમ ફીટ પેન્ટ’ની ફેશન હતી. ૭૦ અને ૮૦ના દશકમાં આવેલી ફિલ્મોના અદાકારો શમ્મીકપુર, રાજકુમાર, રાજેન્દ્રકુમાર વગેરેના પહેરવેશમાં શોર્ટ મોરી અને નેરો સ્લીમફીટ પેન્ટ જ જોવા મળતાં. આજે ત્રણ સાડા ત્રણ દાયકા પછી યુવાનો નેરો સ્લીમફીટ પેન્ટ પહેરી રહ્યા છે. રેટ્રોનો આ સૌથી મોટો સમજી શકાય  એવો બોલતો પૂરાવો છે.


એક પ્રશ્ન એ પણ થાય કે, રેટ્રો એટલે પૌરાણિક જ વાત અને વીન્ટેજ શબ્દ પણ પૌરાણિક બાબતો સાથે જ સંકળાયેલો છે તો પછી ‘રેટ્રો’ અને ‘વીન્ટેજ’ વચ્ચે ભેદ શો ?  ‘રેટ્રો’ અને ‘વીન્ટેજ’ આ બન્ને શબ્દો ભૂતકાળની વાત સાથે સંકળાયેલા ચોક્કસ છે, પરંતુ આ બન્ને વચ્ચે સૌથી મોટો તફાવત સમયગાળાનો છે. સામાન્ય રીતે વીન્ટેજ શબ્દ એ અત્યંત પ્રાચીન વસ્તુ સાથે રીતે સંકળાયેલો શબ્દ છે. જે બાબત ૧૦૦ વર્ષ કે તેથી વધુ સમયગાળા પહેલાં ઉપયોગમાં લેવાતી હોય એની માટે વીન્ટેજ શબ્દ ઉપયોગમાં લેવાય છે.

રાજા મહારાજાઓના મહેલમાં સદી પુરાણી કાર લોકો રસપૂર્વક જોતાં હોય છે. આની માટે ‘વીન્ટેજ કાર’ શબ્દ પ્રચલિત છે. સંભવતઃ વીન્ટેજ શબ્દ એન્ગલો-ફ્રેન્ચ ‘વેન્ડેજ’ કે પછી ‘વેન્ડેન્જે’માંથી ઉતરી આવ્યો હોય એમ લાગે છે. ૧૫મી સદીમાં ઉપયોગમાં લેવાતો લેટિન શબ્દ ‘વીન્ડીડેયા’ને ‘વીન્ટેજ’ તરીકે અપનાવાયો હોય એમ લાગે છે. જ્યારે ‘રેટ્રો’ શબ્દની વિભાવના ‘પાછલી અસર’ એવો થઈ શકે. ઘણી વાર એવું પણ આપણે સાંભળતા હોઈએ છીએ કે આ ઓર્ડર ‘રેટ્રોસ્પેક્ટિવ ઈફેક્ટ’થી અમલમાં આવશે. એટલે એના લાભો પાછલી અસરથી મળવાપાત્ર રહેશે. સામાન્ય રીતે બે થી સાત-આંઠ દાયકાઓ સુધીની પૌરાણિક બાબતોને રેટ્રો છે.

જો કે, રેટ્રો અને વીન્ટેજ બન્ને પ્રાચીન સમયની વાત અને પૌરાણિક પ્રવાહો સાથે જોડાયેલા શબ્દો છે. આપણી રહેણી કરણી, વિચારધારા, અનુમાનો, આપણે કલ્પના પણ ન કરી હોય એવી રીતના ‘રિવાઈન્ડ મોડ’ ઉપર આવી જતા હોય છે. વર્ષ ૧૯૪૩માં આઈબીએમના ચેરમેન થોમસ વોટસન એવું  કહેતાં હતાં કે, ‘આખા જગતમાં વધુમાં વધુ પાંચ-સાત  પર્સનલ કોમ્પ્યુટર જ વેચી શકાશે.’ આજે ઘરે ઘરે, ટેબલે ટેબલે પર્સનલ કોમ્પ્યુટર જરૂરિયાત બનીને  ઊભરી આવ્યા છે ત્યારે થોમસ વોટસનની આ વાત જાણીને હસી ન પડાય ? એવી જ રીતે વર્ષ ૧૯૭૬માં વેસ્ટર્ન યુનિયનના એક મેમોમાં એવું જણાવવામાં આવ્યું હતું કે, ‘ટેલિફોન  નામના સાધનમાં ઘણી બધી ત્રુટિઓ છે. સંદેશા વ્યવહારના આ સાધન પર બહુ આશા રાખી  શકાય એમ  નથી. સંદેશાવ્યવહાર માટે તેનું કોઈ મહત્વ જોઈ શકાતું  નથી.’ કલ્પના કરો, એ જમાનાના ટેલિફોન વિષેની આ વાત આજે અબાલવૃદ્ધ સૌના હાથમાં સેલફોન જોતાં કેવી લાગે ? 

વર્ષ ૧૯૨૭માં પહેલ વહેલી વાર જ્યારે ફિલ્મી અદાકારો વિશે મેગેઝીનની વાત આવી ત્યારે વોર્નર બ્રધર્સના એમલ વોર્નર કહેતાં હતાં કે, ‘એકટરોની વાત સાંભળવી કોને ગમે ? ગોસીપ પબ્લિસીટીના ગતકડાં પર આધાર રાખતી પ્રચારની વાત અને સામયિક જગતને નિષ્ફળતા જ મળે. આ વાત આજે સોશિયલ મીડિયા અને મેગેઝીનોના ચળકતાં પાના ઉપર ફિલ્મી કલાકારોના લફરાં અને ગોસીપ લોકો રસપૂર્વક વાંચે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે, એક જમાનામાં જે વાત કદાચ પબ્લિકલી બહુ ન સ્વીકારાઈ હોય તો પણ નવા જમાનામાં ‘એનું રેટ્રો સ્વરૂપ’ અલગ અંદાજ  લોકો હોંશે હોંશે સ્વીકારે છે.


પ્રત્યેક સવારે ઊઠીને નવા સપના, નવા સંકલ્પો અને નવી વાત માનસપટ ઉપર આળસ મરડીને બેઠી થતી હોય છે. જેમ પ્રત્યેક ક્રિયા મૂળતઃ તો પ્રતિક્રિયા છે એમ પ્રત્યેક વિચાર મૂળતઃ અગાઉ થયેલી ઘટનાનો પ્રતિઘોષ છે. સંભવ છે કે, પ્રતિઘોષમાં નવા જમાના પ્રમાણે નવો એંગલ હોઈ શકે પણ એની ઇમ્પેક્ટ ‘રેટ્રો’ જ છે. જગત આખું આજે રેટ્રો નામના રૂપકડાં શબ્દને હૃદયમાં ઉતારીને પંપાળી રહ્યું છે. એના ધબકારા મહેસુસ કરી રહ્યું છે. ફાસ્ટ ટ્રેક પર દોડતી જિંદગીમાં રેટ્રો હાથ ઊંચો કરીને જાણે કહી રહ્યું છે કે, ‘હમ હી તો થે ઔર હમ હી તો હૈ, આપ કી રાહ મેં ઔર બાહ મેં...’ આજે ફેશનના નામે રોજે રોજ નજરે ચડતી નવી વાત ખરેખર તો નવા મુખૌટામાં પૌરાણિક વાત છે. શાસ્ત્રોમાં કહેવાતી ‘જુનુ એટલુ સોનુ’ વાળી વાતમાં હવે દમ લાગે છે ને !


ધબકાર : ફેશન સહિત તમામ ક્ષેત્રે કિંમતો સિવાય બધું ‘રેટ્રો’ છે.





 

No comments:

Post a Comment