પ્રિય વાચકબંધુઓ,

પ્રશ્નો, મુશ્કેલીઓ, વિડંબણાઓ અને પીડામાંથી પસાર ન થયા હોય એવા કેટલા લોકો ? ચાર રસ્તાના ખૂણે મોચી કામ કરીને પેટીયું રળતો છગન હોય કે પછી અબજોનો વેપાર કરતાં મુકેશ અંબાણી કે રતન ટાટા હોય, કે પછી બીલ ગેટ્સ કે બેઝોસ જેફરી હોય. દરેકના જીવનમાં ચડાવ ઉતાર અને મુશ્કેલીઓ આવતી જ હોય છે. જે મુશ્કેલીમાં મુશ્કરાય અને ગમગીનીમાં પણ આનંદથી ગીત ગાય એ જીવનને માણી શકે છે. સવલતોને સુખ સમજવા કરતાં અંતરમનની ચેતનાઓનો ફૂવારો જ સાચાં સુખનો પ્રદેશ છે એ સચ્ચાઇને સમજવી પડે. જીવનમાં જ્યારે સમસ્યા આવે ત્યારે એના ઉકેલ માટે ફાંફા મારવા કરતાં આનંદ આપતાં પ્રસંગોને યાદ કરી હસતાં ખેલતાં આગળ વધવાની કોશિષ જ કામયાબ બનાવે છે. જેમ જીવનમાં કશું મુશ્કેલ નથી એમ જીવનમાં કશું આસાનીથી પણ મળતું નથી. પ્રશ્નો, મુશ્કેલીઓ, તકલીફોને અતિક્રમીને જીવનમાં આનંદનો આફતાબ ખીલવવા માટેના વિવિધ માર્ગોને શબ્દ દેહ આપીને બ્લોગ સ્વરૂપે પ્રસ્તુત કરવાનો નમ્ર પ્રયાસ કર્યો છે. મે ‘આત્મનાદ’ સ્વરૂપે પ્રતિ સપ્તાહ આવતી મારી નિયમિત કોલમમાં જીવનના વિવિધ રંગોને શબ્દ પિંછી વડે કલ્પનાના આકાશને વધુ રંગીન બનાવવાની કોશિશ કરી છે. આશા છે કે, મારી નિયમિત કોલમ ‘આત્મનાદ’નું આ બ્લોગ અવતરણ વાચક મિત્રોને ગમશે.

- પુલક ત્રિવેદી

Friday, 9 July 2021

આપણે આપણી શ્રેષ્ઠત્તમ શક્તિનો ઉપયોગ ક્યારે કરીએ છીએ ?

 



 

 

 

શાસ્ત્રીય સંગીતના બે કલાકારોની વાતથી ઉઘાડ કરવો છે. આ બન્ને કલાકારોની જબરી લોકચાહના. એમના કાર્યક્રમો હોય એટલે લોકોની ભીડ જામે. આ બન્નેનો સમય બુલંદ હતો. એક કલાકાર કાર્યક્રમ હોય કે ન હોય દિવસમાં છથી આઠ કલાક રિયાઝ અવશ્ય કરે. જ્યારે બીજો કલાકાર લોકપ્રિયતાના કેફમાં પાર્ટીઓ અને હરવા ફરવામાં રચ્યો પચ્યો રહે. એકાદ વર્ષમાં પાર્ટીઓમાં ફરતા અને મોજ કરતા કલાકારના કાર્યક્રમોમાં લોકોની ભીડ ઓસરતી ગઇ. એની ચાહત અને લોકપ્રિયતા દિવસે દિવસે સાવ તળીયે બેસી જવા લાગી. જ્યારે સારા સમયમાં પણ રોજે રોજ રિયાઝ કરીને અપડેટ રહેતા કલાકારના કાર્યક્રમો દિન પ્રતિદિન વધુ ને વધુ સફળ થવા લાગ્યા.


આ બે કલાકારોની કથાના પાયામાં સમયને શાણપણથી ઓળખવાની વાત છે. સમય આપણને શાણા બનાવે એ પહેલાં સમયસર શાણા બનવામાં સાર છે. સમયના મૂલ્ય અને સમયના સદઉપયોગ માટે વર્ષોથી કહેવાતું આવ્યું છે અને ભવિષ્યમાં પણ થોકબંધ ઉપદેશો અપાતા રહેશે. લોકો સમયના સંદર્ભમાં અપાતા આ પોપટીયા જ્ઞાનને ચીંગમની જેમ ચાવે જ રાખશે.

એક ચિંતકે સમયસર, સમય સાથે અને સમય પહેલા ચેતી જવા અંગે મઝાની વાત એમની ફેસબુક વોલ ઉપર મૂકી. એમના આ વિચારને જોત જોતામાં ૨.૩ મિલીયન લોકોએ જોયો અને પસંદ કર્યો. એમણે જીવનમાં આવતા સારા સમયઅને ખરાબ સમયવખતે વ્યક્તિની પ્રતિક્રિયાનું સરસ પૃથ્થકરણ પ્રસ્તુત કર્યું છે. સમય સાથે, સમય પહેલા અને સમયસર’ આ ત્રણ પાસા સમજાય તો ખરાબ સમય જોવાનો વારો જ ન આવે.


સામાન્ય રીતે સારા સમયને વ્યક્તિ કેવી પરિસ્થિતિની સાથે મુલવણી કરતો હોય ? જે સમયમાં આનંદ આવે, લોકો તેને પ્રેમ કરતા હોય, તેને દરેક કાર્યમાં તેને સફળતા મળે, એના બધાં સંબંધોમાં મીઠાશ રહે, શારીરિક તંદુરસ્તી સરસ હોય, પોતાની જાત ઉપર સંપૂર્ણ વિશ્વાસ હોય એવી સ્થિતિને વ્યક્તિ સારા સમયની વ્યાખ્યામાં મૂકે છે.

આનાથી વિપરીત પરિસ્થિતિને સ્વાભાવિક રીતે જ ખરાબ સમયની વ્યાખ્યામાં મૂકવામાં આવે છે. હવે એક ક્ષણ વિચારી લેવું જેવુ ખરૂ કે, આપણે ક્યારે આપણામાં પડેલી શ્રેષ્ઠત્તમ વાત આપીએ છીએ ? ક્યારે સૌથી વધુ નિયમબદ્ધ હોઈએ છીએ ? ક્યારે અત્યંત વિનમ્ર હોઈએ છીએ ? ક્યારે વધુ મહેનત કરતા હોઈએ છીએ ?

સૌ કોઇને અનુભવ હશે જ કે, જ્યારે ખુશીનો અને આનંદનો સમય હોય ત્યારે વ્યક્તિ સૌથી વધુ અનિયમિત અને આળસુ બની જાય છે. જ્યારે લોકો પ્રેમ કરતા હોય છે ત્યારે એ સમય વ્યક્તિને પરાવલંબી બનાવી દે છે. સફળતાના સમયમાં અહમ માથે ચડી જતો હોય છે. પોતાની જાત ઉપર અને કામની સફળતાનો વિશ્વાસ બીજાને અપમાનીત કરતા કરી નાખે છે. શારીરિક તકલીફો ન હોય ત્યારે વ્યક્તિ ખાવા-પીવામાં અને વર્જીસ કરવામાં ૧૦૦ ટકા બેધ્યાન રહે છે. સંબંધો સારા હોય ત્યારે ટેક ઈટ ગ્રાન્ટેડનો એપ્રોચ ડેવલપ થઇ જાય છે. આ બધુ જોતા એક પ્રશ્ન એ થાઅય કે, સારા સમયમાં ખરેખર વ્યક્તિ સારો એપ્રોચ રાખી શકે છે ખરો ?

સાચી વાત તો એ છે કે, વ્યક્તિનો સારો એપ્રોચખરાબ સમયમાં હોય છે. આનંદનો સમય ન હોય અને દુઃખ હોય ત્યારે વ્યક્તિ વધુ મહેનતકશ બની નિયમાનુસાર કામ કરતો જોવા મળે છે. વ્યક્તિને જ્યારે અસફળતા મળે ત્યારે એ વધુ વિનમ્ર થઇ જતો જોવા મળે છે. તબિયત બરાબર ન હોય ત્યારે સમયસર ભોજન, નિયમિત ફળ આહાર, પ્રતિદિન કસરત વગેરે સરસ રીતે થાય છે. સંબંધો વણસે ત્યારે વ્યક્તિ વધુ સંભાળ લેતો થઇ જતો હોય છે.

સારા સમયમાં ખરાબ વર્તન અને ખરાબ સમયમાં સારું વર્તન એ એક નક્કર વાસ્તવિકતા છે. પરંતુ જો સારા સમયમાં પણ સારા વર્તનની પરિભાષા રાખવામાં આવે તો કાયમ સારો સમય રહી શકે છે. સારો સમય વ્યક્તિને ખરાબ કરે અને ખરાબ સમય વ્યક્તિને સારો બનાવે છે, એ સુત્રને પલટાવવા માટે ખરાબ સમય વખતે કરાતા કાર્યો સારા સમય વખતે થાય એ જરૂરી છે.

આમ તો સમય શબ્દ સંસ્કૃત ભાષાના મૂળ શબ્દ સમઉપરથી આવેલો છે. ‘સમએટલે એકધારું, સમાન, નિત્ય. સમય અને જીવન બન્ને એક સમાન મૂલ્યવાન છે. સમયની દોલત સૌની પાસે એક સરખી છે. જે સમયનો વિવેકપૂર્ણ ઉપયોગ કરે એ સુખી બને. એક ચિંતકે સરસ વાત કરી છે કે, ‘ડિલેય ઈઝ ડેન્જરસ’. સમય અદ્રષ્ય સાથી પણ છે અને સૌતન પણ છે. એક યુવાન ઉદ્યોગપતિ રોજ સાંજે ભોજન પછી એના પિતાને કહે, ‘પપ્પા આવતી કાલથી રોજ સવારે હું તમારી સાથે મોર્નિંગ વોકમાં આવીશ.’ આ યુવાનની એ સવાર ક્યારેય નથી પડતી. મહાવીર ભગવાને કહ્યું છે કે, એક ક્ષણનો પણ પ્રમાદ પાલવશે નહીં. કારણ કે વિતેલી ક્ષણ ક્યારેય પાછી લાવી નહીં શકાય.

એક ક્ષણની પણ ગજબની કિંમત છે. વર્ષ ૧૯૮૪માં ઓગષ્ટમાં કેલિફોર્નિયામાં ઓલંપિક્સમાં ૪૦૦ મીટર દોડમાં ભારતની પીટી ઊષા ભાગ લેવા ટ્રેક ઉપર ઉતરી ત્યારે હાજર સૌને હતું કે, આ સ્પર્ધા પીટી ઉષા જ જીતવાની છે. કારણ પીટી ઊષાનો ટ્રેક રેકોર્ડ જોરદાર હતો. પરંતુ સૌના આશ્ચર્ય વચ્ચે પીટી ઊષા આ સ્પર્ધામાં ચોથા ક્રમે આવી. દોડમાં છેલ્લી ક્ષણે રૂમેનિયાની ક્રિસ્ટિના છલાંગ મારીને ત્રીજા ક્રમે આવી ગઈ. સેકંડના ૧૦૦મા ભાગે પીટી ઉષા હારી અને ક્રિસ્ટીના ત્રીજા ક્રમે આવી ગઈ. એક સેકંડના ૧૦૦મા ભાગની કિંમત કેટલી મોટી અને મહત્વની છે !


રંગબેરંગી પતંગિયા પાસેથી સમયનું સંચાલન શીખવા જેવું હોય છે. પતંગિયાનું જીવન થોડીક મિનિટો માટે જ હોય છે પણ એની પાસે આનંદવાનો, નાચવાનો, ગાવાનો, ફૂલોને પ્રેમ કરવાનો પૂરતો સમય હોય છે. સારા સમયમાં સારી વર્તણૂંક કરી જાણે એ પતંગિયાની માફક નાચી શકે, ગાઇ શકે અને આનંદી રહી શકે. સમય અને સમુદ્રની ભરતી ક્યાં કોઈની વાટ જૂએ છે ! જીવન ખરેખર તો એક એક ક્ષણને જોડીને જ બનતું હોય છે. જિંદગીને સાચી જિંદાદીલીથી ચાહવાની હોય. સારા સમયમાં સારી વર્તણૂંક જીવનનો શણગાર છે એ વાતને આત્મસાત કરવાની હોય.


ધબકાર :

સમય સ્વયં સ્થિતપ્રજ્ઞ છે. એ શત્રુ પણ નથી અને મિત્ર પણ નથી.



https://gnr.betanetcdn.com/gnrsmc/epaper/21july/06072021-4.pdf

No comments:

Post a Comment