આજ તિરંગા ફહરાતા હૈ અપની પૂરી શાન સે
હમે મિલી આઝાદી વીર શહીદો કે બલિદાન સે
આઝાદી કે લીયે હમારી લંબી ચલી લડાઈ થી
લાખો લોગોને પ્રાણો સે કિંમત ચૂકાઈ થી...
આગામી ૧૫ ઓગસ્ટ, ૨૦૨૩
સુધી ૭૫ સપ્તાહ સુધી આઝાદીના અમૃત મહોત્સવનું અમૃત મંથન આજે દેશ કરી રહ્યો છે. આઝાદીનો આ અમૃત મહોત્સવ રાષ્ટ્રાભિમાન અને રાષ્ટ્ર નવજાગરણનું
મહિમાગાન કરે છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈનો અદભુત વિચાર અત્યંત
પ્રસ્તુત છે. એ કહે છે કે, ‘દેશ
માટે મરી ફીટવાનો અવસર આપણને નથી પ્રાપ્ત થયો પરંતુ દેશ માટે કંઈ કરી છૂટવાનો અવસર
આપણને મળ્યો છે.’ સમગ્ર દેશના અબાલવૃદ્ધ સૌ કોઈના હૃદયમાં
રાષ્ટ્રપ્રેમ અને દેશભકતિની ભાવના વધુ બળવત્તર બને એ માટે આઝાદીનો અમૃત મહોત્સવ
ઉદીપકની ભૂમિકા ભજવી રહ્યો છે.
આઝાદીનો અમૃત મહોત્સવ ત્રણ રીતે રાષ્ટ્ર ભાવનાનો
સંચાર કરી રહ્યો છે. એક તો વીર સ્વાતંત્ર્ય સેનાનીઓની પ્રેરક ગાથા
જણાવે છે બીજું નવા વિચારોનો સંપૂટ આપવાનુ કાર્ય કરે છે અને ત્રીજું દેશ માટે કંઈક
કરી છૂટવા માટેના નવતર સંકલ્પોની સરવાણી વહાવવાનુ કાર્ય કરે છે. આ મહોત્સવના મુખ્ય પાંચ પીલર છે. રાષ્ટ્રની
પ્રગતિ માટે નવા વિચારો, રાષ્ટ્રએ પ્રાપ્ત કરેલી સિદ્ધિઓ, આગળ વધવા લેવા લાયક નવતર પગલાં, સ્વાતંત્ર્ય
સંગ્રામના દેશદાજથી ભરપૂર ઇતિહાસથી અવગત અને પ્રત્યેક નાગરિકની રાષ્ટ્ર ઉત્થાન
માટેની સંકલ્પ શક્તિ. આ પાંચ આધારસ્તંભોના પંચામૃતને આઝાદીના અમૃત
મહોત્સવમાં વલોવીને બહાર લાવવા મનોમંથન થઈ રહ્યું છે.
આજે ભારત વિશ્વ ગુરુ બનવાની દિશામાં ઝડપથી આગળ
વધી રહ્યું છે ત્યારે મહાત્મા ગાંધીની દાંડી યાત્રાથી માંડીને સત્યાગ્રહની લડત
જેવા અનેક પ્રસંગો આંખ આગળ એક ચિત્રપટની જેમ પસાર થતા જાય છે. જે
દેશે ત્યાગ અને બલીદાનના સિદ્ધાંતો ઉપર સમસ્ત વિશ્વને સદાચારના પદાર્થપાઠ આપ્યા
અને જ્યાંથી સર્વધર્મ સમભાવનો શંખનાદ જગતે સાંભળ્યો એવા રાષ્ટ્રના સ્વાતંત્ર્ય
સંગ્રામનું એક અનોખુ અને અમોઘ શસ્ત્ર ‘સત્યાગ્રહ’ હતું. આજે આઝદીના અમૃત મહોત્સવ ઉજવણી નિમિત્તે સત્યાગ્રહ સંગ્રામનો અર્થ
અને ભુમિકા જાણવી પ્રસ્તુત બની રહેશે.
બાપૂએ આપેલી ‘સત્યાગ્રહ’ની ભેટ આજે પણ દુનિયાના પ્રબુદ્ધો અને ક્રાંતિકારીઓ માટે અનોખી અને
અવિસ્મરણીય બાબત બની રહી છે. સત્યાગ્રહ વિશે સમજ આપતા ગાંધીજી કહેતા
કે, ‘સત્યાગ્રહને એક સિક્કાની ઉપમા આપી છે, જેની એક બાજુ પ્રેમની છાપ છે અને બીજીબાજુ સત્યની છાપ છે. તે સિક્કો આખી દુનિયામાં ચાલી શકે એવો છે, અને
એનું મુલ્ય આંકી ન શકાય તેટલું છે.’ સામાન્ય રીતે સમાજવાદ અને સામ્યવાદની
પરિભાષા સેંકડો હજારો રીતે વ્યાખ્યાયીત થઇ છે તેને સમજવાની લોકો ભરપૂર કોશિષ કરતા
હોય છે. અને એમાં તથ્ય એટલા માટે છે કે એનો વ્યાપ અતિ
વિશાળ છે. સત્યાગ્રહના સંદર્ભમાં પણ એવું જ કહી શકાય.
લોકોમાં એક સામાન્ય છાપ એવી છે કે, સત્યાગ્રહ એટલે ગાંધીજીની અંગ્રેજો સામેની લડાઈ. થોડો વિચારશીલ વ્યક્તિ એમ કહેશે કે, ગાંધીની
સરકાર સામે લડત માત્ર નહી લડાઇ તો ગમે તેની સાથે થાય પણ એમાં મારામારી કરવાની નહીં. મુર્ધન્ય સાહિત્યકાર કાકાસાહેબ કાલેલકર સત્યાગ્રહ માટે લખે છે કે, ‘સત્યાગ્રહ એટેલ લડાઈની એક નવી ઢબ, યુદ્ધશાસ્ત્રનો એ એક નવો પ્રયોગ છે.’ આ
બન્ને સમજમાં તથ્ય એ છે કે, મારામારી વગર લડવાની એક નવી રીત
ગાંધીજીએ આપી. આ સમજમાં કચાશ હોઈ શકે પણ અસત્ય નથી. ‘સત્યાગ્રહ’નો
સીધો શબ્દાર્થ થાય સત્યનો આગ્રહ. સત્યને વળગી રહેવું. સત્યને વળગી રહેવા બળ જોઈએ. સત્યના પાલન વખતે થતા વિરોધ માટે શક્તિ
અનિવાર્ય છે. સત્યની સાથે રહેતા જે શક્તિ સ્ફૂરે એ જ
સત્યાગ્રહ એમ ગાંધીજી કહે છે. ગાંધીજીએ લખ્યું છે કે, ‘દક્ષિણ આફ્રિકામાં પૂરા આઠ વર્ષ સુધી હિંદીઓએ
જે બળનો ઉપયોગ કર્યો તે બળને મેં તે વખતે સત્યાગ્રહ નામ આપ્યું હતું. એ જ અરસામાં બ્રિટિશ ટાપુઓમાં અને દક્ષિણ આફ્રિકામાં ‘પેસિવ રિઝિસ્ટન્સ’ની ચળવળ ચાલતી હતી તેનાથી ભેદ બતાવવાને
મેં આ શબ્દ યોજ્યો હતો.’
સત્યના વિચારને વળગી રહેવા માટે ઉપયોગમાં લેવાતું
બળ શરીરબળથી અલગ છે. એટલે જ સત્યનો આગ્રહ રાખનારામાં જે નિષ્પન્ન
થાય છે એ ‘આત્મબળ’ કે ‘સત્યબળ’ સમજી શકાય. જેને પણ સત્ય શોધવાની તમન્ના જાગી હતી તે બધાના
આત્મામાં આ અલૌકિક શાંત બળનો સમુચિત ઉપયોગ થયો હશે એમ માની શકાય. સત્યાગ્રહ માટે ગાંધીજીએ સ્પષ્ટ કહ્યું હતું કે, સત્યાગ્રહનો
અમલ સામેવાળા ઉપર શરીરબળથી અત્યાચારનો નહીં પણ ધીરજ અને સહાનુભૂતિથી થતી ભૂલ
અટકાવવાનો ઉદ્દેશ હોય છે. એકને માટે લાગતુ સત્ય બીજાને ભૂલભરેલું પણ હોઇ
શકે. એટલે જ ગાંધીજી કહેતા કે પોતે દુઃખ સહન કરીને
પણ સત્યને વળગી રહેવું એ જ સત્યાગ્રહનો હાર્દ છે.
બાળપણમાં કરેલી નાની નાની ચોરીઓની ગાંધીજી
કરેલી કબુલાત સત્યાગ્રહનો નાનપણથી થતો આવિર્ભાવ દર્શાવે છે. ગાંધીજીની
આત્મકથામાં આ ઘટનાનું સુંદર વિવરણ છે. સત્યાગ્રહી શરીર બળનો ઉપયોગ નથી કરતો
અને ક્રોધસભર અભદ્ર ભાષાનો પ્રયોગ પણ નથી કરતો એટલે કદાચ સામાન્ય સમજ એવી પણ છે કે, સત્યાગ્રહીનું અહિંસાનું શસ્ત્ર નિર્બળ હોય છે. અહિંસા
ભાવાત્મક છે. એનો ભાવનાત્મક અર્થ ‘પ્રેમ’માં સ્ફૂરે છે. જ્યારે પ્રેમની તાકાતની વાત હોય તો એ સર્વસ્વીકૃત
છે કે, ‘પ્રેમ’ મહાન અને શક્તિશાળી શસ્ત્ર છે. સત્યાગ્રહની મજા એ છે કે, તેનો ઉપયોગ કોઈપણ ક્ષેત્રમાં ગમે તે
વ્યક્તિ કરીને પરિણામ પ્રાપ્ત કરી શકે છે. જો કે આજના યુગમાં લોકો શરીરબળને
વિશેષ મહત્વ આપતા જોવા મળે છે. વ્યક્તિગત અને સામાજિક કે પછી
સામૂદાયિક કોઈપણ વ્યવહારમાં સત્યાગ્રહનું આત્મબળ અને પ્રેમબળ કારગત નીવડે છે.
સત્યાગ્રહની બે ભિન્ન વિચારધારા ઉપર ચિંતન
આવશ્યક લાગે. પ્રથમ આર્થ સત્ય અને પ્રેમ દ્વારા જીવન સાધના
અને બીજો અર્થ પ્રેમબળથી લડવામાં આવતું યુદ્ધ. પ્રથમ
બાબતમાં ફલીત થાય છે કે, શ્રેયાર્થીનો આ જીવનસિદ્ધાંત છે. જ્યારે બીજા અર્થમાં જણાય છે કે શસ્ત્રયુદ્ધનો નૈતિક અવેજ. જો કે, ગાંધીજીના જીવનનો અભ્યાસ કરતા સત્યાગ્રહ માટે
ઉપર નિર્દેશિત પ્રથમ અર્થ વધુ બંધ બેસે છે. આ બન્ને અર્થનો સુભગ સમન્વય ફાધર
એલ્વિનની છણાવટમાં થાય છે. એલ્વિનના મતે, ‘સત્યાગ્રહ
એટલે પ્રેમધર્મને અનુસરીને સત્યનું ગમે તે ભોગે પાલન કરવાનો નિશ્ચય. મનુષ્ય મનુષ્ય વચ્ચેના કલહ શમાવવાની દ્રષ્ટિએ સત્યાગ્રહ તે શમાવવાની
પદ્ધતિ છે. એ દ્વારા આપણે (કોઈપણ
રૂપે) હિંસા વાપરીને નહીં, પણ
સહન કરીને કલહ પતાવવા મથીએ છીએ.
ભારતની આઝાદીના અમૃત મહોત્સવ ઉજવણી વેળાએ
સત્યાગ્રહ વિશેની ચિંતનયાત્રા ઉપયુક્ત લેખાય. ભારતની
આઝાદીમાં સત્યાગ્રહ મૂવમેન્ટનું અદકેરું સ્થાન રહ્યું છે. એની
પાછળનું મહત્વનું પરિબળ છે પ્રચંડ જનશક્તિનો વિશ્વાસ. આઝાદીની
લડતમાં લોકમાન્ય તીલકજી, ગોખલેજી, ગાંધીજી, સરદાર
સાહેબ, સુભાષચંદ્ર, વીર
સાવકરજી, શામજીકૃષ્ણ વર્મા જેવા અનેક દિગ્ગજ નેતાનું
યોગદાન તો છે જ પરંતુ એમના વિચારો અને કાર્યોને મધ્યમ વર્ગના બૌદ્ધિકો, લાખો કરોડો ધરતીપુત્રો, વનબંધુઓ, દલિતો, ઔદ્યોગિક શ્રમજીવીઓ, ખેતમજૂરો જેવી જનશક્તિના સેલાબનો સહકાર
અને સાથ ન મળ્યો હોત તો કદાચ અંગ્રેજોએ ભારત ભૂમિ છોડી ન હોત. દિગ્ગજ
નેતાઓ વૈચારિકબળથી પ્રેરણા આપે છે પણ એને મળતા વિરાટ આંદોલનના સ્વરૂપ પાછળ તો
વિરાટ જનશ્કતિની તાકાત જ હોય છે.
ભારતની આઝાદીની લડત અનોખી એટલે ગણાય છે કે, એના પાયામાં સત્યાગ્રહ રહેલો છે.
અને સત્યાગ્રહમાંથી જન્મેલી પ્રેમ અને અહિંસાની પ્રચંડ માસ મુવમેન્ટની તાકત રહેલી
છે. આઝાદીની અગણિત ઘટનાઓ અને વીરગાથાઓ હજી દેશની
યુવા પેઢી સમક્ષ ઉજાગર થઈ નથી ત્યારે આઝાદીનો અમૃત મહોત્સવ વર્તમાન ભારતના
નાગરિકોને તેનાથી સુપેરે અવગત કરાવવાનુ નક્કર કામ કરશે. આ
સમયે ભારતના નાગરિકો નવા સમૃદ્ધિના શિખરો ઉપર આરોહણ કરવા તત્પર બને એ જ આ પ્રકારની
ઉજવણીનુ હાર્દ છે. ભારતના ગામડા અને શહેરોમાં સુવિધાનું સ્તર એ
રીતે વધે કે તેનું શહેરીજન અને ગ્રામ્યજન વચ્ચે વિભાજન ક્યારેય ન થાય. અને તે માટે ભારતભરમાં વૈશ્વિક સ્તરનું આધુનિક
ઇન્ફ્રાસ્ટકચર ઉપલબ્ધ બને એ દિશામાં નવતર વિચારો આકાર લે. ગૌરવવંતા
આઝાદીની લડતનો ઇતિહાસ પણ પ્રત્યેક નાગરિકના મન હૃદયમાં સદાય અખંડ રહે. કૌશલ્ય અને સામર્થ્યથી ભરેલી આપણા દેશની માટીની મહેંકનો સૌ કોઈ
નાગરિકોને અહેસાસ થાય એ જ આ મહોત્સવની સાચી ફળશ્રુતિ લેખાશે. (સંદર્ભ –સત્યાગ્રહ મિમાંસા, સ્વાતંત્ર્ય
સંગ્રામના લડવૈયા, પ્રેસ ઈન્ફર્મેશન બ્યુરો ડેટા )
ધબકાર : ‘મૈં અખિલ ભારત કા ગુરૂ મહાન, દેતા વિદ્યા કા અમર દાન, મૈને દિખયા મુક્તિ કા માર્ગ, મૈને સિખલાયા ભક્તિ કા જ્ઞાન...’ - અટલ બિહારી વાજપેયી

No comments:
Post a Comment