પ્રિય વાચકબંધુઓ,

પ્રશ્નો, મુશ્કેલીઓ, વિડંબણાઓ અને પીડામાંથી પસાર ન થયા હોય એવા કેટલા લોકો ? ચાર રસ્તાના ખૂણે મોચી કામ કરીને પેટીયું રળતો છગન હોય કે પછી અબજોનો વેપાર કરતાં મુકેશ અંબાણી કે રતન ટાટા હોય, કે પછી બીલ ગેટ્સ કે બેઝોસ જેફરી હોય. દરેકના જીવનમાં ચડાવ ઉતાર અને મુશ્કેલીઓ આવતી જ હોય છે. જે મુશ્કેલીમાં મુશ્કરાય અને ગમગીનીમાં પણ આનંદથી ગીત ગાય એ જીવનને માણી શકે છે. સવલતોને સુખ સમજવા કરતાં અંતરમનની ચેતનાઓનો ફૂવારો જ સાચાં સુખનો પ્રદેશ છે એ સચ્ચાઇને સમજવી પડે. જીવનમાં જ્યારે સમસ્યા આવે ત્યારે એના ઉકેલ માટે ફાંફા મારવા કરતાં આનંદ આપતાં પ્રસંગોને યાદ કરી હસતાં ખેલતાં આગળ વધવાની કોશિષ જ કામયાબ બનાવે છે. જેમ જીવનમાં કશું મુશ્કેલ નથી એમ જીવનમાં કશું આસાનીથી પણ મળતું નથી. પ્રશ્નો, મુશ્કેલીઓ, તકલીફોને અતિક્રમીને જીવનમાં આનંદનો આફતાબ ખીલવવા માટેના વિવિધ માર્ગોને શબ્દ દેહ આપીને બ્લોગ સ્વરૂપે પ્રસ્તુત કરવાનો નમ્ર પ્રયાસ કર્યો છે. મે ‘આત્મનાદ’ સ્વરૂપે પ્રતિ સપ્તાહ આવતી મારી નિયમિત કોલમમાં જીવનના વિવિધ રંગોને શબ્દ પિંછી વડે કલ્પનાના આકાશને વધુ રંગીન બનાવવાની કોશિશ કરી છે. આશા છે કે, મારી નિયમિત કોલમ ‘આત્મનાદ’નું આ બ્લોગ અવતરણ વાચક મિત્રોને ગમશે.

- પુલક ત્રિવેદી

Saturday, 2 April 2022

નવરા બેસી રહેવાની આદત પડી જાય પછી એ દૂર કરવી અઘરી છે

 


એક ભાઈ હંમેશા ભવિષ્યની ચિંતામાં દુઃખી જ રહે. મારા કાયમી ક્લાયંટ્સ જળવાઈ નહીં રહે તો ? નવા ક્લાયંટ નહી આવે તો ? મારા પુત્ર અને પુત્રવધૂ વિદેશ પ્રવાસે ગયા છે એમને કોઈ અકસ્માત તો નહીં થાય ને ? વગેરે વગેરે ન જોઈતા વિચારો કરીને એમનો વર્તમાન સમય એ ચિંતાની ઉપાધિ વહોરી વ્યગ્રતામાં વિતાવે. સમયનું મૂલ્ય સમજવામાં એ ભાઇ સદાય ઊણા ઉતરતા. બિનજરૂરી ઉપાધિના વિચારોથી એમનો વર્તમાનનો આનંદ ઓલવાઈ જતો અને હંમેશા ટેંશનમાં જ રહે. ચિંતા કરવામાં જે વ્યક્તિ સમય વેડફે આગળ જતા સમય એને વેડફે છે. જે સમય ચિંતામાં વ્યતિત થાય છે એ કચરા ટોપલીમાં જાય છે અને જે સમય ચિંતનમાં જાય છે એ આનંદનો ખજાનો બની જતો હોય છે. એક ચિંતકે સાચુ જ કહ્યું છે કે, વર્તમાનનું ચિંતન ભવિષ્યને વધુ દેદિપ્યમાન બનાવી શકે છે.

વેસ્ટર્ન વર્લ્ડમાં આજકાલ બે વિચારધારા બહુ ચર્ચામાં છે. એક ટાઈમ કેપ્સ્યુઅલ અને બીજુ ટાઈમ બોક્સિંક. ટાઈમ કેપ્સ્યુઅલ ભૌતિક ચીજવસ્તુઓ કે મહત્વપૂર્ણ માહિતીનો સંગ્રહ છે. આનું મહત્વ એટલે છે કે, આગામી સમયમાં પ્રબુદ્ધો અને ચિંતકો માટે એ ઉપયોગી થાય છે. યાદગાર સ્થળો, અવિસ્મરણીય પબ્લિક ગેધરિંગ, અગત્યના સમારંભોના આયોજન વેળા ઘણીવાર ટાઈમ કેપ્સ્યુઅલ બનાવીને ત્યાં જમીનમાં દાટી દેવામાં આવતી હોય છે. ટાઈમ કેપ્સ્યુઅલ શબ્દ અને એનો કંન્સેપ્ટ વર્ષ ૧૯૩૮માં પ્રચલીત થયો. પરંતુ આદી અનાદી કાળથી જે તે સમયનું ચિંતન કેપ્સ્યુઅલમાં રાખી તે સમયની ઘટનાને તાજી રાખવાનું ચલણ જોવા મળ્યું છે. સને ૧૭૬૧ની આસપાસ બોસ્ટનના ઐતિહાસિક ફેન્યુઈલ હોલની ટોચ ઉપર કેટલીક તારીખની વિગતોની કલાકૃતિ મૌજૂદ છે. એમ કહેવાય છે કે, અમેરિકામાં સૌથી પુરાણી ટાઈમ કેપ્સ્યુઅલ છે.

આની સાથો સાથ ટાઈમ બોકસીંગની વિચારધારાએ પણ જોર પકડ્યું છે. વિચારેલા અગત્યના કાર્યો માટે સમયને યોગ્ય રીતે સુનિશ્ચિત કરવાની પ્રક્રિયાને ટાઈમ બોક્સિંગ કહે છે. આ સમય વ્યવસ્થાપનની અદભુત ટેકનિક તરીકે જગતમાં વિકસેલો નવતર વિચાર છે. સો વાતની એક વાત છે કે, જે જોઈ શકાતો નથી, સાંભળી શકાતો નથી અને પકડી શકાતો નથી એવો સમય સૌથી મૂલ્યવાન છે. સમય સંસ્કૃત શબ્દ સમ ઉપરથી આવ્યો છે. સમ એટલે એકધારુ, નિરંતર, નિત્ય. સમયના એક એક ટૂકડાઓ જોડાય એટલે જીવન બને. જીવન અને સમય બંનેનું મહત્વ અપાર છે. જીવનને જીવવા લાયક ત્યારે જ બનાવી શકાય કે જ્યારે સમયનું સુયોગ્ય સમાયોજન કરતા આવડે. અંગ્રેજીમાં જાણીતી કહેવત છે, ટાઈમ એન્ડ ટાઈડ વેઈટ ફોર નન. એટલે સમય અને સાગરની ભરતી કોઈની રાહ જોતી નથી, કોઈની શરમ ભરતી નથી.

પ્રશ્ન એ થાય કે, સમયને ગોઠવવો કેમ ? સીધી સાદી વાત છે કે, કોઈપણ સમયે ખાલી ન બેસી રહેવાય. પોતાની જાતને હંમેશા કોઈને કોઈ વાતમાં બીઝી રાખવાની આદત કેળવવી પડે. કહેવાય છે કે, ખાલી દિમાગ શૈતાન કા ઘર હોતા હૈ. મનને નવરાશ ન આપવી જોઈએ. જે પણ કામ કરી રહ્યા હોઈએ એ સમય બાદ બચતા સમયમાં બીજુ કોઈ કામ હાથ ઉપર લઈ લેવું જોઈએ. આમ કરવાથી બે લાભ મળી શકે એક તો જે રૂટિન કામ છે એ તો થાય જ છે સાથે સાથે બીજી કોઈ રચનાત્મક વાત પણ આગળ ધપતી જાય છે. અભ્યાસ કે નોકરીની પછીના સમયમાં યોગ, જીમ, અન્ય દેશની ભાષા શીખવાની પ્રવૃત્તિ વગેરે કરી શકાય. આ બધુ ઓનલાઈન કે ઓફ લાઈન બન્ને રીતે કરી શકાય. પરંતુ મોટી વાત તો એ છે કે, અન્ય કોઈ પ્રવૃત્તિ કરવા માનસિક રીતે તૈયાર થવું પડે.

ઓશો તેમના શરૂઆતના સમયમાં જ્યારે આચાર્ય રજનીશ કહેવાતા ત્યારે કૉલેજમાં પ્રોફેસર હતા. વિદ્યાર્થીઓને ભણાવવાની સાથે સાથે તેઓ કૉલેજના નિયત સમય બાદ પ્રબુદ્ધોના સમૂહોને મળી પ્રવચનો આપવાના બીજા કામમાં સમયનો ઉપયોગ કરતા. આગળ જતા વિશ્વના પ્રસિદ્ધ ચિંતક અને વકતા બન્યા. એવી જ રીતે એપલ કંપનીના સ્ટીવ જોબ્સે વિદ્યાર્થીકાળમાં કેલીગ્રાફીનો અભ્યાસ કર્યો. આગળ જતા એમના સોફ્ટવેરમાં ડોટ્સ સિંક્ર્રોનાઈઝીંગમાં એમણે શીખેલી કેલીગ્રાફી ઊગી નીકળી. કહેવાનું તાત્પર્ય એ છે કે, મનને સતત કાર્યશીલ રાખીને એક કામના નિયત સમય પછીના વધારાના સમયમાં નવરા બેસી રહેવા કરતાં અન્ય કોઈપણ રચનાત્મક કાર્યમાં આપેલો સમય ભવિષ્યમાં કોઈ ને કોઈ રીતે અવશ્ય ઊગી નીકળતો હોય છે.

એકવાર નવરા બેસી રહેવાની આદત પડી જાય પછી એ દૂર કરવી બહુ અઘરી છે. નવરાશ માણવાની લત કેન્સરની બિમારી જેવી છે. એ સતત પગ પસારીને વિસ્તરતી જાય છે. કામમાંથી નિવૃત્તિ એ મોતની નજીક લઈ જતી માનસિકતા છે. નોકરીની સેવા નિવૃત્તિ તો વય મર્યાદાની સમાપ્તી માત્ર છે. સેવા નિવૃત્તિ બાદ પણ પ્રવૃત્ત રહી પોતાની અલગ દુનિયા બનાવનારા જિંદાદીલીથી જીવતા હોય છે. વયનિવૃ્ત્તિ પછી પોતાને ગમતી અને આનંદ આપતી પ્રવૃત્તિથી જીવનનો ચાર્મ ટકી રહેતો હોય છે. વાંચન, લેખન, સમાજ સેવા, આવડત હોય એ ક્ષેત્રની કન્સલ્ટંસી જેવી કોઈ પણ મનગમતી પ્રવૃત્તિની મજા છે.

સામાન્ય રીતે વ્યક્તિ એમ વિચારે કે એક કામ પુરું થઈ જતા હવે મારી પાસે સમય છે એને પસાર કરૂ. સમય પસાર કરવા માટે એની પાસે બે વિકલ્પો છે. એક તો સમય પસાર કરવા ગમે તેવા કામમાં સમય વેડફવો અને બીજું એ સમયનો સદઉપયોગ કરી ચિત્તમાં ઊર્જા ભરે એવી પ્રવૃત્તિ કરવી. કંઈક એવી પ્રવૃત્તિ કરવી જોઈએ કે જેનાથી પોતાની જાતને વધુ સારું લાગે. ટૂંકમાં કંઈપણ ગમે તેવુ કામ કરવા કરતાં હદયને ગમે એવું કરવું જોઈએ. ખાલી નવરાશમાં સમય પસાર કરવા ખાતર સમય પસાર કરવાની વાતમાં દમ નથી. વધારાના સમયનું કામ કદાચ કેરીયરને લગતુ ન પણ હોય. ભવિષ્યમાં એ ક્યાં, ક્યારે અને કેવી રીતે કામમાં આવશે એનો અંદાજ એ સમયે ન જ આવે. નાની નાની પ્રવૃત્તિઓ વ્યક્તિને એક અલગ કક્ષાએ પહોંચાડવાનું દ્વાર ખોલે છે. જ્યારે સમય મળે ત્યારે મિત્રો સાથે ફરવાનો પ્રોગ્રામ બનાવીએ ત્યારે એને ટાઈમ પાસ કરવાના એંગલ કરતા કશુંક જાણવાના આશયથી ફરવા જવાનો દ્રષ્ટિકોણ આંતરિક બળ આપે છે.

અભ્યાસનો હેતુ ડિગ્રી લઈને બહાર નીકળવા કરતા એક બહેતરીન વ્યક્તિ તરીકે સમાજમાં આવવાનો સંતોષ અગત્યનો છે. જ્યારે બે-ચાર વર્ષે કોઈ મળે અને કહે કે યાર, તું તો બિલકુલ નથી બદલાયો.’ ત્યારે એ વખાણ સમજવાની ભૂલ ન કરવી. આ ટીપ્પણી તો મનમાં ખૂંચવી જોઈએ. જ્યારે કોઈ કહે કે, ‘દોસ્ત, તું તો બિલકુલ બદલાઈ ગયો છેત્યારે એમ સમજી શકાય કે એણે કંઈક નવું શીખ્યું છે. આ બાબત ટીનએજર્સ કે ૨૫-૩૦ વર્ષના યુવાનો માટે સિમિત નથી. આ પ્રત્યેક વ્યક્તિને એના સમગ્ર જીવનકાળ દરમિયાન અપનાવવા જેવી વાત છે. આજે જે વ્યક્તિ મળે તે છ-બાર મહિના પછી મળે તો તે બૌદ્ધિક રીતે વિકસેલો હોવો જ જોઈએ. એના વિચાર, વાણી અને વર્તનમાં બદલાવ મહેસુસ થાય એની મજા છે. આ બદલાવ અનુભવાય તો એણે સમયનો સદઉપયોગ કર્યો છે એમ સમજી શકાય.

પરમાત્માએ પ્રત્યેક જીવને વિશાળતાના આનંદની સ્વભાવગત લાક્ષણિકતા આપી છે. ક્યારેય વિચાર્યું છે સાગર, જંગલ કે પહાડની ટોચ ઉપર આપણને કેમ આનંદ આવે છે ? એનું કારણ એટલું જ કે અફાટ સાગરની વિશાળતા, પહાડની ટોચ ઉપ ફેલાયેલુ અનંત આકાશ વગેરે કોલાહલ ભરેલાં મનને શાંત કરી દે છે. આવી જગાઓએ જીવનના મોટા લાગતા પ્રશ્નો આપોઆપ નાના લગવા માંડે છે. ઘરના ઓરડામાં કે આંઠ-દસ ઈંચના મોબાઈલની સ્ક્રીનમાં માથું ખોસીને બેસી રહેનારાઓને નાના નાના પ્રશ્નો પણ ભીમકાય લાગતા હોય છે.

સમય થપ્પડ મારીને શાણા બનાવે એ પહેલા સમયસર પ્રવૃત્ત બની જવામાં શાણપણ છે. પતંગિયુ થોડા કલાકોનું જ મહેમાન હોય છે, પરંતુ કેવું નાચતું, જુમતું અને ગાતું હોય છે. એનું કારણ એટલું જ કે એ પ્રત્યેક ક્ષણ  એક ફુલ ઉપરથી બીજા ફુલ ઉપર ઉડતુ રહીને એ સતત પ્રવૃત્ત રહે છે. સમયસર કરેલું નાનુ કાર્ય પણ ઉત્તમ પરિણામ આપી જાય છે અને સમય વહી ગયા પછી કરેલું મહત્વનું કાર્ય પણ એળે જાય છે.


ધબકાર :

સમયને ક્યારેય પકડી નથી શકાતો પણ સમય સાથે પ્રવૃત્ત રહીને વિકસી જરૂર શકાય છે.



https://gs.cdn.betanet.in/gnrsmc/epaper/2022/march/29032022-4.pdf

No comments:

Post a Comment