પ્રિય વાચકબંધુઓ,

પ્રશ્નો, મુશ્કેલીઓ, વિડંબણાઓ અને પીડામાંથી પસાર ન થયા હોય એવા કેટલા લોકો ? ચાર રસ્તાના ખૂણે મોચી કામ કરીને પેટીયું રળતો છગન હોય કે પછી અબજોનો વેપાર કરતાં મુકેશ અંબાણી કે રતન ટાટા હોય, કે પછી બીલ ગેટ્સ કે બેઝોસ જેફરી હોય. દરેકના જીવનમાં ચડાવ ઉતાર અને મુશ્કેલીઓ આવતી જ હોય છે. જે મુશ્કેલીમાં મુશ્કરાય અને ગમગીનીમાં પણ આનંદથી ગીત ગાય એ જીવનને માણી શકે છે. સવલતોને સુખ સમજવા કરતાં અંતરમનની ચેતનાઓનો ફૂવારો જ સાચાં સુખનો પ્રદેશ છે એ સચ્ચાઇને સમજવી પડે. જીવનમાં જ્યારે સમસ્યા આવે ત્યારે એના ઉકેલ માટે ફાંફા મારવા કરતાં આનંદ આપતાં પ્રસંગોને યાદ કરી હસતાં ખેલતાં આગળ વધવાની કોશિષ જ કામયાબ બનાવે છે. જેમ જીવનમાં કશું મુશ્કેલ નથી એમ જીવનમાં કશું આસાનીથી પણ મળતું નથી. પ્રશ્નો, મુશ્કેલીઓ, તકલીફોને અતિક્રમીને જીવનમાં આનંદનો આફતાબ ખીલવવા માટેના વિવિધ માર્ગોને શબ્દ દેહ આપીને બ્લોગ સ્વરૂપે પ્રસ્તુત કરવાનો નમ્ર પ્રયાસ કર્યો છે. મે ‘આત્મનાદ’ સ્વરૂપે પ્રતિ સપ્તાહ આવતી મારી નિયમિત કોલમમાં જીવનના વિવિધ રંગોને શબ્દ પિંછી વડે કલ્પનાના આકાશને વધુ રંગીન બનાવવાની કોશિશ કરી છે. આશા છે કે, મારી નિયમિત કોલમ ‘આત્મનાદ’નું આ બ્લોગ અવતરણ વાચક મિત્રોને ગમશે.

- પુલક ત્રિવેદી

Friday, 8 March 2019

ખરાબ સમય કાયમ નથી રહેવાનો...

ખરાબ સમય કાયમ નથી રહેવાનો...
એકાદ બે દશક પહેલા આવેલી હોલિવૂડની ફિલ્મ 'ધ મમ્મી'નું ધુઆધાર કેરેક્ટર 'ધ સ્કોર્પિયન કિંગ્સ' યાદ છે ને! આ કિરદાર ભજવનાર રોકને દુનિયાભરમાં જબરજસ્ત ચાહના મળી. એ રાતોરાત હોલિવૂડનો હોટ સ્ટાર બની ગયો. એ પછી તો એણે પાછું વળીને જોયું નથી. એણે ૧૦૦થી વધુ ફિલ્મોમાં અભિનય આપ્યો. આજે રોક અબજોની સંપત્તિમાં આળોટે છે.
રોકની વિશ્વભરમાં રોકીગ ઇમેજ પાછળની કહાની અત્યંત રોમાંચકારી છે. ઓકલેન્ડમાં બાળપણ વિતાવ્યા બાદ રોકનું પરિવાર અમેરિકા આવીને વસ્યું. પ્રોફેશનલ ફૂટબોલર બનવાનું રોકનું સપનું હતું. સ્કૂલની ફૂટબોલ અને એથલેટિક્સની ટીમમાં એણે ખૂબ ઝડપથી પોતાનું સ્થાન પણ બનાવી લીધું હતું. જોકે રોકનું પરિવાર રેસલીંગથી વધુ જાણીતું હતું. રોકના પિતા સારા રેસલર હતાં. પરંતુ રોકને રેસલિંગમા બિલકુલ રસ નહોતો પડતો. ૧૯૯૫મા એક અકસ્માતમાં રોક ગંભીર રીતે ઘવાયો. એને ખૂબ વાગ્યું. એની ફૂટબોલરની કેરીયર બનતા પહેલાં જ સમાપ્ત થઈ ગઈ. અધૂરામાં પૂરું એક સમયે તો એના પિતા પાસે મકાનના ભાડા માટે પૈસા ન હોવાથી મકાન માલિકે એના ઘરને તાળું મારી દીધું. એનું પરિવાર રસ્તા ઉપર આવી ગયું. એની માતા ચોધાર આંસુએ રડવા લાગી.
રોકના સપના એક મિનિટમાં ચકનાચૂર થઈ ગયા. એ સતત રડ્યા કરતો હતો. જીવનના અત્યંત કપરા કાળમાં પણ એ હિંમત ન હાર્યો. આખરે એણે પિતાજી અને પરિવારની પારંપરિક રેસલિંગ ગેઇમ અપનાવવાનો નિર્ણય કર્યો. પિતા જોન્સન જો અને પેટ પેટરસન પાસે એણે તાલીમ લેવાની શરૂ કરી. ૧૯૯૫મા રેસલિંગની પહેલી મેચ રમવાનો રોકને મોકો મળ્યો. આ મેચ એ જીતી ગયો. પણ હજુ સુધી એની મુશ્કેલીઓનો અંત આવ્યો ન હતો. એની પાસે રમવા માટે બુટ, પેડ અને ગીયર ખરીદવાના પણ પૈસા ન હતા. WWEમા પ્રોફેશનલ રેસલર તરીકે વિશ્વભરમાં નામના મેળવવાનું એનું સપનું હતું. એની ગરીબી અને એના શારીરિક દેખાવને કારણે લોકો 'ડાઈ રોક ડાઈ' અને 'રોક સક્સ' જેવા નકારાત્મક સૂત્રો પોકારતા. સામાન્ય માણસનુ મનોબળ આ બાબતથી અવશ્ય તુટીને ચકના ચૂર થઇ જાય.
રોક ડગ્યો નહીં અને રમતો રહ્યો. એક પછી એક દિગ્ગજોના ઢીમ ઢાળતો રહ્યો. થોડા જ સમયમાં લોકોનો ધિક્કાર પ્યારમાં પરિવર્તિત થવા લાગ્યો. રેસલિંગ ફેન્સના હૃદયમાં એનું સ્થાન બનવા લાગ્યું. એ રેસલિંગ સ્ટાર તરીકે વિશ્વમાં જાણીતો બની ગયો. ત્યારબાદ થોડા જ સમયમાં 'ધ મમ્મી'ના ડાયરેક્ટરે 'ધ સ્કોર્પિયન કિંગ્સ'નો રોલ એને ઓફર કર્યો. આ પ્રથમ ફિલ્મ માટે રોકાને ૫.૫ મિલિયન ડોલર એટલે એ જમાનાના રૂપિયા ૩૩.૧૧ કરોડ આપવામાં આવ્યા. જીવનના ખુબ કપરા કાળમાં પણ રોક ખડકની જેમ અડગ ઊભો રહ્યો. જંજાવાતો સામે એ સતત લડતો રહ્યો. મુશ્કેલીઓને દૂર હડસેલી એ માર્ગ કાઢતો રહ્યો. ખરાબ સમય હંમેશા ટકતો નથી. રોકે મુશ્કેલીના સમયમાં હિંમતપૂર્વક માર્ગ શોધ્યો અને આગળ વધ્યો.
દરેકના જીવનમાં ‘ગ્રે શેડ’ એટલે કે નબળો સમય આવતો જ હોય છે. ક્યારેક ખુશી અને ક્યારેક દુઃખની ધૂપછાંવથી જ જીવન ઘડાતું હોય છે. પહાડ, પથ્થર. ઝાડી-ઝાંખરાના અંતરાયો વચ્ચે થઈને પણ ઝરણું ખળખળ વહીને વિશાળ પટ ધરાવતી નદીનું સ્વરૂપ મેળવતું હોય છે. કેટલાક લોકો પ્રશ્નોમાં ગોથા ખાયા કરતા હોય છે. મુશ્કેલીઓને કાયમી સમજી એમાં મુંઝાવાનું ઘણાને કોઠે પડી ગયું હોય છે.
મુશ્કેલીના ખરાબ સમયમાં પોતાના નસીબનો વાંક કાઢીને માર્ગ ન શોધનારા લોકો ક્યારેય આગળ વધી શકતા નથી. જીવન માત્ર પસાર કરવાનું નથી હોતું. પ્રશ્નોના ઉકેલ મેળવીને મુશ્કેલીમાં માર્ગ કાઢીને મોજથી જીવવાની કલાનું નામ જીવન છે. દરેક પ્રશ્નોના ઉત્તરો હોય છે. પ્રશ્નો જોઈને ડરી જનારાને ઉત્તરો ક્યારેય મળતા નથી.
થોડા સમય પહેલા અખબારમાં કેરાલાના ૯૬ વર્ષના એક દાદી અમ્માના સમાચાર વાંચીને મન પ્રફુલ્લિત થઇ ગયું હતું. આ દાદી અમ્મા ૯૬ વર્ષે ચોથા ધોરણની પરીક્ષા આપીને પાસ થયા. એમની આ સ્પિરિટને સલામ છે. વધતી ઉંમર સાથે શારીરિક તકલીફો અને અનેક સામાજિક પ્રશ્નો સામે મોં વકાસીને બેસી રહેવાની જગ્યાએ આ માજીએ ભણવાનો માર્ગ કાઢીને પ્રેરણારૂપ દાખલો બેસાડ્યો છે.
દુનિયા એવા લોકો સામે ઝુકતી હોય છે જે તકલીફોમાંથી માર્ગ કાઢીને આગળ વધતા હોય છે. સામાન્ય રીતે મુસીબતોનો સમય વાગોળ્યા કરવાથી એ લંબાતો જતો હોય છે. મુશ્કેલી જોઈને બેસી રહેતા લોકો જે સામે છે એ જ જુએ છે. ખરેખર તો એ જોવાની કોશિશ કરવી જોઇએ કે, આવી પડેલી આ મુશ્કેલ પરિસ્થિતિ પલટાવવાની અસીમ સંભાવનાઓનો અખૂટ ખજાનો એમનામા પડ્યો જ છે.
ખરાબ સમય કંઈ કાયમ નથી રહેવાનો. રાતનું ઘનઘોર અંધારૂ જેટલું સત્ય છે, એટલું જ સૂર્યના પ્રથમ કિરણ સાથેનું અજવાળું પણ પરમ સત્ય છે. મુશ્કેલીને દિલથી ચિપકાવી રાખવામાં આવે ત્યારે જ જીવન ભારરૂપ બની જતું લાગે છે. મુશ્કેલ સમય તો ઘડીના છઠ્ઠા ભાગમાં દૂર થવાનો છે. થોડા જ સમયમાં આનંદના ઓવારણા લેવાની ઘડીઓ આવવાની જ છે. આવા દ્રષ્ટિકોણમા જ સુખની કુંજી છે. સુખને એક અવસર તો આપવાનું મનોમન નક્કી તો કરો. મુશ્કેલ પરિસ્થિતિને ટાટા-બાયબાય કહેવાનો સંકલ્પ જ આનંદનો રસ્તો ખોલી આપે છે. ખરાબ સમય તો બધાના જીવનમાં આવતો જ હોય છે, કોઈ એમાંથી નીકળીને ઉપર ઊઠે છે, કોઈ એમાં ફસાઈને તૂટી જાય છે, વિખેરાઈ જાય છે.  

ધબકાર :
ખરાબ સમયની એક વિશેષતા એ છે કે, એ સમય પણ પસાર થઈ જવાનો છે.




No comments:

Post a Comment