જે
સારું લાગે એની ક્યાંક, ક્યારેક, કોઇનાથી શરૂઆત તો કરવી પડે ને...!
અમદાવાદના ઉસ્માનપુરામાં રહેતા મિત્રને ત્યાં સુરતમાં રહેતો
એનો ખાસ મિત્ર અચાનક આવી ચડ્યો. આ મિત્રએ કહ્યું, ‘યાર, કાંકરીયાના ખુબ વખાણ
સાંભળ્યા છે. કાલે સવારે આપણે કાંકરિયા ફરવા જઈશું.’ બંને મિત્રો સવારે તૈયાર થઈ
સોસાયટીના નાકેથી રીક્ષા પકડીને કાકરીયા જવા માટે નીકળી પડ્યા. કાંકરિયાના મુખ્ય
દરવાજે રિક્ષામાંથી ઉતરીને અમદાવાદવાળા મિત્રએ રીક્ષા ભાડું ચૂકવીને પ્રેમથી
રીક્ષાવાળાના ખભે હાથ મૂકીને કહ્યું, 'દોસ્ત, તારું રીક્ષા
ડ્રાઈવિંગ ખુબ સરસ છે. મજા પડી ગઈ. થેન્ક્યુ ફ્રેન્ડ.'
પેલો રિક્ષાવાળો
તો આભો બનીને જોઈ જ રહ્યો. થોડીવાર રહીને ધીમેથી બોલ્યો, 'તમને મજાક કરવા સવાર સવારમાં હું જ મળ્યો !'
'ના દોસ્ત, તારું રીક્ષા ડ્રાઈવિંગ ખરેખર ખુબ મઝાનુ છે. હું સાચું કહું
છું, અમદાવાદ જેવા શહેરમાં
સવારના પહોરમાં જબરજસ્ત ટ્રાફિકમાં ધીરજ અને કુશળતાપૂર્વક તે રિક્ષા ચલાવીને અમને
સમયસર કાંકરિયા પહોંચાડી દીધા. ખરેખર મને ખૂબ જ ગમ્યું'
રિક્ષાચાલકે એક
સરસ સ્મિત આપીને રીક્ષા હંકારી મૂકી.
સુરતવાળા મિત્રએ
આ આખી ઘટના જોઇને તેના મિત્રને પૂછ્યું, ' યાર, આ શું ? તે રિક્ષાવાળાને
કેમ આટલો માથે ચઢાવ્યો ? '
મિત્રને જવાબ આપતા
એણે કહ્યું, 'હું આખા શહેરમાં પ્રેમનું
સામ્રાજ્ય સ્થાપવા માગું છું. હું માનું છું આ શહેરને માત્ર ને માત્ર પ્રેમ જ વધુ
સુંદર અને આહલાદક બનાવી શકે છે.'
' પણ એમાં આ રીક્ષા
ડ્રાઇવર કઇ રીતે ઉપયોગી થાય ? ' પેલા સુરતવાસી મિત્રને
હજી સંશય હતો.
‘ જો આ એક રીક્ષા
ડ્રાઈવર આજે આખા દિવસમાં વીસથી પચીસ લોકોને મળશે. માની લઉ છું કે, એ બધા સાથે એ પણ
આવી પ્રેમની પરિભાષા ફેલાવતો રહેશે. એ વીસ-પચીસ મુસાફરો પણ બીજા પચીસ-ત્રીસ લોકોને
મળશે અને એ લોકો પણ પ્રેમની ધારા વહેવડાવતા રહેશે. આમ એક જ દિવસમાં ઓછામાં ઓછા
એકાદ હજાર લોકો સુધી પ્રેમ પાંગરતો જશે. એક અમદાવાદી તરીકે આ સોદો નફાકારક ન
કહેવાય ? જે સારું લાગે એની ક્યાંક
ક્યારેક શરૂઆત તો કરવી પડેને ! ‘ અમદાવાદવાસીએ મિત્રના તર્કનું સમાધાન કરવાની
કોશિશ કરી.
અહીં એક પ્રશ્ન સહેજે થાય કે, દિવસમાં એકાદ વ્યક્તિ ઉપર
આધાર રાખવાથી આખા શહેરમાં પરિવર્તન થઈ જ જાય એવી અપેક્ષા કદાચ વધારે પડતી ન કહેવાય
? એક જ વ્યક્તિ ઉપર આધાર રાખીને આ વાતને સીમિત
બનાવી દેવી ન જોઇએ. દિવસમાં જેટલા જાણિતા કે અજાણ્યા લોકો મળે અથવા ઓછામાં ઓછા પંદર-વીસ
વ્યક્તિઓ સાથે તો આનંદપૂર્વક પ્રેમ પ્રસરાવવાનુ મઝાનુ કાર્ય થવું જોઇએ. આમ થાય તો એમાંથી ચાર-પાંચ જણામાં પ્રેમનું
પુષ્પ સરસ રીતે ખીલી શકે. પછી એ પ્રેમનો સંદેશો વધુ ને વધુ વ્યાપક બનતો જાય.
આ વાત લખવા, વાંચવા કે બોલવામાં સારી લાગે પણ વ્યવહારિક
પરિણામ કેટલું મળે એવો તર્ક જરૂર થાય.
ચલો માની લઈએ કે, વાસ્તવિક પરિણામ કદાચ ન પણ મળે, તો પણ, કોઈપણ વ્યક્તિના કાર્યની કદર કરવા માટે વધુમાં વધુ
કેટલો સમય જોઈએ ? બે-પાંચ મિનિટ જ ને. અને ઉપરથી પૈસાનો કોઈ ખર્ચ પણ નહીં. માત્ર
શબ્દોથી કામની કદર અને સ્મિતનો સત્કાર કરવાથી આ ચમત્કાર થઈ શકે છે. સવાલ માત્ર
એટલો છે કે, આ પ્રક્રિયામાં વિશ્વાસ બેસવો
જોઈએ.
કેટલાક લોકો આવી વર્તણૂકને પાગલપન સમજતા હોય છે. ખરેખર તો આ
એક ચેતના છે. એને હવા મળતા એક જબરજસ્ત વંટોળ બનતા વાર નથી લાગતી. રોડ બનાવવાનું
કામ કરતાં શ્રમજીવીઓ વચ્ચે જઇને એમ કહેવામાં આવે કે, ' મિત્રો, તમે તો અદભુત કામ કરો છો. તમારા આજના આ પરિશ્રમને કારણે
આવતીકાલથી આ વિસ્તારમાં પરિવહન વ્યવસ્થા વધુ મજબૂત બનશે. નાના-મોટા વેપારીઓ અને
શાળાએ જતા વિદ્યાર્થીઓને ખૂબ મોટી રાહત મળશે.’ બસ, આટલા શબ્દો જ એ
શ્રમજીવીઓના ઉત્સાહને બેવડો કરી દેશે. એમના કાર્યમાં વધુ જોમ, ઉત્સાહ અને નિખાર આવશે.
સામાન્ય રીતે આ પ્રકારના વ્યવહાર વખતે બીજા લોકો એમ જ
વિચારતા હોય છે કે, એક વ્યક્તિના આમ કરવાથી
શો ફરક પડે. છોડોને આ બધી જફા. પણ આ પ્રકારની નિરાશાજનક અને હતાશાજનક
નકારની પરિભાષા ખંખેરી નાખવામાં આવે તો ધીરે ધીરે પરિસ્થિતિમાં ચોક્કસ બદલાવ આવે.
આમ પણ કોઈ નવી અને સારી વાતનો સ્વીકાર કરતાં પહેલાં થોડી વાર જરૂર લાગે, પણ જ્યારે એ સમજાય અને પકડાય ત્યારે એ વાત પ્રેમનું વાવાઝોડું
બનીને ફરી વળે અને મઝાનો બદલાવ લાવે છે.
કોને પ્રેમ કરવો અને કોને ન કરવો એવી તારવણી અને પસંદગીમાં
પડવાની પળોજણ શા માટે કરવી જોઈએ ? ક્યારેય
વિચાર્યું છે કે, માત્ર પોતાનું હદય ખુલ્લું રાખીને બધાને આવકાર આપવાથી કેટલા હળવા
બની જવાતું હોય છે. આટલા વિસ્તારમાં અને આટલા લોકોને જ અજવાળું આપવુ એમ નક્કી કરીને
સુર્ય ક્યાં પ્રકાશ આપે છે ? એ તો સૌ કોઈના જીવનમાં એક સરખો ઉજાસ આપતો હોય છે.
પ્રેમનું પણ એવું જ છે. પ્રેમ કોઈને બાકાત રાખતો નથી. પ્રેમ કોઈના ઉપર માલિકીભાવ
બતાવતો નથી. પ્રેમ તો એક એવો સમ્રાટ છે કે,
જેના સૌજન્યના
સામ્રાજ્યમાં સમસ્ત વિશ્વને હળવું ફૂલ બનાવવાનું સામર્થ્ય હોય છે. પ્રેમને તો બસ વહેવા
દેવો પડે. માર્ગમાં આવતા બધાને પ્રેમ પામવા માટે આગળ આવવા દેવા પડે. પ્રેમની ધારામાં
આવતા સૌને સત્કારવા પડે. એકવાર વહેતા થયેલા આ પ્રેમના ઝરણામાં હજાર ગણો ઉમેરો થતો
હોય છે. અને પછી એ વિશાળ સાગરનું સ્વરૂપ પકડાતો હોય છે. સાગરની લહેરો ઉપર સવાર
થઈને એ જ પ્રેમ પાછો વળીને તમને આખેઆખા ભિંજવી નાખતો હોય છે.
ધબકાર :
કોઇના કરેલા કાર્યની
કદર કરતો ઉત્સાહવર્ધક એક શબ્દ હજાર હોર્સપાવરનું કામ કરતો હોય છે.

No comments:
Post a Comment