યુવાનીને વય સાથે કોઈ નિસ્બત નથી
વિચાર, વાણી અને વય એમ ત્રણ રીતે માણસની યુવાનીનું
આકલન થાય. ઉંમરના કોઈપણ તબક્કે નવા વિચારની દિશા પકડી શકે
એ યુવાન. યુવાનીને વય સાથે કોઈ નિસ્બત નથી. વિચારો કરતા રહે એ વૃદ્ધ છે. વિચારને ત્વરીત અમલમાં મૂકે એ યુવાન. યુવાની હંમેશા ખુશહાલ એટલે હોય છે કે, એનામાં સૌંદર્ય જોવાની અસીમ ક્ષમતા હોય છે. જે લોકો ખૂબસુરતી જોવાની ક્ષમતા ધરાવે છે તે
ક્યારેય વૃદ્ધ નથી હોતા.
કવિની
સંવેદનશીલતાને કલ્પનાશીલતા સાથે સીધો સંબંધ છે. શબ્દોની માર્મિક ગૂંથણી દ્વારા જીવનના રહસ્યોને
સરળ કરી નાખે છે. શબ્દોના જોડકાં બનાવી જોડકણાં રચનારને કવિ ન
કહેવાય. કવિતામાં તો આત્મજ્ઞાનના પડઘમ સંભળાતા હોય. કવિ સમાજનું ક્યારેય પતન નથી થવા દેતો. ભારતવર્ષે વિશ્વને ઉત્તમ કવિઓની ભેટ આપી છે. હિન્દુસ્તાનની કલ્પનાશીલતા અને કવિત્વની
ઊંચાઈની વાત થાય એટલે ગુરુદેવ રવીન્દ્રનાથ ઠાકુરની યાદ આવ્યા વગર ન રહે. દુનિયાને શિક્ષણનો નવતર રાહ શીખવાડનારી સંસ્થા
શાંતિનિકેતન પુરતા જ એ ગુરુદેવ સિમિત ન હતા. રવીન્દ્રનાથ
આખા ભારતવર્ષના કરોડો નાગરિકોના ગુરુદેવ હતા.
કવિવરનો
જન્મ ગર્ભશ્રીમંત કુટુંબમાં થયો હતો. પૈસે
ટકે સંપન્ન પરિવારના ફરજનમાં ભોગ, વિલાસ, સુખ, સવલતના
કારણે આડઅસર સ્વાભાવિક રીતે પનપતી હોય. દોમ
દોમ સાહેબી રવીન્દ્રનાથના વ્યક્તિત્વને ક્યારેય આભડી ન શક્યા. ફુલ જેવા કોમળ અને રેશમ જેવા સુવાળા સંજોગોમાં
પણ શ્રીમંતાઈના દુર્લક્ષણો સામે એ સતત લડતા રહ્યા. જીવનમાં સાદગી એમની અલગ ઓળખ હતી. રોજ સવારે
વહેલા ઉઠનારા રવીન્દ્રનાથે સંયમી વ્યક્તિત્વથી આત્મખોજ કરી હતી. ગર્ભશ્રીમંતાઈમાં ઉછરેલો આ મોજીલો કવિ આટલું બધું નૈતિક બળ કેવી રીતે પ્રાપ્ત કરી
શક્યો હશે એ જ એક ગહન અભ્યાસનો વિષય છે.
આજે
ગુરુદેવની શબ્દોના સર્જનથી થોડી ભિન્ન વાત કરવી છે. ગુરુદેવને આખી દુનિયા સરસ્વતીના ઉપાસક અને
શબ્દોના સ્વામી તરીકે ઓળખે છે. આની સાથે સાથે એ એક ઉત્તમ ચિત્રકાર પણ હતા. સર્જકને કોઈ સીમાડા હોતા નથી. જીવનના સાત સાત દાયકા પસાર કર્યા બાદ કવિવરે
કલમની સાથે પીંછી પણ પકડી. કવિ
ચિત્રકાર બન્યા. વાત એમ હતી કે, કાવ્ય સર્જન કરતી વખતે ઘણીવાર રવીન્દ્રનાથ
શબ્દોને બદલાવતા. શબ્દો આગળ પાછળ મૂકવા માટે તેઓ આડી અવળી લાઈનો
કરતા. એમણે ઉપર-નીચે અને આડી-અવળી ખેંચેલી
લાઈનોમાંથી મઝાની આકૃતિઓ તૈયાર થઈ જતી. ઝાડ, પાન, પશુ-પક્ષીની આકૃતિઓના એમાં દર્શન થતાં અને પછી તો
કવિવર પીંછી લઈને રીતસર ચિત્રો જ બનાવવા લાગ્યા.
મઝાની
વાત તો એ છે કે, એમના બનાવેલા ચિત્રોમાંથી કેટલાક ચિત્રો એ વખતે
યુરોપના દેશોની આર્ટ ગેલેરીમાં ધુમ મચાવવા લાગ્યા. પશ્ચિમના દેશોના ચિત્રકારો રવીન્દ્રનાથજીના
ચિત્રો જોઈ મંત્રમુગ્ધ થઈ જતાં. ગુરૂવર
હંમેશા વિચરતા કે, એમના વિચારો જ્યારે રજૂ કરવા માટે પાત્રો કે
શબ્દો દ્વારા વ્યક્ત ન થઈ શકે ત્યારે એને પીંછીથી અભિવ્યક્ત કરવાની એમને મોજ આવે
છે. ૭૦ વર્ષ સુધી દેશ અને દુનિયાએ રવીન્દ્રનાથને
શબ્દના ઉપાસક કવિ તરીકે જ ઓળખ્યા હતા અને પછી વિશ્વમાં એમની કલ્પનાશીલ ચિત્રકાર
તરીકેની ઓળખ ઊભી થઈ ગઈ. ગુરુદેવના સર્જનનુ સૌથી પહેલું ચિત્ર
પ્રદર્શન પેરિસમાં યોજાયું. એ
જમાનામાં પેરીસ ચિત્રકારોનું ‘પેરેડાઈઝ’ ગણાતું. પેરીસના
માંધાતા ચિત્રકારોએ રવીન્દ્રનાથજીના ચિત્રોને અન્ય ચિત્રકારો સાથે સરખામણી કરતાં. પેરીસના આ કલાકારો રવીન્દ્રનાથજીના ચિત્રો
જોઈને અભિભુત બની જતા.
એમના
કલાત્મક ચિત્રો જેમને પલ્લે ન પડતા એ લોકો ઘણીવાર ચિત્રની સમજ મેળવવા એમને પ્રશ્નો
પૂછતાં. ત્યારે રવીન્દ્રનાથ જવાબ આપતા કે, ‘‘હું મારા ચિત્રોની માફક મૌન રહીશ. ચિત્રની સમજ આપવાનું મારું કામ જ નથી. આ કામ તો મારા ચિત્રોનું છે. એ જ એનો હાર્દ સ્પષ્ટ કરતા હોય છે. જો ચિત્રોએ પોતાની અંદર છુપાયેલા સ્વતંત્ર
અસ્તિત્વનો અંશ સાચવ્યો હશે તો તે સદાય સ્પષ્ટ કરતા રહેશે. અન્યથા એ કોઈ પણ વૈજ્ઞાનિક સત્ય કે નૈતિક
ઔચિત્ય વિના એ નાશ પામશે.’’
શબ્દોના
રચયિતા હોય કે પીંછીના કસબી મુળતઃ વાત તો અભિવ્યક્તિ છે. સર્જનના આનંદની વાત એમાં ધરબાયેલી હોય છે. શબ્દો તો એક ભાષા છે. એ તો અનંત અને વિસ્તૃત મૌન જગતનું એક બિંદુ
માત્ર છે. આંતરિક વિશ્વને સપાટી ઉપર લાવવાની અમરવાણી તો
પીંછીના લસરકે અનુભવાતી હોય છે. આદી
અનાદી કાળથી વિશ્વ સમસ્ત ચિત્રો અને નૃત્યની પરિભાષા સમજે છે. ચિત્રો અને નૃત્ય
અનંત કાળ સુધી બોલે હોય છે.
રવીન્દ્રનાથ
ઠાકુરની ચિત્રકલા સાથે જોડાયેલો એક સરસ પ્રસંગ યાદ આવે છે. ઘરના પ્રાંગણમાં એક વૃક્ષ નીચે બેસીને ગુરુદેવ
કોઈ કલ્પનાને પીંછી વડે મૂર્તિમંત કરતા હતા. દૂર
ઊભેલા તેમના કેટલાક સાથીઓ નજીક આવીને કહેવા લાગ્યા, ‘ગુરુદેવ આપનું આ ચિત્ર ખૂબ સુંદર બન્યું છે.’ પણ રવીન્દ્રનાથજીને આ ચિત્રથી સંતોષ ન હતો. એમને લાગ્યા કરતું હતું કે, એમની કલ્પનાઓ આ ચિત્રમાં બરાબર નથી ઉતારી શકાઈ. સાથીઓ જોતા રહ્યા અને એમણે આડા અવળા પીંછીના
લસરકા મારીને ચિત્રને વિ-ચિત્ર કરી નાખ્યું. ચિત્ર બગડી જતા સાથીઓ દુઃખ વ્યક્ત કરતા હતા
ત્યારે એમણે કહ્યું કે, ‘તમે જો જો આનાથી વધુ સારું બીજું સર્જન
થવાનું છે.’
કવિવર
ઘણીવાર કહેતા કે, જ્યારે બધા એમના ચિત્ર સર્જનના ખૂબ વખાણ કરે
ત્યારે એ ચિત્રને લીટા મારી નષ્ટ કરી નાખવામાં જ ખરી મઝા છે. જ્યારે એ સારૂ લાગતું ચિત્ર તમામ દ્રષ્ટિએ
બેડોળ બને ત્યારે ફરી નવું ચિત્ર બનાવવાનો
ઉમંગ પ્રગટતો હોય છે. પછી નવા ચિત્રના પ્રત્યેક અંગ ખીલી
ઊઠતા હોય છે. ગુરુદેવ આ વાતને મનુષ્યના જીવન સાથે જોડતા. માનવી જ્યારે પછડાટ ખાય છે ત્યારે પરિશ્રમ
કરીને જોમ અને જુસ્સા સાથે ફરી બેઠો થવા મથે છે. જ્યાં સુધી અંતરની ઉર્મીઓને કેનવાસ ઉપર યોગ્ય
આકાર ન મળે ત્યાં સુધી વારંવાર એને નષ્ટ કરી નવસર્જનમાં સાચા સર્જકની મોજ હોય છે. એમાં જ ઉત્તમ સર્જનની ખોજ હોય છે.
જીવનના
અસ્તાચળના સમયે ચિત્રો દ્વારા કલ્પનાને આકાર આપી નવતર દિશા ખોલનારા રવીન્દ્રનાથ
ઠાકુરનું વ્યક્તિત્વ સ્વયં એક પાઠશાળા જેવું છે. જીવનના કોઈપણ તબક્કે નવા ઉઘાડનો સ્વીકાર
જિંદગીને રસપ્રદ બનાવે છે. શિક્ષણ
ક્ષેત્રે જીવનના ચાર-પાંચ દાયકા વ્યતિત કરીને આજે ૬૫-૭૦ની ઉમરે પણ પાટનગર ગાંધીનગરમાં
વિદ્યાર્થીઓમાં શિક્ષણનો પ્રકાશ પાથરતા શૈલેષ પંડ્યા સાહેબ જેવા ભેખધારીઓને જ્યારે
જોઈએ ત્યારે અંતિમ શ્વાસ સુધી જીવનને ભરપુર માણવાનો સંદેશ રસગુલ્લાની જેમ ગળે ઉતરી
જાય છે. જીવનના પડાવ નક્કી કરવા અને એક પછી એક નવી દિશા
ખોલી એના ઉપર ચાલવું વ્યક્તિના પોતાના હાથમાં છે. ઉંમર તો માત્ર આંકડાનો ખેલ છે.
ધબકાર :
‘ચાલીસી યૌવનનો અંત છે
અને પચાસી વૃદ્ધત્વનું યૌવન છે.’ – વિક્ટર હ્યુગો

No comments:
Post a Comment